બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી 18 હજારનું સ્તર જાળવવામાં સફળ
શરૂઆતી દોરમાં 18 હજાર નીચે ગયા બાદ પોઝીટીવ બંધ દર્શાવી ચાર દિવસોના ઘટાડાના ક્રમને તોડ્યો
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહે શરૂઆતી નરમાઈ બાદ તેજીવાળાઓનો અંકુશ જોવા મળ્યો હતો અને તેઓ બજારને ગ્રીન ઝોનમાં બંધ રાખવામાં સફળ રહ્યાં હતાં. સોમવારે શરૂઆતી દોરમાં નિફ્ટી 18000ની સપાટી તોડી 17968.50ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે શોર્ટ કવરિંગ બાદ ઝડપથી પરત ફર્યો હતો અને 18241.40ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવ્યાં બાદ 10.50 પોઈન્ટ્સના સુધારા સાથે 18125.40ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 145.43 પોઈન્ટ્સ સુધરી 60967.05ના સ્તરે બંધ રહ્યો હતો.
બજારને બેંકિંગ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે તે સિવાય પસંદગીના પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ, મેટલ્સ અને ફાર્મા શેર્સે પણ સપોર્ટ કર્યો હતો. જેમાં ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબોરેટરી, સિપ્લા અને હિંદાલ્કો મુખ્ય હતાં. જ્યારે બીજી બાજુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, એનબીએફસી, ઓટોમોબાઈલ અને એફએમસીજી કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં બીપીસીએલ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, હીરોમોટોકોર્પ અને મારુતિ સુઝુકી 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી બંધ રહ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટી, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને હેલ્થકેર સિવાય અન્ય તમામ સૂચકાંકો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 2.77 ટકા સાથે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટો 1.8 ટકા અને નિફ્ટી આઈટી 1.1 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.99 ટકા સાથે નરમ બંધ રહ્યો હતો. નિફ્ટી એનર્જી પણ 0.5 ટકા નરમાઈ દર્શાવતો હતો.
માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જળવાયું હતું અને તેથી બ્રોડ માર્કેટમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ 1.7 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલ-કેપમાં 2.34 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાયો હતો. જેમાં રેઈલ વિકાસ 10 ટકા તૂટ્યો હતો. કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ 8.71 ટકા ગગડ્યો હતો. આઈઈએક્સ 8.58 ટકા, રાઈટ્સ 7.8 ટકા, સનટેક રિઅલ્ટી 7.37 ટકા, સેન્ચૂરી 6.99 ટકા, એપીએલ એપોલો 6.85 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 6.75 ટકા, ગ્રેફાઈટ ઈન્ડિયા 6.66 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતાં હતાં. મીડ-કેપ કાઉન્ટર્સમાં આઈઆરસીટીસી 13 ટકા ઉપરાંત ઈન્ડિયામાર્ટ 7.43 ટકા, કોફોર્જ 6.08 ટકા, ડિક્સોન ટેક્નોલોજી 5.49 ટકા, ગોદરેજ એગ્રોવેટ 5.41 ટકા, એસઆરએફ 5.23 ટકા, ધાની સર્વિસિઝ 5.19 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
ICICI બેંકના સારા પરિણામો પાછળ બેંક શેર્સમાં લાવ-લાવ
બેંક નિફ્ટી 2.15 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચ્યો
આઈસીઆઈસીઆઈ બેંકે ઈન્ટ્રા-ડે 14 ટકા ઉછાળા સાથે રૂ. 867ની ટોચ દર્શાવી
ICICI બેંક હિંદુસ્તાન યુનિલીવરને પાછળ રાખી માર્કેટ-કેપમાં પાંચમાં ક્રમે પહોંચી
માર્કેટને સતત ચોથા દિવસે બેંકિંગ કંપનીઓ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. ગયા સપ્તાહાંતે ખાનગી ક્ષેત્રની અગ્રણી આઈસીઆઈસીઆઈસી બેંકે અપેક્ષાથી સારા પરિણામો રજૂ કરતાં કંપનીના શેર પાછળ સમગ્ર બેંકિંગ સેક્ટર માટે સેન્ટિમેન્ટ પોઝીટીવ જોવા મળ્યું હતું. જેને કારણે બેંક નિફ્ટી 2.15 ટકા ઉછળી 41192.40ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જેને કારણે નિફ્ટી પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો.
વ્યક્તિગત બેંકિંગ કાઉન્ટર્સની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 10.85 ટકા ઉછળી રૂ. 841.70ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 14 ટકા ઉછળી રૂ. 867ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. સોમવારના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 5,83,801 કરોડ પર જોવા મળ્યું હતું. જે સાથે તે પાંચમા ક્રમની માર્કેટ-કેપ કંપની બની હતી. તેણે રૂ. 5.77 લાખ કરોડનું માર્કેટ-કેપ ધરાવતી હિંદુસ્તાન યુનિલીવરને તેણે પાછળ રાખી હતી. બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક પછી આઈસીઆઈસીઆઈ બેંક બીજા ક્રમે આવી હતી. ચાલુ વર્ષે તેણે કોટક બેંક અને એસબીઆઈને પાછળ રાખ્યાં હતાં. એક્સિસ બેંકનો શેર પણ દિવસ દરમિયાન 6 ટકા ઉછળી રૂ. 866.90ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. કામકાજને અંતે તે 3.48 ટકા સુધારા સાથે રૂ. 845.10 પર બંધ રહ્યો હતો. તેનું માર્કેટ-કેપ રૂ. 2.47 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. પ્રાઈવેટ બેંક નિફ્ટી 2.16 ટકાનો સુધારો દર્શાવતો હતો. જ્યારે પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.1 ટકા સુધર્યો હતો. જેમાં ઈન્ડિયન બેંકનો શેર 3 ટકા ઉછળી રૂ. 194.40ની ત્રણ વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. એ સિવાય પીએનબી 2.16 ટકા સુધારો દર્શાવતો હતો. કેનેરા બેંક રૂ. 200ની સપાટીને પાર કરી રૂ. 201.95 પર બંધ રહ્યો હતો. જ્યારે એસબીઆઈ પણ સતત બીજા દિવસે રૂ. 500ની સપાટી પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બેંક ઓફ બરોડાનો શેર પણ લાંબા સમયગાળા બાદ ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 100ના સ્તરે ત્રણ આંકડામાં જોવા મળ્યો હતો.
સોમવારે બેંકિંગ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં)
ICICI બેંક 11.58
એક્સિસ બેંક 3.47
ઈન્ડિયન બેંક 2.93
PNB 2.16
RBL બેંક 2.02
બેંક ઓફ બરોડા 1.8
કેનેરા બેંક 1.46
એસબીઆઈ 0.96
IRCTCના શેરમાં વધુ 13 ટકાનો ઘટાડો
રેલ્વે કેટરીંગ અને ઓનલાઈન બુકિંગમાં સક્રિય આઈઆરસીટીસીના શેરમાં સોમવારે વધુ 13 ટકાનો ઘટાડો નોઁધાયો હતો. સોમવારે તે 4621.85ના બંધ ભાવથી રૂ. 597.20 અથવા 12.92 ટકા ગગડી રૂ. 4024.65ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 64394 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો શેર ગયા મંગળવારે રૂ. 6396ની ટોચ બનાવી પાંચ સત્રોમાં રૂ. 3960ના સ્તરે પટકાયો હતો. રિટેલ ટ્રેડર્સે કાઉન્ટર્સમાં મોટુ નુકસાન ઉઠાવવાનું બન્યું હતું.
બેન્ચમાર્ક પોઝિટીવ છતાં માર્કેટ બ્રેડ્થ નરમ
ઉઘડતાં સપ્તાહે ભારતીય બજારમાં બે બાજુની વધ-ઘટ બાદ બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી આખરે પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. જોકે મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં વેચવાલીનું દબાણ જળવાયું હતું. બીએસઈ ખાતે 3539 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 1048 સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 2312 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટીને બંધ આવ્યાં હતાં. આમ 2.3 શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળતો હતો. જો સર્કિટ લિમિટમાં બંધ રહેલા કાઉન્ટર્સની વાત કરીએ તો 266 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 357 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
RILને કેજી-બેસીનમાં ઊંચા ઉત્પાદનથી રેવન્યૂ લાભ થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને તાજેતરમાં સરકાર દ્વારા ગેસના ભાવમાં કરવામાં આવેલા નોંધપાત્ર વધારાને કારણે તેના અને બીપીની માલિકીના કેજી-ડી6 બ્લોકમાંથી થનારા ઉત્પાદન પર લાભ થશે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેજી-ડી6 બેસીનમાંથી ત્રિમાસિક ધોરણે 18.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 3.92 અબજ ક્યૂબિક ફિટ ઈક્વિવેલન્ટ(બીસીએફ) રહ્યું હતું. એપ્રિલ-જૂન દરમિયાન તે 33.1 બીસીએફ પર હતું. જુલાઈ-સપ્ટેમ્બર 2020 દરમિયાન આ એસેટમાંથી કોઈ પ્રોડક્શન જોવા મળ્યું નહોતું. આરઆઈએલે પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે કેજી ડી6 બ્લોકમાં આર-ક્લસ્ટર અને સેટેલાઈટ ફિલ્ડ્સ કાર્યાન્વિત થતાં ઓઈલ અને ગેસ સેગમેન્ટ અર્નિંગ્સમાં ટર્નએરાઉન્ડ જોવા મળ્યું છે.
ડોલર સામે રૂપિયામાં 18 પૈસાનો ઘટાડો
ભારતીય ચલણમાં નરમાઈ જળવાય હતી. ઉઘડતાં સપ્તાહે તેણે યુએસ ડોલર સામે 18 પૈસા ઘટાડો દર્શાવ્યો હતો અને તે 75.08ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતીને કારણે યુએસ ડોલરમાં મજબૂતી જોવા મળી હતી. સોમવારે ગ્રીનબેક સામે 74.98ના સ્તરે નરમાઈ સાથે ખૂલી 74.97 થઈ ગગડીને 75.10 પર ટ્રેડ થયો હતો. શુક્રવારે તે 74.90ના સ્તરે બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 0.13 ટકા મજબૂતી સાથે 93.76ના સ્તરે ટ્રેડ થતો હતો. બ્રેન્ટ ફ્યુચર્સ 86.01 ડોલર પર જોવા મળતો હતો. જે તેની 86.09 ડોલરની ત્રણ વર્ષની ટોચ નજીકનું સ્તર હતું.
કંપનીઓના વેચાણ, નફામાં દ્વિઅંકી વૃદ્ધિ યથાવત પરંતુ માર્જિન્સમાં ઘટાડો
રો મટિરિયલ્સના ભાવમાં તીવ્ર વૃદ્ધિની કંપનીઓની નફાકારક્તા પર વિપરીત અસર જોવા મળી
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શરૂઆતી 250 કોર્પોરેટ અર્નિંગ્સના અભ્યાસ મુજબ માર્જિન 4.25 ટકા ગગડી 21.5 ટકા પર
ભારતીય કોર્પોરેટ્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમના વેચાણ અને નફામાં વાર્ષિક ધોરણે દ્વિઅંકી વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે. જોકે તેમના પ્રોફિટ માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે. રો-મટિરિયલ્સના ભાવમાં તીવ્ર વૃદ્ધિ આ માટેનું મુખ્ય કારણ છે. છેલ્લાં પખવાડિયામાં બીજા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કરી ચૂકેલી 250 કંપનીઓના પરિણામોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેમણે વાર્ષિક ધોરણે 27.7 ટકાની આવક વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે તેમના ચોખ્ખા નફામાં 23 ટકા વૃદ્ધિ દર્શાવી છે. કંપનીઓએ સતત ત્રીજા ક્વાર્ટર માટે દ્વિઅંકી આવક વૃદ્ધિ જાળવી રાખી છે જ્યારે ચોખ્ખા નફામાં સતત પાંચમા ક્વાર્ટર દરમિયાન દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવી છે. જેમાં સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં દર્શાવેલા ત્રિઅંકી પ્રોફિટનો સમાવેશ પણ થાય છે.
જોકે અભ્યાસમાં આવરી લેવામાં આવેલી આ 250 કંપનીઓના ઓપરેટિંગમ માર્જિનમાં 425 બેસીસ પોઈન્ટસ એટલેકે 4.25 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે વાર્ષિક ધોરણે 21.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઈનપુટ કોસ્ટ્સમાં ઊંચી વૃદ્ધિને કારણે કંપનીઓની નફાકારક્તા પર પ્રતિકૂળ અસર પડી છે. એનાલિસ્ટ્સે પણ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ સાથે ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડાની શક્યતા પ્રગટ કરી હતી. એક અગ્રણી બ્રોકરેજના એનાલિસ્ટના મતે વાર્ષિક ધોરણે આવક વૃદ્ધિ મજબૂત જળવાય રહી છે પરંતુ કોમોડિટીઝના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ કંપનીઓના માર્જિન પર અસર પડી છે. જે હજુ કેટલોક સમય સુધી જળવાય રહેશે. આ માટેનું એક અન્ય કારણ કંપનીઓ હજુ ઈનપુટ ખર્ચમાં વૃદ્ધિને ગ્રાહકો પર પૂરી રીતે પસાર નથી કરી શકી તે પણ છે. જોકે ત્રિમાસિક ધોરણે જોઈએ તો જૂન ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરનો દેખાવ સારો રહ્યો છે. જૂન દરમિયાન કંપનીઓની કામગીરી પર કોવિડના બીજા રાઉન્ડનો પ્રભાવ જોવા મળ્યો હતો. જોકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લોકડાઉન જેવી બાબતો નહિવત જોવા મળી હતી અને તેને કારણે આર્થિક રિકવરી જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીઓની આવકમાં 12 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. માર્ચ ક્વાર્ટરથી જૂન ક્વાર્ટર દરમિયાન કોર્પોરેટ્સની આવકમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આમ સપ્ટેમ્બરમાં આવક વૃદ્ધિ પોઝીટીવ બની હતી. જૂન ક્વાર્ટરની સરખામણીમાં કંપનીઓના નેટ પ્રોફિટમાં 2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જે માર્ચ ક્વાર્ટરથી જૂન ક્વાર્ટર દરમિયાન 15 ટકાનો ઊંચો ઘટાડો દર્શાવી રહી હતી. જ્યારે પ્રોફિટ માર્જિનની વાત કરીએ તો ત્રિમાસિક ધોરણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 320 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજા ક્વાર્ટરના સારા દેખાવમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત આઈટી કંપનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ કારણભૂત છે. અભ્યાસમાં આવરી લીધેલી 250 કંપનીઓમાં રિલાયન્સ અને આઈટી કંપનીઓ મળી ટોપલાઈનમાં 52.7 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે નેટ પ્રોફિટમાં 47.5 ટકા હિસ્સો ધરાવે છે. જો તેમને ગણનામાં ના લઈએ તો બાકીની કંપનીઓનો રેવન્યૂ ગ્રોથ 19.7 ટકા પર જ્યારે પ્રોફિટ ગ્રોથ 20.3 ટકા પર જોવા મળે છે. નવા સપ્તાહમાં ભિન્ન ક્ષેત્રોની અનેક કંપનીઓ તેમના અર્નિંગ્સ જાહેર કરવાની છે અને તેથી સમગ્રતયા કોર્પોરેટ દેખાવના આંકડાઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. બેંકિંગ, એનબીએફસી સહિતની કંપનીઓ તરફથી હજુ મોટાભાગના પરિણામો આવવાના બાકી છે.
પોઈન્ટર્સ
• કંપનીઓએ વાર્ષિક ધોરણે 27.7 ટકા રેવન્યૂ ગ્રોથ દર્શાવ્યો
• કંપનીઓના નેટ પ્રોફિટમાં 23 ટકા વૃદ્ધિ જોવા મળી
• કંપનીઓનું પ્રોફિટ માર્જિન 4.25 ટકા ઘટી 21.5 ટકા પર રહ્યું
• ત્રિમાસિક ધોરણે આવકમાં 12 ટકા વૃદ્ધિ નોંધાઈ
• ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં 2 ટકા વૃદ્ધિ નોંધાઈ
• ત્રિમાસિક ધોરણે પ્રોફિટ માર્જિનમાં 3.20 ટકાનો ઘટાડો નોંધાયો
LICનું વેલ્યૂએશન રૂ. 10 લાખ કરોડનું જાળવવા સરકારનો વેલ્યૂઅર્સને નિર્દેશ
ઝોમેટોમાંથી પ્રેરણા લઈ એડવાઈઝર્સ અને વેલ્યૂઅર્સને LICના તગડાં વેલ્યુએશન માટેનો ટાર્ગેટ
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો તરફથી જબરદસ્ત આરંભિક જાહેર ભરણા(આઈપીઓ)માંથી પ્રેરણા લઈ સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)ના મહત્વાકાંક્ષી આઈપીઓ માટે એડવાઈઝર્સ અને વેલ્યુઅર્સને મહત્તમ વેલ્યૂ આંકવા માટે નિર્દેશ કર્યો છે. સરકારે તેમને જાહેર ક્ષેત્રના વીમા સાહસનું વેલ્યૂએશન રૂ. 10 લાખ કરોડનું હોવું જોઈએ તેમ જણાવ્યું છે. ઝોમેટોએ આઈપીઓમાં રૂ. એક લાખ કરોડનું વેલ્યૂએશન મેળવ્યું હતું.
સરકાર મૂડી બજારમાં આઈપીઓ મારફતે એલઆઈસીમાં 10 ટકા હિસ્સો વેચાણ કરવા માટેનું વિચારી રહી છે. જો રૂ. 10 લાખ કરોડનું વેલ્યૂએશન નક્કી થઈ શકે તો સરકાર આઈપીઓમાં હિસ્સા વેચાણ મારફતે રૂ. એક લાખ કરોડ મેળવી શકે તેમ છે. જેમ થાય તો કેન્દ્ર સરકાર માટે નાણાકિય વર્ષ 2021-22 માટે તેણે બજેટમાં નક્કી કરેલાં રૂ. 1.75 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવામાં સરળતા રહેશે. એપ્રિલથી અત્યાર સુધીમાં લગભગ સાત મહિનામાં તેણે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે માત્ર રૂ. 9110 કરોડ ઊભાં કર્યાં છે. જ્યારે એર ઈન્ડિયાના વેચાણની કામગીરી પૂર્ણ થશે ત્યારે તે વધુ રૂ. 2700 કરોડ મેળવશે.
હાલમાં સરકારે નક્કી કરેલા મધ્યસ્થીઓ દેશના સૌથી મોટા ઈન્શ્યોરરની એમ્બેડેડ વેલ્યૂ(ઈવી) નક્કી કરવામાં સક્રિય છે. જે કંપનીના મૂલ્ય નિર્ધારણમાં ચાવીરૂપ બની રહેશે. સરકારે વેલ્યઅર્સ સાથેની બેઠકમાં ઝોમેટોના સફળ લિસ્ટીંગ તથા તેના માર્કેટ-કેપના રૂ. એક લાખ કરોડને પાર કરી જવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. એલઆઈસી દેશની સૌથી મોટી ઈન્શ્યોરર હોવા ઉપરાંત પોતાનામાં જ એક બ્રાન્ડ છે જ્યારે તેના માટે રૂ. 10 લાખ કરોડનું વેલ્યૂએશન હોવું જ જોઈએ એમ સરકારી અધિકારીઓએ કહ્યું હોવાનું જાણવા મળે છે. એક સરકારી અધિકારી જણાવે છે કે સરકાર એલઆઈસી માટે ઊંચું વેલ્યૂએશન ઈચ્છી રહી છે. કંપનીનું વેલ્યૂએશન કેવી રીતે ઉત્તમ બને તે માટે તે પ્રયાસો કરી રહી છે.
ભારતમાં ટોચના લાઈફ ઈન્શ્યોરન્સ પ્લેયર્સ
કંપની માર્કેટ-કેપ(21 ઓક્ટોબરે)
એચડીએફસી લાઈફ 139728
એસબીઆઈ લાઈફ 116580
ICICI પ્રૂડે. લાઈફ 89137
મેક્સ લાઈફ 33685
વૈશ્વિક સ્તરે ટોચની પાંચ વીમા કંપનીઓ(22 ઓક્ટોબર)
કંપની માર્કેટ-કેપ(અબજ ડોલરમા)
પિંગ એન ઈન્શ્યોરન્સ ગ્રૂપ 152.1
એઆઈએ ગ્રૂપ 139.1
ચાઈના લાઈફ ઈન્શ્યોરન્સ 120.1
એક્ઝા એસએ 67.4
મેટલાઈફ ઈન્ક. 56.4
Market Summary 25 October 2021
October 25, 2021