વૈશ્વિક ટ્રેન્ડથી વિપરીત સ્થાનિક શેરબજારમાં સુધારાની આગેકૂચ
નિફ્ટી 17800 પર ટકવામાં અસમર્થ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા નરમાઈએ 11.52ના સ્તરે
એનર્જી, મેટલ, એફએમજીસી, બેંકિંગ, રિઅલ્ટીમાં મજબૂતી
આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ
આઈટીસી, મહિન્દ્રા હોલિડેઝ, એનસીસી, પોલીકેબ નવી ટોચે
ઈપ્કા લેબ, નાયકા, આવાસમાં નવા તળિયાં
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં સપ્તાહના બીજા સત્રમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 75 પોઈન્ટ્સ સુધારે 60131ની સપાટીએ જ્યારે નિફ્ટીનો એનએસઈ 26 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17769ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી-50 કાઉન્ટર્સમાંથી 32 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3649 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1883 કાઉન્ટર્સ સુધારો સૂચવતાં હતાં. જ્યારે 1649 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 111 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે તેમનું તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા નરમાઈએ 11.52ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે સ્થાનિક બેન્ચમાર્ક નિફ્ટીએ 19 પોઈન્ટ્સગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ શરૂમાં નેગેટિવ બન્યાં બાદ ત્વરિત બાઉન્સ દર્શાવ્યું હતું અને દિવસભર પોઝીટીવ ઝોનમાં ટ્રેડ જાળવ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે 17807ની ટોચ બનાવી હતી. જોકે, બેન્ચમાર્ક 17800ની સપાટી પર ટકવામાં નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 7 પોઈન્ટ્સના પ્રિમીયમે 17776ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 26 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે તીવ્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે લોંગ પોઝીશનમાં નોંધપાત્ર લિક્વિડેશન જોવા મળ્યું છે. જે આગામી સત્રોમાં બજારમાં નરમાઈ સંભવ છે તેવો સંકેત આપે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 17600ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જ્યારે 18000ના સ્ટોપલોસે શોર્ટ પોઝીશન જાળવી શકાય. માર્કેટ જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ 200-300 પોઈન્ટ્સની મૂવમેન્ટ સંભવ છે. પરિણામો અપેક્ષાથી સારા જોવા મળી રહ્યાં છે. જેને જોતાં માર્કેટને સપોર્ટ સાંપડી શકે છે. ખાસ કરીને બેંકિંગ કંપનીઓ સારા પરિણામ દર્શાવી રહી છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ટોચના કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એસબીઆઈ, આઈશર મોટર્સ, ડિવિઝ લેબ્સ અને આઈસીઆઈસીઆઈ બેંક્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચડીએફસી લાઈફ, યૂપીએલ, એચડીએફસી બેંક, એચડીએફસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, વિપ્રો અને કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, મેટલ, એફએમજીસી, બેંકિંગ, રિઅલ્ટી મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી કાઉન્ટર્સમાં અદાણી ગ્રીન 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. જ્યારે એચપીસીએલ, તાતા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.31 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા 2.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, કેનેરા બેંક, એસબીઆઈ, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, પીએનબી, યૂકો બેંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ અને હિંદાલ્કો મજબૂતી દર્શાવતાં હતાં. એફએમસીજી કાઉન્ટર્સમાં મેરિકો, બ્રિટાનિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસી અને ડાબર ઈન્ડિયા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જોકે, આઈટી ઈન્ડેક્સ નરમાઈ સૂચવતો હતો. જેમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, એમ્ફેસિસનો સમાવેશ થતો હતો. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં એબીબી ઈન્ડિયા 3.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મેરિકો, શ્રીરામ ફાઈનાન્સ, અશોક લેલેન્ડ, બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બાયોકોન અને ઈન્ડિયામાર્ટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, સીજી કન્ઝ્યૂમર, ઈપ્કા લેબ્સ, એચડીએફસી લાઈફ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ગોદરેજ કન્ઝ્યૂમર, યૂપીએલ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલમાં નરમાઈ જોવા મળતી હતી. આઈટીસી, મહિન્દ્રા હોલિડેઝ, એનસીસી, પોલીકેબે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે ઈપ્કા લેબ, નાયકા, આવાસમાં નવા તળિયાં જોવા મળ્યાં હતાં.
RBIના ગોલ્ડ રિઝર્વમાં ત્રણ વર્ષોમાં 80 ટકાનો ઉછાળો
માર્ચ 2020ની આખરમાં રૂ. 2.09 લાખ કરોડવાળુ ગોલ્ડ રિઝર્વ માર્ચ 2023માં રૂ. 3.75 લાખ કરોડે પહોંચ્યું
મહામારી પછી સોનાના ભાવમાં વૃદ્ધિ તથા સેન્ટ્રલ બેંક તરફથી નવી ખરીદી કારણભૂત
આરબીઆઈનું 790.2 ટનનું ગોલ્ડ રિઝર્વ્સ વિશ્વમાં કુલ ગોલ્ડ રિઝર્વ્સનો 8 ટકા હિસ્સો થાય છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગોલ્ડ રિઝર્વ્સમાં છેલ્લાં ત્રણ નાણા વર્ષોમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. 24 માર્ચ, 2023ની આખરમાં મધ્યસ્થ બેંકની સુવર્ણ અનામતો રૂ. 3.75 લાખ કરોડ પર નોંધાઈ હતી. જે 20 માર્ચ, 2020ના રોજ રૂ. 2.09 લાખ કરોડ પર જોવા મળતી હતી. બેંકના ગોલ્ડ રિઝર્વ્સમાં વૃદ્ધિ માટે મહામારી પછી આરબીઆઈ તરફથી ગોલ્ડની ખરીદીમાં વૃદ્ધિ ઉપરાંત ગોલ્ડના ભાવમાં જોવા મળેલો નોંધપાત્ર વધારો કારણભૂત છે.
જોકે, માર્કેટ નિરીક્ષકોના મતે આ વલણ માત્ર ભારતીય મધ્યસ્થ બેંક પૂરતું જ મર્યાદિત નથી. વિશ્વમાં અન્ય અગ્રણી મધ્યસ્થ બેંક્સ તરફથી પણ કોવિડ પછી ગોલ્ડની ખરીદીમાં વૃદ્ધિ જોવા મળી છે. જેનું મુખ્ય કારણ મહામારી પછી જોવા મળેલો ઊઁચો ફુગાવો અને ઈન્ટરેસ્ટ રેટમાં તીવ્ર વૃદ્ધિ છે. જેને જોતાં સેન્ટ્રલ બેંકર્સ તેની એસેટ્સનું ડાયવર્સિફિકેશન હાથ ધરી રહી છે. ચીન અને રશિયાની સેન્ટ્રલ બેંકર્સે પણ સોનાની ખરીદી વધારી છે. એક રિપોર્ટ મુજબ કેલેન્ડર 2022માં વૈશ્વિક સેન્ટ્રલ બેંક્સે તેમના ગોલ્ડ સ્ટોકમાં 1136 ટનની વૃદ્ધિ કરી હતી. જેનું મૂલ્ય 70 અબજ ડોલરથી વધારે થતું હતું. આ ખરીદી લગભગ 6 દાયકા પછીની સૌથી મોટી ખરીદી હતી. અગાઉ 1967માં સેન્ટ્રલ બેંકર્સ તરફથી આટલી જંગી માત્રામાં ગોલ્ડની ખરીદી કરવામાં આવી હતી. જોકે, તે વખતે ગોલ્ડનો ભાવ વર્તમાન સપાટીની સરખામણીમાં ખૂબ નીચો જોવા મળતો હતો. આમ જથ્થાની રીતે તો ખરીદી હજુ પણ ખૂબ મામૂલી કહી શકાય. એક અગ્રણી એનાલિસ્ટના જણાવ્યા મુજબ ગોલ્ડ એ ક્રોસ-બોર્ડર કરન્સી તરીકે કામ કરે છે. જે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી અનિશ્ચિતતાઓ વચ્ચે એક લિક્વિડ એસેટ તરીકે કામ કરે છે. સેન્ટ્રલ બેંકર્સને તે બાસ્કેટ ડાયવર્સિફિકેશન પણ ઓફર કરે છે.
આરબીઆઈએ નાણાકિય અનિશ્ચિતતાઓ અને જીઓ-પોલિટીકલ જોખમોને ગણનામાં લઈ તેના ગોલ્ડ રિઝર્વ્સમાં વૃદ્ધિ કરી છે અને હાલમાં તે કુલ ફોરેક્સ રિઝર્વ્સનો 7.85 ટકા હિસ્સો ધરાવે છે. જે 20 માર્ચ, 2022ના રોજ 6 ટકા જેટલો હિસ્સો ધરાવતું હતું. આરબીઆઈનું ગોલ્ડ રિઝર્વ્સ રૂ. 3.75 લાખ કરોડ પર તેની સર્વોચ્ચ સપાટીએ જોવા મળે છે. વૈશ્વિક સ્તરે ઊંચું ઈન્ફ્લેશન જળવાય રહેવાની નોંધપાત્ર શક્યતાં જોતાં ગોલ્ડમાં આગામી સમયગાળામાં રિટર્ન અન્ય એસેટ ક્લાસ કરતાં ઊંચું જોવા મળી રહેશે. જે પણ ગોલ્ડમાં નાણા પાર્ક કરવા વધુ સુરક્ષિત છે એમ સૂચવે છે. ડોલરમાં ઊંચી વધ-ઘટને જોતાં ગોલ્ડ એક સુરક્ષિત રોકાણ વિકલ્પ પૂરો પાડી રહ્યો હોવાનું એનાલિસ્ટ્સ ઉમેરે છે. વૈશ્વિક સ્તરે, સેન્ટ્રલ બેંકર્સ ઉપરાંત રિટેલ ઈન્વેસ્ટર્સ અને ઈટીએફ્સ પણ ગોલ્ડમાં ખરીદી કરી રહ્યાં છે. હાલમાં આરબીઆઈનું કુલ ગોલ્ડ રિઝર્વ 790.2 ટન પર જોવા મળે છે. જે વિશ્વમાં કુલ ગોલ્ડ રિઝર્વ્સનો 8 ટકા હિસ્સો થવા જાય છે.
RVNLના શેરમાં 20 ટકાનો ઉછાળો
પીએસયૂ કંપની રેઈલ વિકાસ નિગમનો શેર મંગળવારે 20 ટકા ઉછળી રૂ. 105ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. કાઉન્ટરમાં દિવસ દરમિયાન કુલ ઈક્વિટીના 12 ટકાથી વધુ હિસ્સાનું ટ્રેડિંગ જોવા મળ્યું હતું. બે ટ્રેડિંગ સત્રોમાં કંપનીનો શેર 37 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યો છે. ગયા શુક્રવારે તે રૂ. 76.90ની સપાટીએ બંધ રહ્યો હતો. આરવીએનએલ ટર્નકી બેસીસ પર કામ કરતી કંપની છે. જે પ્રોજેક્ટના કન્સેપ્ચ્યૂઅલાઈઝીંગથી લઈ કમિશનીંગ સુધીની કામગીરી પૂરી પાડે છે. તે ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ કામગીરી ધરાવે છે. જેમાં રેઈલ નેટવર્ક વિસ્તારણાનો સમાવેશ થાય છે. ગયા મહિને આરવીએનએલ અને રશિયન કંપનીનું સંયુક્ત સાહસ 200 લાઈટવેઈટ વંદે ભારત ટ્રેઈન્સના મેન્યૂફેક્ચરિંગ અને મેઈન્ટેનન્સ માટે સૌથી નીચા બીડર તરીકે ઊભર્યું હતું.
સરકાર માઈક્રોન ટેક્નોના સેમીકંડક્ટર પ્લાનને મંજૂરી આપવા તૈયાર
યુએસ કંપની દેશમાં એક અબજ ડોલરના રોકાણ થકી ATMP સુવિધા સ્થાપશે
વિશ્વમાં પાંચમા ક્રમની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેક્નોલોજીને ભારતમાં તેની એસેમ્બલી, ટેસ્ટીંગ, માર્કિંગ અને પેકેજિંગ(ATMP) સુવિધાની સ્થાપના માટેના પ્રસ્તાવ પર સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી શક્યતાં છે. કંપની આ માટે એક અબજ ડોલરનું રોકાણ કરવા ધારે છે. યુએસએના ઈદાહો સ્થિત કંપની સુવિધાનો ઉપયોગ વિશ્વભરમાં બનાવાતી તેની પોતાની કેટલીક વેફર્સના પ્રોસેસિંગ માટે કરશે.
ઉચ્ચ સરકારી વર્તુળોએ નામ નહિ આપતાં જણાવ્યું હતું કે કંપની તરફથી વાસ્તવમાં એક અબજ ડોલરના રોકાણની યોજના છે અને અમે તેને ટૂંક સમયમાં જ મંજૂરી આપીશું. 30.8 અબજ ડોલરની માઈક્રોન વિશ્વમાં મેમોરી અને સ્ટોરેજ ટેક્નોલોજિસમાં અગ્રણી ખેલાડીઓમાંની એક છે. તે યુએસ, જાપાન, મલેશિયા, સિંગાપુર, તાઈવાન અને ચીન ખાતે મળી કુલ 11 મેન્યૂફેક્ચરિંગ સાઈટ્સ ધરાવે છે. બીટ્સ પિલાણી ખાતે ભણેલા સંજય મેહરોત્રાના નેતૃત્વ હેઠળ માઈક્રોન છેલ્લાં એક વર્ષ ઉપરાંતથી સેમીકંડક્ટર પેકેજિંગ સુવિધા સ્થાપવા માટે વિશ્વભરમાં શોધ ચલાવી રહી હતી. ભારતની 10 અબજ ડોલરની ફ્લેગશિપ સેમીકંડક્ટર સ્કિમ ફેબ પ્લાન્ટ્સ, એટીએમપી, આઉટસોર્સ્ડ સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ(OSAT) તથા ચીપ ડિઝાઈન ફેસિલિટીઝ માટે ફાઈનાન્સિયલ ઈન્સેન્ટિવ્સ ઓફર કરે છે. OSAT એ કંપની માટે પેકેજિંગ અને ટેસ્ટીંગ સર્વિસ પૂરાં પાડે છે. જ્યારે ATMP એ કેપ્ટિવ પેકેજીંગ અને ટેસ્ટીંગ સેન્ટર્સ હોય છે. સરકાર આ બંને માટે યોગ્યતા ધરાવતી કંપનીઓને તેમના મૂડી ખર્ચનો 50 ટકા નાણાકિય સપોર્ટ ઓફર કરી રહી છે. જે ઘણા સેમીકંડક્ટર્સ ખેલાડીઓને ભારત તરફ આકર્ષી રહી છે.
ઘઉંની ખરીદીમાં ગયા વર્ષની સરખામણીમાં જોવા મળતો સુધારો
જોકે કેટલાંક મહત્વના રાજ્યોમાં જોવા મળતાં અવરોધો
સરકારી એજન્સીઓ તરફથી ઘઉંની ખરીદીમાં ગયા વર્ષની સરખામણીમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે, તેમ છતાં કેટલાંક રાજ્યોમાં હજુ પણ અવરોધો નડી રહ્યાં છે. રવિ માર્કેટિંગ વર્ષ 2023-24(એપ્રિલથી માર્ચ) દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1.11 કરોડ ટન ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 99 લાખ ટન પર જોવા મળતી હતી. આમ ચાલુ વર્ષે શરૂઆતી મહિનામાં જ 12 લાખ ટન ઘઉંની ઊંચી ખરીદી જોવા મળી છે. જોકે, કોમોડિટીના બજાર ભાવ સરકાર નિર્ધારિત સપોર્ટ ભાવથી ઊંચા હોવાના કારણે એજન્સીઓને પ્રાઈવેટ ખેલાડીઓ સાથે સ્પર્ધાનો સામનો કરવાનો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ માટે કેન્દ્રિય પુલ માટે 3.42 કરોડ ટન ઘઉં ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો છે.
કેન્દ્રિય ખાદ્યાન્ન મંત્રાલયના ડેટા મુજબ શરૂઆતમાં ઘઉં ખરીદીની ધીમી શરુઆત પછી તેમાં વેગ આવ્યો છે. જોકે, કોમોડિટીના ભાવ એમએસપીથી ઊંચા ચાલી રહ્યાં હોવાથી દેશમાં ઘઉંનું સૌથી ઊંચું વાવેતર દર્શાવતાં મધ્ય પ્રદેશમાં સરકાર તરફથી ખરીદીના ટાર્ગેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે તેમ વર્તુળો જણાવે છે. અગાઉ સરકારે એમપીમાંથી 1 કરોડ ટન ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો હતો. જેને હવે ઘટાડી 70-80 લાખ ટન કરાય તેવી શક્યતાં છે. એક અન્ય રાજ્ય હરિયાણામાં પણ ઘઉં ખરીદીના અગાઉના 85 લાખ ટનના ટાર્ગેટને ઘટાડી 65-70 લાખ ટન કરવામાં આવી શકે છે. એમપી ખાતે એમએસપીની સરખામણીમાં ઘઉંનો બજાર ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે. આ કારણે જ ખેડૂતો પણ તેમનો માલ હજુ બજારમાં જોઈએ તે પ્રમાણમાં લાવી રહ્યાં નથી. સામાન્યરીતે દૈનિક ધોરણે જોવા મળતી 5-6 લાખ ટનની આવકો સામે હાલમાં રાજ્યમાં માત્ર 2-2.5 લાખ ટન ઘઉંની આવક થઈ રહી હતી. જોકે, ચાલુ સપ્તાહથી તેમાં સુધારો જોવા મળ્યો છે અને બે દિવસથી તે 4-4.5 લાખ ટન પર જોવા મળી રહી છે એમ વર્તુળો જણાવે છે. ઊંચા ઉત્પાદનને જોતાં સરકાર રાજ્યમાંથી 70-80 લાખ ટન ઘઉંની ખરીદી માટે વિશ્વાસ ધરાવે છે. મધ્ય પ્રદેશ સરકારની એજન્સીએ 2022-23માં 40 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. સરકારી પોર્ટલ પર 15 લાખથી વધુ ખેડૂતોએ સરકારી એજન્સીઓને ઘઉંના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 29 ટકાએ તેમના ઘઉઁનું વેચાણ કર્યું છે. જ્યારે બાકીના ખેડૂતો આગામી સમયગાળામાં તેમનો માલ એજન્સીઓને વેચશે તેમ મનાય છે.
2022-23માં IT કંપનીઓના હાયરિંગમાં 78 ટકા સુધીનો ઘટાડો નોંધાયો
ટીસીએસ, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક જેવી ટોચની કંપનીઓ પર ગંભીર અસર
આઈટી કંપનીઓ તરફથી માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષિત નથી જોવા મળ્યાં. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ટોચના આઈટી જાયન્ટ્સની મુશ્કેલીનું એક કારણ તેમના તરફથી હોયરિંગમાં જોવા મળતો તીવ્ર ઘટાડો પણ છે. માર્ચમાં પૂરા થયેલા નાણા વર્ષ 2022-23માં આઈટી કંપનીઓના હાયરિંગમાં વાર્ષિક ધોરણે 78 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
જો ટોચની આઈટી કંપની ટીસીએસની વાત કરીએ તો 2021-22માં 1,03,000 કર્મચારીઓની નિમણૂંક સામે 2022-23માં કંપનીએ માત્ર 22,600 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે કંપનીની નિમણૂંકમાં 78 ટકાનો ઘટાડો દર્શાવે છે. આવો જ ટ્રેન્ડ અન્ય કંપનીઓ ખાતે પણ જોવા મળ્યો હતો. જેમાં ઈન્ફોસિસે પણ 2022-23માં માત્ર 29,219 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે 2021-22માં તેણે હાયર કરેલાં 54,396 કર્મચારીઓની સરખામણીમાં લગભગ 50 ટકા ઘટાડો સૂચવે છે. એચસીએલ ટેક્નોલોજીના આંકડા પર નજર નાખીએ તો 2022-23માં તેણે 17,067 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે અગાઉના વર્ષે 39,900 પર હતી. આમ ગયા નાણા વર્ષમાં કંપનીની હાયરિંગમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. કંપનીનું મેનેજમેન્ટ તથા ઈન્ડસ્ટ્રી વર્તુળો 2023-24માં પણ હાયરિંગ મંદ જળવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યાં છે. એચસીએલ ટેક્નોલોજીના ચીફ પીપલ ઓફિસરના જણાવ્યા મુજબ આગામી કેટલાંક ક્વાર્ટર્સમાં હાયરિંગ મધ્યમકક્ષાનું જોવા મળશે. છેલ્લાં બે ક્વાર્ટર્સમાં કરેલા ચોખ્ખા ઉમેરાને જોતાં 2023-24માં હાયરિંગ પ્લાનમાં ઘટાડો સંભવ છે. ઈન્ફોસિસના ચીફ ફાઈનાન્સિયસ ઓફિસર પણ સમાન મત અભિવ્યક્ત કરે છે. તેમના મતે, ફ્રેશર્સની ઉપબલ્ધિની વાત છે તો અમારી પાસે આગામી કેટલાંક ક્વાર્ટર્સ સુધી પૂરતી મોકળાશ છે. 2023-24 માટે તેઓ કોઈ ચોક્કસ આંકડો નથી આપી રહ્યાં. એક ટેલેન્ટ સોલ્યશન્સ પ્રોવાઈડર કંપનીના રિપોર્ટ મુજબ 2023-24માં હાયરિંગમાં 20-25 ટકાનો ઘટાડો જોવા મળશે. વિકસિત બજારોમાં જોવા મળી રહેલી મેક્રો-ઈકોનોમિક કટોકટી જોતાં માગ થોડી નરમ જળવાય તેવી શક્યતાં છે. જેને કારણે 2023-24ના પ્રથમ છ મહિનામાં હાયરિંગ પર અસર પડી શકે છે એમ રિપોર્ટ ઉમેરે છે. આઈટી સર્વિસિઝની માગમાં ઘટાડાને પગલે માત્ર હાયરિંગમાં જ ઘટાડો જોવા મળ્યો છે તેવું નથી પરંતુ આઈટી કંપનીઓએ અગાઉ નિમેલા ફ્રેશર્સને ઓનબોર્ડ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે એમ રિપોર્ટ ઉમેરે છે. ચોથા ક્વાર્ટર માટે અત્યાર સુધીમાં ટોચની ત્રણ કંપનીઓ તેમના પરિણામોની જાહેરાત કરી ચૂકી છે. જેમાંથી ટીસીએસ અને ઈન્ફોસિસે નેગેટિવ સરપ્રાઈઝ દર્શાવી હતી. જ્યારે એચસીએલ ટેક્નોલોજીએ પોઝીટીવ સરપ્રાઈઝ દર્શાવતાં આઈટી શેર્સને સપોર્ટ સાંપડ્યો હતો. અગ્રણી કંપની વિપ્રો તરફથી બાયબેકના પ્રસ્તાવે પણ સોમવારે આઈટી શેર્સને સપોર્ટ પૂરો પાડ્યો હતો.
ગોલ્ડ-સિલ્વર સહિત કોમોડિટીઝમાં સાર્વત્રિક નરમાઈ
વૈશ્વિક બજારોમાં કોમોડિટીઝના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સોનું અને ચાંદી ઉપરાંત બેઝ મેટલ્સ, ક્રૂડ અને ગેસના ભાવમાં પણ 3.5 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. કોમેક્સ ગોલ્ડ 11 ડોલરની નરમાઈ પાછળ 1989 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે સિલ્વર ફ્યુચર 2.75 ટકાના તીવ્ર ઘટાડે 24.84 ડોલર પર પટકાયું હતું. કોપરમાં 2.2 ટકાનો, નેચરલ ગેસમાં 3.5 ટકાનો અને બ્રેન્ટ ક્રૂડમાં 0.85 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. એમસીએક્સ ખાતે ચાંદી વાયદો 1.75 ટકા ઘટાડે 73697ની સપાટીએ જ્યારે ગોલ્ડ રૂ. 210ના ઘટાડે રૂ. 59790ની સપાટીએ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. નેચરલ ગેસમાં 3.4 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળતો હતો.
કોર્પોરેટ એડવાઈઝરી
બજાજ ઓટોઃ ટુ-વ્હીલર્સ અગ્રણીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1705 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1526 કરોડની સરખામણીમાં 11.70 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 8929 કરોડની આવક નોંધાવી છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 7975 કરોડ પર જોવા મળતી હતી. કંપનીએ શેર દીઠ રૂ. 140ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
નેસ્લે ઈન્ડિયાઃ એફએમસીજી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 737 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે વાર્ષિક ધોરણે 21.3 ટકા વૃદ્ધિ મારફતે રૂ. 4808 કરોડનું વેચાણ નોંધાવ્યું છે. જ્યારે શેર દીઠ રૂ. 76.4ની ઈપીએસ દર્શાવી છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં દાયકાની શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાવી છે. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 27ના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 251.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે માર્કેટની રૂ. 270 કરોડની અપેક્ષા કરતાં સાધારણ નીચો છે. કંપનીની રેવન્યૂ વાર્ષિક ધોરણે 4 ટકા વધી 27.46 કરોડ ડોલર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 26.44 કરોડ ડોલર પર હતી.
સેન્ચૂરી ટેક્સટાઈલ્સઃ આદિત્ય બિરલા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 145 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 86 કરોડના નફા સામે 69 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1211 કરોડ સામે સાધારણ ઘટાડે રૂ. 1208.54 કરોડ પર જોવા મળી હતી.
નેલ્કોઃ તાતા જૂથ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5.7 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 71.7 કરોડ પરથી ચાલુ વર્ષે સમાનગાળામાં 14 ટકા વધી રૂ. 82 કરોડ પર જોવા મળી હતી.
ટીટીએમએલઃ તાતા ટેલિસર્વિસિઝે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 277 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 281 કરોડ પર હતો. કંપનીનું વેચાણ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 273 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 280.13 કરોડ પર જોવા મળ્યું હતું.
મેઘમણિ ફાઇનકેમઃ ઈન્ટિગ્રેટેડ કેમિકલ ઉત્પાદકે નાણા વર્ષ 2022-23 માટે રૂ. 353 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે 2021-22માં રૂ. 253 કરોડના નફા સામે 40 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 41 ટકા વધી રૂ. 2188 કરોડ પર રહી હતી. કંપનીની આવકમાં ડેરિવેટીવ્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સનો હિસ્સો વધી 38 ટકા પર જોવા મળ્યો હતો.
મહિન્દ્રા લોજિસ્ટીક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 20 લાખનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.28 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1088.5 કરોડ પરથી ચાલુ વર્ષે સમાનગાળામાં 17 ટકા વધી રૂ. 1272.5 કરોડ પર જોવા મળી હતી.
ઈપ્કા લેબ્સઃ ફાર્મા કંપનીએ યુનિકેમ લેબ્સમાં રૂ. 1034.10 કરોડના ખર્ચે 33.38 ટકા હિસ્સો ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યો છે. કંપની રૂ. 440 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરશે. પ્રમોટર્સ પાસેથી હિસ્સો ખરીદ્યાં પછી ઈપ્કા 26 ટકા સુધીનો હિસ્સો ખરીદવા માટે સમાનભાવે ઓપન ઓફર પણ કરશે. ઈપ્કાએ યુએસ બજારમાં તેની હાજરી વધારવાના હેતુથી યુનિકેમમાં હિસ્સો ખરીદ્યો છે.