બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
કેપિટલ ગુડ્ઝ કંપનીઓ પાસે રૂ. 8.45 લાખ કરોડની વિક્રમી ઓર્ડર બુક
લાર્સન એન્ડ ટુબ્રો રૂ. 4.5 લાખ કરોડ સાથે 50 ટકાથી વધુ ઓર્ડરબુક ધરાવે છે
ભારતની ટોચની કેપિટલ ગુડ્ઝ અને એન્જિનીયરીંગ કંપનીઓ તેમની સૌથી વ્યસ્ત બિઝનેસ સિઝનમાં જોવા મળી રહી છે. તેમની કુલ ઓર્ડર બુક રૂ. 8 લાખ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. જે અત્યાર સુધીનો વિક્રમ છે. શેરબજારમાં લિસ્ટેડ ટોચની 15માંથી 13 કેપિટલ ગુડ્ઝ અને એન્જીનીયરીંગ કંપની તરફથી પ્રાપ્ય ડેટા મુજબ તેમની ઓર્ડરબુક રૂ. 8.45 લાખ કરોડની સપાટીએ જોવા મળતી હતી. આ આંકડો અગાઉ કદાચ 2018-19 અગાઉ જોવા મળ્યો હોય શકે છે.
કેપિટલ ગુડ્સ સેક્ટરને ટ્રેક કરતાં સિનિયર ઈન્ડિપેન્ડન્ટ એનાલિસ્ટના મતે ઈન્ફ્લેશનને જોતાં આ ઓર્ડરબુક સૌથી ઊંચી હોય તેમ જણાય છે. ઓર્ડર બુકમાં વૃદ્ધિનું કારણ દેશમાં બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની ઊંચી માગ જવાબદાર છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી પણ ઓર્ડર્સમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને એનર્જી સંબંધિત માર્કેટમાંથી ઓર્ડર્સ ઘણા ઊંચા જોવા મળી રહ્યાં છે. જોકે, આ ઓર્ડરબુકને લઈને કંપનીઓ સામે પડકારો પણ વધ્યાં છે. જેમાં લેબર, વર્કિગ કેપિટલ, કોમોડિટી સાઈકલ્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
તાતા પ્રોજેક્ટ્સના ચીફ સ્ટ્રેટેજી અને ગ્રોથ ઓફિસર હિમાંશું ચતુર્વેદીના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોથી મંદી દર્શાવી રહેલા પ્રાઈવેટ સેક્ટર કેપેક્સમાં બાઉન્સ જોવા મળી રહ્યું છે. સરકાર તરફથી કેટલાંક ચોક્કસ પ્રયાસો જેવાકે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ્સ વગેરેને કારણે આ રિવાઈવલ જોવા મળે છે. આ ઉપરાંત, મીડ-સાઈકલ કેપેસિટી યુટિલાઈઝેશન, કોર્પોરેટ બેલેન્સ શીટ્સનું ડિલેવરેજિંગ, તંદુરસ્ત નફાકારક્તા અને મજબૂત મૂડીકરણ ધરાવતી બેંકિંગ સિસ્ટમ જેવા પરિબળો જવાબદાર છે. તાતા જૂથની અનલિસ્ટેડ કંપનીઓ માર્ચ 2023ના રોજ રૂ. 48 હજાર કરોડની ઓર્ડરબુક ધરાવતી હતી.
જો વિવિધ કેપિટલ ગુડ્ઝ કંપનીઓની ઓર્ડરબુક સ્થિતિ પર નજર નાખીએ તો લાર્સન એન્ડ ટુબ્રો રૂ. 4.5 લાખ કરોડ સાથે 50 ટકાથી વધુ ઓર્ડરબુક ધરાવે છે. આ ઉપરાંત સરકારી કંપની ભેલ રૂ. 1.14 લાખ કરોડની ઓર્ડરબુક સાથે બીજા ક્રમે છે. હિંદુસ્તાન એરોનોટીક્સ રૂ. 81,800 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. કલ્પતરુ પ્રોજેક્ટ્સ(રૂ. 47040 કરોડ), કેઈસી ઈન્ટરનેશનલ(રૂ. 31,320 કરોડ), દિલીપ બિલ્ડકોર(રૂ. 23,988 કરોડ), ઈરકોન ઈન્ટરનેશનલ(રૂ. 32,152 કરોડ), જીઆર ઈન્ફ્રા.(રૂ. 20004 કરોડ)ની ઓર્ડરબુક ધરાવે છે. જીઓજીત ફાઈ. સર્વિસિઝના એનાલિસ્ટ્સના મતે સરકાર તરફથી મૂડી ખર્ચ પર ભારણ અને પ્રાઈવેટ સેક્ટર તરફથી કેપેક્સમાં રિવાઈવલને કારણે કેપિટલ ગુડ્ઝ સેક્ટરને વિપુલ બળ પૂરું પાડ્યું છે. જેને કારણે લિસ્ટેડ કંપનીઓએ છેલ્લાં મહિનાઓમાં અનેક નવા પ્રોજેક્ટ્સ મેળવ્યાં છે. અલબત્ત, આ પ્રોજેક્ટ્સ એક્ઝિક્યૂટ કરવા માટે તેમના પડકારો પણ વધ્યાં છે. જોકે, તેઓ આ પડકારોને સારી રીતે સંભાળી શકવાની ક્ષમતા ધરાવે છે એમ તેઓ ઉમેરે છે.
