બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
RIL રૂ. 19 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરનાર પ્રથમ ભારતીય કંપની બની
બુધવારે બીએસઈ ખાતે ઈન્ટ્રા-ડે ધોરણે કંપનીએ રૂ. 19.02 લાખ કરોડનું એમ-કેપ દર્શાવ્યું
મુકેશ અંબાણીની લીડરશીપ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશના શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓમાં રૂ. 19 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરનાર પ્રથમ કંપની બની હતી. બુધવારે ઈન્ટ્રા-ડે ધોરણે બીએસઈ ખાતે રૂ. 2827.10ની સર્વોચ્ચ સપાટી વખતે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 19 લાખ કરોડની સપાટી પાર કરી ગયું હતું. જોકે પાછળથી બજારમાં વેચવાલી નીકળતાં કંપનીનો શેર 0.08 ટકા સુધારા સાથે રૂ. 2777.90ની સપાટી પર બંધ રહ્યો હતો.
છેલ્લાં સાત ટ્રેડિંગ સત્રોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સેર 11 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યો છે. 18 એપ્રિલે કંપનીનો શેર રૂ. 2544ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યાંથી બુધવારે તેણે રૂ. 2827ની ટોચ નોંધાવી હતી. છેલ્લાં ત્રણ મહિનાનો દેખાવ જોઈએ તો શેર 20 ટકા જેટલું રિટર્ન દર્શાવે છે. જેની સરખામણીમાં બીએસઈ સેન્સેક્સે 0.42 ટકાનું સાધારણ વળતર આપ્યું છે. આમ રિલાયન્સે બ્રોડ માર્કેટને આઉટપર્ફોર્મ કર્યું છે. કંપનીમાં પ્રમોટર્સ 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જેને જોતાં બુધવારે પ્રમોટર્સ પણ રૂ. 9.5 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતાં બન્યાં હતાં. કંપનીએ મંગળવારે જ અબુધાબી કેમિકલ ડેરિવેટિવ્સ કંપની આરએસસી(તઝિઝ) સાથે કેમિકલ પ્રોજેક્ટ માટે શેરહોલ્ડર એગ્રીમેન્ટ કર્યાં હતાં. આ કરાર રિલાયન્સ માટે નવી રેવન્યૂ સ્ટ્રીમ્સ ઊભી કરે તેવી શક્યતાં છે. જેને કારણે આજે નરમ બજારમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મજબૂતી જોવા મળી હતી એમ બજાર વર્તુળો જણાવતાં હતાં.
યુએસ પાછળ સ્થાનિક બજારમાં સુધારો અટક્યો
મંગળવારે રાતે નાસ્ડેકમાં 4 ટકાનો તીવ્ર ઘટાડો
એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ટ્રા-ડે 2800નું સ્તર વટાવ્યું
બ્રોડ માર્કેટમાં જોવા મળેલી વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 20.60ના સ્તરે
એક દિવસ માટે બાઉન્સ દર્શાવીને ભારતીય શેરબજાર ફરી નરમાઈ તરફી બન્યું હતું. બુધવારે બીએસઈ સેન્સેક્સ 537 પોઈન્ટ્સના ઘટાડે 56819ના સ્તરે જ્યારે નિફ્ટી 164 પોઈન્ટ્સ તૂટી 17037ના સ્તરે બંધ રહ્યાં હતાં. યુએસ ખાતે મંગળવારે રાતે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં ભારે વેચવાલી વચ્ચે એશિયન બજારો સાથે સ્થાનિક બજાર પણ ઘટાડો દર્શાવતું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઉછળી 20.60ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 42 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સેન્ટીમેન્ટ નબળુ હતું. જેની પાછળ માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. માર્કેટ વર્તુળોના મતે એક સપ્તાહ બાદ એલઆઈસીના આઈપીઓને જોતાં બજાર ટકેલું જોવા મળી શકે છે.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મહત્વના સૂચકાંકોમાંથી એકપણ ઈન્ડેક્સ પોઝીટીવ બંધ દર્શાવી શક્યો નહોતો. નિફ્ટી એનર્જી 1.3 ટકા, નિફ્ટી પીએસઈ 1.3 ટકા જ્યારે બેંક નિફ્ટી 1 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી સહિતના ઈન્ડેક્સ એક ટકા સુધી નરમ બંધ રહ્યાં હતાં. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 16800નો સપોર્ટ મહત્વનો છે. જ્યાં સુધી આ સ્તર પર ટ્રેડ દર્શાવે છે ત્યાં સુધી વધ-ઘટે સુધારાની શક્યતાં છે. જોકે વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ વધુ નરમાઈની શક્યતાં સૂચવે છે. યુએસ બજારો છેલ્લાં સપ્તાહમાં તીવ્ર ઘટાડો દર્શાવી ચૂક્યાં છે અને હાલમાં તેઓ મંદીના ઝોનમાં સરી પડ્યાં છે. ચીન ખાતે લોકડાઉનને કારણે પણ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરને લઈને ચિંતા ઊભી થઈ છે. બૈજિંગમા ચાર સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વચ્ચે ચીનનું બજાર બુધવારે 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવતું હતું. કેમકે તે ઓવરસોલ્ડ ઝોનમાં હતું.
લાર્જ-કેપ્સ કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પમાં સુધારો આગળ વધ્યો હતો અને શેર વધુ 4 ટકા ઉછાળા સાથે રૂ. 2500ની સપાટી પાર કરી ગયો હતો. મેટલ કાઉન્ટર્સમાં ટાટા સ્ટીલ એક ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ, બજાજ ઓટો, ડિવિઝ લેબ્સ, આઈશર મોટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ બજાજ બંધુઓમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં બજાજ ફાઈનાન્સ 7.27 ટકા તૂટ્યો હતો. જ્યારે બજાજ ફિનસર્વ 4 ટકા ગગડ્યો હતો. ટાટા કોન્ઝ્યૂમર પ્રોડક્ટ્સમાં 3 ટકાનો જ્યારે અદાણી પોર્ટ્સમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એબી કેપિટલ 3.25 ટકા, એપોલો ટાયર્સ 3.14 ટકા, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 3.12 ટકા, જિંદાલ સ્ટીલ 2.8 ટકા, ડો. લાલ પેથલેબ્સ 2.51 ટકા, પીવીઆર 1.83 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ માઈન્ડટ્રી 4.35 ટકા, ટ્રેન્ટ 4.3 ટકા, અતુલ 4.25 ટકા, ઈન્ટરગ્લોબ એવિએશન 4.2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ફ્યુચર જૂથના શેર્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તેઓ લાઈફ ટાઈમ લો પર ટ્રેડ થયાં હતાં. ધાની સર્વિસિસમાં પણ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ફિબિમ એવન્યૂ પણ વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો.
બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3485 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1159 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2208 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 141 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર ટ્રેડ થયા હતાં. જ્યારે 29 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ ખાતે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.86 ટકા ઘટાડે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.61 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં આલોક ઈન્ડસ્ટ્રીઝ 16 ટકા, જસ્ટ ડાયલ 7 ટકા, કલ્પતરુ પાવર 5 ટકા, રેડિકો ખેતાન 3.3 ટકા અને ફાઈન ઓર્ગેનિક 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં.
LICનું લિસ્ટીંગ 17 મેના રોજ, એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 5630 કરોડ ઊભા કરશે
દેશના શેરબજારોમાં સૌથી મોટા બની રહેનારા એલઆઈસી આઈપીઓનું લિસ્ટીંગ 17 મેના રોજ થવાની શક્યતાં છે. કંપની 4 મેના રોજ રૂ. 902-949ની પ્રાઈસ બેન્ડ સાથે આઈપીઓ લાવશે. દિપમ સેક્રેટરીના જણાવ્યા મુજબ એલઆઈસીનો આઈપીઓ મૂડીબજારમાંથી મૂડી અને નાણાના પ્રવાહને સૂકાવા દેશે નહિ. વર્તમાન સ્થિતને જોતાં આઈપીઓ યોગ્ય કદ ધરાવે છે. સેબીમાં રજૂ કરવામાં આવેલા આખરી પેપર્સ મુજબ 16 મે સુધીમાં રોકાણકારોના ડિમેટ એકાઉન્ટ્સમાં શેર્સની ફાળવણી કરવામાં આવશે. જ્યારબાદ 17 મેથી કંપનીના શેર્સમાં ટ્રેડિંગ શરૂ થશે. કંપની અપર પ્રાઈસ બેન્ડ પર એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 5630 કરોડ ઊભા કરવાનો ટાર્ગેટ ધરાવે છે.
વૈશ્વિક ગોલ્ડે 1900 ડોલરનો સપોર્ટ તોડ્યો
વિશ્વ બજારમાં સોનું 1900 ડોલરના સપોર્ટ નીચે ઉતરી ગયું હતું. ડોલર ઈન્ડેક્સમાં સતત મજબૂતી વચ્ચે ગોલ્ડના ભાવમાં નરમાઈ આગળ વધી હતી. બુધવારે સોનુ એક તબક્કે 1884 ડોલરની સપાટી પર ટ્રેડ થયું હતું. જ્યારબાદ તે 1895 આસપાસ અથડાયેલું રહ્યું હતું. છેલ્લાં એક સપ્તાહમાં ગોલ્ડમાં 100 ડોલરનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ફેડ ચેરમેન તરફથી આક્રમક રેટ વૃદ્ધિને લઈને કરવામાં આવેલા નિવેદનો બાદ ગોલ્ડ સહિતની કોમોડિટીઝના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્પીનીંગ મિલ્સે કોટન આયાત માટે શરૂ કરેલા સોદા
સરકારે આગામી 30 સપ્ટેમ્બર સુધી દેશમાં ડ્યુટી ફ્રી કોટન આયાત માટે આપેલી છૂટ બાદ દેશની સ્પીનીંગ મિલ્સે આયાતી કોટન ખરીદવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સાઉથ સ્થિત સ્પીનીંગ મિલ્સ હાલમાં દૈનિક 100 ગાંસડીઓના સોદા કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે. તેઓ ક્વોલિટીને આધારે રૂ. 95 હજારથી લઈ રૂ. 1.03 લાખ પ્રતિ ખાંડીના ભાવે આયાતી કોટન ખરીદી રહ્યાંનું વર્તુળો જણાવે છે. હાલમાં સ્થાનિક બજારમાં સંકર વેરાયટીનું કોટન રૂ. 93 હજાર પ્રતિ ખાંડી આસપાસમાં ઉપલબ્ધ છે. જોકે મિલો પાસે હવે એક મહિના ચાલે તેટલો જ માલ ઉપલબ્ધ છે. જ્યારે બીજી બાજુ સ્થાનિક બજારમાં ક્વોલિટી માલોની તંગી જોવા મળે છે. આમ સપ્ટેમ્બરમાં નવો માલ બજારમાં પ્રવેશે ત્યાં સુધી સ્પીનર્સ માટે માલની પ્રાપ્તિ જોઈશે. આયાતી કોટન જૂન મહિનાથી દેશના બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે.
NSE ખાતે લિસ્ટેડ કંપનીઓમાં FIIsનો હિસ્સો 9 વર્ષના તળિયે
વિદેશી રોકાણકારોનો હિસ્સો સતત ચોથા ક્વાર્ટર દરમિયાન ઘટી ડિસે. 2021ની આખરમાં 19.7 ટકાના સ્તરે
બીજી બાજુ રિટેલ રોકાણકારોનો હિસ્સો 2021ની આખરમાં 14 વર્ષોની 9.7 ટકાની ટોચ પર
વિદેશી સંસ્થાકિય રોકાણકારોનો એનએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટરની આખરમાં ગગડીને નવ વર્ષોના તળિયા પર પહોંચ્યો હતો. બીજી બાજુ રિટેલ હિસ્સો સમાનગાળામાં વધી 14-વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. એફઆઈઆઈની માલિકીમાં સતત ચોથા ક્વાર્ટર દરમિયાન ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 0.81 ટકાના નોંધપાત્ર ઘટાડે 19.7 ટકા પર જોવા મળ્યો હતો.
નિફ્ટી-500 કંપનીમાં પણ વિદેશી સંસ્થાકિય રોકાણકારોનો હિસ્સો 65 બેસીસ પોઈન્ટ્સ ગગડી 20.9 ટકા પર રહ્યો હતો એમ એનએસઈ રિપોર્ટ જણાવે છે. કેલેન્ડર 2021માં એફઆઈઆઈનું હોલ્ડિંગ એનએસઈ લિસ્ટેડ કંપનીઓમાં 2.04 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે નિફ્ટી-500 કંપનીઓમાં તેણે 1.65 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. વિદેશી સંસ્થાકિય રોકાણકારોની માલિકીમાં ઘટાડાનું એક કારણ ડિસેમ્બર ક્વાર્ટરમાં જોવા મળેલો જંગી આઉટફ્લો હોઈ શકે છે. કોવિડ પરત ફરતાં તથા યુએસ ફેડ દ્વારા અપેક્ષા કરતાં ઝડપી રેટ વૃદ્ધિને કારણે વેચવાલી પ્રબળ બની રહી હતી. ડિસેમ્બર 2020ની આખરમાં 21.7 ટકાના સ્તરેથી વિદેશી રોકાણકારોનો હિસ્સો ડિસેમ્બર 2021ની આખરમાં 19.7 ટકા પર પહોંચ્યો હતો. જોકે બીજી બાજુ સ્થાનિક બજારમાં રિટેલ ઈન્વેસ્ટર્સ પરત ફરતાં જોવા મળ્યાં હતાં. ચાર ક્વાર્ટર્સ દરમિયાન તેમનો હિસ્સો 9 ટકા પરથી વધી 9.7 ટકા પર પહોંચ્યો હતો. જે 14 વર્ષોની ટોચનું સ્તર છે. પ્રમોટર્સ હોલ્ડિંગ પણ સમાનગાળામાં લગભગ 2 ટકા જેટલું વધ્યું હતું. ડિસેમ્બર 2020ની આખરમાં પ્રમોટર્સનો હિસ્સો 34.6 ટકા પરથી વધતો જોવા મળ્યો હતો. જે ડિસેમ્બર 2021ની આખરમાં 36.4 ટકા પર જળવાયો હતો. સ્થાનિક સંસ્થાઓની વાત કરીએ તો તેમનો હિસ્સો કેલેન્ડર 2021માં સ્થિર જળવાયો હતો. એટલેકે ડિસેમ્બર 2020ની આખરમાં તેમનો હિસ્સો 7.4 ટકા પર હતો. જે 2021ની આખરમાં પણ સમાન સ્તરે જ જળવાયો હતો. જોકે સ્થાનિક બેંક્સ અને નાણાકિય સંસ્થાઓના હિસ્સામાં ઘટાડો જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2020ની આખરમાં 5.1 ટકા પરથી તેમનો હિસ્સો ડિસેમ્બર 2021ની આખરમાં 4.4 ટકા પર જોવા મળ્યો હતો.
માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સ પરત ફરતાં કેશ માર્કેટ ટર્નઓવરમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. ડિસેમ્બર 2019થી ડિસેમ્બર 2021 સુધીની વાત કરીએ તો રિટેલ હિસ્સો 1.3 ટકા ઉછળ્યો હતો. આમ છેલ્લાં બે કેલેન્ડર દરમિયાન રિટેલ હિસ્સામાં વૃદ્ધિ નોંધાઈ છે. આ માટેનું એક કારણ સેકન્ડરી માર્કેટ પાછળ પ્રાઈમરી માર્કેટમાં તેજી પણ છે. છેલ્લાં દોઢ વર્ષોમાં અનેક આઈપીઓમાં રિટેલે મોટા પ્રમાણમાં ભાગ લીધો છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં નિફ્ટી-50 શેર્સમાં રિટેલ હિસ્સો 0.21 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જે સાથે ટોચની 50 કંપનીઓમાં રિટેલ હોલ્ડિંગ 8.3 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી-500માં તેમના હિસ્સામાં 0.29 ટકા વધી 9 ટકા પર અને એનએસઈ સ્થિત લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો 0.36 ટકા જેટલો વધી 9.7 ટકા પર પહોંચ્યો હતો.
એફઆઈઆઈ અને રિટેલ હિસ્સામાં વધ-ઘટ
ક્વાર્ટર્સ એફઆઈઆઈ હિસ્સો(ટકામાં) રિટેલ હિસ્સો(ટકામાં)
ડિસે. 2020 21.7 9
માર્ચ 2021 21.5 9
જૂન 2021 20.7 9.4
સપ્ટે. 2021 20.5 9.3
ડિસે. 2021 19.7 9.7
LIC નીચા વેલ્યૂએશન ધરાવતી વીમા કંપનીઓમાંની એક બની રહેશે
એલઆઈસી એમ્બેડેડ વેલ્યૂના 1.11 ગણુ વેલ્યૂએશન સાથે આઈપીઓ લાવશે
હાલમાં ચાઈના લાઈફ ઈન્શ્યોરન્સ એમ્બેડેડ વેલ્યૂના 0.21 ટકા સાથે સૌથી સસ્તી કંપની
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ)માં શેરદીઠ રૂ. 902-949ને જોતાં વિશ્વભરમાં નીચું વેલ્યુએશન ધરાવતી વીમા કંપની પૈકીની એક બની રહેશે. પ્રાદેશિક વીમા કંપનીઓ જેમકે એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ તેમના એમ્બેડેડ વેલ્યુ કરતાં હાલમાં 4.05 ગણા અને 3.10 ગણાએ ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે કે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ 2.5 ગણા સ્તરે છે. એક અંદાજ મૂજબ એલઆઇસીની એમ્બેડેડ વેલ્યુ 30 સપ્ટેમ્બર, 2021 પ્રમાણે ગણતરીમાં લેવાઇ છે અને તે તીવ્ર વધીને રૂ. 5.4 લાખ કરોડ થઇ છે. વીમા કંપનીના રૂ. 6,00,000 કરોડના વેલ્યુને જોતાં આઇપીઓનું કદ રૂ. 21,000 કરોડ જેટલું છે. આ પહેલાં વેલ્યુએશન રૂ. 13,00,000 કરોડની આસપાસ રહેવાનો અંદાજ હતો, પરંતુ હવે તે 6,00,000 કરોડ છે તથા એમ્બેડેડ વેલ્યુ આશરે રૂ. 5,40,000 કરોડ છે. જોકે, એલઆઇસીનું રૂ. 6,00,000 કરોડનું વેલ્યુએશન આકર્ષક જોવાઇ રહ્યું છે.
જાણકારોના કહેવા મૂજબ આઇપીઓ પહેલાં ગ્રે માર્કેટમાં ગતિવિધી વધી છે. હાલમાં એલઆઇસી પ્રતિ શેર પ્રીમિયમ રૂ. 38 જેટલું છે. આ પ્રાઇઝને જોતાં એલઆઇસી માર્કેટ કેપિટલાઇઝેશન બાબતે પાંચમાં ક્રમની સૌથી મોટી વીમા કંપની બનશે. નાણાકીય વર્ષ 2021માં એલઆઇસીનું રિટર્ન ઓન ઇક્વિટી (આરઓઇ) 82 ટકા હતું, જે વૈશ્વિક પિઅર્સની તુલનામાં સૌથી વધુ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
શેફલરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 207 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 139.54 કરોડની સરખામણીમાં 48.43 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ 19.04 ટકા વધી રૂ. 1567.51 કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1316.82 કરોડ પર હતું.
વિપ્રોઃ અગ્રણી આઈટી કંપનીએ યુએસ સ્થિત ગ્લોબલ સેપ કન્સલ્ટીંગ કંપની રાઈઝિંગ ઈન્ટરમિડિયેટ હોલ્ડિંગ્સ ઈન્કને 54 કરોડ ડોલરમાં ખરીદવાનો નિર્ણય કર્યો છે.
બજાજ ફાઈનાન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2420 કરોડનો નફો નોંધાવ્યો છે. જે રૂ. 2442ના અંદાજની સરખામણીમાં સાધારણ નીચો હતો. કંપનીની આવક રૂ. 6850 કરોડની સામે રૂ. 8630 કરોડ પર જોવા મળી હતી.
એયૂ સ્મોલ બેંકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 346 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 105 ટકાની વૃદ્ધિ સૂચવે છે. પ્રોવિઝન્સમાં ઘટાડા અને ઊંચી નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમને કારણે નફામાં વૃદ્ધિ નોંધાઈ હતી.
મેક્રોટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 535 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 72 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 36 ટકા ઉછળી રૂ. 3440 કરોડ પર જોવા મળી હતી.
યુનાઈટેડ બ્રૂઅરીઝઃ યુનાઈટેડ બ્રૂઅરીઝે ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 68 ટકા વૃદ્ધિ સાથે રૂ. 163 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જ્યારે તેની આવક વાર્ષિક ધોરણે 1.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3660 કરોડ પર જોવા મળી હતી.
નિપ્પોન લાઈફઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 175 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જ્યારે તેની આવક વાર્ષિક ધોરણે 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 338 કરોડ પર જોવા મળી હતી.
આદિત્ય બિરલા એએમસીઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 156 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 149 કરોડ પર હતો. જ્યારે તેની આવક ગયા વર્ષે રૂ. 304 કરોડની સરખામણીમાં વધીને રૂ. 317 કરોડ પર જોવા મળી હતી.
ટાટા કોફીઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 41 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43 કરોડ પર હતો. જ્યારે તેની આવક ગયા વર્ષે રૂ. 591 કરોડની સરખામણીમાં વધીને રૂ. 656 કરોડ પર જોવા મળી હતી.
મહિન્દ્રા લોજિસ્ટીક્સઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 11 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12 કરોડ પર હતો. જ્યારે તેની આવક ગયા વર્ષે રૂ. 974 કરોડની સરખામણીમાં વધીને રૂ. 1073 કરોડ પર જોવા મળી હતી.
Market Summary 27 April 2022
April 27, 2022