Categories: Market TipsNEWS

Market Summary 23 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી








મંદીવાળાઓ આક્રમક બનતાં બીજા સપ્તાહે પણ ‘બ્લેક ફ્રાઈડે’
હોંગ કોંગ, સાઉથ કોરિયા, તાઈવાન બજારો તેમના વાર્ષિક તળિયે
યુરોપ બજારો પણ 52-સપ્તાહના બોટમ પર
વોલેટિલિટી ઈન્ડેક્સ 9.4 ટકા ઉછળી 20.59ના સ્તરે
બેંકિંગ અને એનબીએફસી શેર્સ ઊંધા માથે પટકાયાં
ઓટો, એનર્જી, મેટલ, પીએસઈમાં પણ ભારે ગાબડાં
બ્રોડ માર્કેટમાં ત્રણ શેર્સમાં વેચાણ સામે એકમાં જ ખરીદી
આઈટીસી, મારુતિ સુઝુકીની આગેકૂચ ચાલુ
આઈઓસી, માસ્ટેક, આઈઈએક્સ વર્ષના તળિયાની સપાટીએ


વૈશ્વિક બજારોમાં વણથંભી વેચવાલી પાછળ ભારતીય બજાર માટે સતત બીજા સપ્તાહે શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ બની રહ્યો હતો. બેન્ચમાર્ક્સ સૂચકાંકો લગભગ બે ટકા જેટલા ગગડ્યાં હતાં અને પખવાડિયાના તળિયા પર બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1021 પોઈન્ટ્સ તૂટી 58099ની સપાટીએ જ્યારે નિફ્ટી 302 પોઈન્ટ્સ ગગડી 17327ની સપાટીએ ક્લોઝ દર્શાવતાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર પાંચ જ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 45 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો અને વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે ત્રણમાંથી બે કાઉન્ટર્સ નેગેટિવ જ્યારે એક કાઉન્ટર પોઝીટીવ જોવા મળતું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 9.4 ટકા ઉછાળે 20.59ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારે ગેપ-ડાઉન શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી તેના અગાઉના 17630ના બંધ ભાવ સામે 17594ની સપાટીએ નરમ ખૂલ્યાં બાદ સતત ઘસાતો રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 17292નું તળિયું દર્શાવ્યું હતું અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 17335ની સપાટીએ સ્પોટ નિફ્ટી સામે 8 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ જોવા મળ્યો હતો. માર્કેટમાં સતત ઘટાડા પાછળ ટ્રેડર્સ તરફથી સતત લોંગ લિક્વિડેશન પાછળ બજાર સતત નરમાઈતરફી બની રહ્યું હતું અને તેણે બાઉન્સ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં નજીકમાં 17166નો સપોર્ટ છે. જે તૂટશે તો 17000નું સ્તર જોવા મળી શકે છે. જેની નીચે 16500 સુધીના ઘટાડાની શક્યતાં પણ જોવાઈ રહી છે. જૂનના મધ્યભાગથી તેજીતરફી બની રહેલા માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલ કન્ફર્મ થયું હોવાનું તેઓ માને છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે મૂડ પણ સારો નથી અને તેથી સ્થાનિક બજાર આઉટપર્ફોર્મન્સ દર્શાવે તેવી શક્યતાં ઓછી છે. છેલ્લાં કેટલાંક સત્રોથી વિદેશી સંસ્થાકિય રોકાણકારો પણ ચોખ્ખી વેચવાલી દર્શાવી રહ્યાં છે. જે બજાર માટે મોટું નેગેટિવ પરિબળ બની શકે છે. ફેડ તરફથી રેટ વૃદ્ધિ પાછળ ડોલરમાં મજબૂતીને જોતાં એફઆઈઆઈ ફરી વેચવાલ બની શકે છે. સાથે સ્થાનિક ફંડ્સ પણ વેચવાલ બન્યાં છે. તેમજ રિટેલ તરફથી બજારમાં છેલ્લાં બે વર્ષો દરમિયાન જોવા મળતો ફ્લો નહિવત થઈ ગયો છે. તેમના તરફથી સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળનો ફ્લો અકબંધ છે પરંતુ ડાયરેક્ટ પાર્ટિસિપેશન ઘણુ ખરું ઘટી ગયું છે. આમ એફઆઈઆઈની વેચવાલીને પચાવવા હાલમાં કોઈ મોટો બાયર્સ જોવા મળી રહ્યો નથી. ફેડ તરફથી ત્રીજી વાર 75 બેસીસ પોઈન્ટ્સ બાદ આરબીઆઈ માટે મોટી મૂઁઝવણ ઊભી થઈ છે એમ વર્તુળો જણાવે છે. ભારતીય અને યુએસ યિલ્ડ્સ વચ્ચેનો ગાળો છેલ્લાં ઘણા વર્ષોના તળિયા પર જોવા મળી રહ્યો છે. જે આરબીઆઈને 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ માટે ફરજ પાડી શકે છે. મોટાભાગની રેટિંગ એજન્સીઝ તથા બેંકિંગ સંસ્થાઓ 2022-23માં ભારતના જીડીપી વૃદ્ધિ દરને લઈને તેમના અગાઉના અંદાજમાં ઘટાડો કરી ચૂકી છે. વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલી સ્થિતિને જોતાં તેઓ આગામી મહિનાઓમાં અંદાજમાં વધુ ઘટાડો કરે તેવો મત અર્થશાસ્ત્રીઓ જોઈ રહ્યાં છે. જો તેમના અંદાજ સાચા પડશે તો સ્થાનિક કોર્પોરેટ અર્નિંગ્સ ગ્રોથ પર પ્રતિકૂળ અસર જોવા મળશે. જેની પાછળ માર્કેટ પર દબાણ જળવાય શકે છે.
સપ્તાહના આખરી સત્રમાં બજારને ફાર્મા અને એફએમસીજી તરફથી કંઈક અંશે સપોર્ટ સાંપડ્યો હતો. બંને સેક્ટરલ સૂચકાંકો સાધારણ ઘસારા સાથે બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા 0.02 ટકા ડાઉન જોવા મળ્યો હતો. તેના ઘટક કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ 1.75 ટકા સુધારો દર્શાવતો હતો.આ સિવાય સન ફાર્મા અને સિપ્લામાં પણ મજબૂતી જોવા મળી હતી. જોકે બીજી બાજુ લ્યુપિન, બાયોકોન, ઝાયડસ, ટોરેન્ટ ફાર્મા અને ડો. રેડ્ડીસ લેબોમાં નરમાઈ જોવા મળી હતી. એફએમજીસી ઈન્ડેક્સ 0.5 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં આઈટીસી રૂ. 349ની સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઈ પોઝીટીવ બંધ રહ્યો હતો. એચયૂએલ શરૂઆતી સત્રમાં પોઝીટીવ રહ્યાં બાદ સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. માર્કેટ પર સૌથી વધુ દબાણ બેંક નિફ્ટી તરફથી જોવા મળ્યું હતું. બેંક નિફ્ટી 2.7 ટકા ઘટાડા સાથે બંધ રહેવા ઉપરાંત તેણે 40 હજારની સપાટી ગુમાવી હતી. તીવ્ર ઘટાડો દર્શાવનારા બેંકિંગ શેર્સમાં પીએનબી, ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, બંધન બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 4 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટી એનર્જી 2.7 ટકા જેટલો ગગડ્યો હતો. ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડાનું કારણ પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ઊંચો ઘટાડો હતો. શેર 9 ટકાથી વધુ ગગડી રૂ. 200ની નીચે ઉતરી ગયો હતો. છેલ્લાં સપ્તાહમાં તે 20 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે. અન્ય એનર્જી કાઉન્ટર્સમાં તાતા પાવર, એનટીપીસી, ગેઈલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રીન એનર્જી, એચપીસીએલ અને બીપીસીએલમાં પણ એક ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ઓટો 1.71 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં ભારત ફોર્જ 4.4 ટકા ગગડ્યો હતો. અશોક લેલેન્ડ 3 ટકા, એમએન્ડએમ 3 ટકા, ટીવીએસ મોટર 3 ટકા, એમઆરએફ 2.3 ટકા અને બોશ 2.23 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. મારુતિ સુઝુકીનો શેર તેની બે વર્ષની ટોચ દર્શાવી અડધા ટકાથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી શરુઆતમાં મજબૂતી દર્શાવ્યા બાદ બજારની સાથે ગગડ્યું હતું. ઘટવામાં મીડ-કેપ કાઉન્ટર્સ અગ્રણી હતાં. જેમાં એમ્ફેસિસ, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એલએડટી ટેક્નોલોજી, વિપ્રો, ટીસીએસ મુખ્ય હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ગગડ્યો હતો. જેમાં ઓબેરોય રિઅલ્ટી 4 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 3.5 ટકા, હેમિસ્ફિઅર 3.3 ટકા, સનટેક રિઅલ્ટી 3 ટકા, સોભા 3 ટકા, ડીએલએફ 3 ટકા અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 3 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ડો. લાલ પેથલેબ્સ, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, મેટ્રોપોલીસ, અંબુજા સિમેન્ટ્, ટાટા સ્ટીલમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ એમએન્ડએમ ફાઈનાન્સિયલ 13 ટકા તૂટ્યો હતો. આ સિવાય ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ફેડરલ બેંક, એલઆઈસી હાઉસિંગ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, કેનફિન હોમ્સમાં પણ 5 ટકાથી ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો.



સેબી ન્યૂ-એજ કંપનીઓના IPOs માટે ડિસ્ક્લોઝર નિયમો કડક બનાવશે
મ્યુચ્યુલ ફંડ યુનિટ્સને પણ ઈન્સાઈડર ટ્રેડિંગના દાયરા હેઠળ લાવશે

સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) ન્યૂ-એજ કંપનીઓના આઈપીઓ માટેના ડિસ્ક્લોઝર નિયમોને કડક બનાવવા જઈ રહી છે. આ ઉપરાંત માર્કેટ-રેગ્યુલેટર મ્યુચ્યુલ ફંડ યુનિટ્સને પણ ઈન્સાઈડર ટ્રેડિંગ સંબંધી નિયમો હેઠળ આવરી લેશે એમ જાણકારોનું કહેવું છે. સેબી 30 સપ્ટેમ્બરે તેની બોર્ડ મિટિંગમાં આ અંગે આખરી નિર્ણય લેશે એમ તેઓ જણાવે છે.
વર્તુળોના મતે સેબીનું બોર્ડ ઈસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્યમેન્ટ્સ(ICDR) રેગ્યુલેશન્સમાં સુધારાને મંજૂરી આપશે. આમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કંપનીઓ તરફતી તેમની આઈપીઓ પ્રાઈસ નિર્ધારણની વિગતવાર માહિતી મેળવવાની છે. તેમની આઈપીઓ પ્રાઈસ અને પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટની ઓફર પ્રાઈસ વચ્ચેની સરખામણી તથા પ્રિ-આઈપીઓ તેમણે રોકાણકારોને કરેલા તમામ પ્રેઝન્ટેશન્સના ડિસ્ક્લોઝરનો છે. પરંપરાગત રીતે શેરના ભાવ નિર્ધારણમાં જોવા મળતાં માપદંડો જેવાકે પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ મલ્ટિપલ્સ, અર્નિંગ્સ પર શેર(ઈપીએસ) અને રિટર્ન રેશિયો ન્યૂ એજ કંપનીઓને કે સ્ટાર્ટ-અપ્સને લાગુ પાડી શકાતાં નથી. કેમકે તેમાંની મોટાભાગની લોસ-મેકિંગ કંપનીઓ છે. રેગ્યુલેટર આ સમસ્યાના ઉકેલ માટે કંપનીઓએ પૂરક માહિતી અને કિ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ(KPIs) પૂરા પાડવાને ફરજિયાત બનાવી રહી છે એમ વર્તુળો જણાવે છે.
સેબી શું કરશે?
ICDR, PIT રેગ્યુલેશન્સમાં સુધારાને હાથ પર ધરશે.
સ્ટાર્ટ-અપ IPOsએ આઈપીઓ પ્રાઈસિંગને જસ્ટીફાઈ કરવું પડશે.
આઈપીઓ પ્રાઈસને પ્રિ-આઈપીઓ એલોટમેન્ટ પ્રાઈસ સાથે સરખાવવી પડશે.
MF યુનિટ્સને ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમો લાગુ પડશે.






ટોરેન્ટ જૂથ રિલાયન્સ નિપ્પોન માટે બીડ કરશે
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપ રિલાયન્સ કેપિટલ અને જાપાનની નિપ્પોન લાઈફ વચ્ચેના 51:49ના રેશિયોમાં સંયુક્ત સાહસ રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપની(RNLIC) માટે બીડીંગ માટે વિચારી રહી હોવાનું જાણવા મળે છે. રિલાયન્સ કેપિટલ હાલમાં બેન્ક્ટ્રપ્સીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને એડમિનિસ્ટ્રેટરે સમગ્ર કંપની માટે તથા તેના વિવિધ બિઝનેસ ક્લસ્ટર્સ માટે રસ ધરાવનારાઓ પાસેથી ઓફર મંગાવી હતી. જોકે માત્ર સ્ટેન્ડઅલોન લાઈફ ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે કોઈના તરફથી ઓફર મળી નહોતી. ડિલ સાથે નજીકથી સંકળાયેલા બેન્કર્સના જણાવ્યા મુજબ વેલ્યૂઅર કંપનીની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 5800 કરોડ મૂકી રહ્યાં છે. જેને ગણનામાં લઈ ટોરેન્ટ જૂથ RNLICમાં 51 ટકા હિસ્સાની ખરીદી માટે રૂ. 2900 કરોડની બીડ કરવા માટે વિચારી રહ્યું છે.
TCSએ સ્ટાફને સપ્તાહમાં ત્રણવાર ઓફિસ આવવા જણાવ્યું
દેશની સૌથી મોટી આઈટી સર્વિસિસ કંપની ટીસીએસે તેના કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસો માટે ફરજિયાત ઓફિસ આવવા જણાવ્યું છે. હવેથી દરેક ટીમે તેના ટીમ લીડર સાથે કામ કરવાનું રહેશે. કર્મચારીઓને પાઠવેલા ઈમેઈલમાં કંપનીએ જણાવ્યું છે કે કંપનીના દરેક કર્મચારીએ ઓફિસમાં પરત ફરવાના ભાગરૂપે સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસ આવવાનું રહેશે. ટીસીએસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કંપની તબક્કાવાર રીતે કર્મચારીઓને ઓફિસમાં પરત લાવી રહી છે. જે કંપનીના 25*25 મોડેલના ટ્રાન્ઝિશન મોડેલની સાથે બંધ બેસે છે.










મંદીના માહોલમાં NBFC શેર્સ ઊંધા માથે પટકાયાં
RBIએ હઝારીબાગ ઘટના બાદ મહિન્દ્રા ફાઈનાન્સને થર્ડ-પાર્ટી રિકવરી માટે મનાઈ કરતાં શેર 13 ટકા તૂટ્યો

નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહિન્દ્રા જૂથની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સને તત્કાળ ધોરણથી થર્ડ પાર્ટી રિકવરી માટે મનાઈ ફરમાવતાં કંપનીનો શેર 13 ટકાથી વધુ તૂટ્યો હતો. ઝારખંડના હઝારીબાગ ખાતે કંપનીના રિકવરી એજન્ટે એક મહિલા પર ટ્રેકટર ચલાવવાની ઘટના સામે આરબીઆઈના કડક વલણને જોતાં અન્ય એનબીએફસી કંપનીઓના શેર્સ પણ ઊંધા માથે પટકાયાં હતાં.
માર્કેટ વર્તુળોના મતે છેલ્લાં મહિનાઓમાં ઊંચા ક્રેડિટ ગ્રોથ અને બેંક્સ તરફથી ફરીથી એનબીએફસી કંપનીઓને પ્રાપ્ય સસ્તી લિક્વિડીટી પાછળ એનબીએફસી શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. જેમાં બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ જેવા કાઉન્ટર્સ તો તેમના જૂન મહિનાના સ્તરેથી 60 ટકા જેટલાં ઉછળ્યાં હતાં. જ્યારે કેટલીક હોમ ફાઈનાન્સ કંપનીઓના કાઉન્ટર્સમાં પણ 40 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. જોકે તાજેતરમાં ફેડ રેટ વૃદ્ધિને કારણે બજારમાં મંદ માહોલ વચ્ચે આરબીઆઈએ એમએન્ડએમ ફાઈનાન્સની ઘટનામાં સખત વલણ અપનાવતાં એનબીએફસી સેક્ટર્સમાં વેચવાલી નીકળી હતી. જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સનો શેર 13.1 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. શેર તેની તાજેતરની ટોચ પરથી રૂ. 30થી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત સેટીન ક્રેડિટકેર, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ડીસીએમ ફાઈનાન્સિયલ, એલઆઈસી હાઉસિંગ ફાઈ., કેન ફિન હોમ્સ, મૂથૂટ કેપિટલ, શ્રીરામ ફાઈનાન્સના શેર્સમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે આજથી કેટલાંક વર્ષો અગાઉ કંપનીઓના કર્મચારીઓ જ રિકવરીની કામગીરી કરતાં હતાં. જોકે પાછળથી કંપનીઓ થર્ડ પાર્ટી મારફતે રિકવરીની કામગીરી કરાવતી હતી. જેને કારણે રિકવરી પાછળનો ખર્ચ ઘટ્યો હતો. જે હવે થર્ડ પાર્ટી રિકવરી પર સમૂળગો પ્રતિબંધ આવશે તો કંપનીઓના માર્જિન પર નોંધપાત્ર અસર જોવા મળશે.
શુક્રવારે નોન-બેંકિંગ ફાઈ. શેર્સનો દેખાવ

સ્ક્રિપ્સ ઘટાડો(ટકામાં)
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈ. -13.10
સેટીન ક્રેડિટકેર -7.34
ચોલામંડલમ ઈન્વેસ્ટ. -5.82
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ -5.67
DCM ફાઈનાન્સિયલ -4.91
LIC હાઉસિંગ ફાઈ. -4.85
કેન ફિન હોમ્સ -4.64
મૂથૂટ કેપિટલ -4.40
શ્રીરામ ટ્રાન્સપોર્ટ -4.30
L&T ફાઈનાન્સ -4.28



કોર્પોરેટ હેડલાઈન્સ

એમએન્ડએમઃ મહિન્દ્રા જૂથ ઈવી ક્ષેત્રે આક્રમક પ્રવેશ માટે વૈશ્વિક રોકાણકારો પાસે 50 કરોડ ડોલર ઊભા કરવા માટે વાતચીત ચલાવી રહ્યું છે. જૂથ આ માટે લાંબા ગાળાના રોકાણકાર બને તેવા ગ્લોબલ ગ્રીન ફંડ્સ અને પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સને શોધી રહ્યું છે.
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝઃ બેટરી કંપની લિથીયમ-આયોન સેલ યુનિટમાં રૂ. 6000 કરોડનું રોકાણ કરશે. કંપની કર્ણાટક ખાતે 12 ગીગીવોટ પ્રતિ અવર ક્ષમતા સાથેના પ્લાન્ટની સ્થાપના કરશે. તેનો પ્રથમ ફેઝ અઢી વર્ષમાં પૂરો થશે.
તાતા સ્ટીલઃ તાતા જૂથ કંપનીએ જૂથની અન્ય સાત કંપનીઓને પોતામાં ભેળવવાની મંજૂરી આપી છે. જેમાં તાતા સ્ટીલ લોંગ, ટિનપ્લેટ કંપની, તાતા મેટાલિક્સ, ટીઆરએફ લિમિટેડ, ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, તાતા સ્ટીલ માઈનીંગ અને એસએન્ડટી માઈનીંગ કંપનીનો સમાવેશ થાય છે.
આઈઓએલ કેમિકલઃ એપીઆઈ કંપનીએ યુએસ સ્થિત નોવેલ ડ્રગ ડિલિવરી ટેક્નોલોજિસ યુએસફાર્મામાં 21 કરોડ ડોલરનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે.
ટીવીએસ મોટરઃ ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ સુંદરમ હોલ્ડિંગમાંના તેના તમામ 50.05 ટકા હિસ્સાના વેચાણ માટે શેરધારકોની મંજૂરી મેળવી લીધી છે.
કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જણાવ્યું છે કે તેણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને સ્વરાજ એન્જિન્સમાંનો તેનો 17.41 ટકા હિસ્સો પ્રતિ શેર રૂ. 1400ના ભાવે વેચાણ કરવાનું નક્કી કર્યું છે.
સિપ્લાઃ ટોચની ફાર્મા કંપનીએ તેના ઈન્દોર પ્લાન્ટ માટે પ્રોડક્ટ-સ્પેસિફિક પ્રિ-એપ્રૂવલ ઈન્સ્પેક્શન માટે યુએસએફડીએ તરફથી ઈઆઈઆર મેળવ્યો છે.
એસ્ટર ડીએમઃ હોસ્પિટલ ચેઈનની સબસિડિયરી મેડકેર હોસ્પિટલે દુબઈ સ્થિત હેલ્થકેર જનરલ ક્લિનિક સ્કિન-3નો 60 ટકા હિસ્સો 1.67 કરોડ દિરહામમાં ખરીદ્યો છે.
રેઈટ્સઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રૂ. 100 કરોડ કે તેથી વધુની નેટવર્થ ધરાવતાં રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સને કમર્સિયલ પેપર ઈસ્યુ કરવા માટેની છૂટ આપી છે.
ઝાયડસ લાઈફસાઈન્સિઝઃ ફાર્મા કંપની એએમપી ગ્રીન એનર્જી નાઈન સાથે 11.86 ટકા ઈક્વિટી હિસ્સા સુધીની ખરીદી માટે શેર પર્ચેઝ એગ્રીમેન્ટમાં પ્રવેશી છે.
ઉદેપુર સિમેન્ટઃ કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરી રૂ. 350 કરોડની રકમ ઊભી કરશે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

7 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

7 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

7 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

7 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

7 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

7 months ago

This website uses cookies.