Market Summary 25 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

દિશા હિન ટ્રેડ વચ્ચે ધીમો ઘસારો જળવાયો
નિફ્ટી 17100નો સપોર્ટ જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 23.43
લાર્જ-કેપ્સ સાથે બ્રોડ માર્કેટમાં પણ સુસ્તી
યુએસ, ઈયુ બજારોમાં સાર્વત્રિક મજબૂતી
એશિયામાં હોંગ કોંગ અને ચીનમાં ફરી વેચવાલી

શેરબજારમાં વધુ એક દિશાહિન ટ્રેડિંગ સાથે સપ્તાહ સમાપ્ત થયું હતું. વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર મજબૂતી વચ્ચે ભારતીય બજારે સમગ્ર સપ્તાહ દરમિયાન કોન્સોલિડેશન દર્શાવ્યું હતું. શુક્રવારે મજબૂત ઓપનીંગ દર્શાવ્યા બાદ બજાર નરમાઈ તરફી જળવાયું હતું અને રેડ ઝોનમાં જ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 233.5 પોઈન્ટ્સ ઘટી 57362ના સ્તરે જ્યારે નિફ્ટી 70 પોઈન્ટ્સની નરમાઈએ 17153ની સપાટીએ બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.1 ટકા ગગડી 23.43 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટકોમાંથી માત્ર 12 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 38 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ બે સપ્તાહ બાદ નિફ્ટીમાં નેગેટિવ માર્કેટ-બ્રેડ્થ નોંધાઈ હતી.
વૈશ્વિક બજારોમાં મહ્દઅંશે સુધારા વચ્ચે ભારતીય બજારમાં સુસ્તી જોવા મળી હતી. ગુરુવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 349 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક લગભગ બે ટકા સુધારા વચ્ચે ફરી 14 હજારની સપાટી કૂદાવી ગયો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળતો હતો. જાપાન, કોરિયા અને સિંગાપુર પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે હોંગ કોંગનું બજાર 2.5 ટકાનો ઊંચો ઘટાડો સૂચવતું હતું. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ પણ 1.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બપોરે યુરોપિયન બજારોમાં સુધારો જોવા મળી રહ્યો હતો. આમ છતાં ભારતીય બજારમાં બાઉન્સ નહોતું જોવાયું. નિફ્ટી જોકે 17077ના તળિયાથી 70 પોઈન્ટ્સ પરત ફર્યો હતો. આમ તેણે 17100નો સપોર્ટ જાળવ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17000-17450ના કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજુ વધુ સુધારો નોંધાવી શકે છે. લોંગ ટ્રેડર્સને માટે 17000નો સ્ટોપલોસ મહત્વનો રહેશે. તાજેતરમાં ક્રૂડના ભાવમાં જોવા મળેલી મજબૂતીને કારણે ભારતીય બજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં ચાલુ સપ્તાહે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે.
શુક્રવારે લાર્જ-કેપ્સ સાથે બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3510 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2158 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 1256 સુધારો સૂચવતાં હતાં. આમ લગભગ બે શેર્સમાં ઘટાડા સામે એકમાં સુધારો જોવા મળી રહ્યો હતો. જોકે આમ છતાં 132 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 39 કાઉન્ટર્સ વાર્ષિક તળિયું સૂચવતાં હતાં. એનએસઈ ખાતે મીડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.12 ટકા અને 0.5 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે સેક્ટરલ સૂચકાંકોમાં રિઅલ્ટીમાં 1.22 ટકા સાથે સૌથી સારો સુધારો જોવા મળતો હતો. આનાથી વિપરીત આઈટી ઈન્ડેક્સ 1 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. ફાર્મા ઈન્ડેક્સ પણ 0.9 ટકા ડાઉન જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એસબીઆઈ સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં. જ્યારે ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, મારુતિ અને સિપ્લા નેગેટિવ બંધ સૂચવી રહ્યાં હતાં. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કોન્કોર ઈન્ડિયા 11 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. આ સિવાય એલએન્ડટી ફાઈનાન્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ 4 ટકા આસપાસનો સુધારો નોંધાયો હતો.

