બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બે ટ્રેડિંગ સત્રોમાં સેન્સેક્સે 1500 પોઈન્ટ્સ ગુમાવ્યાં
વૈશ્વિક બજારોમાં બ્લડબાથ વચ્ચે ભારતીય બજાર ગગડ્યું
ચીનનો શાંઘાઈ કંપોઝીટ 5 ટકાથી વધુ તૂટ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 16 ટકા ઉછળી 21.25ના સ્તરે પહોંચ્યો
રિઅલ્ટી, પીએસઈ, મેટલ, એનર્જી, ફાર્મા ઈન્ડેક્સમાં 2 ટકાથી વધુનું ગાબડું
વૈશ્વિક શેરબજારો પાછળ ભારતીય શેરબજારમાં વેચવાલી આગળ વધી હતી. શુક્રવારે યુએસ બજારમાં તીવ્ર ઘટાડા પાછળ સોમવારે બજારોમાં ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન માર્કેટ નરમાઈ સાથે ટ્રેડ થયા બાદ એક ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 617.26 પોઈન્ટ્સના ઘટાડે 56579.89ના સ્તરે જ્યારે નિફ્ટી 218 પોઈન્ટ્સ ગગડી 16953.95ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16 ટકા ઉછળી 21.25ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 42 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર આંઠ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી અને બીએસઈ ખાતે 2.5 શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદી નોંધાઈ હતી.
સોમવારે બેન્ચમાર્ક્સ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યા બાદ શરૂઆતી દોરમાં સાંકડી રેંજમાં અથડાયેલાં રહ્યાં હતાં. જોકે બપોરબાદ વધુ વેચવાલી પાછળ તેઓ વધુ તૂટ્યાં હતાં. નિફ્ટી નીચામાં 16888.70ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે સપ્તાહ અગાઉ તેણે દર્શાવેલા બોટમથી ઉપર બંધ આપ્યું હતું. બે ટ્રેડિંગ સત્રોમાં સેન્સેક્સમા 1500 પોઈન્ટ્સનું જ્યારે નિફ્ટીમાં 503 પોઈન્ટ્સનું ગાબડું પડ્યું હતું. વૈશ્વિક બજારોની સરખામણીમાં જોકે ભારતીય બજારનો દેખાવ પ્રમાણમાં સારો જળવાયો છે. સોમવારે ચીન ખાતે શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 5.13 ટકા ગગડી 3000ની નીચે ઉતરી ગયો હતો. હોંગ કોંગ બજાર 4 ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે તાઈવાન 2.73 ટકા, કોરિયા 1.76 ટકા, જાપાન 1.9 ટકા અને સિંગાપુર 0.7 ટકા નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. યુરોપના બજારો 2 ટકા સુધી ઘટાડો દર્શાવતાં હતાં. ગયા શુક્રવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 900થી વધુ પોઈન્ટ્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 335 પોઈન્ટ્સ અથવા 2.55 ટકાના તીવ્ર ઘટાડે 13 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો.
વૈશ્વિક બજારોને યુએસ ફેડ દ્વારા આગામી ત્રણ બેઠકોમાં દરેકમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરવામાં આવે તેની ચિંતા સતાવી રહી છે. ફેડ ચેરમેન જેરોમ પોવેલ સતત આ અંગે જણાવી ચૂક્યાં છે. બીજી બાજુ ચીન ખાતે કોવિડનો પ્રસાર વધી રહ્યો છે. શાંઘાઈ બાદ હવે બૈજિંગમાં પણ લોકડાઉનની શક્યતાં જોવાઈ રહી છે. જેને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર પર નોંધપાત્ર અસરની શક્યતાં સેવાઈ રહી છે. જેને કારણે સોમવારે કોમોડિટીઝના ભાવોમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં ક્રૂડ અને બેઝ મેટલ્સ મુખ્ય હતાં. ભારતીય બજારમાં પણ મેટલ શેર્સના ભાવ ઊંધા માથે પટકાયાં હતાં. જેમાં હિંદુસ્તાન ઝીંક 6.52 ટકા, નાલ્કો 5 ટકા, એનએમડીસી 5 ટકા, સેઈલ 4.6 ટકા, ટાટા સ્ટીલ 4.5 ટકાનો સમાવેશ થતો હતો. રિઅલ્ટી ઈન્ડેક્સ 3.8 ટકા ગગડ્યો હતો. જ્યારે એનર્જી, આઈટી અને ફાર્મા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો પણ એક ટકાથી વધુ ગગડ્યો હતો. એકમાત્ર બેંકનિફ્ટી 0.1 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
લાર્જ-કેપ્સ પાછળ બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી નીકળી હતી. બીએસઈ ખાતે કુલ 3674 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 2494 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1037 પોઝીટીવ બંધ દર્શાવતા હતાં. 177 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 23એ 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 1.92 ટકા તૂટ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.42 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. બેંક નિફ્ટી સિવાય અન્ય તમામ ઈન્ડાસિસ નેગેટિવ બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એબી કેપિટલ 2.93 ટકા, ઈન્ટિલેક્ટ ડિઝાઈન 2.3 ટકા, ગુજરાત ગેસ 1.9 ટકા અને બાયોકોન 1.41 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ટાટા ટેલિકોમ 9.29 ટકા, બલરામપુર ચીની 7 ટકા, બીપીસીએલ 6 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 6 ટકા ઘટાડા સાથે સૌથી વધુ ગગડ્યાં હતાં.
સેમીકન્ડક્ટર્સની અછતઃ કંપનીઓ પાસે 7.5 લાખ ઓર્ડર્સ પડતર
માર્કેટ લીડર મારુતિ સુઝુકી પાસે 3.25 લાખ યુનિટ્સના પડતર ઓર્ડર્સ
આગામી કેટલાંક સપ્તાહો સુધી સેમીકન્ડક્ટરની માગની પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા ઓછી છે ત્યારે ભારતીય કાર નિર્માતાઓ 7,50,000થી વધુ પડતર ઓર્ડર્સનો સામનો કરી રહ્યાં છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. કાર માર્કેટમાં લીડર મારૂતિ સુઝુકી પાસે 3,25,000 યુનિટ્સના પડતર ઓર્ડર્સ છે, જે કંપનીના લગભગ 40 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ છે. તમામ સીએનજી સંચાલિત મોડલ્સ, વિશેષ કરીને સીએનજી અર્ટિગાનો લગભગ છ મહિના જેટલો લાંબો વેઇટિંગ પિરિયડ છે.
હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ)ના કુલ બુકિંગ્સ 3,50,000-3,75,000 યુનિટ્સ વચ્ચે છે. હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા નેક્સોન અ પંચ તેમજ મહિન્દ્રા એક્સયુવી 700 અને થારની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ટોચના ચાર કાર નિર્માતા ભારતીય પેસેન્જર વિહિકલ માર્કેટ ઉપર 80 ટકા નિયંત્રણ ધરાવે છે.
બીજી તરફ કિયા અને સ્કોડા- કાર્નેસ તથા સ્લાવિયાએ પણ સકારાત્મક પ્રતિસાદ મેળવ્યો છે. કિયા કાર્નેસનો વેઇટિંગ પિરિયડ 4-6 મહિના જેટલો તથા સ્કોડા સ્લાવિયાનો 2-3 મહિનાનો વેઇટિંગ પિરિયડ છે. ફોક્સવેગનની આગામી સેડાન વર્ચ્યુઅસનું બુકિંગ થોડાં સપ્તાહ પહેલાં જ શરૂ થયું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. થોડાં દિવસ પહેલાં લોંચ કરાયેલી હોન્ડા સિટી હાઇબ્રિડને માર્કેટમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જોકે, એક અંદાજ મૂજબ ગ્રાહકો એક પ્રોડક્ટ માટે અલગ-અલગ ડીલર્સ સાથે બુકિંગ કરાવવાની સાથે-સાથે બીજી કાર બ્રાન્ડ્સના પણ બુકિંગ કરાવી રહ્યાં છે. તેમને જે પ્રોડક્ટની ડિલિવરી પહેલાં મળે તે લઇ લેશે. આથી બજારની વર્તમાન પરિસ્થિતિ માગનો સાચો અંદાજ પ્રદર્શિત કરતી નથી. એક ખરીદદાર વિવિધ બુકિંગ કરાવી રહ્યાં હોઇ, બુકિંગ કેન્સલેશન થવાની પણ સંભાવનાઓ ઉંચી રહે છે.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં 4 ટકાનું ગાબડું
ટાઈટ સપ્લાયની સ્થિતિ વચ્ચે પણ ક્રૂડના ભાવમાં સોમવારે 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચીન ખાતે કોવિડના કેસિસમાં વૃદ્ધિ વચ્ચે બૈજિંગમાં લોકડાઉનની શક્યતાને પગલે ક્રૂડમાં નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર પર પ્રતિકૂળ અસર પડે તેવી શક્યતાંને જોતાં ક્રૂડ ઘટ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો 4.24 ડોલર પ્રતિ બેરલ અથવા 4 ટકા ઘટાડે 102 ડોલર નીચે ઉતરી ગયો હતો. ગયા સપ્તાહે તે 106.15 ડોલરના સ્તરે બંધ રહ્યો હતો. જો તે 100 ડોલરનું સ્તર તોડશે તો ઝડપી ઘટાડો દર્શાવે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે.
સોનુ-ચાંદીમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી વચ્ચે કોમોડિટીઝના ભાવમાં વેચવાલી ફરી વળી છે. સોમવારે કિંમતી ધાતુઓના ભાવમાં 2 ટકાથી વધુનો જ્યારે બેઝ મેટલ્સના ભાવમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે જૂન ગોલ્ડ વાયદો રૂ. 510 અથવા એક ટકાના ઘટાડે રૂ. 51750ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો 2.13 ટકા ઘટાડા અથવા રૂ. 1416ના ઘટાડે રૂ. 65130 પર ટ્રેડ દર્શાવતો હતો. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમના ભાવ 5 ટકા પટકાયા હતાં. જ્યારે નીકલ 2.3 ટકા, કોપર 2.2 ટકા અને ઝીંકમાં 2 ટકાનો ઘટાડો જોવા મળતો હતો.
રેઇનબૉ ચિલ્ડ્રન્સ મેડિકેર 1580 કરોડ ઊભા કરશે
મલ્ટી-સ્પેશ્યાલિટિ હોસ્પિટલ ચેઈન રેન્બો ચિલ્ડ્રન્સ મેડીકેર રૂ. 1580 કરોડ એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશશે. કંપની રૂ. 516-542ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. ઈસ્યુ 27 એપ્રિલે ખૂલી 29 એપ્રિલે બંધ થશે. આઈપીઓમાં રૂ. 280 કરોડના ફ્રેશ ઈસ્યુ તથા બાકીની ઓફર ફોર સેલનો સમાવેશ થતો હશે. એન્કર બીડીંગ 26 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
એશિયન ગ્રેનિટોનો 441 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ ખૂલ્યો
ટોચની સિરામિક બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા રૂ. 441 કરોડના રાઈટ્સ ઈશ્યૂ સાથે બજારમાં પ્રવેશી છે. ઈસ્યૂ 10 મે સુધી ખૂલ્લો રહેશે. તેમજ રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ્સનું ટ્રેડિંગ 25 એપ્રિલથી 5 મે સુધી બીએસઈ અને એનએસઈ પર શરૂ થશે. કંપની રૂ. 63ના ભાવે રાઈટ્સ ઓફર કરી રહી છે. જે એનએસઈ ખાતે 22 એપ્રિલ, 2022ના રોજ રૂ. 82.90ના બંધભાવ સામે 24 ટકા ડિસ્કાઉન્ટ સૂચવે છે.
ESG ફંડ્સની એસેટ પાંચ ગણી વધી રૂ. 12,450 કરોડે પહોંચી
માર્ચ 2019માં રૂ. 2268 કરોડના એયૂએમમાં ચાર વર્ષોમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
એનવાયર્નમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) થીમ સાથે સંકળાયેલા ફંડ્સની એસેટમાં છેલ્લાં ચાર વર્ષમાં પાંચ ગણો ઉછાળો નોંધાયો છે. ઉપલબ્ધ આંકડા મૂજબ માર્ચ 2022 સુધીમાં ઇએસજી ફંડ્સનું કદ રૂ. 12,447 કરોડ હતું, જે માર્ચ, 2019ના રૂ. 2,268 કરોડની તુલનામાં વધુ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઘણાં ફંડ હાઉસિસે ઇએસજી આધારિત ફંડ્સ લોંચ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી સસ્ટેનેબિલિટી માટે રોકાણકારોની સતત વધતી રૂચિ તથા તકોને હાંસલ કરી શકાય. સામાન્ય રીતે આ ફંડ્સ એવી કંપનીઓમાં રોકાણ કરે છે, જેઓ તેમની કામગીરી દરમિયાન પર્યાવરણની સુરક્ષા, સમુદાયો ઉપર સકારાત્મક અસર વગેરે ઉપર ધ્યાન આપે છે.
વૈશ્વિક સ્તરે પણ સસ્ટેનેબલ ફંડ્સમાં રોકાણનો પ્રવાહ વધી રહ્યો છે તથા ડિસેમ્બર 2021 સુધીમાં વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ફંડ્સમાં એસેટ 2.7 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઇ છે. જોકે, ભારતમાં ઇએસજીના પરિપ્રેક્ષ્યમાં હજી આ અભિગમ શરૂઆતના તબક્કામાં છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોંચ થયેલા ઇએસજી ફંડ્સમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. આ થીમમાં સતત વધતા આકર્ષણને જોતાં નિયામકે પણ સસ્ટેનેબલ ઇન્વેસ્ટિંગ અને ડિસ્ક્લોઝર સંબંધિત નિયમો તૈયાર કરવા અંગે વિચારણા કરી છે. સરેરાશ ઇએસજી ફંડ્સે છેલ્લાં એક વર્ષમાં આશરે 22 ટકા વળતર આપ્યું છે, જેની સામે સેન્સેક્સમાંથી વળતર 19.9 ટકા રહ્યું છે. એસબીઆઇ મેગ્નમ ઇક્વિટી ઇએસજી ફંડ્સેની એસેટ માર્ચ 2022 સુધીમાં રૂ. 4,582 કરોડથી વધુ રહી છે, જ્યારે કે એક્સિસ ઇએસજી ઇક્વિટી ફંડનું કદ આશરે રૂ. 1,897 કરોડ રહ્યું છે. ઇએસજી ફંડ્સ રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે ત્યારે ઇએસજી ફંડ્સે ગત નાણાકીય વર્ષમાં સારું પ્રદર્શન કર્યું હોવાનું જોવા મળ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં સસ્ટેનેબલ ફંડ્સમાં રૂ. 315 કરોડનું આઉટફ્લો થયું છે, જે નાણાકીય વર્ષ 2021માં રૂ. 4,884 કરોડ હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈસીઆઈસીઆઈ બેંકઃ ટોચની ખાનગી બેંકિંગ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 7020 કરોડનો નફો નોંધાવ્યો છે. તેણે વાર્ષિક ધોરણે 59 ટકા વૃદ્ધિ દર્શાવી છે. તેણે રૂ. 6350 કરોડના અંદાજને પાછળ રાખ્યો છે. ત્રિમાસિક ધોરણે પ્રોવિઝન્સમાં 47 ટકા ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 1070 કરોડ પર રહ્યાં હતાં. જયારે ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 4.13 ટકા પરથી ગગડી 3.6 ટકા પર રહી હતી.
આઈટીસીઃ કંપનીના ટોચના એક્ઝિક્યૂટીવે જણાવ્યું છે કે વેલ્યૂ ક્રિએશન માટેની જરૂરિયાતને આધારે આઈટીસીના ડિમર્જરની યોજના અંગે નિર્ણય લેવામાં આવશે.
ટાટા સ્ટીલઃ ટાટા સ્ટીલના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ દાયકામાં સ્ટીલના ભાવ ઊંચા જળવાશે. ચીન સિવાય અન્ય દેશોમાં સ્ટીલની ઊંચી માગ પાછળ ભાવમાં મજબૂતી ટકશે.
આદિત્ય બિરલા મનીઃ બિરલા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 7.62 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3.68 કરોડની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે.
બોરોસીલ રિન્યૂએબલ્સઃ કંપનીનું બોર્ડ પ્રેફરન્શિયલ ઈસ્યુ મારફતે ઈક્વિટી શેર્સ અને અન્ય સિક્યૂરિટીઝ ઈસ્યૂ કરવા અંગે વિચારણા કરશે.
તાતા મેટાલિક્સઃ તાતા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 52.5 કરોડન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 30 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીએ ઊંચા ઊનપુટ ખર્ચને કારણે નફામાં ઘટાડો નોંધાવ્યો છે.
તેજસ નેટવર્ક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 49.62 કરોડની ખોટ દર્શાવી છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 33.55 કરોડનો નફો નોંધાવ્યો હતો.
મેઘમણિ ફાઈનકેમઃ કંપનીએ 2021-22માં રૂ. 1551 કરોડની વિક્રમી આવક નોંધાવી છે. જે વાર્ષિક ધોરણે 87 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો એબિટા 95 ટકા ઉછળી રૂ. 509 કરોડ રહ્યો છે. જ્યારે ચોખ્ખો નફો 151 ટકા ઉછળી રૂ. 253 કરોડ પર જોવા મળ્યો હતો. નફા માર્જિન 4.13 ટકા ઉછળી 16 ટકા પર રહ્યાં હતાં.
Market Summary 25 April 2022
April 25, 2022