બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીની હેટ્રીક વચ્ચે નિફ્ટી 17K પર બંધ આપવામાં સફળ
માર્કેટમાં સતત બીજા દિવસે બ્રોડ બેઝ ખરીદી જોવા મળી
આઈટી, એફએમસીજી, રિઅલ્ટી અને એનર્જીનો મુખ્ય સપોર્ટ સાંપડ્યો
બીએસઈ ખાતે બે શેર્સમાં સુધારા સામે એક શેર્સમાં ઘટાડો નોંધાયો
સુધારો દર્શાવનારા અગ્રણી નિફ્ટી કાઉન્ટર્સમાં પાવરગ્રીડ, આઈઓસી, ઓએનજીસી, આઈટીસી અને સિપ્લાનો સમાવેશ
લાર્જ-કેપ આઈટીમાં મજબૂતી પાછળ મીડ-કેપ આઈટી શેર્સમાં તેજીનું તોફાન
તેજીવાળાઓએ મચક નહિ આપતાં સતત ત્રીજા દિવસે શેરબજારમાં મજબૂતી જળવાઈ હતી અને બેન્ચમાર્ક્સ સપ્તાહની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બેન્ચમાર્કે સેન્સેક્સ 384.72 પોઈન્ટ્સના સુધારે 57315.28 પર બંધ રહેતાં 57 હજારને કૂદાવી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 117.15 પોઈન્ટ્સની મજબૂતી સાથે 17 હજારની સપાટી પાર કરી 17072.60ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. દિવસ દરમિયાન તેણે 17118.65ની ટોચ દર્શાવી હતી. જોકે મધ્યાહને ટોચ દર્શાવ્યાં બાદ બેન્ચમાર્ક સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 4.58 ટકા ઘટાડા સાથે 15.82 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માઁથી 36 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં.
માર્કેટને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. નિપ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.86 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. સૂચકાંકમાં સમાવિષ્ટ પાવરગ્રીડ કોર્પોરેશને 3.4 ટકાની મજબૂતી દર્શાવી હતી. જ્યારે પાવર ફાઈનાન્સ, આઈઓસી, ભારત ઈલેક્ટ્રીકલ, ઓએનજીસી, આરઈસી, એચપીસીએલ, ગેઈલ જેવા કાઉન્ટર્સે 2 ટકાથી વધુ સુધારો નોંધાવ્યો હતો. લગભગ એક મહિનાના વિરામ બાદ પીએસઈ કાઉન્ટર્સમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. એફએમસીજી ક્ષેત્રે પણ આઈટીસી જેવા કાઉન્ટર પાછળ મજબૂતી જોવા મળી હતી અને તે 1.34 ટકા સુધારે બંધ આવ્યો હતો. આઈટીસીમાં 2.5 ટકાનો સુધારો નોંધાયો હતો. જે ઉપરાંત જ્યુબિલિઅન્ટ ફૂડ, કોલગેટ, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકા સુધારો સૂચવતો હતો. અગ્રણી આઈટી કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્ર અને વિપ્રો એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. મીડ-કેપ આઈટી કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેમાં ફર્સ્ટસોર્સ સોલ્યુશન 9.30 ટકા અને બિરલા સોફ્ટ 6 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં.
માર્કેટમાં બીજા દિવસે માર્કેટ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3449 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2162 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1170માં નરમાઈ જોવા મળી હતી. જ્યારે 507 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં અને 153 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. 268 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી અને 13 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોઁધાવ્યું હતું.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે આગામી સપ્તાહે વૈશ્વિક બજારોમાં ક્રિસમસની રજા વચ્ચે ભારતીય બજારમાં સ્થાનિક પંટર્સ હાવી રહેશે. નિફ્ટી 17200ના અવરોધ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જો બેન્ચમાર્ક આ સ્તર પાર કરી જશે તો 17500 સુધીનો ઉછાળો સંભવ છે. જોકે માર્કેટમાં ઊંચી લેવરેજ્ડ પોઝીશનથી દૂર રહેવાની તેઓ સલાહ આપે છે. કેમકે ઓમિક્રોનને લઈને અનિશ્ચિતતા ઊભી છે.
ઈન્ફોસિસે રૂ. 1861.60ની સર્વોચ્ચ સપાટી દર્શાવી
દેશમાં અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસનો શેર ગુરુવારે રૂ. 1861.60ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ 1.8 ટકા સુધારે રૂ. 1857.60ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 7.81 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. રિલાયન્સ ઈન્ડ., ટીસીએસ અને એચડીએફસી બાદ તે ચોથા ક્રમની માર્કેટ-કેપ કંપની છે. ગુરુવારના ભાવે તે એચડીએફસીના રૂ. 8 લાખ કરોડના માર્કેટ-કેપથી માત્ર રૂ. 19 હજાર કરોડ છેટે ટ્રેડ થઈ રહી છે. ચાલુ વર્ષે તેણે હિંદુસ્તાન યુનિલીવરને એમ-કેપમાં પાછળ રાખી દીધી હતી.
ન્યૂ-એજ કંપનીઓના વેલ્યૂએશન્સને લઈને ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ સામે સેબીની લાલ આંખ
સેબી ચીફના મતે મર્ચન્ટ બેંકર્સે વેલ્યૂએશન્સ નિર્ધારણ કરવામાં નિયમોનું પાલન કરવું જોઈએ
ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ તેની નૈતિક જવાબદારીના પાલનમાં નિષ્ફળ જશે તો સેબી પગલાં ભરતાં નહિ ખચકાયઃ ત્યાગી
પેટીએમ જેવા આઈપીઓમાં રિટેલ રોકાણકારોના હાથ દાઝતાં માર્કેટ રેગ્યુલેટર સેબી ચીફ અજય ત્યાગીએ ન્યૂ-એજ ટેક્નોલોજી કંપનીઓના વેલ્યૂએશન્સને લઈને ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને સ્પષ્ટ ચેતવણી આપી છે. વર્ચ્યુલ પબ્લિક કોન્ફરન્સમાં બોલતાં સેબી ચીફે જણાવ્યું હતું કે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે આઈપીઓ મારફતે બજારમાંથી નાણા ઊઘરાવી રહેલાઓ તથા આઈપીઓમાં નાણાનું રોકાણ કરી રહેલા રોકાણકારોના હિતો વચ્ચે સંતુલન સ્થાપવાની જરૂર છે. વર્તુળોના જણાવ્યા મુજબ નવેમ્બરમાં ફિનટેક કંપની પેટીએમના આઈપીઓના નબળા લિસ્ટીંગને કારણે રોકાણકારોને થયેલા જંગી નુકસાનને કારણે સેબી ચેરમેન નારાજ હતાં. એક અન્ય ફિનટેકકંપની ફિનો પેમેન્ટ્સમાં પણ રોકાણકારોએ નાણા ગુમાવવાના થયા હતાં. મોટાભાગની ટેક કંપનીઓ સ્ટાર્ટ-અપ્સ હતી અને તેઓ ફ્યુચર એક્વિઝિશન્સની યોજનાઓને ધ્યાનમાં રાખીને નાણા ઊભા કરતી હતી. જોકે વાસ્તવમાં તેઓ આઈપીઓના ઘણા સમય અગાઉ કંપનીમાં રોકાણ કરી ચૂકેલાં રોકાણકારોને એક્ઝિટની તક પૂરી પાડી રહી હતી.
જો પેટીએમની વાત કરીએ તો કંપનીનો શેર લિસ્ટીંગના બે દિવસમાં લગભગ 50 જેટલો તૂટી ચૂક્યો હતો. તેણે કેલેન્ડર 2008માં રિલાયન્સ પાવરના આઈપીઓની યાદ અપાવી હતી. જેમાં રિટેલ રોકાણકારોએ જંગી નુકસાન સહન કરવાનું બન્યું હતું. અગાઉ એક અન્ય ટેક કંપની નાયકાના સફળ લિસ્ટીંગને કારણે પેટીએમ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સે ઊંડો રસ દર્શાવ્યો હતો. એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ આઈપીઓ મારફતે ચાલુ વર્ષે રૂ. 1.06 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યાં છે અને તેણે સેકન્ડરી માર્કેટની લિક્વિડીટી પર પણ અસર ઊભી કરી છે. ત્યાગીએ એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ ઓફ ઈન્ડિયા(એઆઈબીઆઈ) આયોજિત કોન્ફરન્સમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને ન્યૂ-ટેક્નોલોજી કંપનીઓને લઈને આઈપીઓ સંબંધી ડોક્યૂમેન્ટ્સમાં જ પ્રાઈસને લઈને સ્પષ્ટતાં કરવામાં આવવી જોઈએ. આ બાબત ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સની મૂળભૂત જવાબદારી છે અને તેમણે કાયદાઓનું માત્ર શબ્દથી જ નથી કરવાનું પરંતુ તેના ભાવને પણ ગણતરીમાં લેવાનો છે. જો કોઈ મધ્યસ્થી તેને આપવામાં આવેલી જવાબદારીના પાલનમાં નિષ્ફળ જશે તો સેબી પગલાં ભરતાં અચકાશે નહિ એમ ત્યાગીએ ઉમેર્યું હતું.
ત્યાગીએ જણાવ્યું હતું કે વર્તમાન સમય એઆઈબીઆઈ માટે તેમના ડ્યુ ડિલિજન્સના ધારધોરણોની સમીક્ષા માટે બિલકુલ યોગ્ય સમય છે. સાથે તેમણે તેમની ઈસ્યુ મેનેજમેન્ટ સર્વિસની પણ સમીક્ષા કરવી જોઈએ. કેમકે ન્યૂ-એજ કંપનીઓના પ્રાઈવેટ માર્કેટ ઓફરિંગ્સને લઈને ઘણા બધા મુદ્દાઓ ઊભા થયાં છે. જેમકે તેઓ બિનપરંપરાગત બિઝનેસ છે અને તેમના વેલ્યૂએશન સંબંધી ડર જોવા મળી રહ્યો છે. સામાન્યરીતે ન્યૂ-એજ કંપનીઓ લિસ્ટીંગ સમયે નુકસાન કરતી હોય છે. તેમણે તાજેતરના અનુભવોને અને ભાગીદારોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખી રેગ્યુલેશન્સમાં યોગ્ય સુધારાની જરૂરીયાત હોવાનું પણ જણાવ્યું હતું.
બેંકોએ એડિશ્નલ ટિયર વન બોન્ડ્સ મારફતે રૂ. 37 હજાર કરોડ મેળવ્યાં
ભારતીય બેંકિંગ કંપનીઓએ એડિશ્નલ ટિયર વન(એટીવન) બોન્ડ્સ હેઠળ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રૂ. 37 હજાર કરોડ ઊભા કર્યાં છે. 2021-22માં રૂ. 28430 કરોડના કોલ ઓપ્શન્સની ડ્યૂ રકમ કરતાં તે રકમ ઊંચી છે. રેટિંગ એજન્સી ઈકરાના અંદાજ મુજબ જાહેર ક્ષેત્રની બેંક્સ માટે રૂ. 20505 કરોડના એટીવન બોન્ડ્સ અને ખાનગી બેંક્સ માટે રૂ. 7925 કરોડના એટીવન બોન્ડ્સ કોલ ઓપ્શનના એક્સરસાઈઝ માટે ડ્યુ છે. જેમાંથી મોટાભાગનો હિસ્સો રૂ. 19750 બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડ્યૂ છે. મોટાભાગની પીએસયૂ બેંકે ફ્રેશ એટીવન બોન્ડ્સ ઊભાં કર્યાં છે. તેમણે લગભગ કોલ ઓપ્શન્સ ડ્યૂના સમપ્રમાણમાં જ નાણા ઊભા કર્યાં છે. જેથી તેમનો કેપિટલ રેશિયો જળવાય રહે. મ્યુચ્યુલ ફંડ્સની માગ મંદ જળવાય હતી અને પીએસયૂ બેંક્સના એટીવન બોન્ડ્સ અન્ય પ્રાઈવેટ બેંક્સ, પેન્શન ફંડ્સ અને કોર્પોરેટ ટ્રેઝરીઝ દ્વારા સબસ્ક્રાઈબ કરવામાં આવ્યાં હતાં.
RBIએ વન મોબિક્વિક અને સ્પાઈસ મની પર પેનલ્ટી લાગુ પાડી
બેંક રેગ્યુલેટર આરબીઆઈએ બે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ એવા વન મોબિક્વિક સિસ્ટમ્સ પ્રાઈવેટ લિ. અને સ્પાઈલ મની લિમિટેડ પર નિયમોના ભંગ બદલ પેનલ્ટી લાગુ પાડી છે. બંને પેમેન્ટ કંપનીઓ પર રૂ. 1 કરોડની પેનલ્ટી લાગુ પાડી હોવાનું આરબીઆઈનો આદેશ જણાવે છે. મધ્યસ્થ બેંકે તેના નિવેદનમાં જણાવ્યું છે કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007ની સેક્શન 26(6)ના ભંગ બદલ આ પેનલ્ટી લાગુ પાડવામાં આવી છે. નિવેદન નોંધે છે કે આ પગલાં રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સની ઊણપને કારણે લેવામાં આવ્યાં છે.
જેમ અને જ્વેલરીની નિકાસમાં નવેમ્બરમાં 8 ટકાનો ઘટાડો
નવેમ્બરમાં દેશમાંથી જેમ અને જ્વેલરીની નિકાસમાં વાર્ષિક 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 2.38 અબજ ડોલર પર રહી હતી. જે એક વર્ષ અગાઉના સમાનગાળામાં 2.58 અબજ ડોલર પર જોવા મળી હતી. દિવાળીના તહેવારોની રજાઓને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં અવરોધ નિકાસ પાછળનું મુખ્ય કારણ હોવાનું વર્તુળો જણાવે છે. રૂપિયા સંદર્ભમાં જોઈએ તો નિકાસમાં માત્ર ચાર ટકા ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર 2020માં રૂ. 18471 કરોડ સામે નવેમ્બર 2021માં રૂ. 17785 કરોડની નિકાસ નોંધાઈ હતી. જોકે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 11 ટકા ઉછળી 1.30 અબજ ડોલર પર જોવા મળી હતી. રૂપિયા સંદર્ભમાં તે 16 ટકા વધી રૂ. 9720 કરોડ પર રહી હતી.
સિટિ ગેસ માટેના લાયસન્સ માટે IOC અને અદાણી ટોટલ અગ્રણી બીડર્સ
જાહેર ક્ષેત્રની આઈઓસીએ 53 જીઓગ્રાફિકલ એરિયા માટે જ્યારે અદાણી ટોટલે 52 એરિયા માટે બીડ્સ કર્યાં
બીપીસીએલે 43, ગેઈલે 30 અને ટોરેન્ટ ગેસે પણ 28 જીએમાં લાયસન્સ માટે બીડ કર્યા છે
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી) અને અદાણી જૂથની અદાણી ટોટલ ગેસે રિટેલ સીએનજી તથા પાઈપ્ડ કૂકીંગ ગેસ માટે તાજેતરના બિડીંગ રાઉન્ડમાં મહત્તમ લાયસન્સિસ માટે બીડીંગ કર્યું હોવાનું જાણવા મળે છે.
સરકારી રેગ્યુલેટર પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ(પીએમજીઆરબી)એ જાહેર કરેલી વિગતો મુજબ આઈઓસીએ 15 ડિસેમ્બરે બંધ થયેલાં 11મા સિટી ગેસ લાયસન્સિંગ રાઉન્ડમાં કુલ 61 જીઓગ્રાફિકલ એરિયાઝ(જીએ)માંથી 53 માટે બીડ કર્યું છે. જ્યારે અદાણી જૂથ અને ફ્રાન્સના ટોટલ જૂથની ભાગીદારી ધરાવતી અદાણી ટોટલ ગેસે 52 જીએ માટે બીડ કર્યું છે. અદાણી જૂથે શરૂઆતમાં આઈઓસી સાથે સંયુક્ત સાહસ તરીકે સિટી ગેસ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. જોકે પાછળથી તેણે ટોટલ સાથે ભાગીદારી કરી હતી. અદાણી અને આઈઓસીએ તાજેતરના બિડીંગ રાઉન્ડમાં સંયુક્તપણે કોઈ બીડિંગ કર્યું નથી. પીએનજીઆરબીએ તેના તાજેતરના લાયસન્સિંગ રાઉન્ડમાં જમ્મુ, નાગપુર, પઠાણકોટ અને મદુરાઈ સહિત કુલ 65 જીએ માટે બીડ ખૂલ્લાં મૂક્યાં હતાં. છત્તીસગઢમાં ચાર જીઓગ્રાફિકલ એરિયા માટે એક પણ બીડ મળી નહોતી.
આઈ સ્કર્વેડ કેપિટલનું સમર્થન ધરાવતી થીંક ગેસ ડિસ્ટ્રીબ્યુશન બિડિંગ સંખ્યાની રીતે ત્રીજા ક્રમે જોવા મળતી હતી અને તેણે કુલ 44 જીએ માટે બિડ કર્યા હતાં. જ્યારે ખાનગીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી પીએસયૂ કંપની બીપીસીએલે 43 જીએ માટે જ્યારે અન્ય પીએસયૂ કંપની ગેઈલની સબસિડિયરી ગેઈલ ગેસ લિ.એ 30 એરિયા માટે બિડ ભર્યાં છે. કેટલાંક અન્ય પ્લેયર્સમાં એચપીસીએલે 37 જીએ માટે જ્યારે ટોરેન્ટ ગેસે 28, ઈન્દ્રપ્રસ્થ ગેસે 15 જીએ, ગુજરાત ગેસે 14 અને આસામ ગેસે 10 જીએ માટે બીડ ભર્યાં છે. હાલમાં પેએનજીઆરબી 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળી 228 જીઓગ્રાફિકલ એરિયાસ માટે લાયસન્સિંગની સત્તા ધરાવે છે. જે દેશનો 53 ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર જ્યારે 70 ટકા વસ્તી ધરાવે છે. આ અગાઉના સિટિ ગેસ ડિસ્ટ્રીબ્યુશન બિડીંગ રાઉન્ડમાં 50 જીએ માટે લાયસન્સની ફાળવણી કરવામાં આવી હતી. 2018 અને 2019માં કુલ 136 જીએ માટે સીએનજી અને પાઈપ્સ કૂકિંગ ગેસ માટેના લાયસન્સ આપવામાં આવ્યાં હતાં. જેને કારણે સિટિ ગેસ નેટવર્કનો વ્યાપ 406 જિલ્લાઓ સાથે દેશના 70 ટકા વિસ્તાર સુધી પહોંચ્યો હતો.
Market Summary 23 Dec 2021
December 23, 2021
