બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
આખરી કલાકમાં ઓચિંતી વેચવાલી પાછળ બજાજ કડડભૂસ
નિફ્ટીએ 17500નું સ્તર જાળવી રાખ્યું
PSU બેંક ઈન્ડેક્સ 2.74 ટકા ઉછળ્યો
આઈટી, ફાર્મા, મેટલ, ઓટોમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.2 ટકા ઉછળી 19.57ની સપાટીએ
લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે બ્રોડ માર્કેટમાં પોઝીટીવ બ્રેડ્થ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મજબૂતી
હોંગ કોંગ બજારમાં ત્રણ ટકાથી ઊંચો ઉછાળો
ઓગસ્ટ એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી. મોટાભાગના સમય દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવતું રહેલું બજાર આખરી એક કલાકમાં ઓચિંતી વેચવાલી પાછળ કડડભૂસ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 311 પોઈન્ટ્સ ઘટી 58775ની સપાટીએ જ્યારે નિફ્ટી 83 પોઈન્ટ્સ ગગડી 17522ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. સેન્સેક્સના 30માંથી 25 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે નિફ્ટીના 50માંથી 34 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જોકે આમ છતાં મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલીનું પ્રમાણ મર્યાદિત જોવા મળ્યું હતું અને બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.2 ટકા ઉછળી 19.57ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયાઈ બજારોમાં સાર્વત્રિક સુધારા વચ્ચે ભારતીય બજારે પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યારબાદ બેન્ચમાર્ક્સ મોટાભાગનો સમય ફ્લેટ ટ્રેડ દર્શાવતાં રહ્યાં હતાં. જોકે આખરી એક કલાકમાં એકાએક વેચવાલી નીકળી હતી અને બજાર જોત-જોતામાં નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. નિફ્ટી બંધ થતાં અગાઉ 17500ની નીચે 17487ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે તેણે 17500 પર બંધ જાળવ્યું હતું. આમ ટેકનિકલી તે હજુ પણ મજબૂત જળવાયો છે. છેલ્લાં ત્રણ સત્રોથી માર્કેટ એક પ્રકારે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. સોમવારે ઘટાડા બાદ મંગળવાર અને ગુરુવારે ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફરીને બંધ દર્શાવનાર બજાર ગુરુવારે ઈન્ટ્રા-ડે ટોચ પરથી ઊંધા માથે પટકાઈને બંધ રહ્યું હતું. આમ સરવાળે તે ત્યાંનું ત્યાં જ રહ્યું હતું. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ધોરણે ટોચ પરથી 709 પોઈન્ટ્સ તૂટ્યો હતો. અલબત્ત, બજારમાં ક્યાંય ટ્રેન્ડ રિવર્સલ કે પેનિક જોવા મળ્યાં નથી. એનાલિસ્ટ્સના મતે પ્રથમ ક્વાર્ટર માટેના જીડીપી આંકડો મહત્વનો બની રહેશે. જો તે ધારણાથી ઉપર આવશે તો બજાર શુક્રવારે પોઝીટીવ પ્રતિક્રિયા આપી શકે છે. જ્યારે તેનાથી અવળી સ્થિતિમાં માર્કેટ વધુ ઘસાઈ શકે છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો ફરી 100 ડોલરને પાર કરી ગયો છે. જે ભારત જેવા અર્થતંત્ર માટે ચિંતાનું કારણ છે. છેલ્લાં ત્રણ મહિનામાં અનેકવાર 100 ડોલરની નીચે ગયા બાદ તે ઝડપથી પરત ફરી જાય છે. શુક્રવારે જેક્સન હોલમાં ફેડ ચેરમેન શું બોલે છે તેના પર પણ બજારની નજર છે. જો તેઓ એકાદ રેટ વૃદ્ધિ બાદ પોઝનો સંકેત આપશે તો બજારમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ બની શકે છે. માર્કેટ સપ્ટેમ્બરમાં 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિને લગભગ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. આમ તેમના ભાષણની બજાર પર મોટી અસર થવાની શક્યતાં નથી. ડોલર ઈન્ડેક્સ પણ 109ની સપાટી પર જઈ પરત ફર્યો છે. જોકે તેમાં સુધારાનો ટ્રેન્ડ અકબંધ છે. જો તે 109.14ની ટોચને પાર કરશે તો 111-112ની રેંજ દર્શાવી શકે છે. જે સ્થિતિમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ ફરી અટકી શકે છે.
