બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
IT, FMCG સેક્ટર પાછળ શેરબજાર પર દબાણ
નિફ્ટી 19500નું લેવલ જાળવી શક્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ઉછળી 12.82ના સ્તરે
નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો
એમસીએક્સ ઈન્ડિયા, ફિનોલેક્સ કેબલ્સ, સીએસબી બેંક નવી ટોચે
ગુજરાત ગેસ, વેદાંતામાં નવા તળિયા
ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને એફએમસીજી કાઉન્ટર્સમાં ભારે વેચવાલી વચ્ચે શેરબજારમાં સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 610 પોઈન્ટ્સ ગગડી 65508ની સપાટીએ જ્યારે નિફ્ટી 50 193 પોઈન્ટ્સ ગગડી 19523ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે કામગીરી સામાન્ય જળવાય હતી અને બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3790 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2050 નેગેટિવ બંધ દર્શાવતા હતાં. જ્યારે 1613 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 202 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ઉછળી 12.82ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સતત વેચવાલીનો અનુભવ કર્યો હતો. અગાઉના 19716ના બંધ સામે નિફ્ટી 19762 પર ખૂલી ઉપરમાં 19767ની સપાટીએ ટ્રેડ થઈ ગગડતો રહ્યો હતો. દિવસની આખરના ભાગમાં તે 19500ની સપાટી તોડી 19492ના તળિયે ટ્રેડ થયો હતો જ્યાંથી સાધારણ સુધારે 19500ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સપ્ટેમ્બર એક્સપાયરી ફ્યુચર કેશ નિફ્ટી સામે 1 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો હતો. જ્યારે નવી સિરિઝ ફ્યુચર 121 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19655 પર બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ 19550-19600ની રેંજનો સપોર્ટ ગુમાવ્યો હતો. જે ચિંતાની બાબત છે. જો 19500નું લેવલ પણ તૂટશે તો 19200-19300ની સપાટી જોવા મળી શકે છે.
નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં લાર્સન, પાવર ગ્રીડ કોર્પો., ભારતી એરટેલ, એક્સિસ બેંક, ઓએનજીસી, એસબીઆઈનો સમાવેશ થતો હતો. બેન્ચમાર્ક્સના 50માંથી માત્ર 6 કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે 44 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. આઈટી કાઉન્ટર્સ ઘટવામાં અગ્રણી હતાં. ટેક મહિન્દ્રા લગભગ 5 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત, એશિયન પેઈન્ટ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, ડિવિઝ લેબ્સ, વિપ્રો, બ્રિટાનિયા, એમએન્ડએમ, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ, આઈટીસી, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, હિંદાલ્કો, એપોલો હોસ્પિટલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ જોવા મળતાં હતાં. જેમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.2 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. તેના ઘટકોમાં ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજીમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી એફએમસીજી પણ 2 ટકા પટકાયો હતો. જેના ઘટકોમાં મેરિકો 4 ટકાથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત પીએન્ડજી, કોલગેટ, ડાબર ઈન્ડિયા, બ્રિટાનિયા, આઈટીસી, એચયૂએલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.2 ટકા ગગડ્યો હતો. જેમાં અશોક લેલેન્ડ, એમએન્ડએમ, સોના બીએલડબલ્યુ, એમઆરએફ, હિરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, તાતા મોટર્સ નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એમસીએક્સ ઈન્ડિયા 8.24 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, સીજી કન્ઝ્યૂમર, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, લાર્સન, સિન્જિન, મણ્ણાપુરમ ફાઈ., ટોરેન્ટ ફાર્મા, ટાટા કોમ્યુનિકેશન, પાવર ગ્રીડ કોર્પો., ભારતી એરટેલ, બોશ, એલએન્ડટી ફાઈનાન્સ મજબૂત જોવા મળ્યાં હતાં. બીજી બાજુ, બર્ગર પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, મેરિકો, એશિયન પેઈન્ટ્સ, ક્યુમિન્સ, મેટ્રોપોલીસ, કોલગેટ, બિરલોસોફ્ટ, એસ્કોર્ટ્સ કુબોટા, એચડીએફસી એએમસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમસીએક્સ ઈન્ડિયા, ફિનોલેક્સ કેબલ્સ, સીએસબી બેંક, આઈઓબી, સનટેક રિઅલ્ટી, ઓઈલ ઈન્ડિયા, લાર્સન, થર્મેક્સનો સમાવેશ થતો હતો. જ્યારે ગુજરાત ગેસ, હિંદુજા ગ્લોબલ, વેદાંતને નવું વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડે કેલેન્ડરમાં મોટાભાગનો સુધારો ગુમાવ્યો
એક તબક્કે 8 ટકાથી વધુના રિટર્ન સામે હાલમાં માત્ર 2.85 ટકાનું રિટર્ન બચ્યું
ડોલર ઈન્ડેક્સે કેલેન્ડરમાં 3 ટકાનું રિટર્ન દર્શાવ્યું
યુએસ ફેડના હોકિશ વલણ પાછળ ડોલર અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી પાછળ ગોલ્ડના ભાવે બુધવારે મહત્વનો સપોર્ટ તોડ્યો હતો. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1900 ડોલર નીચે ઉતરી ગયો હતો. ગુરુવારે તે એક ડોલર સુધારા સાથે 1892 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. જે તેનું બે મહિના આસપાસનું તળિયું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 175ના ઘટાડે રૂ. 57497ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. આમ તેણે રૂ. 58 હજારનો સપોર્ટ તોડ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 106.47ની છ મહિનાની ટોચ દર્શાવતો હતો. જ્યારે યૂએસ ખાતે 30-વર્ષો માટેના બોન્ડ યિલ્ડ્સે 4.768ની 15-વર્ષોની નવી ટોચ દર્શાવી હતી.
ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડની શરૂઆત ખૂબ સારી રહી હતી. એપ્રિલ મહિના સુધી તેમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળ્યો હતો અને કોમેક્સ ગોલ્ડ જોતજોતામાં 2000 ડોલરની સપાટી પાર કરી 2080 ડોલરની ટોચને સ્પર્શ્યું હતું. જોકે, ત્યાંથી તે પરત ફર્યું હતું અને તાજેતરમાં 1890 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ 1875 ડોલર સુધી ગગડી શકે છે. બુધવારે ગોલ્ડમાં 1900 ડોલરનું સાયકોલોજિકલ લેવલનું તૂટવું એ મહત્વનું બ્રેકડાઉન હતું. જેને જોતાં ગોલ્ડમાં ઝડપી બાઉન્સની શક્યતાં ઓછી છે. બુધવારના ઘટાડા પછી ગોલ્ડ હજુ પણ કેલેન્ડરમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જોકે, શરૂઆતી ત્રણ મહિનામાં 9 ટકાના રિટર્ન સામે તે ઘટીને માત્ર 2.8 ટકા પર રહી ગયું છે. એમસીએક્સ ખાતે જોઈએ તો ગોલ્ડ 4.5 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યું છે. છેલ્લાં બે મહિનામાં ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે આમ બન્યું છે. જોકે, ગોલ્ડ તેની રૂ. 62000ની સર્વોચ્ચ સપાટીની સરખામણીમાં રૂ. 4500 ઘટાડો સૂચવી રહ્યું છે. જો, યુએસ ફેડના વલણમાં કોઈ આકસ્મિક ફેરફાર જોવા મળે તો જ ગોલ્ડમાં ઝડપી સુધારીની શક્યતાં છે. અન્યથા ગોલ્ડ કોન્સોલિડેશમાં જળવાય રહે તેમ એનાલિસ્ટ્સનું માનવું છે. હાલમાં, તો ગોલ્ડની તેજી માટે ડોલર વિલેન બન્યો છે. જો તે ફરીથી ગગડી 103ની સપાટી ઉતરી જાય તો ગોલ્ડમાં ટ્રેડર્સ પરત ફરી શકે છે.
સ્ટાર્ટઅપ્સે 2022ની શરૂઆતથી 32 હજાર કર્મચારીઓની છટણી કરી
એડટેક સાહસ બાઈજુસે સૌથી વધુ કર્મચારીઓને છૂટાં કર્યાં
ભારતીય સ્ટાર્ટઅપ્સે 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 32 હજાર કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કર્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ યુનિકોર્ન એવી એડટેક કંપની બાઈજુસે એકલી એ જ 10 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે. તાજેતરમાં કંપનીએ કરેલી 4 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.
સ્ટાર્ટઅપ્સ તરફથી કરવામાં આવેલી 95 ટકા છટણીઓનો મુખ્ય હેતુ કંપનીના ખર્ચમાં ઘટાડાનો અને નફાકારક્તાને મહત્વ આપવાનું હોવાનું વર્તુળોનું કહેવું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી જોકે સ્ટાર્ટઅપ્સ તરફથી છટણીમાં ઘટાડો જોવા મળી રહ્યું છે. જે સૂચવે છે કે ખરાબ સમયગાળો પૂરો થવામાં છે. જોકે, 2023માં લગભગ 49 જેટલા સ્ટાર્ટઅપ્સ 13 હજાર કર્મચારીઓને જોબ્સમાંથી છૂટાં કરી ચૂક્યાં છે. એ વાત નોંધવી રહી કે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં નોકરીમાંથી દૂર કરવાનું પ્રમાણ આનાથી ઊંચું હોય શકે છે, કેમકે ઘણા કર્મચારીઓ ચૂપચાપ છટણી કરી રહ્યાં છે. આશ્ચર્યની બાબત એ છે કે ગયા વર્ષે 51 સ્ટાર્ટઅપ્સે તેમના કર્મચારીઓને છૂટાં કર્યાં હતાં. જેમાંથી 49એ ચાલુ વર્ષના શરૂઆત નવ મહિનામાં છટણીમાં ઉમેરો કર્યો હતો. જ્યારે આમાંથી કેટલાંક સ્ટાર્ટઅપ્સે નિરંતર છટણી જાળવી રાખી હતી. જેમાં ડુન્ઝો, બાઈજુસ, ક્યૂમેથ જેવા નામોનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી એડટેક બાઈજુસે નવી નવા સીઈઓની નિમણૂંક પછી પ્રથમ કામગીરીમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. નિઓબેંકિંગ સ્ટાર્ટઅપ એફઆઈ તેના 10 ટકા સ્ટાફને છૂટો કરશે એવા અહેવાલ બુધવારે પ્રકાશિત થયાં હતાં. કંપની તેમાસેક, આલ્ફા વેવ વેન્ચર્સ અને પીક એક્સવી(અગાઉ સિક્વોઈઆની ભારતીય પાંખ) જેવા રોકાણકારોનું સમર્થન ધરાવે છે.
વેદાંતાની બિઝનેસને કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં રિસ્ટ્રક્ચર કરવાની યોજના
જો જૂથ આમ કરવામાં સફળ થશે તો કંપનીનું ડેટ ભારણ હળવું થઈ શકશે
અગાઉ અનિલ અગ્રવાલે તમામ બિઝનેસને અલગ લિસ્ટેડ કંપનીમાં ફેરવવાની શક્યતાં વ્યક્ત કરી હતી
દેવાના જંગી બોજ હેઠળ લદાયેલી વેદાંતા લિ. તેની મુશ્કેલીને હળવી કરવા માટે વેલ્યૂઅનલોકિંગ માટે વિચારી રહી છે. જેના ભાગરૂપે તે વર્તમાન બિઝનેસને અલગ-અલગ વર્ટિકલ્સમાં વિભાગી તેમનું લિસ્ટીંગ કરાવવાની તૈયારીમાં પડી છે. જો અનિલ અગ્રવાલની કંપનીનો પ્રયાસ સફળ થશે તો કંપનીના ડેટના બોજને ઘણે અંશે હળવો કરી શકાશે એમ માનવામાં આવે છે. ગુરુવારે આ અહેવાલ પાછળ વેદાંતનો શેર ઘટટો અટક્યો હતો અને કામકાજની આખરમાં રૂ. 208.35ની સપાટીએ ફ્લેટ બંધ રહ્યો હતો.
અગાઉ કંપનીના ચેરમેન અગ્રવાલ કંપનીના બિઝનેસના ડિમર્જરની શક્યતાં હોવાનું જણાવી ચૂક્યાં છે. જેનો હેતુ ડેટ બર્ડનને ઓછો કરવનો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ કંપનીએ તેના લેન્ડર્સને રિસ્ટ્રક્ચરિંગ માટે જણાવી દીધું છે અને ટૂંક સમયમાં તે આની જાહેરાત કરશે. જેમાં એલ્યુમિનિયમ, ઓઈલ એન્ડ ગેસ અને આર્યન અને સ્ટીલ બિઝનેસનું અલગ-અલગ લિસ્ટીંગ કરાવવામાં આવશે. આ ડિમર્જર વેદાંતાની પેરન્ટ કંપની વેદાંતા રિસોર્સિસને ડેટનું વધુ સારી રીતે સંચાલન કરવામાં સહાયરૂપ બનશે. જ્યારે વેદાંતા રિસોર્સિસ નવી લિસ્ટેડ કંપનીઓ માટે હોલ્ડિંગ કંપની તરીકે ચાલુ રહેશે. ગયા મહિને અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ તેમના કેટલાંક બિઝનેસિસનું અલગ લિસ્ટીંગની શક્યતાં જોઈ રહ્યાં છે. જેમાં મેટલ્સ, માઈનીંગ અને ઓઈલ એન્ડ ગેસનો સમાવેશ થાય છે.
વેદાંતાના શેરમાં છેલ્લાં મહિનામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ કંપનીની ડેટ રિપેમેન્ટમાં અક્ષમતાને લઈ ચિંતા જવાબદાર હતી. કંપનીના શેરે બુધવારે તેનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસે કંપનીના કોર્પોરેટ ફેમિલી રેટિંગને ડાઉનગ્રેડ કરવાને કારણે આમ બન્યું હતું. મૂડીઝે રેટીંગ Caa1 પરથી ઘટાડી Caa2 કર્યું હતું. અગાઉ સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે વેદાંતના આઉટલૂકને નેગેટિવ કર્યું હતું. કંપનીના વધુ પડતાં ફાઈનાન્સિયલ લેવરેજને કારણે તેણે આમ કર્યું હતું. ઈન્ડિયા રેટિંગ્સે પણ ઊંચા બોરોઈંગ ખર્ચ પાછળ રિફાઈનાન્સિંગના ઊંચા રિસ્ક પાછળ કંપનીના આઉટલૂકને નેગેટિવ કર્યું હતું.
છેલ્લાં ત્રણ મહિનામાં વેદાંતનો શેર 24 ટકા જેટલો ઘટ્યો છે. જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ 5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહે વેદાંતના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે એનસીડી ઈસ્ય કરી રૂ. 2500 કરોડ ઊભા કરવાની મંજૂરી આપી હતી. બોર્ડે રૂટિન રિફાઈનાન્સિંગ કામગીરીના ભાગરૂપે આમ કર્યું હતું.
શેરબજારમાં તેજી અટકતાં રોકાણકારો ડિવિડન્ડ શેર્સ તરફ વળ્યાં
નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટી ઈન્ડેક્સે 22 ટકા રિટર્ન સાથે 13-વર્ષોમાં સૌથી મોટું આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું
નિફ્ટી અને નિફ્ટી ડિવિડન્ડ ઓરોર્ચ્યુનિટી વચ્ચેનો ગાળો 2010ની ટોચ નજીક
દેશમાં ટોચનું ડિવિડન્ડ આપતી કંપનીઓના દેખાવને દર્શાવતો ઈન્ડેક્સ છેલ્લાં 13-વર્ષોમાં સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો છે. ચાલુ કેલેન્ડરમાં તેણે અત્યાર સુધીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જે દર્શાવે છે કે ઈન્વેસ્ટર્સ શેરબજારમાં સંભવિત વેચવાલીની સામે ઊંચા ડિવિડન્ડ યિલ્ડ દર્શાવતી કંપનીમાં હેજિંગ કરી રહ્યાં છે.
