Market Summary 27 August 2021

માર્કેટ સમરી
સપ્ટેમ્બર સિરિઝની શુભ શરૂઆત
ભારતીય બજારમાં નવી ડેરિવેટિવ્સ સિરિઝની સારી શરુઆત જોવા મળી હતી. યુએસ ખાતે જેકસન હોલ ઈવેન્ટ અગાઉ બેન્ચમાર્ક નિફ્ટી 68 પોઈન્ટ્સ સુધરી 16705ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 16722ની ટોચ દર્શાવી હતી. માર્કેટને લગભગ તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં ફાર્મા અને મેટલ્સ મુખ્ય હતાં. બેંકિંગમાં ફ્લેટ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે બેંક નિફ્ટી પોઝીટીવ બંધ દર્શાવી શક્યો હતો. સિમેન્ટ શેર્સમાં પણ ચમકારો જોવા મળ્યો હતો.

ઓગસ્ટમાં IPOમાં ચાર વર્ષોમાં સૌથી ઊંચું ફંડ મેળવાયું
ઓગસ્ટ મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશીને કુલ રૂ. 18243 કરોડનું ફંડ મેળવવામાં આવ્યું હતું. જે નવેમ્બર 2017 પછીની સૌથી ઊંચી રકમ છે. પૂરા થવા જઈ રહેલા મહિનામાં કુલ 8 આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં હતાં. ચાર વર્ષોમાં કોઈ એક મહિનામાં તે સૌથી વધુ હતાં. અગાઉ નવેમ્બર 2017માં આઈપીઓ મારફતે રૂ. 18838 કરોડની રકમ ઊભી કરવામાં આવી હતી. જોકે આ રકમ માત્ર ત્રણ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જેમાં પીએસયૂ કંપની ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે રૂ. 9600 કરોડ જ્યારે એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફે રૂ. 8700 કરોડ ઊભા કર્યાં હતાં. ઓગસ્ટ મહિનામાં નૂવોકો વિસ્ટાસે સૌથી વધુ રૂ. 5 હજાર કરોડ ઊભા કર્યાં હતાં.

નિફ્ટી એફએન્ડઓ સેગમેન્ટમાં વધુ 10 શેર્સનો સમાવેશ
નેશનલ સ્ટોક એક્સચેન્જે સપ્ટેમ્બર સિરિઝની શરૂઆતથી નવા 10 શેર્સને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં સમાવ્યાં છે. આ 10 કાઉન્ટર્સમાં કેન ફિન હોમ્સ, ડિક્સોન ટેક્નોલોજિસ, હિંદુસ્તાન એરોનોટિક્સ, ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જ, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ, ઈપ્કા લેબોરેટરીઝ, એમસીએક્સ, ઓરેકલ ફાઈનાન્સિયલ, પોલિકેબ ઈન્ડિયા અને સિન્જિન ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે. આ સાથે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ શેર્સની સંખ્યા નવી ટોચ પર પહોંચી છે. અગાઉ માર્ચ સિરિઝમાં એક્સચેન્જે 16 શેર્સને એફએન્ડઓમાં ઉમેર્યાં હતાં.
ફાર્મા શેર્સમાં નોંધપાત્ર સમય બાદ ખરીદી જોવા મળી
છેલ્લા કેટલાંક સપ્તાહોથી સતત ઘસાઈ રહેલા ફાર્મા શેર્સમાં નવી સિરિઝના પ્રથમ દિવસે સારી ખરીદી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી ફાર્મા 1.38 ટકા સુધારા સાથે સેક્ટરલ સૂચકાંકોમાં અગ્રણી દેખાવ દર્શાવી રહ્યો હતો. વ્યક્તિગત ફાર્મા શેર્સમાં નોંધપાત્ર બાઉન્સ જોવા મળ્યું હતું. જેમાં ડો. રેડ્ડીઝ લેબ 2.2 ટકા સુધારા સાથે ફાર્મા કંપનીઓમાં આઉટપર્ફોર્મર રહ્યો હતો. આ સિવાય કેડિલા હેલ્થકેર(2 ટકા), બાયોકોન(1.7 ટકા), ઓરોબિંદો ફાર્મા(1.6 ટકા), સન ફાર્મા(1.5 ટકા), સિપ્લા(1.4 ટકા) અને ડિવીઝ લેબ.(1.3 ટકા)નો સમાવેશ થાય છે.

વૈશ્વિક ઈક્વિટી-કોમોડિટી બજારોની નજર જેક્સન હોલ પર
યુએસ સ્થિત ઘણા સ્ટેટ ફેડ બેંકર્સ માને છે આર્થિક રિકવરી જોતાં ટેપરિંગ જરૂરી બન્યું છે
અગાઉ 2013માં ટેપર ટેન્ડ્રમ તરીકે ઓળખાતી ઘટનામાં ભારતીય બજાર 7.5 ટકા જેટલું તૂટ્યું હતું

ભારતીય સમય પ્રમાણે શુક્રવારે રાતે યોજાનારી જેક્સન હોલ ખાતે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કર્સની બેઠકમાં ફેડ ચેરમેન ટેપરિંગ અંગે શું ટિપ્પણી કરે છે તેના પર દુનિયાભરના ઈક્વિટી અને કોમોડિટી બજારો નજર નાખીને બેઠા છે. અગાઉ ફેડ ચેરમેને તેમની દ્વિમાસિક મોનેટરી સમીક્ષા દરમિયાન ટેપરિંગનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારથી બજારોમાં ટેપરિંગને લઈને થોડો ગભરાટ જોવા મળી રહ્યો છે. જોકે બેઠક અગાઉ શુક્રવારે વૈશ્વિક શેરબજારો સાધારણ વધ-ઘટ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. યુએસ બજાર ગુરુવારે રાતે નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જોકે એશિયા અને યુરોપના બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. ભારતીય બજાર તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યું હતું.
સામાન્યરીતે જેક્સન હોલની બેઠકમાં વિશ્વના અગ્રણી સેન્ટ્રલ બેંકર્સ ઉપસ્થિત રહેતાં હોય છે. જોકે આ વખતે તે વર્ચ્યુલી યોજાશે. બેઠકમાં ફેડ ચેરમેન એસેટ બાઈંગને ઘટાડવાના ટાઈમીંગને લઈને કોઈ દિશાનિર્દેશ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હાલમાં ફેડ રિઝર્વની ઓપન માર્કેટ્સ કમિટિમાં વોટિંગ મેમ્બર નથી એવા ડલ્લાસ ફેડ પ્રેસિડેન્ટ રોબર્ટ કપ્લાનના મતે છેલ્લાં કેટલાક ક્વાર્ટર્સ દરમિયાન જોવા મળેલી આર્થિક રિકવરી બાદ ફેડ માટે ઓક્ટોબર અથવા તો ત્યારબાદ ટૂંકાગાળામાં એસેટ પરચેઝ પ્રોગ્રામને બંધ કરવો જરૂરી બની જાય છે. તેમની આ ટિપ્પણીને બજારનો નોંધપાત્ર વર્ગ ગંભીરતાથી લઈ રહ્યો છે. જો આમ થશે તો આગામી સપ્તાહે વૈશ્વિક બજારોમાં ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળી શકે છે.
અગાઉ મે 2013માં તે વખતના ફેડ ચેરમેને યુએસ કોંગ્રેસ સમક્ષ ટેપરિંગની શક્યતા દર્શાવી હતી અને વિશ્વભરના બજારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ પ્રથમવાર બજારોને ટેપરિંગને ગંભીરતાથી લઈ રહ્યાં છે. કેમકે 2013થી 2019 સુધી ફેડે રેટ વૃદ્ધિ કરી હતી. જોકે કોવિડના આગમન બાદ તેણે રેટને ઝીરો નજીક જાળવવા સાથે માસિક ધોરણે મોટુ બોન્ડ બાઈંગ ચાલુ કર્યું હતું. જો 2013ના ટેપર ટેન્ડ્રમની વાત કરીએ તો પછીના એક મહિનામાં ભારતીય બજારમાં 7.5 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જ્યારે સિંગાપુર બજારમાં(9 ટકા), હોંગ કોંગ(13 ટકા), જાપાન(14.1 ટકા), બ્રાઝિલ(14.3 ટકા) અને ચીન(16.4 ટકા) જેટલાં ઘટ્યાં હતાં. યુએસ બજારોમાં પણ 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. સીએલએસએ તેના એક અહેવાલમાં જણાવે છે કે ભારતીય બજારમાં 2013નું પુનરાવર્તન થાય તેવી શક્યતાં નથી. કેમકે ભારતીય અર્થતંત્ર 2013ની સરખામણીમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે અને તેથી ટેપરિંગ થાય તો પણ તે તીવ્ર પ્રતિક્રિયા ના દર્શાવે તેવું જોવા મળી શકે છે. ભારત પાસે 19 મહિનાથી વધુ સમયની આયાત કવર કરે તેટલું ફોરેક્સ રિઝર્વ છે. તેમજ 2021-22 માટે 9 ટકાથી ઊંચા જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ છે. જે 2013-14માં 5.5 ટકા પર હતો.
2013માં ટેપરિંગ બાદ બજારોનો દેખાવ
શેરબજાર એક મહિનામાં ઘટાડો(ટકામાં)
યુએસ 4.9
તાઈવાન 5.8
ભારત 7.5
સિંગાપુર 9.0
હોંગ કોંગ 13.0
ઈએમ બેન્ચમાર્ક 13.3
જાપાન 14.1
બ્રાઝિલ 14.3
થાઈલેન્ડ 14.7
ચીન 16.4

 

 

મેટલ શેર્સમાં મ્યુચ્યુલ ફંડ્સનું રોકાણ 33-મહિનાની ટોચ પર
જુલાઈમાં ઈક્વિટી ફંડ્સે ફેરસ મેટલમાં રૂ. 38516.03 કરોડ જ્યારે નોન-ફેરસ મેટલ્સમાં રૂ. 17550.13 કરોડનું રોકાણ કર્યું

છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં ઊંચી નફાકારક્તા અને ઉદ્યોગના ઉજળા ભાવિને જોતાં મેટલ શેર્સમાં મ્યુચ્યુલ ફંડ્સની ખરીદીમાં વૃદ્ધિ જોવા મળે છે. ભારતીય મેટલ કંપનીઓમાં સ્થાનિક ફંડ્સનો હિસ્સો 33 મહિના એટલે કે લગભગ ત્રણ વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યો છે. શેરબજારમાં મેટલ કંપનીઓના આઉટપર્ફોર્મન્સ પાછળ ફંડ્સની ખરીદી જવાબદાર માની શકાય.
વિવિધ ફંડ્સમાં મેટલ્સનું વેઈટેજ જોઈએ તો આ બાબત સ્પષ્ટ થાય છે. જેમકે મોતીલાલ ઓસ્વાલ ફંડનું જુલાઈમાં મેટલ્સમાં કુલ વેઈટેજ 3.4 ટકા પર હતું. જે ચાલુ વર્ષે સરેરાશ વેઈટેજ 2.8 કરતાં ઊંચું હતું. તેમજ 33 મહિનાઓની ટોચ પર હતું. જુલાઈ મહિનામાં ઈક્વિટી ફંડ્સે ખરીદેલા ટોચના 10 શેર્સમાં ટાટા સ્ટીલ અને હિંદાલ્કો એમ બે મેટલ કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. બંને શેર્સે તાજેતરમાં તેમની ઐતિહાસિક ટોચ દર્શાવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રજૂ કરેલા આંકડાઓ મુજબ જુલાઈમાં ઈક્વિટી ફંડ્સે ફેરસ મેટલમાં રૂ. 38516.03 કરોડ જ્યારે નોન-ફેરસ મેટલ્સમાં રૂ. 17550.13 કરોડનું તગડું રોકાણ નોંધાવ્યું હતું. જે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સૌથી ઊંચું હતું.
અગ્રણી ફંડ હાઉસ મેનેજરના જણાવ્યા મુજબ એકબાજુ મેટલ્સના ભાવમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે બીજી બાજુ ભારતમાં ઊંચી માગ જોવા મળી રહી છે. આમ મેટલ કંપનીઓને બેવડો લાભ મળી રહ્યો છે. ઘણી મેટલ કંપનીઓએ તગડો નફો રળ્યો છે. જેના સપોર્ટથી તેઓ ડેટ ઓછું કરી રહી છે. સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઊંચો ખર્ચ કરવાનો ઈરાદો ધરાવે છે. આમ મેટલ ક્ષેત્રે મજબૂતી જળવાયેલી રહેવાની શક્યતા છે. છેલ્લા એક વર્ષમાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ 140 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે ટાટા સ્ટીલનો શેર 260 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલનો શેર 185 ટકાનો તીવ્ર સુધારો સૂચવી રહ્યાં છે.

IT રિટર્નમાં એસેસમેન્ટમાં ખામી બદલ FPIsને નોટિસ
આઈટી વિભાગે નફા-નુકસાનના એકાઉન્ટ્સ સાથે બેંલેન્સ શીટ રજૂ કરવા માટે જણાવ્યું

આવકવેરા રિટર્ન ભરવામાં ભૂલ બદલ અનેક વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ અથવા એફઆઈઆઈ)ને આઈટી વિભાગ તરફથી નોટિસો પાઠવવામાં આવી છે. વર્તુળોના જણાવ્યા મુજબ આઈટીની ધારા 139(9) હેઠળ ખામી ભરેલા રિટર્ન ફાઈલ કરવા બદલ સેંકડો નોટિસ મોકલવામાં આવી છે. રોકાણકારોને આઈટી વિભાગે નફા-નુકસાનના એકાઉન્ટ્સ સાથે બેંલેન્સ શીટ રજૂ કરવા માટે જણાવ્યું છે. વર્તમાન નિયમો મુજબ તેઓએ આમ કરવાની જરૂરિયાત રહેતી નથી. ભારતમાં કુલ 10,206 એફપીઆઈ રજિસ્ટર્ડ છે.
માર્કેટ નિષ્ણાતો આ ઘટનાને એક અભૂતપૂર્વ ઘટના ગણાવી રહ્યાં છે. જોકે આ અહેવાલો બાદ પણ ભારતીય બજારે કોઈ નેગેટિવ પ્રતિક્રિયા નહોતી આપી અને સુધારા સાથે બંધ દર્શાવ્યું હતું. તેઓ એવું પણ માને છે કે આવકવેરા વિભાગનું નવુ પોર્ટલમાં ખામી પણ આ નોટિસો પાછળનું કારણ હોય શકે છે. જોકે આ મુદ્દે જાણકાર વ્યક્તિના જણાવ્યા અનુસાર એફપીઆઈ આને ટેકનીકલ ખામી તરીકે નથી જોઈ રહી પરંતુ આવકવેરા વિભાગ તેમની તપાસ કરી રહ્યું છે તેવું માને છે. વર્તુળોના મતે આને કારણે વિદેશી રોકાણકારોમાં ભારતની છબી ખરડાઈ શકે છે. અગાઉ પણ કર માળખામાં અનિશ્ચિતતાને કારણે તેઓએ મુશ્કેલી ઉઠાવવી પડી છે. અગ્રણી લો કંપનીના પાર્ટનરના જણાવ્યા મુજબ અગાઉના એસેસમેન્ટ વર્ષોની નોટિસ ફરીવાર બનાવીને મોકલી દેવામાં આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે આને ટેકનીકલ ખામી ગણાવી હોવાનું પણ તેઓ ઉમેરે છે. એક અન્ય કંપનીના પાર્ટનર જણાવે છે કે અગાઉ આ પ્રકારની ઘટના ઘટી છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં નહિ. અગાઉના વર્ષોના જવાબ આપ્યા છતાં આવકવેરા વિભાગ ફરીથી નોટિસ મોકલી રહ્યું છે.
ખામી ભરેલા રિટર્નને લઈને એકથી વધારે કારણોથી નોટિસ મોકલવાની જોગવાઈ છે. જેમાં પૂરતા પ્રમાણમાં રિટર્ન ના ભરવું, સંબંધિત એકાઉન્ટ્સની માહિતી પૂરી ના પાડવી, રિફંડ તરીકે ડીટીએસનો દાવો કરવો અને આવકની પૂરી જાણકારી નહિ આપવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સામાન્યરીતે કરદાતાઓની રિટર્નમાં કોઈ ભૂલચૂક સુધારવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. જો તેઓ આ સમયગાળામાં ભૂલ સુધારતાં નથી તો એવું માનવામાં આવે છે કે કરદાતાએ રિટર્ન ફાઈલ નથી કર્યું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage