બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ-બેર વચ્ચે ઈન્ટ્રા-ડે ધમાસાણ બાદ તેજીવાળા ફાવ્યાં
સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે 2 હજાર પોઈન્ટ્સની વધ-ઘટ નોંધાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 20.88ના સ્તરે
નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં 4.4 ટકાનો તીવ્ર ઉછાળો જોવાયો
આઈટી, ફાર્મા, રિઅલ્ટી અને મિડિયા સૂચકાંકોમાં પણ મજબૂતી
બ્રોડ માર્કેટમાં પરત ફરેલા ખરીદારો
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ચીનમાં મજબૂતી
શેરબજારમાં ગુરુવારે ભારે રસાકસીનો બની રહ્યો હતો. પોઝીટીવ ઓપનીંગ બાદ ઝડપી સુધારા પાછળ માર્કેટમાં ઓર મજબૂતી જોવા મળી હતી. જોકે મધ્યાંતર બાદ બજાર ઓચિંતુ ગગડ્યું હતું અને નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. કેટલીકવાર રેડ ઝોનમાં રહ્યાં બાદ તેજીવાળાઓએ બજાર પર અંકુશ પરત મેળવ્યો હતો અને આખરે માર્કેટ પોઝીટીવ બંધ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 443 પોઈન્ટ્સ વધી 51633ની સપાટીએ જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15557ની સપાટી પર બંધ આવ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 44 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 6 કાઉન્ટર્સ જ નેગેટિવ જોવા મળ્યાં હતાં. આમ લાંબા સમયગાળા બાદ લાર્જ-કેપ્સમાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં પણ ખરીદારો પરત ફર્યાં હતાં અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઘટી 20.88ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજાર માટે ગુરુવાર ઊંચી વોલેટિલિટીવાળો બની રહ્યો હતો. પોઝીટીવ નોટ સાથે ઓપનીંગ બાદ એક તબક્કે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યાંથી તે સમગ્ર સુધારો ગુમાવી 200 પોઈન્ટ્સ નેગેટિવ ટ્રેડ થયો હતો. જોકે તેજીવાળાઓએ બજાર પર ફરીથી અંકુશ મેળવ્યો હતો અને બેન્ચમાર્ક બંધ થતાં અગાઉ 500થી વધુ પોઈન્ટ્સ પોઝીટીવ જોવા મળ્યો હતો. આમ લાંબા સમયગાળા બાદ તેજીવાળાઓએ નીચા મથાળે લેણ કરીને મંદીવાળાઓને ફાવવા દીધાં નહોતાં. જોકે બેન્ચમાર્ક 15600ના સ્તર પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે 15600 આસપાસના સ્તર આસપાસ અવરોધ ઊભો થયો છે. જેને પાર કરવામાં બજાર કેટલોક સમય લઈ શકે છે. જો વૈશ્વિક બજારોનો સપોર્ટ મળશે તો આ સ્તર ઓવરનાઈટ પાર થઈ શકે છે. જોકે વૈશ્વિક બજારોમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલાં જોવા મળી રહ્યાં છે. બુધવારે યુએસ બજાર મોટાભાગનો સમય પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં બાદ આખરી તબક્કામાં નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. એશિયન બજારોમાં પણ તાઈવાન અને કોરિયા એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ચીનનું બજાર એક ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યું હતું. યુરોપ બજારો સાધારણ વધ-ઘટ દર્શાવતાં હતાં. જેમાં જર્મની નેગેટિવ જોવા મળતું હતું. જ્યારે ફ્રાન્સ અને યુકેના બજારો પા ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો ઈન્ડેક્સ 4.4 ટકા વૃદ્ધિ સાથે નોંધપાત્ર ઉછળ્યો હતો. આ સિવાય આઈટી, રિઅલ્ટી, ફાર્મા, એફએમસીજી અને મેટલમાં પણ મજબૂતી જોવા મળી હતી. ઓટો ઈન્ડેક્સ તેની દિવસની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. કાર અગ્રણી મારુતિનો શેર 6.3 ટકા સુધારા સાથે લાંબા સમયબાદ લાઈમલાઈટમાં જોવા મળ્યો હતો. શેર રૂ. 8200ના સ્તરને પાર કરી ગયો હતો. ટુ-વ્હીલર અગ્રણી હીરો મોટોકોર્પનો શેર પણ 6 ટકા ઉછળ્યો હતો. આ સિવાય આઈશર મોટર 6 ટકા, અશોક લેલેન્ડ 5 ટકા, એમએન્ડએમ 4.5 ટકા, બજાજ ઓટો 4 ટકા, ટીવીએસ મોટર 3.8 ટકા અને ટાટા મોટર્સ પણ 3.6 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. અગ્રણી આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે માઈન્ડટ્રી 4.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2.8 ટકા, ટીસીએસ 2.7 ટકા અને એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા જેટલો સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા 1.6 ટકા મજબૂતી સાથે સુધરવામાં ત્રીજા ક્રમે હતો. બાયોકોન 4 ટકા સાથે ફાર્મા શેર્સમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવતો હતો. લ્યુપિન 2.6 ટકા, સન ફાર્મા 2 ટકા, ડિવિઝ લેબ્સ 1.9 ટકા, આલ્કેમ લેબ 1.9 ટકા, સિપ્લા 1.8 ટકા, ટોરેન્ટ ફાર્મા 1.3 ટકા અને ઝાયડલ લાઈફ એક ટકા મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.7 ટકા જેટલો સુધર્યો હતો. જેમાં સોભા ડેવલપર્સ 3.33 ટકા, ડીએલએફ 3 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 2.4 ટકા, ફિનિક્સ મિલ્સ 2.21 ટકા અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 1.6 ટકા સુધારો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3434 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2038 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1277 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 58 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 119 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સ્ટ્રાઈડ્સ ફાર્મા 5.3 ટકા, પર્સિસ્ટન્સ સિસ્ટમ 4.7 ટકા, નિપ્પોન 4.7 ટકા, બજાજ ઓટો 4.1 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ 4 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે મણ્ણાપુરમ ફાઈનાન્સ 1.75 ટકા, રિલાયન્સ ઈન્ડ. 1.6 ટકા, ઈન્ટરગ્લોબ એવિએશન 1.6 ટકા, ગેઈલ 1.42 ટકા અને નાલ્કો 1.31 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યા હતાં.
RBI વિરામ પહેલાં બે વાર રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાં
દેશના મોનેટરી પોલિસી ઘડનારાઓ ચાલુ કેલેન્ડરના અંતે રેટ વૃદ્ધિમાં વિરામ અગાઉ બે વધુ રેટ વૃદ્ધિ રાઉન્ડ હાથ ધરે તેવી શક્યતાં મર્ચન્ટ બેંકર્સ જોઈ રહ્યાં છે. નોમુરા હોલ્ડિંગ્સ અને બાર્ક્લેઝના મતે આગામી ઓગસ્ટમાં સેન્ટ્રલ બેંકર 35 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ દર્શાવી શકે છે. આરબીઆઈએ મે મહિનામાં 40 બેસીસ પોઈન્ટ્સ જ્યારે જૂનમાં 50 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ હાથ ધરી હતી. જ્યારબાદ બેન્ચમાર્ક રેપો રેટ 4.9 ટકાની સપાટી પર પહોંચ્યાં છે. ચાલુ કેલેન્ડરમાં આરબીઆઈ હજુ ત્રણ મોનેટરી સમીક્ષા બેઠક હાથ ધરવાની છે. ઓગસ્ટ બાદ ઓક્ટોબરમાં યોજાનારી બેઠકમાં પણ આરબીઆઈ 35 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી શકે છે. જોકે આમ થયા બાદ રેપો રેટ વર્તમાન 4.9 ટકાના સ્તરેથી વધી 5.6 ટકાના સ્તરે જોવા મળશે. તે 5.9 ટકાના કેટલાંક અર્થશાસ્ત્રીઓ તરફથી મૂકવામાં આવતાં અંદાજ કરતાં નીચો છે. યુએસ ફેડ તરફથી તીવ્ર રેટ વૃદ્ધિને જોતાં આરબીઆઈ પર ઊંચી માત્રામાં રેટ વૃદ્ધિનું દબાણ જોવા મળી શકે છે.
વીએ રૂ. 8837 કરોડના AGR ડ્યૂસનું ચૂકવણું મુલત્વી રાખ્યું
દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ પ્લેયર વોડાફોન આઈડિયાએ એજીઆર ડ્યૂસ પેટે ચૂકવવાના થતાં રૂ. 8837 કરોડની રકમની પુનઃચૂકવણીને ચાર વર્ષો માટે મુલત્વી રાખી છે. તેણે ગયા વર્ષે પણ આ પ્રકારના ચૂકવણાને મૂલત્વી રાખ્યું હતું. આ સાથે ટેલિકોમ કંપનીને મુલત્વી રાખવામાં આવેલી રકમ પર ચૂકવવાની થતી વ્યાજની રકમ સરકારને વધારાની ઈક્વિટીમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ પ્રાપ્ય છે. કંપનીના અગાઉના આ પ્રકારના નિર્ણય બાદ સરકાર વીમાં 33 ટકા હિસ્સો ધરાવવા માટે તૈયાર છે. હાલમાં મૂલત્વી રાખવામાં આવેલી મુદલ પર ચૂકવવાના થતાં વ્યાજના કન્વર્ઝનને લઈને વીએ 90 દિવસોમાં નિર્ણય લેવાનો રહેશે.
R-capની ઈન્શ્યોરન્સ પાંખની ખરીદી માટે સ્પર્ધામાંથી ટાટા જૂથની એક્ઝીટ
રિલાયન્સ કેપિટલની જનરલ ઈન્શ્યોરન્સ કંપનીની ખરીદી માટેની સ્પર્ધામાઁથી ટાટા સન્સની સબસિડિયરી ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ કંપની બહાર નીકળી ગઈ છે. આ માટેના મુખ્ય કારણોમાં આરજીઆઈસીએલના ડિસઈન્વેસ્ટમેન્ટમાં વિલંબ તથા ખરીદાર તરફથી રિલાયન્સ કેપિટલની કંપનીઓના સમગ્ર ક્લસ્ટરને ખરીદવાનો નિયમ જવાબદાર હોવાનું જાણવા મળે છે. આરકેપના લેન્ડર્સે તમામ એસેટ્સ માટે સારા બીડ્સ મેળવવાના હેતુથી બિડીંગ પ્રક્રિયાની મધ્યમાં સમગ્ર ક્લસ્ટર માટે બીડનો નિયમ લાગુ પાડ્યો હતો.
વૈશ્વિક બજારમાં કડાકા અને ખરિફ વાવેતરમાં વેગથી ખાદ્યતેલોમાં ઘટાડો સંભવ
પામ તેલ, સનફ્લાવર તેલ અને સોયા તેલમાં ટોચથી 25 ટકાના ઘટાડાને જોતાં ડ્યૂટી ફ્રી આયાત અટકાવવા સીની માગણી
સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(સી)ના જણાવ્યા મુજબ વૈશ્વિક બજારમાં ક્રૂડ પામતેલના ભાવમાં તેની ટોચના ભાવથી તીવ્ર ઘટાડાને પગલે ખાદ્ય તેલોના ભાવમાં ઘટવાતરફી બની રહેશે. ભારતમાં ખરિફ સિઝનનું વાવેતર પણ વેગ પકડી રહ્યું છે. જેની પાછળ મહત્વની કૃષિ પેદાશ એવા તેલિબિયાં માટે સેન્ટિમેન્ટ નરમાઈતરફી જોવા મળી શકે છે.
સીએ નોંધાવ્યા મુજબ ક્રૂડ પામ ઓઈલના ભાવ માર્ચ 2022માં તેણે દર્શાવેલી 2010 ડોલરની વિક્રમી ટોચ પરથી 625 ડોલર જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. આમ તે 25 ટકા જેટલા તૂટી ચૂક્યાં છે. જ્યારે સોયબિન તેલના ભાવ પણ 384 ડોલર જેટલાં જ્યારે સનફ્લાવર તેલના ભાવ 285 ડોલર જેટલાં ગગડી ચૂક્યાં છે. ભાવમાં ઘટાડા ઉપરાંત વિશ્વમાં સૌથી મોટા પામ તેલ ઉત્પાદક ઈન્ડોનેશિયાએ સીપીઓ નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. તેમજ યુક્રેન ખાતેથી પડોશી દેશોમાં રોડ મારફતે સનફ્લાવર ઓઈલની ઉપલબ્ધિમાં વૃદ્ધિ જોવા મળી છે. આમ ખાદ્ય તેલનો સપ્લાય વધવા તરફથી છે. નવી સિઝનમાં વૈશ્વિક સ્તરે પામ તેલ અને સોયા તેલનું ઉત્પાદન ઊંચું રહેવાની અપેક્ષા છે. જે ભાવને વધુ નીચા સ્તરે લઈ જઈ શકે છે. સીના જણાવ્યા મુજબ આયાતી તેલોના ભાવમાં તીવ્ર ઘટાડા અને ખરિફ વાવેતરમાં વેગ જોતાં સરકારને શૂન્ય ડ્યૂટીએ ટીઆરક્યૂની છૂટ આપવાની જરૂર નથી. તેના મતે ફુગાવાને અંકુશમાં રાખવાની વાત છે તો ભાવ ઘટાડાતરફી જોવા મળી રહ્યાં છે.
સરકારે તેલિબિયાં સહિતના ખરિફ પાકો માટેના લઘુત્તમ ટેકાના ભાવોમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી હોવાથી પણ ખરિફ તેલિબિયાંના વાવેતરમાં ઊંચી વૃદ્ધિની સંભાવના છે. સરકારે મુખ્ય ચોમાસુ તેલિબિયાં મગફળીની એમએસપીમાં 5.41 ટકાની વૃદ્ધિ કરી છે. જ્યારે સનફ્લાવરની એમએસપીમાં 6.4 ટકા અને સોયાબિનની એમએસપીમાં 8.86 ટકા વૃદ્ધિ દર્શાવી છે. આમ ખેડૂતો તરફથી તેલિબિયાંના ઊંચા વાવેતરની પ્રબળ સંભાવના છે. રવિ સિઝનમાં પણ રાયડાનું વિક્રમી ઉત્પાદન થયું હતું. આમ સ્થાનિક ઉપલબ્ધતામાં વૃદ્ધિ થઈ રહી છે. સરકાર એમએસપીના હથિયારનો ઉપયોગ કરી અન્ય ધાન પાકો તરફથી ખેડૂતોને તેલિબિયાંના વાવેતર માટે પ્રોત્સાહન આપી શકે છે એમ સી ઉમેરે છે. જેથી ઈકો સિસ્ટમમાં પણ સંતુલન સ્થાપી શકાય છે.
ફોરેક્સને જાળવી રાખી રૂપિયાને ઘટતો અટકાવવા RBI ફોરવર્ડ માર્કેટના સહારે
સેન્ટ્રલ બેકે એપ્રિલની આખરમાં 64 અબજ ડોલરની તેની ફોરવર્ડ-ડોલર બુકમાં 12 અબજથી 15 અબજ ડોલરનો ઘટાડો કર્યો
આઉટસ્ટેન્ડિંગ ફોરવર્ડ્સને લિક્વિડેટ કરવાથી ફોરેક્સ રિઝર્વ્સમાં નીચા ઘસારાની શક્યતાં
દેશની મધ્યસ્થ બેંક યુએસ ડોલર સામે રૂપિયામાં ઘટાડાને અટકાવવા તથા ભારે મહેનતથી મેળવેલી વિદેશી હૂંડિયામણની અનામતને જાળવી રાખવા માટે ફોરવર્ડ્સ માર્કેટમાં ઊંચી દરમિયાનગીરી દર્શાવી રહી હોવાનું જોવા મળે છે. ડીબીએસ બેંકના અંદાજ મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ફોરવર્ડ-ડોલર બુકમાં 12થી 15 અબજ ડોલર સુધીનો ઘટાડો કર્યો હોવાની શક્યતા છે. એપ્રિલ આખરમાં તેની ફોરવર્ડ-ડોલર બુકનું કદ 64 અબજ ડોલર પર જોવા મળતું હતું. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના જણાવ્યા અનુસાર બેંકિંગ રેગ્યુલેટરે ફોરવર્ડ્સ માર્કેટ મારફતે નોંધપાત્ર દરમિયાનગીરી દર્શાવી હતી.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેંકે હાથ ધરેલાં પગલા સૂચવે છે કે તે રૂપિયામાં ઘટાડો અટકાવવા માટે તમામ પ્રયાસોનો ઉપયોગ કરી રહી છે. ચાલુ મહિનાની શરૂઆતથી રૂપિયો સતત નવા તળિયા બનાવી રહ્યો છે. જે દેશમાં આયાતી ફુગાવાને વેગ આપવાનો પડકાર ઊભો કરી રહ્યો છે. આરબીઆઈની વર્તમાન ઈન્ટરવેન્શન સ્ટ્રેટેજીને કારણે એક વર્ષ માટેના એન્યૂલાઈઝ્ડ ડોલર-રૂપી ફોરવર્ડ પરનું પ્રિમિયમ્સ ઘટીને 3 ટકા નીચે ઉતરી ગયું છે. છેલ્લાં દાયકામાં પ્રથમવાર તે આટલાં નીચા સ્તરે જોવા મળ્યું છે એમ બેંકર ઉમેરે છે. રૂપિયા પર જ્યારે પણ દબાણ અનુભવાતું હોય ત્યારે રિઝર્વ્સનો ઉપયોગ કરીને સ્પોટ માર્કેટમાં દરમિયાનગીરી કરવા કરતાં હવે તેઓ આઉટસ્ટેન્ડિંગ ફોરવર્ડ્સને લિક્વિડેટ કરવાનું પસંદ કરે છે એમ એક ફોરેક્સ કંપનીના એમડી જણાવે છે. આ ફોરવર્ડ્સ મૂળે હાલમાં જોવા મળી રહેલી ઘટનાઓની શક્યતાને ધ્યાનમાં રાખી તે વખતે અસરને ખાળવા માટે જ ઊભા કરવામાં આવ્યાં હતાં એમ તેઓ ઉમેરે છે. યુએસ ફેડ તરફથી ઈન્ટરેસ્ટ રેટમાં આક્રમક વૃદ્ધિના વલણને કારણે ઈમર્જિંગ-માર્કેટ્સ ચલણો પર દબાણ જોવા મળી રહ્યું છે. યુએસ ખાતે રેટ વધતાં વિકાસશીલ દેશો તરફથી ફંડ ફ્લો યુએસ તરફ શિફ્ટ થઈ રહ્યો છે. ભારતીય શેરબજારમાં પણ વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી વિક્રમી વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું છે. ચાલુ વર્ષે રૂપિયો ડોલર સામે 5 ટકાથી વધુ ઘસારો દર્શાવી રહ્યો છે. બુધવારે તેણે 78.40ની ઐતિહાસિક નીચી સપાટી દર્શાવી હતી.
મોટી ફોરવર્ડ ડોલર બુક સ્પોટ રિઝર્વ્સ ઉપરાંત આરબીઆઈના હાથમાં એક વધારાનું બફર પૂરું પાડે છે. બેંકના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે દેશમાંથી ડોલર્સના આઉટફ્લોને લઘુત્તમ જાળવવા માટે સેન્ટ્રલ બેંક બહુપાંખિયો અભિગમ દર્શાવશે. આ સ્ટ્રેટેજી સામાન્ય રીતે આ મુજબ કામ કરે છે. જેમકે સ્પોટ માર્કેટમાં રૂપિયામાં ઘટાડો અટકાવવા દરમિયાનગીરી વખતે આરબીઆઈ ડોલર્સનું વેચાણ કરે છે અને રૂપિયાની ખરીદી કરે છે. જે ઈન્ટરબેંક લિક્વિડીટીમાં ઘટાડો કરે છે. પાછળથી સ્પોટ સેટલમેન્ટ ડેટના રોજ તેઓ ફોરવર્ડ્સમાં બાય-સેલ સ્વેપ મારફતે લિક્વિડીટીની અસરને ખાળવાનો પ્રયાસ કરે છે. ભારતીય શેરબજારમાંથી ચાલુ કેલેન્ડરમાં 27 અબજ ડોલરના જંગી આઉટફ્લોને જોતાં મોટાભાગના સ્ટ્રેટેજિસ્ટ રૂપિયાને લઈને મંદીનો વ્યૂહ ધરાવે છે. બેંક ઓફ અમેરિકાના અંદાજ મુજબ ચાલુ કેલેન્ડરની આખર સુધીમાં રૂપિયો ડોલર સામે 81ની સપાટી પર જોવા મળશે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ઈન્ડિયા ફાઈનાન્સિયલ માર્કેટ્સના હેડના જણાવ્યા મુજબ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ડોલર મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે કોમોડિટીઝના ભાવ ઊંચા જોવા મળી રહ્યાં છે. જેની ભારતીય કરન્ટ એકાઉન્ટ ખાધ પર નેગેટિવ અસર પડી શકે છે. જેને જોતાં અમે રૂપિયાને લઈને નેગેટિવ મત ધરાવીએ છીએ.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ કંપનીએ જણાવ્યું છે કે તે યૂકે અને નેધરલેન્ડ્સમાં લો કાર્બન ટેક્નોલોજિસ તરફ ટ્રાન્ઝિશન માટેના પ્લાન પર કામ કરી રહી છે. ઓક્ટોબર 2021માં કંપનીએ તાતા સ્ટીલ યૂકે અને તાતા સ્ટીલ નેધરલેન્ડ્સને અલગ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. નેધરલેન્ડિસ ખાતે કંપની વાર્ષિક 70 લાખ ટનની ક્ષમતા ધરાવે છે.
રેમન્ડ ગ્રૂપઃ ટેક્સટાઈલ કંપનીએ નાણાકિય વર્ષ 2021-22 માટે રૂ. 6438 કરોડની કોન્સોલિડેટેડ આવક દર્શાવી છે. કંપનીનો એબિટા રૂ. 881 કરોડ પર રહ્યો હતો. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 260 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીનું નેટ ડેટ રૂ. 1088 કરોડ પર પહોંચ્યું હતું. કોવિડના કારણે કંપનીની કામગીરીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પીનોટ્સ ઈન્વેસ્ટમેન્ટઃ મે મહિનામાં દેશના મૂડીબજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે થતાં રોકાણમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 86706 કરોડ પર રહ્યું હતું. નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો એકાદ-બે મહિનામાં તેમની પોઝીશનને સુલટાવશે અને સ્થાનિક બજારમાં પરત ફરશે. એપ્રિલમાં તેમણે પી-નોટ્સ મારફતે રૂ. 91 હજાર કરોડનું રોકાણ કર્યું હતું.
એચએએલઃ પીએસયૂ હવાઈજહાજ ઉત્પાદક કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ મલેશિયા તરફથી ફાઈટર જેટ ઓર્ડર મેળવવામાં ટોચની દાવેદાર તરીકે ઊભરી છે.
યસ બેંકઃ પ્રાઈવેટ બેંકે તેના ગ્રાહકો માટે ફ્લોટિંગ રેટ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે નવી પ્રોડક્ટ લોંચ કરી છે. આ એફડી પ્રવર્તમાન રેપો રેટ આધારિત વ્યાજ દર ઓફર કરશે. જેથી બેંકના ગ્રાહકોને એફડી પર બદલાતા વળતરનો લાભ લેવાની સુવિધા પ્રાપ્ય બનશે. ગ્રાહકો આ ફ્લોટિંગ રેટ એફડીનો લાભ તેમની પસંદગી મુજબ 1 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદ્દત માટે લઈ શકશે.
ઈમેજિકાઃ એન્ટરટેઈનમેન્ટ કંપનીએ ડેટ રેઝોલ્યુશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નવા પ્રમોટર્સનો સમાવેશ કર્યો છે.
જીપીટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સઃ કંપનીએ વાયાડક્ટ્સ, મેજર બ્રીજીસ, આરઓબીસ અને વ્હીકલ્સ સપ્લાય માટે કુલ રૂ. 292 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
બીપીસીએલઃ દેશમાં બીજા ક્રમની ઓઈલ માર્કેટિંગ કંપનીએ ભારત ઓમાન રિફાઈનરીઝને પોતાની સાથે ભેળવવા માટે એમસીએની મંજૂરી મેળવી લીધી છે.
વોડાફોન આઈડિયાઃ ત્રીજા ક્રમની ટેલિકોમ પ્રોવાઈડર કંપનીના બોર્ડે જૂથ કંપની યુરો પેસિફિકા સિક્યૂરિટીઝ પાસેથી રૂ. 436 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.
ગ્લેનમાર્ક ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીએ તેના બડ્ડી યુનિટ માટે યુએસએફડીએ તરફથી 6 ઓબ્ઝર્વેશન્સ સાથે ફોર્મ 483 મેળવ્યું છે.
ક્વેસ કોર્પઃ કંપનીના બોર્ડ ડિરેક્ટર્સે ઓલસેક ટેક્નોલોજિસના ક્વેસ કોર્પ સાથેના મર્જરને મંજૂરી આપી છે.
આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ ઈન્ફ્રા કંપનીએ લવાદી આદેશના ભાગરૂપે રૂ. 310 કરોડનું આંશિક પેમેન્ટ મેળવ્યું છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.