માર્કેટ સમરી
નિફ્ટીએ 14350 નીચે બંધ આપતાં વઘ-ઘટે વધુ ઘટાડાની શક્યતાં
બેન્ચમાર્ક નિફ્ટી માર્ચ એક્સપાયરીના દિવસે 225 પોઈન્ટ્સ થવા 1.54 ટકા તૂટી 14325 પર બંધ રહ્યો હતો. તેણે 14350નો સપોર્ટ તોડ્યો હતો. બપોર બાદ શોર્ટ કવરિંગ પાછળ એક તબક્કે બજારે નોંધપાત્ર બાઉન્સ દર્શાવ્યું હતું. જોકે તે ટકી શક્યું નહોતું અને બજાર તળિયા પર જ બંધ રહ્યું હતું. એનાલિસ્ટ્સના મતે હવે નિફ્ટીને 14000નો સાયકોલોજિકલ સપોર્ટ છે. જે તૂટતાં તે જાન્યુઆરીમાં જોવા મળેલા 13600ના સ્તર સુધી ઘટી શકે છે. શોર્ટ સેલર્સે 14640ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે અથવા બજારમાં સુધારે શોર્ટ પોઝીશન લઈ શકે છે.
લાર્જ-કેપ્સમાં આંશિક બાઉન્સ પણ મીડ-કેપ્સ ભોંય ભેગા
ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક એક તબક્કે લગભગ બે ટકાના ઈન્ટ્રા-ડે ઘટાડા પરથી આંશિક પરત ફર્યાં હતા. જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહોતો અને તેઓ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3050 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 711 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2179 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. આમ ત્રણ શેર્સમાં ઘટાડા સામે લગભગ એક શેર્સમાં સુધારો જોવા મળતો હતો. એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.5 ટકાનો જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 2.2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. 340 શેર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
સ્ટીલ શેર્સમાં તળિયાના ભાવે ખરીદી જોવાઈ
બજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે સ્ટીલ શેર્સમાં તળિયાના ભાવે ખરીદી જોવા મળી હતી અને તેઓ નોંધપાત્ર બાઉન્સ સાથે 3 ટકા સુધરી બંધ આવ્યાં હતાં. સ્ટીલ શેર્સમાં આગેવાની ટાટા સ્ટીલ લીધી હતી. કંપનીનો શેર રૂ. 688ના તળિયાથી સુધરી રૂ. 731ની ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. 722 આસપાસ ટકેલો હતો. જ્યારે પીએસયૂ સ્ટીલ ઉત્પાદક સેઈલ 2 ટકા સુધારે રૂ. 72ની સપાટી પર બંધ જોવા મળતો હતો. જીંદાલ સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ પણ 0.5 ટકા સુધારે બંધ રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ સ્ટીલ શેર્સ પાછળ ગ્રીન બંધ રહ્યો હતો.
ચાંદીએ રૂ. 65000નો મહત્વનો સપોર્ટ તોડ્યો
કોમોડિટી માર્કેટમાં ગુરુવારે સાર્વત્રિક ઘટાડો જોવા મળતો હતો. કિંમતી ધાતુઓ, બેઝ મેટલ્સ સહિત ક્રૂડના ભાવ તૂટ્યાં હતાં. જોકે ચાંદીએ લાંબા સમય સુધી જાળવી રાખેલો રૂ. 65000નો સપોર્ટ તોડતાં લોંગ ટ્રેડર્સ માટે ચિંતા ઊભી થઈ હતી. એમસીએક્સ મે સિલ્વર વાયદો રૂ. 64600ના છેલ્લા ઘણા વખતના તળિયા પર ટ્રેડ થયો હતો. તે એક ટકાનો ઘટાડો દર્શાવતો હતો. ચાંદી ઘણા સમયથી સોના કરતાં સારો દેખાવ દર્શાવી રહી હતી. જોકે ગુરુવારે સોનુ 0.24 ટકા થવા રૂ. 124ના ઘટાડે રૂ. 44754 પર ટકેલું રહ્યું હતું. જ્યારે ચાંદીએ સપોર્ટ તોડ્યો હતો. ચાદીમાં ઘટાડાનું એક મુખ્ય કારણ કોપરના ભાવમાં ઊપરના સ્તરેથી જોવા મળી રહેલો તીવ્ર ઘટાડો છે. કોપર ચાર સપ્તાહમાં 15 ટકા જેટલું તૂટ્યું છે.
વધુ બે આઈપીઓના નબળા લિસ્ટીંગઃHNIsને ફંડીગ ખર્ચ માથે પડ્યો
ક્રાફ્ટ્સમેન ઓટોમેશનનો આઈપીઓ 9 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો જ્યારે લક્ષ્મી ઓર્ગેનિક અપેક્ષા કરતાં ખૂબ ઓછા 20 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો
સેકન્ડરી માર્કેટ સાથે પ્રાઈમરી માર્કેટ માટે પણ આગામી દિવસો કપરાં રહેવાની સંભાવના છે. ચાલુ સપ્તાહે અત્યાર સુધી લિસ્ટ થયેલાં ત્રણેય આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યાં છે. ગુરુવારે બે નવા લિસ્ટીંગ અપેક્ષાથી નબળા રહ્યાં હતાં. જેમાં ક્રાફ્ટ્સમેનનો આઈપીઓ ઓફર ભાવ સામે 9 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો. જ્યારે લક્ષ્મી ઓર્ગેનિકનું લિસ્ટીંગ ગ્રે-માર્કેટ પ્રિમીયમ તથા ઈસ્યુને મળેલા પ્રતિસાદને જોતાં ખૂબ સામાન્ય રહ્યું હતું. બુધવારે અનુપમ રસાયણ 6.2 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો. જે ગુરુવારે વઘુ 6 ટકાના ઘટાડે રૂ. 494 પર બંધ રહ્યો હતો. આમ રૂ. 555ના ઈસ્યુ ભાવ સામે તે રૂ. 60નો ઘટાડો દર્શાવતો હતો. હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સને ત્રણેય આઈપીઓમાં વ્યાજ ખર્ચનું મોટુ નુકસાન ઉઠાવવાનું થયું છે.
ક્રાફ્ટસમેન ઓટોમેશનનો આઈપીઓ તેના રૂ. 1490ના ઓફર ભાવ સામે બીએસઈ ખાતે 9 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 1350ના સ્તરે લિસ્ટ થયો હતો. જ્યારે એનએસઈ ખાતે તે 8.8 ટકા ઘટાડે રૂ. 1359 પર લિસ્ટ થયો હતો. બજાર બંધ થતાં અગાઉ તેણે બીએસઈ ખાતે રૂ. 1489ની ટોચ દર્શાવી હતી આખરે રૂ. 1433 પર 4 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આઈપીઓ મોંઘો હોવાના કારણે રોકાણકારો તરફથી તેને મોળો પ્રતિભાવ જ મળ્યો હતો અને તે માત્ર 3.82 ગણો છલકાયો હતો. જોકે તાજેતરમાં એક પછી એક આઈપીઓના સારા લિસ્ટીંગને જોતાં ચાન્સ લેવા માગતા રિટેલર્સે ભરણામાં ભાગ લીધો હતો અને રિટેલ હિસ્સો 4 ગણો છલકાયો હતો. એક અન્ય આઈપીઓ લક્ષ્મી ઓર્ગેનિકને બજારે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો અને તે 107 ગણો છલકાયો હતો. જેમાં એચએનઆઈ હિસ્સો 218 ગણો જ્યારે રિટેલ હિસ્સો 20 ગણો છલકાયો હતો. જોકે આમ છતાં લક્ષ્મી ઓર્ગેનિકનું લિસ્ટીંગ માત્ર 20 ટકા પ્રિમીયમે થયું હતું. બીએસઈ ખાતે રૂ. 130ના ઓફર ભાવ સામે શેર રૂ. 156ના ભાવે ખૂલ્યો હતો. લિસ્ટીંગ બાદ શેર વધીને રૂ. 174.60ની ટોચ બનાવી રૂ. 143.25 પર જોવા મળ્યો હતો અને કામકાજના અંતે 26.50 ટકા સુધારે રૂ. 164.45 પર બંધ રહ્યો હતો. જેણે હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સને નિરાશ કર્યાં હતાં. ચાલુ સપ્તાહે લિસ્ટ થયેલા ત્રણેય આઈપીઓમાં તેમણે મોટુ નુકસાન ખમવાનું થયું છે.
11 ડેરિવેટિવ્સ સિરિઝ બાદ માર્ચમાં નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો
ફેબ્રુઆરી સિરિઝના અંતે 15097 પર બંધ રહેલો સ્પોટ નિફ્ટી 5.1 ટકા ઘટી 14324 પર બંધ રહ્યો
બેન્ચમાર્કે 13350નો મહત્વનો સપોર્ટ તૂટતાં જાન્યુઆરીમાં જોવા મળેલું 13600નું તળિયું જોવા મળે તેવી સંભાવના
શેરબજાર ટ્રેડર્સ માટે માર્ચ ડેરિવેટિવ્સ સિરિઝ નોંધપાત્ર સમયગાળા બાદ નુકસાનકારક પુરવાર થઈ છે. ગુરુવારે પૂરી થયેલી માર્ચ સિરિઝના અંતે નિફ્ટીએ 773 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાવ્યો હતો. જે માર્ચ 2020 સિરિઝ પછીનો એબ્સોલ્યુટ નંબરની રીતે સૌથી મોટો ઘટાડો છે. એપ્રિલ 2020 સિરિઝ બાદ માર્કેટમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળ્યો હતો અને માર્ચ(2021) સિરિઝ સુધીના 11 મહિના દરમિયાન માત્ર બે દરમિયાન જ માર્કેટે નેગેટિવ દેખાવ દર્શાવ્યો હતો.
ગુરુવારે સ્પોટ નિફ્ટી 15097 પર બંધ રહ્યો હતો. જે ફેબ્રુઆરી સિરિઝના અંતે 15097ના બંધ ભાવ સામે 5.12 ટકા અથવા 773 પોઈન્ટ્સ ઘટાડો દર્શાવતો હતો. અગાઉ સપ્ટેમ્બર(2020) સિરિઝમાં નિફ્ટી 405 પોઈન્ટ્સના ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જોકે ટકાવારીની રીતે તેણે 6.52 ટકાનો માર્ચ સિરિઝ કરતાં ઊંચો ઘટાડો નોંધાવ્યો હતો. તે વખતે નિફ્ટી 11000ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. મે(2020) સિરિઝમાં નિફ્ટી 3.75 ટકા થવા 347 પોઈન્ટ્સ ઘટ્યો હતો. જે વખતે તે 9000ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જાન્યુઆરી(2021) સિરિઝમાં માર્કેટમાં 1.17 ટકાનો સાધારણ ઘટાડો નોંધાયો હતો. જોકે ત્યારબાદ બજેટની પાછળ ગઈ ફેબ્રુઆરી સિરઝમાં બજારે 9.26 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો અને તેણે 15440ની સર્વોચ્ચ સપાટી પર દર્શાવી હતી. જોકે માર્ચ સિરિઝમાં બજાર ઊંચા મથાળે ટકવામાં અસમર્થ રહ્યું હતું અને સિરિઝના 19 ટ્રેડિંગ સત્રોમાંથી 13 દરમિયાન તેણે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. જે સૂચવે છે કે ધીમે-ધીમે માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ બનવા તરફ આગળ વધ્યો હતો. સમગ્ર સિરિઝ દરમિયાન ઊંચી વોલેટિલિટી જળવાય હતી અને બેન્ચમાર્ક મોટાભાગના સત્રો દરમિયાન 15000ની સપાટી નીચે જ ટ્રેડ થયો હતો. હવે બજાર માટે આગામી દિવસોમાં 15000 એક મહત્વનો અવરોધ બની રહેશે અને તે પાર કરવામા તેણે ખૂબ તાકાત લગાવવી પડશે.
માર્કેટ નિરીક્ષકોના મતે માર્ચ સિરિઝમાં વૈશ્વિક બજારોમાં બોન્ડ યિલ્ડ્સ મહત્વનું ટ્રિગર બની રહ્યાં હતાં. જ્યારે છેલ્લા એક સપ્તાહથી કોવિડના વધતાં કેસિસે પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી હતી. ગયા શુક્રવારે નિફ્ટી 14350નો સપોર્ટ લઈ તીવ્ર બાઉન્સ દર્શાવી પોઝીટીવ બંધ આવ્યો હતો અને તેણે ટ્રેડર્સને થોડી આશા આપી હતી. જોકે ચાલુ સપ્તાહે બજાર ઊંચા સ્તરે ટકવામાં અસમર્થ રહ્યું હતું અને માર્ચ એક્સપાયરીના દિવસે નિફટીએ 14350નો મહત્વનો સપોર્ટ ગુમાવ્યો હતો. સામાન્યરીતે એક્સપાયરી વીકમાં શોર્ટ કવરિંગ પાછળ સુધારો જોવા મળતો હોય છે. જ્યારે માર્ચ સિરિઝમાં આમ નથી થયું. નિફ્ટીને હવે 14000નો સાયકોલોજિકલ સપોર્ટ છે. જે તૂટતાં તે 13600ના લગભગ બે મહિના અગાઉ જાન્યુઆરી આખરમાં જોવા મળેલા સ્તરને ફરીથી દર્શાવે તેવી શક્યતા એનાલિસ્ટ્સ વ્યક્ત કરે છે. આમ નિફ્ટીનો ટૂંકાગાળાનો ટ્રેન્ડ ઘટાડાતરફી બન્યો છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો પણ સ્થાનિક બજારમાં ચોખ્ખી વેચવાલી દર્શાવી રહ્યાં છે. બુધવારે તેમણે ભારતીય બજારમાં રૂ. 2000 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું.
છેલ્લી 12 ડેરિવેટિવ્સ સિરિઝમાં બજારનો દેખાવ
સિરિઝ વધ-ઘટ(%)
માર્ચ (-)5.12
ફેબ્રુઆરી 9.26
જાન્યુઆરી(2020) 1.17
ડિસેમ્બર 7.66
નવેમ્બર 11.28
ઓક્ટોબર 8.01
સપ્ટેમ્બર (-)6.52
ઓગસ્ટ 4.12
જુલાઈ 7.96
જૂન 8.42
મે (-)3.75
એપ્રિલ 14.10