વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારમાં નરમાઈ યથાવત
સાંકડી રેંજમાં અથડાયેલાં બેન્ચમાર્ક્સ
ઈન્ડિયા વિક્સ 2.3 ટકા ઘટી 15.10ના સ્તરે
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસમાં મજબૂતી
ઓટો, આઈટી, મેટલ, એફએમસીજીમાં નરમાઈ
અદાણી જૂથના શેર્સમાં ભારે વેચવાલી
ઝાયડસ લાઈફ, અલ્ટ્રાટેક નવી ટોચે
બંધન બેંક, એમએમટીસી, આઈઈએક્સ નવા તળિયે
વૈશ્વિક બજારમાં મજબૂતી છતાં ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હતું. સ્થાનિક બજાર સાંકડી રેંજમાં અથડાતું રહ્યાં બાદ લગભગ ફ્લેટિશ બંધ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 40 પોઈન્ટ્સ ઘટી 57614ની સપાટીએ જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ્સ ગગડી 16952ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 32 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ લગભગ સમાન હતી. બીએસઈ ખાતે 3644 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2560 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જયારે 991 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. પ્લેટફોર્મ પર 717 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 60 કાઉન્ટરે વાર્ષિક ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા ઘટી 15.10ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે કામગીરીની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. જોકે ખૂલતામાં જ ટોચ બનાવી બજાર રેડ ઝોનમાં સરી પડ્યું હતું. નિફ્ટી 16986ના બંધ સામે 17032ની સપાટી પર ખૂલી ઉપરમાં 17062ની ટોચ બનાવી નીચામાં 16914ના તળિયે ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 26 પોઈન્ટ્સ પ્રિમીયમે 16778ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 39 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે ઘટાડો દર્શાવે છે. જે માર્કેટમાં લોંગ પોઝીશન અનવાઈન્ડ થયાનો સંકેત ગણી શકાય. આમ, આગામી સત્રોમાં બજારમાં ઘટાડો આગળ વધી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ માર્કેટમાં નરમાઈનો દોર જળવાય રહે તેમ માની રહ્યાં છે. તેમના મતે છેલ્લાં બે સત્રોથી નિફ્ટી 17 હજારની સપાટી પર ટકવામાં અસમર્થતા અનુભવી રહ્યો છે. જો તે 16900ની સપાટી ગુમાવશે તો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. બુધવારે માર્ચ સિરિઝ એક્સપાયરીના દિવસ માટે આ સ્તર મહત્વનું બની રહેશે. જો તે તૂટશે તો માર્કેટમાં તીવ્ર ઘટાડો સંભવ છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનાર મુખ્ય કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, યૂપીએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંક, હિંદાલ્કો, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ અને એનટીપીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝ 7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, ઓએનજીસી, ભારતી એરટેલ, બીપીસીએલ, વિપ્રો, બજાજ ફિનસર્વ અને ગ્રાસિમ પણ નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપનીઓમાં સુધારો જોવા મળતો હતો. જ્યારે ઓટો, આઈટી, મેટલ, એફએમસીજીમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી બેંક 0.35 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ફેડરલ બેંક સુધારો દર્શાવવામાં ટોચ પર હતા. જોકે પીએસયૂ બેંકમાં વેચવાલી જોવા મળી હતી. એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પીએનબી નરમાઈ દર્શાવતાં હતાં. પ્રાઈવેટ બેંકમાં બંધન બેંક 5 ટકાથી વધુ ગગડી ત્રણ-વર્ષના તળિયે ટ્રેડ થયો હતો. નિફ્ટી ઓટોમાં એક ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં હીરો મોટોકોર્પ 2.6 ટકા સાથે ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતો. આ ઉપરાંત તાતા મોટર્સ, એમઆરએફ, ટીવીએસ મોટર, આઈશર મોટર્સ, ભારત ફોર્જ અને મારુતિ સુઝુકીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.9 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં એમ્ફેસિસ 3.3 ટકા, ટેક મહિન્દ્રા 3 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા, વિપ્રો 1.4 ટકા અને કોફોર્જ 1 ટકા ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટોરેન્ટ પાવર 5 ટકા ઉછાળા સાથે ટોચ પર જોવા મળતો હતો. આ ઉપરાંત મણ્ણાપુરમ ફાઈનાન્સ, મહાનગર ગેસ, એસ્કોર્ટ્સ કૂબોટા, ઈન્ડિયન હોટેલ્સ, ગ્લેનમાર્ક, ઈન્ડસઈન્ડ બેંક, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, યૂપીએલ, ક્યુમિન્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, બંધન બેંક, આઈઈએક્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એસીસી, આઈઆરસીટીસી, બિરલા સોફ્ટ, ફર્સ્ટસોર્સ, ઈન્ડુસ ટાવર્સ, ટેક મહિન્દ્રામાં ઘટાડો જોવા મળતો હતો. ઝાયડસ લાઈફ અને અલ્ટ્રાટેક સિમેન્ટે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી.
RBI આગામી સપ્તાહે 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાં
મે 2022થી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સની કરેલી વૃદ્ધિ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નવા નાણાકિય વર્ષની પ્રથમ મોનેટરી સમીક્ષા બેઠકમાં 25 બેસીસ પોઈન્ટ્સ રેપો રેટ વૃદ્ધિ દર્શાવે તેવો સર્વસંમત અભિપ્રાય જોવા મળી રહ્યો છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓના મતે હજુ પણ ઊંચા સ્તરે જોવા મળી રહેલા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશનન જોતાં સેન્ટ્રલ બેંક વધુ એક રેટ વૃદ્ધિ કરશે. જોકે ત્યાર પછી તે એક વિરામ દાખવે તેવી શક્યતાં ઊંચી છે. કેમકે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની સ્થિતિમાં સ્થાનિક સ્તરે ગ્રોથ જાળવી રાખવા માટે વધુ પડતાં લિક્વિડીટી ટાઈટનીંગ સમસ્યા ઊભી કરી શકે છે. ગયા મે 2022થી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી ચૂકી છે.
આગામી સપ્તાહે વધુ એક રાઉન્ડ રેપો રેટ વૃદ્ધિ પછી રેટ 6.75 ટકા પર પહોંચશે. જે ફેબ્રુઆરી 2016 પછીનું સૌથી ઊંચું લેવલ હશે. સેન્ટ્રલ બેંક 6 એપ્રિલે રેટ વૃદ્ધિ માટે મળવાની છે. અર્થશાસ્ત્રીઓના મતે આરબીઆઈએએ સીપીઆઈ માટે 4-6 ટકાનો કમ્ફર્ટ ઝોન નક્કી કર્યો છે. જોકે હાલમાં મોંઘવારી તેના કરતાં ઊંચાં સ્તરે જોવા મળી રહી છે. તાજેતરમાં ક્રૂડના ભાવમાં ઘટાડો અને ડોલર સામે રૂપિયામાં સ્થિરતાને જોતાં આગામી મહિનાઓમાં સીપીઆઈ 6 ટકાની નીચે જવાની શક્યતાં છે. જોકે, ચાલુ વર્ષે ના નીનોની શક્યતાં જોતાં ચોમાસાને લઈ ચિંતા ઊભી રહેશે. જો ચોમાસામાં વિક્રમી વાવેતર સઁભવ બનશે તો ખાદ્ય પદાર્થોના ભાવ પર દબાણ જોવા મળી શકે છે. આગામી વર્ષ સામાન્ય ચૂંટણીનું હોવાના કારણે પણ સરકાર આરબીઆઈ પર ફુગાવાને અંકુશમાં લેવા માટે દબાણ જાળવી શકે છે. ફેબ્રુઆરીમાં સીપીઆઈ 6.44 ટકા પર જોવા મળ્યો હતો. જે આરબીઆઈના કમ્ફર્ટ ઝોનની ઉપરની રેંજથી પણ વધુ હતો.
ડેટ ચૂકવણીમાં સમય માગતા અદાણી જૂથે રૂ. 80k કરોડનું માર્કેટ-કેપ ગુમાવ્યું
જૂથે ACC અને અંબુજા સિમેન્ટ્સની ખરીદી વખતે લીધેલી બ્રીજ લોનના ચૂકવણાને લંબાવવા કરેલી માગણી
એસીસીનો શેર 4 ટકા તૂટી વાર્ષિક તળિયે જોવા મળ્યો
અંબુજા સિમેન્ટમાં પણ 4 ટકાથી વધુ ઘટાડો નોંધાયો
અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 7 ટકા તૂટ્યો
અદાણી જૂથે તેની સિમેન્ટ કંપનીઓ એસીસી અને અંબુજા સિમેન્ટ્સની ખરીદી માટે લીધેલી 4 અબજ ડોલરની લોનની ચૂકવણી પેટે શરતોને લઈ ફરીથી વિચારણા માટે માગણી કરી હોવાના અહેવાલ પાછળ અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી. જેની પાછળ જૂથના માર્કેટ-કેપમાં નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું હતું. અદાણી જૂથ કંપનીઓના શેર્સ 9 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
જાણકાર વર્તુળોને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું હતું જૂથે હોલ્સિમ પાસેથી સિમેન્ટ કંપનીઓમાં બહુમતી હિસ્સા ખરીદ્યો હતો. જે માટે તેણે 3 અબજ ડોલરની બ્રીજ લોન લીધી હતી. જેનો સમયગાળો 18 મહિનાનો હતો. જોકે હવે જૂથ તેને પાંચ વર્ષનો કરવા માટેની લેન્ડર્સ સમક્ષ માગણી કરી રહ્યું છે. જેની પાછળ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ઈન્ટ્રા-ડે 8 ટકા જેટલો ગગડ્યો હતો અને કામકાજની આખરમાં રૂ. 1600.85ની સપાટી પર બંધ રહ્યો હતો. જે તેનું ચાર-સપ્તાહનું લો લેવલ હતું. અદાણી પોર્ટનો શેર પણ ઈન્ટ્રા-ડે 9 ટકાથી વધુ ગગડ્યો હતો અને આખરે 5.7 ટકા ઘટાડા સાથે રૂ. 593.40ની સપાટીએ બંધ રહ્યો હતો. જૂથની સિમેન્ટ કંપનીઓ એસીસી અને અંબુજા સિમેન્ટ્સમાં ચાર-ચાર ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં એસીસીનો શેર 4.21 ટકા ગગડી રૂ. 1613.95ના વાર્ષિક તળિયા પર બંધ રહ્યો હતો. શેરે રૂ. 1592.55નું ઈન્ટ્રા-ડે તળિયું દર્શાવ્યું હતું. અંબુજા સિમેન્ટનો શેર પણ 4.2 ટકા જેટલો તૂટ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 5 ટકાની સેલર સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. વર્તુળોના મતે ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ લેન્ડર સાથે બ્રીજ લોનને પાંચ વર્ષ સુધી લંબાવી આપવા માટેની મંત્રણા ચલાવી રહ્યું છે. ઉપરાંત તે 1 અબજ ડોલરની મેઝેનાઈન લોનના તબક્કાનું કન્વર્ઝન પણ ઈચ્છી રહ્યું હોવાનું વર્તુળોનું કહેવું છે. હાલમાં તે 24 મહિનાની મેચ્યોરિટી ધરાવે છે. જ્યારે જૂથ તેને સિનિયર સિક્યોર્ડ ડેટ સાથે પાંચ વર્ષ માટે લંબાવી આપવાની માગ કરી રહ્યું છે. જૂથનો મૂળ પ્લાન લોંગ-ટર્મ બોન્ડ્સ મારફતે લોન્સના મોટા હિસ્સાના રિફાઈનાન્સિંગનો હતો. જોકે, વર્તમાન સ્થિતિમાં આમ બનવું કઠિન જણાય રહ્યું હોવાનું એક બેંકર નામ નહિ આપવાની શરતે જણાવે છે. અદાણી જૂથના લેન્ડર્સમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, બાર્લેય્ઝ, ડોઈશે બેંકનો સમાવેશ થાય છે. કોંગ્લોમેરટે હોલ્સિમ પાસેથી 10.5 અબજ ડોલરમાં એસીસી અને અંબુજા સિમન્ટની ખરીદી કરી હતી. માર્કેટ એનાલિસ્ટ્સના કહેવા મુજબ જૂથ લોન રિપેમન્ટ માટે વધુ સમયની માગ કરી રહ્યું છે તેનો અર્થ એવો થાય છે કે તેમની પાસે ઊંચો કેશ ફ્લો નથી.
વિન્ડ ઉદ્યોગ 2025 સુધીમાં વિક્રમી ઈન્સ્ટોલેશન્સ ધરાવી શકેઃ રિપોર્ટ
વિન્ડ ઈન્ડસ્ટ્રી 2025 સુધીમાં ઓનશોર અને ઓફશોર માર્કેટ્સમાં વિક્રમી ઈન્શ્ટોલેશન્સની અપેક્ષા રાખી શકે છે એમ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ(જીડબલ્યુઈસી)એ 2023ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે. તેના મતે 2027 સુધીમાં તે 680 ગીગાવોટની નવી ક્ષમતાની અપેક્ષા રાખે છે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ નીતિઘડવૈયાઓએ વિન્ડ એનર્જીની સ્થાપના આડે આવતાં સપ્લાય ચેઈન અવરોધોને ટાળવા માટે અત્યારથી કામ કરવું પડશે. સપ્લાય ચેઈન સંબંધી પડકારો 2030 સુધીમાં મહત્વના ક્લાયમેન્ટ ટાર્ગેટ્સને હાંસલ કરવામાં અવરોધ ઊભા થઈ શકે છે. 2022માં નિરાશા પછી ઝડપી પોલિસી નિર્ણયોને કારણે વિન્ડ એનર્જી સ્થાપનાની ઝડપ વધી છે અને આગામી વર્ષોમાં જે વધુ વેગ પકડી શકે છે. દર વર્ષે 136 ગીગાવોટ ઈન્સ્ટોલ ક્ષમતાનો ટાર્ગેટ ઉદ્યોગ રાખી રહ્યું છે. જે 15 ટકાનો સરેરાશ વૃદ્ધિ દર સૂચવે છે.
વૈશ્વિક હરિફોની સરખામણીમાં પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ
નિફ્ટીમાં 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં 6 ટકાથી વધુનો ઘટાડો
નાસ્ડેકે 16 ટકા સાથે દર્શાવેલું સૌથી ઊંચું રિટર્ન
ચીનના બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટે દર્શાવેલું 5 ટકાથી વધુનો સુધારો
સતત છ વર્ષો સુધી હરિફ ઈમર્જિંગ અને વિકસિત બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યાં પછી ચાલુ કેલેડન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય શેરબજાર નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ સૂચવી રહ્યું છે. જાન્યુઆરીની શરૂઆતથી માર્ચ આખર સુધીમાં સ્થાનિક બેન્ચમાર્ક્સ 6.4 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. જે ટોચના વિકસિત અને ઈમર્જિંગ સૂચકાંકોમાં સૌથી પ્રતિકૂળ દેખાવ છે.
ટોચના બેન્ચમાર્ક્સના 2023ના પ્રથમ ક્વાર્ટરમાં દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે ટેક હેવી નાસ્ડેક સૌથી સારું રિટર્ન સૂચવી રહ્યો છે. 31 ડિસેમ્બર 2022ના બંધ ભાવથી સોમવારના બંધ ભાવ સુધીમાં તે 15.8 ટકાનું તગડું રિટર્ન દર્શાવી રહ્યો છે. જે તેને 2021 પછી ફરી એકવાર સૌથી સારુ રિટર્ન દર્શાવનાર સૂચકાંક બનાવે છે. જોકે 2022માં તેણે તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. નાસ્ડેકક 2021માં 17000ની સર્વોચ્ચ ટોચ બનાવી 10000 સુધી ગગડ્યો હતો. જ્યાંથી પરત ફર્યો છે. નાસ્ડેક ઉપરાંત યુરોપ ખાતે ફ્રાન્સ અને જર્મનીના બેન્ચમાર્ક્સ પણ સારો દેખાવ કરી રહ્યાં છે. જાન્યુઆરીથી માર્ચ આખર સુધીમાં ફ્રાન્સનો કે 10 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે જર્મનીનો કેક 9 ટકા રિટર્ન સૂચવે છે. જ્યારે જાપાન શેરબજારનો નિક્કાઈ 5.5 ટકા સાથે રિટર્નની બાબતમાં ચોથા ક્રમે જોવા મળે છે. ભારતના કટ્ટર હરિફ ચીનનો બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટ 5.1 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. છેલ્લાં દાયકામાં વૈશ્વિક બજારોની સરખામણીમાં તીવ્ર અન્ડરર્ફોર્મન્સ પછી ચાલુ કેલેન્ડરમાં ચીનનું બજાર અન્ય ઈમર્જિંગ બજારોને આઉટપર્ફોર્મન્સ કરી રહ્યું છે. યુએસ ખાતે એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 3.5 ટકાથી વધુ સુધારા સાથે પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યું છે. જોકે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 2.2 ટકાનું નેગેટિવ રિટર્ન સૂચવી રહ્યો છે. ચીનનો ભાગ એવા હોંગ કોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ ફ્લેટ રિટર્ન દર્શાવે છે. ઓક્ટોબર 2022માં બોટમ બનાવી તીવ્ર બાઉન્સ દર્શાવ્યાં બાદ ઈન્ડેક્સ છેલ્લાં ત્રણ મહિનાથી બે બાજુની વધ-ઘટ વચ્ચે દિશાહિન ચાલ દર્શાવી રહ્યો છે. ભારતની વાત કરીએ તો બંને બેન્ચમાર્ક્સ 5 ટકાથી વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં 6.4 ટકા જ્યારે સેન્સેક્સ 5.3 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં છે.
2023ના પ્રથમ ક્વાર્ટરમાં અગ્રણી બેન્ચમાર્ક્સનો દેખાવ
ઈન્ડાઈસીસ CMP 30/12/2022નો બંધ ફેરફાર(ટકામાં)
નાસ્ડેક 12673.1 10939.8 15.8%
કેક-40 7088.8 6473.8 9.5%
ડેક્સ 15144.2 13923.6 8.8%
નિક્કાઈ 27518.3 26094.5 5.5%
શાંઘાઈ કંપોઝીટ 3245.4 3089.3 5.1%
S&P 500 3977.5 3839.5 3.6%
ફૂટ્સી 100 7483.8 7451.7 0.4%
હેંગ સેંગ 19784.7 19781.4 0.0%
ડાઉ જોન્સ 32432.1 33147.3 -2.2%
સેન્સેક્સ 57613.7 60840.7 -5.3%
નિફ્ટી 16951.7 18105.3 -6.4%
માવઠાંને કારણે ઘઉંના ઉત્પાદનમાં 10 લાખ ટન ઘટાડાનો અંદાજ
જોકે ખેડૂતોના મતે ઘઉંના પાકને સરકારી અંદાજ કરતાં વધુ નુકસાન
છેલ્લાં પખવાડિયામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે હવા સાથે કમોસમી વરસાદને કારણે ઘઉઁના પાકને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું વર્તુળો જણાવે છે. કેન્દ્ર સરકાર મુજબ ઘઉંનો પાક શરૂઆતી અંદાજ કરતાં 10 લાખ ટન જેટલો નીચો જોવા મળશે. જોકે, ખેડૂતોના મતે ઘઉંના પાકને સરકારી અંદાજ કરતાં ઘણું વધું નુકસાન થયું છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાપણીના સમયે જ કમોસમી વરસાદ વરસતાં 25-50 ટકા પાકને નુકસાન થયું હોવાનું તેમનું કહેવું છે.
ઉપરાંત, 29 માર્ચથી વધુ એક માવઠાંની આગાહીને કારણે પહેલી વખતે બચી ગયેલા પાકને પણ નુકસાનની શક્યતાં છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલય માવઠાંને કારણે પાકને નુકસાનનું આગામી દિવસોમાં આકલન કરે તેવી શક્યતાં છે. પંજાબ અને હરિયાણા સરકારે પાકને નુકસાન માટે સર્વેનો આદેશ આપ્યો છે અને તેમણે ખેડૂતોને નુકસાન ચૂકવવાની ખાતરી પણ આપી છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના વર્તુળોના મતે કમોસમી વરસાદ પાછળ ઘઉંના ઉત્પાદનમાં અગાઉના 11.21 કરોડ ટનના અંદાજ સામે 10 લાખ ટનનો ઘટાડો થવાની શક્યતાં છે. ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ પાકોનું પ્રમાણમાં વહેલું વાવેતર કરવાની તક મળી હતી અને તેથી નુકસાન ઓછું રહ્યું હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. ઘણા રાજ્યોમાં શરૂઆતી વાવણી કરનાર ખેડૂતોએ માર્ચ મહિનાની શરૂઆતમાં જ પાક લઈ લીધો હતો અને તેથી તેઓ માવઠાંથી બચી ગયાં હતાં. ઉપરાંત, ઘઉંનું વાવેતર ગઈ સિઝન કરતાં થોડું ઊંચું રહ્યું હતું તેમજ શરૂઆતી વાવેતરમાં ઉત્પાદક્તા સારી જોવા મળી હતી.
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં મજબૂતી
ડોલર ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડા પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ ખાતે ગોલ્ડના ભાવ સોમવારે સાંજે 1960 ડોલર જેટલાં નીચે ઉતરી ગયા બાદ મંગળવારે પરત ફર્યાં હતાં અને આ લખાય છે ત્યારે 1982 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જે 11 ડોલરનો સુધારો સૂચવે છે. એમસીએક્સ ખાતે પણ ગોલ્ડ વાયદો રૂ. 200ની મજબૂતીએ રૂ. 58,721ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ સાથે ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 160ના સુધારે રૂ. 70090 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં લેડ, એલ્યુમિનિયમ, કોપર, ઝીંકમાં સુધારો જોવા મળતો હતો. એકમાત્ર નેચરલ ગેસમાં એક ટકાથી વધુ નરમાઈ જોવા મળી રહી હતી.
કોકિંગ કોલ આયાતમાં નવ ટકા વૃદ્ધિ નોંધાઈ
એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 સુધીના ચાલુ નાણાકિય વર્ષના 11-મહિના દરમિયાન દેશમાં કોકિંગ કોલની આયાતમાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં મોટાભાગનો જથ્થો ઈન્ડોનેશિયા, રશિયા, યુએસ, મોઝામ્બિક અને કેનેડાથી આયાત કરાયો હતો. સામાન્યરીતે દેશ માટે સૌથી મોટા આયાતકાર રહેલા ઓસ્ટ્રેલિયાની આયાતમાં 13 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે 3.31 કરોડ ટન પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.8 કરોડ ટન પર જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયા ખાતેથી આયાત 216 ટકા ઉછળી 8.3 લાખ ટન પર રહી હતી. જ્યારે યૂએસ ખાતેથી આયાત 146 ટકા વધી 72.5 લાખ ટન પર જોવા મળી હતી. રશિયન આયાત 130 ટકા વધી 26.4 લાખ ટન પર નોંધાઈ હતી.
NSE અને BSEએ અદાણી ગ્રીનને લોંગ-ટર્મ ASM ફ્રેમવર્કમાં મૂક્યો
દેશના બંને સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સે અદાણી જૂથ કંપની અદાણી ગ્રીન એનર્જીને બીજા સ્ટેજના લોંગ-ટર્મ એડીશ્નલ સર્વેલન્સ મેઝર(એએસએમ) ફ્રેમવર્ક હેઠળ મૂક્યો છે. મંગળવારે અદાણી ગ્રીન એનર્જીનો શેર 5 ટકાની સેલર સર્કિટમાં બંધ રહ્યો હતો. જોકે છેલ્લાં એક મહિનામાં તેણે 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું. શેર રૂ. 439નું તળિયું બનાવી રૂ. 900ની સપાટી પાર કરી ગયો હતો. એક્સચેન્જિસે ફરીથી એએસએમ હેઠળ મૂકતાં શેરની ખરીદી માટે ઊંચું માર્જિન ચૂકવવાનું થશે. બે અલગ સર્ક્યુલરમાં એક્સચેન્જિસે જણાવ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જીને 28 માર્ચથી હાયર સ્ટેજમાં લઈ જવાશે. 17 માર્ચે એક્સચેન્જિસે અદાણી ગ્રીન અને એનડીટીવીને પ્રથમ સ્ટેજ એએસએમ ફ્રેમવર્કમાં ખસેડ્યાં હતાં.
કોર્પોરેટ હેડલાઈન્સ
એલએન્ડટી ફાઈનાન્સઃ લાર્સન એન્ડ ટુબ્રોની એનબીએફસી પાંખના રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયો માટે વૈશ્વિક પીઈ કંપની એવન્યૂ કેપિટલ સમર્થિત એસેટ રિકન્ટ્રક્શન કંપની ઓફ ઈન્ડિયા સૌથી મોટા બીડર તરીકે ઉભરી છે. એલએન્ડટી ફાઈનાન્સના રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયો માટે આર્સિલે રૂ. 700 કરોડની ઓફર કરી છે. જેમાં કેશ અને સિક્યૂરિટી રિસિપ્ટ્સનો સમાવેશ થાય છે.
