ઘટાડે ખરીદીના અભાવે શેરબજારમાં અવિરત નરમાઈ
સેન્સેક્સ 59 હજારની નીચે ઉતરી ગયો
વૈશ્વિક બજારોમાં પણ સુસ્તી
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 1 ટકા મજબૂતી
રિઅલ્ટીમાં બીજા દિવસે સુધારો જોવાયો
ફાર્મા, મેટલ, આઈટીમાં નરમાઈ
અદાણી એન્ટરપ્રાઈઝ 14 ટકા ઉછળ્યો
ઈક્વિટાસ બેંક, સુપ્રીમ ઈન્ડ. નવી ટોચે
અદાણી ટ્રાન્સ., અદાણી ટોટલ નવા તળિયા પર
ભારતીય શેરબજારમાં સતત આઁઠમા સત્રમાં ઘટાડો આગળ વધ્યો હતો. બેન્ચમાર્ક મહ્દઅંશે રેડ ઝોનમાં ટ્રેડ થયાં હતાં અને અડધા ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 326 પોઈન્ટ્સ ઘટાડે 58962ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 89 ટકા તૂટી 17304ની સપાટીએ બંધ આવ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી જળવાતાં બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી અને બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3590 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1808 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1655 પોઝીટીવ જોવા મળતાં હતાં. જોકે ઘણાં મીડ-કેપ કાઉન્ટર્સમાં નીચા મથાળે ખરીદી નીકળી હતી. જે સૂચવે છે કે સ્માર્ટ ઈન્વેસ્ટર્સ માર્કેટમાં બાર્ગેન હંટીંગનો લાભ મેળવી રહ્યાં છે. બીએસઈ ખાતે 288 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 53 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા મજબૂતી સાથે 14.02ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે નરમાઈ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17393ના બંધ ભાવ સામે 17383 પર ખૂલી ઉપરમાં 17440 થયો હતો. જોકે ત્યાંથી ફરી ગગડતો રહી 17255નું તળિયું બનાવ્યું હતું અને સહેજ સુધારે 17300ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 102 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17406ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના દિવસે જોવા મળતાં 116ના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. આમ બજારમાં લોંગ પોઝીશનમાં કોઈ ઉમેરો જોવા મળ્યો નહોતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડ્યો છે અને હવે તેને માટે 17200નો એક સપોર્ટ છે. જે તૂટશે તો નિફ્ટી વધુ ઘટાડો દર્શાવી શકે છે. તેમના મતે 17000 નીચે 16500 સુધીનો ઘટાડો સંભવ છે. જ્યારે 17400 પર ફરી બંધ આપશે તો 17600નું સ્તર જોવા મળી શકે છે. ટૂંકા સમયગાળામાં માર્કેટ ઓવરસોલ્ડ છે અને તેથી એક બાઉન્સની અપેક્ષા છે. જેનો ઉપયોગ વેચવા માટે કરી શકાશે. જ્યાં સુધી બેન્ચમાર્ક 17700ની સપાટી પર બંધ આપે નહિ ત્યાં સુધી નવી ખરીદી ટાળવી જોઈએ એમ પણ એનાલિસ્ટ્સનું કહેવું છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ 14 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એમએન્ડએ, તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, એચડીએફસી અને તાતા મોટર્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઘટવામાં સિપ્લા, હિંદાલ્કો, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓએનજીસી, તાતા સ્ટીલ, યૂપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, આઈટીસી અને ઈન્ફોસિસ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી શેર્સમાં બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. આ ઉપરાંત ઓટોમાં પણ ખરીદી જોવા મળી હતી. જોકે તે સિવાયના સેક્ટર્સમાં નરમાઈ જળવાય હતી. જેમાં ફાર્મા, મેટલ અને આઈટી મુખ્ય છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.3 ટકા ગગડ્યો હતો. જેમાં સિપ્લા 4.6 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા અને બાયોકોનમાં પણ નરમાઈ જોવા મળી હતી. બાયોકોનમાં બલ્ક ડિલ્સ પાછળ 5 કરોડ શેર્સથી વધુનું વોલ્યુમ જોવા મળ્યું હતું. ઝાયડસ લાઈફ અને ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકો તૂટ્યો હતો. તેના મુખ્ય કાઉન્ટર્સમાં ઓએનજીસી 2 ટકા ડાઉન હતો. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.91 ટકા, ગેઈલ, એનટીપીસી, આઈઓસી, બીપીસીએલમાં પણ નરમાઈ જોવા મળી હતી. જ્યારે અદાણી ગ્રીન એનર્જી 5 ટકા સુધારે બંધ રહ્યો હતો. તાતા પાવર અને પાવર ગ્રીડ કોર્પોરેશન પણ સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં વેદાંત 7 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત હિંદાલ્કો, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા અને સેઈલમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ અને એમ્ફેસિસમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી અને કોફોર્જ મજબૂતી દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝિસમાં મોટી વધ-ઘટ જોવા મળી હતી. એક તબક્કે 1104ની સપાટી પર ટ્રેડ થયા બાદ શેરમાં ભારે લેવાલી નીકળી હતી અને ઊંચામાં રૂ. 1398 પર ટ્રેડ થયો હતો. આ ઉપરાંત ઝી એન્ટરટેઈનમેન્ટ, અદાણી પોર્ટ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, ડો. લાલ પેથલેબ્સ, બર્ગર પેઈન્ટ્સ, ભેલ, ડિક્સોન ટેક્નોલોજી, એબીબી ઈન્ડિયા, ડેલ્ટા કોર્પોરેશનમાં પણ ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ વેદાતાં 7 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત સિપ્લા, હિંદાલ્કો, આલ્કેમ લેબોરેટીઝ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓએનજીસી, તાતા સ્ટીલ, યૂપીએલ, અબોટ ઈન્ડિયા, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, ઈન્ફોસિસ, ગેઈલ, આઈટીસી, ભારતી એરટેલ અને ઈન્ડિયન હોટેલ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. ત્રિવેણી ટર્બાઈન, ઈક્વિટીસ બેંક અને સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, પોલીપ્લેક્સ કોર્પ, રોસારી, ડીસીએમ શ્રીરામ, શ્યામ મેટાલિક્સ, બાયર ક્રોપસાયન્સ, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, જી આર ઈન્ફ્રા, મોતીલાલ ઓસ્વાલ, ગ્રેફાઈટ ઈન્ડિયા, સનટેક રિઅલ્ટી, થાયરોકેર ટેક્નોલોજીએ વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.
અદાણી જૂથ 79 કરોડ ડોલરની લોનનું આગોતરું ચૂકવણું કરશે
અદાણી જૂથ 69 કરોડ ડોલરથી 79 કરોડ ડોલર સુધીની શેર્સનું પીઠબળ ધરાવતી લોન્સને માર્ચ મહિનાની આખર સુધીમાં ચૂકવણું કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. જૂથ તેના ક્રેડિટ પ્રોફાઈલને મજબૂત કરવા માટે આમ કરશે એમ તેઓ ઉમેરે છે. આ અહેવાલ પાછળ અદાણી જૂથના શેર્સમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 14 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો.
જૂથ રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવા માટે ચાલુ સપ્તાહે સિંગાપુર અને હોંગ કોંગ ખાતે ફિક્સ્ડ-ઈન્કમ રોડશો યોજવા જઈ રહ્યું છે ત્યારે વહેલાસર પુનઃચૂકવણાની વાત બહાર આવી છે. જૂથ કંપની અદાણી ગ્રીન એનર્જી પણ 2024માંના તેના બોન્ડ્સને રિફાઈનાન્સ કરવા માટે 80 કરોડ ડોલરની ત્રણ-વર્ષની રેડિટ લાઈન માટે આયોજન કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે. નામ નહિ આપવાની શરતે તેમણે આમ જણાવ્યું હતું. અદાણી ગ્રીન એનર્જીનો શેર 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. શેર સવારે 5 ટકા લોઅર સર્કિટમાં ખૂલ્યાં બાદ સુધર્યો હતો. અદાણી જૂથની સાત લિસ્ટેડ કંપનીઓ 24 જાન્યુઆરીએ હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટની જાહેરાત બાદ 140 અબજ ડોલરથી વધુનું માર્કેટ-કેપ ગુમાવી ચૂકી છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં ક્રેડિટ ગ્રોથમાં ત્રિમાસિક ધોરણે ઘટાડો નોંધાયો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 17.2 ટકા ગ્રોથ સામે ત્રીજા ક્વાર્ટરમાં 16.8 ટકા ક્રેડિટ ગ્રોથ
પીએસયૂ બેંક્સના ક્રેડિટ પોર્ટફોલિયોમાં ગયા વર્ષે 4.7 ટકા સામે 2022માં 15.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ
શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સની 60 ટકા ક્રેડિટ વૃદ્ધિ મેટ્રોપોલીટન બ્રાન્ચિસ ખાતેથી જોવા મળી
ઓક્ટોબર-ડિસેમ્બર 2022 દરમિયાન બેંક ક્રેડિટ ગ્રોથ ત્રિમાસિક ધોરણે ઘટાડો દર્શાવ્યો હતો એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. ચાલુ નાણા વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ક્રેડિટ ગ્રોથ 16.8 ટકા પર નોંધાયો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 17.2 ટકા પર જોવા મળ્યો હતો એમ આરબીઆઈનો ત્રિમાસિક રિપોર્ટ જણાવે છે. શેડ્યૂલ્ડ કોમર્સિયલ બેંક્સનો ક્રેડિટ ગ્રોથ 16.6 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 8.4 ટકા પર હતો.
જાહેર ક્ષેત્રની બેંક્સે 2022માં ઊંચી ક્રેડિટ વૃદ્ધિ દર્શાવી હતી. કેલેન્ડર 2022માં પીએસયૂ બેંક્સના ક્રેડિટ પોર્ટફોલિયોમાં 15.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જે કેલેન્ડર 2021માં માત્ર 4.7 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. પ્રાઈવેટ લેન્ડર્સની વાત કરીએ તો 2022માં તેમણે 19.1 ટકા ક્રેડિટ વૃદ્ધિ નોંધાવી હતી. જે 2021માં 13.1 ટકા પર જોવા મળતી હતી. ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ શહેરી બેંકિંગ શાખાઓ રહી હતી. શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સની 60 ટકા ક્રેડિટ મેટ્રોપોલીટન બ્રાન્ચિસ ખાતેથી જોવા મળી હતી. વાર્ષિક ધોરણે તે 17.2 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી એમ આરબીઆઈએ તેના રિપોર્ટમાં નોંધ્યું હતું. સેમી-અર્બન અને રૂરલ સેન્ટર્સે પણ દ્વિઅંકી ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો હતો. બીજી બાજુ વિદેશી બેંક્સે ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો નોંધાવ્યો હતો. તેમણે 2022માં 9.6 ટકા ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 13.8 ટકા અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 15.8 ટકા ક્રેડિટ ગ્રોથની સરખામણીમાં ઘણો નીચો હતો. જો ડિપોઝીટ્સની વાત કરીએ તો 2022માં કુલ ડિપોઝિટ્સમાં 10.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે 2021માં જોવા મળેલા 9.6 ટકા ગ્રોથની સરખામણીમાં સાધારણ વૃદ્ધિ દર્શાવતી હતી. ટર્મ ડિપોઝીટમાં 13.2 ટકા ગ્રોથની પાછળ ડિપોઝીટ્સમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે નીચો ખર્ચ ધરાવતી કરન્ટ અને સેવિંગ્ઝ(કાસા) ડિપોઝીટ્સમાં 4.6 ટકા અને 7.3 ટકાની મધ્યમ વૃદ્ધિ જોવા મળી હતી. જાહેર સેક્ટરની બેંક્સ તરફથી ડિસેમ્બર 2022માં ડિપોઝીટ મોબિલાઈઝેશન 8.8 ટકા જોવા મળ્યું હતું. જે વર્ષ અગાઉના સમયગાળામાં 6.9 ટકા પર હતું. જોકે પ્રાઈવેટ સેક્ટર બેંક્સ માટે ડિપોઝીટ્સમાં વૃદ્ધિ વાર્ષિક ધોરણે ઘટાડો દર્શાવતી હતી અને 13.2 ટકા પર જોવા મળી હતી. જે 2021માં 15 ટકા પર જોવા મળી હતી. વિદેશી બેંક્સે પણ ડિપોઝીટ્સ ગ્રોથમાં ઘટાડો દર્શાવ્યો હતો. ડિસેમ્બર 2022માં ફોરેન બેંક્સનો ડિપોઝીટ ગ્રોથ 8.9 ટકા પર રહ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 10.2 ટકા પર હતો. જ્યારે વર્ષ અગાઉ 10.3 ટકા પર જોવા મળતો હતો.
ક્રેડિટ-ટુ-ડિપોઝીટ રેશિયોની વાત કરીએ તો ડિસેમ્બર 2022માં તે વધીને 75.9 ટકા પર રહ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 74.8 ટકા પર હતો. જ્યારે ગયા વર્ષે સમાનગાળામાં તે 71.6 ટકા પર હતો. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા માટે તે 100 ટકાથી ઉપર રહ્યો હતો એમ આરબીઆઈ ડેટા સૂચવે છે.
રાજ્યમાં 2.1 લાખ હેકટરમાં ઉનાળુ વાવેતર સંપન્ન
ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયાથી રાજ્યમાં ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે. સોમવારે સુધીમાં 2.1 લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું હતું. જેમાં ઉનાળુ ડાંગરનું 53204 હેકટર સાથે સૌથી ઊંચું વાવેતર જોવા મળતું હતું. આ ઉપરાંત ઉનાળુ બાજરીનું વાવેતર પણ 32723 હેક્ટરમાં નોંધાયું હતું. જે સામાન્યરીતે જોવા મળતાં વાવેતરની સરખામણીમાં 12 ટકા વિસ્તાર સૂચવે છે. ઉનાળુ સિઝનમાં રાજ્યમાં લગભગ અઢી લાખ હેકટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થાય છે. કઠોળ પાકોની વાત કરીએ તો મગનું વાવેતર 6311 હેકટરમાં જ્યારે અડદનું વાવેતર 2731 હેકટરમાં જોવા મળે છે. જ્યારે તેલિબિયાં પાકોમાં મગફળીનું વાવેતર 8300 હેકટરમાં અને તલનું વાવેતર 13904 હેકટરમાં જોવા મળે છે. બંને તેલિબિયાંનું વાવેતર 60 હજાર હેકટરથી લઈ 80 હજાર હેકટર સુધી જોવા મળતું હોય છે. ઉનાળુ શાકભાજી પાકોનું વાવેતર 25 હજાર હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે સામાન્ય રીતે 99 હજાર હેકટરમાં જોવા મળે છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 55 હજાર હેકટરમાં થયું છે. જે 3.46 લાખ હેકટરના સરેરાશ વાવેતર સામે 17 ટકા વિસ્તાર દર્શાવે છે. શેરડીનું વાવેતર 4144 હેકટરમાં જ્યારે ઉનાળુ ડુંગળીનું વાવેતર 3818 હેકટરમાં જોવા મળી રહ્યું છે. કૃષિ નિયામક વર્તુળોના મતે ચાલુ સિઝનમાં પાણીની સ્થિતિ ગયા વર્ષ જેટલી સારી નહિ હોવાથી ઉનાળુ પાકોનું વાવેતર ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ગઈ સિઝન કરતાં નબળી છે.
ચાલુ સિઝનમાં એરંડાનું વાવેતર 15 ટકા ઊંચું રહેવાનો અંદાજ
ઊંચા વાવેતર અને ઊંચી ઉપજને કારણે પ્રોડક્શન વધશે
અખાદ્ય તેલિબિયાં એરંડાનું ઉત્પાદન નવી સિઝનમાં 15 ટકા જેટલું ઊંચું રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નવેમ્બર 2022થી શરૂ થયેલી સિઝનમાં એરંડાનું ઉત્પાદન 19.46 લાખ ટન રહેશે એમ સર્વેક્ષણ જણાવે છે. હાલમાં માર્કેટ યાર્ડ્સમાં નવા માલની આવકો શરૂ થઈ ચૂકી છે.
એગ્રી રિસર્ચ એજન્સી ઈન્ડિયન એગ્રીબિઝનેસ સિસ્ટમ્સે બે રાઉન્ડ્સમાં ફિલ્ડ સર્વે હાથ ધર્યો હતો. તેણે એરંડા પકવતાં મુખ્ય રાજ્યો ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વિવિધ જિલ્લાઓમાં સ્થળ મુલાકાત હાથ ધરી હતી. પ્રાથમિક સર્વેના તારણ મુજબ 2022-23માં કુલ ઉત્પાદન 19.46 લાખ ટન રહેશે. જે ગયા વર્ષે જોવા મળેલા 16.94 લાખ ટનના અંદાજની સરખામણીમાં 15 ટકા જેટલું ઊંચું રહેશે. ચાલુ વર્ષ દરમિયાન વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ આ માટેનું મુખ્ય કારણ હતું. ગયા વર્ષે 8.11 લાખ હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે એરંડાનું વાવેતર 9.18 લાખ હેકટરમાં જોવા મળ્યું હતું. વાવેતર વિસ્તાર ઉપરાંત ઉત્પાદક્તા પણ ઊંચી જોવા મળે તેવી શક્યતાં છે. ગયા વર્ષે પ્રતિ હેક્ટર 2087 કિગ્રા ઉત્પાદનની સરખામણીમાં ચાલુ સિઝનમાં સાધારણ વૃદ્ધિ સાથે 2129 કિગ્રા ઉત્પાદન જોવા મળે તેવો અંદાજ છે.
માગની વાત કરીએ તો નવી સિઝનમાં એરંડાની માગ ઊંચી જોવા મળી રહી છે. વિવિધ ટ્રેડ વર્તુળોના સર્વે મુજબ એરંડિયા અને એરંડાના ડેરિવેટિવ્સની માગ સારી જળવાય છે. ભારત વિશ્વમાં એરંડાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તે વૈશ્વિક ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ધરાવે છે. ભારત ઉપરાંત બ્રાઝિલમાં એરંડાનું ઉત્પાદન જોવા મળે છે. ભારતમાં ગુજરાત એરંડાનું 80 ટકા ઉત્પાદન ધરાવે છે. બીજા ક્રમે રાજસ્થાન અને ત્રીજા ક્રમે તેલંગાણા આવે છે. ચાલુ સિઝનમાં નીચા કેરી ઓવર સ્ટોકને કારણે એરંડાનો જથ્થો ગયા વર્ષની સરખામણીમાં નીચો છે. નવી સિઝનનો માલ બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં આવી રહ્યો છે અને તેથી માલની તંગી નથી. જોકે ટ્રેડર્સ, પ્રોસેસર્સ, એક્સપોર્ટર્સ, ઈમ્પોર્ટર્સથી લઈને સહુ પાસે ઈન્વેન્ટરી ગઈ સિઝનની સરખામણીમાં નીચી જોવા મળી રહી છે અને તેથી એરંડાના ભાવ મજબૂત જળવાય રહેવાની શક્યતાં છે.
સ્ટીલ કંપનીઓ માર્ચ મહિનાથી ભાવમાં વૃદ્ધિ કરશે
સ્ટીલ કંપનીઓ માર્ચ મહિનાથી ભાવમાં પ્રતિ ટન રૂ. 800-1000ની વૃદ્ધિ કરશે એમ વર્તુળો જણાવે છે. રો-મટિરિયલ ખર્ચમાં વૃદ્ધિ પાછળ તેઓ આ વૃદ્ધિ કરશે. ચાલુ મહિને પણ ભાવમાં પ્રતિ ટન રૂ. 500ની વૃદ્ધિ કરવામાં આવી હતી. સ્થાનિક અને ઈન્ટરનેશનલ માર્કેટ્સમાં મજબૂત માગ પાછળ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોસ્ટ મોરચે જોઈએ તો એનએમડીસીએ આયર્ન ઓરના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જાન્યુઆરીમાં ઓર ફાઈન્સના ભાવ પ્રતિ ટન રૂ. 3410 પરથી વધારી ફેબ્રુઆરીમાંરૂ. 3910 કર્યાં હતાં. જ્યારે લમ્પ્સના ભાવ રૂ. 4300 પ્રતિ ટનથી વધારી રૂ. 4400 પ્રતિ ટન કર્યાં હતાં.
ડોલર સામે રૂપિયો 15 પૈસા સુધર્યો
ભારતીય ચલણમાં ડોલર સામે મજબૂતી જોવા મળી હતી. મંગળવારે રૂપિયો 15 પૈસા સુધરી 82.64ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ પાછળ ઈમર્જિંગ માર્કેટ ચલણોમાં મજબૂતી જોવા મળી હતી. ઉપરાંત યુએસ ખાતે મહત્વનો મેક્રોઈકોનોમિક ડેટા રજૂ થવાનો હોય ડોલર ફ્લેટિશ જોવા મળતો હતો. ફોરેક્સ ટ્રેડર્સના મતે આરબીઆઈ રૂપિયાને સપોર્ટ આપવા માટે માર્કેટમાં સક્રિય છે. જેને કારણે સ્થાનિક ચલણને ટેકો મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં સાધારણ નરમાઈ જોવા મળતી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચડીએફસી-એચડીએફસી બેંકઃ એચડીએફસી બેંકમાં એચડીએફસીના મર્જરને એનસીએલટીએ મંજૂરી આપી દીધી છે. અગાઉ આરબીઆઈ, સેબી, પીએફઆરડીએ અને સીસીઆઈ તેમજ એચડીએફસી અને એચડીએફસીના શેરધારકો પણ મર્જરને મંજૂરી આપી ચૂક્યાં છે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ કંપનીએ 5જી-એઝ-એ-સર્વિસ રોલ આઉટ કરી છે. જેનો હેતુ વિશ્વભરમાં એન્ટરપ્રાઈઝ ક્લાયન્ટ્સ માટે બિઝનેસ વેલ્યૂને બૂસ્ટ કરવાનો છે. કંપનીની વાયરલેસ 5જી એક્સપર્ટીઝ ઊંચી બેન્ડવિથ, લો લેટેન્સી અને વિશ્વાસપાત્ર વાયરસેલ કનેક્ટિવિટીની ખાતરી પૂરી પાડે છે.
