બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે માર્કેટે સુધારો જાળવ્યો
માર્કેટમાં સપ્તાહમાં કામકાજમાં તીવ્ર ઘટાડો
ઈન્ડિયા વિક્સ 1.5 ટકા સુધરી 14.04 ટકા પર
બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સમાં મજબૂતી
આઈટી, મેટલમાં નરમાઈ
અદાણી એન્ટરપ્રાઈઝમાં 3 ટકાનો ઘટાડો
નવેમ્બર સિરિઝ એક્સપાયરીના એક દિવસ અગાઉ શેરબજાર રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવવા સાથે બીજા સત્રમાં પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. જોકે કામકાજની આખરી 15 મિનિટ્સમાં બજારે એક તબક્કે સમગ્ર સુધારો ગુમાવ્યો હતો અને એવરેજિંગ બાદ તે પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 92 પોઈન્ટ્સ સુધારે 61511ની સપાટીએ જ્યારે નિફ્ટી 23 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18267ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખાસ લેવાલીના અભાવે માર્કેટ-બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 26 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 24 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. લાંબા સમયગાળા બાદ બ્રોડ માર્કેટમાં પોઝીટીવ બ્રેડ્થ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા સુધારે 14.04 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે બુધવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ રહી હતી. જોકે દિવસ દરમિયાન નિફ્ટી માત્ર 75 પોઈન્ટ્સની રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. બંધ થતાં અગાઉ ઈન્ડેક્સ 18246ના દિવસના તળિયે પટકાયો હતો. એનાલિસ્ટ્સના મતે માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. તેના માટે નીચે 18200નો સપોર્ટ છે. જ્યારે ઉપર 18450નો અવરોધ છે. બુધવારે યુએસ ખાતે ફેડની ઓક્ટોબર મિટિંગની મિનિટ્સ રજૂ થવાની હોવાથી બજારમાં સાવચેતી જોવા મળી હતી. માર્કેટને મુખ્ય સપોર્ટ બેંકિંગ સહિતના ફાઈનાન્સિયલ્સ તરફથી સાંપડ્યો હતો. બેંક નિફ્ટી ઈન્ટ્રા-ડે 42860.55ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 0.64 ટકા સુધારે 42729.10ની સપાટી પર બંધ રહ્યો હતો. બેંકિંગ ક્ષેત્રે પીએસયૂનો દેખાવ સારો રહ્યો હતો. પીએનબી 4.46 ટકા ઉછળી રૂ. 50ની સપાટી કૂદાવી ગયો હતો. બીઓબીએ પણ તેની નવી ટોચ દર્શાવી હતી. આ ઉપરાંત એસબીઆઈ, ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, બંધન બેંકમાં મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 0.51 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એચડીએફસી એએમસી, કોટક મહિન્દ્રા વગેરે મજબૂત જોવા મળ્યાં હતાં. નિફ્ટી ફાર્માએ 0.32 ટકા સાથે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. એફએમસીજી ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો. જ્યારે મેટલ અને આઈટીમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ 0.40 ટકા તૂટી બંધ રહ્યો હતો. જેમાં હિંદુસ્તાન ઝીંક 6 ટકા ગગડ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝિસ પણ 3 ટકા તૂટ્યો હતો. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ 2 ટકા મજબૂતી દર્શાવી રહ્યો હતો. આઈટી ઈન્ડેક્સ 0.14 ટકાની સાધારણ નરમાઈ સૂચવતો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ટીસીએસ જેવા કાઉન્ટર્સ નરમ બંધ જોવા મળ્યાં હતાં.
નિફ્ટી કાઉન્ટર્સમાં એપોલો હોસ્પિટલ 3 ટકા સાથે ટોચનો સુધારો દર્શાવતો હતો. જ્યારે ઘટવામાં અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા સાથે ટોચ પર હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જીએનએફસી 5.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ચંબલ ફર્ટિ, ઈન્ડિગો, જીએમઆર એરપોર્ટ્સ, સિન્જિન, એમસીએક્સ ઈન્ડિયા, કેન ફિન હોમ્સ, પીવીઆર પણ સુધરવામાં અગ્રણી હતા. બીજી બાજુ ઈન્ડિયા સિમેન્ટ્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ પ્રૂડે., એમ્ફેસિસ, પાવર ગ્રીડ કોર્પો., સિમેન્ટ, વોડાફોન આઈડિયા, આદિત્ય બિરલા ફેશન, બલરામપુર ચીનીમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય કેમિકલ, હૂડકો, એજિસ લોજિસ્ટીક્સ, આઈઆઈએફએલ ફાઈનાન્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે પેટીએમ, ડેલ્હીવરી, અંબેર એન્ટરપ્રાઈઝ, સોના બીએલડબલ્યુ, ક્વેસ કોર્પે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
દસ વર્ષોમાં સ્થાપિત વીજ ક્ષમતા બમણી થઈઃ RBI
મહારાષ્ટ્ર અને ગુજરાત અનુક્રમે 43,466 મેગાવોટ અને 42,208 મેગાવોટ સાથે ટોચના રાજ્યો
દેશમાં વીજળી ઉત્પાદનની ક્ષમતામાં છેલ્લાં 10 વર્ષોમાં બમણી વૃદ્ધિ જોવા મળી હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે. 2011-12માં 1,990877 મેગાવોટની સરખામણીમાં 2021-22માં વીજ ઉત્પાદન ક્ષમતા 3,99,497 મેગાવોટ પર પહોંચી હતી. ઉપરાંત સમાનગાળામાં ગ્રીડ ઈન્ટરેક્ટિવ રિન્યૂએબલ પાવરની કુલ સ્થાપિત ક્ષમતા 3.7 ગણી વધીને 94,434 મેગાવોટ પર પહોંચી હતી. જે 2011-12માં 19,971 મેગાવોટ પર હતી.
મહારાષ્ટ્ર 43,466 મેગાવોટ સાથે સૌથી ઊંચી સ્થાપિત ક્ષમતા ધરાવે છે. જ્યારે બીજા ક્રમે ગુજરાત 42,208 મેગાવોટ ક્ષમતા ધરાવે છે. કર્ણાટક 15,463 મેગાવોટ સાથે દેશમાં ગ્રીડ ઈન્ટરેક્ટિવ રિન્યૂએબલ પાવર બાબતમાં સૌથી ઊંચી સ્થાપિત ક્ષમતા ધરાવે છે. તમિલનાડુ 15225 મેગાવોટ સાથે બીજા ક્રમે અને ગુજરાત 13,153 મેગાવોટ સાથે ત્રીજા ક્રમે જોવા મળે છે એમ આરબીઆઈની ‘હેન્ડબુક ઓફ સ્ટેટેસ્ટિક્સ ઓન ઈન્ડિયન સ્ટેટ્સ’ જણાવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ લદાખ સંયુક્તપણે 3510 મેગાવોટ સાથે યાદીમાં ટોચ પર જોવા મળે છે. જોકે દેશમાં વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતામાં વૃદ્ધિ સામે રાજ્યવાર વીજ ઉપલબ્ધતામાં નીચી વૃદ્ધિ જોવા મળે છે. 2011-12માં 85,789 મેગાવોટ સામે 2021-22માં 1,37,402 મેગાવોટ વીજ ઉપલબ્ધતા જોવા મળી હતી. જે 60 ટકા વૃદ્ધિ સૂચવે છે. દેશમાં મહારાષ્ટ્ર 17,281 કરોડ યુનિટ્સ સાથે સૌથી ઊંચી વીજ પ્રાપ્તિ ધરાવે છે. જ્યારબાદના ક્રમે ઉત્તર પ્રદેશ 12,831 મેગાવોટ સાથે જ્યારે ગુજરાત ત્રીજા ક્રમે 12,367 મેગાવોટ સાથે જોવા મળે છે. સમાનગાળામાં દેશમાં માથાદિઠ વીજ પ્રાપ્તિમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. તે 75 ટકા વૃદ્ધિ દર્શાવે છે. 2011-12માં 708.9 કિવોલોટ-અવર્સ(કેડબલ્યુએચ) પરથી વધી તે 2021-22માં 1115.3 કેડબલ્યુએચ પર જોવા મળી છે. ગોઆ 3,046 કેડબલ્યુએચ સાથે માથાદિઠ પ્રાપ્તિમાં ટોચ પર છે. જ્યારબાદ બીજા ક્રમે 2251 કેડબલ્યુએચ સાથે પંજાબ આવે છે. જ્યારે ત્રીજા ક્રમે 2,177 કેડબલ્યુએચ સાથે હરિયાણા જોવા મળે છે.
લાન્કો અમરકંટક પાવરની એસેટ્સને લઈ અદાણી-અંબાણી વચ્ચે જંગની શક્યતાં
25 નવેમ્બરે યોજાનારી ઓક્શનમાં તીવ્ર સ્પર્ધા જોવા મળશે
લાન્કો અમરકંટક પાવરની એસેટ્સની ખરીદીને લઈ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ગૌતમ અદાણીની અદાણી પાવર વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું હોવાનું માધ્યમોના અહેવાલો જણાવે છે. કોર્પોરેટ ઈન્સોલ્વન્સી હેઠળ ગયેલી ડિસ્ટ્રેસ્ડ થર્મલ પાવર કંપનીના ઓક્શન વખતે બે ટોચના ઔદ્યોગિક જૂથો વચ્ચે સીધો સંઘર્ષ જામશે એમ વર્તુળો જણાવે છે. આ હરાજી 25 નવેમ્બરે હાથ ધરાવાની છે.
આ ઘટનાથી જાણકાર ત્રણ વર્તુળોના જણાવ્યા મુજબ જાહેર ક્ષેત્રની કંપનીઓ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને આરઈસી લિ.નું કોન્સોર્ટિયમ પણ આ બીડીંગ પ્રક્રિયમાં ભાગ લેશે. જો આરઆઈએલ જીતશે તો કંપની માટે થર્મલ પાવર સેક્ટરમાં પ્રવેશ ગણાશે. જ્યારે અદાણી અગાઉથી જ આ ક્ષેત્રે હાજર છે. આરઆઈએલ પ્રથમ રાઉન્ડની રેઝોલ્યુશન પ્રોસેસમાં અગાઉથી સૌથી ઊંચા બીડર તરીકે ઊભરી છે. જ્યારે અદાણી પાવરે બીજા રાઉન્ડમાં રૂ. 2950 કરોડના બીડ સાથે પ્રથમ પોઝીશન મેળવી હતી. આરઆઈએલે રૂ. 2000 કરોડનું બીડ રજૂ કર્યું હોવાનું રિપોર્ટ જણાવે છે. બીજા રાઉન્ડમાં અદાણી પાવર સૌથી ઊંચો બીડર હોવાના કારણે 25 નવેમ્બરના ઓક્શનમાં રૂ. 2950 કરોડ બેઝ પ્રાઈસ બનશે. લાન્કો છત્તીસગઢ ખાતે કોરબા-ચાંપામાં કોલ-આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ ચલાવે છે. તેણે પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરી દીધો છે. બીજો તબક્કો બાંધકામ હેઠળ છે. જ્યારે ત્રીજા તબક્કાનું કામકાજ શરૂ થવાનું બાકી છે. અદાણી અને રિલાયન્સ જૂથ ફ્યુચર રિટેલ અને એસકેએસ પાવરની એસેટ્સને લઈને પણ સ્પર્ધામાં હોવાની શક્યતાં છે. બંને જૂથોએ ઉપરોક્ત કંપનીઓની એસેટ્સ માટે એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કર્યાં છે.