ગોલ્ડ ઈન્ટ્રા-ડે ટોચથી પરત ફર્યું
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1965 ડોલરની છેલ્લાં બે સપ્તાહની ટોચ દર્શાવી 10 ડોલરના ઘટાડે 1952 ડોલર આસપાર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકા નરમાઈ સાથે 116 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ગુરુવારે 123 ડોલરની સપાટી પરથી તે 7 ડોલરનો ઘટાડો સૂચવે છે.


ભારતીય પરિવારોનું ઈક્વિટી હોલ્ડીંગ વિક્રમી સપાટીએ પહોંચ્યું
સ્થાનિક રિટેલ રોકાણકારોની કુલ ઈક્વિટી એસેટ્સનું મૂલ્ય 10.7 ટ્રિલીયન ડોલર
માર્ચ 2022માં દેશના ઈક્વિટી માર્કેટમાં સ્થાનિક રહેવાસીઓનો હિસ્સો 4.8 ટકાની ટોચ પર
કોવિડ બાદ માર્ચ 2020માં ગગડીને 2.7 ટકાના પાંચ વર્ષના તળિયેથી નોંધપાત્ર વૃદ્ધિ

છેલ્લાં બે વર્ષોમાં ભારતીય પરિવારોના ઈક્વિટી હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. માર્ચ 2022માં સ્થાનિક રહેવાસીઓનો ઈક્વિટી માર્કેટ હિસ્સો 4.8 ટકાના વિક્રમી સ્તરે જોવા મળ્યો છે. જે માર્ચ 2021માં 4.3 ટકાના સ્તરેથી 10 ટકા કરતાં ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે માર્ચ 2020માં 2.7 ટકાની સરખામણીમાં 57 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવે છે એમ જેફરિસ રિપોર્ટે નોંધ્યું છે.
ભારતીય પરિવારોના ઈક્વિટી હિસ્સાનું કુલ મૂલ્ય માર્ચ 2022માં 10.7 ટ્રિલિયન ડોલર જેટલું થવા જાય છે. ભારતીય પરિવારોની 11 ટ્રિલિયન ડોલરની બેલેન્સ શીટમાં 36 ટકા હિસ્સો ફાઈનાન્સિયલ સેવિંગ્ઝનો હોવાનું રિપોર્ટ નોંધે છે. જોકે ફાઈનાન્સિયલ સેવિંગ્ઝમાં સૌથી પસંદગીનો રોકાણ વિકલ્પ ફિક્સ ડિપોઝીટ્સ છે. જે ઈક્વિટી એસેટ્સની સરખામણીમાં ત્રણ ગણુ કદ ધરાવે છે. ફિઝિકલ એસેટ્સમાં રિઅલ્ટ એસ્ટેટ પ્રોપર્ટી 49 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ગોલ્ડ 15 ટકા હિસ્સો ધરાવે છે. આમ તેઓ હજુ પણ સમગ્ર સેવિંગ્ઝ બાસ્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે 2014થી અત્યાર સુધીમાં ફિઝિકલ એસેટ્સે ફાઈનાન્સિયલ સેવિંગ્ઝની સરખામણીમાં 8 ટકા જેટલો ઘટાડો દર્શાવ્યો છે. ઈક્વિટીઝ તરફ ભારતીય રોકાણકારોની રૂચીમાં છેલ્લાં પાંચ વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ભારતીય ઈક્વિટી મ્યુચ્યલ ફંડ્સે 80 અબજ ડોલરનો ઈનફ્લો નોંધાવ્યો છે. આ ટ્રેન્ડ સતત વધારાતરફી જળવાયો છે. રિટેલ ઈન્વેસ્ટર્સ શેરબજારમાં સીધા રોકાણ ઉપરાંત ઈન્શ્યોરન્સ મારફતે પણ ઈક્વિટીઝમાં રોકાણ કરી રહ્યાં છે. જેમાં નોંધપાત્ર હિસ્સો યુલિપ્સનો છે. ઉપરાંત પેન્શન ફંડ્સ, ઈપીએફઓ અને એનપીએસ મારફતે પણ તેમનું ઈક્વિટી રોકાણ વધી રહ્યું છે. વર્ષે લગભગ 6 અબજ ડોલરનું રોકાણ તેઓ આવી એજન્સીઝ મારફતે કરે છે.
રિપોર્ટ જણાવે છે કે મોટાભાગના રોકાણકારો એક વર્ષથી લાંબો સમય સુધી રોકાણ જાળવી રાખે છે. આમ તેઓ લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ છે. લગભગ 60 ટકા રોકાણકારો એક વર્ષથી લાંબુ રોકાણ ધરાવે છે. જે રોકાણકારોનો શેરબજારમાં વધી રહેલો વિશ્વાસ સૂચવે છે. જોકે રિટેલ ઈક્વિટી ઈન્વેસ્ટર્સની સરેરાશ ખરીદીનું કદ છેલ્લાં પાંચ વર્ષોમાં 13 ટકા જેટલું ઘટ્યું છે. 2019માં સરેરાશ રૂ. 86 હજાર કરોડના રોકાણ સામે 2021માં તે રૂ. 75 હજાર કરોડ પર જોવા મળ્યું હતું. હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સની વાત કરીએ તો તેમની સરેરાશ ટિકિટ સાઈઝ પણ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. 2017માં રૂ. 17.78 લાખ કરોડ સામે 2021માં તે રૂ. 8.97 લાખ કરોડ પર જોવા મળી હતી. છેલ્લા 12 મહિનાઓમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાં 28 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું છે. જે તેમના માર્ચ 2021ના હોલ્ડિંગ્સના 5 ટકા જેટલો હિસ્સો દર્શાવે છે. એફપીઆઈનો વર્તમાન આઉટફ્લો છેલ્લાં 10 વર્ષોમાં તેમના સૌથી ઊંચા આઉટફ્લો કરતાં ત્રણ ગણો હોવાનું જેફરિસ નોંધે છે.

ભારતીય પરિવારોનું ઈક્વિટી હોલ્ડિંગ્સ
સમય ઈક્વિટી હિસ્સો(ટકામાં)
માર્ચ 2015 2.9
માર્ચ 2016 2.7
માર્ચ 2017 3.4
માર્ચ 2018 3.8
માર્ચ 2019 3.9
માર્ચ 2020 2.7
માર્ચ 2021 4.3
માર્ચ 2022 4.8


રિટેલ ઈન્વેસ્ટર્સનું એસેટ એલોકેશન

એસેટ ક્લાસ હિસ્સો(ટકામાં)
રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી 49.4
બેંક એફડી 15.1
ગોલ્ડ 15.0
ઈન્શ્યોરન્સ ફંડ્સ 6.2
પ્રોવિડન્ડ એન્ડ પેન્શન ફંડ્સ 5.7
ઈક્વિટીઝ 4.8
કેશ 3.5
અન્ય 0.3


કોટનના ભાવ રૂ. 86 હજાર પ્રતિ ખાંડીની નવી વિક્રમી સપાટીએ
ન્યૂ યોર્ક કોટન વાયદો 133 સેન્ટ્સની 11 વર્ષોની ટોચ પર ટ્રેડ થયો
ખેડૂતોને કપાસ માટે રૂ. 2400 પ્રતિ મણનું ઐતિહાસિક મળતર
ઓક્ટોબર મહિનામાં નવી કોટન સિઝનની શરૂઆત સાથે વધતાં રહેલાં કોમોડિટીના ભાવ ઘટવાનું નામ લઈ રહ્યાં નથી. છેલ્લાં બે દિવસોમાં ક્વોલિટી કોટનના ભાવ રૂ. 86 હજાર પ્રતિ ખાંડીની સપાટીને પાર કરી ગયાં છે. છેલ્લાં એક સપ્તાહમાં તે રૂ. 7000નો ઉછાળો સૂચવી રહ્યાં છે. માલ ખેંચ અને વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ કોટનના ભાવ તીવ્ર મજબૂતી દર્શાવી રહ્યાં છે. ખેડૂતોને કપાસ પેટે મણે રૂ. 2400 જેટલા ઊંચા ભાવ મળી રહ્યાં છે. જે છેલ્લાં એક વર્ષ દરમિયાન બમણી વૃદ્ધિ દર્શાવે છે.
માર્કેટ વર્તુળોના મતે જે ખેડૂતો છેલ્લા છ મહિનાથી માલ પકડીને બેઠાં હતાં. તેમને સારા ભાવ સાંપડી રહ્યાં છે. એક અંદાજ મુજબ ખેડૂતો પાસે હજુ પણ નોંધપાત્ર માલ પડ્યો છે અને તેઓ આગામી દિવસોમાં તેને બજારમાં ઠાલવે તેવી શક્યતાં છે. કેમકે કપાસના વર્તમાન ભાવ ખૂબ આકર્ષક છે. સિઝનની શરૂઆતમાં રૂ. 