માર્કેટ સમરી
નિફ્ટી સતત બીજા દિવસે 14 હજાર નીચે બંધ આવ્યો
ભારતીય બજારે પાંચમા દિવસે ઘટાડો જાળવી રાખતાં બેન્ચમાર્ક સતત બીજા દિવસે 14 હજારના સ્તર નીચે બંધ રહ્યો હતો. બેન્ચમાર્કને 13700ના સ્તર નજીક સપોર્ટ મળ્યો હતો. જોકે તે ત્યાંથી તીવ્ર બાઉન્સ દર્શાવી શક્યો નહોતો. વૈશ્વિક બજારોમાં પણ નરમાઈ હતી અને તેથી સ્થાનિક બજારમાં તેજીવાળાઓ ફાવ્યાં નહોતાં.
બજારમાં 98 ટ્રેડિંગ સત્રો બાદ સળંગ પાંચ દિવસ ઘટાડો નોંધાયો
અગાઉ સપ્ટેમ્બર સિરિઝ દરમિયાન નિફ્ટી સતત છ ટ્રેડિંગ સત્રોમાં 11604 પરથી 10805ના સ્તર સુધી તૂટ્યો હતો
જાન્યુઆરી સિરિઝ દરમિયાન તે પાંચ દિવસોમાં 14753ના સ્તરેથી 13713ના સ્તર સુધી તૂટ્યો
શેરબજારમાં સતત ત્રણ ડેરિવેટિવ્સ સિરિઝમાં તીવ્ર પોઝીટીવ રિટર્ન દર્શાવ્યાં બાદ જાન્યુઆરી સિરિઝે નેગેટિવ બંધ દર્શાવ્યું છે. ગુરુવારે જાન્યુઆરી સિરિઝ 1.1 ટકાના ઘટાડા સાથે બંધ રહી હતી. આ અગાઉ સપ્ટેમ્બર સિરિઝમાં 6 ટકાનું નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. જોકે બંને સિરિઝ વચ્ચે ઓક્ટોબર સિરિઝે 8 ટકા, નવેમ્બર સિરિઝે 11.3 ટકા અને ડિસેમ્બર સિરિઝે 7.66 ટકાનું પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. ટ્રેડિંગ સત્રોની રીતે જોઈએ તો સપ્ટેમ્બર એક્સપાયરી બાદ 98 ટ્રેડિંગ સત્રો બાદ જાન્યુઆરીમાં બજારે સતત પાંચ દિવસો દરમિયાન નેગેટિવ બંધ દર્શાવ્યું છે.
સપ્ટેમ્બર સિરિઝમાં એક્સપાયરીના અંતિમ છ ટ્રેડિંગ સત્રોમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને નિફ્ટી તે વખતની તેની 11604ની ટોચથી તૂટતો રહીને સિરિઝના અંતિમ દિવસે 10805ના સ્તર સુધી પટકાયો હતો. માત્ર છ ટ્રેડિંગ સત્રોમાં ચતે છ ટકા જેટલો તૂટ્યો હતો. જોકે ઓક્ટોબર સિરિઝની શરૂઆતથી બજારે બાઉન્સ દર્શાવ્યું હતું અને એક પછી એક નવી ટોચ દર્શાવતો રહ્યો હતો. સતત ત્રણ સિરિઝમાં તેણે 28 ટકાનું તગડું રિટર્ન નોંધાવ્યું હતું. 21 જાન્યુઆરીમાં સેન્સેક્સે 50 હજાર અને નિફ્ટીએ 14753ની ટોચ બનાવીને શોર્ટ ટર્મ માટે ટ્રેન્ડ રિવર્સલ દર્શાવ્યું હતું. જોગાનુજોગ જાન્યુઆરીની સિરિઝમાં પણ એક્સપાયરીનું અંતિમ સપ્તાહ ઘટાડાનું બની રહ્યું હતું. બજાર તેની ટોચથી લગભગ 6 ટકા જેટલું ઘટીને બંધ આવ્યું હતું. ટ્રેડર્સ સપ્ટેમ્બરની માફક આ વખતે પણ નવી સિરિઝની શરૂઆતથી બાઉન્સ જોવા મળે છે કે નહિ તેને લઈને અસમંજસમાં છે. કેમકે આગામી સપ્તાહે બજેટ જેવી મોટી ઈવેન્ટ માથે ઊભી છે અને તેથી આ વખતે અગાઉની ઘટના રિપીટ ના થાય તેવું બને.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે સપ્ટેમ્બર એક્સપાયરી બાદ બજારમાં વિદેશી રોકાણકારોએ જબરદસ્ત ઈનફ્લો ઠાલવ્યો હતો અને તેની પાછળ માર્કેટ સતત સુધરતું જોવા મળ્યું હતું. જ્યારે જાન્યુઆરીમાં અંતિમ પખવાડિયામાં એફઆઈઆ ફ્લો ધીમો પડ્યો છે. અંતિમ ચાર ટ્રેડિંગ સત્રોથી વિદેશી રોકાણકારો ચોખ્ખી વેચવાલી દર્શાવી રહ્યાં છે. સાથે સ્થાનિક ફંડ્સનું પણ વેચાણ ચાલુ છે. આમ બજાર તત્કાળ સપોર્ટ મેળવીને બાઉન્સ થાય તેવી શક્યતા ઓછી છે. રોકાણકારો બજેટની રજૂઆત સુધી નવી ખરીદી માટે વેઈટ એન્ડ વોચનું વલણ અપનાવશે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે હાલનું બજાર ઉછાળે વેચાણનું છે. જેઓ બજારમાં ટોચના સ્તરે પ્રોફિટ બુક નથી કરી શક્યાં તેઓએ બજાર સુધરે ત્યારે નફો અંકે કરવો જોઈએ. નિફ્ટી 13700નું સ્તર તોડશે તો 13100 સુધીનો ઘટાડો દર્શાવશે. જ્યારે ઉપરમાં તેને 14100થી 14200ની રેંજમાં અવરોધ નડશે. બજારમાં વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયન વીઆઈએક્સ ગુરુવારે સાધારણ ઘટીને બંધ આવ્યો હતો. જોકે હાલમાં તે અંતિમ ચાર મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. અંતિમ સપ્તાહમાં તે 25 ટકા જેટલો ઉછળ્યો છે અને 24ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
હેવેલ્સ ઈન્ડિયાનો શેર 7 ટકા ઉછળી નવી ટોચ પર
ગુરવારે બજારમાં જળવાયેલા ઘટાડા વચ્ચે હેવેલ્સ ઈન્ડિયાના શેરે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. કંપનીનો શેર અગાઉના રૂ. 1116ના બંધ ભાવ સામે રૂ. 80ના સુધારે રૂ. 1195ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે 6 ટકા સુધારા સાથે રૂ. 1183ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 74 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. જે સાથે તે ટોચની 40 માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં પ્રવેશ પામી હતી.
પ્રતિકૂળ પરિણામો વચ્ચે એક્સિસ બેંક 6 ટકા ઉછળ્યો
ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે બુધવારે બજાર બંધ થયા બાદ અંદાજ સામે ઊતરતાં પરિણામ જાહેર કર્યાં હતાં. જોકે તેમ છતાં બેંકનો શેર 6 ટકા ઉછળીને બંધ રહ્યો હતો. એક્સિસનો શેર રૂ. 632ના અગાઉના બંધ સેમ રૂ. 674.40ની ટોચ બનાવી 6.16 ટકાના સુધારે રૂ. 671 પર દિવસની ટોચ નજીક જ બંધ રહ્યો હતો. અન્ય બેંકિંગ શેર્સે તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો ત્યારે એક્સિસ બેંકના શેરે અલગ ચાલ દર્શાવી હતી. બેંકનું માર્કેટ-કેપ રૂ. 2 લાખ કરોડ પાર કરી ગયું હતું.
મીડ-કેપ્સે લાર્જ-કેપ્સને આઉટપર્ફોર્મ કર્યાં
ગુરુવારે લાર્જ-કેપ્સમાં વેચવાલી વચ્ચે નિફ્ટી એક તબક્કે 200 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવતો હતો અને કામકાજના અંતે 149 પોઈન્ટ્સ ઘટી બંધ આવ્યો હતો. જોકે તેમ છતાં મીડ અને સ્મોલ-કેપ્સમાં સમાંતર ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3040 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1551 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1324માં અગાઉના બંધ સામે ઘટાડો જોવા મળ્યો હતો. આમ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાઈ હતી.