માછીમારોના વિરોધને કારણે અદાણીનું મેગા પોર્ટ અટવાયું
ફોર્બ્સના જણાવ્યા મુજબ અદાણી માટે આ એક મોટી અડચણ છે જેનો ઉકેલ આસાન નથી જણાતો
ભારતની બિલકુલ દક્ષિણમાં મિલિયોનર ગૌતમ અદાણીના વિઝીંન્ઝમ મેગા પોર્ટ ખાતે સ્થાનિક ક્રિશ્ચિયન સમુદાયે એક શેલ્ટર બાંધીને પ્રવેશદારમાં અવરોધ ઊભો કર્યો છે. આમ કરી તેઓ પોર્ટ ખાતે વધુ બાંધકામ અટકાવી રહ્યાં છે. કોરુગેટેડ આયર્નથી બનેલી છત ધરાવતાં સાદા 1200 ચો.ફીટનો ઢાંચો ઓગસ્ટ મહિનાથી દેશના પ્રથમ કન્ટેનર ટ્રાન્શિપમેન્ટ પોર્ટની મહત્વાકાંક્ષા સામે અવરોધ બનીને ઊભો છે. 90 કરોડ ડોલરનો આ પ્રોજેક્ટ પૂર્વના જંગી ઉત્પાદકોને પશ્ચિમના સમૃદ્ધિ કન્ઝ્યૂમર માર્કેટ્સને જોડવાની મહેચ્છા ધરાવે છે.
દિવસ અને રાતભર માટે અનિશ્ચિત કાળ સુધી વિરોધ કરવાનો દાવો કરતાં બેનર્સ લગભગ 100 પ્લાસ્ટીક ખુરશીઓ ધરાવે છે. જોકે ઢાંચામાં કોઈ એક સમયે ઉપસ્થિતોની સંખ્યા પાંખી હોય છે. વિરોધ કરનારાઓની સંખ્યા ઓછી હોય તો પણ 300 જેટલા પોલીસ અધિકારીઓ ત્યાં સ્થિતિની દેખરેખ માટે હાજર હોય છે. કેરળ હાઈકોર્ટે વારંવાર પુનરાવર્તિત આદેશ કરીને પોર્ટનું બાંધકામ આગળ વધવાનું જણાવ્યાં છતાં પોલીસ વિરોધીઓ સામે કાર્યવાહી કરવા તૈયાર નથી. આમ કરવાથી સામાજિક તથા ધાર્મિક તણાવ વધવાનો ડર તેને સતાવી રહ્યો છે.
ફોર્બ્સના જણાવ્યા મુજબ વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી ધનવાન અદાણી માટે આ એક સરળ ઉકેલ નહિ ધરાવતો સંઘર્ષ બની રહ્યો છે. રોઈટરે પોર્ટનો વિરોધ તેમજ સમર્થન કરી રહેલા ડઝનથી વધુ લોકો, પોલીસ અધિકારીઓની સાથે વાતચીત કરી હતી. તેમજ અદાણીએ વિરોધનું સુકાન કરી રહેલા કેથલિક પાદરીઓ તથા રાજ્ય સરકાર સામે કરેલી કાનૂની કાર્યવાહીના સેંકડો પેજિસની સમીક્ષા કરી હતી. જોકે તે તમામ સરળતાથી ઉકેલી શકાય નહિ તેવા વિભાજન તરફ દોરી જાય છે.
વિરોધીઓના કહેવા મુજબ ડિસેમ્બર 2015થી પોર્ટના બાંધકામને કારણે સમુદ્રા કાંઠામાં નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું છે અને વધુ બાંધકામને કારણે માછીમાર સમુદાયની આજિવિકા પર ગંભીર અસર થશે. તેઓ સરાર પોર્ટ બાંધકામની કામગીરી અટકાવે તેમ ઈચ્છે છે. કોર્ટે વાહનોની અવર-જવર બંધ થવી જોઈએ નહિ તેવો આદેશ આપ્યાં બાદ અદાણી શુક્રવારે પોર્ટ પર હેવી વેહિકલ્સ મોકલવાનું આયોજન ધરાવે છે. ઓક્ટોબરમાં પોર્ટને છોડવાનો પ્રયત્ન કરી રહેલા વાહનોએ પાછા ફરવું પડયું હતું. વિરોધનું સુકાન કરી રહેલા પાદરી કોર્ટના આદેશ છતાં શેલ્ટરને દૂર કરવા તૈયાર નથી. તેમના મતે અમે મોટી સંખ્યામાં ધરપકડ વહોરવા તૈયાર છીએ. અદાણી જૂથના મતે પ્રોજેક્ટ તમામ કાયદાઓનું પાલન કરે છે. તેમજ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી અને અન્ય સંસ્થાઓએ તાજેતરમાં હાથ ધરેલા ઘણા અભ્યાસો કિનારાના ધોવાણના આક્ષેપોનો ઈન્કાર કરે છે. વિરોધીઓ સાથે મંત્રણા કરી રહેલી કેરળ સરકારે કાંઠા વિસ્તારોનું ધોવાણ ચક્રવાતોને કારણે થયું હોવાનું જણાવ્યું છે.
ઝૂકેરબર્ગ નવા વર્ષે રાજીનામુ આપશે તેવા અહેવાલોને મેટાનો રદિયો
કંપનીના નીચા વૃદ્ધિ દર અને જંગી છટણી પાછળ સોશ્યલ મિડિયા કંપનીના સીઈઓ માર્ક ઝૂકેરબર્ગના રાજીનામાની અટકળો વહેતી થઈ હતી
અગાઉ ફેસબુક તરીકે જાણતી મેટાએ તેના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝૂકેરબર્ગ આગામી વર્ષે રાજીનામું આપશે તેવા અહેવાલોને નકારી કાઢ્યાં છે. સોશ્યલ મિડિયા કંપનીના નીચા વૃદ્ધિ દર અને જંગી છટણી પાછળ સીઈઓ માર્ક ઝૂકેરબર્ગના રાજીનામાની અટકળો વહેતી થઈ હતી.
ધ લીક પોર્ટલે સૌપ્રથમ આ અહેવાલ નોંધ્યો હતો. જેમાં તેણે મેટા ખાતે ખાનગી વર્તુળોનો હવાલો આપી જણાવ્યું હતું કે આગામી વર્ષે ઝૂકેરબર્ગ રાજીનામુ આપશે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઝૂકેરબર્ગે પોતે મેટાના સીઈઓનું પદ છોડવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયની ઝૂકેરબર્ગના મલ્ટી-બિલિયન ડોલર પ્રોજેક્ટ મેટાવર્સ પર કોઈ અસર નહિ થાય. મેટાના કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર એન્ડિ સ્ટોને મંગળવારે મોડી સાંજે જોકે આ રિપોર્ટને નકાર્યો હતો. એક ટ્વિટમાં તેમણે આ રિપોર્ટને પાયોવિહોણો ગણાવ્યો હતો. રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતો તરફથી ગંભીર ચિંતા રજૂ કર્યાં છતાં ઝૂકેરબર્ગ તેના મેટાવર્સના સપનાને આક્રમકપણે આગળ લઈ જવા માટે કૃતનિશ્ચયી છે. ચાલુ મહિનાની શરૂમાં ટેક્નોલોજી ઉદ્યોગ ક્ષેત્રે સૌથી ખરાબ છટણીની ઘટનામાં ઝૂકેરબર્ગે તેમની કંપનીના 11000થી વધુ કર્મચારીઓને પાણીચું આપ્યું હતું. આ સંખ્યા કંપનીના કુલ વૈશ્વિક વર્કફોર્સના 13 ટકા જેટલી થતી હતી. સાથે તેમણે હાયરિંગ પ્રતિબંધને કેલેન્ડર 2023ના પ્રથમ ક્વાર્ટર સુધી લંબાવ્યો હતો. કંપનીએ વધુ એક ક્વાર્ટર માટે આવકમાં ઘટાડો દર્શાવ્યો હતો. જેને કારણે રોકાણકારોમાં કંપનીના બિલિયન ડોલર્સના ખોટ કરતાં મેટાવર્સ ડ્રીમમાંથી વિશ્વાસ ઉઠતો જોવા મળી રહ્યો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટર(ત્રીજા ક્વાર્ટર)માં મેટાની રેવન્યૂ વાર્ષિક ધોરણે 4 ટકા ગગડી 27.7 અબજ ડોલર પર રહી હતી. કંપનીએ 4.395 અબજ ડોલરનો નફો દર્શાવ્યો હતો જે ગયા વર્ષે સમાનગાળામાં 9.194 અબજ ડોલર પર હતો. નફામાં ઘટાડાનું મુખ્ય કારણ મેટાના વર્ચ્યુઅલ રિઅલ્ટી ડિવિઝન એવા રિઅલ્ટી લેબ્સમાં નોંધાવેલું જંગી નુકસાન હતું. તેણે ત્રીજા ક્વાર્ટરમાં 3.672 અબજ ડોલરનું નુકસાન દર્શાવ્યું હતું. ઝૂકેરબર્ગે જણાવ્યું હતું કે નેક્સ્ટ કમ્પ્યુટીંગ પ્લેટફોર્મ બનાવવામાં હજુ લાંબો સમય લાગશે, પરંતુ અમે સ્પષ્ટપણે તેમાં અગ્રણી કામ કરી રહ્યાં છીએ. આ એક જંગી પ્રોગ્રામ છે અને મુખ્યપ્રવાહ બનતાં પહેલા તે દરેક પ્રોડક્ટ્સના કેટલાંક વર્ઝન્સને લેશે. મેટાના ઈએફઓ ડેવિડ વેહનરે જોકે જણાવ્યું હતું કે રેવન્યૂમાં કેટલુંક નુકસાન ઈન્ફ્લેશનને કારણે જોવા મળ્યું છે. મેટાના રોકાણકારોએ કંપનીને તેના વર્કફોર્સમાં ઓછામાં ઓછો 20 ટકા ઘટાડો કરવા માટે જણાવ્યું હતું. સાથે મેટાવર્સમાં પણ રોકાણને અટકાવવાની માગણી કરી હતી. ઝૂકેરબર્ગની આકરી ટીકા કરતાં અલ્ટીમીટર કેપિટલના ચેર અને સીઈઓ બ્રાડ ગર્સ્ટનરે જણાવ્યું હતું કે સોશ્યલ નેટવર્કે કર્મચારીઓમાં વધુ ઘટાડો કરવાની જરૂર છે. તેમજ મેટાવર્સમાં જંગી રોકાણ અટકાવવાની જરૂર છે. જેથી અગાઉની મજબૂતી પરત લાવી શકાય.
યુરોપ સ્થિત કર્મચારીઓને યુનિયન રચવા છૂટ આપનારી વિપ્રો પ્રથમ ભારતીય IT કંપની
કંપનીએ ફ્રાન્સ, સ્વિડન, ફિનલેન્ડ અને જર્મની સહિતના 13 યુરોપિય દેશોના કર્મચારીઓને યુનિયન બનાવવા છૂટ આપી છે
વિપ્રોએ તેના યુરોપ સ્થિત કર્મચારીઓને યુનિયન બનાવવાની છૂટ આપી છે. આમ કરનારી તે પ્રથમ ભારતીય આઈટી કંપની બની છે. કર્મચારીઓને યુરોપિયન વર્ક્સ કાઉન્સિલ(ઈડબલ્યુસી) બનાવવાની છૂટ આપવામાં આવશે અને તેમની સમસ્યાઓની ચર્ચા માટે પ્રોત્સાહન અપાશે. વિપ્રોના જે કર્મચારીઓને યુનિયન બનાવવાની છૂટ આપવામાં આવી છે તેમાં યુરોપના 13 દેશોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં ફ્રાન્સ, સ્વીડન, ફિનલેન્ડ અને જર્મની સામેલ છે. કંપની યુરોપમાં 30 હજારની વધુ કર્મચારીઓ ધરાવે છે.
ઈડબલ્યુસીની આગેવાની યુરોપિયન યુનિયન(ઈયુ) અને યુરોપિયન ઈકોનોમિક એરિયા(ઈઈએ)માંથી આવતાં કર્મચારીઓના ચૂંટાયેલા અથવા તો નિમાયેલા પ્રતિનિધિઓ કરશે. જ્યારે ચેર સ્પોન્સરશીપ વિપ્રોના યુરોપ સ્થિત સીઈઓ અને પ્રાદેશિક બિઝનેસ હેડ્સની ટીમ પાસે રહેશે. વિપ્રોના જણાવ્યા મુજબ ઈડબલ્યુસીનો મુખ્ય હેતુ તમામ દેશોમાં કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે સર્વસમાવેશક અને લાંબાગાળા માટેની વર્કિંગ રિલેશનશીપ બનાવવાનો છે. જેથી કર્મચારીઓની સમસ્યાઓને સમજી શકાય અને તેનો ઉકેલ લાવી શકાય. આ એક પ્રગતિશીલ ઘટના છે અને તે યુરોપના શ્રેષ્ઠ ધારા-ધોરણો અને કામકાજી પધ્ધતિનું પાલન કરે છે. નવરચિત બોડીની પ્રથમ મિટિંગ 2024માં મળશે. રિપોર્ટ મુજબ ઈડબલ્યુસી આ બેઠકમાં ચેરમેન અને કમિટિ સભ્યોની પસંદગી કરશે. ઉપરાંત બિઝનેસ સંબંધી પ્રગતિ અંગે વિપ્રોના કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા પણ યોજવામાં આવશે. સપ્ટેમ્બરમાં વિપ્રોએ યુરોપ ખાતે અકાર્યદક્ષતાના ઉકેલ માટે રિસ્ટ્રક્ચરિંગ ચાર્જિસ માટે રૂ. 136 રોડ ખર્ચવા પડ્યાં હતાં.
AIFs ફાયર સેલ ટાળવા ફંડ લાઈફ લંબાવી શકે નહિઃ સેબી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રાઈવેટ ઈક્વિટી હાઉસિસ, વેન્ચર કેપિટાલિસ્ટ્સ, રિઅલ એસ્ટેટ અને ડેટ ફંડ મેનેજર્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ તેમના ફંડ્સની લાઈફ લંબાવી શકે નહિ. છેલ્લાં કેટલાંક સમયથી અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ તરફથી તેની પાસેની સિક્યૂરિટીઝના નીચા મૂલ્ય પર વેચાણને અટકાવવા માટે આ પ્રકારના પ્રયાસો જોવા મળી રહ્યાં હતાં. જોકે સેબીએ આ અંગે સ્પષ્ટતાં કરતાં જણાવ્યું છે કે ફંડ્સે તેના નિશ્ચિત સમયમાં જ તેને ક્લોઝ અને લિક્વિડેટ કરવાનું રહેશે. ફંડ્સમાં રોકાણ ધરાવતાં મોટાભાગના રોકાણકારો ફંડ લંબાવવા માટે મંજૂરી આપે તો પણ તે આમ નહિ કરી શકે એમ સેબીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાતમાં તીવ્ર ઉછાળો
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાત આઁઠ ગણી ઉછળી 1.6 અબજ ડોલર પર રહી છે. ગયા વર્ષે સમાનગાળામા તે 18.5 કરોડ ડોલર પર હતી. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રશિયા ખાતેથી 21.5 લાખ ટન ખાતર આયાત જોવા મળી હતી. જે અગાઉના વર્ષે માત્ર 4.6 લાખ ટન પર જ હતી. દેશમાં ખાતરની કુલ આયાત 11.6 ટકા વધી 87.3 લાખ ટન પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 78.2 લાખ ટન પર હતી. એનપીકેએસ ખાતરની આયાતમાં 122 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીના એશિયા અને યુરોપને જોડતાં હાઈ-કેપેસિટી અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટેના મહત્વાકાંક્ષી સબમરિન કેબલ સિસ્ટમને પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી ચૂકી છે. વિશ્વમાં સૌથી લાંબી સબમરિન કેબલ સિસ્ટમ્સ ઈન્ડિયા-યૂરોપ-એક્સપ્રેસ અને ઈન્ડિયા-એશિયા-એક્સપ્રેસ 2023થી 2024ની વચમાં તૈયાર થવાની શક્યતાં છે.
અદાણી એન્ટરપ્રાઈઝઃ અદાણી જૂથની ફ્લેગશિપ કંપનીનું બોર્ડ પબ્લિક ઓફરિંગ, પ્રેફરન્શિયલ એલોટમેન્ટ અંગે વિચારણા માટે 25 નવેમ્બરે મળશે. કંપની રિટેલ અને ઈન્સ્ટિટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 20 હજાર કરોડ એકત્ર કરવા ધારે છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કંપનીએ જણાવ્યું છે કે તેણે એલએન્ડટી-ચિયોડા લિ.માંનો ચિયોડા કોર્પોરેશન પાસે રહેલો તમામ ઈક્વિટી હિસ્સો ખરીદી લીધો છે. તેણે રૂ. 75 કરોડ ચૂકવી આ હિસ્સો ખરીદ્યો છે.
સિમેન્સઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 382 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે રૂ. 440 કરોડના અંદાજ કરતાં નીચો રહ્યો છે. કંપનીની રેવન્યૂ પણ રૂ. 5101 કરોડની અપેક્ષા સામે રૂ. 4657 કરોડ પર નોંધપાત્ર નીચી જોવા મળી હતી.
નાયકાઃ એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અરવિંદ અગ્રવાલે કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. કંપનીના આઈપીઓને હેન્ડલ કરનાર તેઓ મહત્વના અધિકારી હતા. દરમિયાનમાં લાઈટહાઉસ ઈન્ડિયા ફંડ-3એ મંગળવારે કંપનીમાં રૂ. 336 કરોડના શેર્સનું વેચાણ કર્યું હતું.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ જયપ્રકાશ એસોસિએટ્સની સિમેન્ટ એસેટ્સની ખરીદીમાંથી અદાણી જૂથ બાદ હવે આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટે સિમેન્ટ પણ બહાર નીકળી ગઈ છે. એસેટ્સના વેલ્યૂએશનને લઈને એગ્રીમેન્ટના અભાવે તેણે આમ કર્યું છે. સિમેન્ટ એસેટ્સના વેચાણને કારણે જયપ્રકાશ જૂથના લેન્ડર્સને રાહત મળી હોત. જૂથ રૂ. 29 હજાર કરોડનું એક્સપોઝર ધરાવે છે.
એનબીએફસીઃ દેશમાં નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓનો એસેટ બેઝ માર્ચ 2022માં રૂ. 54 લાખ કરોડને પાર કરી ગયો હતો એમ સરકારી ડેટા સૂચવે છે. જે દેશમાં કમર્સિયલ બેંકિંગ સેક્ટરની એસેટ્સના 25 ટકા જેટલો થવા જાય છે.
ભારતી એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ કંપનીની સબસિડિયરીએ તેના પોતાના હાયપર-સ્કેલ ડેટા સેન્ટરના કોલકોતા ખાતે બાંધકામની શરૂઆત કરી છે.
ટેક મહિન્દ્રાઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આઈટી સર્વિસ કંપનીમાં વધુ 1.95 લાખ શેર્સની ખરીદી કરી છે. જે કંપનીના કુલ ઈક્વિટીનો 2.01 ટકા જેટલો થવા જાય છે.
મિંડા કોર્પઃ કંપનીએ ટેલિમેટીક્સ સોફ્ટવેરના વ્હાઈટ લેબલીંગ માટે લોકોનાવ સાથે ટેક્નોલોજી લાયસન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
રોલેક્સ રિંગ્સઃ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે ઓટો એન્સિલિઅરી કંપનીમાં 1.86 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 1923.16 પ્રતિ શેરના ભાવે શેર્સનું વેચાણ નોંધાવ્યું છે.
વોડાફોનઃ ત્રીજા કંપની ટેલિકોમ ઓપરેટરના શેરધારકોએ એટીસી ટેલિકોમને રૂ. 1600 કરોડના મૂલ્યના શેર્સ ઈસ્યુ કરવા માટે મંજૂરી આપી છે. જેથી કંપનીને લિક્વિડીટીમાં રાહત મળશે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.