Market Tips

Market Summary 28 Dec 2021

માર્કેટ  સમરી

ઓલ-રાઉન્ડ લેવાલી વચ્ચે નિફ્ટી મહત્વના અવરોધને પાર કરવામાં સફળ

બેન્ચમાર્ક 147 પોઈન્ટ્સ ઉછળી 17233 પર બંધ રહ્યો

નિફ્ટી-50ના 50માંથી માત્ર ત્રણ જ કાઉન્ટર્સે સાધારણ ઘટાડો દર્શાવ્યો

બીએસઈ ખાતે 2612 શેર્સમાં તેજી સામે માત્ર 772 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો

751 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં જ્યારે માત્ર 91 કાઉન્ટર્સે લોઅર સર્કિટ દર્શાવી

નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.55 ટકાના તીવ્ર સુધારે બંધ રહ્યો

ઈન્ડિયા વીક્સ 4 ટકા ઘટી 16.47 પર બંધ રહ્યો

વૈશ્વિક બજારોમાં જાપાન, કોરિયા, તાઈવાન અને સિંગાપુરનો મજબૂત દેખાવ

 

જેની શરુઆત સારી એનો અંત પણ સારો એ ઉક્તિને સાર્થક કરતાં વર્તમાન કેલેન્ડરના આખરી ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સતત બીજા દિવસે ભારતીય બજારે સુધારો જાળવી રાખ્યો હતો અને છેલ્લાં દોઢ સપ્તાહની ટોચ પર બંધ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 147 પોઈન્ટ્સના સુધારે 17200ની સપાટીને પાર કરી 17233.25ના સ્તરે મજબૂત બંધ આપવામાં સફળ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 477.24 પોઈન્ટ્સની મજબૂતીએ 57897.48ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં 3.8 ટકાના ઘટાડો નોંધાયો હતો અને તે 16.47 પર બંધ રહ્યો હતો. નિફ્ટી-50ના માત્ર ત્રણ જ કાઉન્ટર્સ 0.3 ટકા સુધીનું નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં.

મંગળવારની બજારની તેજી છેલ્લાં ઘણા ટ્રેડિંગ સત્રોમાં સૌથી બ્રોડ બેઝ તેજી હતી. બીએસઈ ખાતે 3478 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2612 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 772 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 375 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે માત્ર 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. જો અપર સર્કિટ્સની વાત કરીએ તો 751 કાઉન્ટર્સ 5,10 કે 20 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એટલેકે નેગેટિવ બંધ આપનારા 772 કાઉન્ટર્સ કરતાં પણ અપર સર્કિટ્સમાં બંધ રહેનારા કાઉન્ટર્સની સઁખ્યા ઊંચી હતી. માત્ર 91 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં ફ્રિઝ થયાં હતાં. એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.55 ટકાનો છેલ્લાં ઘણા વખતનો ઊંચો ઉછાળો દર્શાવતો હતો. જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 1.2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.

એનાલિસ્ટ્સના મતે ભારતીય બજાર હવે ઓમિક્રોન જેવી ઘટનાને સંપૂર્ણપણે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે અને હવે ફરી તે સુધારાના માર્ગે આગળ વધે તેવી શક્યતાં છે. તેમના મતે જાન્યુઆરીની શરૂઆતથી બજેટ અગાઉનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને બજાર વિવિધ અટકળોને ડિસ્કાઉન્ટ કરવાનું શરૂ કરશે. જો નિફ્ટી 17200-17300ની રેંજને પાર કરવામાં સફળ રહેશે તો 17800 સુધીનો સુધારો શક્ય છે. જોકે બેન્ચમાર્ક સીધી દિશામાં ગતિ દર્શાવે તેવી શક્યતાં ઓછી હોવાનું તેઓ માને છે. માર્કેટ કોન્સોલિડેશન સાથે તબક્કાવાર સુધારો દર્શાવશે. જે દરમિયાન મીડ અને સ્મોલ-કેપ્સ આઉટપર્ફોર્મન્સ જાળવી રાખે તેવી શક્યતાં છે. તેમના મતે કોવિડના કેસિસ અંકુશમાં હોવાથી નાઈટ કર્ફ્યુથી આગળ લોકડાઉનથી શક્યતાં નથી અને તેથી આર્થિક કામગીરીમાં તેજીનું મોમેન્ટમ જળવાયેલુ રહેશે. જે આગામી ક્વાર્ટર્સના અર્નિંગ્સમાં પ્રતિબિંબિત પણ થશે.