1400 પ્રતિ મણ ઉપજી રહ્યાં હતાં ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે ભાવ આ સપાટીએ પહોંચશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોન્સોલિડેટ થયા બાદ 15 માર્ચ બાદ કોટનમાં ઝડપી તેજી જોવા મળી છે. અલબત્ત, કોટનના ભાવ આ સ્તરે ટકવા અઘરાં છે એમ વર્તુળો માને છે. કેમકે આના કારણે માગ ઘટી જશે. વર્તમાન ભાવે સ્પીનીંગ મિલ્સ માટે કોઈ વળતર રહેતું નથી અને તેથી તેમની ખરીદી પાંખી જોવા મળે છે. યાર્નના ભાવ પણ સામે મજબૂતી દર્શાવી રહ્યાં નથી. આમ ભાવ આગામી દિવસોમાં કરેક્શન દર્શાવે તેવી શક્યતાં છે. વૈશ્વિક બજારમાં ન્યૂ યોર્ક વાયદો મજબૂત રહેવાને કારણે ભારતીય બજાર છેલ્લાં સપ્તાહથી વધુ સ્ટ્રોંગ બન્યું છે. શુક્રવારે આઈસીઈ કોટન વાયદો 132 સેન્ટ્સની 2011 પછીની ટોચ પર ટ્રેડ થયો હતો. બજારમાં તેજી માટે માલ પર સ્ટોકિસ્ટ્સની પકડ પણ જવાબદાર છે. આ વખતે સિઝનની શરૂઆતથી જ ભાવ મજબૂત હોવાના કારણે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ખરીદીની જરૂર ઊભી થઈ નહોતી અને તેથી સ્ટોકિસ્ટ્સને માલ ખરીદવામાં અનૂકૂળતા રહી હતી. જોકે વર્તમાન ભાવે તેજીવાળાઓ પ્રોફિટ બુકિંગમાં જઈ શકે છે. જે ભાવને ફરી રૂ. 80 હજાર આસપાસ લઈ જાય તેવી શક્યતા વર્તુળો વ્યક્ત કરે છે.
કપાસના વાવેતરમાં 10-15 ટકા વૃદ્ધિની શક્યતા
કપાસ બિયારણ ઉત્પાદક કંપનીઓ આગામી સિઝમાં વિક્રમી વાવેતરની શક્યતા જોઈ રહી છે. તેમના મતે નવી ખરિફમાં કપાસ વાવેતરમાં 10-15 ટકા વૃદ્ધિ થશે. ગઈ સિઝનમાં કોટનનું વાવેતર લગભગ 8 લાખ હેકટરમાં ઘટાડા સાથે 120 લાખ હેકટર પર જોવા મળ્યું હતું. જે અગાઉની સિઝનમાં 128 લાખ હેકટર આસપાસ હતું. 15 ટકા વૃદ્ધિને ગણનામાં લઈએ તો નવી સિઝનમાં 135-138 લાખ હેકટરમાં કપાસનું વાવેતર નોંધાઈ શકે છે. જે વિક્રમી હશે. અગાઉ 130 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતર જોવા મળ્યું નથી.