છેલ્લાં વર્ષોમાં ઓર્ડરબુકની સ્થિતિ
સમયગાળો કુલ ઓર્ડરબુક(રૂ. કરોડમાં)
માર્ચ, 2019 5,99,406
માર્ચ, 2020 5,93,966
માર્ચ, 2021 6,53,352
માર્ચ, 2022 6,91,832
માર્ચ, 2023 7,65,499
સપ્ટેમ્બર, 2023 8,45,207
એપ્રિલ-ઓક્ટો.માં ચીનથી સ્ટીલ આયાત છ-વર્ષની ટોચે નોંધાઈ
ચાલુ નાણા વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન ચીન ખાતે ભારતમાં ઊંચી સ્ટીલ આયાત જોવા મળી છે. એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં ચીન ખાતેથી સ્ટીલ શીપમેન્ટ્સમાં લગભગ 50 ટકા વૃદ્ધિ જોવા મળી છે અને તે 11.1 લાખ ટન પર રહી છે. જે છેલ્લાં છ-વર્ષની ટોચ છે એમ સ્ટીલ મંત્રાલયનો ડેટા સૂચવે છે.
યુરોપ ખાતે નબળી માગ વચ્ચે ભારતમાં ઊંચી માગનો લાભ ચીની ઉત્પાદકોએ લીધો છે. તેમણે ટ્રેડ, એફએમસીજી અને ઓટો સેક્ટર્સને નીચા ભાવે કરેલી ઓફર્સને આયાત વધી હતી. ભારતમાં ચીન સૌથી મોટું સ્ટીલ વેચાણકર્તાં પણ બન્યું છે. તેણે સ્પેશ્યલાઈઝ્ડ સ્ટીલમાં કોરિયા જેવા પરંપરાગત સ્ટીલ વેચાણકારોને પાછળ રાખી દીધાં છે. તેમજ જાપાનને પણ પાછળ પાડ્યું છે. સરકારી ડેટા મુજબ એપ્રિલથી ઓક્ટોબરમાં ચીન ખાતેથી સ્ટીલ આયાત 7.5 લાખ ટન પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.9 લાખ ટન પર જોવા મળતી હતી. તેના અગાઉના વર્ષે તે 5.1 લાખ ટન પર રહી હતી. મહામારી અગાઉના સમયગાળામાં 2019-20ના સાત મહિનામાં ચીનની આયાત 8.8 લાખટન પર જોવા મળતી હતી. જ્યારે 2018-19માં તે 9.5 લાખ ટન પર હતી. દેશમાં ફિનિશ્ડ સ્ટીલની કુલ આયાત રૂ. 31,354 કરોડ પર જોવા મળી હતી. વોલ્યુમની રીતે એચઆર કોઈલ અથવા સ્ટ્રીપનો આયાતમાં 37 ટકા હિસ્સો હતો. ચીન ભારત માટે સૌથી મોટું આયાત બજાર હતું એમ સ્ટીલ મંત્રાલય જણાવે છે.
S&P ગ્લોબલે ભારતના GDP ગ્રોથ અંદાજમાં વૃદ્ધિ કરી
અદાઉ 2023-24 માટે 6 ટકા વૃદ્ધિના અંદાજને સુધારી 6.4 ટકા કર્યો
રેટિંગ એજન્સી S&P ગ્લોબલે ભારત માટે નાણા વર્ષ 2023-24ના જીડીપી વૃદ્ધિ દરના અંદાજમાં વૃદ્ધિ કરી છે. તેણે અગાઉ આપેલા 6 ટકા વૃદ્ધિ દરના અંદાજને 0.4 બેસીસ પોઈન્ટ વધારી 6.4 ટકા કર્યો છે. જોકે, આગામી નાણા વર્ષ 2024-25 માટે તેણે વૃદ્ધિનો અંદાજ 50 બેસીસ પોઈન્ટ્સ ઘટાડી 6.4 ટકા કર્યો છે.
