Market Summary 26/12/2022

શોર્ટ કવરિંગ પાછળ માર્કેટમાં આખરે બાઉન્સ જોવાયો
નિફ્ટીએ 18 હજારનું લેવલ પરત મેળવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 15.93ના સ્તરે
PSU બેંક ઈન્ડેક્સ 7 ટકા ઉછળ્યો
બેંકનિફ્ટી, રિઅલ્ટી, મિડિયા, મેટલમાં મજબૂતી
એકમાત્ર ફાર્મામાં નરમાઈ
ડાયગ્નોસ્ટીક્સ શેર્સના વળતાં પાણી
વોલ્ટાસ, બીએસઈ, તાતા ટેલિ વર્ષના તળિયે

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ રહી હતી. શોર્ટ કવરિંગ પાછળ ચાર સત્રોથી જોવા મળી રહેલો ઘટાડો અટક્યો હતો અને તેજીવાળાઓને રાહત સાંપડી હતી. બીએસઈ સેન્સેક્સ 721.13 પોઈન્ટ્સના સુધારે 60566.42ની સપાટીએ જ્યારે નિફ્ટી 207.80 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18014.60ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સનું પ્રિમીયમ માત્ર ચાર પોઈન્ટ પર જોવા મળ્યું હતું. જે નવી લોંગ પોઝીશન ઉમેરાઈ હોવાની શક્યતાં ખૂબ ઓછી હોવાનું દર્શાવે છે. જ્યારે સુધારો મોટેભાગે શોર્ટ કવરિંગ પાછળનો હોય તેમ જણાય છે. લાર્જ-કેપ્સમાં વ્યાપક ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 39 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.42 ટકા ગગડી 15.93ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ ક્ષણ માટે અગાઉના બંધથી નીચે જઈ ઝપાટાભેર પરત ફર્યાં બાદ સતત સુધારો જાળવ્યો હતો. ઈન્ટ્રા-ડે નિફ્ટી 18084ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યાંથી થોડો પરત ફર્યાં છતાં 18 હજારની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટને 18200નો નજીકનો અવરોધ છે. જેની નીચે માર્કેટમાં શોર્ટ પોઝીશન જાળવી શકાય છે. જ્યારે 18200 ઉપર શોર્ટ કાપી લેવાનું રહેશે. નીચે 17800ની નીચે 17200નો સપોર્ટ છે. વૈશ્વિક બજારોમાં ઘટાડો અટક્યો હોવાને કારણે સ્થાનિક બજારને સપોર્ટ મળી શકે છે અને કેલેન્ડરના બાકીના સત્રોમાં તે કોન્સોલિડેશનમાં જળવાય શકે છે. ચાલુ સપ્તાહ ડિસેમ્બર સિરિઝ એક્સપાયરીનું સપ્તાહ છે અને તેથી માર્કેટ બે બાજુની વધ-ઘટ દર્શાવી શકે છે. નવા સપ્તાહે માર્કેટને ફાર્મા સિવાય તમામ સેક્ટર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં બેંકિંગ, મેટલ, ઓટો મુખ્ય હતાં. પીએસયૂ બેંક્સમાં ભારે ખરીદી પાછળ નિફ્ટી પીએસયૂ બેંક્સ સાત ટકાથી વધુ ઉછળ્યો હતો અને ગયા શુક્રવારનો ઘટાડો સરભર કર્યો હતો. પીએસયૂ બેંક્સમાં જેકે બેંક 20 ટકા ઉછળીને બંધ રહ્યો હતો. જે ઉપરાંત આઈઓબી 19 ટકા, યુનિયન બેંક 19 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 13 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 13 ટકાનો ઊંચો સુધારો દર્શાવતાં હતાં. તેની પાછળ બેંક નિફ્ટી 962 પોઈન્ટ્સ ઉછળી ફરી 42 હજારની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. પ્રાઈવેટ બેંક્સમાં ફેડરલ બેંક 7 ટકા ઉછળ્યો હતો. આઈડીએફસી બેંક પણ 5 ટકા સુધર્યો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંકમાં પણ નોઁધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ 2.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં એનએમડીસી, વેદાંતા, હિંદાલ્કો, નાલ્કો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, સેઈલ 2 ટકાથી ઊંચી વૃદ્ધિ દર્શાવતા હતાં. નિફ્ટી એનર્જી પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 4 ટકા, તાતા પાવર 3 ટકા, ગેઈલ 3 ટકા, ઓઈઓસી 2 ટકા, એનટીપીસી 2 ટકાનો સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 2.5 ટકા સાથે મજબૂત બની રહ્યો હતો. રિઅલ્ટી કાઉન્ટર્સમાં હેમિસ્ફિઅર 5.3 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 5.1 ટકા, સોભા 4 ટા અને ડીએલએફ પણ 4 ટકા સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી ઓટો 1.5 ટકા સુધારા સાથે પોઝીટીવ જોવા મળ્યો હતો. જેમાં ભારત ફોર્જ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય બોસ, અશોક લેલેન્ડ, અમર રાજા બેટરીઝ, એક્સાઈડ ઈન્ડ., હીરો મોટોકોર્પ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી અડધા ટકા સુધારા સાથે પોઝીટીવ જળવાયો હતો. એલટીઆઈમાઈન્ડટ્રી 2 ટકા સાથે ટોચ પર હતો. જ્યારે કોફોર્મ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ પણ પોઝીટીવ જોવા મળ્યા હતાં. નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી ફાર્મા એ બે ઈન્ડાઈસિસ જ નરમ જોવા મળ્યાં હતાં. જેમાં નિફ્ટી ફાર્મા 0.85 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં સિપ્લા 2 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ સિવાય ડિવિઝ લેબ્સ, લ્યુપિન, ડો.રેડ્ડીઝ, બાયોકોન, સન ફાર્મા નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પીએનબી 8 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. જ્યારે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 7 ટકા, મધરસન 7 ટકા, ડેલ્ટા કોર્પ 6 ટકા, સિટિ યુનિયન બેંક 6 ટકા, કેન ફિન હોમ્સ 6 ટકા, આરબીએલ બેં 6 ટકા, ટ્રેન્ટ 6 ટકાનો ઊંચો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ ડો. લાલ પેથલેબ્સ 3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. જ્યારે ઈપ્કા લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, મેટ્રોપોલીસ, નેસ્લે, ગ્લેનમાર્ક, પર્સિસ્ટન્ટ વગેરેમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. સોમવારે કોઈપણ કાઉન્ટર 52-સપ્તાહની ટોચ દર્શાવી શક્યું નહોતું. જ્યારે ઈક્લર્ક્સ સર્વિસિઝ, ડીસીએમ શ્રીરામ, ઓરોબિંદો ફાર્મા, એસઆઈએસ, તાતા ટેલિસર્વિસિસ, કેપીઆર મિલ, વોલ્ટાસ, બીએસઈ, ભારત રસાયણ, સોના બીએલડબલ્યુ, નિપ્પોન, વોડાફોન આઈડિયા, અંબેર એન્ટરપ્રાઈઝે તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ ખૂબ સારી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3768 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2858 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 785 નેગેટિવ જળવાયાં હતાં. જોકે 212 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જેની સામે માત્ર 55 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી.

અદાણી અને બેંક્સ પાછળ 2022માં ભારતીય બજારે શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો
અર્નિંગ્સમાં મજબૂતી પાછળ ભારતીય બેન્ચમાર્ક્સે વિક્રમી સ્તર નોધાવ્યાં, યૂકેને પાછળ રાખી દીધું

ભારતીય બજાર 2022માં વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ દેખાવકાર બજાર બની રહ્યું છે. ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સ અને વૈશ્વિક આર્થિક મંદીના ગભરાટ વચ્ચે સ્થાનિક બજાર પોઝીટીવ જળવાય રહેવા સાથે વર્ષ દરમિયાન તેની સર્વોચ્ચ સપાટી પણ દર્શાવી શક્યું હતું. સોમવારના બંધ ભાવે બીએસઈ સેન્સેક્સ કેલેન્ડરમાં લગભગ 4 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જે સિંગાપુર અને ઈન્ડોનેશિયા સિવાય અન્ય ટોચના બજારોમાં શ્રેષ્ઠ દેખાવ બની રહ્યો છે. મજબૂત કોર્પોરેટ અર્નિંગ્સ પાછળ ભારતીય બેન્ચમાર્ક્સ વિક્રમી સ્તરે પહોંચ્યાં હતાં અને તેમણે યૂકેને માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધું હતું. દરમિયાન એમએસસીઆઈ ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્ડેક્સ કેલેન્ડરમાં 20 ટકા જેટલો તૂટ્યો હતો.
જોકે ભારતીય બજારને નવા સીમાચિહ્નો હાંસલ કરાવવામાં મહત્વનું યોગદાન અદાણી જૂથ શેર્સનું તથા બેંકિંગ શેર્સનું બની રહ્યું હતું. અદાણી જૂથ કંપનીઓના શેર્સે બજારમાં ઊંચી વધ-ઘટ વચ્ચે સુધારો જાળવ્યો હતો અને ઐતિહાસિક ટોચ દર્શાવી હતી. પોર્ટથી પાવર કોન્ગ્લોમેરટ અદાણીની સાત લિસ્ટેડ કંપનીઓમાંથી બેએ 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું. જેમાં અદાણી પાવર ટોચ પર હતો. અદાણી એન્ટરપ્રાઈઝ 112 ટકા ઉછળ્યો હતો. નિફ્ટી-50માં પ્રવેશનાર તે જૂથની બીજી કંપની બન્યો હતો. અદાણી વિલ્મેરનો શેર બજાર પર લિસ્ટ થયો હતો અને તેણે ઓફર પ્રાઈસ સામે 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું. બીજી બાજુ એપ્રિલ મહિના બાદ ઊંચી ક્રેડિટ વૃદ્ધિ પાછળ બેંકિંગ કાઉન્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં પ્રાઈવેટ અને પીએસયૂ, બંને બેંક્સનો સમાવેશ થતો હતો. પીએસયૂ બેંક્સે જોકે તેમના ખાનગી હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીજીબાજુ ટેક્નોલોજી શેર્સ લૂઝર્સ રહ્યાં હતાં. બીએસઈ બેંકેક્સે ચાલુ વર્ષે 18 ટકા ઉછાળો નોંધાવ્યો હતો. સફળ ડેટ રેઝોલ્યુશન, બેડ બેંકની રચના તથા ક્રેડિટ ડિમાન્ડમાં તીવ્ર રિકવરી પાછળ આમ બન્યું હતું. વૈશ્વિક માગમાં ઘટાડાની આશંકાએ આઈટી કંપનીઓના શેર્સમાં નંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય બજાર માટે 2023ને લઈને આઉટલૂક નરમ જોવામાં આવી રહ્યો છે. મોંઘા વેલ્યૂએશ્ન્સને જોતાં ગોલ્ડમેન સાચના મતે ચીન અને સાઉથ કોરિયાની સરખામણીમાં ભારતીય બજાર આઉટપર્ફોર્મન્સ દર્શાવશે. જેપીમોર્ગને તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે વૈશ્વિક વૃદ્ધિ દરમાં ઘટાડાની ભારત પર પણ અસર રહેશે. જોકે લોંગ-ટર્મ માટે ભારતીય બજારનું આકર્ષણ અકબંધ રહેશે.
IPOમાં રકાસ ચાલુ
2021ની શરૂમાં બજારમાં આઈપીઓ સાથે પ્રવેશેલી ન્યૂ જેન ટેક્નોલોજી કંપનીઓનો ફિયાસ્કો જળવાયો હતો. જેની અસર અન્ય કેટલાંક કાઉન્ટર્સ પર પણ પડી હતી. પેટીએમ અને પોલિસીબઝારનો શેર વર્ષ દરમિયાન 50 ટકાથી વધુ ગગડ્યાં હતાં. તેઓ તેમના તળિયા નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. આ ઉપરાંત ડિલ્હીવરી, ઝોમેટો, નાયકાના શેર્સ પણ તળિયા પર પટકાયાં છે. બીજી બાજુ પીએસયૂ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની એલઆઈસીનો શેર પણ રોકાણકારોને રિટર્ન આપવામાં નિષ્ફળ ગયો હતો. મે મહિનામાં લિસ્ટીંગ બાદ તેણે 25 ટકાથી વધુ મૂડીધોવાણ દર્શાવ્યું છે.
સસ્તી જેનેરિક્સનું ગ્રહણ
કેટલાંક ડ્રગ એક્સપોર્ટર્સને યુએસ ખાતે જેનેરિક ડ્રગના ભાવોમાં ઘટાડાને કારણે ફટકો પડ્યો હતો. માર્કેટ એનાલિસ્ટના જણાવ્યા મુજબ વિદેશી બજારોમાં ઘટતાં ભાવો પાછળ દવા કંપનીઓ વધુ નફો ધરાવતી કોમ્પ્લેક્સ જેનેરિક્સ પર તેમનું ધ્યાન વધારી શકે છે.

ડોલર સામે રૂપિયો 2022માં 10 ટકા તૂટ્યો, 2023માં કેવો દેખાવ દર્શાવશે?
નિષ્ણાતોના મતે 2023માં રૂપિયો 79-85ની રેંજમાં અથડાતો રહેશે
કેલેન્ડરના પ્રથમ છ મહિનામાં ચલણમાં નરમાઈની શક્યતાં, જોકે બીજા હાફમાં મજબૂતી પરત ફરી શકે છે

2022માં ડોલર સામે રૂપિયો 10 ટકાથી વધુ ગગડ્યો હતો. જે છેલ્લાં દાયકામાં તેના તરફથી કોઈપણ કેલેન્ડરમાં નોંધપાત્ર ધોવાણ હતું. નવા કેલેન્ડર 2023માં રૂપિયાની ચાલ કેવી રહેશે તે જાણવાની સહુ કોઈને ઉત્સુક્તા રહેલી છે. ત્યારે નિષ્ણાતો માની રહ્યાં છે કે નવા વર્ષમાં રૂપિયામાં મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદી અને કોવિડ જેવા કારણો પાછળ રૂપિયો વધુ ગગડી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે 2023ના બીજા અર્ધવાર્ષિકગાળામાં રૂપિયો મજબૂતી દર્શાવશે તેવું તેમનું માનવું છે. કેમકે ત્યાં સુધીમાં સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજ દર વૃદ્ધિની ટોચ બની ચૂકી હશે અને ફુગાવામાંથી રાહત મળી હશે.
અગ્રણી બ્રોકરેજ હાઉસના એનાલિસ્ટ જણાવે છે કે 2023ના પ્રથમ છ મહિના દરમિયાન વૈશ્વિક બજારમાં મંદીની અનિશ્ચિતતતાઓને કારણે રૂપિયા પર પ્રભાવ જોવા મળી શકે છે. જોકે યુરોપના બજારોમાં આર્થિક સ્થિતિમાં સાધારણ સુધારાની શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. કેમકે એનર્જીના ભાવોને લઈને સૌથી ખરાબ સમયગાળો પસાર થઈ ચૂક્યો છે અને હવે સ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે. આ બધા વચ્ચે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ સમાપ્તિની જાહેરાત જેવી ઘટના બજાર માટે એક આશીવાર્દરૂપ બની શકે છે. 2023માં વૈશ્વિક આર્થિક ચિંતાઓને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે એમ તેઓ જણાવે છે. 20 ડિસેમ્બરે એક પ્રાઈવેટ બેંકરે જાહેર કરેલા રિપોર્ટ મુજબ યૂએસ ફેડ રિઝર્વે ડિસેમ્બરથી વ્યાજ દર વૃદ્ધિને ધીમી જરૂર કરી છે પરંતુ જોકે તેનું વલણ હજુ પણ હોકિશ જળવાયેલું છે. ફેડ માટે માત્ર ઈન્ફ્લેશન જ નહિ પરંતુ બજારને પણ તેણે કાને ધરવાનું બની રહ્યું છે અને તે આર્થિક મંદીને લઈને પણ ચિંતિત જણાય છે.
રૂપિયાની રેંજ શું હોઈ શકે?
બજાર નિષ્ણાતોના મતે 2023માં ડોલર સામે રૂપિયો 79-85ની બ્રોડ રેંજમાં ટ્રેડ દર્શાવી શકે છે. નવા વર્ષના શરૂઆતી છ મહિનામાં રૂપિયો 80થી 82ની રેંજમાં કામકાજ દર્શાવી શકે છે. જ્યારે પછીના છ મહિના દરમિયાન તેની સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. એચડીએફસી સિક્યૂરિટીઝના ફોરેક્સ એનાલિસ્ટ દિલીપ પરમારના જણાવ્યા મુજબ 2023માં રૂપિયો 79થી 84ની રેંજમાં ટ્રેડ થતો જોવા મળી શકે છે. જોકે તેઓ પ્રથમ છ મહિના દરમિયાન રૂપિયામાં મજબૂતી સામે પડકાર જોવા મળી શકે છે તેમ જણાવે છે. કોટક સિક્યૂરિટીઝના મતે બીજા અર્ધવાર્ષિક ગાળામાં રૂપિયામાં મજબૂતી પાછળના કારણોમાં સેન્ટ્રલ બેંકર્સ તરફથી ઈન્ટરેસ્ટ રેટ્સમાં ઘટાડો અને ફુગાવાના દરમાં રાહત જવાબદાર હોઈ શકે છે. 2023ના બીજા છ મહિના દરમિયાન યુએસ ફેડ રેટમાં ઘટાડો દર્શાવી શકે છે. જેની પાછળ ડોલરમાં નરમાઈ જોવા મળી શકે છે. જ્યારે દિલીપ પરમારના મતે વૈશ્વિક બેંકર્સ તરફથી મોનેટરી નીતિમાં ફ્લેક્સિબિલિટી, ભારતીય બોન્ડ્સનું ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સમાં જોડાવું અને ફોરેક્સમાં ઈનફ્લો રૂપિયામાં મજબૂતી માટે જવાબદાર હશે. રૂપિયો મજબૂત થવાની ફોરેક્સ રિઝર્વ્સ ફરીથી વૃદ્ધિના માર્ગે જોવા મળી શકે છે. ફોરેક્સ માર્કેટ ડિલર્સના જણાવ્યા મુજબ રૂપિયામાં મજબૂતી પાછળ ફોરેક્સ રિઝર્વ્સનું લેવલ કોવિડ મહામારીના સમયે જોવા મળેલી ટોચ પર પહોંચી શકે છે. એક બેંકરના રિપોર્ટ મુજબ ડોલરમાં નરમાઈ પાછળ આરબીઆઈ ફોરેક્સ રિઝર્વ્સમાં ઉમેરો દર્શાવી શકે છે. જે રૂપિયાને 81ની નીચે જતાં અટકાવી શકે છે. બજારની અપેક્ષા મુજબ રૂપિયાનું બોટમ 83.50 આસપાસ હોઈ શકે છે. તેની નીચે આરબીઆઈ સપોર્ટ કરવા ફરી મેદાનમાં ઉતરી શકે છે. છેલ્લાં દોઢ મહિનામાં છમાંથી પાંચ સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ્સમાં વૃદ્ધિ જોવા મળી છે અને તેમાં લગભગ 33 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. એચડીએફસી બેંકના રૂપિયાને સપોર્ટ માટે આરબીઆઈની દરમિયાનગીરી ચાલુ રહેશે.

કોટનમાં કડાકોઃ ચાર દિવસોમાં 7000નું ગાબડું
ખાંડીના ભાવ રૂ. 57 હજારના 10 મહિનાના તળિયે પટકાયાં
12 દિવસોમાં ખાંડીએ રૂ. 10000 નીકળી ગયાં
ચીની કંપનીઓએ યુએસના એક્સપોર્ટ કમિટમેન્ટ્સ કેન્સલ કરતાં કોટનમાં મંદી

કોટનના ભાવમાં છેલ્લાં ચાર સત્રોમાં ખાંડીએ રૂ. 7000નો કડાકો બોલાઈ ગયો છે. જ્યારે છેલ્લાં 12 દિવસોમાં તે રૂ. 10000નો ઘટાડો દર્શાવી રહ્યાં છે. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સ્પિનર્સની માગમાં નોઁધપાત્ર ઘટાડા પાછળ કોટનમાં ભાવ તૂટ્યાં છે અને 10-મહિનાના તળિયે પટકાયાં છે એમ બજાર વર્તુળો જણાવે છે. તેમના મતે ઘટેલા ભાવે ખરીદી નીકળતાં ભાવમાં ટૂંકાગાળામાં રૂ. 1000-1500નો સુધારો શક્ય છે. જોકે તેમાં મોટા બાઉન્સની શક્યતાં નથી.
ઓક્ટોબરમાં નવી સિઝન શરૂ થયા બાદ કોટનના ભાવમાં ઊંચી વધ-ઘટ જોવા મળી છે. દિવાળી અગાઉ ભાવ ગગડીને રૂ. 62 હજાર પર પહોંચ્યાં બાદ ખેડૂતોએ માલ પકડી રાખતાં ભાવ રૂ. 70 હજાર પર પહોંચ્યાં હતાં. જોકે મિલ્સની ડિમાન્ડ સૂકાઈ જવાને કારણે ભાવ પરત ફર્યાં છે. ગયા સપ્તાહે વૈશ્વિક સ્તરે નિકાસ ઓર્ડર્સ કેન્સલેશન પાછળ સેન્ટીમેન્ટ ખરડાયું હતું અને ભારતીય બજારમાં ગાબડું પડ્યું હતું. વર્તુળોના મતે આમ તો નવેમ્બરમાં જ ભાવ ઘટવા જોઈતા હતાં. જોકે ખેડૂતોએ માલ પકડી રાખવાને કારણે ભાવ પકડાઈ રહ્યાં હતાં. જોકે વૈશ્વિક બજારની સરખામણીમાં સ્થાનિક ભાવમાં ઊંચું પ્રિમીયમ જોતાં ભાવ ટકી શકે તેમ નહોતાં અને તેથી જ તે ઓચિંતા પટકાઈ ગયાં છે. ભારતમાંથી બીજા ક્રમના કોટન આયાતકાર બાંગ્લાદેશની મિલો 50 ટકા ક્ષમતાએ કામ કરી રહી છે. જ્યારે ભારતીય મિલ્સ પણ 60 ટકા ક્ષમતા વપરાશ દર્શાવે છે. જેનું કારણ વૈશ્વિક સ્તરે ડિમાન્ડને લઈને ઊભી થયેલી ચિંતા છે. આ સ્થિતિમાં ભાવમાં ઝડપથી સુધારાની અપેક્ષા નથી. વર્તુળોના મતે ઝડપી ઘટાડાને કારણે હાલમાં રૂ. 1000-1500નો બાઉન્સ સંભવ છે, જોકે સરવાળે ભાવ આ રેંજ આસપાસ જ ટકેલાં રહેશે. મિલર્સ પણ નીચા ભાવ જોઈને મોટી ખરીદીમાં નહિ આવે કેમકે મોટાભાગના પાસે એપ્રિલ પછીના ઓર્ડર્સ નથી. હાલના ભાવે ખેડૂતોને તેમની ઉપજના રૂ. 1550 પ્રતિ મણના ભાવ મળી રહ્યાં છે. જે હજુ પણ સરકાર નિર્ધારિત એમએસપીથી ઊંચા છે.

ડોલર સામે રૂપિયામાં 17 પૈસા સુધારો
સોમવારે ઈક્વિટી માર્કેટમાં મજબૂતી વચ્ચે ડોલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે ધીમા ઘટાડા બાદ રૂપિયાને સપોર્ટ સાંપડ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે પણ ઈમર્જિંગ માર્કેટ કરન્સિઝમાં સુધારો નોંધાયો હતો. રૂપિયો 82.79ની સપાટી પર ખૂલી ઈન્ટ્રા-ડે 82.63ની ટોચ પર ટ્રેડ થયો હતો અને આખરે 82.65 પર બંધ રહ્યો હતો. ગયા શુક્રવારે તે 82.82ની સપાટીએ બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 104ની સપાટી આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. છેલ્લાં બે મહિનાથી ડોલર ઈન્ડેક્સ નરમાઈ તરફી બની રહ્યો છે અને તેમાં બાઉન્સનો અભાવ જોવા મળે છે. 103ની નીચે તે 100ના સ્તર સુધી ગગડી શકે છે. જ્યારે 105નું સ્તર પાર થાય તો વધુ સુધારો સંભવ છે.
ઈન્ડિયા ફોકસ્ડ પીઈ/વીસી પાસે 12.9 અબજ ડોલરનું વિક્રમી ફંડ
ઈન્ડિયા-ફોકસ્ડ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ હાલમાં 12.88 અબજ ડોલરના ફાળવણી વિનાનું ફંડ્સ લઈને બેઠાં છે. જે કેલેન્ડર 2016 પછીની સૌથી ઊંચી રકમ હોવાનું એક અભ્યાસ સૂચવે છે. ડેટા મુજબ ભારત પર કેન્દ્રિત વીસી પાસે 6.81 અબજ ડોલરનું અનએલોકેટેડ અથવા ડ્રાય પાવડર રહેલું છે. જે ફંડની ફાળવણી ના થઈ હોય તેને વીસીની ભાષામાં ડ્રાઈ પાવડર કહેવામાં આવે છે. કોઈપણ વર્ષની આખરમાં વીસી પાસે જોવા મળતો આ સૌથી ઊંચો ડ્રાઈ પાવડર છે. 2016ની આખરમાં તેમની પાસે 3.7 અબજ ડોલરનો ડ્રાઈ પાવડર હતો. ચાલુ વર્ષે આંક ગયા વર્ષની સરખામણીમાં 20 ટકા ઊંચો છે. જ્યારે 2020ની સરખામણીમાં તે 39 ટકા જેટલો ઊંચો છે. પીઈ માટે પણ સ્ટોરી સમાન છે. તેઓ 2016ની આખરમાં 3.52 અબજ ડોલર સામે ચાલુ વર્ષે 6.07 અબજ ડોલર ફંડ ધરાવે છે. જ્યારે 2021માં તેમની પાસે 4.73 અબજ ડોલર ફંડ પડ્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

ટેલિકોમ કંપનીઝઃ કેન્દ્રિય રેલ્વે મંત્રાલયે તેમની ટેલિકોમ્યુનિકેશન સર્વિસિઝને પ્રાઈવેટ ખેલાડીઓ માટે ખૂલ્લી મૂકવા સાથે તેમને રેલ્વેની જમીન પર ટાવર્સ ઈન્સ્ટોલ કરવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી માત્ર રેલ્વેની ટેલિકોમ કંપની રેઈલટેલ કોર્પોરેશનને જ આ અધિકાર પ્રાપ્ય હતો. કેન્દ્રિય કેબિનેટે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે લેન્ડ લાઈસન્સિંગ ફી(એલએલએફ)માં ઘટાડો કર્યાં બાદ આમ બન્યું છે. નવી એલએલએફ પોલિસી મુજબ મોબાઈલ ટાવર્સ માટે વર્તમાન 7 ટકા રેટ નાબૂદ થશે. તેની જગ્યાએ જમીનના બજારબાવના 1.5 ટકા વાર્ષિક વપરાશ ચાર્જ લાગુ પડશે.
તાતા પાવરઃ તાતા જૂથની કંપની બિઝનેસ ઓપરેશન્સને ફાઈનાન્સ કરવા બોન્ડ્સ મારફતે રૂ. 2 હજાર કરોડનું ફંડ એકત્ર કરવાનું આયોજન કરી રહી છે. દરમિયાનમાં કંપનીએ જાપાનીઝ બેંકિંગ ઈન્સ્ટીટ્યુશન એમયુએફજી સાથે રૂ. 450 કરોડનું સસ્ટેનેબલ ટ્રેડ ફાઈનાન્સ માટે જોડાણ કર્યું છે. તાતા પાવરનું ગ્રોસ ડેટ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં સાધારણ વધી રૂ. 49,535 કરોડ પર પહોંચ્યું હતું. જે માર્ચ આખરમાં રૂ. 47590 કરોડ પર જોવા મળતું હતું.
એલઆઈસીઃ દેશમાં સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની એકવાર સંસદમાં ઈન્શ્યોરન્સ લો(અમેડમેન્ટ) બિલ પસાર થઈ જાય એટલે કંપોઝીટ લાયન્સ માટે વિચારણા કરશે એમ કંપની વર્તુળો જણાવે છે. પ્રસ્તાવિત ખરડા મુજબ અરજદાર એક લાયસન્સ હેઠળ વિવિધ ક્લાસ-સબક્લાસ ઈન્શ્યોરન્સ કેટેગરીઝ માટે અરજી કરી શકે છે.
પ્રાઈવેટ બેંક્સઃ એસબીઆઈ કાર્ડ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક આગામી માર્ચ સુધીમાં યુપીઆઈ ફ્યુચર પર ક્રેડિટ કાર્ડ લોંચ કરે તેવી શક્યતાં છે. આ પગલાને કારણે હાલમાં આ ફિચર પર વર્તમાન રૂ. 50 લાખની દૈનિક ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વ્યક્ત કરી છે. હાલમાં માત્ર બીજી હરોળની પીએસયૂ બેંક્સ આ ફિચર્સનો ઉપયોગ કરી રહી છે.
સૂવેન ફાર્માઃ એડવન્ટ ઈન્ટરનેશનલ તરફથી સૂવેન ફાર્માસ્યુટિલ્સની ખરીદી માટે બાઈન્ડિંગ એગ્રીમેન્ટ કરવામાં આવે તેવી અપેક્ષા છે. કંપનીએ રૂ. 6300 કરોડની ઓફર મૂકી છે. બ્લેકસ્ટોન તરફથી કરવામાં આવેલા રાઈવલ બીડના પ્રેફરન્સમાં આ બીડ સ્વીકારવામાં આવ્યું છે. જો ઓપન ઓફર સંપૂર્ણ સબસ્ક્રાઈબ થઈ જશે તો એક ડીલનું કદ એક અબજ ડોલર પર પહોંચશે.
એનડીટીવીઃ બ્રોડકાસ્ટીંગ કંપનીમાં અદાણી જૂથ 64.71 ટકા હિસ્સો ધરાવશે. કંપનીના પ્રમોટર પ્રણય રોય અને રાધિકા રોયે તેમની પાસેના હિસ્સામાંથી 27.26 ટકા હિસ્સો અદાણીને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેતાં અદાણી પાસે કંપનીનો બહુમતી હિસ્સો રહેશે.
સિમેન્સઃ રેલ્વે મંત્રાલયે સિમેન્સને 9000 એચપી ઈલેક્ટ્રીક ફ્રેઈટ લોકોમોટીવ્સના મેન્યૂફેક્ચરિંગ અને મેઈન્ટેનન્સ માટે એલઓએ ઈસ્યુ કર્યું છે.
સૂર્યોદય એસએફબીઃ સ્મોલ ફાઈનાન્સ બેંકના બોર્ડે રૂ. 492 કરોડનો સ્ટ્રેસ્ડ લોન પોર્ટફોલિયો એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને રૂ. 135માં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આલ્કેમ લેબોરેટરીઝઃ એઈટ રોડ્સ વેન્ચર્સ ઈન્ડિયા હેલ્થકેર IV એલપી, એફ-પ્રાઈમ કેપિટલ પાર્ટનર્સ લાઈફ સાયન્સિઝ ફંડ IV એલપી આલ્કેમ સબસિડિયરીમાં આંઠ ટકા હિસ્સો ખરીદવા માટે આખરી તબક્કામાં પહોંચ્યાં છે.
એચડીએફસીઃ દેશમાં સૌથી મોટા મોર્ગેજ ફાઈનાન્સરને આઈએફસી તરફથી ભારતમાં એફોર્ડેબલ ગ્રીન હાઉસિંગને સપોર્ટ કરવા માટે 40 કરોડ ડોલરની લોન મળી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage