Market Summary 25 November 2022

સાવચેતી વચ્ચે ડિસેમ્બર સિરિઝની ફ્લેટ શરૂઆત
વૈશ્વિક બજારોમાં નરમાઈ
ઈન્ડિયા વિક્સ 1 ટકા ગગડી 13.33ની સપાટીએ
ઓટો, આઈટી, રિઅલ્ટીમાં મજબૂતી
બેંકિંગમાં થાક ખાતી તેજી
ભેલ, પીએનબી, એસ્કોર્ટ્સ વાર્ષિક ટોચે
મોતીલાલ ઓસ્વાલ, ક્વેસ કોર્પ 52-સપ્તાહના તળિયે

ડિસેમ્બર સિરિઝની શરૂઆત સુસ્તી સાથે થઈ હતી. વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે ભારતીય શેરબજાર પોઝીટીવ ઓપનીંગ વચ્ચે રેંજ બાઉન્ડ ટ્રેડ સાથે સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 21 પોઈન્ટ્સ સુધારા સાથે 62294ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 29 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18513ની ટોચ પર બંધ જોવા મળ્યો હતો. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે 62447ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. લાર્જ-કેપ્સમાં ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 29 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21માં નરમાઈ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં પણ સેન્ટીમેન્ટ સારુ જળવાતાં સતત ત્રીજા દિવસે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.1 ટકા ગગડી 13.33ના તાજેતરના તળિયા પર બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ બજારમાં થેંક્સગીવીંગ ડેના કારણે રજા હતી. જેની પાછળ એશિયાઈ બજારો શુક્રવારે નરમાઈ દર્શાવતાં હતાં. એકમાત્ર ચીનનું માર્કેટ 0.4 ટકા સુધારા સાથે બંધ રહ્યું હતું. ભારતીય બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જળવાય હતી. બેન્ચમાર્ક નિફ્ટી 18484ના અગાઉના બંધ સામે 18528ની સપાટીએ ખૂલી કોન્સોલિડેશનમાં જળવાયો હતો. ઈન્ટ્રા-ડે 18445નું તળિયું દર્શાવી તે 18535ની ટોચ બનાવી 18500ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે ફ્યુચર 132 પોઈન્ટ્સ પ્રિમીયમે 18646ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 18450નો નજીકનો સપોર્ટ છે. જેની નીચે 18200નો સપોર્ટ રહેશે. જ્યારે ઉપરમાં 18606ની સપાટી પાર થતાં બેન્ચમાર્ક નવા ઝોનમાં પ્રવેશશે. જેનો પ્રથમ ટાર્ગેટ 18800-19000નો રહેશે. સપ્તાહના આખરી સત્રમાં બેંકિંગ સેક્ટરમાં તેજીએ વિરામ લીધો હતો. વ્યક્તિગત બેંકિંગ શેર્સમાં તેજી જળવાય હતી. જોકે બેંકનિફ્ટી 0.21 પોઈન્ટ્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 43339.15ની ટોચ દર્શાવી હતી. જોકે તે 43 હજારની સપાટી પર ટકી શક્યો નહોતો. સરકારે પીએનબીને યૂટીઆઈ એએમસીમાં તેના હિસ્સાને વહેંચવાની મંજૂરી આપતાં બેંક શેર 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત બંધન બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ફેડરલ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. ઓટો અને આઈટી શેર્સમાં મજબૂતી જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેસ 0.52 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં એમ્ફેસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો 0.9 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં મુખ્ય યોગદાન તાતા મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, બોશ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકીનું રહ્યું હતું. નિફ્ટી ફાર્મા 0.62 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં બાયોકોન 3 ટકા સાથે સૌથી મજબૂત જોવાયો હતો. આ ઉપરાંત ઝાયડસલાઈફ, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા અને સિપ્લા પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી મેટલ 0.22 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં વેદાંત, કોલ ઈન્ડિયા, એનએમડીસી, સેઈલ, મોઈલ અને નાલ્કો પોઝીટીવ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 12 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ભેલ, જીએસપીસી, પાવર ફાઈનાન્સ, આરબીએલ બેંક, આરઈસી, એલએન્ડટી ફાઈનાન્સ, પીએનબી, એબી કેપિટલ, એસ્કોર્ટ્સ કુબોટા, જીએમઆર એરપોર્ટ્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ ઘટાડો દર્શાવવામાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, પિડિલાઈડ ઈન્ડ., બેંક ઓફ બરોડા, ટીવીએસ મોટર, સિમેન્સ, એબીબી ઈન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ભેલ, પીએનબી, રેઈલ વિકાસ, પાવર ફાઈનાન્સ અને આરઈસી જેવા કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે મોતીલાલ ઓસ્વાલ અને ક્વેસ કોર્પે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. બીએસઈ ખાતે 3632 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2119 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1386 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 143 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. બીજી બાજુ 43 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.



એક વર્ષમાં ઘઉં લોટ 17 ટકા મોંઘો બન્યો
દેશમાં મુખ્ય સ્ટેપલ આહારનો ભાવ ખાંડ અને ચોખાના ભાવ નજીક પહોંચ્યો
લોટનો સરેરાશ ભાવ વર્ષ અગાઉ રૂ. 32.47 પ્રતિ કિગ્રા સામે રૂ. 36.98 પર જોવાયો

ઘઉંનો લોટ છેલ્લાં એક વર્ષમાં 17 ટકાથી વધુ ભાવ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. હાલમાં તે ચોખા(રૂ. 37.96 પ્રતિ કિગ્રા) અને ખાંડ(રૂ. 42.69 પ્રતિ કિગ્રા)ની નજીક પહોંચી ગયો છે એમ સરકારી આંકડા સૂચવે છે. ગ્રાહક બાબતોના વિભાગને તૈયાર કરેલા ડેટા મુજબ મંગળવારે દેશમાં ઘઉંના લોટનો સરેરાશ ભાવ રૂ. 36.98 પ્રતિ કિગ્રા જોવા મળ્યો હતો. જે એક વર્ષ અગાઉ રૂ. 32.47 પ્રતિ કિગ્રાની સરખામણીમાં 17.51 ટકા વૃદ્ધિ સૂચવે છે. ઘઉંના ભાવમાં વૃદ્ધિ પાછળ લોટમાં ભાવ વધ્યાં છે. એ વર્ષમાં ઘઉંના રિટેલ ભાવ 12.01 ટકા વધી રૂ. 28.34 પરથી રૂ. 31.77 પ્રતિ કિગ્રા પર જોવા મળી રહ્યાં છે.
દેશમાં મુખ્ય અનાજ એવા ઘઉંના ભાવમાં વૃદ્ધિ માટે ગઈ રવિ સિઝનમાં દેશમાં કોમોડિટીના ઉત્પાદનમાં ઘટાડા ઉપરાંત રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઘઉંની માગમાં જોવા મળેલી વૃદ્ધિ હોવાનું નિષ્ણાતો જણાવે છે. સરકારે ગયા મે મહિનામાં દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તે અગાઉ ચાલુ ફાઈનાન્સિયલ દરમિયાન ઘઉઁની નિકાસ બમણી થઈ ચૂકી હતી એમ રિપોર્ટ જણાવે છે. દેશમાં ઉત્પાદન પણ અગાઉના વર્ષની સરખામણીમાં ગઈ સિઝનમાં ઘટી 10.6 કરોડ પર રહ્યું હતું. મે મહિનામાં ઘઉં નિકાસ પર પ્રતિબંધ બાદ સરકારે બે પ્રકારની નિકાસ માટે છૂટ આપી હતી. જેમાં એકમાં ઘઉંની જરૂરિયાત ધરાવતાં દેશોની સહાયતા માટે તેમની ફૂડ સિક્યૂરિટી જળવાય રહે તે માટે જ્યારે બીજા કિસ્સામાં જ્યાં લેટર્સ ઓફ ક્રેડિટ ઈસ્યુ થઈ ચૂક્યાં હતાં તેમને નિકાસની છૂટ આપી હતી. મે મહિનામાં નિકાસ પ્રતિબંધથી અત્યાર સુધીમાં ઘઉંના ભાવમાં 7 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જો ઘઉઁના લઘુત્તમ ટેકાના ભાવ ગણતરીમાં લઈએ તો વધારો 3-4 ટકા જેટલો જ છે. આમ ભાવમાં કોઈ તીવ્ર વૃદ્ધિ નથી જોવા મળી એમ સરકારી વર્તુળોનું કહેવું છે. નવી સિઝનમાં ઘઉંની વાવણી વિક્રમી જોવા મળે તેવી શક્યતાંને જોતાં કોમોડિટીના ભાવ આગામી મહિનાઓમાં ઘટાડાતરફી બની રહેવાની સંભાવના જોવાઈ રહી છે.


માર્કેટ ઓલ-ટાઈમ હાઈ પર છતાં એક્ટિવ ઈન્વેસ્ટર્સની સંખ્યામાં ઘટાડો
જૂન મહિનામાં 3.8 કરોડ એક્ટિવ ઈન્વેસ્ટર્સની સંખ્યા 1.3 લાખ ગગડી ઓક્ટોબરમાં 3.67 કરોડ પર જોવા મળી

સ્થાનિક બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે તેમ છતાં શેરબજારમાં એક્ટિવ ઈન્વેસ્ટર્સની સંખ્યામાં છેલ્લાં પાંચ મહિના દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સૌથી મોટા એક્સચેન્જ એનએસઈના ડેટા મુજબ જૂનમાં 3.8 કરોડ એક્ટિવ ઈન્વેસ્ટર્સની સંખ્યા ઓક્ટોબર આખરમાં ઘટી 3.67 કરોડ પર જોવા મળી હતી. જે બજારમાં સક્રિય રોકાણકારની સંખ્યામાં 13 લાખનો ઘટાડો સૂચવે છે.
સામાન્યરીતે માર્કેટમાં તેજી હોય ત્યારે પાર્ટિસિપેશનમાં વૃદ્ધિ જોવા મળતી હોય છે અને બહાર રહેલો વર્ગ પણ બજારમાં પરત ફરતો હોય છે. જોકે આ વખતે આમ બન્યું નથી. અગાઉ જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી તેમની ઓલ-ટાઈમ હાઈ પર હોય ત્યારે વાર્ષિ ધોરણે એક્ટિવ ક્લાયન્ટ્સમાં બમણી વૃદ્ધિ જોવા મળી છે. જો તે રીતે જોઈએ તો છેલ્લાં એક વર્ષમાં આમ થયું નથી. નવેમ્બર 2021ની આખરમાં એક્વિટ ક્લાયન્ટ્સની સંખ્યા 2.99 કરોડ પર હતી. ચાલુ વર્ષે કામકાજનું કુલ પ્રમાણ ઊંચું જોવા મળી રહ્યું છે પરંતુ એક્ટિવ ક્લાયન્ટ્સમાં માંડ 30 ટકા આસપાસ વૃદ્ધિ જોવા મળી છે. જે ક્લાયન્ટે છેલ્લાં 12 મહિનામાં ટ્રેડ કર્યો હોય તેમને એક્ટિવ ક્લાયન્ટ ગણવામાં આવે છે.
માર્કેટમાં એક્ટિવ ક્લાયન્ટ્સમાં ઘટાડાનું મુખ્ય કારણ બજારની તેજીમાં કેટલાંક ગણ્યા-ગાંઠ્યા શેર્સ તરફથી જ જોવા મળતું પાર્ટિસિપેશન હોવાનું બજાર વર્તુળો જણાવે છે. તેમના મતે બેન્ચમાર્ક્સ તેમની ટોચ પર છે પરંતુ માત્ર કેટલાંક કાઉન્ટર્સ જ તેમની સર્વોચ્ચ ટોચ પર જોવા મળી રહ્યાં છે. સેન્સેક્સ અને નિફ્ટી તેમના જૂન મહિનાના તળિયાથી ઊંચું રિટર્ન સૂચવી રહ્યાં છે પરંતુ વાર્ષિક ધોરણે તેમનું રિટર્ન લગભગ ફ્લેટ છે. 2022માં બજારે બે બાજુની વધ-ઘટ દર્શાવી છે અને તેથી સરવાળે ખાસ વળતર જોવા મળ્યું નથી. માર્કેટમાં ઊંચી વોલેટિલિટીને કારણે નાના રોકાણકારોએ બજારથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. જેને કારણે બ્રોકિંગ ઉદ્યોગ માટે કશ્મકશ ઊભી થઈ છે. એકબાજુ બેન્ચમાર્ક તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ તેમની કામગીરી પાંખી જળવાય છે. કોવિડ બાદ દેશના શેરબજારોમાં રિટેલ રોકાણકારોનો ધસારો જોવા મળ્યો હતો. માર્ચ 2020થી લઈ ઓગસ્ટ 2022 સુધીમાં 4.1 કરોડ ડિમેટ એકાઉન્ટ્સનો ઉમેરો નોંધાયો હતો. જે એક અસાધારણ વૃદ્ધિ હતી. તેની પાછળ ઓગસ્ટ 2022માં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડના આંકને વટાવી ગઈ હતી. જોકે આમાં વ્યક્તિદીઠ એકથી વધુ ડિમેટ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. જેને જોતાં નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં યુનિક ઈન્વેસ્ટર્સની સંખ્યા 10 કરોડ નહિ પરંતુ 5 કરોડ આસપાસની ગણી શકાય. જ્યારે એક્ટિવ એકાઉન્ટ્સની સંખ્યા 3.7 કરોડથી નીચે છે.

એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો(આંકડા કરોડમાં)
મહિનો એક્ટિવ ક્લાયન્ટ્સ
જૂન 3.80
જુલાઈ 3.77
ઓગસ્ટ 3.75
સપ્ટેમ્બર 3.74
ઓક્ટોબર 3.67


અર્થતંત્રના ઓપનીંગમા વિલંબથી ચીનના GDP ગ્રોથમાં એક ટકા ઘટાડાની શક્યતાં
જો લોક ડાઉનની ગંભીર અસર રહેશે તો ચીનના જીડીપી દરનો અંદાજ વર્તમાન 3.1 ટકા પરથી ઘટાડી 2-2.5 ટકાની કરવાનો રહેશે

અપેક્ષા કરતાં લાંબી ચાલેલાં કોવિડ ઝીરો રિઓપનીંગને કારણે ચીનના કુલ ઘરેલુ ઉત્પાદન વૃદ્ધિ દર(જીડીપી રેટ)માં એક ટકા ઘટાડાની શક્યતાં જોવાઈ રહી છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ લિ.એ હાથ ધરેલો અભ્યાસ આમ નોંધે છે.
જો ચીન તેના અર્થતંત્રને ફરીથી ખૂલ્લું મૂકવા માટે કેલેન્ડર 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી રાહ જુએ છે તો પ્રાઈવેટ કન્ઝ્મ્પ્શનને લઈને અંદાજિત રિકવરીમાં વિલંબ થશે એમ ઓક્સફોર્ડ ઈકોનોમિસના સિનિયર ઈકોનોમિસ્ટ લૂઈસ લૂ તેમના ફ્રાઈડે રિપોર્ટમાં નોંધે છે. જેને કારણે 2023 માટે અંદાજિત 4.2 ટાના જીડીપી ગ્રોથ રેથમાં એક ટકાનો પૂરો ઘટાડો જોવા મળે તેવી શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. લૂના જણાવ્યા મુજબ નજીકના સમયગાળા માટે મેક્રો આઉટલૂકને લઈને ઘટાડાતરફી જોખમ જોવા મળી રહ્યું છે. તાજેતરના સપ્તાહોમાં કોવિડ કેસિસમાં વૃદ્ધિને કારણે સરકારે હાથ ધરેલા લોકડાઉનના પગલાને કારણે અર્થતંત્ર પર નેગેટિવ અસર પડી હોવાનો ઉલ્લેખ તેઓ કરે છે. કંપની આગામી વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વ્યાપક રિઓપનીંગની અપેક્ષા રાખી રહી છે. ચીને ચાલુ મહિનાની શરૂઆતમાં કોવિડ નિયંત્રણોને મહત્તમ બનાવવા માટે પગલાઓ જાહેર કર્યાં હતાં. જેને લઈને આગામી વર્ષે તબક્કાવાર રિઓપનીંગ અગાઉ આર્થિક નુકસાન ઓછું થાય તેવા પગલાઓની સત્તાવાળાઓ પાસેથી આશા રખાઈ રહી છે. જોકે તાજેતરના દિવસોમાં કોવિડ કેસિસમાં નવેસરથી વૃદ્ધિને કારણે તેઓ ફરી તેમના અગાઉ જોવા મળતાં નિયંત્રણો તરફ પરત ફર્યાં છે. જેને કારણે મહત્વના શહેરો જેવાકે બૈજિંગ અને ગ્વાંગ્ઝોમાં પણ આર્થિક કામગીરી થંભી ગઈ છે. તાજેતરની ઘટનાઓએ ચીનના જીડીપી વૃદ્ધિ દરને લઈને ઓક્સફોર્ટ ઈકોનોમિક્સના અંદાજને લઈ અનિશ્ચિતતામાં વૃદ્ધિ કરી છે. જો અર્થતંત્ર પર ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ કેન્દ્ર શાંઘાઈ પરના લોક ડાઉન જેવી જ અસર રહેશે તો 2022 માટે ચીનના જીડીપી વૃદ્ધિ દરની આગાહી વર્તમાન 3.1 ટકા પરથી ઘટાડી 2-2.5 ટકાની કરવાની રહેશે એમ રિપોર્ટ નોંધે છે.


લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ માળખાને સરળ બનાવવા માટે વિચારણા
નાણા મંત્રાલય સમાન એસેટ ક્લાસિસ વચ્ચે પેરિટી લાવી અને કોમ્પ્યુટીંગ ઈન્ડેક્સેશન બેનિફિટ માટેના યરમાં સુધારો કરે તેવી શક્યતાં
કેપિટલ ગેઈન્સ ટેક્સ સંબંધી ફેરફારની રજૂઆત આગામી બજેટની રજૂઆત વખતે થવાની સંભાવના
એસેટ ક્લાસિસને મુખ્યત્વે મૂવેબલ એસેટ્સ અને ઈમ્મુવેબલ એસેટ્સ એમ બે વિભાગોમાં વહેંચવા નિષ્ણાતોનો મત

નાણા મંત્રાલય સમાન એસેટ ક્લાસિસ વચ્ચે પેરિટી આણીને તેમજ કોમ્પ્યુટિંગ ઈન્ડેક્સેશનના બેનિફિટને વધુ સંબંધિત બનાવવા માટે તેના બેઝ વર્ષમાં સુધારો કરી લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ સ્ટ્રક્ચરને વધુ સરળ બનાવવા વિચારી રહ્યું હોવાનું અધિકારી જણાવે છે.