એજન્સીએ તેના ‘ઈકોનોમિક આઊટલૂક એશિયા-પેસિફિક ક્વાર્ટર વન 2024: ઇમર્જિંગ માર્કેટ્સ લીડ ધ વે’ નામે અહેવાલમાં નોંધ્યું છે કે માર્ચ 2024મા પૂરાં થતા વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથ માટે અંદાજ વધારી 6.4 ટકા કરીએ છીએ. જે અગાઉ છ ટકા પર હતો. ઊંચા ઈન્ફ્લેશન અને નબળી નિકાસ જેવા અવરોધો સામે ભારતમાં મજબૂત સ્થાનિક માગ જોવા મળે છે તેમ તેણે નોંધ્યું હતું. જોકે, તેણે ઉમેર્યું છે કે નાણા વર્ષના બીજા છ માસિક ગાળામાં ગ્રોથ ધીમો પડે તેવી અપેક્ષા છે. જે માટે નીચો વૈશ્વિક ગ્રોથ તથા ઊંચો બેઝ કારણભૂત હશે. જેને કારણે 2024-25 માટે તેણે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 6.9 ટકાથી ઘટાડી 6.4 ટકા કર્યો છે. S&P ગ્લોબલે નોંધ્યું છે કે દેશમાં પ્રાઈવેટ કન્ઝ્યૂમર સ્પેન્ડિંગની સરખામણીમાં ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં વધુ રિકવરી જોવા મળી છે. જોકે, એજન્સીનો જીડીપી વૃદ્ધિ દર માટેનો અંદાજ રિઝર્વ બેંકના 6.5 ટકા કરતાં નીચો છે. 2025-26 માટે S&P ગ્લોબલે ભારતના જીડીપી ગ્રોથના અંદાજને 6.9 ટકા પર જાળવ્યો છે.
ફેડના રેટ કાપ પછી જ RBI પણ રેટ ઘટાડી શકશે
મોર્ગન સ્ટેનલીના એમડી રિધમ દેસાઈના મતે લોકસભાની ચૂંટણી બજારની લોંગ ટર્મ દિશા નિર્ધારિત કરશે
કેલેન્ડર 2024ના મધ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પરિણામો શેરબજારની આગામી 12 મહિનાની દિશા નિર્ધારણ કરવામાં સૌથી મહત્વનું પરિબળ બની રહેશે એમ મોર્ગન સ્ટેનલીના એમડી રિધમ દેસાઈનું કહેવું છે. રેટ કટને લઈને તેઓ ઉમેરે છે કે જ્યાં સુધી યુએસ ફેડ તરફથી વ્યાજ દરમાં ઘટાડો કરવામાં નહિ આવે ત્યાં સુધી આરબીઆઈ પણ તેમ કરી શકશે નહિ. આગામી વર્ષ માટે રોકાણકારોએ ધ્યાનમાં રાખવાં જેવા છ મહત્વના પરિબળો અહિં જણાવ્યાં છે.
સામાન્ય સભાની ચૂંટણીઓઃ દેસાઈના મતે ચૂંટણી જેવી ઊંચી અનિશ્ચિતતા ધરાવતી ઘટનાઓ પાછળ માર્કેટમાં વોલેટિલિટીમાં વૃદ્ધિ જોવા મળશે. આગામી વર્ષે એપ્રિલ-મે 2024 દરમિયાન ચૂંટણીઓ યોજાવાની છે. તેમના મતે બજાર વર્તમાન સરકાર જળવાય રહેશે તેમ માનીને ટ્રેડ દર્શાવશે અને વાસ્તવિક પરિણામ પછી તેની દિશા નક્કી કરશે.
ક્રૂડ ઓઈલ પ્રાઈસઃ ભારતીય બજાર માટે બીજું મોટું પરિબળ ક્રૂડ ઓઈલના ભાવ છે. કેમકે દેશ 80 ટકાથી વધુ માગ આયાત મારફતે પૂરી કરે છે. 110-120 ડોલર પ્રતિ બેરલની ઉપરના ભાવ દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. ત્યાં સુધી કોઈ વાંધો નથી એમ તેઓ ઉમેરે છે.
ફેડ તરફથી કેટ કટઃ માર્કેટની દિશા નિર્ધારણમાં ત્રીજું મહત્વનું પરિબળ ફેડ રેટમાં ઘટાડો બની રહેશે. આપણે ફેડ પર નજીકથી નજર રાખવાની રહેશે. કેમકે એકવાર ફેડ રેટ ઘટાડશે પછી આરબીઆઈનું હોકિશ વલણ નરમ પડશે. ત્યાં સુધી આરબીઆઈનું વલણ રેટમાં ઘટાડાનું નહિ જોવા મળે. જોકે, ફેડનો નિર્ણય ઈન્ફ્લેશનના ડેટા આધારિત રહેશે. સ્થાનિક એનાલિસ્ટ્સ આગામી જૂનમાં ફેડ તરફથી રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યાં છે.
અર્નિંગ્સ ગ્રોથઃ ભારત તરફથી અર્નિંગ્સ સ્ટોરી ઘણી સારી છે. હાલમાં તેને લઈને કોઈ અવરોધો કે આકર્ષણો જોવા મળતાં નથી. માર્કેટ માટે સાધારણ પોઝીટીવ બાબતો જોવા મળે છે જ્યારે અવરોધોનો અભાવ છે એમ દેસાઈ ઉમેરે છે.
યુએસ ગ્રોથ સાઈકલઃ યુએસ ખાતે આર્થિક વૃદ્ધિ પર નજર નાખવી જરૂરી છે. અમારા બેઝ કેસ પ્રમાણે યુએસ ખાતે સોફ્ટ લેન્ડ જોવા મળશે. જે છેલ્લાં 100 વર્ષોમાં હંમેશા જોવા મળ્યું છે એમ નથી. આમ તે એક વિશેષ બાબત હશે. જો તેમ નહિ થાય તો ભારત તે સ્થિતિમાં ઘણો સારો દેખાવ કરશે એમ દેસાઈ જણાવે છે.
ચાઈના રિવાઈવલઃ જો ચીન ખાતે આર્થિક વૃદ્ધિ દર પરત ફરશે તો કોમોડિટીના ભાવો પર તેની અસર જોવા મળશે. નજીકના ગાળામાં ચીન ખાતે જોવા મળી રહેલી કામગીરીની ઘણી અસરો પડી રહી છે. ચીન તેના અર્થતંત્રને રિવાઈવ કરવા માટે પોલિસીમાં ભારે ફેરફારો કરી રહ્યું છે. તે કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે.
TCSને ટ્રેડ-સિક્રેટ કેસમાં 21 કરોડ ડોલર ચૂકવવાનો આદેશ
યુએસ ખાતે કંપનીની વિરુધ્ધમાં એક વધુ નિર્ણય
જોકે, કંપનીએ ચૂકાદાને પડકારશે એમ જણાવ્યું
ટોચની આઈટી સર્વિસિઝ કંપની ટીસીએસને ટેક્સાસ કોર્ટે એક વધુ ટ્રેડ-સિક્રેટ કેશમાં ડીએક્સસી ટેક્નોલોજીને 21 કરોડ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. એક સપ્તાહ અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટે ભારતીય આઈટી સર્વિસિઝ કંપનીને 14 કરોડ ડોલરની પેનલ્ટી ફટકારી હતી.
આ કેસ કોમ્પ્યુટર સાઈન્સિઝ કોર્પોરેસ(CSC)એ ફાઈલ કર્યો હતો. જે પાછળથી HPEના એન્ટરપ્રાઈઝ સર્વિસિઝ બિઝનેસ સાથે મર્જ થઈ DXC ટેક્નોલોજી બની હતી. ડલાસ સ્થિત ટેક્સાસ ફેડરલ કોર્ટની જ્યુરીએ ડીએક્સસીના લાઈફ ઈન્શ્યોરન્સ અને એન્યૂઈટી પોલિસીઝના મેનેજમેન્ટ માટેના વાન્ટેજ-વન અને સાઈબરલાઈફ સોફ્ટવેર સંબંધી ગુપ્ત માહિતીનો દૂરૂપયોગ કરવામાં ટીસીએસને દોષિત ઠેરવી હતી. કોર્ટના મતે ટીસીએસે આ માહિતીનો ઉપયોગ તેનું પોતાનું પ્લેટફોર્મ બનાવવા માટે કર્યો હતો. ટીસીએસના પ્રવક્તાએ આ ચુકાદાને ફગાવતાં જણાવ્યું હતું કે કંપની જ્યુરીના એડવાઈઝરી વર્ડિક્ટ સાથે અસહમતિ દર્શાવે છે. આ મુદ્દો હવે કોર્ટ તરફથી નક્કી કરવામાં આવશે. જેણે બંને પક્ષો તરફથી વધુ વિગતો મંગાવી છે. અમે આ કેસ સામે કાયદેસર કાર્યવાહી ચાલુ રાખવાનું વિચારીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું. જ્યુરીએ અગાઉ જણાવ્યું હતું કે ટીસીએસે ડીસીએક્સને ટ્રેડ સિક્રેટ્સના દૂરૂપયોગ માટે 7 કરોડ ડોલર ચૂકવવાના તથા અન્ય 14 કરોડ ડોલર આ દૂરૂપયોગ જાણી જોઈનને તથા બદઈરાદાપૂર્વક કરવા પેટે ચૂકવવાના રહેશે.
આ કેસ સીએસસી તરફથી 2019માં ફાઈલ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે ટીસીએસે ટ્રાન્સઅમેરિકા માટે 2018માં 2200 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે મારફતે તેણે સીએસસના સોફ્ટવેરની એક્સેસ, તેના સોર્સ કોડનું જ્ઞાન અને અન્ય પ્રોપરાયટરી ઈન્ફર્મેશન મેળવી હતી. જેથી તેની સાથે સ્પર્ધા કરે તેવું લાઈફ-ઈન્શ્યોરન્સ પ્લેટફોર્મ ઊભું કરી શકાય. સીએસસીએ તેના સોફ્ટવેર માટે ટ્રાન્સઅમેરિકાને લાયસન્સ આપ્યું હતું. ટીસીએસે ટ્રાન્સઅમેરિકા લાઈફ ઈન્શ્યોરન્સ સાથે 10-વર્ષ માટેનો 2 અબજ ડોલરનું ડીલ સાઈન કર્યું હતું. જેને ચાલુ વર્ષની શરૂઆતમાં રદ કરવામાં આવ્યું હતું. જે માટે ઈન્શ્યોરન્સ કંપની માટે પડકારજનક માર્કેટ એન્વાર્યમેન્ટનું કારણ દર્શાવવામાં આવ્યું હતું.
BSE: એશિયાના સૌથી જૂના એક્સચેન્જ પર જેફરીઝે કવરેજ શરૂ કર્યું
લાંબા સમયગાળા પછી સ્ટોક એક્સચેન્જમાં જોવા મળી રહેલું ટ્રાન્સફોર્મેશન
ચાલુ નાણા વર્ષ દરમિયાન શેરના ભાવમાં 290 ટકાના અસાધારણ ઉછાળા પછી બીએસઈનો શેર આખરે યુએસ સ્થિત બ્રોકરેજ જેફરિઝના રડારમાં આવ્યો છે. આગામી વર્ષ માટે 24 ટકાના રિટર્ન સાથે ગ્લોબલ બ્રોકરેજે એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જને લઈ કવરેજ શરૂ કર્યું છે. જેફરીઝ નાણા વર્ષ 2023-24 માટે બીએસઈના અર્નિંગ્સમાં 150 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જેને 2025-26માં બમણી બનશે એમ માને છે.
જેફરિઝના વિશ્લેષણ મુજબ દેશના મજબૂત જીડીપી વૃદ્ધિ દર, જીડીપીની સરખામણીમાં વધતાં માર્કેટ-કેપિટલાઈઝેશન અને ઈક્વિટી માર્કેટ્સમાં વધતાં પાર્ટિસિપેશનને કારણે ભારતીય સ્ટોક એક્સચેન્જિસ ચઢિયાતી રોકાણ તકો તરીકે જોવા મળી રહ્યાં છે. વધુમાં એક્સચેન્જિસ ફિ પર દબાણના જોખમથી દૂર છે. નવેમ્બરમાં બીએસઈ પર પ્રગટ કરેલા રિપોર્ટમાં તે નોંધે છે કે એક્સચેન્જે ડેરિવેટીવ્સ ટ્રેડિંગમાં અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે. જે એક્સચેન્જીસ માટે આવકનો પ્રાથમિક પ્રવાહ બની છે. બીએસઈએ મે મહિનામાં સેન્સેક્સ અને બેંકેક્સ એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારપછી તેમણે માસિક ધોરણે અસાધારણ વૃદ્ધિ નોંધાવી છે. છેલ્લાં છ મહિનામાં ડેરિવેટીવ્સ માર્કેટમાં બીએસઈનો હિસ્સો એક ટકાથી વધી 14 ટકા પર પહોંચી ગયો છે. સતત વૃદ્ધિ અને સુધારેલા મોનેટાઈઝેશનને કારણે 2024-25માં ડેરિવેટીવ્સ આવકનો હિસ્સો 35 ટકા પર પહોંચશે. જે 2023-24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માત્ર 2 ટકા પર હતો. તાજેતરના અર્નિંગ્સ અપગ્રેડ્સમાં તથા શેરના દેખાવમાં ડેરિવેટીવ્સ ટર્નઓવર વૃદ્ધિ મુખ્ય ચાલક બળ હોવાનું જેફરિઝ નોંધે છે.
બ્રોકિંગ કંપનીએ ઊંચા ડેરિવેટીવ્સ ટર્નઓવરને ઊંચા જોખમ સાથે સરખાવવાની ચિંતાને પણ ખોટી ઠેરવી છે. આ માટે તેણે પ્રમાણમાં નીચા અન્ડરલાઈંગ પ્રિમિયમ ગ્રોથ રેટનું કારણ આપ્યું છે. ડેરિવેટીવ્ઝ ઉપરાંત બીએસઈ ડાયવર્સિફાઈડ રેવન્યૂ સ્ટ્રીમ્સ ધરાવે છે. તેની આવકમાં 20 ટકા હિસ્સો કેશ સેગમેન્ટનો છે. જ્યારે 10 ટકા હિસ્સો મ્યુચ્યુલ ફંડ પ્રોસેસિંગનો છે. જેમાં રિટેલ બચતના થઈ રહેલા ફાઈનાન્સિયલાઈઝેશન અને વધતાં રોકાણકાર બેઝનો લાભ મળી રહ્યો છે. માર્કેટમાં ઊંચી કામગીરીને કારણે કોર્પોરેટ સર્વિસિઝ(35 ટકા) અને ક્લિઅરીંગ અને ટ્રેઝરી(25 ટકા)નો લાભ મળી રહ્યો છે.
લેભાગુ સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ સ્કિમે 26 રોકાણકારોને રૂ. ત્રણ કરોડનો ચૂનો લગાવ્યો
સોશ્યલ મિડિયા અને ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ પર સંપર્ક કરી છેતરપિંડીનો બહાર આવેલો કિસ્સો
યુએસ સ્થિત રિઅલ એસ્ટેટ કંપનીના ભળતાં નામે રોકાણકારોને ગૂમરાહ કરી ઓપરેશન પાર પાડ્યું
કહેવાતાં સ્ટોક એનાલિસ્ટ આદિત્ય અગરવાલ અને તેના નવ મળતિયાઓએ દેશના 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ સ્થિત 26 જેટલા શેરબજાર રોકાણકારોને રૂ. 2.9 કરોડમાં નવડાવ્યાં હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ માટે તેમણે સોશ્યલ મિડિયા અને ટેક્નોલોજીનો દૂરૂપયોગ કર્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
છેતરપિંડીનો ભોગ બનેલાં ઓગણીસ જણાનું કહેવું છે કે તેમનો સંપર્ક ફેસબૂક મારફતે કરવામાં આવ્યો હતો. જ્યારે નાણા ગુમાવનારા અન્ય લોકોનું કહેવું છે કે તેમનો સંપર્ક વોટ્સએપ પરથી કરાયો હતો. કૌભાંડીયાઓએ આ રોકાણકારોને ‘આર્ટિસન કેપિટલ ફાઈનાન્સિયલ ટાટન્સ 806’ વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે જણાવ્યું હતું. આમ કરવા લલચાવવા માટે તેમણે રોકાણકારોને એક એક્સક્લૂઝિવ ટીચીંગ પ્રોગ્રામનો ભાગ બનાવવામાં આવશે તેવી ઓફર કરી હતી. આ અભ્યાસક્રમના ભાગરૂપે અગરવાલ તેમને કેવી રીતે રોકાણ કરવું તેની ટિપ્સ આપશે તેમજ કયા શેર્સ પસંદ કરવા તે પણ જણાવશે. આ સમગ્ર સ્કિમ ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી. જેને સમજીએ.
પ્રથમ તો લાઈવડોટઆર્ટિકસસ્ટોકડોટઈન પર દરેક દિવસે ત્રણ લાઈવ ક્લાસિસ યોજવામાં આવ્યાં હતાં. કૌભાંડીઓ તરફથી તેઓ યુએસ સ્થિત સંસ્થાકિય રોકાણકાર આર્ટિસન કેપિટલનો ભાગ હોવાની ઓળખ આપવામાં આવી હતી. યુએસ સ્થિત સંસ્થાકિય રોકાણકારો સામાન્યરીતે યુએસ સ્થિત તેમના ગ્રાહકો વતી વિશ્વમાં અન્ય બજારોમાં રોકાણ કરતાં હોય છે. રૂ. 12 લાખનું રોકાણ કરનાર મુંબઈ સ્થિત સુષ્મા સિંહા(નામ બદલ્યું છે) એ જણાવ્યું હતું કે પ્રથમ ક્લાસ શેર બજાર ખૂલ્યાં પછી 9-30 વાગે યોજાયો હતો. જેમાં તેણે યુએસ અને ભારતીય બજારની સ્થિતિ અંગે વાત કરી હતી. જ્યાં તેણે માર્કેટ ઈન્ડિકેટર્સ વિશે સમજાવ્યું હતું. તેણે કયા શેર્સ ખરીદવા અને વેચવા તે અંગે પણ ટિપ્સ આપી હતી. પાંચેક વર્ષથી વધુ સમયથી સ્વતંત્ર રીતે સ્ટોક ટ્રેડિંગ કરતા સિંહાના જણાવ્યા મુજબ તેમને આપવામાં આવેલી મોટાભાગની ટિપ્સ સાચી પડી હતી. તેણે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, સીઈએસઈ અને ઘણી અન્ય ટિપ્સ આપી હતી. જેમણે તેમના ટાર્ગેટ્સ હાંસલ કર્યાં હતાં. મને તેના કોલ્સની સચોટતાથી નવાઈ પણ લાગી હતી. જો અમે તેને અન્ય શેર્સ વિશે પૂછતાં તો તે અમને જવાબ આપી શકતો નહિ.
સિંહા ઉમેરે છે કે ગ્રૂપમાં અન્ય લોકો અગરવાલની ટિપ્સથી તેમણે કરેલી કમાણી અંગેની વિગતો હંમેશા જણાવતાં. જે તેણીને જળવાય રહેવા માટે ખાતરી આપતાં હતાં. તમામ વાતચીત વોટ્સએપ ચેટ્સમાં હાથ ધરાવતું હતું અને ભોગ બનનારામાંથી કોઈપણ અગરવાલ કે તેના મળતિયાઓ સાથે ફોનથી વાત કરી શકતો નહોતો.
બીજા તબક્કામાં અગરવાલના સહાયકોએ ભોગ બનનારાઓનો વોટ્સએપ પર વ્યક્તિગત રીતે સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમને યુએસના નવા ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટરના શરૂઆતી સભ્યો બનવાની ઓફર આપવામાં આવી હતી. નાણા ગુમાવનારા તેર જણાનું કહેવું છે કે આર્ટિસનસ્ટોક્સડોટકોમ પર તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં હતાં. પાંચ જણાના મતે તેમના એકાઉન્ટ શેર એલર્ટ એપ પર હતાં. જ્યારે ચારને સ્ટોરાક(STORAK) એપનો ઉપયોગ કરવા જણાવાયું હતુ. જ્યારે અન્યને 222.smia.top માટે કહેવામાં આવ્યું હતું. કૌભાંડીઓની મોડસ ઓપરેન્ડીનો ભોગ બનેલાઓમાં ચાર તો નિવૃત્તિ જીવન પસાર કરી રહ્યાં હતાં. જેમાંથી ત્રણ 70 વર્ષથી વધુનું આયુ ધરાવે છે. જેમણે તેમની નિવૃત્ત વયની બચતમાંથી નાણાનું રોકાણ કર્યું હતું. જ્યારે નાણા ઉપાડવાનો સમય આવ્યો ત્યારે આ તમામ ભોગ બનનારાઓને યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તરફથી 26 ઓક્ટોબરની તારીખ સાથેનો એક ખોટો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આર્ટિસન કેપિટલની તમામ કામગીરીને સ્ટોક મેનિપ્યૂલેશનના ભાગરૂપે બંધ કરવા જણાવાયું છે અને તેને તપાસમાં સહાય આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ખોટા પત્રમાં કોઈ સત્તાવાર સિક્કો જોવા નહોતો મળતો તેમજ તેમાં તારીખો ખોટા ફોર્મેટમાં દર્શાવવામાં આવી હતી. સામાન્યરીતે યુએસ ખાતે મહિના-તારીખ-વર્ષનું ફોર્મેટ ઉપયોગમાં લેવામાં આવે છે.
વેબસાઈટ્સ, એપ્સ સામે શંકા
ICANN રજિસ્ટ્રેશન ડેટા લૂકઅપ ટૂલ મુજબ હાલમાં એક્સેસ નહિ થઈ રહેલી www.artisanstocks.comનું રજિસ્ટ્રેશન 7 ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. શેર એલર્ટ અને STORAK, બેમાંથી એક પણ હાલમાં એપ સ્ટોર કે પ્લે સ્ટોર પર પ્રાપ્ય નથી. જ્યારે www.smia.top 7 ઓગસ્ટ, 2023ના રોજ બનાવવામાં આવી હતી.
ખોટું સેબી સર્ટિફિકેટ
દૈનિક ક્લાસિસ દરમિયાન આરોપી તરફથી રોકાણકારોને હંમેશા સેબીએ તે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપ્યું હોવાનું જણાવવામાં આવતું હતું. આ પત્રને તપાસતાં માલૂમ પડે છે કે આર્ટિસન ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર(સોલ્ટ લેક સિટી, વેસ્ટ બેંગાલ)નું રજિસ્ટ્રેશન 7 માર્ચ, 2017ના રોજ કરવામાં આવ્યું હતું. જોકે, સેબીની વેબસાઈટ પર આ અંગે કોઈ રેકર્ડ જોવા મળ્યો નહોતો. યુએસ સ્થિત કંપની આર્ટિસન કેપિટલ ગ્રૂપે ભારતમાં આર્ટિસન કેપિટલ સાથે કોઈપણ પ્રકારના જોડાણને રદિયો આપ્યો હતો. એક ઈમેલ પ્રતિભાવમાં તેણે જણાવ્યું હતું કે અમારે આવી કંપની સાથે કોઈપણ લેવાદેવા નથી.. અમે આયોવા અને ઈલિનોઈસ સ્થિત એક નાની કમર્સિયલ રિઅલ એસ્ટેટ કંપની છીએ.
SIP એકાઉન્ટ ઉમેરામાં નાના શહેરો અગ્રણી
ઓક્ટોબરમાં B30 શહેરોના રોકાણકારોએ 3.73 કરોડ સિપ એકાઉન્ટ્સ મારફતે રૂ. 6436 કરોડનું રોકાણ કર્યું
દેશના ગ્રામીણ વિસ્તારમાંથી મ્યુચ્યુલ ફંડ્સ માટેની જાગૃતિ વધી રહી છે. ન્યૂ સિસ્ટમેન્ટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)માં રૂરલ વિસ્તારોમાંથી ઊંચો ગ્રોથ જોવા મળી રહ્યો છે. દેશમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક B30(બિયોન્ડ 30) જ્યારે બીજો T30(ટોપ 30) તરીકે ઓળખાય છે. આમાં ટી30 શહેરો તરફથી યોગદાન ઊંચું જળવાયું છે પરંતુ ગ્રોથની બાબતમાં બી30 વિસ્તારો ટોચ પર જોવા મળે છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ(એમ્ફી)નો ડેટા સૂચવે છે કે બી30 સ્થિત ઈન્વેસ્ટર્સ તરફથી સિપ્સ મારફતે મ્યુચ્યુલ ફંડ્સમાં રૂ. 1725નું યોગદાન જોવા મળે છે. જે ટી30 શહેરો તરફથી જોવા મળતાં રૂ. 2940ના યોગદાન કરતાં 70 ટકા જેટલું નીચું છે. ઓક્ટોબરની વાત કરીએ તો બી30 રોકાણકારોએ સિપ સ્કિમ્સમાં કુલરૂ. 6436 કરોડનું રોકાણ કર્યું હતું. તેમણે 3.73 કરોડ સિપ એકાઉન્ટ્સ મારફતે આ રોકાણ દર્શાવ્યું હતું. જ્યારે ટી30 સ્થિત રોકાણકારોએ રૂ. 10,492 કરોડનો સિપ ફ્લો દર્શાવ્યો હતો. જે કુલ 3.57 કરોડ સિપ એકાઉન્ટ્સ મારફતે જોવા મળ્યો હતો. બી30 ખાતેથી સિપ ઈનફ્લો અને સિપ એકાઉન્ટમાં ઉમેરો ટી30ની સરખામણીમાં ઝડપી અને ઊંચો જોવા મળી રહ્યો છે.
મે અને ઓક્ટોબર 2023 દરમિયાન બી30 તરફથી સિપ ઈનફ્લો 26 ટકા વધી રૂ. 6436 કરોડ રહ્યો હતો. જે ટી30 તરફથી 22 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. બીજી બાજુ બી30 તરફથી સિપ એકાઉન્ટ્સે પણ ટી30ના સિપ એકાઉન્ટ્સને પાછળ રાખી દીધાં છે. એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023ની આખર સુધીમાં તે 17 ટકા વધી 3.17 કરોડ પર પહોંચ્યાં છે. મ્યુચ્યુલ ફંડ એક્ઝિક્યૂટિવ્સના મતે બી30માં વધતી જાગૃતિને કારણે ઊંચો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેઓ ન્યૂ-એજ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પો અપનાવી રહ્યાં છે. તેમના મતે મહામારી પછી બે બાબતો એકસાથે જોવા મળી રહી છે. એક તો ફાઈનાન્સિયલ એસેટ્સ તરફ શિફ્ટ વધ્યું છે. બીજું નાના શહેરોમાં સિપ મારફતે રોકાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશની ગ્રોથ સ્ટોરીમાં વધુ ભારતીયો ભાગ લઈ રહ્યાં છે એમ મિરાઈ એસેટ એમએફના સીઈઓ સ્વરુપ મોહંતી જણાવે છે. જોકે, બી30ના સીપ એકાઉન્ટ્સમાં તીવ્ર ઉછાળાને કારણે તેમની રોકાણ ટિકીટ સાઈઝમાં ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બર 2021માં બી30ની ટિકિટ સાઈઝ રૂ. 1757 પર જોવા મળતી હતી. જે ઓક્ટોબર 2023માં ઘટીને રૂ. 1725 પર જળવાય હતી. બીજી બાજુ, ટી30ની ટિકીટ સાઈઝ સમાનગાળામાં વૃદ્ધિ સૂચવે છે. નવેમ્બર 2021માં તે રૂ. 2794 પર હતી. જે ઓક્ટોબર 2023માં વધીને રૂ. 2940 પર જોવા મળી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે જાન્યુઆરી 2024થી ભાવમાં વૃદ્ધિ કરવાનું નક્કી કર્યું છે. ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ તથા કોમોડિટીઝના ભાવમાં વધારાને કારણે તેણે આ નિર્ણય લીધો છે. કંપનીના મતે વિવિધ મોડેલ્સ પ્રમાણે ભાવ વૃદ્ધિ ભિન્ન રહેશે. ઓક્ટોબરમાં કંપનીએ 19 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે કાર્સનું વિક્રમી વેચાણ દર્શાવ્યું હતું. તેણે કુલ 1.99 લાખ કાર્સ વેચી હતી. જેમાં 1.77 લાખ કાર્સ સ્થાનિક બજારમાં વેચી હતી.
હોનાસાઃ મામાઅર્થની પેરન્ટ કંપની હોનાસા કન્ઝ્યૂમર કેરમાં ચાલુ સપ્તાહે રૂ. 150 કરોડની બ્લોક ડીલની સંભાવના છે. જે કંપનીના કર્મચારીઓને મળેલા ઈસોપ્સમાંથી જોવા મળશે. કંપનીના કર્મચારીઓ કુલ 31 લાખ ઈસોપ્સ ધરાવે છે. જેના વેચાણ માટે કોટક સાથે ડીલ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઈસોપ્સનું વેચાણ માર્કેટ ભાવ કરતાં 5-7 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 477.10 પ્રતિ શેરના ભાવે થાય તેમ જાણવા મળે છે.
LIC: દેશમાં ટોચની લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીના ચેરમેને જણાવ્યું છે કે તે આઈડીબીઆઈ બેંકમાં કેટલાંક હિસ્સાના વેચાણ માટે તૈયાર છે પરંતુ તેમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ માટે તૈયાર નથી. તેમના મતે બેંકેશ્યોરન્સ ગેઈન્સ માટે કેટલોક હિસ્સો જાળવી રાખશે. તેમણે ઉમેર્યું હતું કે આઈડીબીઆઈ બેંક અમારો પ્રથમ ક્રમનો બેંકેશ્યોરન્સ પાર્ટનર છે. જેને જોતાં અમે બેંકમાં કેટલોક હિસ્સો જાળવી રાખીશું. જેથી આ ભાગીદારી જળવાય રહે.