અદાણી જૂથની આગેવાની માર્કેટમાં જળવાયેલો રકાસ
નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 17500ની નીચે ટ્રેડ દર્શાવ્યું
સેન્સેક્સે 60 હજારની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 18 ટકા ઉછળી 17.32ની સપાટીએ
અદાણી જૂથ કંપનીઓના શેર્સ 20 ટકા આસપાસ ધોવાણે વર્ષના તળિયે પટકાયાં
ઓટો, ફાર્મા, એફએમસીજી તરફથી સપોર્ટ
પીએસયૂ બેંક, મેટલ, એનર્જીમાં તીવ્ર વેચવાલી
ડિક્સોન ટેક્નોલોજીમાં 19 ટકાનું ગાબડું પડ્યું
ભારતીય શેરબજારે નવા સપ્તાહની શરૂઆતે પણ અન્ડરપર્ફોર્મન્સ જાળવ્યું હતું. અદાણી જૂથની આગેવાનીમાં બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક્સ દોઢ ટકા આસપાસ ગગડ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 874 પોઈન્ટ્સ ગગડી 59,330.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 287.60 પોઈન્ટ્સ ગગડી 17,604,35ની સપાટીએ બંધ રહ્યાં હતાં. આમ નિફ્ટીએ 17661ના અગાઉના તળિયાને તોડ્યું હતું. ઈન્ટ્રા-ડે તે 17500ની નીચે ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 90 પોઈન્ટ્સ પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. આમ તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ લગભગ આવી જ હતી. બીએસઈ ખાતે કુલ 3658 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2647 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 906 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 106 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 217 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 18 ટકા ઉછળી 17.32ની દોઢ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે લેવલે તે 22 ટકાનો ઉછાળો દર્શાવતો હતો.
ગયા શુક્રવારે યુએસ બજારોમાં સુધારા વચ્ચે ભારતીય બજારે સોમવારે નબળી શરૂઆત દર્શાવી હતી. જેનું મુખ્ય કારણ અદાણી જૂથના શેર્સમાં તીવ્ર ગેપ-અપ ઓપનીંગ હતું. યુએસ સ્થિત શોર્ટ સેલર તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પાછળ શુક્રવારે પણ કંપનીના શેર્સમાં તીવ્ર ઘટાડો જાવ મળ્યો હતો. જોકે સોમવારે ચિત્ર તેના કરતાં પણ ખરાબ હતું. અદાણી જૂથના શેર્સમાં નરમાઈથી ચિંતિત બજારમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું હતું. જેને કારણે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ ગગડતું રહ્યું હતું. નિફ્ટી 17877.20ના સ્તરે ખૂલી 17884.75ની ટોચ બનાવી 17493.55ના ઈન્ટ્રા-ડે લો સુધી ગગડ્યો હતો. જ્યાંથી લગભગ સો પોઈન્ટ્સ સુધરી બંધ જોવા મળ્યો હતો. બેન્ચમાર્કને સપોર્ટ આપવામાં ટાટા મોટર્સ મુખ્ય હતો. સારા પરિણામો પાછળ કંપનીના શેરમાં 6 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. આ ઉપરાંત બજાજા ઓટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, આઈટીસી, ડિવિઝ લેબ્સ, સિપ્લા, યૂપીએલ અને એમએન્ડએમ જેવા કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 19 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. જે સિવાય અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ઓએનજીસી, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને હિંદાલ્કો જેવા કાઉન્ટર્સમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક ઈન્ડેક્સ અને એનર્જી ઈન્ડેક્સ 5 ટકાથી વધુ તૂટ્યાં હતાં. જ્યારે મેટલ ઈન્ડેક્સમાં 4 ટકાથી વધુનું ગાબડું પડ્યું હતું. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ બરોડા 7.3 ટકા તૂટ્યો હતો. જેકે બેંક, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પીએનબી, એસબીઆઈ અને કેનેરા બેંક પણ 5 ટકાથી વધુ ગગડ્યાં હતાં. જ્યારે મેટલ કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 19 ટકા ઘટાડા ઉપરાંત હિંદુસ્તાન ઝીંક, હિંદાલ્કો, વેદાંત, સેઈલ, કોલ ઈન્ડિયા અને મોઈલમાં નરમાઈ જોવા મળી હતી. એનર્જી ઈન્ડેક્સમાં અદાણી ગ્રીન એનર્જીનો શેર 20 ટકા ગબડ્યો હતો. જે ઉપરાંત હિંદુસ્તાન પેટ્રોલિયમ, ઓએનજીસી, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ગેઈલમાં પણ 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. રિઅલ્ટી, મિડિયા સહિતના સેગમેન્ટ્સ પણ વેચવાલી દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ઓટો, ફાર્મા અને એફએમસીજમાં મજબૂતી જોવા મળી હતી. તાતા મોટર્સ પાછળ નિફ્ટી ઓટો 1 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જેમાં તાતા મોટર્સ, બજાજ ઓટો, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, અમર રાજા બેટરીઝ અને અશોક લેલેન્ડ્ઝનું મુખ્ય યોગદાન હતું. જોકે હીરો મોટોકોર્પ, એમઆરએફ અને આઈશર મોટર્સમાં નરમાઈ જોવા મળી હતી. ફાર્મા સેગમેન્ટમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, સિપ્લા અને ઝાયડસ લાઈફ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન અને આલ્કેમ લેબ્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી સેગમેન્ટમાં આઈટીસી અને પીએન્ડજી મજબૂત જોવા મળ્યા હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઘટાડો દર્શાવવામાં ડેક્સોન ટેક્નોલોજી ટોચ પર હતો. કંપનીનો શેર 19 ટકા તૂટ્યો હતો. જ્યારબાદ અદાણી એન્ટરપ્રાઈઝ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ઈન્ડુસ ટાવર્સ, એસીસી, બેંક ઓફ બરોડા, હિંદુસ્તાન પેટ્રો, પીએનબી અને ટોરેન્ટ પાવરનો સમાવેશ થતો હતો. ઉપરોક્ત મોટાભાગની કંપનીઓએ તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
શેરબજારમાં સતત વેચવાલી પાછળ મંદીનું સામ્રાજ્ય
શુક્રવારે રોકાણકારોની વેલ્થમાં રૂ. 6.85 લાખ કરોડનું ધોવાણ
છેલ્લાં ત્રણ સત્રોમાં માર્કેટ-કેપમાંથી રૂ. 11.22 લાખ કરોડ નીકળી ગયા
અદાણી જૂથ શેર્સ પાછળ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું
ફેબ્રુઆરી એક્સપાયરી સિરિઝની શરૂઆત ખૂબ આકરી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી અને તેણે સતત અન્ડરપર્ફોર્મન્સ જાળવ્યું હતું. શુક્રવારે સેન્સેક્સ બીએસઈ સેન્સેક્સ 874 પોઈન્ટ્સ ગગડી 59,330.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 287.60 પોઈન્ટ્સ ગગડી 17,604,35ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સ ઉપરાંત મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે વેચવાલી નીકળતાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3658 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2647 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 906 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 18 ટકા ઉછળી 17.32ની દોઢ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે લેવલે તે 22 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. માર્કેટ એનાલિસ્ટ હજુ પણ બજારમાં ઘટાડો આગળ વધે તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે.
એશિયામાં સૌથી સંપત્તિવાન અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલીને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેની અસરે તેજીવાળો વર્ગ બજારથી દૂર રહ્યો હતો. અદાણી જૂથ શેર્સ ઉપરાંત મીડ-કેપ્સમાં અનેક કાઉન્ટર્સ 5-10 ટકા સુધીનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે કેટલાંક કાઉન્ટર્સ 10 ટકાથી પણ વધુ ગગડ્યાં હતાં. પીએસયૂ બેંક શેર્સ, એનર્જી શેર્સ અને મેટલ શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી. જ્યારે ઓટો, ફાર્મા અને એફએમસીજી કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જેને કારણે માર્કેટમાં ઘટાડો અટક્યો હતો. શુક્રવારે ભારતીય બજારની વેલ્થમાં રૂ. 6.85 લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું અને તે રૂ. 269.65 કરોડ પર જોવા મળ્યું હતું. છેલ્લાં ત્રણ સત્રોમાં બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 11.22 લાખ કરોડ જેટલું ગગડી ચૂક્યું છે. ગયા મંગળવારે તે રૂ. 280.87 લાખ કરોડ પર જોવા મળતું હતું.
અદાણી જૂથ માર્કેટ-કેપિટલાઈઝેશનમાં એક સત્રમાં 39 અબજ ડોલરનું તીવ્ર ધોવાણ
અદાણી પરિવારની માર્કેટ વેલ્થમાં 27.5 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો
શુક્રવારના જૂથ કંપનીઓનું રૂ. 17.50 લાખ કરોડનું માર્કેટ-કેપ સોમવારે રૂ. 3.18 લાખ કરોડ ગગડી રૂ. 12.25 લાખ કરોડ પર જોવા મળ્યું
પ્રમોટર્સનું માર્કેટ-કેપ રૂ. 13.40 લાખ કરોડ પરથી રૂ. 2.23 લાખ કરોડ ગબડી રૂ. 10.03 લાખ કરોડ પર રહ્યું
યુએસ સ્થિત શોર્ટ-સેલર હેઈડનબર્ગનો રિપોર્ટે અદાણી જૂથની માર્કેટ-વેલ્થમાં તીવ્ર ધોવાણનું કારણ બન્યો છે. ગયા બુધવારે રૂ. 80 હજાર કરોડના ધોવાણ બાદ સોમવારે પણ જૂથની આઁઠ લિસ્ટેડ કંપનીઓમાં ઘટાડો જળવાયો હતો. જેની પાછળ અદાણી ગ્રૂપના માર્કેટ-કેપમાં ભારે ધોવાણ નોંધાયું હતું. જૂનનું કુલ માર્કેટ-કેપ રૂ. 3.18 લાખ કરોડ(39 અબજ ડોલર)ના ઘટાડે રૂ. 12.25 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે પ્રમોટર અદાણી પરિવારની વેલ્થ રૂ. 2.23 લાખ કરોડ(27.5 અબજ ડોલર)ના ધોવાણ સાથે રૂ. 10.03 લાખ કરોડ પર પટકાઈ હતી. અદાણી વૈશ્વિક સ્તરે ધનવાનોમાં બીજા ક્રમેથી સીધા સાતમા ક્રમે ગગડ્યાં હતાં.
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ તરફથી શુક્રવારે એફપીઓ શરૂ થવાના બે દિવસ પૂર્વે પ્રગટ થયેલા હેઈડનબર્ગના રિપોર્ટના પ્રતિભાવમાં અદાણી જૂથે અહેવાલને પાયાવિહોણો જણાવવા સાથે કાયદાકીય કાર્યવાહીનું ઉચ્ચારણ પણ કર્યું હતું. જોકે તેમ છતાં શુક્રવારે કંપનીના તમામ લિસ્ટેડ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને જૂથના લિસ્ટીંગ ઈતિહાસમાં પ્રથમવાર કંપનીઓના શેર્સમાં ભારે ગાબડાં જોવા મળ્યાં હતાં. જેમાં અદાણી ટોટલ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશન, ત્રણેય કંપનીઓના શેર્સ 20 ટકા તૂટ્યાં હતાં. જ્યારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં અનુક્રમે 19 ટકા અને 16 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર તો રૂ. 3112-3274ની એફપીઓ ઓફર ભાવની નીચી રેંજથી 11 ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટમાં બંધ થયો હતો. જેણે એફપીઓને લઈને માર્કેટમાં શંકા ઊભી કરી હતી. માર્કેટ વર્તુળો અદાણી શેર્સ શરૂઆતી વેચવાલી પચાવી પરત ફરે તેવો વિશ્વાસ ધરાવતાં હતાં. જોકે આમ બન્યું નહોતું. મધ્યાહને એકાદ કલાક પૂરતું બાઉન્સ દર્શાવ્યાં બાદ તે ફરીથી ઘટવાતરફી જળવાય રહ્યાં હતાં અને લગભગ દિવસના તળિયા પર જ બંધ જોવા મળ્યાં હતાં. જૂથની મોટાભાગની કંપનીઓના ભાવમાં છેલ્લાં કેટલાંક સત્રોમાં વર્ટિકલ ફોલ પાછળ વાર્ષિક તળિયાં જોવા મળ્યાં હતાં. 2021 અને 2022માં અસાધારણ દેખાવ દર્શાવનાર અદાણી જૂથ માટે 2023ની શરૂઆત ખૂબ નિરાશાજનક રહી છે. કંપનીના સીઈઓ તરફથી એફપીઓનો મુખ્ય હેતુ જૂથમાં રિટેલ પાર્ટિસિપેશનનો બેઝ વધારવાનું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે છેલ્લાં બે સત્રોમાં જૂથ કંપનીઓએ રોકાણકારોની વેલ્થમાં મોટું ધોવાણ નોંધાવ્યું છે અને તેણે શેરબજારના બહોળા વર્ગમાં ચિંતા ઉપજાવી હોવાનું માર્કેટ નિરીક્ષકો માની રહ્યાં છે.
અદાણી જૂથ કંપનીનો શુક્રવારે દેખાવ
કંપની CMP(%) શેરમાં ઘટાડો(%) M-કેપ(રૂ. કરોડ)માં પ્રમોટર M-કેપમાં ઘટાડો(રૂ. કરોડમાં)
અદાણી એન્ટર. 2762 -18.52 314885 228701
અદાણી ટોટલ 2934.55 -20.00 322745 241413
અદાણી ટ્રાન્સમિશન 2009.7 -19.99 224181 166320
અદાણી ગ્રીન 1484.5 -19.99 235150 142854
અંબુજા સિમેન્ટ 381.15 -17.16 75683 47847
અદાણી પોર્ટ 598.6 -16.03 129306 84217
ACC 1884.05 -13.04 35380 20057
અદાણી પાવર 248.05 -5.00 95671 71725
LICએ બે સત્રોમાં અદાણી જૂથ શેર્સમાં રૂ. 18 હજાર કરોડ ગુમાવ્યાં
દેશમાં જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્શ્યોરન્સ કંપની અને સૌથી મોટી ઈન્વેસ્ટર એલઆઈસીએ અદાણી જૂથ કંપનીઓમાં તેના રોકાણ પર બે સત્રોમાં રૂ. 18 હજાર કરોડનું નુકસાન ઉઠાવવાનું થયું છે. 24 જાન્યુઆરીએ અદાણી જૂથમાં રૂ. 81,268 કરોડનું રોકાણ ધરાવતી એલઆઈસીના રોકાણનું મૂલ્ય શુક્રવારે સાંજે રૂ. 18,647ના ઘટાડે રૂ. 62,621 કરોડ પર પટકાયું હતું. એલઆઈસી અદાણી જૂથ કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસમાં તે એક ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે આ સિવાયની જૂથ કંપનીઓમાં પણ તેનો હિસ્સો લગભગ એક ટકાથી ઉપર જોવા મળી રહ્યો છે. અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં બે સત્રોમાં 27 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોઁધાયો છે. યુએસ શોર્ટ-સેલર હેઈડનબર્ગ રિસર્ચના અદાણી જૂથ પરના રિપોર્ટ બાદ જૂથ કંપનીઓમાં વેચવાલી ફરી વળી હતી. અદાણી જૂથે હેઈડનબર્ગના રિપોર્ટને પાયારહિત તથા બદઈરાદાવાળો ગણાવ્યો હતો. તેમજ આ રિપોર્ટ રજૂ કરવાનો સમયગાળો અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓમાં અવરોધ ઊભો કરવાનો હોવાનું ગ્રૂપ સીએફઓએ નોંધ્યું હતું. અદાણી જૂથ શેર્સમાં એલઆઈસીએ સૌથી વધુ અદાણી ટોટલ ગેસમાં રૂ. 6,237 કરોડ ગુમાવ્યાં હતાં. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝમાં રૂ. 3,279 કરોડ, અદાણી પોર્ટ્સમાં રૂ. 3,205 કરોડ, અદાણી ટ્રાન્સમિશનમાં રૂ. 3,036 કરોડ અને અંબુજા સિમેન્ટ્સમાં રૂ. 1,474 કરોડનું ધોવાણ નોંધાવ્યું હતું.
ગૌતમ અદાણીએ ધનકુબેરોમાં બીજું સ્થાન ગુમાવ્યું, હવે સાતમા સ્થાને
યુએસ બેઝ્ડ શોર્ટ-સેલર્સ હેઈડનબર્ગના રિપોર્ટ પાછળ અદાણી જૂથ શેર્સમાં ભારે વેચવાલીને પગલે અદાણી જૂથ ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વમાં ધનકુબેરોમાં બીજા ક્રમનું સ્થાન ગુમાવ્યું છે. બે સત્રોમાં તીવ્ર ધોવાણને પગલે તેઓ હવે સાતમા ક્રમે પહોંચી ગયા હોવાનું ફોર્બ્સ ડેટા જણાવે છે. ફોર્બ્સના રિઅલ ટાઈમ બિલિયોનર્સ ડેટા મુજબ અદાણીની વેલ્થ 27 જાન્યુઆરી 2023ના રોજ 96.5 અબજ ડોલર પર જોવા મળતી હતી. બે સત્રોમાં તેમણે 22.7 અબજ ડોલર અથવા 19 ટકા વેલ્થ ગુમાવી છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓના ઓપન થવાના દિવસે જ શેર 19 ટકાથી વધુ પટકાયો હતો અને ઓફરભાવથી 11 ટકા નીચે બંધ જોવા મળ્યો હતો. જોકે બુધવારે ઓપન થયેલી એન્કરબુક હેઠળ કંપનીએ રૂ. 6000 કરોડ એકત્ર કર્યાં હતાં. જોકે હવે કંપનીના એફપીઓને લઈને બજારમાં ચિંતા જોવા મળી રહી છે. માર્કેટ નિરીક્ષકોના મતે એફપીઓથી નોંધપાત્ર નીચા ભાવે શેર્સ માર્કેટમાં પ્રાપ્ય હોવાથી રિટેલ રોકાણકારો માટે ઓફર આકર્ષક નથી. બપોર સુધીમાં એફપીઓ 0.01 ટકા સબસ્ક્રાઈબ થયો હતો. જેમાં એમ્પ્લોઈ પોર્શન 0.03 ટકા ભરાયો હતો.
પાકિસ્તાન બીજું શ્રીલંકા બનવાનો ડર વચ્ચે ચલણમાં 20-વર્ષનો સૌથી મોટો કડાકો
પાકિસ્તાની રૂપિયો સોમવારે 10 ટકા ગગડી 262ના ઐતિહાસિક તળિયે પટકાઈ પરત ફર્યો
પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે. દેશની સ્થિતિ શ્રીલંકાની જેમ દેવાળિયા બને તેવી શક્યતા પાછળ પાકિસ્તાની ચલણમાં સોમવારે છેલ્લાં 20-વર્ષોનો સૌથી મોટો એક દિવસીય કડાકો જોવા મળ્યો હતો. જેની પાછળ ત્યાંનું ચલણ ડોલર સામે 262ના ઓલ-ટાઈમ લો પર પટકાયું હતું. જે ઈન્ટ્રા-ડે 10 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતું હતું. જોકે પાછળથી તે સુધરીને 242 આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. એક દિવસમાં જ પાકિસ્તાની રૂપિયામાં રૂ. 24નો ઘટાડો જોવા મળ્યો હતો.
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી સતત કથળી રહેલી સ્થિતિ પાછળ સ્થાનિક સરકારને શ્રીલંકાની જેમ જ સ્થાનિક પ્રજા તરફથી બળવાની ચિંતા સતાવી રહી છે. અગાઉ શ્રીલંકામાં આર્થિક કટોકટી વખતે પ્રજાએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો હતો અને પ્રમુખે દેશ છોડવાની નોબત આવી હતી. પાકિસ્તાનમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય શકે છે એમ રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે. કેમકે દેશ હાલમાં તેની આયાતની જરૂરિયાતને પૂરી કરવા માટે સંપૂર્ણપણે મિત્ર દેશો પર નિર્ભર જોવા મળે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનને આર્થિક સહાય માટે આકરી શરતો મૂકી છે. જે માનવા માટે પાકિસ્તાન સરકાર તૈયાર થઈ હોવાનું વર્તુળો જણાવે છે. જેને કારણે જ પાકિસ્તાની ચલણમાં સોમવારે તળિયાના સ્તરેથી એક બાઉન્સ જોવા મળ્યું હતું. પાકિસ્તાની વડાપ્રધાને તેઓ આઈએમએફ પાસેથી 6 અબજ ડોલરની લોન માટે તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે.
એક બાજુ સ્થાનિક માગ સામે સપ્લાયના અભાવને કારણે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે પાકિસ્તાની રૂપિયામાં ધોવાણને કારણે ફુગાવો ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે. ત્યાં રિટેલ ઈન્ફ્લેશન 25 ટકા પર જોવા મળી રહ્યું છે. લોટ, ચોખા, પેટ્રોલ અને ડિઝલ જેવી તમામ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે. પાકિસ્તાન પાસે હવે માત્ર 4.1 અબજ ડોલરનું જ વિદેશી હૂંડિયામણ બચ્યું છે. ગયા સપ્તાહે સમગ્ર દેશમાં નેશનલ ગ્રીડમાં અવરોધને કારણે વીજ સપ્લાય ખોરવાયો હતો. જેને પાછળથી રિસ્ટોર કરાયો હતો. જોકે તે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત નથી થઈ શક્યો. પાકિસ્તાન સરકાર સતત એવો દાવો કરી રહી છે કે તે વીજ સપ્લાયને સામાન્ય કરી દેશે. જોકે વિદેશી માધ્યમોના અહેવાલો મુજબ તેની પાસે આમ કરવા માટે પૂરતો સાધન-સરંજામ નથી. આ માટે નવી ખરીદી માટે તેની પાસે નાણા પણ નથી. આમ સ્થિતિ આકરી બની રહી છે. વીજ સપ્લાયના અભાવે પાકિસ્તાનનો ટેક્સટાઈલ ઉદ્યોગ વીજ સંકટનો સામનો કરી રહ્યો છે. તેણે માત્ર બે સત્રોમાં જ રૂ. 1600 કરોડથી વધુની ખોટ ઉઠાવવી પડી હતી.
ડિસેમ્બરમાં સતત 10મા મહિને રૂ. 1 લાખ કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ
જોકે મહિના દરમિયાન નવા કાર્ડમાં વૃદ્ધિમાં તીવ્ર ઘટાડો જોવાયો
ડિસેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં સતત 10મા મહિને રૂ. 1 લાખ કરોડથી વધુનું સ્તર જોવા મળ્યું હતું. આરબીઆઈએ રજૂ કરેલા તાજેતરના આંકડા મુજબ ડિસેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 1.26 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે નવેમ્બર 2022ની સરખામણીમાં 10.21 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે વાર્ષિક ધોરણે ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 34.31 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
ટોચની દરેક ક્રેડિટ કાર્ડ કંપનીએ કામકાજમાં વૃદ્ધિ નોંધાવી હતી. જેમાં એચડીએફસી બેંકના સ્પેન્ડમાં માસિક ધોરણે 9.32 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકે 13 ટકા, એસબીઆઈ કાર્ડે 13 ટકા અને એક્સિસ બેંકે 8.8 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ પાછળ ક્રેડિટ કાર્ડ પાછળ માસિક ધોરણે સતત રૂ. એક લાખ કરોડ ઉપરનો ખર્ચ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં ક્રેડિટ કાર્ડ મારફતે ઓક્ટોબર 2022માં રૂ. 1.29 લાખ કરોડનો વિક્રમી ખર્ચ નોંધાયો હતો. જે નવેમ્બરમાં સાધારણ ઘટાડો દર્શાવતો હતો. જોકે ડિસેમ્બરમાં તે ફરીથી વધવાતરફી જોવા મળ્યો હતો. જોકે ડિસેમ્બરમાં ક્રેડિટ કાર્ડમાં નવા ઉમેરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા મહિને માત્ર 5,80,555 ક્રેડિટ કાર્ડ્સનો જ ઉમેરો જોવા મળ્યો હતો. જે સાથે કુલ આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ કાર્ડની સંખ્યા 8.118 કરોડ પર પહોંચી હતી. સામાન્યરીતે ક્રેડિટ કાર્ડ ઉદ્યોગ માસિક ધોરણે સરેરાશ 15 લાખ કાર્ડ્સની વૃદ્ધિ દર્શાવતો રહ્યો છે. જેનું કારણ અનસિક્યોર્ડ લેન્ડિંગમાં કંપનીઓનું આક્રમક વલણ છે. મહામારી બાદ ક્રેડિટ કાર્ડને લઈને કંપનીઓ વધુ ઉદાર બની છે. કસ્ટમર્સ પણ તેમના ક્રેડિટ રેટિંગને લઈને જાગૃત બન્યાં હોવાથી ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર જોખમ લઈ રહ્યાં છે. ડિસેમ્બરમાં સૌથી વધુ નવા કાર્ડ એસબીઆઈ કાર્ડ તરફથી જોવા મળતાં હતાં. કંપનીએ 3,28,273 કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારબાદ એચડીએફસી બેંકે 2.3 લાખ કાર્ડ્સ જ્યારે એક્સિસ બેંકે 1.49 લાખ કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં.
સેબીએ અદાણી ગ્રૂપ ડિલ્સની સ્ક્રૂટિની વધારી
જૂથને લઈને ચાલી રહેલી તપાસમાં હેઈડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સામેલ કર્યો
મૂડી બજાર રેગ્યુલેટર સેબીએ છેલ્લાં એક વર્ષમાં અદાણી ગ્રૂપના ડિલ્સને લઈને સ્ક્રૂટિનીમાં વૃદ્ધિ કરી છે. હાલમાં જૂથના ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સને લઈને ચાલી રહેલી તપાસમાં સેબી તાજેતરમાં શોર્ટ-સેલર હેઈડનબર્ગ રિસર્ચે પ્રગટ કરેલા રિપોર્ટનો અભ્યાસ પણ કરશે એમ આ બાબતના જાણકાર વર્તુળોનું કહેવું છે.
યુએસ શોર્ટ-સેલર હેઈડનબર્ગે બુધવારે જણાવ્યું હતું કે તે ભારતીય કોંગ્લોમેરટમાં શોર્ટ પોઝિશન્સ ધરાવે છે. તેણે ભારતીય કોંગ્લોમેરટ પર ઓફશોર ટેક્સ હેવન્સના અયોગ્ય ઉપયોગનો આક્ષેપ કરી જૂથના ઊંચા ડેટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જેની પાછળ અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં બે સત્રોમાં તીવ્ર વેચવાલી ફરી વળી હતી. વર્તુળોના જણાવ્યા મુજબ સેબી અદાણી ગ્રૂપે લિસ્ટેડ કંપનીઓને લઈને હાથ ધરેલા તમામ ટ્રાન્ઝેક્શન્સની ચકાસણી વધારી રહી છે. સેબી સામાન્યરીતે જેની માગણી નથી કરતી તેવા ડિસ્ક્લોઝર્સની પણ માગણી કરી રહી હોવાનું તેઓ ઉમેરે છે. અદાણીએ ચાલુ સપ્તાહની શરૂમાં હેઈડનબર્ગના રિપોર્ટને પાયાવિહોણો ગણાવી ફગાવ્યો હતો. તેમજ ન્યૂ યોર્ક સ્થિત કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવી કે નહિ તે માટે જૂથ વિચારી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. અદાણી જૂથ તરફથી સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમ લિ.ના અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હિસ્સા ખરીદીના કિસ્સામાં જૂથે ઉપયોગમાં લીધેલાં ઓફશોર સ્પેશ્યલ પરપઝ વેહીકલ(એસપીવી)ની પણ રેગ્યુલેટર તપાસ ચલાવી રહ્યું છે એમ વર્તુળો જણાવે છે. જૂથે મે 2022માં એક્વિઝિશનને લઈને જાહેરાતના ભાગરૂપે એસવીપીને લઈને ડિસ્ક્લોઝર આપ્યું હતું. રેગ્યુલેટરને આ ટ્રાન્ઝેક્શનના ફંડીગમાં 17 જેટલી ઓફશોર કંપનીઓએ સંડોવાયેલી હોવાનું જણાયું છે. સેબીએ ગ્રૂપ પાસેથી આ કંપનીઓને લઈને સ્પષ્ટતા પણ માગી હતી. હાલમાં આ પ્રતિભાવો તપાસ હેઠળ હોવાનું વર્તુળો જણાવે છે. અદાણી જૂથ તરફથી તેની ફલેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના 2.45 અબજ ડોલરના શેર્સ વેચાણની પૂર્વસંધ્યાએ હેઈડનબર્ગે તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેની પાછળ ગયા શુક્રવારે અદાણી જૂથના શેર્સમાં રૂ. 86 હજાર કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. જ્યારે સોમવારે જૂથ કંપનીઓએ વધુ રૂ. 13.4 લાખ કરોડનું ધોવાણ દર્શાવ્યું હતું.
ઘઉંના ભાવોને અંકુશમાં લેવા માટે સરકાર 30 લાખ ટન ઘઉં છૂટા કરશે
સરકાર ઈ-ઓક્શન મારફતે ફ્લોર મિલ્સને 3000 ટન સુધીની મર્યાદામાં જથ્થો આપશે
ફ્લોર મિલ્સ ઘઉંમાંથી બનેલા લોટનું રૂ. 29.50થી વધુ ભાવે વેચાણ નહિ કરી શકે
કેન્દ્ર સરકારે તેની પાસે સંગ્રહિત જથ્થામાંથી 30 લાખ ટન ઘઉંના જથ્થાને ઓપન માર્કેટમાં વેચાણ માટેનો નિર્ણય લીધો છે. સરકાર સ્પેશ્યલ ઓપન માર્કેટ સેલ સ્કીમ(ઓએમએસએસ) હેઠળ આમ કરીને ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરશે.
સત્તાવાર નિવેદન મુજબ ખાસ ઓએમએસએસ હેઠળ વેચવામાં આવનાર ઘઉં ફ્લોર મિલ માલિકોને વેચવામાં આવશે. જેમણે જાહેર જનતાને રૂ. 29.50 પ્રતિ કિગ્રાથી ઊંચા ભાવે લોટનું વેચાણ કરી શકશે નહિ. સરકારી યોજના મુજબ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી ફ્લોર મિલ્સ તથા બલ્ક બાયર્સને ઈ-ઓક્શન મારફતે ઘઉંનું વેચાણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ખરીદાર 3000 ટનથી વધુ જથ્થાનું વેચાણ કરવામાં નહિ આવે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ઘઉંની ઓફર કરવામાં આવશે. આ ચેનલ્સ ઉપરાંત ઈ-ઓક્શન સિવાય જાહેર સાહસો અથવા સહકારી સંસ્થાઓ અથવા ફેડરેશન્સ, કેન્દ્રિય ભંડાર, એનસીસીએફ, નાફેડ વગેરે મારફતે રૂ. 2350 પ્રતિ ક્વિન્ટલના રાહત ભાવે ઘઉં ઓફર કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમીત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સરકારી અનાજ ભંડારોમાંથી ઘઉં છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં ઉત્તર ભારતીય બજારોમાં ઘઉંનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 31-32 પર જોવા મળી રહ્યો છે. જે 2023-24 માર્કેટિંગ સિઝન માટે નિર્ધારિત કરવામાં આવેલા રૂ. 21.25 પ્રતિ કિગ્રાના લઘુત્તમ ટેકાના ભાવ(એમએસપી) કરતાં 50 ટકા પ્રિમીયમ સૂચવે છે. એકવાર સરકાર તરફથી વેચાણ શરૂ થશે એટલે કોમોડિટીના ભાવમાં તરત જ રૂ. 2 પ્રતિ કિગ્રાનો ઘટાડો જોવા મળશે તેમજ લોટના ભાવ પર પણ તેની અસર પડશે એમ ટ્રેડર જણાવે છે. તેમના કહેવા મુજબ મોટાભાગનો ઘઉંનો જથ્થો પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં રહેલો છે. જ્યાંથી લોટ ઉત્પાદક મિલર્સને ઘઉંનું વેચાણ થશે. તેમના મતે આગામી સપ્તાહે પ્રથમ સેલ ટેન્ડર ઓપન કરવામાં આવે તેવી અપેક્ષા છે. સરકારી ડેટા મુજબ 1 જાન્યુઆરી 2023ના રોજ સરકારી પુલમાં 1.717 કરોડ ટન ઘઉંનો જથ્થો પડેલો હતો. જે બફરની જરૂરિયાત કરતાં તેમજ વ્યૂહાત્મક રિઝર્વ જરૂરિયાત કરતાં 24.4 ટકા વધુ હતો. આગામી માર્ચ મહિનાથી નવી કાપણી સિઝનની શરૂઆત થશે. જે દરમિયાન દેશમાં વિક્રમી ઘઉં ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવે છે.
દસમાંથી એક F&O ટ્રેડર્સે નફો રળ્યો, બાકીનાને સરેરાશ સવા લાખની ખોટ
નાણા વર્ષ 2019-19માં 7.1 લાખ ટ્રેડર્સ પરથી વ્યક્તિગત ડેરિવેટીવ્સ ટ્રેડર્સની સંખ્યા 500 ટકા વધી 2021-22માં 40 લાખ પર પહોંચી
નાણા વર્ષ 2021-22માં ભારતીય શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ(F&O) સેગમેન્ટમાં 45.24 લાખ વ્યક્તિગત ટ્રેડર્સ જોવા મળ્યાં હતાં. જેમાંથી માત્ર 11 ટકા નફો રળી શક્યાં હતાં એમ માર્કેટ રેગ્યુલેટર સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ તૈયાર કરેલો રિપોર્ટ દર્શાવે છે. જેનો મતલબ એ થાય છે કે 10માંથી એક ટ્રેડર જ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં પ્રોફિટ મેળવવામાં સફળ રહ્યો હતો. કુલ રિટેલ પાર્ટિસિપન્ટ્સમાંથી 39.76 લાખ(88 ટકા) ટ્રેડર્સ એક્ટિવ હતાં. વર્ષે પાંચથી વધુ વાર એફએન્ડઓ ટ્રેડ હાથ ધરનારા ટ્રેડર્સને જ સેબીએ એક્ટિવ ટ્રેડર્સ તરીકે ગણનામાં લીધાં છે. સેબીએ ટોચના 10 બ્રોકરેજ હાઉસિસ પાસેથી 45.24 લાખ ટ્રેડર્સની સેમ્પલ સાઈઝ મેળવી હતી અને તેનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ 10 માર્કેટ મધ્યસ્થી એનએસઈ ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટના કુલ વોલ્યુમનો 67 ટકા હિસ્સો ધરાવે છે.
સેબીના રિપોર્ટ મુજબ નાણા વર્ષ 2021-22માં વ્યક્તિગત એફએન્ડઓ ટ્રેડર્સની સંખ્યામાં 500 ટકાનો ઉછાળો નોંધાયો હતો. 2018-19માં એફએન્ડઓ સેગમેન્ટમાં માત્ર 7.1 લાખ ટ્રેડર્સ જ ટ્રેડિંગ કરી રહ્યાં હતાં. જોકે કોવિડ બાદ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેડર્સની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. છેલ્લાં ત્રણ વર્ષોમાં એફએન્ડઓ સેગમેન્ટમાં રિટેલ પાર્ટિસિપેશનમાં ભલે તીવ્ર વધારો નોંધાયો હોય પરંતુ ટ્રેડર્સ તરફથી પ્રોફિટ મેકિંગમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2018-19માં 13 ટકા રિટેલ ટ્રેડર્સ નફો રળી રહ્યાં હતાં. જે પ્રમાણ 2021-22માં ઘટીને 10 ટકા પર જોવા મળ્યું હતું. સેબીએ રિપોર્ટમાં નોંધ્યું છે કે 2018-19 અને 2021-22ના ત્રણ વર્ષો દરમિયાન એફએન્ડઓ સેગમેન્ટમાં વ્યક્તિગત ટ્રેડર્સના પ્રોફિટ એન્ડ લોસનું કમ્પેરેટિવ એનાલિસિસ કરવાનું મુખ્ય કારણ કોવિડ પહેલા અને કોવિડ પછી બજારમાં રોકાણકારોના ટ્રેન્ડને સમજવાનો છે.
રિપોર્ટ મુજબ 2021-22માં વ્યક્તિગત રોકાણકારો તરફથી સરેરાશ એફએન્ડઓ સેગમેન્ટમાં સરેરાશ નુકસાન 89 ટકા જોવા મળ્યું હતું. જ્યારે નફો રળનાર ટ્રેડર્સે સરેરાશ 1.5 લાખનો પ્રોફિટ રળ્યો હતો. રિપોર્ટના આંકડા મુજબ એફએન્ડઓ સેગમેન્ટમાં ટોચના 1 ટકા ટ્રેડર્સ 51 ટકા નફો ધરાવતાં હતાં. જ્યારે ટોચના 5 ટકા ટ્રેડર્સ 75 ટકા નફો ધરાવતાં હતાં. ટ્રેડિંગમાં ચોખ્ખા નુકસાન ઉપરાંત નુકસાનકર્તાઓએ ટ્રાન્ઝેક્શન કોસ્ટ્સ તરીકે અધિક 28 ટકા ગુમાવ્યાં હતાં. કુલ ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં બ્રોકરેજ, ક્લિઅરીંગ હાઉસ ફી, એક્સચેન્જ ફી, સેબી ટર્નઓવર ફી, એસટીટી, જીએસટી વગેરેનો સમાવેશ થાય છે. ઊંચો ટ્રાન્ઝેક્શન ખર્ચ વ્યક્તિગત ટ્રેડર્સ તરફથી સતત ટ્રેડિંગ સૂચવે છે. આ કારણથી નોન-એક્ટિવ ટ્રેડર્સ તરફથી ટ્રાન્ઝેક્શન કોસ્ટનો હિસ્સો 8 ટકાના નીચા સ્તરે જોવા મળતો હતો.
2018-19થી એફએન્ડઓ સેગમેન્ટમાં જોવા મળેલી તીવ્ર વૃદ્ધિમાં મોટો હિસ્સો યંગસ્ટર્સનો હતો. જેમની ઉમર 20-30 વર્ષની રેંજમાં હતી. આ એજ ગ્રૂપ 2021-22માં એફએન્ડઓ ટ્રેડમાં 36 ટકા હિસ્સો ધરાવતું હતું. જે 2018-19માં 11 ટકા પર જોવા મળતો હતો. એફએન્ડઓ સેગમેન્ટમાં 30-40 વર્ષ ધરાવતાં ટ્રેડર્સનો હિસ્સો 39 ટકા સાથે સૌથી ઊંચો જોવા મળી રહ્યો હતો. જોકે 2018-19માં 43 ટકાની સરખામણીમાં તે ઘટાડો સૂચવતો હતો.
ડેરિવેટિવ્સ સેગમેન્ટનું બદલાતું બેકગ્રાઉન્ડ
• 2018-19માં 13 ટકા રિટેલ ટ્રેડર્સ નફો રળી રહ્યાં હતા, જ્યારે 2021-22માં પ્રમાણ ઘટીને 10 ટકા પર જોવા મળ્યું હતું
• 2021-22માં પ્રોફિટ રળનારાઓમાં 1 ટકા ટ્રેડર્સ 51 ટકા નફો ધરાવતાં હતાં. જ્યારે ટોચના 5 ટકા ટ્રેડર્સ 75 ટકા નફો ધરાવતાં હતાં
• એફએન્ડઓ સેગમેન્ટમાં 89 ટકા ટ્રેડર્સે નુકસાન નોંધાવ્યું હતું
• એફએન્ડઓ સેગમેન્ટમાં યંગસ્ટર્સના હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. 2018-19માં 11 ટકા પરથી 2021-22માં તેમનો હિસ્સો 20-30 ટકા પર પહોંચ્યો હતો
• એફએન્ડઓ સેગમેન્ટમાં 30-40 વર્ષ ધરાવતાં ટ્રેડર્સનો હિસ્સો 39 ટકા સાથે સૌથી ઊંચો જોવા મળ્યો હતો
એર ઈન્ડિયા 495 વિમાનોમાંથી ટૂંકમાં અડધી ખરીદીનો ઓર્ડર આપશે
કંપની બોઈંગ, એરબસ સહિતની કંપનીઓ પાસેથી વિમાનો ખરીદશે
એર ઈન્ડિયા 495 જેટ્સ માટેના જંબો પ્લેન ઓર્ડર્સન 50 ટકા હિસ્સાને આખરી ઓપ આપે તેવી શક્યતાં હોવાનું જાણકાર વર્તુળોએ દર્શાવી હતી. કંપની મોટા હરિફો સાથે સ્પર્ધાત્મક્તા વધારવા માટે એરલાઈન કંપનીને પુનર્જિવિત કરવાની ઈચ્છા ધરાવે છે. એર ઈન્ડિયા છેલ્લાં ઘણા મહિનાઓથી વિમાનોને લઈને સખત ચર્ચા-વિચારણામાં સક્રિય હતી. જેમાં તે 190 બોઈંગ 737 મેક્સ નેરોબોડી પ્લેન્સ તથા 20 બોઈંગ 787 અને 10 બોઈંગ 777એક્સ માટે ઓર્ડર આપવા માટે તૈયાર જણાય છે. આ ડીલ શુક્રવારે થવાની શક્યતાં હતી. જ્યારે તાતા જૂથની એર ઈન્ડિયાની ખરીદીને એક વર્ષ થયું હતું.
ઓર્ડરના બીજા અડધા હિસ્સામાં કંપની 235 એરબસ સિંગલ-એસ્લે જેટ્સ અને 40 એરબસ એ350 વાઈડબોડી એરક્રાફ્ટની ખરીદી કરે તેવી શક્યતાં હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવે છે. જે આગામી કેટલાંક દિવસોમાં ફાઈનલ થશે. આ ડીલ માટે બોઈંગ, જીઈ અને સીએફએમના ઉચ્ચ અધિકારીઓ ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા પણ છે. અગાઉ કંપની તરફથી આ ડિલ અંગે જાહેરાત થવાની અપેક્ષા હતી. જોકે હવે ડીલની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી. કેમકે ફેબ્રુઆરીમાં એરો ઈન્ડિયા શો થવા જઈ રહ્યો છે. સામાન્યરીતે આ પ્રકારના ડીલ શો દરમિયાન જાહેર કરવામાં આવતાં હોય છે. વસ્તીની રીતે ચીનને પાછળ રાખી દેનાર ભારતમાં વિશાળ અન્ડર-સર્વ્ડ એર ટ્રાવેલ માર્કેટ રહેલું છે. હાલમાં બજારમાં ઈન્ડિગો સૌથી ઊંચા હિસ્સા સાથે પ્રભુત્વ ધરાવે છે. જ્યારે ભારતમાંથી બહાર જતાં મોટાભાગના ટ્રાફિકનો મોટો હિસ્સો મધ્ય-પૂર્વીય એરલાઈન્સ કંપનીઓ એમિરાટ્સ અને કતાર એરવેઝ પાસે રહેલો છે.
ઈક્વિટી માર્કેટમાં મંદી વચ્ચે રૂપિયો 8 પૈસા સુધર્યો
ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે સ્થાનિક ચલણમાં મજબૂતી જોવા મળી હતી. સોમવારે ભારતીય રૂપિયો ડોલર સામે 8 પૈસા સુધરી 81.52ની સપાટી પર બંધ રહ્યો હતો. શરૂઆતી સત્રમાં તે ડોલર સામે 11 પૈસા સુધારા સાથે 81.48ની સપાટી પર ટ્રેડ થયો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને પગલે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી ભારતીય શેરબજારમાં વેચવાલી છતાં રૂપિયો કેલેન્ડરની શરૂઆતથી મજબૂતી દર્શાવી રહ્યો છે. ક્રૂડના ભાવમાં મજબૂતીની પણ રૂપિયા પર હાલમાં કોઈ અસર જોવા મળી રહી નથી. એનાલિસ્ટ્સ રૂપિયામાં 81.70નો મજબૂત સપોર્ટ દર્શાવી રહ્યાં છે.
FPIsનું જાન્યુઆરીમાં કુલ રૂ. 23 હજાર કરોડનું વેચાણ
વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ગયા સપ્તાહ સુધી રૂ. 23 હજાર કરોડથી વધુનું વેચાણ નોઁધાવ્યું હતું. કેલેન્ડર 2022માં રૂ. 1.25 લાખ કરોડના કુલ વેચાણ બાદ સતત બીજા વર્ષે તેમની વેચવાલી જળવાય છે. જે સૂચવે છે કે તેઓ ભારતીય બજારમાંથી નાણાને અન્યત્ર ખસેડી રહ્યાં છે. જોકે શરૂઆતી પખવાડિયાની સરખામણીમાં બીજા પખવાડિયા દરમિયાન વેચવાલી ધીમી પડી છે. જોકે ડિસેમ્બર 2022 બાદ સતત બીજા મહિને તેઓ નેટ સેલર જોવા મળી રહ્યાં છે. કેલેન્ડર 2022માં પણ જુલાઈ-ઓગસ્ટ અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં તેમણે ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. એ સિવાયના મહિનાઓમાં નેટ સેલર બની રહ્યાં હતાં.
કોર્પોરેટ હેડલાઈન્સ
બજાજ ઓટોઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1490 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 1365 કરોડના અંદાજ કરતાં ઊંચો રહ્યો છે. કંપનીની રેવન્યૂ રૂ. 9022 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 9050 કરોડ પર જોવા મળી હતી. કંપનીના શેરમાં રિઝલ્ટ બાદ 5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
ડો.રેડ્ડીઝ લેબ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1247 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 910 કરોડના અંદાજ કરતાં નોંધપાત્ર ઊંચો રહ્યો છે. કંપનીની રેવન્યૂ રૂ. 5830 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 6770 કરોડ પર જોવા મળી હતી. રિઝલ્ટ પાછળ મંદ બજારમાં શેર મજબૂત રહ્યો હતો.
તાતા મોટર્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2958 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 285 કરોડના અંદાજ કરતાં નોંધપાત્ર ઊંચો રહ્યો છે. કંપનીની રેવન્યૂ રૂ. 82738 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 88490 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો શેર 6 ટકા ઉછળ્યો હતો.
અમરારાજા બેટરીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 221.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 145 કરોડની સરખામણીમાં 52.7 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 2365.9 કરોડની સરખામણીમાં રૂ. 2637.8 કરોડ પર રહી હતી.
વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 44.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 34 કરોડની સરખામણીમાં 31.6 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 397.3 કરોડની સરખામણીમાં 33 ટકા વધી રૂ. 526.4 કરોડ પર રહી હતી.
બ્લ્યૂ ડાર્ટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 88.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 123 કરોડની સરખામણીમાં 30 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક જોકે ગયા વર્ષે રૂ. 1254.83 કરોડની સરખામણીમાં 7 ટકા વધી રૂ. 1337.1 પર રહી હતી.
સિએટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 35.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 20 કરોડની ખોટની સરખામણીમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. કંપનીની આવક જોકે ગયા વર્ષે રૂ. 2413 કરોડની સરખામણીમાં 13 ટકા વધી રૂ. 2727 પર રહી હતી.
તાતા એલેક્સીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 195 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 174 કરોડની સરખામણીમાં 15 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 782 કરોડની સરખામણીમાં રૂ. 837 કરોડ પર રહી હતી.
શાંતિ ગીયર્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 17.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 13.8 કરોડની સરખામણીમાં 21 ટકા ઊંચો છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 95 કરોડની સરખામણીમાં રૂ. 115 કરોડ પર રહી હતી.
એસજેવીએનઃ સરકારી હાઈડ્રો કાર્બન ઉત્પાદકે ભૂતાન સ્થિત સંયુક્ત સાહસ ખોલોંગ્યૂ હાઈડ્રો એનર્જીમાં તેના સમગ્ર હિસ્સાનું રૂ. 354.7 કરોડમાં વેચાણ કર્યું છે.