કેલેન્ડરમાં અત્યાર સુધીમાં એનએસઈ નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટી 50 ઈન્ડેક્સ 22 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. જે બેન્ચમાર્ક નિફ્ટીના 9 ટકા રિટર્નની સરખામણીમાં ઘણું ઊંચું છે. જેને કારણે કેલેન્ડર બંને ઈન્ડેક્સ વચ્ચે 2010માં જોવા મળતો હતો તેટલો ગાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીએ ચાલુ મહિનાની શરૂમાં તેની સર્વોચ્ચ ટોચ બનાવી હતી. એનએસઈ ખાતે લિસ્ટેડ ટોચની 200 કંપનીઓમાંથી 66 ટકા કંપનીઓ તેમના 52-સપ્તાહના તળિયાથી 50 ટકા કરતાં ઊંચા સ્તરે ટ્રેડ દર્શાવી રહી છે. જોકે, રોકાણકારોમાં પ્રોફિટ બુકિંગ પાછળ તેજી થાક ખાતી જોવા મળી રહી છે. જે સ્થિતિમાં સ્માર્ટ ઈન્વેસ્ટર્સ તેમના નાણાને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અગ્રણી બ્રોકરના એનાલિસ્ટ્સના મતે છેલ્લાં ત્રણ મહિનાથી માર્કેટમાં સતત સુધારા પછી હવે રોકાણકારો રિટર્ન કરતાં નાણાની સુરક્ષા પર ભાર મૂકી રહ્યાં છે. આ સ્થિતિમાં તેમને ડિવિડન્ડ યિલ્ડ સ્ટોક્સ સારા જણાય રહ્યાં છે. જો બજારમાં કોઈ નોંધપાત્ર કરેક્શન જોવા મળશે તો તેવી સ્થિતિમાં હાઈ-ડિવિડન્ડ યિલ્ડિંગ સ્ટોક્સ સુરક્ષા પૂરી પાડી શકે છે.
સરકાર નવી સિઝનમાં સુગર નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતાં
30 સપ્ટેમ્બરે પૂરી થતી સિઝનમાં સરકારે 61 લાખ ટન સુગર નિકાસ માટેની છૂટ આપી હતી
તેની અગાઉના વર્ષે દેશમાંથી વિક્રમી 1.11 કરોડ ટન સુગર નિકાસ જોવા મળી હતી
આગામી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવી સુગર માર્કેટિંગ સિઝનમાં કેન્દ્ર સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતાં સરકારી વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. આ સંદર્ભમાં પ્રથમ નવેમ્બર સુધીમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા હોવાનું તેઓ ઉમેરે છે. સુગર વર્ષની શરૂઆત ઓક્ટોબરમાં જ્યારે તેની સમાપ્તિ સપ્ટેમ્બરમાં થતી હોય છે.
2021-22(ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાંથી 1.1 કરોડ ટન સુગરની વિક્રમી નિકાસ પછી સરકારે ચાલુ વર્ષ 2022-23માં સ્થાનિક સપ્લાયની ખાતરી માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. બે દિવસ પછી સમાપ્ત થઈ રહેલા વર્ષમાં દેશમાંથી 61 લાખ ટન આસપાસ ખાંડ નિકાસ થઈ હતી. ખાંડના ભાવમાં વૃદ્ધિ સાથે સરકારે નિકાસ ક્વોટામાં ઘટાડો કર્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ સરકારનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં ખાંડના ભાવને નીચે જાળવી રાખવાનો છે. ચાલુ ચોમાસામાં સરેરાશથી ઓછા વરસાદને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના શેરડી પકવતાં વિસ્તારોમાં પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડાની ચિંતા સેવાઈ રહી છે. આ બંને રાજ્યો દેશમાં ખાંડના ઉત્પાદનનો 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં તેમણે સરેરાશના 50 ટકાથી નીચો વરસાદ નોંધાવ્યો હતો. જોકે, પાછળથી વરસાદ થવાથી સમગ્ર દેશમાં વરસાદની ખાધ 31 ઓગસ્ટના રોજ 10 ટકા પરથી ઘટી 25 ઓગસ્ટે 5 ટકા પર જોવા મળી હતી. જોકે, તેમ છતાં ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાંને નકારી શકાય નહિ એમ વર્તુળોનું કહેવું છે.
નીતિ આયોગ સભ્ય રમેશ ચંદે શેરડીના ઉત્પાદનને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં શેરડીનું ઉત્પાદન સારુ જોવા મળ્યું હતું. જોકે તેનો નોંધપાત્ર હિસ્સો ઈથેનોલની ક્ષમતા ઊભી કરવામાં વપરાયો હતો.
ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. તેમજ તાજેતરના વર્ષોમાં તે સૌથી મોટો નિકાસકાર બન્યો હતો. જોકે, છેલ્લાં વર્ષોમાં શેરડીનો ઉપયોગ ઈથેનોલ ઉત્પાદનમાં વધી રહ્યો છે. જેને કારણે સુગરના ઉત્પાદન પર અસર પડી છે. 2022-23 સિઝનમાં 45 એલએમટી અધિક સુગરને ઈથેનોલના ઉત્પાદન માટે વાળવામાં આવી હતી. 2025 સુધીમાં સરકારનો ટાર્ગેટ 60 એમએમટી અધિક સુગરને ઈથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરવાનો છે.
વરસાદને લઈને અનિયમિતતાને કારણે દેશ મહત્વના ખાદ્યાન્ન ઉત્પાદનમાં સંભવિત ઘટાડાનો સામનો કરી રહ્યો છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે સપ્લાયની તંગીને કારણે ભાવ અસાધારણ ઊંચી સપાટીએ જોવા મળી રહ્યાં છે. જેને કારણે જુલાઈમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન 15-મહિનાની 7.44 ટકાની ટોચ પર જોવા મળ્યું હતું. જે આગામી કેટલાંક મહિનાઓમાં પણ ઊંચા સ્તરે જળવાયેલું રહે તેવી અપેક્ષા છે. ખાંડના ભાવ પણ છેલ્લાં એક મહિનામાં 2.5 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં હોવાનું ગ્રાહક બાબતોના વિભાગનો ડેટા જણાવે છે. ઓગસ્ટ માટે કોમોડિટી માટેનો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ફ્લેશન 3.8 ટકા નોંધાયું હતું. વૈશ્વિક સ્તરે પણ સુગરના ભાવ ઓગસ્ટમાં 1.3 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં.
સપ્લાયને લઈ વધતી ચિંતા પાછળ ક્રૂડના ભાવ વર્ષની ટોચે
બ્રેન્ટ ક્રૂડ વાયદો ગુરુવારે સવારના સત્રમાં 97 ડોલરની સપાટીએ ટ્રેડ થયો
છેલ્લાં મહિનામાં બ્રેન્ટ વાયદમાં 15 ડોલરની તીવ્ર વૃદ્ધિ જોવા મળી
અગ્રણી ઉત્પાદકો તરફથી ક્રૂડ સપ્લાયમાં ઘટાડા વચ્ચે શોર્ટેજને લઈ વધતી ચિંતા પાછળ કોમોડિટીના ભાવમાં મજબૂતી આગળ વધી છે. ઓગસ્ટમાં 13 ટકા ઉછાળા પછી સપ્ટેમ્બરમાં પણ બ્રેન્ટ ક્રૂડ વાયદો સુધરતો જોવા મળ્યો છે. ગુરુવારે તેણે ત્રણ ટકા ઉછળી 97 ડોલર પ્રતિ બેરલની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જો આ ટ્રેન્ડ આગળ લંબાશે તો 2022 પછીની સૌથી મોટી તેજી જોવા મળશે એમ નિષ્ણાતોનું કહેવું છે.
ક્રૂડના વધતાં ભાવ ભારત માટે નેગેટીવ પરિબળ છે. દેશ વિશ્વમાં ત્રીજા ક્રમનો ક્રૂડ આયાતકાર છે. દેશની 85 ટકા ક્રૂડ જરૂરિયાત આયાત મારફતે પૂરી થાય છે. બુધવારે યુએસ ખાતે ક્રૂડ ઈન્વેન્ટરી 2.2 કરોડ બેરલ્સની લઘુત્તમ જરૂરિયાત કરતાં નીચે ઉતરી જતાં ગુરુવારે કોમોડિટીના ભાવમાં તેજી જોવા મળી હતી. બીજી બાજુ સાઉદી અરેબિયા અગાઉથી જ ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરી ચૂક્યો છે. જ્યારે રશિયાએ ક્રૂડ નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં છે. જે ઓઈલના ભાવમાં વૃદ્ધિને પોરસી રહ્યાં છે એમ એક્સપર્ટ્સ જણાવે છે. તેઓ આગામી સમયમાં ક્રૂડના ભાવમાં વધુ વૃદ્ધિની શક્યતાં દર્શાવી રહ્યાં છે. કેમકે હેજ ફંડ્સ ફેબ્રુઆરી 2022ની જેમ જ બુલીશ બેટ્સ લઈ રહ્યાં છે. ગઈ 23 ઓગસ્ટે ક્રૂડના ભાવ 82 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જે 28 સપ્ટેમ્બરે 97 ડોલર પર જોવા મળ્યાં હતાં. આમ લગભગ એક મહિનામાં તેમાં 15 ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી. જો ઓઈલ ઉત્પાદક દેશો સપ્લાય પર અંકુશ જાળવવાની નીતિને ત્યજશે નહિ તો ક્રૂડના ભાવ ટૂંક સમયમાં ત્રણ આંકડામાં ટ્રેડ થાય તેવી ઊંચી શક્યતાં છે. જે ભારત જેવા દેશ માટે ફુગાવાને વેગ આપી શકે છે.
ઓપેક અને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA) તથા યુએસ એનર્જી ઈન્ફોર્મેન્શન એડમિનિસ્ટ્રેશન(EIA) જેવી સંસ્થાઓએ 2023ના ચોથા ક્વાર્ટર માટે ક્રૂડ સપ્લાયમાં ખાધની આગાહી કરી છે. તેમના મતે હાલમાં વૈશ્વિક સ્તરે સપ્લાય ઘટી રહ્યો છે. જ્યારે માગ સ્થિર જળવાય રહી છે. ઓપેકના અંદાજ મુજબ ક્રૂડ પુરવઠામાં પ્રતિ દિવસ 33 લાખ બેરલ્સની ખાધ જોવા મળશે. જ્યારે આઈઈએના મતે દૈનિક 11 લાખ બેરલ્સની ખાધ જોવાશે. જ્યારે ઈઆઈએના મતે 2.3 લાખ બેરલ્સની ખાધની શક્યતાં છે. જ્યારે 2023માં માગ સ્થિર જળવાય રહેવાની સંભાવના છે. આ સ્થિતિમાં બ્રેન્ટના ભાવ 105 ડોલરની સપાટી પાર કરી શકે છે. ગોલ્ડમેન સાચે 105 ડોલરના ભાવનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે બેંક ઓફ અમેરિકા 90 ડોલરના સરેરાશ ભાવની અપેક્ષા રાખી રહી છે. વુડ મેકેન્ઝી અને જેપી મોર્ગન અનુક્રમે 88 ડોલર અને 100 ડોલરના ભાવની શક્યતાં દર્શાવી રહ્યાં છે. જેને જોતાં એમ કહી શકાય કે ક્રૂડ હાલમાં તેની ટોચ નજીક છે અને તે આગળ પર થોડું કરેક્શન દર્શાવી શકે છે.
ICICI લોમ્બાર્ડને GST ઈન્ટેલિજન્સે રૂ. 1729 કરોડની ટેક્સ નોટિસ ફટકારી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ(GST) ઈન્ટેલિજન્સે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને રૂ. 1728.9 કરોડની ટેક્સ માગણી કરતી શો કોઝ નોટિસ ફટકારી છે. રેગ્યુલેટરે જુલાઈ 2017થી માર્ચ 2022 દરમિયાન કહેવાતી ટેક્સની ચૂકવણી નહિ કરવા બદલ આ નોટિસ ફટકારી છે.
પ્રાઈવેટ સેક્ટરની જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ બુધવારે મોડી સાંજે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે કંપનીને જુલાઈ 2017થી માર્ચ 2022 દરમિયાન વિવિધ ભારતીય અને વિદેશી રિઈન્શ્યોરન્સ કંપનીઝને માટે ચૂકવાયેલા રિઈન્શ્યોરન્સ પ્રિમિયમના સ્વીકાર પર રિ-ઈન્શ્યોરન્સ કમિશન પર જીએસટીના નોન-પેમેન્ટ માટે ટેક્સની માગણી સાથે શો-કોઝ નોટિસ પાઠવાઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે તે તેના ટેક્સ સલાહકારોની સલાહ મુજબ યોગ્ય જવાબ આપશે. કંપનીએ ઓગસ્ટમાં રૂ. 273 કરોડના મોટર ઈન્શ્યોરન્સના દાવા સંબંધી ટેક્સ ડિમાન્ડ નોટિસ મેળવી હતી. કંપનીએ લાયેબિલિટીની જવાબદારી લીધાં વિના રૂ. 104 કરોડ ડિપોઝીટ કરાવ્યાં હતાં.
જૂન ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધી 1.1 ટકા નોંધાઈ
ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 17.9 અબજ ડોલરની સરખામણીમાં ચાલુ વર્ષે 9.2 અબજ ડોલરની ખાધ
અગાઉ માર્ચ ક્વાર્ટરમાં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 1.3 અબજ ડોલર પર જોવા મળી હતી
દેશની કરન્સ એકાઉન્ટ ડેફિસિટ(CAD)માં ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ નોંધાઈ છે. જૂન ક્વાર્ટરની આખરમાં તે જીડીપીના 1.1 ટકા સાથે 9.2 અબજ ડોલર પર જોવા મળી હતી. અગાઉ માર્ચ ક્વાર્ટરમાં તે જીડીપીના 0.2 ટકા સાથે 1.3 અબજ ડોલર પર નોંધાઈ હતી. જ્યારે એક વર્ષ અગાઉ જૂન ક્વાર્ટરમાં તે જીડીપીના 2.1 ટકા સાથે 17.9 અબજ ડોલરની સપાટીએ જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે ચાલુ ખાતાની ખાધમાં વૃધ્ધિનું મુખ્ય કારણ ટ્રેડ ડેફિસિટ(વેપાર ખાધ)માં વૃદ્ધિ હતું એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં 52.6 અબજ ડોલરની સરખામણીમાં વેપાર ખાધ 2023-24ના જૂન ક્વાર્ટરમાં વધી 56.6 અબજ ડોલર પર જોવા મળી હતી. ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટના જણાવ્યા મુજબ કરન્સ એકાઉન્ટ ડેફિસિટ અંદાજ કરતાં સારી રહી હતી. જેનું કારણ વધુ સારુ મર્કેન્ડાઈઝ ટ્રેડ બેલેન્સ હતું. જુલાઈ-ઓગસ્ટ 2023 દરમિયાન સરેરાશ મર્કેન્ડાઈઝ ટ્રેડ ડેફિસિટ જૂન ક્વાર્ટરની સરખામણીમાં ઊંચી જોવા મળી હતી. જે માટે ક્રૂડના ભાવમાં વૃદ્ધિ જવાબદાર હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ ત્રિમાસિક ધોરણે પહોળી બની 19-21 અબજ ડોલર જોવા મળે તેવો અંદાજ છે. જે જીડીપીના 2.3 ટકા જેટલી હશે. નેટ સર્વિસિઝ રિસિટ્સમાં ત્રિમાસિક ધોરણે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ કમ્પ્યુટર, ટ્રાવેલ અને બિઝનેસ સર્વિસિઝની નિકાસમાં ઘટાડો છે. જોકે, વાર્ષિક ધોરણે તે ઊંચી જળવાય છે. આરબીઆઈના જણાવ્યા મુજબ પ્રાઈવેટ ટ્રાન્સપર રિસિટ્સ જૂન ક્વાર્ટરમાં 27.1 અબજ ડોલર પર રહી હતી. આમાં વિદેશમાં જોબ કરતાં ભારતીયો તરફથી આવતાં રેમિટન્સિસનો સમાવેશ થાય છે. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં તે 28.6 અબજ ડોલર પર નોંધાઈ હતી. ઈન્કમ એકાઉન્ટમાં નેટ આઉટગો ઘટી 10.6 અબજ ડોલર પર જળવાયું હતું. જે માર્ચ 2023 ક્વાર્ટરમાં 12.6 અબજ ડોલર પર જોવા મળતું હતું.
પ્રમોટર્સ તરફથી શેરવેચાણ છ વર્ષોની ટોચ પર પહોંચ્યું
અત્યાર સુધીમાં ચાલુ વર્ષે હિસ્સો વેચી પ્રમોટર્સે રૂ. 87 હજાર કરોડ ઊભાં કર્યાં
માર્કેટ નિરીક્ષકોના મતે પ્રમોટર્સ ડેટ મેનેજમેન્ટ જેવા કારણોને લઈ હિસ્સો વેચી રહ્યાં છે
નવી પેઢીને બિઝનેસ કરતાં હોમ બિઝનેસમાં રસ હોવાથી લિક્વિડીટી ઊભી કરે છે
જ્યારે પીઈ પ્લેયર્સને એક્ઝિટ લેવી અનિવાર્ય હોવાથી તેઓ પણ હિસ્સો વેચે છે
શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટર્સ તરફથી વેચાણ શેરવેચાણ છ વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં એનએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ કંપનીઓના પ્રમોટર્સે રૂ. 87 હજાર કરોડના મૂલ્યનું શેરવેચાણ કર્યું છે એમ કોટક ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝનો રિપોર્ટ જણાવે છે. આ ઉપરાંત પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટાલિસ્ટ ઈન્વેસ્ટર્સ તરફથી પણ ગયા વર્ષોની સરખામણીમાં ઊંચી વેચવાલી જોવા મળી રહી છે. સામાન્યરીતે, પ્રમોટર્સ તરફથી હિસ્સા વેચાણને બજાર માટે સારા સંકેત તરીકે નથી જોવામાં આવતું. જેને જોતાં ચિંતા સ્વાભાવિક છે.
ચાલુ વર્ષે પોતાના હિસ્સાના શેર્સ વેચનારા પ્રમોટર્સ ઓટોમોબાઈલ અને કોમ્પોનેન્ટ્સ સાથે જોડાયેલાં જોવા મળ્યાં છે. આ ઉપરાંત કેપિટલ ગુડ્ઝ, ઈલેક્ટ્રીક વેહીકલ્સ, આઈટી સર્વિસિઝ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. 2018-2023 સુધીના પાંચ વર્ષના સમયગાળાની વાત કરીએ તો ઈન્શ્યોરન્સ અને આઈટી સર્વિસિઝ કંપનીઓના પ્રમોટર્સ તરફથી મોટાભાગનું વેચાણ જોવા મળ્યું હતું. જૂથ મુજબ જોઈએ તો અદાણી જૂથે ચાલુ વર્ષે રૂ. 37 હજાર કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કર્યું છે. જે 2023ના કુલ પ્રમોટર સેલીંગનો 40 ટકા જેટલો હિસ્સો સૂચવે છે. આ ઉપરાંત આઈટી કંપની કોફોર્જનો પ્રમોટરે રૂ. 11000 કરોડના શેર્સ વેચ્યાં છે. સોના કોમસ્ટારના પ્રમોટરે રૂ. 5900 કરોડના જ્યારે ઈન્ડિગોના પ્રમોટર્સે રૂ. 5700 કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કર્યું છે.
