માર્કેટ સમરી
નિફ્ટીએ 15800 જાળવી રાખ્યું
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજાર રેંજ બાઉન્ડ ટ્રેડ સાથે ટકી રહ્યું હતું. બજારમાં ઘટાડાની આશંકા વચ્ચે કામકાજ પાંખા હતાં અને ટ્રેડર્સ પણ દ્વિધામાં જોવા મળતાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 15856ના બંધ સામે એક તબક્કે 15797 સુધી ગગડ્યાં બાદ 15824ના સ્તરે બંધ રહ્યો હતો. આમ બજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ, ઓટો, એફએમસીજી, રિઅલ્ટી, એનર્જી અને ઈન્ફ્રામાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે આઈટી, મેટલ અને ફાર્મામાં સુધારો જોવા મળ્યો હતો.
ઈન્ડિયા વીક્સ 6 ટકા ઉછળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 12.45 પર બંધ રહ્યો હતો. છેલ્લા બે દિવસોથી તે સુધારાતરફી જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહે તે એક અંકમાં જોવા મળ્યો હતો. જોકે બજારમાં ફરી અનિશ્ચિતતા જણાતાં તે વધવાતરફી બન્યો છે.
સેબીએ છ કંપનીઓને આઈપીઓ માટે મંજૂરી આપી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ છ કંપનીઓને આઈપીઓ માટે મંજૂરી આપી છે. જેમાં કાર ટ્રેડ, અમી ઓર્ગેનિક્સ, સુપ્રિયા લાઈફસાયન્સ, વિજય ડાયગ્નોસ્ટીક સેન્ટર, ક્રિષ્ણા ડાયગ્નોસ્ટીક્સ અને એપટ્સ વેલ્યૂ હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં બે આઈપીઓ માર્કેટમાં પ્રવેશી રહ્યાં છે ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત પિઝ્ઝા હટનું સંચાલન કરતી દેવયાની ઈન્ટરનેશનલથી થવાની શક્યતા છે. મંગળવારે બજારમાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિઝ આઈપીઓ સાથે પ્રવેશી રહી છે. જ્યારે બુધવારે રોલેક્સ રિંગ્સ બજારમાં પ્રવેશી રહી છે. ગ્લેનમાર્ક રૂ. 1514 કરોડ એકત્ર કરવા ધારે છે. જ્યારે રોલેક્સ રિંગ્સ લગભગ રૂ. 785 કરોડ એકત્ર કરવા જઈ રહી છે.
નવા સપ્તાહે સોનુ-ચાંદીમાં મજબૂતી સાથે શરુઆત
સોમવારે કિંમતી ધાતુઓમાં સુધારો જોવા મળતો હતો. વૈશ્વિક બજારમાં પોઝીટીવ અન્ડરટોન પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે બંને ધાતુઓ સુધારો દર્શાવી રહી હતી. જેમાં એમસીએક્સ ગોલ્ડ ઓગસ્ટ વાયદો 0.4 ટકા અથવા રૂ. 179ના સુધારા સાથે રૂ. 47703ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર સપ્ટેમ્બર વાયદો રૂ. 516ના સુધારે રૂ. 67540 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી અને કોપર વાયદો એક ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિકલ, લેડ અને ઝીંકમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. જોકે ક્રૂડમાં વૈશ્વિક બજાર પાછળ નરમાઈ જોવા મળતી હતી. ભારતીય રૂપિયો ડોલર સામે એક પૈસાની નરમાઈ સાથે 74.42ના સ્તરે બંધ રહ્યો હતો. આમ ચલણના મૂલ્યની ધાતુઓના ભાવ પર કોઈ નોંધપાત્ર અસર નહોતી જોવાઈ.
ટાટા મોટર્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 4451 કરોડની ખોટ નોંધાવી
ટાટા જૂથની ઓટો કંપની ટાટા મોટર્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 4450.92 કરોડનો કોન્સોલિડેટેડ લોસ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8437.99 કરોડ પર હતો. આમ કંપનીના લોસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં તે ઘણો ઊંચો રહ્યો હતો. એનાલિસ્ટ્સ રૂ. 1400 કરોડથી રૂ. 2000 કરોડની રેંજમાં ખોટની અપેક્ષા રાખી રહ્યાં હતાં. જોકે ક્વાર્ટર દરમિયાન કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ બમણી વધી રૂ. 66406.45 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31983.06 કરોડ પર હતી. કંપનીનું કોન્સોલિડેટેડ એબિટા માર્જિન 8.3 ટકા રહ્યું હતું. જેગુઆર લેન્ડ રોવરની ખોટ 11 કરોડ પાઉન્ડ પર રહી હતી. જે તેના એબિટા 9 ટકા પર રહ્યો હતો. જેએલઆરે પ્રથમ ક્વાર્ટરમાં 1,24,537 વેહીકલ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 68.1 ટકા વૃદ્ધિ સૂચવે છે.
2021ના પ્રથમ છ મહિનામાં 12 અબજ ડોલર સાથે VC ફંડીંગ છ વર્ષની ટોચે
ભારતીય કંપનીઓ બાઈજુસ, સ્વિગી, ઝોમેટો, શેરચાટ, ડ્રીમ11 જેવી ન્યૂ ટેક કંપનીઓએ મેળવેલું જંગી ફંડીંગ
ભારતીય કંપનીઓ માટે વેન્ચર કેપિટલ ફંડિંગ છ વર્ષની ટોચ પર જોવા મળી રહ્યું છે. જ્ન્યુઆરીથી જૂન 2021 સુધીના અર્ધવાર્ષિક ગાળામાં દેશની કંપનીઓને કુલ 382 ડિલ્સમાં 12.1 અબજ ડોલરનું વેન્ચર કેપિટલ ફંડિંગ થયું હોવાનું વેન્ચર ઈન્ટેલિજન્સનો ડેટા જણાવે છે. જે છેલ્લાં છ વર્ષોમાં સૌથી વધુ છે.
નિષ્ણાતોના મતે વેન્ચર કેપિટવ ફંડીંગમાં વૃદ્ધિ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં બજારમાં રોકાણ માટે મૂડીની ઉપલબ્ધતા ઉપરાંત ભારતનું એક વીસી ડેસ્ટિનેનશન તરીકે ઊભરવું છે. અગ્રણી વૈશ્વિક રોકાણકારોનો ભારતીય સાહસોમાં રસ ઝડપથી વધી રહ્યો છે. 2021માં પ્રથમ છ મહિનામાં 5 અબજ ડોલરથી વધુની રકમ ધરાવતાં 30 મોટા ઈન્વેસ્ટમેન્ટ્સ આ બાબતો પુરાવો છે. સાથે સ્થાનિક રોકાણકારોનો પણ રસ વધી રહ્યો છે. જેનો ખ્યાલ શરૂઆતી દોરમાં રોકાણની વૃદ્ધિ પરથી આવે છે. પ્રાઈમરી માર્કેટમાં જોવા મળી રહેલી આઈપીઓનો ધસારો રોકાણકારોને માર્કેટમાં અગાધ ડેપ્થ હોવાનો અહેસાસ કરાવે છે અને તેને કારણે સેન્ટીમેન્ટ પર મોટી પોઝીટીવ અસર પડી રહી છે. ચાલુ વર્ષે અનેક વીસી અને પીઈને આઈપીઓ મારફતે તગડાં નફા સાથે એક્ઝિટ મળી છે. જે નવા વીસી ઈન્વેસ્ટમેન્ટ્સને પોરસી રહ્યું છે. ઉપરાંત મહામારી બાદ ઝડપથી જોવા મળી રહેલી રિકવરી પણ સ્ટાર્ટ-અપ ઈકોસિસ્મટમને વેલ્યૂ ઊભી કરવામાં સહાયરૂપ બની રહી છે.
ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં અત્યાર સુધીમાં ટોચના 10 સોદાઓમાં બાઈજુસના 1.22 અબજ ડોલરના ફંડીગનો સમાવેશ થાય છે. વિવિધ તબક્કામાં કંપનીએ આટલી મોટી રકમ ઊભી કરી છે. ત્યારબાદ ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ પણ 80 કરોડ ડોલરનું તગડું ફંડીંગ મેળવ્યું છે. જ્યારબાદ તેનું વેલ્યૂએશન પણ 5 અબજ ડોલરને પાર કરી ગયું છે. ગયા સપ્તાહે શેરબજાર પર લિસ્ટ થયેલી ઝોમેટોએ વીસી ફંડીંગ મારફતે 57.6 કરોડ ડોલર ઊભા કર્યાં છે.જ્યારે શેરચારે 50.2 કરોડ ડોલર મેળવ્યાં છે. ડ્રીમ11એ 40 કરોડ ડોલર જ્યારે ફાર્માઈઝીએ 35 કરોડ ડોલર મેળવ્યાં છે. નિષ્ણાતોના મતે જે સ્ટાર્ટ-અપ્સ આઈપીઓ સુધી સફળ બન્યાં છે તેમણે શરૂઆતી રોકાણકારોને ડિસ્રપ્ટીવ અને યુનિક આઈડિયાઝમાં રોકાણ માટે વિશ્વાસ પૂરો પાડ્યો છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ વીસી ફંડીંગમાં વૃદ્ધિ જોવા મળી છે એમ તેઓ જણાવે છે. ક્રંચબેઝના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં પ્રથમ છ મહિનામાં વૈશ્વિક સ્તરે 2020ના સમાનગાળામાં જોવા મળેલા 148 અબજ ડોલરના ફંડીંગ સામે 95 ટકા ઊંચું ફંડીંગ જોવા મળ્યું છે. ભારતમાં 10 વર્ષ અગાઉ પ્રવેશેલા વેન્ચર ફંડ્સ સૌથી સફળ વીસી તરીકે ઉભર્યાં છે અને તેઓએ ખૂબ જ દમદાર પોર્ટફોલિયો બનાવ્યો છે. જેને જોઈને અન્ય વીસીને પણ ભારતમાં પ્રવેશવાની આતુરતા ઊભી થઈ છે.