માર્કેટ સમરી
બજારમાં સતત ત્રીજા દિવસે બાઉન્સ જોવા મળ્યો
નિફ્ટી સતત ત્રીજા દિવસે દિવસના તળિયેથી પરત ફર્યો હતો અને ગ્રીન બંધ રહ્યો હતો. મંગળવારે 14707નું તળિયું બનાવ્યા બાદ તે 78 પોઈન્ટ્સ સુધરી 14815 પર બંધ આવ્યો હતો. જોકે આમ છતાં તે હજુ 14870ના મહત્વના અવરોધની નીચે જ બંધ રહ્યો છે. જ્યાં સુધી તે 14900 કૂદાવે નહિ ત્યાં સુધી ટેકનિકલી નરમ ગણાશે. બજારમાં સુધારા પાછળ સુપ્રીમે લોન મોરેટોરિયમ કેસને લઈને બેંકિંગ કંપનીઓની તરફેણમાં આપેલો ચુકાદો હતો. જેની પાછળ બેંક શેર્સ ઉછળ્યાં હતાં અને બેંક નિફ્ટી પણ તળિયાના ભાવથી નોંધપાત્ર ઉછળી હતી અને 1.73 ટકાના સુધારે 34184 પર બંધ આવી હતી.
નિફ્ટી એફએમસીજી, મેટલ અને મિડિયા સિવાય અન્ય ક્ષેત્રોમાં સુધારો
સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી એફએમસીજી 0.4 ટકા ઘટી બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ 0.66 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી મિડિયા 0.3 ટકા નરમ બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 2.91 ટકા સાથે સૌથી વધુ સુધરીને બંધ આવ્યાં હતાં.
અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ. 2 લાખ કરોડની કંપની બની
બિરલા જૂથની સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટેકે મંગળવારે રૂ. 2 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીનો શેર રૂ. 6728ના અગાઉના બંધ સામે રૂ. 231ના સુધારે રૂ. 6959ના સ્તરે ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.01 લાખ કરોડ જોવા મળતું હતું. સિમેન્ટ ક્ષેત્રે અલ્ટ્રા-ટેક એક માત્ર કંપની છે જે રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. કંપનીનો શેર માર્ચ 2020માં રૂ. 2900ના તળિયાથી સતત સુધરતો રહ્યો છે અને તેણે અન્ય સિમેન્ટ કંપનીઓની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. મંગળવારે એસીસી, અંબુજા સિમેન્ટ, શ્રી સિમેન્ટ જેવી કંપનીઓએ પણ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. અંબુજા સિમેન્ટનો શેર રૂ. 300ની સપાટી વટાવી ગયો હતો.
સોનામાં સુધારો, ચાંદી-ક્રૂડ અને બેઝ મેટલ્સમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે સોનું સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. જોકે ચાંદી, ક્રૂડ અને બેઝ મેટલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ ફ્યુચર રૂ. 55ના સુધારે રૂ. 44960 પર ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 171ના ઘટાડે રૂ. 66160 પર જોવા મળતો હતો. ક્રૂડ એપ્રિલ વાયદો 3.31 ટકા નરમાઈએ રૂ. 4329 પર છેલ્લા કેટલાક સપ્તાહના તળિયા પર ચાલી રહ્યો હતો. જ્યારે કોપર, ઝીંક, એલ્યુમિનિયમ અને લેડમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળતો હતો.
બાર્બેક્યૂ નેશન્સ બજારમાંથી રૂ. 453 કરોડ ઊભા કરશે
રેસ્ટોરન્ટ ચેઈન બાર્બેક્યૂ નેશન્સ પ્રાઈમરી બજારમાં પ્રવેશી રૂ. 453 કરોડ એકઠાં કરશે. આઈપીઓ 24 માર્ચે ખૂલી 26 માર્ચે બંધ થશે. કંપની રૂ. 498-500ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. કંપનીએ જાન્યુઆરીમાં રૂ. 252ના ભાવે જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સને શેર્સની ફાળવણી કરી હતી. તેણે રૂ. 92 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાએ રૂ. 827ના ભાવે શેર્સ ખરીદ્યાં હતાં.
અદાણી જૂથનું માર્કેટ-કેપ વધીને રૂ. 7 લાખ કરોડને પાર
મંગળવારે જૂથની તમામ કંપનીઓ મળીને માર્કેટ-કેપમાં રૂ. 36 હજાર કરોડની વૃદ્ધિ
અદાણી ગ્રીન એનર્જીએ રૂ. 2 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું
અદાણી પાવરે રૂ. 100નું સ્તર પાર કર્યું
અદાણી જૂથના શેર્સમાં તેજીનો ચરુ ઉકળી રહ્યો છે. માર્કેટ એનાલિસ્ટ્સની સમજ બહાર કંપનીના શેર્સ દૈનિક ધોરણે નવી ટોચ દર્શાવતાં જાય છે. મંગળવારે જૂથની તમામ છ લિસ્ટેડ કંપનીઓમાંથી ચારે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેની પાછળ જૂથનું માર્કેટ-કેપ વધુ રૂ. 36 હજાર કરોડ વધી રૂ. 7.02 લાખ કરોડની નવી ટોચ પર બંધ રહ્યું હતું. ડોલર સંદર્ભમાં કહીએ તો અદાણી જૂથની માર્કેટ-વેલ્થ 96 અબજ ડોલર પર પહોંચી છે.
સોમવારે પણ અદાણી જૂથનું માર્કેટ-કેપ રૂ. 36 હજાર કરોડનો ઉછાળો દર્શાવતું હતું. આમ અંતિમ બે સત્રોમાં તે રૂ. 72000 કરોડ અથવા 10 અબજ ડોલરનો ઉછાળો દર્શાવતું હતું. મંગળવારે જૂથ કંપનીઓમાં અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. અદાણી ગ્રીનનો શેર બીજા દિવસે 5 ટકાની રૂ. 1314.80ની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. તેણે રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. બજાર બંધ થવાના સમયે કાઉન્ટરમાં પ્રોફિટ બુકિંગ પાછળ સર્કિટ ખૂલી હતી. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 9 ટકા ઉછળી રૂ. 1087ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે અદાણી ટોટલ ગેસ 11 ટકા ઉછળી રૂ. 915ની ટોચ બનાવી રૂ. 895 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા- ધોરણે કંપનીનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડ પર પહોંચી ગયું હતું. જોકે બંધ ભાવે તે રૂ. 98.5 હજાર કરોડ પર રહ્યું હતું. અદાણી ટ્રાન્સમિશનના શેરે પણ 9 ટકા ઉછાળા સાથે રૂ. 860ની ટોચ બનાવી હતી. જ્યારે અદાણી પોર્ટ્સ 6 ટકા ઉછળી રૂ. 755 પર ટ્રેડ થયો હતો. જે મહિના અગાઉના રૂ. 768ના ટોચના ભાવથી થોડો છેટે રહી ગયો હતો. અદાણી પાવરનો શેર 5 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહેવા સાથે રૂ. 100ની સપાટી કૂદાવી ગયો હતો. તેણે લાંબા સમયગાળા બાદ રૂ. 100ના ઈસ્યુ પ્રાઈસનું સ્તર વટાવ્યું હતું.
છેલ્લા 12 IPOsમાંથી 10નું લિસ્ટીંગ દિવસ બાદ નેગેટિવ રિટર્ન
છેલ્લા ત્રણ મહિનામાં લિસ્ટ થયેલા આઈપીઓએ લિસ્ટીંગ દિવસના બંધથી સરેરાશ 12 ટકા ઘટાડો દર્શાવ્યો
માત્ર સ્ટોવક્રાફ્ટ અને રેલટેલ તેમના લિસ્ટીંગ ડે ક્લોઝથી અનુક્રમે 6 ટકા અને 14 ટકાનો સુધારો દર્શાવે છે
12માંથી 10 આઈપીઓ લિસ્ટીંગ દિવસના બંધ ભાવ સામે 42 ટકા સુધીનું નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે
આઈપીઓમાં શેર નહિ મળવાથી લિસ્ટીંગ દિવસે શેરમાં ખરીદી કરનારા રોકાણકારો માટે પસ્તાવાના દિવસો જોવા મળી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં શેરબજારમાં લિસ્ટીંગ પામેલા 12 આરંભિક ભરણાના લિસ્ટીંગ દિવસના બંધથી મંગળવાર સુધીના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે માત્ર બે કંપનીઓના શેર ભાવમાં જ સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 10 કંપનીઓના શેર્સ તેમના પ્રથમ દિવસના લિસ્ટીંગ ભાવ સામે નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે.
જે રોકાણકારોએ આઈપીઓમાં શેર્સની ફાળવણી થઈ હોવા છતાં લિસ્ટીંગ ગેઈન બુક નથી કર્યો તેમના નફામાં પણ ઘટાડો જોવા મળ્યો છે એમ કહી શકાય. સપ્ટેમ્બર 2020થી શરુ થયેલા આઈપીઓ માર્કેટમાં શરૂઆતી સારા લિસ્ટીંગ બાદ રિટેલ ઊંડો રસ લેતાં થયાં હતાં અને તેને કારણે તાજેતરમાં એમટીએઆર ટેકનોલોજી જેવા આઈપીઓમાં 200 ગણુ વિક્રમી ભરણુ જોવા મળ્યું હતું. જોકે આ ઉન્માદમાં જેઓએ લિસ્ટીંગ દિવસે પ્રોફિટ બુક કરવાના બદલે નવી પોઝીશન લીધી અથવા જેઓ આઈપીઓમાં શેર્સ નહોતા લાગ્યાં અને ખરીદી કરવા ગયા તેમણે નુકસાન કરવાનું બન્યું છે. કેમકે છેલ્લા 12 આઈપીઓમાંથી 10 કંપનીઓના શેર્સ લિસ્ટીંગ દિવસના બંધ ભાવથી અત્યાર સુધીમાં ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં મિસિસ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ લિસ્ટીંગ ડે બંધ ભાવથી 42 ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો શેર રૂ. 288ના ઓફર ભાવ સામે રૂ. 596ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે મંગળવારે તેણે રૂ. 346નું ક્લોઝિંગ દર્શાવ્યું હતું. જે રોકાણકારે લિસ્ટીંગ દિવસે રૂ. 590 આસપાસના ભાવે પણ ખરીદી કરી હશે તે હાલમાં શેર દીઠ રૂ. 150નું નુકસાન ઉઠાવી રહ્યો છે. આ જ રીતે અન્ય કેટલાંક આઈપીઓમાં પણ લિસ્ટીંગ દિવસના બંધ સામે નોંધપાત્ર નુકસાન જોવા મળી રહ્યું છે. જેમાં એન્ટની વેસ્ટ(-34 ટકા), ઈન્ડિગો પેઈન્ટ્સ(-24 ટકા), હેરંબા ઈન્ડસ્ટ્રીઝ(-21 ટકા), હોમ ફર્સ્ટ(-14 ટકા) અને ઈઝી ટ્રીપ પ્લાનર્સ(-11 ટકા)નો સમાવેશ થાય છે. ઉપરાંત રેલ્વેની પેટાકંપની આઈઆરએફસી, ન્યૂરેકા, એમટીએએઆરટેક અને બર્ગર કિંગના શેર્સ પણ લિસ્ટીંગ દિવસના ક્લોઝીંગથી નીચે જ ટ્રેડ થઈ રહ્યાં છે.
માત્ર બે લિસ્ટીંગ એવા છે જેમાં શેર્સના ભાવ પ્રથમ દિવસના કામકાજના અંતે જે ભાવ હતો તેની સરખામણીમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં રેલ ટેલ કોર્પોરેશનનો શેર 14 ટકા સુધાર દર્શાવે છે. રૂ. 94ના ઓફર ભાવ સામે રૂ. 121.40ના ભાવે લિસ્ટીંગ દિવસે બંધ રહેનાર શેર મંગળવારે રૂ. 138.25ના ભાવે બંધ જોવા મળતો હતો. જ્યારે સ્ટોવ ક્રાફ્ટનો શેર રૂ. 385ના ઓફર ભાવ સામે રૂ. 4446ના સ્તરે બંધ રહ્યો હતો અને મંગળવારે રૂ. 472 પર બંધ જોવા મળતો હતો. આશ્ચર્યની વાત એ છે કે ગયા સપ્તાહે લિસ્ટ મોળુ લિસ્ટીંગ દર્શાવનાર ઈઝી ટ્રીપ પ્લાનર્સનો શેર રૂ. 187ના ઓફર ભાવ સામે મંગળવારે રૂ. 184ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ તે ડિસ્કાઉન્ટમાં જતો રહ્યો હતો. ગ્રે-માર્કેટના પ્રિમીયમ સામે તેણે ખૂબ નબળુ લિસ્ટીંગ દર્શાવ્યું હતું. આમ ગ્રે-માર્કેટને બેન્ચમાર્ક માનીને આઈપીઓમાં રોકાણ કરનારાઓ છેતરાયાની લાગણી અનુભવી રહ્યાં છે.
આઈપીઓનો લિસ્ટીંગ બાદનો દેખાવ
આઈપીઓ લિસ્ટીંગ ડે બંધભાવથી ફેરફાર(%)
ઈઝી ટ્રીપ પ્લાનર્સ -11
એમટીએઆર ટેક -3
હેરંબા ઈન્ડસ્ટ્રીઝ -21
રેલટેલ કોર્પો. 14
ન્યૂરેકા -5
સ્ટોપ ક્રાફ્ટ 6
હોમ ફર્સ્ટ -14
ઈન્ડિગો પેઈન્ટ્સ -24
IRFC -4
એન્ટની વેસ્ટ -34
બેક્ટર્સ ફૂડ -42
બર્ગર કિંગ -1
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.