પ્રમોટર્સ તરફથી વેચાણને પ્રથમ દ્રષ્ટીએ કંપની માટે ચિંતાની બાબત તરીકે જોવામાં આવે છે. જોકે, આમાં બે પ્રકારના પ્રમોટર્સનો સમાવેશ થતો હોય છે. એક સ્થાપક પ્રમોટર જેઓ કંપનીમાં અન્ય રોકાણકારોને આવકારીને કંપનીને ગ્રોથના માર્ગે લઈ જતાં હોય છે. તેઓ ક્યારેટ ડેટ મેનેજમેન્ટના ભાગરૂપે કંપનીમાં હિસ્સાનું વેચાણ કરતાં હોય છે. જ્યારે પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારો એ સ્ટ્રેટેજીક રોકાણકારો હોય છે. જેઓ પાંચથી સાત વર્ષોમાં એક્ઝિટના મેન્ડેટ સાથે લિસ્ટેડ કંપનીમાં રોકાણ કરતાં હોય છે. તેમના માટે શેરનો ભાવ મહત્વનું પરિબળ હોય છે. ક્યારેક શેરનો ભાવ અપેક્ષિત રીતે વધ્યો ના હોય તો પણ તેમણે કંપનીમાં એક્ઝિટ લેવી પડતી હોય છે. જે કિસ્સામાં તેઓ રોકાણને લંબાવતાં હોય છે તેવા કિસ્સામાં પણ પાછળથી વહેલી એક્ઝિટ લેતાં જોવા મળે છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
જો ડિસેમ્બર 2022થી જૂન 2023 સુધીના ક્વાર્ટર્સની વાત કરીએ તો પ્રમોટર્સ તરફથી હિસ્સા વેચાણને કારણે પ્રમોટર્સનો હિસ્સો 50.3 ટકાથી ઘટી 49 ટકા પર જોવા મળ્યો હતો. જોકે, મ્યુચ્યુલ ફંડ્સ, બેંક્સ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ મળીને કંપનીઓમાં સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ 90 બેસીસ પોઈન્ટ્સ વધી 23.5 ટકા પર જોવા મળ્યું હતું. બીજી બાજુ, વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)નું હોલ્ડિંગ 26 બેસીસ પોઈન્ટ્સ વધી 22 ટકા પર પહોંચ્યું હતું. જ્યારે પીએમએસ અને એઆઈએફ્સનું હોલ્ડિંગ 31 બેસીસ પોઈન્ટ્સ વધી 6 ટકા પર નોંધાયું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
સેઈલઃ સરકારી પીએસયૂ સ્ટીલ ઉત્પાદક તેના મોઝામ્બિક સ્થિત ઈન્ટરનેશનલ કોલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ ખાતે કોલ ઉત્પાદનને બમણું બનાવવા પર કામ કરી રહી છે. હાલમાં તે વાર્ષિક 20 લાખ ટનની ક્ષમતા ધરાવે છે. કંપની રશિયા ખાતેથી પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુકીંગ કોલના ચાર શીપ્સની અપેક્ષા રાખી રહી છે. માર્ચ ક્વાર્ટરમાં પણ કંપનીએ રશિયા ખાતેથી ચાર શિપ્સ મેળવ્યાં હતાં.
કેનેરા બેંકઃ ચોથા ક્રમની પીએસયૂ બેંકે તેના પ્રથમ લોંગ ટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ ઈસ્યુ કરી રૂ. 5000 કરોડ ઊભાં કર્યાં છે. બેંકે 7.54 ટકા કૂપન રેટ ઓફર કરી આ ફંડ મેળવ્યું છે. બેંકે રૂ. 1000 કરોડની ઈસ્યુ સાઈઝ સામે રૂ. 4000 કરોડનો ગ્રીન શૂ ઓપ્શન રાખ્યો હતો. કુલ રૂ. 14,180 કરોડનું બિડિંગ મેળવ્યું હતું.
ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રો-કાર્બન સાહસે દેશમાં ટોચના વીજ ઉત્પાદક પીએસયૂ એનટીપીસી સાથે રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. આ એમઓયૂ વિવિધ ડોમેન્સમાં રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સની શક્યતાં ચકાસણી અને સ્થાપના માટે કરવામાં આવ્યો છે. બંને નવરત્ન કંપનીઓના ટોચના અધિકારીઓએ એમઓયૂ સાઈન કર્યાં હતાં.
ડીસીએમ શ્રીરામઃ કંપનીએ સસ્ટેનેબિલિટી લિંક્ડ લોન પેટે એચએસબીસી પાસેથી રૂ. 200 કરોડ ઊભા કર્યાં છે. સુગર, ફર્ટિલાઈઝર અને કેમિકલ બિઝનેસમાં સક્રિય કંપનીએ તેના ગુજરાતમાં ભરૂચ સ્થિત પ્લાન્ટ માટે આ ફંડ મેળવ્યું છે. જેનો ઉપયોગ કંપનીના વર્તમાન કેપિટલ એક્સપેન્ડિચર હેઠળ પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સના હેતુ માટે કરવામાં આવશે.
તાતા પાવરઃ કંપનીની સબસિડિયરી તાતા પાવર રિન્યૂએબલ એનર્જી તમિલનાડુ ખાતે 41-મેગાવોટના કેપ્ટિવ સોલાર પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્રોજેક્ટ ટીપી સોલાર લિના સપોર્ટમાં સ્થપાશે. ટીપી સોલાર તમિલનાડુના તિરુનેલવેલી ખાતે 4.3 ગીગાવોટના વિશાળ સોલાર સેલ અને મોડ્યુલ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે.
ABRL: આદિત્ય બિરલા ફેશને TCNS ક્લોથીંગમાં બહુમતી 51 ટકા હિસ્સાની ખરીદીની કામગીરી પૂર્ણ કરી છે. જે સાથે કંપની મહિલાઓ માટેની એપરલ બ્રાન્ડની પ્રમોટર બની છે. કંપનીએ રૂ. 1650 કરોડના સોદામાં ટીસીએનએસનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. આ ડિલ મે મહિનામાં સાઈન થયું હતું.