મંગળવારે માર્કેટને મુખ્ય સપોર્ટ ઓટો, પીએસઈ, એનર્જી, આઈટી અને ફાર્મા સેક્ટર્સ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.34 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઓટો એન્સિલરી કંપનીઓના સારા દેખાવ પાછળ તેણે મજબૂત દેખાવ દર્શાવ્યો હતો. પબ્લિક એન્ટરપ્રાઈઝિસ ક્ષેત્રે ઓઈલ ઈન્ડિયા 6.7 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. જે ઉપરાંત આઈઆરસીટીસી, એનએચપીસી, કોલ ઈન્ડિયા, ગેઈલ અને એનટીપીસી જેવા કાઉન્ટર્સ પણ મજબૂતી સૂચવતાં હતાં. આઈટી ક્ષેત્રે એમ્ફેસિસ, એચસીએલ ટેક. અને એલએન્ડટી ઈન્ફોટેક મુખ્ય હતાં. જ્યારે ફાર્મા ક્ષેત્રે સન ફાર્મા, ડિવિઝ લેબો અને સિપ્લા સુધારો દર્શાવી રહ્યાં હતાં.

 

વૈશ્વિક બજારોમાં સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 352 પોઈન્ટ્સના સુધારે તેના વાર્ષિક ટોચ નજીક બંધ જોવા મળ્યો હતો. જ્યારે મંગળવારે ડાઉ ફ્યુચર્સ 80-100 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવતો હતો. યુરોપિયન બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. આમ ભારતીય બજારને સપોર્ટ સાંપડ્યો હતો. એશિયન બજારોમાં જાપાન, કોરિયા, તાઈવાન અને સિંગાપુરના બજારો 0.5થી 1 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.

 

રૂપિયામાં ડોલર સામે વધુ 34 પૈસાનો સુધારો

ઓમિક્રોનને લઈને ડર દૂર થતાં ઈક્વિટી માર્કેટમાં સુધારા પાછળ ફરીથી રિસ્કી એસેટ્સ માટે સેન્ટીમેન્ટ સુધરતાં રૂપિયામાં યુએસ ડોલર સામે મંગળવારે વધુ સુધારો નોંધાયો હતો. ભારતીય રૂપિયો 34 પૈસા ઉછળી 74.66ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે 3 પૈસા સુધારા સાથે ગ્રીન બેક સામે 75ના સ્તરે બંધ રહેલો રૂપિયો 74.95ના સ્તરે મજબૂત ઓપનીંગ દર્શાવી સુધરતો રહી 74.60ની ટોચ પર જોવા મળ્યો હતો અને કામકાજના અંતે 74.66ના સ્તરે મજબૂત બંધ રહ્યો હતો. તેણે 74.80 ડોલરના અવરોધને પાર કરતાં આગામી સત્રોમાં તે 74.40ની સપાટી સુધી સુધારો દર્શાવી શકે છે. એશિયન ચલણોમાં ડોલર સામે મજબૂતીએ પણ રૂપિયાને સપોર્ટ કર્યો હોવાનું ફોરેક્સ ડિલર્સ જણાવતાં હતાં.

 

2022માં 13 શહેરોમાં 5જી સર્વિસિઝ શરૂ કરવામાં આવશે

ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યા મુજબ કેલેન્ડર 2022માં દેશના મહાનગરો સહિત 13 શહેરોમાં 5જી સર્વિસિઝ શરૂ કરવામાં આવશે. આ શહેરોમાં દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પૂણે, ચેન્નાઈ, કોલકોતા, બેંગલૂરૂ, હૈદરાબાદ, ચંદીગઢ, લખનૌ, અમદાવાદ, ગાંધીનગર અને જામનગરનો સમાવેશ થતો હશે. ડોટના જણાવ્યા મુજબ ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોન આઈડિયાએ 700 મેગાહર્ટ્ઝ, 3.5 ગીગાહર્ટઝ અને 26 ગીગા હર્ટ્ઝ બેન્ડ્સના 5જી ટ્રાયલ્સ હાથ ધર્યાં છે. સાથે કંપનીઓએ એજ્યૂકેશન, એન્ટરપ્રાઈઝિસ, મોબિલિટી અને સિક્યૂરિટી ક્ષેત્રે ઈન્ડિયા-સ્પેસિફિક યુઝ કેસિસનું નિદર્શન પણ કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સ્પેક્ટ્રમ ઓક્શન સંબંધી મુદ્દાઓ જેવાકે પ્રાઈસિંગ, વેલ્યૂએશન અને રોલઆઉટ ઓબ્લિગેશન અંગે ઈન્ડસ્ટ્રીના પ્રતિભાવ માટે કન્સલ્ટેશન પેપર પણ જારી કર્યું છે.