ગુરુવારે માર્કેટને બેંકિંગ તરફથી મહત્વન સપોર્ટ સાંપડ્યો હતો. જોકે આખરી દોરમાં જોવા મળેલી વેચવાલીમાં બેંક નિફ્ટી પણ નેગેટિવ બંધ રહ્યો હતો. માત્ર પીએસયૂ બેંક્સે સુધારો જાળવી રાખ્યો હતો અને નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.74 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં સેન્ટ્રલ બેંક 10 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવતો હતો. જ્યારે ઈન્ડિયન બેંક 6 ટકા, પીએનબી 5 ટકા, યુનિયન બેંક 4.6 ટકા, યુકો બેંક 4.4 ટકા અને જેકે બેંક 4.3 ટકા સુધારો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટીમાં સતત ત્રીજા દિવસે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તે 1.5 ટકા સુધારો દર્શાવતો હતો. રિઅલ્ટી કાઉન્ટર્સમાં ફિનિક્સ મિલ્સ 4 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 3.3 ટકા, ગોદરેજ પ્રોપર્ટી 2.7 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 2.2 ટકા અને હેમિસ્ફીઅર 1.7 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઈન્ડેક્સમાં નહિ સમાવિષ્ટ એવી કોલ્ટે પાટીલનો શેર 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી 0.9 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવતો હતો. ટોચની કંપનીઓ જેવીકે ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી અને વિપ્રો સહિત તમામ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. ટેક મહિન્દ્રાનો શેર ઈન્ટ્રા-ડે લો પરથી હાઈ બનાવ્યા બાદ ફરી ગગડ્યો હતો. નિફ્ટી મેટલ 0.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેના મહત્વના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝ 2.2 ટકા, વેલસ્પન કોર્પ 2 ટકા, એપીએલ એપોલો 2 ટકા, વેદાંત 0.5 ટકા અને નાલ્કો 0.5 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા અને એફએમસીજી પણ નરમાઈ સૂચવતાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં લ્યુપિન 2 ટકા, ઝાયડસ લાઈફ 1.6 ટકા, ટોરેન્ટ ફાર્મા 1.4 ટકા અને ઓરોબિંદો ફાર્મા 1.2 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. એફએમસીજી કાઉન્ટર્સમાં ઈમામી 2.6 ટકા, ડાબર ઈન્ડિયા 1.3 ટકા, કોલગેટ 1.2 ટકા અને મેરિકો 1 ટકા નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કેટલાંક કાઉન્ટર્સ જેવાકે ભેલ 8 ટકા ઉછાળે બંધ રહ્યાં હતાં. આ ઉપરાંત એલએન્ડટી ફાઈનાન્સ 7 ટકા, સિટિ યુનિયન બેંક 6.5 ટકા, આઈડીએફસી 5.4 ટકા, સીજી કન્ઝ્યૂમર 5.4 ટકા, યુનાઈટેડ સ્પિરિટ્સ 5.2 ટકા, આરબીએલ બેંક 5 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ કોરોમંડળ ઈન્ટરનેશનલ 5 ટકા ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત નિપ્પોન 3.2 ટકા, અદાણી પોર્ટ્સ 2.5 ટકા, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 2.2 ટકા, આઈજીએલ 2 ટકા ઘટાડો દર્શાવતા હતાં. બીએસઈ ખાતે જોકે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3552 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1905 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1517 નેગેટિવ ક્લોઝ સૂચવતાં હતાં. 170 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યા હતાં. 130 કાઉન્ટર્સે તેમના અગાઉના સ્તર પર ફ્લેટ બંધ આપ્યું હતું.
માત્ર ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બેંક શેર્સનું 35 ટકાનું જંગી રિટર્ન
યસ બેંકનો શેર સોમવારે રૂ. 98ના બંધ ભાવેથી ગુરુવારે રૂ. 133ની ટોચ પર ટ્રેડ થયો
ત્રીજી હરોળના પીએસયૂ બેંક શેર્સે પણ દ્વિઅંકી રિટર્ન દર્શાવ્યું
છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બેન્ચમાર્ક્સ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે ત્યારે નાની અને મધ્યમ કદની બેંકિંગ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. સોમવારના બંધ ભાવથી ગુરુવારની ટોચ સુધીમાં બેંકિંગ કાઉન્ટર્સે 35 ટકા સુધીનું તગડું રિટર્ન દર્શાવ્યું હતું. જે સ્મોલ બેંક્સમાં રોકાણકારોનો વધી રહેલો ઈન્ટરેસ્ટ સૂચવે છે.
મંગળવારથી ગુરુવાર દરમિયાન તીવ્ર રિટર્ન દર્શાવનાર કાઉન્ટરમાં આરબીએલ બેંકનો શેર ટોપ પર જોવા મળે છે. સોમવારે રૂ. 98ની સપાટી પર બંધ રહેલો શેર ગુરુવારે રૂ. 133ની ટોચ પર ટ્રેડ થયો હતો. બુધવારે 17 ટકાથી વધુનો ઉછાળો દર્શાવ્યા બાદ ગુરુવારે તે વધુ 5 ટકા સુધર્યો હતો. એક કોલેજ રિટાર્મેન્ટ ફંડ તરફથી બેંકમાં 46 લાખ શેર્સની જંગી ખરીદી પાછળ શેરમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લાં બે મહિનામાં તેણે જંગી મૂડી ધોવાણ દર્શાવ્યું હતું અને તેથી તે ઐતિહાસિક તળિયા પર સસ્તાં વેલ્યૂએશન પર પ્રાપ્ય હતો. આરબીએલ ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરે ત્રણ સત્રોમાં 15 ટકાનું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું. બેંક શેર રૂ. 44ની સપાટી પરથી રૂ. 50ની સપાટીને પાર કરી ગયો હતો. પીએસયૂ બેંક શેર્સમાં આઈડીબીઆઈનો શેર પણ 13 ટકાનું રિટર્ન સૂચવી રહ્યો હતો. બીજી અને ત્રીજી હરોળની પીએસયૂ બેંકના શેર્સમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. જેમાં યુનિયન બેંક(11 ટકા), ઈન્ડિયન બેંક(9 ટકા), કેનેરા બેંક(9 ટકા), ફેડરલ બેંક(9 ટકા) અને બેંક ઓફ બરોડા(9 ટકા) સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ બેંકિંગ શેર્સમાં 1-2 ટકા સુધારો જ જોવા મળ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે જૂન ક્વાર્ટરમાં નાની બેંકિંગ કંપનીઓએ પ્રોવિઝન્સમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે બીજી બાજુ ક્રેડિટ માગ ઊંચી છે અને તેથી જ રોકાણકારોમાં નાના બેંક શેર્સમાં ખરીદીનો રસ વધ્યો છે. જે હજુ કેટલોક સમય જળવાય રહેવાની શક્યતાં છે. ગુરુવારે એક દિવસની જ વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો શેર લગભગ 10 ટકા જેટલો ઉછળ્યો હતો.
બેંક શેર્સનો ત્રણ સત્રોમાં દેખાવ
સ્ક્રિપ્સ 22 ઓગસ્ટનો બંધ ભાવ(રૂ.) 25 ઓગસ્ટનો બંધ ભાવ(રૂ) ફેરફાર(ટકામાં)
RBL બેંક 98 133 35
IDFC ફર્સ્ટ બેંક 44 50 15
IDBI 39 44 13
PNB 32 36 11
યુનિયન બેંક 39 44 11
ઈન્ડિયન બેંક 175 191 9
કેનેરા બેંક 222 242 9
ફેડરલ બેંક 107 116 9
BOB 118 128 8
BOI 49 52 7
આંધ્ર બેંક 42 45 7
સાઉથ બેંક 8 9 7
NARCLનો 32K કરોડના પાંચ લોન એકાઉન્ટ્સ ખરીદવાનો પ્રસ્તાવ
પાંચ એકાઉન્ટમાં ફ્યુચર રિટેલ રૂ. 17511 કરોડના ઋણ સાથે સૌથી મોટું
ઉપરાંત મેકનેલી ભારત, GTL, CCCL અને રેન્બો પેપર્સનો પણ સમાવેશ
સરકારે પ્રમોટ કરેલી બેડ બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઓફ ઈન્ડિયા(NARCL)એ ગયા સપ્તાહે પાંચ ડિસ્ટ્રેસ્ટ લોન એકાઉન્ટ્સ ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. આ પાંચ એકાઉન્ટ્સનું કુલ ડેટ રૂ. 32 હજાર કરોડથી વધુ થવા જાય છે. જેમાં રૂ. 17511 કરોડ સાથે ફ્યુચર રિટેલ સૌથી મોટું બેડ ડેટ એકાઉન્ટ છે.
NARCLએ બે એન્જિનીયરીંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપનીઓના ડેટને ખરીદવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જેમાં મેકનેલી ભારત એન્જિનીયરીંગ અને કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન લિ.(સીસીસીએલ)નો સમાવેશ થાય છે. સરકાર રચિત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ તાજેતરમાં જ આ કંપનીઓના લેન્ડર્સને એક પત્ર મારફતે પ્રસ્તાવ પાઠવ્યો છે. પાંચમી કંપની રેન્બો પેપર્સ છે. ફ્યુચર રિટેલ બાદ બીજા ક્રમે મેકનેલી ભારત રૂ. 4840 કરોડ, જીટીએલ રૂ. 4866 કરોડ, સીસીસીએલ રૂ. 2693 કરોડ અને રેન્બો પેપર્સ રૂ. 1136 કરોડનું ડેટ ધરાવે છે. આ ડેવલપમેન્ટને નજીકથી જોઈ રહેલાં વર્તુળો જણાવે છે કે એકવાર લેન્ડર્સ તરફથી લેખિતમાં મંજૂરી મળ્યાં બાદ જ NARCL બાઈન્ડિંગ ઓફર કરશે. અગાઉ એઆરસીએ એવો સંકેત આપ્યો હતો કે જો 75 ટકા લેન્ડર્સ સહમત થશે તો તે બાઈન્ડિંગ ઓફર્સ કરશે. જોકે તમામ લેન્ડર્સની મંજૂરી બાદ NARCL રેઝોલ્યુશન પ્રોસેસ પર નિયંત્રણ ધરાવી શકશે. આઉટ-ઓફ-કોર્ટ રેઝોલ્યુશનમાં 75 ટકા લેન્ડર્સની સહમતિ સાથે પ્રસ્તાવનો અમલ કરી શકાય છે. બેંક્ટ્રપ્સી કોર્ટમાં 66 ટકા લેન્ડર્સની મંજૂરીની જરૂરિયાત રહેતી હોય છે. ગયા સપ્તાહે પ્રસ્તાવિત પાંચ બેડ ડેટ એકાઉન્ટ્સમાં સૌથી ઊંચો દાવો ફ્યુચર રિટેલ માટેનો છે. જ્યારે સૌથી નીચો દાવો રેન્બો પેપર્સ માટેનો છે. રેન્બો પેપર્સનું ડેટ ખરીદવા માટેનો આ બીજો પ્રયાસ છે. અગાઉ લેન્ડર્સે NARCLની 10 ટકા રિકવરીની ઓફરને ઠૂકરાવી દીધી હતી. કંપની રૂ. 1136 કરોડનું ડેટ ધરાવે છે. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જીટીએલ રૂ. 4866 કરોડનું ડેટ ધરાવે છે. ગયા મહિને એનઆરસીએલે કુલ રૂ. 93249 કરોડની લોન્સ ધરાવતાં 17 એકાઉન્ટ્સ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં પાંચ ફ્યુચર ગ્રૂપ કંપનીઓનો સમાવેશ થતો હતો. જ્યારે બે શ્રેઈ ગ્રૂપ એકાઉન્ટ્સનો સમાવેશ થતો હતો. NARCL કુલ રકમના 15 ટકા કેશ ઓફર કરી રહી છે. જ્યારે બાકીના 85 ટકા રકમ સિક્યૂરિટી રિસિટ્સ સ્વરૂપમાં ચૂકવવામાં આવશે. NARCLને બેડ લોન્સના વેચાણમાં સૌથી મોટું આકર્ષણ એ છે કે સિક્યૂરિટી રિસિટ્સ સરકાર તરફથી સંપૂર્ણ ગેરંટી ધરાવે છે.
NARCL દ્વારા પ્રસ્તાવિત બેડ લોન એકાઉન્ટ્સ
કંપની કુલ બેડ લોન(રૂ. કરોડમાં)
ફ્યુચર રિટેલ 17511
મેકનેલી ભારત 4840
GTL 4866
CCCL 2693
રેન્બો પેપર્સ 1136
એક્સપાયરી નજીક પહોંચેલા AIFsને વધુ બે વર્ષ જીવતદાન મળવાની શક્યતાં
અનલિસ્ટેડ હોલ્ડિંગ્સને વેચવા માટે સંઘર્ષ કરી રહેલાં PE અને VC ફંડ્સને રાહત મળશે
એક્સપાયર થવા આવેલા અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ(AIFs)ને માર્કેટ રેગ્યુલેટર સેબી વધુ બે વર્ષ માટે જીવતદાન આપવાની વિચારણા કરી રહી હોવાનું જાણકારોનું કહેવું છે. સેબીની વિચારણાએ અનેક પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચક કેપિટાલિસ્ટ ફંડ્સને રાહત આપી છે. કેમકે જીવનના આખરી તબક્કામાંથી પસાર થઈ રહેલા ઘણા એઆઈએફ્સ તેમના અનલિસ્ટેડ કંપનીઓમાંના રોકાણને ઓફલોડ કરવામાં પડકારનોનો સામનો કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે લિક્વિડિટી ટાઈટનીંગને કારણે વેચાણ કઠિન બન્યું છે.
વર્તમાન નિયમો હેઠળ ક્લોઝ-એન્ડેડ એઆઈએફ લઘુત્તમ ત્રણ વર્ષ અને મહત્તમ 10 વર્ષોનું આયુષ્ય ધરાવતાં હોય છે. જો એઆઈએફ્સ તેમના રોકાણકારોની મંજૂરી મેળવે તો મહત્તમ 10 વર્ષના પિરિયડને વધુ બે વર્ષ માટે લંબાવી શકાય છે. સેબી આ બે વર્ષ ઉપરાંત વધુ બે વર્ષના લંબાણ માટેનું વિચારી રહી છે. જે એઆઈએફની કુલ લાઈફને 14 વર્ષોની બનાવે છે. જોકે સેબીનું પગલું કેટલીક શરતો સાથે જોવા મળે તેવી શક્યતાં છે. જેમાં એક વિચારણા ફંડના આયુષ્યને લંબાવવા માટે ઈન્વેસ્ટર્સ તરફથી લઘુત્તમ મંજૂરીની મર્યાદાને વધારવાની છે. એટલે કે બે વર્ષના એક્સટેન્શન માટે બે તૃતિયાંશ ઈન્વેસ્ટર્સની મંજૂરી, ત્રણ વર્ષ માટે એક્સટેન્શન માટે ત્રણ ચતુર્થાંશ અને ચોથા વર્ષ માટે 90 ટકા ઈન્વેસ્ટર્સની મંજૂરી જરૂરી હોવાની વિચારણા સેબી કરી રહી છે. અનલિસ્ટેડ માર્કેટ્સમાં લિક્વિડીટીની સ્થિતિને ધ્યાનમાં રાખી સેબી આવા એક્સટેન્શન માટે ઓપરેટીંગ પ્રોસિજર્સ પણ જાહેર કરવા વિચારી રહી છે. અત્યાર સુધી સેબી કેસ-ટુ-કેસ બેસીસ પર એક્સટેન્શન આપતી હતી. જોકે નવા નિયમો તમામ AIFsને લાભકર્તાં બનશે.
