બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
કોવિડના નવા વેરિઅન્ટ પાછળ શેરબજારોમાં ગભરાટ, સેન્સેક્સ 1688 પોઈન્ટ્સ ગગડ્યો
નિફ્ટી ઈન્ટ્રા-ડે 17000ની નીચે ઉતર્યાં બાદ 510 પોઈન્ટ્સ ઘટી બંધ રહ્યો
શુક્રવારે એક સત્રમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ
નિફ્ટીમાં ટોચના સ્તરેથી 9 ટકા કરેક્શનમાં રોકાણકારોએ રૂ. 18 લાખ કરોડ ગુમાવ્યાં
વૈશ્વિક સ્તરે ફ્રાન્સનો કેક ઈન્ડેક્સ 3.7 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો, ચીનના બજારમાં માત્ર 0.56 ટકાનો ઘટાડો નોંધાયો
લગભગ મહિના અગાઉ ‘પેન્ડેમિક’ હવે ‘એન્ડેમિક’ બની ગયો હોવાનું માનીને સર્વોચ્ચ સપાટી દર્શાવનાર ભારતીય બજારમાં શુક્રવારે ‘બ્લેક ફ્રાઈડે’ બની ગયો હતો. કોવિડના નવા આફ્રિકન વેરિઅન્ટના અહેવાલે દુનિયાભરના બજારોને ડગમગાવ્યાં હતાં. જેમાં ભારતીય બજારે સાત મહિનાથી વધુ સમયગાળા બાદ 3 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1687.94 પોઈન્ટ્સ ગગડી 57107.15 પર જ્યારે નિફ્ટી 509.80 પોઈન્ટ્સના ઘટાડે 17026.45ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50માંથી 45 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે પાંચ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં.
શુક્રવારે એક દિવસમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું અને તે રૂ. 258 લાખ કરોડ પર જોવા મળી હતી. આમ 22 ઓક્ટોબરે નિફ્ટી 18400ના સ્તરે ટ્રેડ થતો હતો ત્યારે રૂ. 276 લાખ કરોડની વેલ્થમાંથી રૂ. 18 લાખ કરોડનું ધોવાણ નોંધાઈ ચૂક્યું છે. જે માર્ચ 2020 બાદ માસિક ધોરણે જોવા મળેલો સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી તેના ટોચના સ્તરેથી 9 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. શુક્રવારે બજારમાં પેનિકને જોતાં એનાલિસ્ટ્સ નજીકના સમયગાળામાં વધુ 2-4 ટકા ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના મતે નિફ્ટીએ 20-સપ્તાહની મૂવીંગ એવરેજનું 17200નું સ્તર તોડતાં તેના માટે હવે 16400નું 34-સપ્તાહની મુવીંગ એવરેજ મહત્વનો સપોર્ટ છે. જ્યારે તે તૂટશે તો 200-દિવસની મૂવીંગ એરવેજનું 16100નો સપોર્ટ રહેશે. સામાન્યરીતે બુલ માર્કેટમાં જ્યારે પણ કરેક્શન જોવા મળે છે ત્યારે તે 200-ડીએમએનો સપોર્ટ મેળવતાં હોય છે.
સપ્તાહના અંતિમ દિવસે એશિયન બજારોએ કામકાજની નરમ શરૂઆત દર્શાવી હતી અને જોતજોતામાં તેઓ 2 ટકા જેટલા તૂટી ચૂક્યાં હતાં. જેની અસરે ભારતીય બજાર પણ એક ટકાથી વધુના તીવ્ર ઘટાડા સાથે ઓપન થયા બાદ સતત ઘસાતાં રહ્યાં હતાં અને કામકાજના અંતે 3 ટકાનો ઘટાડો દર્શાવી લગભગ ત્યાં જ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3415 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2290 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 1023 સુધારો સૂચવતાં હતાં. જોકે નેગેટિવ માર્કેટ બ્રેડ્થ વચ્ચે પણ 370 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં અને 234 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ પણ દર્શાવી હતી.
નવો વેરિઅન્ટ વિલન બન્યો
દક્ષિણ આફ્રિકામાં કોવિડનો નવો વેરિઅન્ટ મળ્યો હોવાનો અહેવાલ વિશ્વભરના બજારોમાં વેચવાલી નીકળી હતી. ભારત સરકારના આરોગ્ય સચિવે પણ આ વેરિએન્ટના અહેવાલ બાદ નિર્દેશો જાહેર કર્યાં હતાં. તેમણે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ઊંડાણપૂર્વણ કોવિડ પરિક્ષણ કરવા જણાવ્યું હતું.
વિદેશી રોકાણકારોની અવિરત વેચવાલી
વિદેશી રોકાણકારોએ 20 ઓક્ટોબરથી લઈને શુક્રવાર સુધી એકાદ-બે ટ્રેડિંગ સત્રોને બાદ કરતાં ભારતીય બજારમાં સતત વેચવાલી દર્શાવી છે. સ્થાનિક ફંડ્સે તેમની વેચવાલીને કેટલેક અંશે પચાવી છે. જોકે આમ છતાં બજારનો ઘટાડો અટકી શક્યો નથી. રિટેલ વર્ગ પણ બજારમાં ખરીદી કરતો અટક્યો છે.
વૈશ્વિક બજારોમાં નબળાઈ
વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટમાં બદલાવ આવ્યો છે. ચાલુ સપ્તાહે યુએસને બાદ કરતાં અન્ય તમામ બજારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં એશિયન બજારો મુખ્ય છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન જેવા બજારો 3-4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
રોકાણકારોએ શું કરવાનું?
માર્કેટ એનાલિસ્ટ્સ માને છે કે ટોચના સ્તરેથી 9 ટકા કરેક્શન બાદ બજારમાં સારા ફંડામેન્ટલ્સ ધરાવતી જાતોમાં એક્યૂમ્યૂલેશન કરવાનો વ્યૂહ અપનાવવો જોઈએ. નિફ્ટીમાં માર્ચ 2020ની આખરથી ઓક્ટોબર 2021 સુધીના સમયગાળામાં 11 હજાર પોઈન્ટસનો એકધારો સુધારો નોંધાયો હતો અને તેથી એક કરેક્શન અપેક્ષિત હતું. માર્કેટ ઘટાડા માટેના ટ્રિગર્સની શોધમાં હતું અને કોવિડના ન્યૂ વેરિઅન્ટ આ માટેનું નિમિત્ત બન્યો છે. માર્કેટ વધુ નીચે જવાની શક્યતાં જોતાં રોકાણકારોએ તબક્કાવાર ખરીદીનો વ્યૂહ અપનાવવો જોઈએ.
કેલેન્ડર 2021માં સેન્સેક્સના મોટા ઘટાડા
તારીખ બંધ ભાવ ઘટાડો(ટકામાં)
26/2/2021 49099.99 -3.80
12/4/2021 47883.38 -3.44
26/11/2021 57107.15 -2.87
22/2/2021 49744.32 -2.25
30/4/2021 48782.36 -1.98
22/11/2021 58465.89 -1.96
27/1/2021 47409.93 -1.94
28/10/2021 59984.7 -1.89
19/4/2021 47949.42 -1.81
NSE-500ના 20 ટકા કાઉન્ટર્સે 5 ટકાથી વધુ ઘટાડો નોંધાવ્યો
હોટેલ, સિનેમા, એરલાઈન અને પ્રાઈવેટ બેંકિંગ કંપનીના શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 3.25 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.9 ટકા તૂટ્યાં
કોવિડ વાઈરસના નવા વેરિયન્ટ્સને લઈને વિશ્વભરના બજારોમાં જોવા મળેલા ગભરાટની સૌથી ગંભીર અસર હોટેલ્સ, એરલાઈન્સ અને સિનેમા શેર્સ પર જોવા મળી હતી. એનએસઈ-500 જૂથમાં લિસ્ટેડ હોટેલ્સ કંપનીઓના શેર્સમાં શુક્રવારે 16 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે જૂથમાં સમાવિષ્ટ 20 ટકા કાઉન્ટર્સ 5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
શુક્રવારે શેરબજારમાં બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી હતી. જેમાં મીડ અને સ્મોલ-કેપ મુખ્ય હતાં. એનએસઈ-500 જૂથનો અભ્યાસ કરીએ તો જણાય છે કે સૌથી ખરાબ દેખાવ હોટેલ્સ, એરલાઈન્સ અને સિનેમા શેર્સનો રહ્યો હતો. જેમાં હોટેલ ક્ષેત્રે શલેત હોટેલ્સ 15.69 ટકા ગગડ્યો હતો. જ્યારે ઈન્ડિયન હોટેલ્સનો શેર 11.26 ટકા અને લેમન ટ્રી 8.7 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. કોવિડના નવા વેરિઅન્ટને કારણે જોવામાં આવે રહેલા ટ્રાવેલ પ્રતિબંધોની પાછળ ઈન્ડિગોનો શેર પણ 9.56 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. સિનેમા કંપનીઓમાં પીવીઆર 10.89 ટકા અને આઈનોક્સ લેઝર 8.21 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. કેસિનો કંપની ડેલ્ટા કોર્પનો શેર 9.76 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ખાનગી ક્ષેત્રની બંધન બેંકનો શેર 11.22 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ચંબલ ફર્ટિલાઈઝરનો શેર પણ 9 ટકા જેટલો ગગડ્યો હતો. એનબીએફસી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના શેરમાં પણ 8 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. રિઅલ્ટી ક્ષેત્રે ફિનિક્સ લિ. અને ડીએલએફ જેવા કાઉન્ટર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનાલિસ્ટ્સના મતે ફરી એકવાર ઈન્વેસ્ટર્સમાં કોવિડને લઈને ગભરાટ જોવા મળ્યો છે. જેની સીધી અસર હોટેલ્સ, સિનેમા અને એરલાઈન કંપનીઓ પર પડી છે. વૈશ્વિક સ્તેર યુરોપ ખાતે લોકડાઉનની ઘટના જોવા મળી છે. જેની ભારતીય કંપનીઓની કામગીરી પર સીધી અસરની શક્યતાં નથી. જોકે આફ્રિકન દેશોમાં નવા વેરિયન્ટ્સના અહેવાલોએ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી હોવાનું તેઓ જણાવે છે.
શુક્રવારે તીવ્ર ધોવાણ દર્શાવનાર કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ બજારભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
શલેત હોટેલ્સ 240.25 15.69
ઈન્ડિયન હોટેલ્સ 182.4 11.26
બંધન બેંક 279.7 11.22
PVR 1391 10.89
ડેલ્ટા કોર્પ 264.4 9.76
ઈન્ડિગો 1873 9.59
નાલ્કો 88.1 9.08
ચંબલ ફર્ટિલાઈઝર 364.45 8.88
લેમન ટ્રી 46.7 8.61
શ્રીરામ ટ્રાન્સ. ફાઈ 1440 8.34
ફિનિક્સ લિ. 960.5 8.25
આઈનોક્સ લેઝર 380 8.21
કંપનીઓએ IPO પ્રાઈસ બેન્ડને વધુ પહોળી બનાવી
સેબીએ તેના ચર્ચા પત્રમાં પ્રાઈસ બેન્ડ અતિ સાંકડી રાખવા અંગે ટિપ્પણ કરતાં જોવા મળેલો ફેરફાર
પ્રાઈમરી માર્કેટમાં ફંડ એકત્ર કરવા માટે પ્રવેશતી કંપનીઓએ સેબીએ કરેલી ટકોર બાદ આઈપીઓ વખતે શેરના ઓફર પ્રાઈસ બેન્ડને પહોળુ બનાવ્યું છે. તાજેતરમાં બજારમાં પ્રવેશેલાં કેટલાંક આઈપીઓમાં પ્રાઈસ બેન્ડ વચ્ચેનો સરેરાશ ગાળો 3.6 ટકાનો જોવા મળ્યો હતો. જે ઓક્ટોબરમાં સેબીએ રજૂ કરેલા આઈપીઓ સંબંધી એક ચર્ચા પત્ર અગાઉના 10 આઈપીઓમાં જોવા મળેલા સરેરાશ 2.3 ટકા આઈપીઓ પ્રાઈસ બેન્ડની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો છે.
ઓક્ટોબર મહિનામાં સેબીએ રજૂ કરેલા ચર્ચા પત્રમાં જણાવ્યું હતું કે કંપનીઓ તેમના આઈપીઓમાં ખૂબ જ સાંકડી પ્રાઈસ બેન્ડ નક્કી કરે છે. જોકે માર્કેટ રેગ્યુલેટર આ બાબતે કોઈ આખરી નિર્ણય લઈને નિયમ બનાવે તે અગાઉ જ બજાર સેબીનો સંકેત પામી ગયું છે અને તેમણે પ્રાઈસ બેન્ડમાં ફેરફાર પણ કર્યો છે. સામાન્યરીતે મર્ચન્ટ બેંકર્સને પ્રાઈસ બેન્ડના ટોચના ભાવે ઈસ્યુ પ્રાઈસ નિર્ધારિત કરવી ગમતી હોય છે અને રોકાણકારોમાં કયો ભાવ સ્વીકાર્ય હશે તેને લઈને તેની સમજ પણ તેમની પાસે હોય છે એમ અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકર જણાવે છે. હાલના નિયમો મુજબ આઈપીઓ બે રીતે કરી શકાય છે. એક બુક બિલ્ડીંગ મારફતે અને બીજો ફિક્સ્ડ પ્રાઈસ મેથડથી. બુક-બિલ્ડીંગ મેથડમાં ઈસ્યુઅર પ્રાઈસ બેન્ડ ઓફર કરે છે અને માગને આધારે ઈસ્યુ પ્રાઈસ નક્કી થાય છે. નિયમ મુજબ પ્રાઈસ બેન્ડના અપર અને લોઅર એન્ડ વચ્ચે મહત્તમ 20 ટકાનો ગેપ રાખી શકાય છે. જોકે તે અંગે લઘુત્તમ ગેપની કોઈ જોગવાઈ નથી. છેલ્લા મહિનાઓમાં કેટલાંક આઈપીઓ એવા હતાં કે જેઓ અપર અને લોઅર એન્ડ વચ્ચે માત્ર રૂ. 1-2નો ગેપ ધરાવતાં હતાં. 2010ની સાલ પછી પ્રાઈસ બેન્ડમાં જોવા મળેલા સતત ઘટાડાને પગલે સેબીએ તેના ચર્ચા પત્રમાં લોકો પાસેથી અપર અને લોઅર પ્રાઈસ એન્ડ વચ્ચે લઘુત્તમ 5 ટકાનો ગાળો રાખવો જોઈએ કે નહિ તે અંગે પ્રતિભાવ માગ્યો હતો.
સરકાર PSU બેંક્સમાં ઓછામાં ઓછો 26 ટકા હિસ્સો જાળવે તેવી શક્યતાં
બેંકિંગ કંપનીઝ એક્ટ 2021 હેઠળ સરકાર વર્તમાન 51 ટકા લઘુત્તમ હિસ્સાની જોગવાઈને 26 ટકા કરશે
જોકે બેંકના ખાનગીકરણ વખતે સરકાર એક જ વારમાં હિસ્સો 26 ટકા સુધી નહિ ઘટાડે તેવી શક્યતાં
સરકાર ખાનગીકરણ બાદ પણ જાહેર ક્ષેત્રની બેંક્સ(પીએસયૂ)માં ઓછામાં ઓછો 26 ટકા હિસ્સો જાળવી રાખે તેવી શક્યતાં હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન સરકાર બે પીએસયૂ બેંક્સના ખાનગીરણ માટે વિચારી રહી છે.
બેંકિંગ કંપનીઝ(એક્વિઝિશન્સ એન્ડ ટ્રાન્સફર ઓફ ઈન્ડરટેકિંગ્સ) એક્ટ, 1970 હેઠળ સરકારે પીએસયૂ બેંક્સમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો જાળવવો જરૂરી છે. હવે આગામી સત્રમાં રજૂ થવાના બેંકિંગ લોઝ(એમેન્ડમેન્ટ) બિલ 2021માં પીએસયૂ બેંક્સમાં સરકારનો હિસ્સો લઘુત્તમ 26 ટકા જાળવવાની જોગવાઈ કરવામાં આવશે. આ ખરડા બાદ સરકાર બાકીના હિસ્સાનું વેચાણ કરી શકશે. હાલમાં મોટાભાગની પીએસયૂ બેંક્સમાં સરકાર 70 ટકાથી ઉપર હિસ્સો ધરાવે છે.
પીએસયૂ બેંક્સમાં સરકારનો લઘુત્તમ હિસ્સો 26 ટકા કરવાને કારણે સંસ્થાકિય અને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ કરવામાં સહાયતા કરવા ઉપરાંત સરકારી તિજોરીને વધુ સારો લાભ કરાવશે એમ વર્તુળો જણાવે છે. આને કારણે ખાનગીકરણમાં તથા ડિસઈન્વેસ્ટમેન્ટ્સ ટાર્ગેટ્સ હાંસલ કરવામાં સહાયતા રહેશે. સાથે બેંકિંગ કંપનીઓમાં કેપિટલ ઈન્ફ્યુઝન માટે લેન્ડર્સની અવલંબિતા ઘટાડશે. સરકાર પીએસયૂ બેંક્સમાં તેના ઈક્વિટી હિસ્સાને ઘટાડીને 26 ટકા કરશે. જોકે તે એક તબક્કામાં પણ આમ નહિ કરે એમ વર્તુળો જણાવે છે. આ બેંક્સમાં હિસ્સામાં ઘટાડો ટ્રાન્ઝેક્શન્સના તબક્કા અંગે આખરી નિર્ણય લીધા બાદ લેવામાં આવશે. આગામી સત્રમાં રજૂ થનારા બિલમા પ્રસ્તાવિત સુધારાઓ મુજબ તે સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે મંત્રણા બાદ ખાનગીકરણની યોજના બનાવવા માટે સક્ષમ બનાવશે. સુધારાઓને ભાગરૂપે કંપનીઝ એક્ટ 1956ની જોગવાઈઓને પણ કંપનીઝ એક્ટ 2013થી રિપ્લેસ કરવાનો સમાવેશ થાય છે. નવા નિયમમાં ડિરેક્ટર્સના ડિસ્ક્વોલિફિકેશનના સંદર્ભમાં જોગવાઈઓ પણ કરવામાં આવશે. તેમાં ચેરમેન, હોલ-ટાઈમ ડિરેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લઈને ટર્મ્સ એન્ડ કંડિશન્સની જોગવાઈઓનો સમાવેશ પણ હશે. આ ઉપરાંત નવો કાયદો તમામ ડિરેક્ટર્સ માટે તેમના કોર્પોરેટ્સ ઈન્ટરેસ્ટ્સને ફરજિયાત ડિસ્ક્લોઝ કરવાની જોગવાઈ પણ ધરાવતો હશે. તેમાં હોલ-ટાઈમ ડિરેક્ટર્સ અને ઓફિસર્સના મહેનતાણા નક્કી કરતી કલમોનો સમાવેશ પણ થતો હશે. સાથે જ તે ડિરેસ્ટર્સની નિવૃત્તિ અંગેના નિયમોમાં પણ ફેરફાર લાવશે.
ફ્યુચર રિટેલમાંથી રૂ. 7 હજાર કરોડ ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાનો એમેઝોનનો આક્ષેપ
રિટેલ કંપનીએ કિશોર બિયાણીની માલિકીની કંપનીઓને માર્ચ 2020 અગાઉ એડવાન્સ પેટે આ રકમ ચૂકવી હોવાનો એમેઝોનનો દાવો
દેશમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિને સંઘર્ષ કરી રહેલી રિટેલ ચેઈન ખરીદતાં અટકાવી રહેલી એમેઝોનડોટકોમ ઈન્કે એક નવો મોરચો ખોલતાં આક્ષેપ કર્યો છે કે ફ્યુચર રિટેલ લિમિટેડે માર્ચ 2020ના રોજ પૂરા થતાં વર્ષ દરમિયાન રૂ. 7 બજાર કરોડ ડોલર(93.9 અબજ ડોલર)નું કંપનીના ફાઉન્ડર કિશોર બિયાણીનો અંકુશ ધરાવતી કંપનીમાં કેપિટલ એડવાન્સ તરીકે તથા સંબંધિત કંપની પાસેથી ગુડ્સ અને સર્વિસિસની ખરીદી પેટે ટ્રાન્સફર કર્યાં હતાં. કંપનીએ એક લેખિત પત્રમાં આ વિગત આપી હતી. ફ્યુચર રિટેલે તેનો બિઝનેસ ઘટી ગયો હોવા છતાં તેમજ સ્ટોર્સ બંધ કરી રહ્યું હોવા છતાં તે જ વર્ષે અસાધારણ રેન્ટલ સિક્યુરિટી ડિપોઝીટ્સ ઊભી કરી હતી અને સપ્લાયર્સને રૂ. 4300 કરોડનું એડવાન્સ ચૂકવ્યું હોવાનું પણ એમેઝોને જણાવ્યું છે.
એમેઝોને પત્રમાં નોંધ્યું છે કે ફ્યુચર રિટેલમાંથી નોંધપાત્ર રકમને અન્ત્યત્ર શિફ્ટ કરવામાં આવી છે. આમાંના કેટલાંક ટ્રાન્ઝેક્શન્સને પણ જો તે સરખા કરશે તો ફ્યુચર રિટેલ માટે બેંક્સને તથા ધિરાણદારોને ચૂકવવાના થતાં ડેટને આંશિંક હિસ્સો તત્કાળ ચૂકવી શકાય છે. જેને કારણે બિઝનેસ ચાલુ રહી શકવા ઉપરાંત તેને બચાવી પણ શકાય છે એમ તેણે ઉમેર્યું છે. યુએસ જાયન્ટે આ પત્રની કોપી ભારતીય નાણાપ્રધાન, સેન્ટ્રલ બેંક ગવર્નર, કેપિટલ માર્કેટ રેગ્યુલેટર તથા અન્ય સત્તાવાળાઓને પણ પાઠવી છે. પત્રમાં તેણે આ મામલે તપાસ કરાવવાની માગણી કરી છે.
જો આ પ્રકારની કોઈ તપાસ શરૂ કરવામાં આવશે તો તેના કારણે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફ્યુચર રિટેલના ટેકઓવરમાં ઓર વિલંબ થઈ શકે છે. રિલાયન્સ રિટેલ ફ્યુચર રિટેલની ખરીદી મારફતે ભારતમાં તેની હાજરી વધારવા ઈચ્છે છે. જેના ભાગરૂપે ઓગસ્ટ 2020માં તેણે ફ્યુચર જૂથ સાથે રૂ. 25 હજાર કરોડના ડિલની જાહેરાત કરી હતી. જોકે કંપનીમાં રોકાણકાર એવા એમેઝોને તેનો વિરોધ કર્યો હતો અને હાલમાં તે કોર્ટમાં અટવાયું છે.
બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની નીચે ઉતરી ગયું
વૈશ્વિક સ્તરે કોવિડના કેસિસની સંખ્યામાં વૃદ્ધિને કારણે ક્રૂડમાં નોંધપાત્ર સમયગાળા બાદ પેનિક જોવા મળ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ટકાથી વધુ ગગડી 79 ડોલરની નીચે ઉતરી ગયો છે. જાન્યુઆરી વાયદો શુક્રવારે બપોરે 4.37 ટકા ઘટી 78.69 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જે અગાઉના બંધ સામે 3.6 ડોલરનો ઘટાડો દર્શાવતું હતું. નવેમ્બર મહિનાની શરૂમાં તેણે 86.70 ડોલરની છેલ્લાં ચાર વર્ષોની ટોચ નોંધાવી હતી. વૈશ્વિક નાણાકિય બજારોમાં કોવિડના નવા વેરિયન્ટના અહેવાલ પાછળ તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. યુએસ ખાતે ડબલ્યુટીઆઈ ક્રૂડ 4.4 ટકા અથવા 3.45 ડોલરના ઘટાડે 74.94 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. વર્તુળોના જણાવ્યા મુજબ યુએસ અને ચીન સહિતના દેશોએ સ્ટ્રેટેજિક રિઝર્વ્સમાંથી હિસ્સો વેચવા માટે દર્શાવેલી તૈયારીને કારણે બજારમાં સપ્લાયમાં વૃદ્ધિ થશે. ઈકોનોમિક કમિશન બોર્ડ(ઈસીબી)ની અપેક્ષા મુજબ જો વપરાશકાર દેશો તેમના રિઝર્વ્સમાંથી હિસ્સો છોડશે તો ડિસેમ્બરમાં 4 લાખ બેરલ પ્રતિ ડોલર સરપ્લસની અપેક્ષા છે. જે જાન્યુઆરીમાં 24 લાખ ડોલર અને જાન્યુઆરીમાં 37 લાખ ડોલર પર પહોંચશે. જો ક્રૂડના ભાવ 80-85 ડોલર પ્રતિ બેરલની રેંજમા ટકશે તો ઓપેક તેના ઉત્પાદનમાં તબક્કાવાર વૃદ્ધિના માર્ગમાં ફેરફાર કરે તેવી શક્યતાં જોવાઈ રહી નથી.
ફેસ્ટીવલ સિઝનમાં હીરો અને હોન્ડાનું ઉત્પાદન 7 વર્ષના તળિયા પર
દેશના ટુ-વ્હીલર્સ માર્કેટમાં 60 ટકા હિસ્સો ધરાવતી હિરો મોટોકોર્પ અને હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયાનું ટુ-વ્હીલર્સ ઉત્પાદન ઓક્ટોબર અને નવેમ્બરમાં સાત વર્ષોના તળિયા પર જોવા મળ્યું છે. તહેવારોની સિઝનમાં પણ ટુ-વ્હીલર્સના વેચાણમાં મોમેન્ટમ નહી હોવાથી કંપનીઓ પાસે વણવેચાયેલા હિસ્સાનો ઢગ ખડકાયો હોવાનું જાણવા મળે છે. ડિલર્સ વર્તુળોના જણાવ્યા મુજબ આ કંપનીઓ પાસે હાલમાં 45-55 દિવસો સુધી ચાલે તેટલી ઈન્વેન્ટરી પડી છે. હીરોમોટોકોર્પની વાત કરીએ તો તેણે સાત વર્ષોમાં પ્રથમવાર તહેવારોની સિઝનમાં દસ લાખ યુનિટ્સથી ઓછું ઉત્પાદન કર્યું છે. કંપની ઓક્ટોબર અને નવેમ્બરમાં મળીને 890228 યુનિટ્સનું ઉત્પાદન કરે તેવો અંદાજ છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 14 લાખ યુનિટ્સ જોવા મળ્યું હતું. છેલ્લાં બે વર્ષોમાં મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સના ભાવોમાં તીવ્ર વેચાણ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં નીચી માગ તથા ફ્યુઅલના ભાવોમાં તીવ્ર વધારાએ પણ પ્રતિકૂળ અસર કરી છે.
Market Summary 26 Nov 2021
November 26, 2021