એક્સપાયરી અગાઉ નરમાઈ યથાવત
જૂન એક્સપાયરી અગાઉ ભારતીય બજારમાં નરમાઈ જોવા મળી હતી. બેન્ચમાર્ક પોઝીટીવ ઓપનીંગ બાદ સતત ઘસાતો રહ્યો હતો. નિફ્ટી 15863ની દિવસની ટોચ સામે ગગડી 15674નું તળિયું બનાવી 15687ના સ્તરે બંધ રહ્યો હતો. સતત બીજા દિવસે ઓટો શેર્સે સારો દેખાવ કર્યો હતો. જ્યારે આઈટી, ફાર્મા અને મેટલ્સમાં નરમાઈ આગળ વધી હતી. મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ નરમાઈ સાથે બંધ આવ્યાં હતાં.
જીએમઆર ઈન્ફ્રા કોલ માઈન વેચી 40 કરોડ ડોલર ઊભા કરશે
ઋણમાં વધુ ઘટાડો કરવાના ઈરાદે જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેની ઈન્ડોનેશિયા સ્થિત કોલ માઈનમાં 30 ટકા હિસ્સાનું વેચાણ કરશે. જે મારફતે કંપની 40 કરોડ ડોલર ઊભા કરશે. કંપનીએ માર્ચ 2018માં પીટી જેમ્સમાં 55 કરોડ ડોલરમાં 30 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે પીટી જેમ્સે તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના સ્ટોક માર્કેટ્સમાં રિલિસ્ટીંગ કરાવ્યું છે. બેંકર્સના જણાવ્યા મુજબ જીએમઆર વર્તમાન બજારભાવથી ઓછામાં ઓછા 10 ટકા ડિસ્કાઉન્ટમાં તેના હિસ્સાનું વેચાણ કરશે. કોલ માઈન વેચાણમાંથી મળેલી રકમના ઉપયોગ બાદ કંપનીનું કોર્પોરેટ ડેટ ઘટીને રૂ. 18000 કરોડ થઈ શકે છે. કંપનીનો શેર બુધવારે રૂ. 33.90ના છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયા બાદ અડધા ટકા નરમાઈ સાથે રૂ. 32.35ના સ્તરે બંધ રહ્યો હતો.
ડોલર સામે રૂપિયો 10 પૈસા સુધર્યો
સતત ત્રણ દિવસના ઘટાડા બાદ રૂપિયામાં સુધારો નોંધાયો હતો. બુધવારે તે 10 પૈસાના સુધારે 74.27ના સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે તે 26 પૈસા ઘટી 74.37ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં મહત્વની કરન્સિઝમાં ડોલર સામે મજબૂતી પાછળ રૂપિયાને સપોર્ટ મળ્યો હતો. ઉપરાંત વૈશ્વિક રોકાણકારોએ ત્રણ મહિના બાદ જૂન મહિનામાં દર્શાવેલા નેટ ઈનફ્લોને કારણે પણ રૂપિયાને સપોર્ટ સાંપડી રહ્યો છે.
ભારતીય બજારમાં ક્રૂડના ભાવ વર્ષથી વધુની ટોચ પર
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ધીમી ગતિએ જોવા મળી રહેલી વૃદ્ધિ પાછળ સ્થાનિક બજારમાં ક્રૂડના ભાવ ત્રણ વર્ષથી વધુની ટોચ પર પહોંચ્યાં છે. એમસીએક્સ ખાતે ક્રૂડ જુલાઈ વાયદો અડધા ટકાથી વધુ સુધારા સાથે રૂ. 5474ની ટોચ પર ટ્રેડ થયો હતો. દિવસ દરમિયાન તેણે પોઝીટીવ ટ્રેડ જાળવી રાખ્યો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 75.66 ડોલરની ડિસેમ્બર 2019 પછીની નવી ટોચ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. યુએસ ખાતે ઈન્વેન્ટરીમાં ઝડપી ઘટાડા પાછળ ક્રૂડના ભાવ નવી ટોચ દર્શાવી રહ્યાં છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય પરિવારોનું દેવુ વધી જીડીપીના 38 ટકા પરઃ RBI
ગયા નાણાકિય વર્ષમાં સપ્ટેમ્બર ક્વાર્ટર બાદ ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ ઘરેલુ ઋણમાં જોવા મળેલી વૃદ્ધિ
ડિસેમ્બર 2020ના અંતે ભારતીય પરિવારોનું કુલ દેવું વધીને સકલ ઘરેલું ઉત્પાદન(જીડીપી)ના 37.9 ટકા પર પહોંચ્યું હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરના અંતે આ રેશિયો 37.1 ટકા પર જોવા મળતો હતો એમ મધ્યસ્થ બેંકે નોંધ્યું છે. નાણા વર્ષ 2020-21ના જૂન ક્વાર્ટરના અંતે આ રેશિયો 35.4 ટકા પર હતો અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે તીવ્ર વૃદ્ધિ દર્શાવી હતી. આમ દેશના ઘરગથ્થુ ઋણ બોજમાં સતત બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ જોવા મળી હતી.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પરિવારના દેવામાં વૃદ્ધિનું કારણ 2020ના મધ્યમાં લોકડાઉન હળવું કરવામાં આવ્યાં બાદ ક્રેડિટ પ્રવાહમાં જોવા મળેલી વૃદ્ધિ હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે જો નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ તરફથી બોરોઈંગ્સમાં ઘટાડો જોવા ના મળ્યો હોત તો ઘરગથ્થુ દેવામાં ઓર વૃદ્ધિ જોવા મળી હોત. દેવામાં વૃદ્ધિ સાથે ઘરેલુ બચત દરમાં પણ ઘટાડો નોંધાયો છે. 2020-21ના બીજા ક્વાર્ટરમાં ઘરેલુ બચક દર જીડીપીના 10.4 ટકા પરથી ઘટી ત્રીજા ક્વાર્ટરમાં 8.2 ટકા પર જોવા મળ્યો હોવાના પ્રાથમિક અંદાજ છે. કોવિડ મહામારીને કારણે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં અસર પામ્યાં બાદ સેવિંગ રેશિયોમાં સતત બીજા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય પરિવારોના બચત દરમાં ઘટાડાનું કારણ ઘરેલુ નાણાકિય એસેટ્સના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો હોવાનું આરબીઆઈ જણાવે છે. આ સમય દરમિયાન પરિવારોની નાણાકિય જવાબદારી સામે તેમની આવકમાં ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો અને તેથી તેમની બચતમાં ગાબડું પડ્યું હતું.
બ્રિફ્સઃ
એચડીએફસી બેંકઃ બેંક તેની પેટાકંપની એચડીએફસી સિક્યૂરિટીઝ સાથે મળીને બોર્ડરલેસ સોફ્ટટેકમાં રૂ. 6.9 કરોડમાં 7.76 ટકા હિસ્સો ખરીદશે.
શોભા ડેવલપર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 17.9 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 50.7 કરોડ હતો. કંપનીની આવક માર્ચ 2020માં રૂ. 910.10 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 553.4 કરોડ જોવા મળી હતી.
ફાઈઝરઃ કંપની ભારતમાં તેની કોવિડ-19 વેક્સિનની મંજૂરી માટેના આખરી તબક્કામાં છે.
યુબીએલઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હેઈનેકેનને યુબીએલના શેર્સની ખરીદી માટે ઓપન ઓફર કરવાની છૂટ આપી છે.
આઈડીબીઆઈ બેંકઃ દિપમે બેંકના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા માટે લિગલ અને ટ્રાન્ઝેક્શન્સ એડવાઈઝર્સની નિમણૂંક માટે આરએફપી ઈસ્યુ કર્યું છે.
ગોદરેજ એગ્રોવેટઃ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝે જૂથ કંપનીના 9,76,047 શેર્સની પ્રતિ શેર રૂ. 570ના ભાવે ખરીદી કરી છે. જેની પાછળ કંપનીનો શેર 12 ટકા ઉછળ્યો હતો.
જીઈ પાવરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14.87 કરોડ હતો. કંપનીની આવક માર્ચ 2020માં રૂ. 733 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 931 કરોડ જોવા મળી હતી.
જીએસએસ ઈન્ફોટેકઃ કંપનીના પ્રમોટર રઘુનંદ રાવે કંપનીના 1.02 લાખ ઈક્વિટી શેર્સ ખરીદ્યાં છે.
ડોનિયર ઈન્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4.35 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.8 કરોડ હતો. કંપનીની આવક માર્ચ 2020માં રૂ. 126 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 151 કરોડ જોવા મળી હતી.
ઈન્ડોટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 13.6 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.11 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક માર્ચ 2020માં રૂ. 38.6 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 99 કરોડ જોવા મળી હતી.