 

એપ્રિલથી નવેમ્બર સુધીમાં 18.15 અબજ ડોલરનું વિદેશી બોરોઈંગ

આર્થિક કામગીરીમાં સુધારા સાથે ભારતીય કોર્પોરેટ જગત વિદેશમાંથી સસ્તાં નાણા ઊભા કરવામાં વ્યસ્ત બન્યું છે. આરબીઆઈના ડેટા મુજબ ચાલુ નાણાકિય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આંઠ મહિના દરમિયાન સ્થાનિક કંપનીઓએ વિદેશી બજારમાંથી 18.51 અબજ ડોલરનું ફંડ ઊભું કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં ઊભું કરવામાં આવેલા 16.56 અબજ ડોલરના ફંડની સરખામણીમાં દોઢ અબજ ડોલરની વૃદ્ધિ સૂચવે છે. અગાઉ નાણા વર્ષની શરૂમાં કોવિડના બીજા વેવ પાછળ મે મહિના દરમિયાન ઈસીબી મારફતે ઊભી થયેલી રકમ ગગડીને માત્ર 70 કરોડ ડોલર પર જોવા મળી હતી. જે અઢી વર્ષની સૌથી નીચી રકમ હતી. તે વખતે મંદ સેન્ટીમેન્ટને કારણે કંપનીઓએ નાણા ઉઘરાવવાની યોજનાઓ બંધ રાખી હતી. જોકે જુલાઈ મહિનાથી ઈસીબીમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે 2019-20માં પ્રથમ આંઠ મહિનામાં 30.69 અબજ ડોલરની સરખામણીમાં ચાલુ વર્ષે હજુ પણ વિદેશમાં ફંડ રેઈઝીંગ નીચું જોવા મળી રહ્યું છે.

 

 

નવા કેલેન્ડરમાં પણ IPO માર્કેટમાં તેજી જળવાશે

કોર્પોરેટ્સ પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 1.5 લાખ કરોડ એકત્ર કરે તેવી શક્યતાં

2022માં એલઆઈસીનો આઈપીઓ મુખ્ય રહેશે તે સિવાય ઘણી ન્યૂ એજ ટેક કંપનીઓ બજારમાં પ્રવેશશે

 

નવા કેલેન્ડર 2022માં પણ દલાલ સ્ટ્રીટ ખાતે નવા આરંભિક ભરણાઓનો ધસારો જળવાય રહેવાની અપેક્ષા છે અને કંપનીઓ પ્રાઈમરી માર્કેટ મારફતે રૂ. 1.5 લાખ કરોડની વિક્રમી રકમ ઊભી કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. બે દાયકાઓ બાદ કેલેન્ડર 2021 આઈપીઓ માટે શ્રેષ્ઠ સાબિત થયું હતું અને તે મોમેન્ટમ નવા વર્ષે પણ જળવાય શકે છે.

સિસ્ટમમાં અધિક લિક્વિડિટી અને રિટેલ ઈન્વેસ્ટરના પાર્ટિસિપેશનમાં વૃદ્ધિને જોતાં ઈનિશ્યલ પબ્લિક ઓફર ક્ષેત્રે ઉન્માદ જળવાયેલો રહી શકે છે. 2021માં કંપનીઓએ કોવિડના પડકારનો સામનો કરવાસાથે રૂ. 1.2 લાખ કરોડનું ભરણું એકત્ર કર્યું હતું. નવા કેલેન્ડરમાં સરકાર માટે મહત્વાકાંક્ષી એવા એલઆઈસીના આઈપીઓ થકી પ્રાઈમરી માર્કેટમાંથી જંગી ફંડ ઊભું કરવામાં આવશે. એ સિવાય અનેક ન્યૂ-એજ ડિજિટલ પ્લેયર્સ પણ ઈનિશ્યલ શેર સેલ્સ સાથે બજારમાં પ્રવેશવાનું વિચારી શકે છે. એલઆઈસીનો આઈપીઓ માર્ચ મહિનામાં બજારમાં પ્રવેશે તથા કંપની રૂ. 40-50 હજાર કરોડનું ફંડ મેળવે તેવી શક્યતાં છે. જોકે તાજેતરમાં ઓમીક્રોનને લઈને જોવા મળી રહેલી ચિંતા બજાર પર અસર કરી શકે છે. ઈક્વિરીઅસ કેપિલ માર્કેટ્સ્સના એમડી જણાવે છે કે આગામી સમયગાળામાં વ્યાજ દરોમાં વૃદ્ધિ નિશ્ચિત છે તે જોતાં વર્તમાન ઉન્માદ થોડો શમી શકે છે. જોકે અમે પ્રાઈમરી માર્કેટ એકદમ કડડભૂસ થઈ જાય તેવી અપેક્ષા નથી રાખી રહ્યાં. એલઆઈસીના લિસ્ટીંગને જોતાં 2022માં આઈપીઓ મારફતે કુલ રૂ. 1.25-1.5 લાખ કરોડની રેંજમાં ભંડોળ ઊભું થાય તેવી શક્યતા તેઓ દર્શાવે છે. આઈઆઈએફએલ સિક્યૂરિટીઝના રિટેલ બિઝનેસ સીઈઓના જણાવ્યા મુજબ 2022માં આપણે આઈપીઓ મારફતે વિક્રમી ફંડ રેઈઝીંગ જોઈ શકીએ છીએ અને તેમાં એલઆઈસી અત્યાર સુધીના તમામ આઈપીઓ માટે મધર આઈપીઓ હશે. સાથે ભારતીય બજાર વૈશ્વિક રોકાણકારોને પણ નોંધપાત્ર પ્રમાણમાં આકર્ષશે એમ તેઓ જણાવે છે. અર્ન્સ્ટયંગના ઈમર્જિંગ માર્કેટ્સ લીડરના જણાવ્યા મુજબ 2021 ન્યૂ એજ ટેક કંપનીઓના બજાર પર લિસ્ટીંગ સાથે ભારતીય આઈપીઓ માર્કેટ માટે એક ઉત્તમ વર્ષ બની રહ્યું હતું. સાથે ડાવર્સિફાઈડ અને ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડ્ક્ટ્સ તથા રિટેલ સેક્ટર્સ તરફથી પણ કંપનીઓ બજારમાં પ્રવેશી હતી. 2021માં રોકાણકારોનું સેન્ટીમેન્ટ મજબૂત જળવાયું હતું અને આગળ 2022માં પણ આ મોમેન્ટમ જળવાયેલું રહેશે. જોકે બીજી બાજુ એક વર્ગ માને છે કે 2022 એ પૂરા થવા જઈ રહેલા વર્ષ જેટલી તેજી નહિ દર્શાવે. પ્રભુદાસ લીલાધરના ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ હેડના જણાવ્યા મુજબ નવા કોવિડ વેરિઅન્ટનો ખતરો ઝળૂંબી રહ્યો છે અને તેથી આગામી વર્ષે માર્કેટ સેન્ટિમેન્ટ કેવું રહે છે તેના પર બધો આધાર છે.

 

 

ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે 2021માં આઈપીઓ ફી પેટે વિક્રમી રૂ. 2600 કરોડ મેળવ્યાં

2021માં 110થી વધુ કંપનીઓએ બજારમાંથી 18 અબજ ડોલરનું વિક્રમી ભરણું ઉઘરાવ્યું

2017માં ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે મેળવેલી રકમ કરતાં ચાલુ વર્ષે ચારગણી કમાણી કરી  

 

ભારતીય ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ માટે 2021નું વર્ષ તગડી કમાણીનું બની રહ્યું છે. શેરબજારમાં લગભગ બારેય મહિના દરમિયાન ભરપૂર આઈપીઓ સિઝન જળવાતાં બેંકર્સે આઈપીઓ ફી પેટે રૂ. 2600 કરોડ(34.7 કરોડ ડોલર)ની વિક્રમી રકમ મેળવી છે. લગભગ દસેક અગ્રણી બેંકર્સે આમાંનો મોટાભાગનો હિસ્સો મેળવ્યો છે.