હાલમાં એક વર્ષથી વધુ સમય માટે જાળવી રાખેલા શેર્સ પર 10 ટકા લેખે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડે છે. જ્યારે સ્થાયી પ્રોપર્ટી અને અનલિસ્ટેડ શેર્સને બે વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખી વેચાણ પર 20 ટકા કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડે છે. તેમજ ડેટ સાધનો અને જ્વેલરીને 3 વર્ષથી વધુ જાળવી રાખવા પર પણ 20 ટકા કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડે છે. આ વિસંગતતાને ધ્યાનમાં રાખી રેવન્યૂ ડિપાર્ટમેન્ટ ટેક્સ રેટ્સમાં તથા લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સની ગણતરી માટેના હોલ્ડિંગ પિરિયડને વધુ સરળ બનાવવા માટે વિચારી રહ્યું છે. જે સંબંધિત જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ નાણા વર્ષ 2023-24 માટેના બજેટની રજૂઆત દરમિયાન થાય તેવી શક્યતાં છે. આ ઉપરાંત ઈન્ફ્લેશન-એડજસ્ટેડ ગેઈન્સ ગણવા માટે બેઝ યરમાં પણ ફેરફાર માટે પ્રયાસ હાથ ધરાયો છે એમ અધિકારી જણાવે છે. કેપિટલ ગેઈન્સ ટેક્સની ગણતરી માટે ઈન્ડેક્સ યરને સમયાંતરે સુધારવામાં આવે છે. જેથી તે વધુ વાસ્તવિક બની શકે. છેલ્લે 2017માં ઈન્ડેક્સ યરમાં સુધારો કરવામાં આવ્યો હતો. જે વખતે તેને 2001 કરવામાં આવ્યું હતું. એસેટ પ્રાઈસિસમાં સમય સાથે વૃદ્ધિ જોવા મળતી હોય છે અને તેથી એસેટ્સના પરચેઝિંગ પ્રાઈસને ઈન્ફ્લેશન-એડજસ્ટેડ બનાવવા માટે ઈન્ડેક્શેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
અધિકારીના જણાવ્યા મુજબ આ તમામ પ્રયાસોનો હેતુ કેપિટલ ગેઈન્સ ટેક્સ માળખાને સરળ બનાવવાનો તેમજ ટેક્સ-પેયર ફ્રેન્ડલી બનાવવાનો તથા કોમ્પ્લાયન્સ સંબંધી ભારણ ઘટાડવાનો છે. સમાન એસેટ ક્લાસિસ માટેના હોલ્ડિંગ પિરિયડમાં તથા ટેક્સ રેટ્સમાં પેરિટી લાવવાની જગ્યા છે એમ તેઓ ઉમેરે છે. ઈન્કમટેક્સ એક્ટ હેઠળ કેપિટલ એસેટ્સના વેચાણમાંથી મળેલા લાભ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડે છે. આવી એસેટ્સમાં સ્થાયી તેમજ અસ્થાયી, બંને પ્રકારની એસેટ્સનો સમાવેશ થાય છે. જોકે આ નિયમ હેઠળ પર્સનલ એસેટ્સ જેવીકે કાર્સ, એપરલ્સ અને ફર્નિચરનો સમાવેશ નથી થતો. એસેટ્સની જાળવણીના સમયગાળાને આધારે શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ અથવા તો લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડે છે. એક્ટ હેઠળ બંને કેટેગરીમાં લાભ હેઠળ ભિન્ન ટેક્સ રેટ્સ લાગુ પડે છે. બંને કેટેગરી માટે કોમ્પ્યુટેશનની પધ્ધતિ પણ અલગ લાગુ પડે છે. અગ્રણી કોર્પોરેટ એન્ડ ઈન્ટરનેશનલ ટેક્સના નિષ્ણાત જણાવે છે કે 2004 બાદ કેપિટલ ગેઈન માળખામાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યાં છે. જે વિવિધ એસેટ ક્લાસિસ માટે ભિન્ન-ભિન્ન હોલ્ડિંગ પિરીયડ્સ અને ટેક્સ રેટ્સને કારણે પાછળથી જટિલ બન્યાં છે. આવા ભિન્ન એસેટ ક્લાસિસમાં ઈક્વિટી, ડેટ્સ, મ્યુચ્યુલ ફંડ્સ, જમીન અને બિલ્ડિંગ્સ, ફોરેન શેર્સ વગેરેનો સમાવેશ થાય છે. કેપિટલ ગેઈન્સ ટેક્સમાં સરળતા લાવવા માટે એસેટ ક્લાસિસને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચવી જોઈએ. જેમાં મૂવેબલ એસેટ્સ અને ઈમ્મુવેબલ એસેટ્સનો સમાવેશ થાય છે એમ તેઓ ઉમેરે છે.


ઓક્ટોબરમાં ચીન ખાતે એન્જિનીયરીંગ ગુડ્ઝની નિકાસમાં તીવ્ર ઘટાડો
ભારતની ચીન ખાતે એન્જિનીયરીંગ માલ-સામાનની નિકાસ ઓક્ટોબર મહિનામાં 64 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતી હતી. જ્યારે યુરોપિયન યુનિયન ખાતે એન્જિનીયરીંગ ગુડ્ઝની નિકાસમાં 23 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાંથી એન્જિનીયરીંગ પ્રોડક્ટ્સની સમગ્રતયા નિકાસમાં સતત ચોથા મહિને ઘટાડો નોંધાયો હતો. જોકે સરકાર તરફથી તાજેતરમાં કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પરની નિકાસ ડ્યૂટીને નાબૂદ કરવાના નિર્ણયને કારણે નિકાસમાં ફરીથી વૃદ્ધિ જોવા મળે તેવો આશાવાદ વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. ઓક્ટોબર 2022માં 25 મહત્વના નિકાસ ડેસ્ટીનેશન્સમાંથી 19 ખાતે નિકાસ ઘટાડો જોવા મળ્યો હતો. શીપમેન્ટ્સ 21.3 ટકા ગગડી 7.4 અબજ ડોલર પર રહ્યાં હતાં.
નવેમ્બરમાં પણ રશિયા ખાતેથી ક્રૂડની ઊંચી આયાત
હજુ જી7 દેશો તરફથી રશિયન ક્રૂડ પર પ્રાઈસ કેપને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે પરંતુ ભારતમાં રશિયન ક્રૂડની આયાત અવિરત જળવાય છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં રશિયન ક્રૂડ શીપમેન્ટ છેલ્લાં નવ મહિનાઓમાં ચોથા ઊંચા ક્રમે જોવા મળી હતી. ભારતમાં 1.35 અબજ ડોલરના રશિયન ક્રૂડની આયાત રહી હતી. જે પખવાડિયા માટે સૌથી ઊંચી આયાત હતી. ફેબ્રુઆરી 2022માં ભારતની આયાતમાં રશિયન ક્રૂડનો હિસ્સો એક ટકા પરથી વધુ ઓક્ટોબરમાં 21 ટકા પર જોવા મળ્યો હતો. નવેમ્બરમાં તે લગભગ આ રેંજથી સહેજ નીચો જોવા મળે તેમ નિષ્ણાતો માની રહ્યાં છે.



કોર્પોરેટ હેડલાઈન્સ

પંજાબ નેશનલ બેંકઃ પીએસયૂ બેંકે દિપમ વિભાગ તરફથી તેની પાસે યુટીઆઈ એસેટ મેનેજમેન્ટમાં રહેલાં 16 ટકાથી વધુ હિસ્સાના વેચાણ માટે મંજૂરી મેળવી છે. જેની પાછળ બેંકનો શેર શુક્રવારે 5 ટકા જેટલો ઊછળ્યો હતો અને લગભગ બે વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. બેંક તેની નોન-કોર એસેટ્સ વેચવાના ભાગરૂપે આ હિસ્સાનું વેચાણ ઈચ્છી રહી છે.
ઓએનજીસીઃ સરકારી માલિકીની હાઈડ્રોકાર્બન કંપનીએ નાના ઓઈલ ફિલ્ડ્સમાં સ્થાનિક ઉત્પાદન વધારવા માટે પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની આઈઓસી સાથે સંયુક્તપણે ઓપરેશન્સ માટેના કરાર સાઈન કર્યાં હતાં.
લ્યુપિનઃ ડ્રગ રેગ્યૂલેટર યૂએસએફડીએ તરફથી ફાર્મા કંપનીની માંદીદિપ ખાતેની ડ્રગ પ્રોડક્ટ ફેસિલિટી તથા એપીઆઈ ફેસિલિટી માટે આઁઠ ઓબ્ઝર્વેશન્સ સાથે ફોર્મ-483 ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
એસબીઆઈઃ ટોચની બેંક ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઈન્ફ્રા બોન્ડ્સ મારફતે રૂ. 10000 કરોડ ઊભા કરવા વિચારી રહી છે. આ માટે મંજૂરી માટે બેંકના સેન્ટ્રલ બોર્ડની બેઠક 29 નવેમ્બરે યોજાશે. રૂ. 10000 કરોડના ઈસ્યુ સાથે રૂ. 5000 કરોડના ગ્રીનશૂ ઓપ્શનનો સમાવેશ પણ થતો હશે એમ બેંકે જણાવ્યું છે.
આઈસીઆઈસીઆઈ બેંકઃ પ્રાઈવેટ લેન્ડર આઈઓસી અને ચેન્નાઈ પેટ્રોલિયમના પ્રસ્તાવિત જોઈન્ટ વેન્ચરમાં સીડ ઈક્વિટી કેપિટલમાં રૂ. 50 હજારના રોકાણના એગ્રીમેન્ટમાં પ્રવેશી છે. જોઈન્ટ વેન્ચર તમિલનાડુમાં નાગાપટ્ટનમ ખાતે 90 લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથેની રિફાઈનરી પર અમલ કરી રહી છે.
હોટેલ ઈન્ડસ્ટ્રીઃ રેટિંગ એજન્સી ક્રિસિલના એક રિપોર્ટ મુજબ હોટેલ ઉદ્યોગ 2022-23માં કોવિડ અગાઉના લેવલની સરખામણીમાં 23 ટકા વૃદ્ધિ દર્શાવી શકે છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત રિકવરી અને ઊંચા એવરેજ રુમ રેટ્સ અને ઓક્યૂપન્સીને જોતાં ઉદ્યોગમાં મજબૂત રિવાઈવલ જોવા મળ્યું છે.
મોર રિટેલઃ બિરલા જૂથ કંપનીએ 2021-22માં રૂ. 402 કરોડની ખોટ દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે ચાર ગણી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ માત્ર 2 ટકા વધી રૂ. 4867 કરોડ પર જોવા મળી હતી. માર્ચ 2022ની આખરમાં કંપનીની કુલ ખોટ રૂ. 1039.3 કરોડ પર હતી. કંપનીએ ગયા મહિને રૂ. 100 કરોડની ફ્રેશ કેપિટલ મેળવી હતી.
આઈઈએક્સઃ એનર્જી એક્સચેન્જનું બોર્ડ શેર્સ બાયબેક કરવાના પ્રસ્તાવપર વિચારણા માટે શુક્રવારે મળ્યું હતું.
બાયોકોનઃ બાયોકોન બાયોલોજિક્સે પેરન્ટ કંપની બાયોકોનને રૂ. 2205.63 કરોડના ઈક્વિટી શેર્સની ફાળવણી કરી છે. જેની પાછળ બાયોકોનના શેરમાં મજબૂતી જોવા મળી હતી.
વાટેક વાબાગઃ કંપનીનું બોર્ડ એનસીડી અથવા અન્ય સાધનો મારફતે ફંડ એકત્ર કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે મળ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage