માર્કેટ સમરી
નિફ્ટી દિવસના તળિયા પર બંધ રહ્યો
બેન્ચમાર્ક નિફ્ટી દિવસના 14535ના તળિયા નજીક જ 14549 પર બંધ રહ્યો હતો. ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ બાદ લાંબા સમય સુધી કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ અંતિમ એક કલાકમાં નવેસરથી વેચવાલી બાદ વધુ ગગડ્યું હતું અને ચાલુ સપ્તાહના તળિયા પર બંધ જોવા મળ્યું હતું. નિફ્ટીને 14350ના મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે કડડભૂસ થઈ શકે છે.
બેંકિંગ અને મેટલમાં તીવ્ર વેચવાલી
બેંક નિફ્ટી 2.6 ટકા ઘટી 33293 પર બંધ રહ્યો હતો. જ્યારે મેટલ ઈન્ડેક્સ 3.24 ટકા તૂટી 3717 પર બંધ રહ્યો હતો. રિઅલ્ટી ઈન્ડેક્સ પણ લગભગ 3 ટકા ઘટી બંધ આવ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સ 2.6 ટકા ગગડ્યો હતો. એક માત્ર ફાર્મા ઈન્ડેક્સ 0.08 ટકાના સાધારણ સુધારા સાથે બંધ આવ્યો હતો. દિવસ દરમિયાન એક તબક્કે તે એક ટકાનો સુધારો દર્શાવતો હતો.
અનુપમ રસાયણનું ઓફરભાવ સામે ડિસ્કાઉન્ટમાં લિસ્ટીંગ
લગભગ 44 ગણા છલકાયેલા સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણનું બુધવારે નબળુ લિસ્ટીંગ જોવા મળ્યું હતું. નબળા લિસ્ટીંગ પાછળ આઈપીઓમાં શેર્સ નહિ મેળવનારા ટ્રેડર્સેને કોઈ અફસોસ રહ્યો નહોતો. રૂ. 555ના ભાવે ઓફર કરવામાં આવેલો શેર 6.2 ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. 520ના ભાવે ઓપન થયો હતો. જ્યારે ત્યારબાદ દિવસ દરમિયાન રૂ. 502થી રૂ. 549ની રેંજમાં ટ્રેડ થયો હતો. આમ ઓફરભાવ સુધી પહોંચી શક્યો નહોતો. આઈપીઓની શરૂઆતમાં ગ્રે-માર્કેટમાં શેરદીઠ રૂ. 150 સુધીનું પ્રિમીયમ જોવા મળતું હતું. જે ધીમે-ધીમે ઘસાતુ રહ્યું હતું અને આખરે નબળુ લિસ્ટીંગ જોવા મળ્યું હતું.
અદાણી જૂથના શેર્સમાં ઊંચા મથાળે વેચવાલી
બુધવારે બજારમાં ગેપ-ડાઉન ઓપનીંગ બાદ દિવસ દરમિયાન ઘટતાં રહેલા બજાર વચ્ચે અદાણી જૂથના શેર્સ પણ કામકાજની શરૂઆતમાં નવી ટોચ બનાવ્યા બાદ ઘટાડાતરફી જણાયા હતાં. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 1093ની સર્વોચ્ચ ટોચ બનાવી 3.5 ટકાના ઘટાડે રૂ. 1021 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે અદાણી ગ્રીન એનર્જિનો શેર રૂ. 1342ની ટોચ બનાવી 1.8 ટકા ઘટાડા સાથે રૂ. 1290 પર ટ્રેડ થતો હતો. અદાણી ટ્રાન્સમિશનનો શેર રૂ. 890ની ટોચ બનાવી રૂ. 855 પર ફ્લેટ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે અદાણી ટોટલનો શેર પણ રૂ. 970ની ટોચ બનાવી 1.5 ટકાના સુધારે રૂ. 910 પર ટ્રેડ થતો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડને પાર કરી ગયું હતું. અદાણી પાવરનો શેર સતત પાંચમા દિવસે 5 ટકાની સર્કિટ સાથે રૂ. 106.70ની સપાટી પર બંધ રહ્યો હતો.
સોનું-ચાંદી અને બેઝ મેટલ્સમાં સુધારો
સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન ઘટાડો દર્શાવ્યાં બાદ કિંમતી ધાતુઓમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં સુધારા પાછળ એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 180 પોઈન્ટ્સના સુધારે રૂ. 44826 પર ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર એપ્રિલ વાયદો રૂ. 570ના સુધારે રૂ. 65541 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં પણ કોપર, એલ્યુમિનિયમ, લેડ અને નીકલ 1.2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ક્રૂડમાં પણ મંગળવારના તીવ્ર ઘટાડા બાદ થોડો બાઉન્સ જોવા મળ્યો હતો અને ક્રૂડ એપ્રિલ વાયદો 2.5 ટકા સુધારા સાથે રૂ. 4338 પર ટ્રેડ થતું હતું.
ઈન્ડિયા વીક્સ 9 ટકા ઉછળ્યો
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 9 ટકા ઉછળ્યો હતો. ગયા સપ્તાહે 19ની સપાટી નીચે ઉતરી ગયેલો વિક્સ બુધવારે 22.45 ટકા પર બંધ રહ્યો હતો. જે એક જ દિવસમાં 1.78 પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવતો હતો. ચાલુ સપ્તાહે સતત ત્રીજા દિવસે તેણે વૃદ્ધિ નોઁધાવી હતી. બુધવારે બજાર સતત ઘસાતું રહ્યું હતું અને તેની સાથે વીક્સ વધતો રહ્યો હતો.
માર્ચમાં ભારતીય બજારે એશિયન હરિફો કરતાં ચડિયાતો દેખાવ દર્શાવ્યો
વિકસિત બજારોએ માર્ચ મહિનામાં ઈમર્જિંગ માર્કેટ્સને રિટર્નની બાબતમાં પાછળ રાખી દીધાં
બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ વચ્ચે યુરોપ અને યુએસના બજારોમાં ખરીદી પાછળ નવી ટોચ બની
માર્ચ મહિનો વૈશ્વિક શેરબજારોના દેખાવમાં એક મહત્વનો બદલાવ દર્શાવી રહ્યો છે. કોવિડ 2020ના લોકડાઉન બાદ ઈમર્જિંગ બજારો સામે સતત અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતાં રહેલાં વિકસિત બજારોએ સામૂહિકરીતે ઊંચો સુધારો દર્શાવ્યો છે. તેમણે વળતરની બાબતમાં લાંબા સમયબાદ ઊભરી રહેલા બજારોને પાછળ રાખી દીધાં છે. જે સૂચવે છે કે વૈશ્વિક રોકાણકારોના દ્રષ્ટીકોણમાં ફેરફાર આવી રહ્યો છે અને જો આ ટ્રેન્ડ મધ્યમથી લાંબા ગાળા માટે ચાલશે તો ઈમર્જિંગ માર્કેટ્સમાંથી ફ્લો ડેવલપ માર્કેટ્સ તરફ વળી શકે છે.
અલબત્ત, ભારતીય બજારને લઈને રાહતની બાબત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત સુધારા છતાં માર્ચ મહિનામાં બુધવાર સુધી તે ચોખ્ખો સુધારો દર્શાવતું હતું. સાથે હરિફ ઈમર્જિંગ બજારો જ્યારે 4 ટકાથી વધુનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે ત્યારે ભારતીય બજાર સાધારણ રિટર્ન સાથે વિકસિત બજારોની સાથે પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થતું હતું. આમ અગાઉથી જ અન્ડરપર્ફોર્મર એવા બજારોની સરખામણીમાં પણ ભારતીય બજારોનો દેખાવ ચડિયાતો જળવાયો છે. ભારતીય બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી બુધવારના બંધ ભાવે અનુક્રમે 0.16 ટકા અને 0.14 ટકાનું પોઝીટીવ રિટર્ન દર્શાવતાં હતાં. જ્યારે તેની સામે હરિફ ચીનનું બજાર 4.05 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતું હતું. અન્ય એશિયન બજારોમાં ફિલિપિન્સ(-4.38 ટકા), હોંગ કોંગ(-3.66 ટકા) અને દક્ષિણ કોરિયા(-0.55 ટકા)નો ઘટાડો દર્શાવતાં હતાં. ચીનનું બજાર લાંબા સમય બાદ તેની પાંચ વર્ષની ટોચને પાર કરી ગયું હતું. જોકે ફરીથી નેગેટિવ ટ્રેન્ડમાં સરી પડ્યું હતું. બુધવારે તે 3732ની ટોચ સામે 10 ટકાથી વધુના ઘટાડે 3367 પર ટ્રેડ થતું હતું. આમ ટોચના ભાવથી તે નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. બીજી બાજુ ભારતીય બજાર તેની ટોચથી 4-5 ટકા નરમાઈ દર્શાવી રહ્યું છે. મોટાભાગના એશિયન બજારો તેમની ટોચથી 5-10 ટકાની રેંજમાં ઘટી ચૂક્યાં છે.
વિકસિત બજારો માટે જોકે માર્ચ મહિનો અસાધારણ બની રહ્યો છે. એકબાજુ યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર ઊંચાઈ જોવા મળી હતી તો બીજી બાજુ ડાઉ જોન્સ પણ સુધરી રહ્યો હતો. એપ્રિલ-મે 2020 બાદ પ્રથમવાર ડાઉ જોન્સે વૈશ્વિક સ્તરે આઉટપર્ફોર્ન્સ દર્શાવ્યું હતું. જોકે યુએસ માર્કેટથી પણ વધુ રિટર્ન જર્મનીએ દર્શાવ્યું છે. જર્મન સ્ટોક એક્સચેન્જના ડેક્સ ઈન્ડેક્સે 6 ટકા સાથે માર્ચમાં સૌથી સારો દેખાવ કર્યો છે. તે હાલમાં તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. ત્યારબાદ 4.82 ટકા સુધારા સાથે ડાઉ જોન્સનો ક્રમ આવે છે. બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ સાથે સૌથી વધુ વ્યસ્ત સંબંધ ધરાવતો નાસ્ડેક પણ 0.27 ટકા સાથે પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો છે. યુરોપના બજારોમાં યુકેનો ફૂટ્સી પણ 3 ટકાથી વધુ સુધારો નોંધાવી ચૂક્યો છે. જ્યારે યુએસ ખાતે એસએન્ડપી 500 2.61 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. વિકસિત બજારોમાં વૃદ્ધિના કારણોમાં યુએસ ખાતે 1.9 બિલિયન ડોલરના સ્ટીમ્યુલસનું પસાર થવા ઉપરાંત ફેડ દ્વારા સુપર લૂઝ મોનેટરી પોલિસીને જાળવી રાખવાનું વચન પણ સામેલ છે.
માર્ચ મહિનામાં વૈશ્વિક બજારોનો દેખાવ
માર્કેટ ફેરફાર(%)
ડેક્સ(જર્મની) 5.93
ડાઉ જોન્સ 4.82
કેક(ફ્રાન્સ) 4.09
ફૂટ્સી(યૂકે) 3.17
સેન્સેક્સ 0.16
નિફ્ટી 0.18
કોસ્પી(કોરિયા) -0.55
નિક્કાઈ(જાપાન) -1.93
હેંગ સેંગ(હોંગ કોંગ) -3.66
ચીન -4.05
ફિલિપિન્સ -4.38
Market Summary 24 March 2021
March 24, 2021