મંદીવાળાઓ ફરી સક્રિય બનતાં નિફ્ટીએ 18K તોડ્યું
જાન્યુઆરી એક્સપાયરીમાં બેન્ચમાર્કમાં 1.64 ટકા ઘટાડો
ઈન્ડિયા વિક્સ 7.25 ટકા ઉછળી 14.65ની સપાટીએ
એશિયન બજારોમાં મજબૂતી, યુરોપમાં નરમાઈ
બેંકિંગ, એનર્જી સેક્ટરમાં ભારે વેચવાલી
ફાર્મા ક્ષેત્રે નબળા પરિણામો પાછળ જાતે-જાતમાં ગાબડાં
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ રકાસ
ઈન્ડુસ ટાવર્સ, ઓરો ફાર્મા, બાયોકોન વર્ષના તળિયે
જાન્યુઆરી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી. બુધવારે નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ બજારો સમગ્ર દિવસ રેડ ઝોનમાં જ જોવા મળ્યાં હતાં અને આખરે એક ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 773.69 પોઈન્ટ્સના ઘટાડે 60,205.06ની સપાટીએ જ્યારે નિફ્ટી 226.35 પોઈન્ટ્સ ગગડી 17,891.95ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 40 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 10 કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે 3646 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2396 નેગેટિવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 1120 કાઉન્ટર્સે અગાઉના બંધ કરતાં સુધારો દર્શાવ્યો હતો. 113 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 109 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.25 ટકા ઉછળી 14.65ની સપાટીએ બંધ જળવાયો હતો.
સામાન્યરીતે મંથલી એક્સપાયરી મહિનાના છેલ્લા ગુરુવારે જોવા મળતી હોય છે. જોકે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 26 જાન્યુઆરીએ રજા હોવાના કારણે બુધવારે જાન્યુઆરી એક્સપાયરી હતી. જે દરમિયાન માર્કેટ પર સંપૂર્ણપણે મંદીવાળાઓનો કબજો જોવા મળ્યો હતો. નિફ્ટી અગાઉની 18118.30ની બંધ સપાટી સામે 18099.35 પર ખૂલી ઉપરમાં 18100.60ની ટોચ બનાવી ગગડતો રહ્યો હતો અને 17846.15ની બોટમ બનાવી બાકીના સમય દરમિયાન રેંજ બાઉન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સમાં એક પોઈન્ટ ડિસ્કાઉન્ટમાં 17980.80ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ફેબ્રુઆરી ફ્યુચર્સ લગભગ 98 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17988.70 પર બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં અન્ડરટોન નરમાઈનો બન્યો છે અને તેથી આગામી સમયગાળામાં વધુ ઘટાડાની શક્યતાં છે. નિફ્ટી માટે 17800નું સ્તર એક મહત્વનો સપોર્ટ સાબિત થશે. જે તૂટશે તો ફ્રી ફોલ જોવા મળી શકે છે. ચાલુ મહિને તે 17761ના તળિયેથી પરત ફર્યો હતો. જોકે ઉપરમાં તે 18200નું સ્તર પાર કરી શક્યો નહોતો. જાન્યુઆરી સિરિઝ બે બાજુની વધ-ઘટવાળી જોવા મળી હતી. સિરિઝમાં નિફ્ટીએ 1.64 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. આમ કેલેન્ડરની શરૂઆત નેગેટિવ રિટર્ન સાથે થઈ છે. જે સૂચવે છે કે વર્ષ તેજીવાળાઓ માટે આકરું બની શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ આપનાર મુખ્ય કાઉન્ટર્સમાં મારુતિ સુઝુકી, હિંદાલ્કો, બજાજ ઓટો, એચયૂએલ, તાતા સ્ટીલ અને હીરો મોટોકોર્પ મુખ્ય હતાં. જ્યારે બીજી બાજુ અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક, સિપ્લા, એચડીએફસી, એક્સિસ બેંક, એપોલો હોસ્પિટલ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ સેક્ટર્સ નેગેટિવ રિટર્ન દર્શાવતાં હતાં. જોકે બેંકિંગ, ફાર્મા અને એનર્જી સૂચકાંકો 2-3 ટકાની રેંજમાં ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2.54 ટકા તૂટ્યો હતો અને 42 હજારની નીચે ઉતરી ગયો હતો. જેમાં સૌથી વધુ યોગદાન ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એચડીએફસી બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો હતો. જેમાં ટોચનું યોગદાન અદાણી ગ્રીન એનર્જી, તાતા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ અને આઈઓસીનું હતું. એકમાત્ર ઓએનજીસી પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.22 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 4.7 ટકા સાથે ઘટાડો દર્શાવવામાં અગ્રણી હતો. કંપનીનો શેર તેના બે વર્ષથી વધુના તળિયા પર ટ્રેડ થયો હતો. આ ઉપરાંત બાયોકોન, સિપ્લા, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન અને ડિવિઝ લેબ્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 2 ટકા ગગડ્યો હતો. જેમાં ડીએલએફ 3.5 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. આ ઉપરાંત સનટેક રિઅલ્ટી, સોભા, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટપ્રાઈસિઝ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી આઈટીમાં એક ટકા ઘટાડો નોઁધાયો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 3.4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક, વિપ્રો, કોફોર્જ, ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો કેટલાંક કાઉન્ટર્સ સારા પરિણામો પાછળ મજબૂત સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં ટીવીએસ મોટર 5.5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત મારુતિ સુઝુકી, હિંદાલ્કો, એચયૂએલ, બજાજ ઓટો, ટ્રેન્ટમાં પણ સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ અંબુજા સિમેન્ટ્સ 8 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત ઈન્ડુસ ટાવર્સ, એસીસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ડેલ્ટા કોર્પ, બેંક ઓફ બરોડા, કોન્કોર, કેનેરા બેંક વગેરેમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. બ્લ્યૂચિપ્સમાં વાર્ષિક ટોચ બનાવનાર કાઉન્ટર્સનો અભાવ હતો. જ્યારે અનેક કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જેમાં ઈન્ડુસ ટાવર્સ, ઓરો ફાર્મા, બાયોકોન, વોડાફોન, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, વોલ્ટાસ, બાટા ઈન્ડિયા, ટીવી18 બ્રોડકાસ્ટ, અતુલ, શિલ્પા, બાલાજી એમાઈન્સ, ફાઈઝરનો સમાવેશ થાય છે. કેટલાંક મીડ-કેપ કાઉન્ટર્સમાં મહિન્દ્રા સીઆઈઈ, ડાય્નાકોન્સ સિસ્ટમ, ગોલ્ડસ્ટોન ટેક્નોલોજી, સોના બીએલડબલ્યુ, બોમ્બે સુપર, સોમ ડિસ્ટીલરીઝ, સોલારા એક્ટિવમાં 5 ટકાની બાયર સર્કિટ્સ જોવા મળતી હતી.