કેલેન્ડર 2021માં 100થી વધુ કંપનીઓએ ભારતીય શેરબજાર પર લિસ્ટીંગ કરાવ્યું હતું. જેમાં ઓનલાઈન ગ્રોસર્સથી ફૂડ ડિલીવરી અને બ્યૂટી સ્ટાર્ટઅપ્સ સહિતની કંપનીઓનો સમાવેશ થતો હતો. તમામ કંપનીઓએ મળીને કુલ 18 અબજ ડોલરનું ફંડ ઊભું કર્યું હતું. જ્યારે આઈપીઓને સફળ બનાવનારા ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે અગાઉ 2017માં મેળવેલી ફીની રકમ કરતાં ચાર ગણાથી વધુ રકમ મેળવી હતી. કોટક મહિન્દ્રા કેપિટલના ઈક્વિટી કેપિટલ માર્કેટ્સના હેડ જણાવે છે કે તેમની 30-વર્ષોની કારકિર્દીમાં 2021નું વર્ષ અસાધારણ બની રહ્યું હતું. બજારમાં મોટી સંખ્યામાં આઈપીઓ ઉપરાંત મોટા કદના આઈપીઓ જોવા મળ્યાં હતાં અને તેને કારણે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સની ફીની કમાણીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. સામાન્યરીતે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ 2 ટકાની આસપાસ ફી વસૂલતાં હોય છે.

ભારતીય શેરબજારમાં પ્રવેશેલાં અગ્રણી આઈપીઓણાં પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિ., ઝોમેટો લિ. અને પીબી ફિનટેક લિ.નો સમાવેશ થાય છે. આ કંપનીઓએ બજારમાંથી રૂ. 32-33 હજાર કરોડની રકમ ઊભી કરી હતી. જેમાં પેટીએમની માલિક કંપનીએ રૂ. 18200 કરોડ ઊભાં કર્યાં હતાં. જ્યારે ઝોમેટોએ રૂ. 9200 કરોડ અને પીબી ફિનટેકે લગભગ રૂ. 6000ની રકમ મેળવી હતી. આ મોટા આઈપીઓને કારણે કંપનીઓએ વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં ફીનો 50 ટકા હિસ્સો મેળવ્યો હતો. આગામી વર્ષે પણ અનેક મોટા આઈપીઓ પાઈપલાઈનમાં છે અને તેથી ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ માટે તગડી ફી કમાણી ચાલુ રહેશે. 2020માં જોવા મળનારા અગ્રણી આઈપીઓમાં એલઆઈસી ઉપરાંત એસબીઆઈની એસેટ મેનેજમેન્જ કંપની, મોર રિટેલ, ફ્લિપકાર્ટ ઓનલાઈન તથા ડિજિટલ એજ્યૂકેશન સ્ટાર્ટ-અપ બાઈજુસનો સમાવેશ થાય છે. જોકે સેકન્ડરી માર્કેટમાં બજારમાં મજબૂતી હશે તો જ આ કંપનીઓ પ્રાઈમરી માર્કેટના દ્વાર ખખડાવી શકશે એમ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ જણાવે છે.

2021માં ભારતમાં ટોચના IPO એડવાઈઝર્સ

કંપની                  વોલ્યુમ(કરોડ ડોલરમાં)        વેઈટેડ એવરેજ ડિસ્ક્લોઝ્ડ ફી(ટકામાં)

આઈસીઆઈસીઆઈ             22.09                         1.93

એક્સિસ બેંક                    19.57                          2.03

કોટક મહિન્દ્રા બેંક              15.81                          2.28

સિટી                            12.49                          2.20

જેએમ ફાઈનાન્સિયલ           9.86                           2.33

આઈઆઈએફએલ ફાઈનાન્સ    8.85                           2.33

મોર્ગન સ્ટેનલી                  8.82                           2.59

એડલવેઈસ ફાઈનાન્સિયલ      7.47                           2.34

ક્રેડિટ સ્વીસ                     7.26                           2.15

જેપી મોર્ગન                    7.21                           1.84

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

8 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

8 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

8 months ago

This website uses cookies.