બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રોકાણકારો IPO તરફ વળતાં સેકન્ડરી માર્કેટમાં સુસ્તી
ફેડ મિનિટ્સમાં રેટ ઘટાડાના સંકેતના અભાવે મૂડ પર અસર
નિફ્ટી 19800ની સપાટી જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 11.31ના સ્તરે
રિઅલ્ટી, મેટલ, પીએસઈ, ઓટોમાં મજબૂતી
ફાર્મા, આઈટીમાં નરમાઈ
પ્રાજ ઈન્ડ., સનટેક રિઅલ્ટી, હીરો મોટોકોર્પ નવી ટોચે
ચાલુ સપ્તાહે એક સાથે પાંચ આઈપીઓના બજારમાં પ્રવેશને કારણે સેકન્ડરી માર્કેટમાં સુસ્તી જોવા મળી રહી છે. બુધવારે રાતે યુએસ ખાતે રજૂ થયેલી ફેડ મિનિટ્સે પણ શેરબજારોને નિરાશ કર્યાં હતાં. ફેડ મિનિટ્સમાં રેટ ઘટાડા સંબંધી સંકેતનો અભાવ જોવા મળ્યો હતો. આમ, માર્કેટ સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 5 પોઈન્ટ્સની નરમાઈ સાથે 66018ની સપાટીએ જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ્સ ગગડી 19802ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં મજબૂતી પરત ફરી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3844 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2064 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1636 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 278 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 11 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 11.31ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં પછી રેંજ બાઉન્ડ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19812ના બંધ સામે 19828ની સપાટીએ ખૂલી ઉપરમાં 19875ની સપાટી દર્શાવી ઘટી 19787ની સપાટીએ ટ્રેડ થયાં પછી 19800 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 73 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19875 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 76 પોઈન્ટના પ્રિમીયમ જેટલું જ હતું. આમ લોંગ પોઝીશન અકબંધ હોવાનો સંકેત મળે છે. જેને જોતાં આગામી સમયગાળામાં માર્કેટમાં સુધારો જળવાય રહેવાની સંભાવના છે. વૈશ્વિક બજારમાં ડોલર અને બોન્ડ યિલ્ડ્સના વળતાં પાણી તથા ક્રૂડમાં નરમાઈને જોતાં ભારત જેવા ઈમર્જિંગ બજારો માટે સ્થિતિ પોઝીટીવ બની રહી છે. 19500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશનને જાળવી રાખવી જોઈએ. જ્યારે 19900ની સપાટી પાર થાય તો બજારમાં વધુ મજબૂતી જોવા મળી શકે છે. જે દરમિયાન તે 20000-20200ની રેંજમાં ટ્રેડ થઈ શકે છે. જો 20200ની રેંજ પસાર થાય તો 2023 પહેલાં 20500ની સપાટી પણ સંભવ છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, બીપીસીએલ, આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, વિપ્રોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સિપ્લા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ લાઈફ, લાર્સન, ગ્રાસિમ, બજાજ ફાઈનાન્સ, એપોલો હોસ્પિટલ, ટાઈટન કંપની, ટીસીએસ, ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી, મેટલ, પીએસઈ, ઓટોમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે ફાર્મા, આઈટીમાં નરમાઈ બની રહી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સનટેક રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ અડધા ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એનએચપીસી, આરઈસી, ભેલ, ગેઈલ, કોલ ઈન્ડિયા, સેઈલ, એનએમડીસી, કોન્કોરમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 0.53 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, સેઈલ, હિંદુસ્તાન ઝીંક, એનએમડીસી, તાતા સ્ટીલ, હિંદાલ્કોમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પ્રથમવાર 17 હજારની સપાટી કૂદાવી ગયો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ 5 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, બજાજ ઓટો, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, બોશ, આઈશર મોટર્સ, મધરસન, એમએન્ડએમ, એમઆરએફમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ નિફ્ટી ફાર્મામાં 1.6 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં સિપ્લા આંઠ ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, ઝાયડસ લાઈફ, બાયોકોન, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મામાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.6 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં પર્સિસ્ટન્ટ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, કોફોર્જમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ પ્લેટફોર્મની વાત કરીએ તો એચપીસીએલ 7 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, આદિત્ય બિરલા ફેશન, હીરો મોટોકોર્પ, દિપક નાઈટ્રેટ, બજાજ ઓટો, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, નવીન ફ્લોરિન, હિંદ કોપર, આઈઓસી, એમસીએક્સ ઈન્ડિયા, બીપીસીએલ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, જીએનએફસી, આરબીએલ બેંક, ઓબેરોય રિઅલ્ટી, સિમેન્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયામાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, સિપ્લા, પર્સિસ્ટન્ટ, ડો. લાલ પેથલેબ, ઈન્ફો એજ, ઓરોબિંદો ફાર્મા, ઈપ્લા લેબ્સ, સિટી યુનિયન બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારત ઈલે., લ્યુપિનમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પ્રાજ ઈન્ડ., સનટેક રિઅલ્ટી, હીરો મોટોકોર્પ, રતનઈન્ડિયા એન્ટર, બજાજ ઓટો, હિટાચી એનર્જી, બીપીસીએલ, અજંતા ફાર્મા, વરુણ બેવરેજીસ, ટીવીએસ મોટર, બલરામપુર ચીની, બોશ, સનોફી ઈન્ડિયા, આઈશર મોટર્સ, યુનો મિંડા, વર્ધમાન ટેક્સટાઈલ, પ્રેસ્ટીજ એસ્ટેટનો સમાવેશ થાય છે.
ગોલ્ડમેન સાચનો 2024માં નિફ્ટી માટે 21800નો ટાર્ગેટ
ઈન્વેસ્ટમેન્ટ બેંકના ચીફ એશિયા પેસિફિક સ્ટ્રેટેજિસ્ટના મતે ભારતના કોર ફંડામેન્ટલ્સ મજબૂત
વૈશ્વિક સ્તરે મહત્વના બજારોમાં ભારત શ્રેષ્ઠ વૃદ્ઘિ દર્શાવી રહેલું માર્કેટ
ભારત માટે ઈન્વેસ્ટમેન્ટ કેસ મજબૂત જળવાય રહ્યો છે. દેશ આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં તેમજ કોર્પોરેટ અર્નિંગ્સની રીતે બાકીના તમામ મહત્વના માર્કેટ્સની સરખામણીમાં શ્રેષ્ઠ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે એમ ગોલ્ડમન સાચના ચીફ એશિયા પેસિફિક સ્ટ્રેટેજિસ્ટ ટિમોથી મોઈનું કહેવું છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંક ભારતના રેટિંગને ‘ઓવરવેઈટ’માં અપગ્રેડ કરી કેલેન્ડર 2024 માટે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીનો બેઝ કેસ ટાર્ગેટ 21,800 રાખી રહી છે. ગોલ્ડમેન સાચે વર્ષ અગાઉ ભારત માટેના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું હતું. કેમકે તે વખતે ફ્રન્ટલાઈન સૂચકાંકો 24ના ફોરવર્ડ અર્નિંગ્સ પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જે મોંઘા જણાઈ રહ્યાં હતાં. તે વખતે ઘણા સારા સમાચારો વેલ્યૂએશનમાં ગણનામાં લેવાઈ ચૂક્યાં હતાં અને તેથી બેંકે લાંબા સમયના ‘ઓવરવેઈટ’ કોલને ઘટાડી ‘માર્કેટ’ વેઈટ કર્યું હતું એમ મોઈએ ઉમેર્યું હતું. જોકે, નાણા વર્ષ 2022-23 માટે કોર્પોરેટ અર્નિંગ્સમાં 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે તે સમયગાળામાં નિફ્ટીમાં 9 ટકા સુધારો જોવા મળ્યો હતો. આમ, વેલ્યૂએશન કેટલેક અંશે સંકડાયા હતાં અને પીઈ રેશિયો 24 પરથી ઘટી 20ની આસપાસ આવ્યો હતો. હાલમાં પણ તે મોંઘો જણાય છે. જોકે, તે અગાઉ જેટલો મોંઘો નથી જણાયો અને તે અમને લોંગ-ટર્મ માટે રોકાણની તક પૂરી પાડે છે.
શું આગામી સમયગાળા માટે એશિયા ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન સાબિત થઈ શકે છે એમ પૂછાતાં મોઈએ નોંધ્યું હતું કે એશિયન માર્કેટ્સ બે ક્ષેત્રો તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યાં છે. એક તો બોન્ડ યિલ્ડ્સ અને બીજું વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સ. 2024 માટે તમામ માર્કેટ્સ માટે મધ્યમ એકઅંકી વૃદ્ધિની અપેક્ષા છે. જોકે, લાંબાગાળા માટે ભારત સારી તક ઓફર કરી રહ્યું છે અને વિદેશી ફ્લો પરત ફરવા માટે તૈયાર છે. કેમકે હજુ પણ એફઆઈઆઈ માટે તેમનુ રોકાણ વધારવાની જગ્યા છે. ભારત માગને લઈ એકસ્ટ્રા એન્જિન ધરાવે છે. ખાસ કરીને રિટેલ અથવા એસઆઈપી તરફથી. હાલમાં સ્થાનિક રોકાણકારો તેમના માર્કેટના ઈન ચાર્જ છે અને તેઓ વિદેશી રોકાણકારો કરતાં પણ વધુ પકડ ધરાવે છે. જે મહત્વની બાબત છે.
ગોલ્ડમેન સાચ કન્ઝ્યૂમર-ઓરિએન્ટેડ એનબીએફસીની સરખામણીમાં બેંકિંગ પર વધુ પસંદગી ધરાવે છે. વ્યાપક થીમ્સની વાત કરીએ તો ઈન્વેસ્ટમેન્ટ બેંકર ત્રણ મુખ્ય બાસ્કેટ્સની તરફેણ કરે છે. એક તો ટૂંકાગાળા માટે સાઈક્લિકલ મેક્રો થીમ્સ. જેમાં પાછળ રહી ગયેલા લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સનો સમાવેશ થાય છે. બીજા બ્રોડર થીમમાં વાજબી ભાવે પ્રાપ્ય સ્થિર અને ક્વોલિટી ગ્રોથનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા થીમમાં કન્ઝ્યૂમર એરિયામાં રહેલી કેટલીક તકોનો સમાવેશ થાય છે એમ મોઈ જણાવે છે.
NCLTએ ગો ફર્સ્ટના મોરેટોરિયમને 4 ફેબ્રુ. સુધી લંબાવ્યું
એરલાઈન કંપનીને 90 દિવસોમાં રેઝોલ્યુશન પ્લાન રજૂ કરવા જણાવ્યું
એનસીએલટીએ કેશની તંગીનો સામનો કરી રહેલી એરલાઈન ગો ફર્સ્ટ માટે કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યૂશન પ્રોસેસ(CIRP)ને 4 ફેબ્રુઆરી, 2023 સુધી 90 દિવસ માટે લંબાવ્યું છે. કમિટિ ઓફ ક્રેડિટર્સ(સીઓસી)એ જણાવ્યું હતું કે છ મહિના માટે આપવામાં આવેલો મોરેટોરિયમ પિરિયડ 6 નવેમ્બરે પૂરો થતો હતો. એનસીએલટીએ રેઝોલ્યુશન પ્રક્રિયાને લંબાવવા માટે 17 ઓક્ટોબરે ઠરાવ પસાર કર્યો હતો. જેની શરૂઆત 6 નવેમ્બરથી થઈ હતી અને તે 4 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલશે.
એનસીએલટીએ સંઘર્ષમાંથી પસાર થઈ રહેલી એરલાઈન કંપનીને નિર્ધારિત સમયગાળામાં એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું છે. જો ગો ફર્સ્ટ તેને આપવામાં આવેલા સમયગાળામાં રેઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો એનસીએલટી કંપનીની લિક્વિડેશન પ્રક્રિયા હાથ ધરશે. ગો ફર્સ્ટના રેઝોલ્યુશન પ્રોફેશ્નલે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે એરલાઈન માટે એક સંભવિત બીડર છે. મંગળવારે નવીન જિંદાલની આગેવાની હેઠળની જિંદાલ પાવરે જણાવ્યું હતું કે તે લો-કોસ્ટ કેરિયર ગો ફર્સ્ટ માટેના તેના બીડમાં આગળ નહિ વધે. એરલાઈન માટે બીડ રજૂ કરવા માટેની આખરી તારીખ 21 નવેમ્બર હતી. ગો ફર્સ્ટ માટે જિંદાલ પાવર અને જેટવિંગ્સ એરવેઝ, માત્ર બે બીડર્સ હતાં. તેમણે ઓક્ટોબરમાં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કર્યાં હતાં. ગો ફર્સ્ટના ફાઉન્ડર્સ વાડિયા જૂથને ઈઓઆઈ પ્રક્રિયામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ તેમણે કોઈપણ બીડ રજૂ કર્યું નહોતું. ગુરુવારે ગો ફર્સ્ટના રેઝોલ્યુશન પ્રોફેશ્નલે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે એરલાઈન માટે એક સંભવિત બીડર છે. જોકે, તેમણે 21 નવેમ્બરની ડેડલાઈન સુધી કોઈ રેઝોલ્યુશન પ્લાન રજૂ કર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે કમિટિ ઓફ ક્રેડિટર્સે 100 ટકા વોટ સાથે રેઝોલ્યુશનને લંબાવવાની માગણી કરી હતી. ચાલુ મહિનાની શરૂમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અને એન્જિન્સની લીઝનું રજિસ્ટ્રેશન દૂર કરી શકાય છે અને તેમના લિઝર્સને પરત કરી શકાય છે.
સરકારે HPCLને ફંડીંગ માટે ONGCને રાઈટ ઈશ્યુ માટે જણાવ્યું
જાહેર સાહસ રાઈટ ઈસ્યૂ મારફતે રૂ. 16 હજાર કરોડની રકમ ઊભી કરી શકે છે
ભારત સરકારે જાહેર ક્ષેત્રની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસીઃને તેની રિફાઈનીંગ પાંખ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન માટે જરૂરી ફંડ મેળવવા રાઈટ્સ ઈસ્યુ અંગે વિચારણા કરવા જણાવ્યું છે એમ વર્તુળોનું કહેવું છે. રાઈટ્સ ઈસ્યુ મારફતે 1.9 અબજ ડોલરની રકમ ઊભી કરી શકાય છે.
ભારત સરકારે જાહેર ક્ષેત્રની મોટી રિફાઈનરીઝને ક્લિન એનર્જી તરફ આગળ વધવા માટે રૂ. 30 હજાર કરોડની ઈક્વિટી પૂરી પાડવાની યોજના જાહેર કર્યાંના ભાગરૂપે નાણાની જરૂરિયાત ઊભી થઈ છે. સરકાર એચપીસીએલ માટે પ્રેફરન્શિયલ રેટ્સ પર સીધી લોન્સ પૂરી પાડવા માટેના વિકલ્પ પર વિચારી રહી છે એમ વર્તુળોનું કહેવું છે. ઓઈલ મંત્રાલય ઓએનજીસી તરફથી રાઈટ્સ ઈસ્યુ લોંચ કરવાની યોજનાને લઈ રિસ્પોન્સની રાહ જોઈ રહ્યાં છે એમ એક વર્તુળે જણાવ્યું હતું. અગાઉ જાહેર ક્ષેત્રના બે રિફાઈનર્સ તરફથી જાહેર કરવામાં આવેલા રાઈટ્સ ઈસ્યુને આધાર તરીકે લઈએ તો ઓએનજીસીનો ઈસ્યુ રૂ. 15500 કરોડ આસપાસનો હોઈ શકે છે. 2018માં સરકારે એચપીસીએલમાંનો તેનો તમામ 51.1 ટકા હિસ્સો ઓએનજીસીને વેચ્યો હતો. ઓએનજીસીમાં સરકાર 58.93 ટકા હિસ્સો ધરાવે છે. અગાઉ, સરકાર પ્રેફરન્શિયલ શેર્સની ફાળવણી મારફતે એચપીસીએલમાં ફંડ્સ ઉમેરવાનું વિચારી રહી હતી. જોકે, તેમ કરવામાં ઓએનજીસીનો હિસ્સો 50 ટકાથી નીચે ઘટી જવાનું જોખમ હતું. જે કંપનીમાં સરકારના આડકતરાં અંકુશને દૂર કરતું હતું એમ વર્તુળ ઉમેરે છે. દેશમાં ટોચની ઓઈલ માર્કેટિંગ કંપની આઈઓસીમાં ભારત સરકાર 51.5 ટકા અને બીપીસીએલમાં સરકાર 52.98 ટકા હિસ્સો ધરાવે છે. ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મળીને 2040 સુધીમાં રૂ. 3.5 લાખ કરોડથી રૂ. 4 લાખ કરોડનું રોકાણ કરવાનો ઈરાદો ધરાવે છે.
MFની ઓક્ટોબરમાં SBI, ONGC, એક્સિસ બેંક, ઈન્ફિમાં સૌથી ઊંચી વેચવાલી
બીજી બાજુ એનટીપીસી, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, RILમાં દર્શાવેલી ખરીદી
મ્ય્ચુય્લ ફંડ મેનેજર્સે ઓક્ટોબરમાં લાર્જ-કેપ કાઉન્ટર્સમાં ઓએનજીસીમાં સૌથી ઊંચી વેચવાલી દર્શાવી હતી એમ બ્રોકરેજ આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝનો એક રિપોર્ટ જણાવે છે. જ્યારે તેણે કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી ઊંચી ખરીદી દર્શાવી હતી. ફંડ મેનેજર્સે એસબીઆઈ, એક્સિસ બેંક અને ઈન્ફોસિસમાં પણ ઊંચું વેચાણ નોંધાવ્યું હતું. બીજી બાજુ, તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા અને એનટીપીસીમાં ખરીદી કરી હતી.
મીડ-કેપ કાઉન્ટર્સમાં તેમણે ડિક્સોન ટેક્નોલોજીસ, એનએમડીસી, ઓરોબિંદો ફાર્મા, સિન્જેન ઈન્ટરનેશનલ અને એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીમાં સૌથી ઊંચી ખરીદી દર્શાવીહતી.જ્યારે ઈન્ડિયન હોટેલ્સ, બંધન બેંક, એમ્ફેસિસ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, અતુલ લિમિટેડમાં સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું હતું. સ્મોલ-કેપ સ્પેસમાં મ્યુચ્યુલ ફંડ્સ તરફથી નઝારા ટેક્નોલોજીસ, બીએસઈ, ટીવીએસ હોલ્ડિંગ્સ, ક્રેડિટએક્સેસ ગ્રામિણ અને આઈનોક્સ વિન્ડમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ તેમણે સુઝલોન એનર્જી, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ, એમટાર ટેક્નોલોજિસ અને એમસીએક્સમાં સૌથી ઊંચી વેચવાલી દર્શાવી હતી. મલ્ટી-કેપ અને મીડ-કેપ ફંડ્સે એયૂએમમાં સૌથી ઊંચો ઈનફ્લો દર્શાવ્યો હતો એમ એનાલિસીસ સૂચવે છે. એક્ટિવ માર્કેટ-કેપ બેઝ્ડ એમએફ પોર્ટફોલિયોમાં હેલ્થકેર, પ્રાઈલેટ બેંક્સ તથા અન્ય નાણાકિય સર્વિસિઝ, ઈન્ડસ્ટ્રીઅલ્સ વગેરેની આગેવાનીમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે પીએસયૂ બેંક્સમાં વેચવાલી જોવા મળી હતી એમ રિપોર્ટ નોંધે છે. માર્કેટમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે એસઆઈપી ઈનફ્લોમાં વૃદ્ધિ જળવાય હતી અને તે મહિને 2 અબજ ડોલરની સપાટી પાર કરી ગયો હતો.
તહેવારો પાછળ ઓક્ટોબરમાં ગોલ્ડની માગ 31-મહિનાની ટોચે જોવા મળી
ગોલ્ડની માગ વાર્ષિક ધોરણે 60 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતી હતી
ગયા વર્ષે 77 ટન સામે ચાલુ વર્ષે ઓક્ટોબરમાં 123 ટન ગોલ્ડ આયાત કરાયું
દિવાળીના તહેવારો અગાઉ ઓક્ટોબર મહિનામાં ભારતની સોનાની માગ ઉછળીને 31-મહિનાની ટોચ પર જોવા મળી હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. ગોલ્ડની માગ વાર્ષિક ધોરણે 60 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતી હતી એમ તેઓ ઉમેરે છે.
વિશ્વમાં બીજા ક્રમે સોનાનો વપરાશ ધરાવતાં દેશની ઊંચી માગ વિશ્વ બજારમાં ગોલ્ડના ભાવને સપોર્ટ પૂરો પાડે તેવી શક્યતાં છે. જોકે, તેને કારણે ભારતની વેપાર ખાધમાં વૃદ્ધિ જોવા મળશે તેમ માનવામાં આવે છે. ઓક્ટોબરમાં દેશની વેપાર ખાધ 31 અબજ ડોલરની ઊંચી સપાટીએ જોવા મળી હતી. જેને કારણે ડોલર સામે રૂપિયા પર દબાણ પણ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં દેશમાં 123 ટન ગોલ્ડની આયાત થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 77 ટન પર જોવા મળી હતી એમ સરકારી વર્તુળો નામ નહિ આપવાની શરતે જણાવે છે. છેલ્લાં એક દાયકામાં ઓક્ટોબરમાં સરેરાશ 66 ટન ગોલ્ડ આયાત થયું હતું. આમ ચાલુ વર્ષે સરેરાશ કરતાં લગભગ બમણી આયાત નોંધાઈ હતી. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો ઓક્ટોબરમાં ગોલ્ડ આયાત 7.23 અબજ ડોલર પર રહી હતી. જે એક વર્ષ અગાઉ 3.7 અબજ ડોલર પર જોવા મળતી હતી એમ વર્તુળો ઉમેરે છે.
ઓક્ટોબરની શરૂઆતમાં વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ ગગડી સાત મહિનાના તળિયે પટકાયાં હતાં. ભારતીય બજારમાં પણ ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 57 હજાર નજીક જોવા મળ્યાં હતાં. જોકે, 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હૂમલા પછી ગોલ્ડના ભાવમાં તીવ્ર ઉછાળો જાવ મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ 1810 ડોલર પરથી ઉછળી 2000 ડોલર પર જોવા મળ્યાં હતાં. સામાન્યરીતે દિવાળીના તહેવારો અગાઉ જ્વેલર્સ તેમની પાસે ઊંચો સ્ટોક જાળવતા હોય છે. જેથી તહેવારોની શૂકનની ખરીદી વખતે કોઈ અગવડ પડે નહિ એમ મુંબઈ સ્થિત બુલિયન ડિલર જણાવે છે. નવેમ્બરમાં સ્થાનિક બજારમાં ગોલ્ડ ફ્યુચરના ભાવ રૂ. 62 હજારની વિક્રમી ટોચ પર પહોંચ્યાં હતાં. જ્યારે હાજર બજારમાં તે રૂ. 63500ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. સોનાના દાગીના ઉપરાંત કોઈન્સ અને બાર્સની પણ મજબૂત માગ જોવા મળી હોવાનું વર્તુળો જણાવે છે. ગોલ્ડ બાર્સને સોનામાં લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે.
અદાણી વિલ્મેરમાં હિસ્સા માટે અદાણી જૂથે શરૂ કરેલી મંત્રણા
એફએમસીજી કંપની અદાણી વિલ્મેરમાં પોતાના હિસ્સાના વેચાણ માટે અદાણી જૂથ સિંગાપુર મુખ્યાલય ધરાવતી વિલ્મેર ઈન્ટરનેશનલ સહિતના રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યું છે. બિલિયોનેર ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું જૂથ યુએસ રોકાણકાર જૂક્યૂજી પાર્ટર્નસ અને કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે પણ વાતચીત ચલાવી રહ્યું છે. અદાણી જૂથ કંપનીમાંનો તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાની ઈચ્છા ધરાવે છે. વર્તુળોના મતે જૂથ 2-2.2 અબજ ડોલરમાં તેનો હિસ્સો વેચવા મંત્રણા ચલાવી રહ્યું છે. જોકે, તેમના મતે આ હિસ્સાને એકથી વધુ કંપનીઓ ખરીદે તેવી શક્યતાં ઊંચી છે. અદાણી વિલ્મેરના શેરમાં છેલ્લાં કેટલાંક સત્રોમાં મજબૂતી જોવા મળી રહી છે. ગુરુવારે તે 0.33 ટકા મજબૂતી સાથે રૂ. 315.40ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. કંપનીમાં હાલમાં પ્રમોટર્સ કુલ 87.94 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં અદાણી કોમોડિટીઝ પાસે 43.97 ટકા હિસ્સો રહેલો છે.
કોર્પોરેટ ઈન્ડસ્ટ્રીઝ
અલ્ટ્રાટેક સિમેન્ટઃ આદિત્ય બિરલા જૂથની કંપનીએ કેસોરામ ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ એસેટ્સ ખરીદવામાં રસ દર્શાવ્યો હોવાનું જાણવા મળે છે. વર્તુળોના મતે અલ્ટ્રાટેક તરફથી પ્રમોટર હિસ્સો ખરીદવાની અથવા સિમેન્ટ બિઝનેસ એક્વિઝિશન માટે શક્યતાં ચકાસાઈ રહી છે. કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ સિમેન્ટ, ટાયર્સ, ટ્યૂબ્સ, રેયોન, પેપર, હેવી કેમિકલ્સ અને સ્પન પાઈપ્સના ઉત્પાદનમાં સક્રિય છે.
કોલ ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રના કોલ ઉત્પાદકે આગામી પાંચ વર્ષોમાં રૂ. 16500-18000 કરોડના ખર્ચનો ટાર્ગેટ બાંધ્યો છે. કંપનીના મતે જોકે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થશે. તે ભારતમાં ઉત્પાદિત મશીનરીનો ઉપયોગ વધારશે અને છ વર્ષમાં આયાતી મશીનરી સંપૂર્ણપણે બંધ કરશે. હાલમાં કંપની હાઈ-કેપેસિટી ઈક્વિપમેન્ટ જેવાકે ઈલેક્ટ્રીક રોપ શોવેલ્સ, હાઈડ્રોલિક શોવેલ્સ, ડમ્પર્સ, ક્રાઉલર ડોઝર્સ, ડ્રીલ્સ, મોટર ગ્રેડર્સ અને ફ્રન્ટ-એન્ડ લોડર્સ વ્હીલ ડોઝરની આયાત કરે છે.
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં અલગ પડેલી કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે તેને એનબીએફસીમાંથી કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની(CIC)માં રૂપાંતરણ કરવા માટે અરજી કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે મંગળવારે આ માટે આરબીઆઈ પાસે માગણી કરી છે. સીઆઈસી એ એવી એનબીએફસી હોય છે જે તેમની જૂથ કંપનીઓના ઈક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ અથવા કન્વર્ટિબલ બોન્ડ્સ અથવા લોન્સમાં રોકાણ કરતી હોય છે.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ ક્રોનિક લંગ ડિસિઝ માટે વિશ્વની પ્રથમ એફડીસી દવા લોંચ કરી છે. કંપનીની વિલ્ફૂરો-જી એ મધ્યમથી તીવ્ર સીઓપીડી ધરાવતાં દર્દી માટે લાંબાગાળાની સારવાર પૂરી પાડે છે. વિશ્વમાં આ પ્રથમ ફિક્સ્ડ-ડોઝ ટ્રિપલ કોમ્બિનેશન ડ્રગ(એફડીસી) દવા છે. જે વિલાન્ટેરોલ, ફ્લૂટિકેસોને ફ્યૂરોટ અને ગ્લાકોપીર્રોનિયમ ધરાવે છે.
હોનાસા કન્ઝ્યૂમરઃ તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 30 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જ્યારે કંપનીની આવક વાર્ષિક ધોરણે 21 ટકા વધી રૂ. 496 કરોડ પર જોવા મળી હતી. 2023-24ના પ્રથમ છ મહિનામાં કંપનીની આવકમાં 33 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.