ટોરેન્ટ ફાર્માએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 283 કરોડનો નફો નોંધાવ્યો
કંપનીની રેવન્યૂ 18 ટકા ઉછળી રૂ. 2491 કરોડ રહી
અગ્રણી ફાર્મા કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે મજબૂત પરિણામો દર્શાવ્યાં છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2491 કરોડ પર જોવા મળી છે. જ્યારે એબિટા 35 ટકા ઉછળી રૂ. 724 કરોડ પર નોંધાયો હતો. કંપનીનો નેટ પ્રોફિટ 14 ટકા વૃદ્ધિ સાથે રૂ. 283 કરોડ પર જોવા મળ્યો હતો. એબિટા માર્જિનમાં 29.1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
ફાર્મા કંપનીના ભારતીય બિઝનેસની આવક 17 ટકા વધી રૂ. 1259 કરોડ રહી હતી. જેમાં ક્યૂરેશ્યો હેલ્થકેરના કંપની સાથેના ઈન્ટિગ્રેશન બાદની આવકનો સમાવેશ પણ થાય છે. AIOCD સેકન્ડરી ડેટા મુજબ ક્વાર્ટર દરમિયાન ટોરેન્ટ ફાર્માએ IPMના 12 ટકા વિરુધ્ધ 12 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. કંપનીના ફિલ્ડ ફોર્સમાં વધુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને એમઆર સ્ટ્રેન્થ વધીને 5300 પર પહોંચી હતી. જેમાં ક્યૂરેશ્યો ડિવિઝન્સનો પણ સમાવેશ થાય છે. નાણા વર્ષમાં ડિસેમ્બર સુધીના નવ મહિનામાં કંપનીની આવક 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3728 કરોડ પર જળવાય હતી. કંપનીના બ્રાઝિલ બિઝનેસની આવક 36 ટકા વધી રૂ. 248 કરોડ પર રહી હતી. જર્મન બિઝનેસની આવક 1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 241 કરોડ પર જળવાય હતી. જ્યારે યુએસ ખાતે આવક 24 ટકા ઉછળી રૂ. 291 કરોડ પર રહી હતી. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યૂ આધારે તે 13 ટકા વધી 3.5 કરોડ ડોલર પર જોવા મળી હતી. 31 ડિસેમ્બર, 2022ના રોજ યુએસએફડીએ સમક્ષ કંપનીની 48 એએનડીએની મંજૂરી પેન્ડિંગ હતી. જ્યારે 3 ટેન્ટેટીવ મંજૂરી તેણે મેળવી લીધી હતી. ક્વાર્ટર દરમિયાન એક એએનડીએ ફાઈલ કરવામાં આવ્યું હતું. જ્યારે એક એએનડીએને મંજૂરી આપવામાં આવી હતી.
ચોખાના નિકાસભાવ અઢી વર્ષની ટોચે પહોંચ્યાં
છેલ્લાં પખવાડિયામાં ચોખાના ભાવમાં 10 ટકા વૃદ્ધિ નોંધાઈ
ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ છતાં ભારતીય ચોખા સૌથી વધુ સ્પર્ધાત્મક
ભારતમાંથી નિકાસ થતાં સફેદ ચોખાના ભાવ છેલ્લાં પખવાડિયામાં 10 ટકા ઉછળી અઢી વર્ષ અથવા 30-મહિનાની ટોચે પહોંચ્યાં છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી સેન્ટ્રલ પુલ માટે ઊંચી ખરીદી અને વૈશ્વિક ચલણોમાં મૂવમેન્ટ્સને કારણે ચોખાના ભાવમાં વૃદ્ધિ નોંધાઈ હોવાનું નિકાસકારો અને ટ્રેડર્સ જણાવી રહ્યાં છે.
કેન્દ્ર સરકારના વડાપ્રધાન ગરિબ કલ્યાણ અન્ન યોજના(PMGKAY) હેઠળ મફત અનાજ વિતરણને બંધ કરવાના નિર્ણયને કારણે પણ પણ ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. આમ થવાનું કારણ જેઓ આ સ્કિમ હેઠળ અનાજ મેળવતાં હતાં તેઓ હવે મુક્ત બજારમાંથી ચોખા મેળવશે. PMGKAY એ વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ કરવામાં આવતાં અનાજ વિતરણ ઉપરાંતની વિશેષ યોજના હતી. બજારમાં હાલમાં નિકાસકારો ચોખાની ખરીદી માટે એફસીઆઈ સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. જેને કારણે ભાવ ઊંચે ગયા છે. એકવાર એફસીઆઈની ખરીદી અટકશે ત્યારબાદ ભાવમાં કેટલુંક કરેક્શન જોવા મળી શકે છે એમ દિલ્હી સ્થિત નિકાસકાર જણાવે છે. પારબોઈલ્ડ રાઈસના ભાવ બે સપ્તાહમાં 30 ટકા ઉછળી રૂ. 29000 પ્રતિ ટન પર પહોંચ્યાં છે. જે રૂ. 22000 પર ચાલી રહ્યાં હતાં. બાંગ્લાદેશ પણ સરકાર-થી-સરકાર સમજૂતી હેઠળ ચોખા ખરીદી રહ્યું હોવાના અહેવાલ પાછળ પણ ચોખાના ભાવ મજબૂત બન્યાં છે. ડાંગરના ભાવ ગયા સપ્તાહે રૂ. 2419.46 પ્રતિ ક્વિન્ટલ પર પહોંચ્યાં હતાં. જે ગયા વર્ષે રૂ. 2054 પર જોવા મળી રહ્યાં હતાં. સરકારે ડાંગર માટે રૂ. 2040ના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ તરીકે નિર્ધારિત કર્યાં છે. કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલય તરફથી મળતાં ડેટા મુજબ હાલમાં ચોખાનો હોલસેલ ભાવ રૂ. 3328.43 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળી રહ્યો છે. જે વાર્ષિક ધોરણે 9.12 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આમાંથી મોટાભાગની વૃદ્ધિ છેલ્લાં એક સપ્તાહમાં જ નોંધાઈ છે. ચોખાના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ નજીક પહોંચ્યાં છે અને તેને કારણે નિકાસ ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ જણાવે છે.
થાઈ રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતના 5 ટકા તૂટેલા ચોખાનો ભાવ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહતી 40 ડોલર પ્રતિ ટન જેટલો ઉથળી 443-447 ડોલર પ્રતિ ટન પર પહોંચ્યો છે. જ્યારે 25 ટકા તૂટેલા ચોખાનો ભાવ 50 ડોલર ઉછળી 428-432 ડોલર પ્રતિ ટન પર પહોંચ્યો છે. માત્ર પારબોઈલ્ડ રાઈસના ભાવમાં આવો તીવ્ર ઉછાળો નથી જોવા મળ્યો. જોકે તેમના ભાવ પણ પ્રતિ ટન 15 ટકા વધી 388-392 ડોલર પ્રતિ ટન પર પહોંચ્યો છે. ભાવમાં ઉછાળા છતાં પણ વૈશ્વિક બજારમાં ભારતના ચોખા સૌથી વધુ સ્પર્ધાત્મક જોવા મળી રહ્યાં છે.
મુકેશ અંબાણી યુએસ સાહસિક જોશ કૂશ્નેરની થ્રાઈવ કેપિટલમાં હિસ્સો ખરીદશે
અંબાણી જૂથ અન્ય ટોચના સાહસિકો સાથે થ્રાઈવમાં 3.3 ટકા હિસ્સા માટે જોડાશે
ભારતમાં બીજા ક્રમના અબજોપતિ મુકેશ અંબાણીનું જૂથ યુએસ સાહસિક જોશ કૂશ્નેર સ્થાપિત વેન્ચર-કેપિટલ કંપની થ્રાઈવ કેપિટલમાં હિસ્સો ખરીદશે તેમ જાણવા મળે છે. થ્રાઈવમાં 17.5 કરોડ ડોલરમાં 3.3 ટકા હિસ્સાની ખરીદી માટે મુકેશ અંબાણી, બ્રાઝિલના જોર્જ પાઉલો લેમાન્ન અને ફ્રાન્સના ઝેવિઅર નેઈલ કેકેઆર એન્ડ કંપનીના કો-ફાઉન્ડર હેનરી ક્રેવિસ અને વોલ્ટ ડિઝની કંપનીના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર રોબર્ટ આઈગેરની સાથે જોડાશે.
થ્રાઈવે મંગળવારે જાહેર કરેલા એક નિવેદન મુજબ આ અસાધારણ સાહસિકોએ મોટી સંસ્થાઓ ઊભી કરી છે. તેમના દેશમાં તેઓ મજબૂત હાજરી ધરાવે છે. તેમણે લોકપ્રિય બ્રાન્ડ્સને નવી ચાઈ આપી છે અને નવા ઉદ્યોગો સ્થાપ્યાં છે. આ ડિલ થ્રાઈવનું 5.3 બજ ડોલરના વેલ્યૂએશને થઈ રહ્યું છે. જે કંપનીના 2021 કેલેન્ડરમાં જોવા મળતાં 3.6 અબજ ડોલરના મૂલ્ય કરતાં ચઢિયાતું છે. તે વખતે થ્રાઈવે ગોલ્ડમેન સાચ ગ્રૂપ ઈન્કના યુનિટને હિસ્સાનું વેચાણ કર્યું હતું એમ ન્યૂ યોર્ક સ્થિત થ્રાઈવના પ્રવક્તા જણાવે છે. ચાલુ વર્ષે કંપનીની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ 15 અબજ ડોલર પર જોવા મળે છે. થ્રાઈવે ગોલ્ડમેન સાચને વેચેલા હિસ્સાની પુનઃખરીદી કરી હતી અને હિસ્સો ધરાવનાર નવી સિન્ડિકેટ એની એ જ છે એમ થ્રાઈવે ઉમેર્યું હતું. ઈન્વેસ્ટમેન્ટમાં વિશ્વના કેટલાંક સૌથી ધનવાન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે મુકેશ અંબાણી 84.7 અબજ ડોલરની વેલ્થ સાથે વિશ્વમાં 12મા સૌથી ધનવાન વ્યક્તિ છે. લેમાન્ન 21.2 અબજ ડોલર સામે બ્રાઝિલના સૌથી સંપત્તિવાન વ્યક્તિ છે. જ્યારે ક્રેવિસની વેલ્થ 9.5 અબજ ડોલર અને નેઈલ 8.1 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે એમ બિલિયોનર્સ ઈન્ડેક્સ સૂચવે છે 37-વર્ષીય કૂશ્નેરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રોકાણકારોમાંથી કેટલાંક મારી જીંદગી સાથે છેલ્લાં કેટલાંક સમયથી સંકળાયેલા છે. તેણે 2009માં થ્રાઈવની સ્થાપના કરી હતી. તેઓ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈના નાના ભાઈ થાય છે. થ્રાઈવે ઓસ્કાર હેલ્થ ઈન્ક., કોમ્પાસ ઈન્ક., એફર્મ હોલ્ડિંગ્સ ઈન્ક., ઓપનડોર ટેક્નોલોજિસ ઈન્ક., યુનિટી સોફ્ટવેર ઈન્ક., હિમ્સ એન્ડ હર્સ હેલ્થ ઈન્ક અને કીમ કર્દાશીને સ્થાપેલી અન્ડરવેર કંપની સ્કીમ્સમાં રોકાણ કર્યું છે.
પાકિસ્તાનમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને બે દિવસમાં રૂ. 1600 કરોડનું નુકસાન
કોટનની તંગી બાદ હવે વીજ પુરવઠાને લઈ અનિશ્ચિતતા ઊભી થઈ
પાકિસ્તાનમાં બે દિવસ અગાઉ નેશનલ ગ્રીડમાં સમસ્યા ઊભી થવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને 7 કરોડ ડોલર અથવા રૂ. 1616 કરોડ(પાકિસ્તાની રૂપિયા)નું જંગી નુકસાન થયું હતું. પાકિસ્તાનના સ્થાનિક મિડિયા અહેવાલો મુજબ સમગ્ર દેશમાં વિજળી સંકટ પાછળ ઉત્પાદન પર અસર થઈ હતી અને તેને કારણે ટેક્સટાઈલ કંપનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉથી જ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા દેશ પર આને કારણે પડતા પર પાટુ મારવા જેવો ઘાટ થયો છે.
દેશના ત્રણ પ્રાંતોમાં નેશનલ ગ્રીડનો વીજ પ્રવાહ શરૂ થયા બાદ સમગ્ર પાકિસ્તાનમાં ઉદ્યોગોને વીજળો સપ્લાય રોકી દેવામાં આવ્યો હતો. જેને કારણે ઉદ્યોગો કામ કરી શક્યાં નહોતાં. ઓલ પાકિસ્તાન ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશનના જણાવ્યા મુજબ બે દિવસ વીજ પુરવઠો ખોરવાવાને કારણે ટેક્સટાઈલ બિઝનેસને અબજો રૂપિયાની ખોટ ઉઠાવવાની થઈ હતી. સ્થાનિક ઉદ્યોગપતિઓ વીજળીને લઈને જોવા મળી રહેલી અનિશ્ચિતતાને કારણે ચિંતા અનુભવી રહ્યાં છે. તેમના મતે જો સરકાર વિજ પુરવઠાની ગેરંટી આપવામાં નિષ્ફળ રહેશે તો ટેક્સટાઈલ ઉદ્યોગે ભવિષ્યમાં કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનું બની શકે છે. પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં સોમવાર સવારથી વીજ સપ્લાય ખોરવાયો હતો. જેને રાબેતા મુજબ થતાં લગભગ બે દિવસ લાગ્યા હતાં. જેમાં ઉદ્યોગો પર સૌથી વધુ માર પડ્યો હતો.
ટેક્સટાઈલ ક્ષેત્રે પાકિસ્તાન વિશ્વમાં ટોચના દેશોમાં સમાવેશ પામે છે. કેલેન્ડર 2021માં દેશમાંથી 19.3 અબજ ડોલરની ટેક્સટાઈલ નિકાસ જોવા મળી હતી. જોકે 2022માં ટેક્સટાઈલનો દેખાવ નબળો રહ્યો હતો. જેના કારણોમાં સ્થાનિક સ્તરે કપાસની પ્રાપ્તિમાં અવરોધો મુખ્ય હતાં. ગયા ચોમાસામાં સમગ્ર પાકિસ્તાનમાં ભયંકર પૂરને કારણે કપાસના પાકને જંગી નુકસાન જોવા મળ્યું હતું. જેને કારણે સ્થાનિક પાક ઘણો નીચો જોવા મળ્યો હતો. બીજી બાજુ ત્યાંની સરકારે સ્થાનિક ઉદ્યોગ તરફથી ભારતમાંથી કોટન આયાતની માગને ફગાવી હતી. આમ તેમની પાસે કોટન સપ્લાય મોટી અડચણ બની રહ્યું છે. જેના પર વીજ પુરવઠાની તંગીએ બેવડી પ્રતિકૂળતા ઊભી કરી છે.
સેબી SATના આદેશને સુપ્રીમમાં પડકારે તેવી સંભાવના
નેશનલ સ્ટોક એક્સચેન્જ કોલોકેશન સ્કેમ હેઠળ સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુલન(સેટ)એ પસાર કરેલા આદેશને માર્કેટ રેગ્યુલેટર સેબી સુપ્રીમ કોર્ટમાં પડકારે તેવી શક્યતાં છે. સોમવારે ટ્રિબ્યુનલે સેબીએ એનએસઈને ફટકારેલા રૂ. 625 કરોડના દંડને ઘટાડીને રૂ. 100 કરોડનો કર્યો હતો. સેબીએ 2019માં એનએસઈ તથા તેના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામક્રિષ્ણન અને ઈડી રવિ નારાયણ પર આ પેનલ્ટી લાગુ પાડી હતી. જોકે એપલેટ ટ્રિબ્યુનલે સેબીના ઓર્ડરને બાજુ પર રાખી એનએસઈ સહિત અન્ય આરોપીઓને મોટી રાહત પૂરી પાડી હતી.
એક અબજ ડોલરના ઓક્શન સાથે ભારત ગ્રીન બોન્ડ માર્કેટમાં પ્રવેશ્યું
બુધવારે ભારતના પ્રથમ એવા સોવરિન ગ્રીન બોન્ડના ઓક્શન સાથે દેશે ગ્રીન બોન્ડ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. જેમાં જાહેર ક્ષેત્રની ઈન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ સહિત ટોચના એસેટ મેનેજર્સ તથા વિદેશી રોકાણકારોએ ભાગ લીધો હતો. સરકાર તરફથી રૂ. 8 હજાર કરોડ(98.4 કરોડ ડોલર)ના બોન્ડ્સ ઈસ્યુ કરવામાં આવ્યાં હતા. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટરે ઈન્શ્યોરન્સ કંપનીઓને જરૂરી ઈન્ફ્રાસ્ટ્ર્કચર ઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે તેમને બોન્ડ્સ ખરીદીની છૂટ આપી હતી. જ્યારે ફોરેન ખરીદારો માટે કોઈ મર્યાદા નહોતી. આ બોન્ડ્સ 5-વર્ષ તથા 10-વર્ષનો સમયગાળો ધરાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ટીવીએસ મોટર્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 352.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 357 કરોડના અંદાજ કરતાં સાધારણ નીચો હતો. કંપનીની આવક રૂ. 6407 કરોડના અંદાજ સામે રૂ. 6545 કરોડ પર રહી હતી. ટીવીએસ મોટરનો શેર પરિણામો પાછળ 5 ટકાથી વધુ ઉછળ્યો હતો.
સાસ્કેન કોમ્યુનિકેશનઃ આઈટી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 31.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 30.1 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 106.3 કરોડની સરખામણીમાં 15.5 ટકા વધી રૂ. 122.8 કરોડ પર જોવા મળી હતી.
હોમ ફર્સ્ટઃ એનબીએફસી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 58.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષની સરખામણીમાં 35.4 ટકા ઉછળી રૂ. 205.4 કરોડ પર જળવાય હતી.
મેક્રોટેકઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 404.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 285.6 કરોડની સરખામણીમાં 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 2059.4 કરોડની સરખામણીમાં 13.9 ટકા ગગડી રૂ. 1773.8 કરોડ પર જોવા મળી હતી.
યુનાઈડેટ સ્પિરિટ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 110.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 262 કરોડના અંદાજ કરતાં નોંધપાત્ર નીચો હતો. કંપનીના માર્જિન ગયા વર્ષે 17 ટકાની સરખામણીમાં ગગડી 13.2 ટકા પર જોવા મળ્યાં હતાં.
ઈન્ડુસ ટાવરઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 708.2 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1570.8 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 6927.4 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 2.3 ટકા ઘટાડે રૂ. 6,765 કરોડ પર જોવા મળી હતી.
તાતા કોમ્યુનિકેશન્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 393.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 395.2 કરોડની સરખામણીમાં 0.3 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 4,184.9 કરોડની સરખામણીમાં 8.2 ટકા વધી રૂ. 4,528.3 કરોડ પર જોવા મળી હતી.
કોટક મહિન્દ્રા બેંકઃ પ્રાઈવેટ બેંકે મોબાઇલ આધાર સેવા ‘આધાર ઓન વ્હીલ્સ’ લોંચ કરી છે. જે દેશના 20 શહેરોમાં સક્રિય છે. તેનો લાભ સિનિયર સિટિઝન્સ, વિકલાંગ સહિતના વર્ગો લઈ શકશે. બેંકે યુનિક
યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે.
સિન્જિનઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 109.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 104 કરોડની સરખામણીમાં 5.5 ટકા વધુ જોવા મળે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 641.4 કરોડની સરખામણીમાં 22.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 785.9 કરોડ પર જોવા મળી હતી.
એચએફસીએલઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 96.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 78 કરોડની સરખામણીમાં 23 ટકા વધુ જોવા મળે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1215.2 કરોડની સરખામણીમાં 11 ટકા ઘટાડે રૂ. 1085.8 કરોડ પર જોવા મળી હતી.
ગ્લેન્ડ ફાર્માઃ ફાર્મા કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 232.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ રૂ. 264.5 કરોડના અંદાજ કરતાં નીચો પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીનો એબિટા રૂ. 329.3 કરોડના અંદાજની સરખામણીમાં 12.1 ટકા નીચે રૂ. 289.5 કરોડ પર જોવા મળ્યો હતો.
અંબેર એન્ટરપ્રાઈઝઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 14.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32.1 કરોડની સરખામણીમાં 56 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 974.3 કરોડ પરથી 38.4 ટકા ગગડી રૂ. 1348.3 કરોડ રહી હતી.