AIFs માટે વર્તમાન નિયમો
ક્લોઝ-એન્ડેડ AIF લઘુત્તમ 3 વર્ષ અને મહત્તમ 10 વર્ષનું આયુષ્ય ધરાવે છે
10-વર્ષના મહત્તમ આયુષ્યને AIF રોકાણકારોની સહમતિથી બે વર્ષ માટે લંબાવી શકે છે
સેબી આ બે વર્ષ ઉપરાંત વધુ બે વર્ષના એક્સટેન્શન માટે વિચારી રહી છે
ટોરેન્ટ ફાર્મા સ્કિનકેર કંપની ક્યૂરેશિઓ ખરીદશે
અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ ક્યૂરેશિઓ હેલ્થકેરની ખરીદી કરવા જઈ રહી હોવાનું જાણવા મળે છે. ક્યૂરેશિયો સ્કિનકેર પ્રોડક્ટસ ઉત્પાદક છે. આ ડીલની વેલ્યૂ રૂ. 2100 કરોડ આસપાસ હોવાનું જાણકારોનું કહેવું છે. આ ટ્રાન્ઝેક્શનમાં ક્યૂરેશિઓના વર્તમાન રોકાણકારો એક્ઝિટ લેશે. જેમાં ક્રિસકેપિટલ અને સિક્વોઈઆ કેપિટલનો સમાવેશ થાય છે. આ બંને કંપનીઓ ક્યુરેશિઓમાં અનુક્રમે 20 ટકા અને 33 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના પ્રમોટર જીકે રામાણી અને મેનેજમેન્ટ પણ કંપની છોડી રહ્યાંનું જાણવા મળે છે. આ ડીલ આગામી બે સપ્તાહમાં સાઈન થવાની શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. ચેન્નાઈ સ્થિત ક્યૂરેશિઓની ખરીદીમાં ટોરેન્ટ ફાર્મા અને કેકેઆરનો અંકુશ ધરાવતી જેબી કેમિકલ્સ, એ બે આખરી દાવેદારો હતાં. ક્યૂરેશિઓની ખરીદી માટેના બીજા રાઉન્ડમાં લગભગ અડધો ડઝન જેટલી ફાર્મા કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવીહતી. જેમાં ઓરોબિંદો, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબો, જેબી કેમિકલ્સ, ટોરેન્ટ ફાર્મા અને ઝાયડસ હેલ્થકેરનો સમાવેશ થતો હતો.
ડોલર સામે રૂપિયો 7 પૈસા ગગડ્યો, સોનું ઉછળ્યું
ભારતીય ચલણમાં ડોલર સામે નરમાઈનો ક્રમ યથાવત છે. ગુરુવારે રૂપિયો ગ્રીનબેક સામે વધુ 7 પૈસા ગગડી 79.93ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં સ્થાનિક બજારમાં રૂપિયો નરમાઈ સૂચવતો હતો. બુધવારે 79.86ની બંધ સપાટી સામે ગુરુવારે રૂપિયો 79.80ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 79.93ના સ્તરે ટ્રેડ થયો હતો અને ત્યાં જ બંધ રહ્યો હતો. આમ રૂપિયો તેના બે સપ્તાહ અગાઉના ઓલ-ટાઈમ લો આગળ આવીને ઊભો છે. જો આગામી સપ્તાહે ડોલરમાં મજબૂતી જળવાશે તો રૂપિયો નવું તળિયું દર્શાવે તેવી પૂરી શક્યતાં જોવામાં આવે છે. રૂપિયાએ ત્રણેક સપ્તાહ અગાઉ ઈન્ટ્રા-ડે ધોરણે 80.06નું તળિયું બનાવ્યું હતું. દરમિયાનમાં વૈશ્વિક બજારમાં ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડ ઉછળીને 1780 ડોલર નજીક પહોંચ્યું હતું. છેલ્લાં બે સત્રોથી તે ફરી મજબૂતી દર્શાવી રહ્યું છે. જોકે શુક્રવારે જેકસન હોલ મિટિંગમાં ફેડ ચેરમેન શું બોલે છે તેના પર ગોલ્ડની ભાવિ ચાલનો આધાર રહેલો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
બીઈએમએલઃ પીએસયૂ કંપનીએ તેનામાંથી ડિમર્જર બાદ છૂટી પડનારી બીઈએમએલ લેન્ડ એસેટ્સ લિમિટેડના શેર મેળવવાની યોગ્યતા માટે 9 સપ્ટેમ્બરને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરી છે. કંપનીના એક શેર સે બીઈએમએલ લેન્ડ એસેટ્સનો એક શેર મળશે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંક એટી-1 બોન્ડ્સ મારફતે એક કે એકથી વધુ તબક્કામાં રૂ. 2500 કરોડની રકમ ઊભી કરે તેવી અપેક્ષા છે. અન્ય પીએસયૂ બેંક્સ પણ ચાલુ મહિને એટી-1 બોન્ડ્સ મારફતે ઊંચું ફંડ ઊભું કરે તેવી ધારણા છે.
પ્રતાપ સ્નેક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 11.4 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 278.3 કરોડ પરથી વધી રૂ. 375.7 કરોડ પર રહી હતી.
જેકે ટાયરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 37.2 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 46.3 કરોડની સરખામણીમાં 20 ટકા ઊંચો હતો. કંપનીની આવક રૂ. 2608 કરોડ પરથી 40 ટકા ઉછળી રૂ. 3643 કરોડ રહી હતી.
સંવર્ધન મધરસનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 141.2 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 289.6 કરોડની સરખામણીમાં 51 ટકા ઊંચો હતો. કંપનીની આવક રૂ. 16024 કરોડ પરથી 9 ટકા વધી રૂ. 17454 કરોડ રહી હતી.
પરાગ મિલ્કઃ ડેરી કંપનીએ જાણીતા ઈન્વેસ્ટર્સ અને પ્રમોટર્સ પાસેથી પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફતે રૂ. 131 કરોડની રકમ ઊભી કરી છે.
પીબી ફિનટેકઃ કંપનીના બોર્ડે અબુધાબી ખાતે નવી ટેક કંપની સ્થાપવા માટે ઓનલાઈન ઈન્શ્યોરન્સ સેલર પોલિસીબઝારમાં રૂ. 650 કરોડના ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે.
પાવર મેકઃ કંપનીના બોર્ડે પ્રમોટર્સને પ્રેફરન્સ ઈસ્યૂ મારફતે ફંડ ઊભું કરવા માટે બોર્ડ મિટિંગનું આયોજન કર્યું છે.
આરબીએલ બેંકઃ ખાનગી ક્ષેત્રની બેંકમાં કોલેજ રિટાયર્મેન્ટ ફંડે 45,84,678 શેર્સની ખરીદી કરી છે. જેની પાછળ બુધવારે બેંકનો શેર 18 ટકા જેટલો ઉછળ્યો હતો.
અબાન ઓફશોરઃ કંપનીએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રૂ.125 કરોડ માટે સાથે વન-ટાઈમ ડેટ સેટલમેન્ટ પેક્ટમાં પ્રવેશ કર્યો છે.
બીપીસીએલઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપનીએ 50 કરોડ ડોલરની ઈસીબી લોન માટે લેન્ડર્સ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસઃ અદાણી જૂથની ફ્લેગશિપ કંપનીએ બે નવી માઈનીંગ સબસિડિયરીઝની સ્થાપના કરી છે.
વિપ્રોઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ બ્રાઝિલમાં તેના ઓપરેશન્સ માટે કન્ટ્રી હેડ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વેગનેર જિસસની નિમણૂંક કરી છે.
એનએચપીસીઃ પીએસયૂ હાઈડ્રો પાવર કંપનીએ રાજસ્થાન સરકાર સાથે 10 મેગાવોટના અલ્ટ્રા મેગા રિન્યૂએબલ એનર્જી પાર્ક માટે સમજૂતી કરાર કર્યાં છે.
ભારતી એરટેલઃ સિંગટેલ ભારતી એરટેલમાં 3.3 ટકા હિસ્સાને ટ્રાન્સફર કરશે.
યૂફ્લેક્સઃ આદિત્ય બિરલા ફાઈનાન્સે 11.7 લાખ પ્લેજ્ડ શેર્સને છૂટા કર્યાં છે.
Market Summary 25 August 2022
August 25, 2022