નવા નાણા વર્ષમાં 1.2 કરોડ ઘઉં નિકાસનો ટાર્ગેટ
કેન્દ્ર સરકારે એપ્રિલ 2022થી માર્ચ 2023 વચ્ચે દેશમાંથી 1.2 કરોડ ટન ઘઉંનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. એટલેકે પ્રતિ માસ સરેરાશ 10 લાખ ટન ઘઉં નિકાસનો લક્ષ્યાંક બાંધવામાં આવ્યો છે. ભારત વિશ્વમાં અનાજ માટે જથ્થાની રીતે તથા ગુણવત્તાની રીતે અગ્રણી સ્રોત તરીકે ઊભરે એમ સરકાર ઈચ્છે છે. તાજેતરમાં રશિયા-યૂક્રેન વચ્ચે જોવા મળેલા યુધ્ધની સ્થિતિને કારણે ઘઉં નિકાસ માટે ઊભી થયેલી તક ઝડપવી જોઈએ તેમ સરકારની ઈચ્છા છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન દેશમાંથી વિક્રમી 75 લાખ ટન ઘઉંની નિકાસ જોવા મળી હતી. ઘઉંની નિકાસ માટે શીપમેન્ટ્સને ઝડપી બનાવવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની આગેવાનીમાં રેલ્વે, શીપીંગ, કોમર્સ અને એગ્રીકલ્ચર મંત્રાલયના અધિકારીઓ તથા નિકાસકારોની બેઠક મળી હતી.
વેરાન્ડા લર્નિંગનો IPO 29 માર્ચે ખૂલશે
વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ 29 માર્ચે રૂ. 200 કરોડ ઊભા કરવા માટે મૂડીબજારમાં આઈપીઓ સાથે પ્રવેશશે. કંપની રૂ. 130-137ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે આઈપીઓમાં 10 ટકા શેર્સ રિઝર્વ રાખવામાં આવ્યાં છે. જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ માટે 75 ટકા હિસ્સો અનામત રહેશે. આઈપીઓ 31 માર્ચે બંધ થશે.
FMCG કંપનીઓની મુશ્કેલી વધવાની સંભાવના
માર્કેટ એનાલિસ્ટ્સના મતે ફાસ્ટ મૂવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ કંપનીઓ માટે દિવસો વધુ પીડાદાયી બની રહેશે. કેમકે તેમને માટેની મુખ્ય કાચી સામગ્રીના ભાવમાં ઝડપી વૃદ્ધિ જોવા છે. જેમકે છેલ્લા એક ક્વાર્ટરમાં પામ તેલ, ક્રૂડ ઓઈલ અને સ્કીમ્ડ મિલ્ક પાવડરના ભાવમાં 23-42 ટકાનો ઉછાળો નોંધાયો છે. આને કારણે તેમના માર્જિન પર નોંધપાત્ર અસર પડશે અને તે સંકડાઈ જશે. ક્રૂડના ભાવમાં વૃદ્ધિને કારણે પણ આ કંપનીઓના કોસ્ટીંગ પર મોટી અસર પડી છે. જેને તેઓ હવેના સમયગાળામાં આસાનીથી ગ્રાહકો પર પસાર કરી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. ફેબ્રુઆરીમાં એચયૂએલ સહિતની કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સના ભાવમાં બેથી ત્રણ વાર વૃદ્ધિ નોંધાવી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage