માર્કેટ સમરી
એક્સપાયરી અગાઉ બજારમાં સાંકડી રેંજમાં ટ્રેડ
ગુરુવારે ઓગસ્ટ સિરીઝ એક્સપાયરી અગાઉ માર્કેટમાં સાંકડી રેંજમાં ટ્રેડ જોવા મળ્યો હતો. નિફ્ટી 100 પોઈન્ટ્સથી પણ નાની રેંજમાં અથડાઈ 10 પોઈન્ટ્સના સુધારે 16635ના સ્તરે બંધ રહ્યો હતો. બેંકિંગ, ઓટો, ફાર્મા, રિઅલ્ટી અને ઈન્ફ્રા સેક્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. જોકે આઈટી શેરોમાં મજબૂતી પાછળ બજારનો સપોર્ટ સાંપડ્યો હતો. ટીસીએસ સહિત ઘણા મીડ-કેપ આઈટી કાઉન્ટર્સે તેમની નવી ટોચ દર્શાવી હતી.
ઈન્ડિયા વિક્સમાં ધીમી વૃદ્ધિ ચાલુ
ઈન્ડિયા વિક્સમાં ધીમી વૃદ્ધિનો ક્રમ ચાલુ છે. બુધવારે તે 2.3 ટકા ઉછળી 13.49 પર બંધ રહ્યો હતો. એકબાજુ ભારતીય બજાર નવી ટોચ દર્શાવી રહ્યું છે. બીજી બાજુ વિક્સમાં ધીરે-ધીરે સુધારો જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે આગામી સમયગાળા દરમિયાન બજારમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે.
માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
સતત બીજા દિવસે બજારમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં સારો દેખાવ જળવાયો હતો. બીએસઈ ખાતે 3310 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2000 સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 1210માં નરમાઈ જોવા મળી રહી હતી. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.32 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.8 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
ટાટા સન્સની કામકાજી આવક 62 ટકા ગગડી રૂ. 9460 કરોડ
ટાટા જૂથની કંપનીઓની માલિક કંપની ટાટા સન્સ પ્રા. લિ.ની નાણા વર્ષ 2020-21ની કામકાજી આવકમાં 62 ટકા ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષે રૂ. 24,770.46 કરોડ સામે ગયા વર્ષે તેણે રૂ. 9460.24 કરોડની આવક દર્શાવી હતી. કંપનીની કામકાજી આવકમાં મોટો હિસ્સો તેની સબસિડિયરીઝે આપેલી ડિવિડન્ડની આવકનો હોય છે. 2019-20માં ટીસીએસે સ્પેશ્યલ ડિવિડન્ડ આપ્યું હોવાથી કંપનીની આવક ઊંચી જોવા મળી હતી. 2020-21માં અન્ય આવક રૂ. 10138 કરોડ હતી. જે અગાઉના વર્ષે રૂ. 125.93 કરોડ પર હતી. આમ થવાનું મુખ્ય કારણ ટીસીએસના બાયબેકમાંથી થયેલી આવક હતું. કંપની અન્ય ટાટા જૂથ કંપનીઓની સરખામણીમાં ટીસીએસમાં ઊંચો હિસ્સો ધરાવે છે. આમ આવકમાં ટીસીએસનો હિસ્સો મુખ્ય છે.
સાત વર્ષોમાં CSR પાછળ રૂ. એક લાખ કરોડ ખર્ચ્યાં
ભારતીય કોર્પોરેટ જગતે સીએસઆરને લઈને નવો નિયમ અમલમાં આવ્યાંથી અત્યાર સુધીના સાત વર્ષોમાં રૂ. એક લાખ કરોડની રકમનો ખર્ચ કર્યો છે. નાણાકિય વર્ષ 2020-21 માટે આ રકમ રૂ. 22 હજાર કરોડની સપાટી પાર કરી જાય તેવી શક્યતા હોવાનું રેટિંગ એજન્સી ક્રિસિલનો રિપોર્ટ જણાવે છે. જે અત્યાર સુધીની સૌથી ઊંચી રકમ હશે. કોર્પોરેટ બાબતોના વિભાગે 2014-15 દરમિયાન કંપનીઓને તેમના નફાનો ઓછામાં ઓછો 2 ટકા હિસ્સો ફરજિયાત કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી પાછળ ખર્ચવાની જોગવાઈ બનાવી હતી. ક્રિસિલના મતે આમાંથી 66 ટકા રકમ લિસ્ટેડ કંપનીઓએ ખર્ચ કરી છે. જ્યારે બાકીનો ખર્ચ અનલિસ્ટેડ કંપનીઓનો છે.
નવા બજેટમાં વિદેશી લિસ્ટીંગના નિયમો જાહેર થાય તેવી શક્યતા
સરકાર સ્થાનિક કંપનીઓને વિદેશમાં લિસ્ટીંગની છૂટ આપતાં નિયમો આગામી બજેટમાં જાહેર કરે તેવી શક્યતા છે. લિસ્ટીંગને લઈને હજુ કેટલીક બાબતો છે. જેનો ઉકેલ લાવવાનો છે. હાલમાં તે વિચારાધીન છે એમ રેવન્યૂ સેક્રેટરીએ જણાવ્યું હતું. આમાં ટેક્સેશન એક મહત્વનો મુદ્દો બન્યો છે અને તેને લઈને નિર્ણય લેવાનો બાકી છે. જેને કારણે વિલંબ થઈ રહ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
ડોલર સામે રૂપિયામાં પાંચ પૈસા નરમાઈ
યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં 5 પૈસાની નરમાઈ જોવા મળી હતી અને તે 74.24ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ અગ્રણી કરન્સીઓ ઉપરાંત ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉના રૂ. 74.19ના બંધ સામે રૂપિયો ગ્રીન બેક સામે 74.20 પર ખૂલી ગગડીને 74.30 થયા બાદ 74.24 પર બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 92.93ના સ્તરે જોવા મળ્યો હતો.
ઓગસ્ટમાં 70 ટકા આઈપીઓ લિસ્ટીંગ પર રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યાં
મહિના દરમિયાન કુલ 10માંથી માત્ર 3 લિસ્ટીંગે રોકાણકારોને પોઝીટીવ એક્ઝિટ આપી જ્યારે સાત આઈપીઓનું નેગેટિવ લિસ્ટીંગ
વિન્ડલાસ બાયોટેકના શેરમાં 25 ટકા સાથે સૌથી મોટો ઘટાડો, નુવોકો વિસ્ટાસ પણ 6 ટકા ડાઉન
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જોવા મળતો આઈપીઓ ઉન્માદ મહિનો પૂરા થતાં પહેલાં ઠરી ચૂક્યો છે એમ કહી શકાય. ચાલુ મહિને સ્ટોક એક્સચેન્જિસ પર લિસ્ટ થયેલા 10 આઈપીઓમાંથી સાતે રોકાણકારોને નિરાશ કર્યાં છે. માત્ર ત્રણ આઈપીઓએ ટ્રેડર્સને પોઝીટીવ એક્ઝિટ પૂરી પાડી હતી. સપ્ટેમ્બર 2020થી શરૂ થયેલી વર્તમાન આઈપીઓ સાઈકલમાં ઓગસ્ટનો દેખાવ સૌથી વધુ નિરાશાજનક રહ્યો છે અને તેની આગામી આઈપીઓના સબસ્ક્રિપ્શન પર અસર પડી શકે છે એમ વર્તુળો માને છે.
કેલેન્ડર 2021ની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 10 કંપનીઓનું લિસ્ટીંગ થયું હતું. જેમણે મળીને બજારમાંથી લગભગ રૂ. 20000 કરોડ ઊભાં કર્યાં હતાં. અગાઉના મહિનાઓમાં સારા લિસ્ટીંગ પાછળ પ્રાઈમરી માર્કેટમાં ઉન્માદ ઊભો થયો હતો અને ઓગસ્ટ મહિનામાં પણ આઈપીઓ 130 ગણા સુધી છલકાયાં હતાં. જોકે લિસ્ટીંગમાં આ ઉન્માદ જોવા મળ્યો નહોતો અને 10માંથી 7 કંપનીઓએ નબળુ લિસ્ટીંગ દર્શાવ્યું હતું. જેને કારણે રોકાણકારો પ્રોફિટ સાથે એક્ઝિટ લઈ શક્યાં નથી. બુધવારના બંધ ભાવે સાત કંપનીઓ એવી હતી કે જે ઓફરભાવની સરખામણીમાં 1.5 ટકાથી લઈ 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દર્શાવતી હતી. જ્યારે ત્રણ કંપનીઓના શેર્સ ઓફર ભાવ સામે 2.2 ટકાથી લઈ 26 ટકા સુધીના પ્રિમીયમ પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેમાં દેવયાની ઈન્ટરનેશનલનો શેર 26 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. કંપનીનો શેર રૂ. 90ના ઓફર ભાવ સામે બુધવારે રૂ. 113.35ના સ્તરે બંધ રહ્યો હતો. લિસ્ટીંગ બાદ તે પ્રિમીયમમાં જ જોવા મળ્યો છે. આ જ રીતે રોલેક્સ રિંગ્સનો શેર પણ બુધવારે 21 ટકાના પ્રિમીયમ પર ટ્રેડ થતો હતો. તેણે પણ રોકાણકારોને પ્રોફિટેબલ એક્ઝિટ પૂરી પાડી હતી. પ્રમાણમાં નાના એવા એક્ઝારો ટાઈલ્સનો શેર 2.2 ટકાના સાધારણ રિટર્ન સાથે ઓફરભાવથી ઉપર જળવાયેલો રહ્યો છે. જોકે વિન્ડલાસ બાયોટેક(26 ટકા), કાર ટ્રેડ ટેક(9 ટકા) અને નૂવોકો વિસ્ટાસે(6 ટકા) સાથે રોકાણકારોને નિરાશા આપી છે. આમાં નૂવોકો વિસ્ટાસે રૂ. 5000 કરોડ સાથે બજારમાંથી મહિના દરમિયાન સૌથી ઊંચી રકમ ઊભી કરી હતી. કંપનીનો શેર બુધવારે રૂ. 532.60ના સ્તરે બંધ રહ્યો હતો. જે રૂ. 570ના ઓફરભાવની સરખામણીમાં 6 ટકા અથવા રૂ. 33નો ઘટાડો સૂચવતો હતો. ગ્લેનમાર્ક લાઈફ અને ક્રસ્ના ડાયગ્નોસ્ટીક્સના શેર્સ પણ અનુક્રમે 6 ટકા અને 4 ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. આઈપીઓ માર્કેટ નિરીક્ષકોના મતે ઝોમેટોના મેગા આઈપીઓની સફળતા બાદ પ્રમોટર્સનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો હતો અને રોકાણકારોમાં આઈપીઓ ફ્રેન્ઝી જોઈને તેમણે લિસ્ટીંગ ગેઈન્સ માટે ખાસ જગ્યા રાખી જ નહોતી. જોકે રોકાણકારોને કોઈ મોટુ નુકસાન ઊઠાવવાનું નથી થયું, પરંતુ નબળા લિસ્ટીંગ્સનો ક્રમ લાંબો જળવાય તો પ્રાઈમરી માર્કેટ માટે લાંબાગાળે ચિંતાનો વિષય બની શકે છે. લગભગ પાંચ વર્ષોના વિરામ બાદ છેલ્લાં 11 મહિનામાં પ્રાઈમરી માર્કેટ સતત ધમધમતું જોવા મળ્યું છે. એક અન્ય કારણ સેકન્ડરી માર્કેટ્સમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને તેને કારણે પણ લિસ્ટીંગ્સ પર સેન્ટિમેન્ટની અસર પડી હતી.
આઈપીઓ ઓફર ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) વધ-ઘટ(ટકામાં)
દેવયાની ઈન્ટરનેશનલ 90 113.35 26
રોલેક્સ રિંગ્સ 900 1085 20.5
એક્ઝારો ટાઈલ્સ 120 122.65 2.2
એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ 353 347.5 -1.5
કેમપ્લાસ્ટ સન્માર 541 524.55 -3
ક્રસ્ના ડાયગ્નોસ્ટીક્સ 954 917.95 -4
ગ્લેનમાર્ક લાઈફ 720 676.85 -6
નૂવોકો વિસ્ટાસ 570 532.60 -6.3
કારટ્રેડ ટેક 1618 1472.9 -9
વિન્ડલાસ બાયોટેક 460 345 -25