એનએચપીસીઃ સરકારી જળ વિદ્યુત કંપની માટે આર્થિક બાબતોની કેબિનેટ કમિટિએ અરુણાચલ પ્રદેશ ખાતે રૂ. 1600 કરોડના મૂલ્યના દિબાંગ મલ્ટીપરપઝ પ્રોજેક્ટને લોંચ કર્યો છે. આ પ્રોજેક્ટ કુલ 2880 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવશે.
રેઈન ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 237.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 94.4 કરોડની સરખામણીમાં 150 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3966 કરોડ સામે 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5411 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
ડો. રેડ્ડીઝ લેબ્સઃ ફાર્માસ્યુટીકલ કંપનીએ ઓસ્ટ્રેલિયા સ્થિત મેયને ફાર્મા ગ્રૂપનો યુએસ જેનેરિક પ્રિસ્ક્રિપ્શન બેઝ્ડ પોર્ટફોલિયો ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યાં છે. આ માટે ડો. રેડ્ડીઝ 5.9 કરોડ ડોલરનું અપફ્રન્ટ પેમેન્ટ કરશે જ્યારે 1.5 કરોડ ડોલરનું કન્ટીન્જન્ટ પેમેન્ટ કરશે. ખરીદીથી યુએસ ખાતે ડો. રેડ્ડીઝના રિટેલ પ્રિસ્ક્રિપ્શન ફાર્મા બિઝનેસને લાભ થશે.
પ્રિકોલઃ ઓટો કોમ્પોનેન્ટ્સ ઉત્પાદક કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું છે કે મિંડા કોર્પે કંપનીમાં 15.7 ટકા હિસ્સો ખરીદીના કારણે હાલમાં ચિંતાનું કોઈ કારણ નથી. કંપની તેના બિઝનેસને લઈ પ્રતિબધ્ધ છે અને ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 600 કરોડના ઈન્વેસ્ટમેન્ટનો ઈરાદો ધરાવે છે. ગયા સપ્તાહે મિંડા કોર્પો પ્રિકોલમાં રૂ. 409 કરોડમાં બ્લોક ડિલ્સમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો.
ફેબઈન્ડિયાઃ કંપનીએ પ્રતિકૂળ માર્કેટ સ્થિતિને ધ્યાનમાં રાખી આઈપીઓના પ્લાનને મૂલ્તવી રાખ્યો છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 4000 કરોડની રકમ ઊભી કરવા માગતી હતી. તેણે ગયા વર્ષે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યં હતું. જેમાં રૂ. 500 કરોડ સુધી ફ્રેશ શેર્સ ઈસ્યુનો તથા રૂ. 2505 કરોડની ઓફર-ફોર-સેલનો સમાવેશ થતો હતો.
સ્પાઈસજેટઃ હવાઈ ઉડ્ડયન કંપનીએ તેના કાર્ગો બિઝનેસને તેની સબસિડિયરી સ્પાઈસએક્સપ્રેસ એન્ડ લોજિસ્ટિક્સને આપવાને મંજૂરી આપી દીધી છે. કંપની રૂ. 2556 કરોડમાં આ બિઝનેસ વેચશે. ઉપરાંત કંપની ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશન્સ પ્લેસમેન્ટ મારફતે રૂ. 2500 કરોડનું ફ્રેશ કેપિટલ ઊભું કરશે.
ત્રિવેણી ગ્લાસઃ કંપનીએ 840 મેટ્રીક ટન પ્રતિ દિવસની સોલાર ગ્લાસ મેન્ચૂફેક્ચરિંગ પ્લાન્ટ સુવિધા સ્થાપવા માટે રૂ. 1000 કરોડના ઈન્વેસ્ટમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે.