માર્કેટ સમરી
સતત ત્રણ સપ્તાહ બાદ બજારમાં પોઝીટીવ શરૂઆત
સતત ત્રણ સપ્તાહ દરમિયાન નેગેટિવ શરૂઆત બાદ આ વખતે ભારતીય શેરબજારે પોઝીટીવ શરૂઆત દર્શાવી છે. બેન્ચમાર્ક નિફ્ટી કામકાજના અંતે એક ટકો સુધરી 14485 પર બંધ રહ્યો હતો. કર્ણાટક સરકારે રાજ્યમાં લોકડાઉનના લીધેલા નિર્ણય પાછળ બજાર તેની ટોચ પરથી ઘટીને બંધ આવ્યું હતું. જોકે આમ છતાં તેણે હોંગકોંગ સહિતના એશિયન બજારો કરતાં સારો દેખાવ દર્શાવ્યો હતો. બજાર 14550 પર બંધ દર્શાવશે તો નવી સિરિઝમાં પોઝીટીવ ટ્રેડની શક્યતા વધી જાય છે. ચાલુ સપ્તાહ એપ્રિલ સિરિઝ એક્સપાયરીનું પણ છે આમ બજારમાં બે બાજુની વધ-ઘટ અપેક્ષિત છે.
બેંકિંગ શેર્સમાં મોમેન્ટમ
ગયા સપ્તાહે બનાવેલા તળિયાથી ચાર ટકા સુધારા સાથે બંધ રહેલો બેંક નિફ્ટી સોમવારે વધુ 1.74 ટકા ઉછળી બંધ રહ્યો હતો. સપ્તાહાંતે આઈસીઆઈસીઆઈ બેંકે રજૂ કરેલા અપેક્ષા કરતાં સારા પરિણામ પાછળ માર્કેટમાં તેજી જોવા મળી હતી. એક્સિસ બેંકના શેરમાં 4.33 ટકા સાથે સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક 3.71 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. આ જ રીતે આરબીએલ બેંક, ફેડરલ બેંક, એસબીઆઈમાં પણ 2 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો.
અતુલ લિ.નો શેર રૂ. 8000ની સપાટી કૂદાવી ગયો
સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં નિરંતર લેવાલીનો દોર ચાલુ છે. ગુજરાત સ્થિત અગ્રણી કંપની અતુલ લિ.નો શેર સોમવારે 5 ટકાથી વધુ ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થવા સાથે રૂ. 8000ના સ્તરને કૂદાવી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 7820ના બંધ સામે રૂ. 420 ઉછળી રૂ. 8240 પર ટ્રેડ થયો હતો. જે ભાવે તેણે રૂ. 24000 કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપનીનો શેર છેલ્લા ત્રણ મહિનામાં 30 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એક વર્ષમાં તે 100 ટકાથી વધુ સુધરી ચૂક્યો છે.
ઝાયડસ જૂથની કંપનીઓના શેર્સ સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદ સ્થિત ઝાયડસ જૂથની કંપનીઓના શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં કેડિલ હેલ્થકેરનો શેર ઓપનીંગમાં 5 ટકાથી વધુના સુધારે રૂ. 605ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ગયા સપ્તાહે કંપનીને કોવિડ-19 દર્દીઓની સારવાર માટે એન્ટી-વાઈરલ ડ્રગ વિરાફીન માટે મળેલી મંજૂરી પાછળ શેરના ભાવમાં સોમવારે પણ મજબૂતી ચાલુ રહી હતી. કંપની ટૂંકમાં કોવિડ વેક્સિન રજૂ કરે તેવી શક્યતા પાછળ પણ શેરમાં ખરીદી જોવા મળી હતી. જૂથની અન્ય કંપની ઝાયડસ વેલનેસનો શેર સોમવારે 8 ટકાથી વધુના સુધારે એક તબક્કે રૂ. 2325 પર ટ્રેડ થયો હતો. તે અગાઉના રૂ. 2138ના બંધ સામે રૂ. 190નો સુધારો દર્શાવી રહ્યો હતો. કંપનીએ રૂ. 14000 કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. વાર્ષિક રૂ. 1185ના તળિયા સામે શેર લગભગ 100 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલનો શેર 6 ટકા ઉછળી નવી ટોચે
ખાનગી ક્ષેત્રની ઈન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલનો શેર સોમવારે 6 ટકાથી વધુ ઉછળી નવી ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 512.35ના બંધ ભાવ સામે રૂ. 544.50ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીએ રૂ. 78 હજાર કરોડના માર્કેટ-કેપને હાંસલ કર્યું હતું. કંપનીનો શેર રૂ. 330ના વાર્ષિક તળિયા સામે 70 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. તાજેતરમાં અન્ય હરિફ કંપનીઓની સરખામણીમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે.
યુએસ ડોલર સામે રૂપિયો 29 પૈસા સુધર્યો
ભારતીય રૂપિયા માટે સપ્તાહની શરૂઆત સારી જોવા મળી હતી. યુએસ ડોલર સામે તે 29 પૈસાના સુધારા સાથે 74.73ની સપાટી પર બંધ રહ્યો હતો. શુક્રવારે તે 75.02ના સ્તરે તાજેતરની તળિયા નજીક બંધ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સોમવારે તેજી પાછળ રૂપિયામાં સેન્ટિમેન્ટ પોઝીટીવ જળવાયું હતું. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ અગ્રણી છ કરન્સીઝના બાસ્કેટ સામે ત્રણ સપ્તાહના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે વિદેશી સંસ્થાઓ તરફથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખરીદીમાં ઘટાડા પાછળ રૂપિયામાં સેન્ટિમેન્ટ નરમાઈનું બન્યું છે.
મેટલ શેર્સમાં ખરીદીનો સિલસિલો યથાવત, 8 ટકા સુધીનો ઉછાળો
જાહેર ક્ષેત્રના સ્ટીલ ઉત્પાદક સાહસ સેઈલનો શેર દાયકાથી વધુ સમય બાદ રૂ. 100ની સપાટી કૂદાવી ગયો
સ્ટીલ ઉપરાંત એલ્યુમિનિયમ, આર્યન ઓર અને ઝીંક ઉત્પાદક કંપનીઓના શેર્સમાં લેવાલી જોવાઈ
મેટલ શેર્સમાં મજબૂતીનું મોમેન્ટ અકબંધ છે. સ્થાનિક બજારમાં કોવિડના બીજા વેવ પાછળ અન્ડરપર્ફોર્મન્સ જોવા મળી રહ્યું છે ત્યારે એકમાત્ર મેટલ શેર્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. સોમવારે પણ સ્થાનિક માર્કેટને સપોર્ટ કરવામાં તેઓ બેંકિંગ સાથે જોડાયા હતાં. મોટાભાગના સ્ટીલ શેર્સે તેમની સર્વોચ્ચ તથા છેલ્લા ઘણા વર્ષોની ટોચ દર્શાવી હતી. જ્યારે અન્ય મેટલ શેર્સમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.
સોમવારે મહત્વના સેક્ટરલ સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સે સૌથી ઊંચો સુધારો દર્શાવ્યો હતો. તે 2 ટકાથી વધુ અથવા 89 પોઈન્ટ્સ સુધરી 4536ના સ્તરે બંધ રહ્યો હતો. તે 4589ની તેની સર્વોચ્ચ સપાટીથી 7 પોઈન્ટ્સ નીચે 4582ના સ્તરે ટ્રેડ થયો હતો. આમ આગામી દિવસોમાં તે નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. માર્કેટ એનાલિસ્ટ્સ માને છે કે મેટલ શેર્સમાં મજબૂતી જળવાય રહેવાનું કારણ વૈશ્વિક છે. તેમના મતે કોવિડના બીજા રાઉન્ડની અસરે સમગ્રતયા ભારતીય શેરબજાર ઊંચી વધ-ઘટ અને અન્ડરપર્ફોર્મન્સમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ મેટલ ઉત્પાદક કંપનીઓના ભાવમાં મોટી તેજી જોવા મળી રહી છે. જેની પાછળ યુએસ પ્રમુખ જો બાઈડને આપેલુ જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ છે. એક મહિના અગાઉ તેમણે 3 ટ્રિલિયન ડોલરના જંગી પેકેજની જાહેરાત કરી હતી ત્યારથી બેઝ મેટલ્સ સહિતના ભાવ વધી રહ્યાં છે. જેની પાછળ ઉત્પાદક કંપનીઓના ભાવમાં પણ તેજી જોવા મળી છે. અગાઉ મેટલ ઈન્ડેક્સે બ્રોડ માર્કેટ સામે મોટુ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. તેણે જાન્યુઆરી 2018માં નિફ્ટી પહેલા 4256ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યારબાદ તેણે તીવ્ર કરેક્શન દર્શાવ્યું હતું. અગાઉની ટોચને તેણે તાજેતરમાં પાર કરી છે અને આગામી દિવસોમાં પણ તે ચઢિયાતો દેખાવ જાળવી રાખે એમ એનાલિસ્ટ્સનો મત છે.
સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ કરી રહેલા શેર્સમાં સ્ટીલ શેર્સ અગ્રણી છે. જેમકે જાહેર ક્ષેત્રની સ્ટીલ ઉત્પાદક કંપની સેઈલનો શેર 8 ટકા ઉછળી રૂ. 101.20ની છેલ્લા એક દાયકાથી વધુની ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉ તે કેલેન્ડર 2008માં આ સ્તરે જોવા[BT1] મળ્યો હતો. તેણે જાન્યુઆરી 2007માં રૂ. 300ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી ગગડતો રહી તે પટકાયો હતો. ગયા વર્ષે કોવિડ વખતે બજારમાં જોવા મળેલા બ્લડબાથમાં તે રૂ. 20ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાંથી હાલમાં તે પાંચ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે તે રૂ. 93.10ના અગાઉના બંધભાવ સામે રૂ. 7.40નો સુધારો દર્શાવતો હતો. ખાનગી ક્ષેત્રના સ્ટીલ ઉત્પાદકો જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલના શેર્સે પણ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં જેએસડબલ્યુ સ્ટીલનો શેર 3.2 ટકા ઉછળી રૂ. 656 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 660.70ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. સ્ટીલ કંપનીઓમાં તે રૂ. 1.58 લાખ કરોડ સાથે સૌથી ઊંચું માર્કેટ-કેપ દર્શાવી રહી હતી. ટાટા જૂથની ટાટા સ્ટીલનો શેર રૂ. 956ની તેની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે પણ રૂ. 1.06 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. આમ હાલમાં બે કંપનીઓ રૂ. એક લાખથી વધુનું માર્કેટ-કેપ ધરાવી રહી છે. ટાટા સ્ટીલનો શેર રૂ. 259ના તેના વાર્ષિક તળિયાથી 260 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. અન્ય સ્ટીલ કંપનીઓમાં વેલસ્પન કોર્પ, જિંદાલ સ્ટીલ, એપીએલ એપોલોએ પણ 4.3 ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે એલ્યુમિનિયમ ક્ષેત્રે વેદાંતને 3.8 ટકાસાથે રૂ. 237ની તેની તાજેતરની ટોચ પર ટ્રેડ કર્યું હતું. આર્યન ઓર ઉત્પાદન એનએમડીસીના શેરમાં 3 ટકા સુધારો જોવા મળ્યો હતો.
સોમવારે સ્ટીલ કંપનીઓના દેખાવ
કંપની વૃદ્ધિ(%)
સેઈલ 8.0
વેલસ્પન કોર્પ 4.3
વેદાંતા 4.0
જેએસડબલ્યુ સ્ટીલ 3.2
એનએમડીસી 3.0
નાલ્કો 2.0
ટાટા સ્ટીલ 2.0
હિંદુસ્તાન ઝીંક 1.5
જિંદાલ સ્ટીલ 1.4
ટેક મહિન્દ્રાનો ચોથા ક્વાર્ટરનો નફો 17.4 ટકા ઘટી રૂ. 1081 કરોડ
એચસીએલ ટેક્નોલોજી બાદ સતત બીજી કંપનીએ દર્શાવેલી નબળી કામગીરી
દેશની અગ્રણી આઈટી કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામોમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. ટીસીએસ અને ઈન્ફોસિસે સારા પરિણામો દર્શાવ્યાં હતાં તો એચસીએલ ટેકનોલોજીએ સ્ટ્રીટને નિરાશ કરી હતી. સોમવારે બજાર બાદ ટેક મહિન્દ્રાએ પણ અપેક્ષાથી ઉતરતો દેખાવ દર્શાવ્યો હતો. જેમાં કંપનીનો ચોખ્ખો નફો 17.4 ટકા ઘટી રૂ. 1081.4 કરોડ જોવા મળ્યો હતો. સોમવારે કંપનીનો શેર 1.26 ટકા સુધરી રૂ. 962.20ના સ્તરે બંધ રહ્યો હતો.
વિવિધ એનાલિસ્ટ્સની અપેક્ષા મુજબ કંપનીની આવક ડોલર સંદર્ભમાં વાર્ષિક ધોરણે 2.7 ટકા વૃદ્ધિ દર્શાવશે. જેની સામે તે 1.6 ટકા જ વધી હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે 2 ટકા વૃદ્ધિની અપેક્ષા સામે માત્ર 0.7 ટકા આવક વૃદ્ધિ જ જોવા મળી હતી. રૂપિયા સંદર્ભમાં કંપનીની આવક 0.9 ટકા વધી રૂ. 9730 કરોડ રહી હતી. કંપનીના એમડી અને સીઈઓ સીપી ગુરનાનીએ જણાવ્યું હતું કે અમે મજબૂત માગ વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ અને ભવિષ્યમાં અમે વધુ સારા મનુષ્ય-કેન્દ્રિત અનુભવ ડિલિવર કરીશું. જોકે મંગળવારે કંપનીનો શેર પરિણામની કેવી પ્રતિક્રિયા આપશે તે જોવાનું રહેશે. કંપનીએ માર્ચ 2021 ક્વાર્ટરમાં 1.04 અબજ ડોલરના નવા ઓર્ડર્સ મેળવ્યાં હતાં. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે 45.5 કરોડના નવા ઓર્ડર્સ સામે લગભગ બમણાથી વધુ ઓર્ડર્સ મેળવ્યાં હતાં.
રૂપિયા સંદર્ભમાં કંપનીનો એબિટા રૂ. 1553 કરોડ રહ્યો હતો. જે ત્રિમાસિક ધોરણે એક ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરમાં એબિટ માર્જિનમાં 10 બેસીસ પોઈન્ટસની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 16 ટકા પર રહ્યું હતું. તે 15.8 ટકાના અંદાજ સામે 0.2 ટકા વધુ હતું. કંપનીના સીએફઓએ જણાવ્યું હતું કે કંપનીએ ચાલુ વર્ષે માર્જિનમાં તથા કેશ ફ્લો જનરેશનમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. કંપનીના બોર્ડે રૂ. 30ના અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપી હતી. જેમાં રૂ. 15ના સ્પેશ્યલ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
Market Summary 26 April 2021
April 26, 2021