Categories: Market Tips

Market Summary 27/04/23

એપ્રિલ એક્સપાયરીના દિવસે તેજીવાળાઓએ મજબૂત પકડ દર્શાવી
નિફ્ટી 17900ની સપાટી કૂદાવી ગયો
ઈન્ડિયા વિક્સ 2 ટકા ગગડી 11.42ના સ્તરે
આઈટી, ઓટો, મેટલ, ફાર્મા અને રિઅલ્ટીમાં મજબૂતી
એફએમસીજીમાં લીવર પાછળ નરમાઈ
બ્રોડ માર્કેટમાં અન્ડરટોન મજબૂત
ગ્લેનમાર્ક, સિન્જિન, બજાજ ઓટો નવી ટોચે
આવાસ, ઓરિએન્ટ, પીવીઆરમાં નવા તળિયાં
ચાલુ સપ્તાહમાં સતત ચોથા સત્રમાં તેજીવાળાઓએ પકડ મજબૂત જાળવી હતી અને બજારને આંચ આવવા દીધી નહોતી. સામાન્યરીતે એક્સપાયરી દિવસની સરખામણીમાં જોવા મળતાં ટ્રેડની સરખામણીમાં થોડાં નીચા કામકાજ વચ્ચે બજારે આગેકૂચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 349 પોઈન્ટ્સ ઉછળી 60649ન સપાટીએ જ્યારે નિફ્ટી 101 પોઈન્ટ્સ સુધારે 17915ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. માર્કેટમાં બ્રેડ્થ સતત પોઝીટીવ જોવા મળી રહી છે. બીએસઈ ખાતે કુલ 3614 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2025 અગાઉના બંધની સામે સુધારા સાથે બંધ રહ્યા હતાં. જ્યારે 1458 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 115 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 9 કાઉન્ટર ઉપલી સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ગગડી 11.42ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
ગુરુવારે એપ્રિલ ડેરિવેટિવ્સ એક્સપાયરી સિરિઝના દિવસે બેન્ચમાર્ક નિફ્ટી ફ્લેટ ઓપનીંગ દર્શાવી દિવસ દરમિયાન સુધારાતરફી બની રહ્યો હતો અને દિવસની ટોચ નજીક જ બંધ રહ્યો હતો. અગાઉના 17814ના બંધ સેમ તે 17813 પર ખૂલી ઉપરમાં 17932 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં એપ્રિલ ફ્યુચર 4 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17919 પર બંધ રહ્યો હતો. જ્યારે મે ફ્યુચર 76 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17992ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં નજીકમાં 17940નો અવરોધ રહેલો છે. જે પાર થશે તો 18000નું લેવલ જોવા મળી શકે છે. જે વખતે શોર્ટ કવરિંગ પાછળ વધુ 2-3 ટકા સુધારો સંભવ છે. બીજી બાજુ, 17600ની નીચે માર્કેટમાં ઝડપી વેચવાલી જોવા મળી શકે છે. જોકે, હાલમાં તો 17600ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી રાખવાની ભલામણ તેઓ કરે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા અગ્રણી કાઉન્ટર્સમાં બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, બીપીસીએલ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ, યૂપીએલ, કોટક મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ફોસિસ અને હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચડીએફસી લાઈફ, એચયૂએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, ઓએનજીસી, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, ઓટો, મેટલ, ફાર્મા અને રિઅલ્ટીમાં મજબૂતી નોંધાઈ હતી. જ્યારે એફએમસીજીમાં હિંદુસ્તાન યુનિલીવર પાછળ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજીનું યોગદાન મુખ્ય હતું. શેર 8.24 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રામાં પણ સુધારો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં બજાજ ઓટો, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, બોશ અને તાતા મોટર્સનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 0.7 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 1.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઉપરાંત, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, સેઈલ, અદાણી એન્ટરપ્રાઈઝમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.53 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફિઅર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા, ડીએલએફ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સૌથી વધુ સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેક્નોલોજી, ગ્લેનમાર્ક, વોડાફોન આઈડિયા, સિટી યુનિયન બેંક, સિન્જેન ઈન્ટરનેશનલ, આરબીએલ બેંક, એલટીઆઈમાઈન્ડટ્રીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વોલ્ટાસ, લૌરસ લેબ્સ, એચડીએફસી લાઈફ, ગોદરેજ કન્ઝ્યૂમર, લ્યુપિન, ગુજરાત ગેસ, ઝી એન્ટરટેઈનમેન્ટ, એચયૂએલ, એસ્કોર્ટ્સ કુબોટામાં નરમાઈ જોવા મળી હતી. ગ્લેનમાર્ક, સિન્જિન, બજાજ ઓટોએ તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે આવાસ, ઓરિએન્ટ, પીવીઆરમાં નવા તળિયાં જોવા મળ્યાં હતાં.

આઈટી કંપની વિપ્રો રૂ. 12000 કરોડના શેર્સ બાયબેક કરશે
ગુરુવારે રૂ. 374.40ના બંધ ભાવ સામે 19 ટકા પ્રિમીયમે ટેન્ડર મારફતે શેર્સ ખરીદશે
આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3075 કરોડનો નફો દર્શાવ્યો

અગ્રણી આઈટી સર્વિસિઝ કંપની વિપ્રોએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 3074.50 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 3087.30 કરોડના પ્રોફિટની સરખામણીમાં 0.4 ટકા ઘટાડો સૂચવે છે. માર્ચ ક્વાર્ટર માટે કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ 11.17 ટકા સાથે રૂ. 23,190.30 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20,860 કરોડ પર હતી. આઈટી સર્વિસ માટે ઓપરેટિંગ માર્જિન ત્રિમાસિક ધોરણે 16.3 ટકા પર ફ્લેટ જોવા મળ્યાં હતાં. ડોલર સંદર્ભમાં કંપનીની રેવન્યૂ માર્ચ ક્વાર્ટરમાં 282.3 કરોડ ડોલર પર જોવા મળી હતી. કોન્સ્ટન્ટ કરન્સી સંદર્ભમાં કંપનીએ 0.6 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે વાર્ષિક ધોરણે 6.5 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ ક્વાર્ટરમાં કુલ બુકિંગ્સમાં 29 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે વાર્ષિક ધોરણે લાર્જ ડિલ્સમાં 155 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
માર્ચ ક્વાર્ટર દરમિયાન સ્વૈચ્છીકપણે જોવા મળતાં એટ્રિશનમાં 3.3 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે 14.1 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે છેલ્લાં 12-મહિનાના ધોરણે તે 19.2 ટકા પર જળવાયું હતું. કંપનીએ નવા નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે ત્રિમાસિક ધોરણે કોન્સ્ટન્ટ કરન્સી સંદર્ભમાં આવકમાં 3 ટકાથી લઈ એક ટકા ઘટાડાની શક્યતાં વ્યક્ત કરી હતી. કંપનીના સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે તેમણે સતત બે ક્વાર્ટર દરમિયાન 4.1 અબજ ડોલરથી વધુનું બુકિંગ્સ ડિલિવર કર્યું હતું.
ચોથા ક્વાર્ટરના પરિણામો સાથે કંપનીએ બાયબેક પ્રોગ્રામની વિગતો પણ જાહેર કરી હતી. ગયા સપ્તાહની આખરમાં જ કંપનીએ આ અંગે જાણ કરી હતી. બાયબેક હેઠળ કંપની કુલ 26.96 કરોડ શેર્સ સુધીની ખરીદી કરશે. જે કુલ ઈક્વિટી શેર્સના 4.91 ટકા હિસ્સો દર્શાવે છે. કંપની રૂ. 445 પ્રતિ શેરના ભાવે કુલ રૂ. 12000 કરોડનું બાયબેક હાથ ધરશે. ગુરુવારે કંપનીના શેરનો બંધ ભાવ રૂ. 374.4 પર જોવા મળતો હતો. કંપની ટેન્ડર ઓફર મારફતે શેર્સ ખરીદશે.

હિંદુજા જૂથે રૂ. 9650 કરોડ ઓફર કરી રિલાયન્સ કેપિટલ મેળવી
ઓક્શનના બીજા રાઉન્ડમાં માત્ર હિંદુજા જૂથે જ ભાગ લીધો

એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની એસેટ્સના વેચાણ માટે આયોજિત બીજા રાઉન્ડના ઓક્શનમાં હિંદુજા જૂથ રૂ. 9650 કરોડની ઓફર સાથે કંપની માટે વિજેતા બન્યું હતું. જોકે, બીજા રાઉન્ડમાં એકમાત્ર હિંદુજા જૂથે જ ભાગ લીધો હતો. જ્યારે ટોરેન્ટ અને ઓકટ્રી જોડાયાં નહોતાં. ઓક્શનના પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ જૂથે રૂ. 8640 કરોડ સાથે સૌથી મોટી ઓફર કરી હતી. જોકે, ઓક્શન પૂરી થયાં પછી હિંદુજા જૂથે ટોરેન્ટ જૂથની સરખામણીમાં સુધારેલી ઊંચી ઓફર મૂકી હતી. જેણે, રિલાયન્સ કેપિટલના ક્રેડિટર્સને બીજા રાઉન્ડના ઓક્શન માટે પ્રેર્યા હતાં. જોકે, તેમ છતાં રૂ. 13000 કરોડના લિક્વિડેશન વેલ્યૂએશનની સરખામણીમાં નીચું વેલ્યૂએશન જોવા મળ્યું છે.
બુધવારે આયોજિત બીજા ઓક્શન રાઉન્ડમાં આમ તો અગાઉ ભાગ લેનારા ત્રણેય પક્ષો જોડાય તેવી શક્યતાં હતી. જોકે, માત્ર હિંદુજા જૂથની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે જ ભાગ લીધો હતો. તેણે રૂ. 9650 કરોડની ઓફર કરી હતી. જે તમામ કેશમાં ચૂકવશે તેમ કંપનીએ જણાવ્યું હતું. આ ઓફર ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટની પ્રથમ રાઉન્ડની રૂ. 8640 કરોડની ઓફર કરતાં લગભગ રૂ. 1000 કરોડ ઊંચી હતી. સિંગાપુર સ્થિત ઓકટ્રીએ પણ બીડ નહોતું કર્યું. વર્તુળોના જણાવ્યા મુજબ અન્ય બીડર્સે હરાજીમાં ભાગ નહિ લીધો હોવાનું કારણ ઓક્શનની પ્રક્રિયાને લઈને સ્પષ્ટતાનો અભાવ હતો. તેમજ બીડર્સ તરફથી રજૂ કરવામાં આવેલી મૂંઝવણો અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નહોતી. રિલાયન્સ કેપિટલના ક્રેડિટર્સે ઓક્શનનો બીજો રાઉન્ડ યોજવાનું નક્કી કર્યાં બાદ માર્ચ મહિનામાં ટોરેન્ટે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. હિંદુજા જૂથની ઓફર સ્વીકારાશે તે જૂથ આર-કેપ પાસેથી બે નફો કરતી વીમા કંપનીઓ મેળવશે. આ અંગે સત્તાવાર રીતે કોઈપણ જૂથ તરફથી કોઈ વિગતોને સમર્થન આપવામાં આવ્યું નહોતું.

ભારતીય બેંકોની બેડ લોન્સ ઘટીને એસેટ્સના 4.4 ટકા પરઃ શશીકાંત દાસ
આરબીઆઈ બેંકોની કામગીરીમાં દખલગીરી નથી કરતી પરંતુ તેમના પર ચાંપતી નજર નાખી રહી છે

ભારતીય બેંકિંગ કંપનીઓની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2022ની આખરમાં ઘટીને 4.41 ટકા પર જોવા મળી હતી એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું. આ રેશિયો માર્ચ 2015 પછીનો સૌથી નીચો છે. જ્યારે માર્ચ 2022ની આખરમાં જોવા મળતાં 5.8 ટકાની સરખામણીમાં પણ નીચો છે. માર્ચ 2021ની આખરમાં તે 16.1 ટકા પર જોવા મળતો હતો. ભારતીય બેંકોનો મૂડી પર્યાપ્તતા દર પણ ડિસેમ્બરની આખરમાં 16.1 ટકા પર જોવા મળતો હતો. જે રેગ્યુલેટરી જરૂરિયાત કરતાં નોંધપાત્ર ઉપર હતો.
દાસે જણાવ્યું હતું કે ક્રેડિટ રિસ્ક માટેનો મેક્રો સ્ટ્રેટ ટેસ્ટ પણ ભારતીય બેંક્સ તીવ્ર તણાવની સ્થિતિમાં લઘુત્તમ મૂડી જરૂરિયાતનું પાલન કરવામાં સક્ષમ છે તે દર્શાવે છે. ભારતીય બેંકો મજબૂત જોવા મળી રહી છે અને તાજેતરમાં વિકસિત દેશોમાં ઊભી થયેલી નાણાકિય અસ્થિરતાની તેમના પર કોઈ અસર જોવા મળી નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે યુએસ અને યુરોપ ખાતે તાજેતરમાં જોવા મળેલી બેંકિંગ કટોકટીની અસર મજબૂત બેંક્સ પર પણ જોવા મળી શકે છે અને તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે દરેક બેંકનું મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકિય જોખમને લઈને સતત મૂલ્યાંકન કરતાં રહે. સાથે તેઓએ લઘુત્તમ રેગ્યુલેટરી જરૂરિયાતો ઉપરાંત પણ કેપિટલ બફર્સ પર પણ ધ્યાન આપવાનું રહેશે. આરબીઆઈ હવે બેંક્સ તરફથી અપનાવવામાં આવેલા બિઝનેસ મોડેલ્સ પર ધ્યાન આપી રહી છે. બેંકિંગ લિક્લિડીટી પર સેન્ટ્રલ બેંક નજીકથી દેખરેખ રાખી રહી છે. તે બેંકોના બિઝનેસિસમાં દરમિયાનગીરી નથી કરી રહી પરંતુ જ્યારે પણ કોઈ છીંડા માલૂમ પડે ત્યારે તે ત્વરિત પગલાંની અપેક્ષા રાખતી હોય છે.

RBIએ ઈન્ટરેસ્ટ-અર્નિંગ FCA પરથી નિયંત્રણ દૂર કર્યું

ગાંધીનગર સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર(આઈએફએસસી)ને આકર્ષક બનાવવાના એક વધુ પ્રયાસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજની કમાણી કરતાં વ્યક્તિગત ફોરેન કરન્સી એકાઉન્ટ્સ(FCA) પરનું નિયંત્રણ દૂર કર્યું છે. વધુમાં, મધ્યસ્થ બેંકે એફસીએમાં 15 દિવસ સુધી વપરાશ વિના પડ્યાં રહેલા ફંડ્સને લઈને તમામ શરતો પણ દૂર કરી છે.
ઈન્ડસ્ટ્રી પ્લેયર્સના જણાવ્યા અનુસાર લાંબા સમયથી આરબીઆઈ આ સુધારો કરે તેની રાહ જોવાઈ રહી હતી. જે શક્ય બનતાં આઈએફએસસી હવે રેમિટન્સિસની વાત આવે છે ત્યારે અન્ય જ્યુરિસ્ડિક્શન્સની સાથે સમાન બન્યું છે. અગાઉ 1 ફેબ્રુઆરી, 2021ના રોજ આરબીઆઈએ લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ(એલઆરએસ) હેઠળ સ્થાનિક નાગરિકોને આઈએફએસસી ખાતે રેમિટન્સિસ માટેની છૂટ આપી હતી. જોકે, તે હેઠળ આઈએફએસસી સિક્યૂરિટીઝમાં રોકાણ કરીને જ રેમિટન્સિસ મૂકી શકાતું હતું. ઉપરાંત, માત્ર નોન-ઈન્ટરેસ્ટ બેકિંગ એફસીએને જ એલઆરએસ હેઠળ આઈએફએસસી ખાતે છૂટ આપવામાં આવી હતી. જ્યારે 15-દિવસથી વધુ સમય સુધી એફસીએમાં કોઈ ફંડ વપરાયાં વિના પડ્યું રહ્યું હોય તો તેને તરત જ રોકાણકારના ભારત સ્થિત સ્થાનિક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું રહેતું હતું. જોકે, બુધવારે આરબીઆઈએ જાહેર કરેલા સર્ક્યુલરમાં આ નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારબાદ, કાયદાવિદો ગિફ્ટ સિટી ખાતે કામગીરીને વેગ મળશે તેવી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

અદાણી જૂથ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સના રિફાઈનાન્સિંગ માટે 80 કરોડ ડોલર ઊભા કરવાની ફિરાકમાં

અદાણી જૂથ તેના નવા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે 80 કરોડ ડોલર ઊભા કરવાની ફિરાકમાં હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. જાન્યુઆરીમાં હિંડેનબર્ગ રિપોર્ટ પછી જૂથ તરફથી આ સૌથી મોટું બોરોઈંગ બની શકે છે એમ તેઓ ઉમેરે છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ આ માટે વૈશ્વિક બેંકો સાથે મંત્રણા ચલાવી રહ્યું છે. જેમાં સુમીટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પ, ડીબીએસ બેંક, મિત્સુબિશી યુએફજે ફાઈનાન્સિયલ ગ્રૂપ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો સમાવેશ થાય છે એમ વર્તુળોનું કહેવું છે. ફાઈનાન્સિંગનું કદ 70 કરોડ ડોલરથી 80 કરોડ ડોલરની રેંજમાં હશે એમ પણ તેઓ ઉમેરે છે. જોકે, તેમાં ફેરફારની શક્યતાં છે. અદાણી જૂથના પ્રવક્તાએ આ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ બેંકર્સ તરફથી પણ કોઈ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. અદાણી જૂથના પોર્ટ્સ-ટુ-પાવર કોન્ગ્લોમેરટે હિંડેનબર્ગના આક્ષેપો પછી માર્કેટ-કેપમાં 150 અબજ ડોલરથી વધુનું ધોવાણ નોંધાવ્યું હતું. જોકે, ત્યાર પછી જૂથે કેટલીક લોન્સની આગોતરી ચૂકવણી કરી છે. સાથે તેણે કેટલાંક પ્રોજેક્ટ્સ પડતાં પણ મૂકવાના થયાં છે. જૂથ હાલમાં રોકાણકારો અને બેંકર્સનો વિશ્વાસ પરત મેળવવાના પ્રયાસોમાં સક્રિય છે.

નોન-બાસમતી ચોખાના નિકાસ ભાવમાં ઉછાળો
દેશમાંથી નિકાસ થતાં નોન-બાસમતી વ્હાઈટ(કાચા) ચોખાના નિકાસ ભાવમાં છેલ્લા પખવાડિયામાં પ્રતિ ટન 25 ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. સ્થાનિક પુરવઠાની સ્થિતિ ટાઈટ બનવા પાછળ આમ બન્યું હોવાનું ટ્રેડર્સ જણાવે છે. જોકે, પારબોઈલ્ડ ચોખાના ભાવમાં પ્રતિ ટન 5 ડોલરનો ઘટાડો નોંધાયો છે. તાજેતરની ભાવ વૃદ્ધિ છતાં વૈશ્વિક બજારમાં ભારતીય ચોખા તેના નજીકના હરિફની સરખામણીમાં પ્રતિ ટન 20-30 ડોલર જેટલાં સસ્તાં પ્રાપ્ય છે. પારબોઈલ્ડ ચોખાના કિસ્સામાં ભારતીય પેદાશ પ્રતિ ટન 100 ડોલર જેટલું નીચું મૂલ્ય ધરાવે છે. આમ તે ખૂબ જ સ્પર્ધાત્મક ભાવે પ્રાપ્ય છે. અગ્રણી નિકાસકારના જણાવ્યા મુજબ વ્હાઈટ રાઈસના સપ્લાયમાં અવરોધો જોવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકાર પણ સરકારી ભંડાર માટે ખરીદી કરી રહી હોવાના કારણે ખાનગી ટ્રેડર્સને જોઈતો માલ મળી રહ્યો નથી એમ તેઓ ઉમેરે છે.

પાવર પ્લાન્ટ્સને કોલ સપ્લાય શોર્ટેજની નહિવત સંભાવના
ચાલુ ઉનાળાની સિઝનમાં દેશના પાવર પ્લાન્ટ્સને કોલ સપ્લાય શોર્ટેજની સંભાવના નહિ હોવાનું એક અગ્રણી ગ્લોબલ રિસર્ચ એજન્સીએ જણાવ્યું છે. વૈશ્વિ સ્તરે તેમજ સ્થાનિક સ્તરે સપ્લાયમાં સુધારા પાછળ કોલ પ્લાન્ટ્સની કામગીરીમાં કોઈ અડચણની શક્યતાં નથી. ઉપરાંત, હવામાનને કારણે પણ કોલના ભાવ પર કોઈ મોટી વધ-ઘટની શક્યતાં નહિ હોવાનું તે જણાવે છે. તેના મતે કોલના ભાવ 70 ડોલર પ્રતિ ટન આસપાસ જળવાય રહેશે. હાલમાં ભારતીય પાવર પ્લાન્ટ્સ પાસે ઈન્વેન્ટરીનું લેવલ સંતોષકારક છે. સામાન્યરીતે તેઓ 7 દિવસોની ઈન્વેન્ટરી જાળવતાં હોય છે. જેની સામે ચાલુ સિઝનમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સપ્લાયમાં સુધારાને કારણે 25 દિવસોની ઈન્વેન્ટરી જોવા મળી રહી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એચયૂએલઃ હિંદુસ્તાન યુનિલીવરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2552 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2327 કરોડની સરખામણીમાં 9.66 ટકા ઊંચો છે. કંપનીની આવક 10.9 ટકા વધી રૂ. 14,638 કરોડ પર રહી હતી. જ્યારે કુલ વેચાણ 11 ટકા વધી રૂ. 14953 કરોડ જોવાયું હતું. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 22ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
સિન્જીનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 178.7 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 148 કરોડના પ્રોફિટ સામે 21 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 758.1 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 31.2 ટકા ઉછળી રૂ. 994.4 કરોડ પર રહી હતી.
બજાજ ફાઈનાન્સઃ ટોચની એનબીએફસીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3110.1 કરોડની અપેક્ષા સામે રૂ. 3158 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની ગ્રોસ એનપીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં 1.14 ટકા સામે ઘટી 0.94 ટકા પર રહી હતી.
એચડીએફસી લાઈફઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 359 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 362 કરોડના પ્રોફિટ સામે એક ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું એપીઈ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3049 કરોડ સામે ચાલુ વર્ષે 69 ટકા ઉછળી રૂ. 5162 કરોડ પર રહ્યું હતું.
એસબીઆઈ લાઈફઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 780 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 680 કરોડના પ્રોફિટ સામે 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું એપીઈ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4130 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 10 ટકા વધી રૂ. 4550 કરોડ પર રહ્યું હતું.
ઓરેકલ ફાઈઃ સોફ્ટવેર પ્રોડક્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 479.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 482 કરોડના પ્રોફિટની સરખામણીમાં 0.5 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1277 કરોડ સામે 15.2 ટકા વધી રૂ. 1470.5 કરોડ પર જોવા મળી હતી.
એલએન્ડટી ટેક્નોલોજીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 292 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 241.90 કરોડની સરખામણીમાં 20.71 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 1548.10 કરોડ સામે 21.32 ટકા ઉછળી રૂ. 1878.20 કરોડ પર જોવા મળી હતી.
યુટીઆઈ એએમસીઃ એસેટ મેનેજરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 98.4 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 74.6 કરોડ સામે 30 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 260 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 263 કરોડ પર રહી હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

9 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

9 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.