વેદાંતાઃ કોમોડિટી કંપનીએ રૂ. 20.50 પ્રતિ શેરના પાંચમા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જે પેટે કંપની કુલ રૂ. 7621 કરોડનું ચૂકવણું કરશે. કંપનીમાં પ્રમોટર્સ લગભગ 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આમ ડિવિડન્ડના મોટા હિસ્સાનો લાભ તેમને મળશે. વેદાંતનો શેર મંગળવારે 0.55 ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો.
ઓએમસીઃ દેશમાં ગ્રીન મોબિલિટીને વેગ આપવા માટે ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપવા માટે સરકારે ફેમ2માંથી રૂ. 800 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. જેનો ઉપયોગ કરી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 7,432 પબ્લિક ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન્સની સ્થાપના કરશે. પ્રથમ હપ્તામાં હેવી ઉદ્યોગ મંત્રાલયે રૂ. 560 કરોડની રકમ છૂટી કરી છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપનીની પાંખે તેના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 2500 કરોડથી રૂ. 5000 કરોડના મૂલ્યના નવા ઓર્ડર્સ મેળવ્યાં છે. દેશમાં ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢમાં આ ઓર્ડર્સ મેળવ્યાં છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સાઉદી અરેબિયા અને મલેશિયા ખાતે પ્રોજેક્ટ્સ મેળવ્યાં છે.
કોફી ડેઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કોફી ડે એન્ટરપ્રાઈઝિસ પર રૂ. 3535 કરોડના ફંડ ડાયવર્ઝન બદલ રૂ. 1 કરોડનો દંડ લાગુ પાડ્યો છે. કંપનીને 45-દિવસોમાં જ આ દંડનું ચૂકવણું કરવાનું જણાવાયું છે. સેબીએ કંપનીની સિસ્ટર કંપની મૈસુર એમાલ્ગમેટેડ કોફી એસ્ટેટ પર આ દંડ લાદ્યો છે.
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની કમિટી ઓફ ક્રેડિટર્સે 4 એપ્રિલે ઓક્શનનો બીજો રાઉન્ડ યોજવાનો નિર્ણય લીધો છે. સોમવારે મળેલી સીઓસીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ શુક્રવારે મળેલી બેઠકમાં હરાજીના પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ ચૂકેલા ટોરેન્ટ જૂથ અને હિંદુજા તરફથી લેન્ડર્સને ખાસ પ્રતિસાદ સાંપડ્યો નહોતો.
એસજેવીએનઃ સરકારી હાઈડ્રો પાવર ઉત્પાદક સતલજ જલ વિદ્યુત નિગમે જાપાની બેંક પાસેથી ઈન્ટરનેશનલ કોઓપરેશન માટે રૂ. 915 કરોડના મૂલ્યનું સિક્યોર્ડ ગ્રીન ફાઈનાન્સિંગ મેળવ્યું છે.
આદિત્ય બિરલા કેપિટલઃ આદિત્ય બિરલા જૂથની ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડરે આદિત્ય બિરલા ઈન્શ્યોરન્સ બ્રોકર્સનું રૂ. 455 કરોડના એન્ટરપ્રાઈઝ વેલ્યૂ પર સામરા કેપિટલને વેચાણ કર્યું છે.
કલ્યાણ જેવેલઃ કંપનીમાં હાઈડેલ ઈન્વેસ્ટમેન્ટે 2.5 ટકા હિસ્સાનું વેચાણ કરતાં શેરમાં 10 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ફંડે રૂ. 110 પ્રતિ શેરના ભાવે 288 કરોડ શેર્સનું બ્લોકડિલ મારફતે વેચાણ કર્યું હતું.
યૂપીએલઃ એગ્રોકેમિકલ્સ કંપનીના પ્રમોટર્સે 21-23 માર્ચ 2023 દરમિયાન બજારમાંથી 23.22 લાખ શેર્સની ખરીદી કરી હતી.
નેસ્લે ઈન્ડિયાઃ એફએમસીજી કંપનીનું બોર્ડ 12 એપ્રિલે 2023 માટે ઈન્ટરિમ ડિવિડન્ડ ઉપરાંત ચોથા ક્વાર્ટરના પરિણામોની વિચારણા માટે બેઠક યોજશે.