બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બેંકિંગનો સપોર્ટ મળતાં તેજીવાળાઓનો હાથ ઉપર જળવાયો
નિફ્ટી 19400ને પાર કરવામાં સફળ
ચીનનો શાંઘાઈ કંપોઝીટ 1.4 ટકા તૂટ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ ઘટાડે 11.72ના સ્તરે
બેંકનિફ્ટીમાં એક ટકાનો સુધારો
પીએસયૂ બેંક્સ ઈન્ડેક્સ નવી ટોચે
એફએમસીજી, ફાર્મામાં નરમાઈ
ગોદરેજ ઈન્ડ., જેબી કેમિકલ્સ, વેરોક નવી ટોચે
વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય માર્કેટમાં તેજીવાળાઓનો હાથ ઉપર જળવાયો હતો. પીએસયૂ તથા પ્રાઈવેટ બેકિંગ સેક્ટરમાં મજબૂતી પાછળ બજારને સપોર્ટ સાંપડ્યો હતો. જેની પાછળ નિફ્ટી 19400ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 213.27 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65,433.30ની સપાટીએ જ્યારે નિફ્ટી 50 47.55 પોઈન્ટ્સ સુધારે 19,444.00ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં લેવાલી જળવાતાં બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3783 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2080 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1541 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. 262 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.26 ટકાના સાધારણ ઘટાડે 11.72ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપન થયાં પછી શરૂઆતી તબક્કામાં રેડ ઝોનમાં સરી પડ્યો હતો. જોકે, પાછળથી તે સુધારાતરફી બન્યો હતો અને ઈન્ટ્રા-ડે 19472ની ટોચ બનાવી હતી. જે ચાલુ સપ્તાહનું સૌથી ઊંચું લેવલ હતું. કામકાજની આખરમાં તે ટોચ નજીક જ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 12 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19432ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના પાંચ પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં વૃદ્ધિ સૂચવે છે. આમ, બજારમાં સુધારો કોઈ ખાસ લેવાલી પાછળનો નથી એમ જણાય છે. નિફ્ટીએ બ્રેકઆઉટની ખાતરી માટે 19500 પર બંધ આપવું જરૂરી છે. જ્યારે બ્રેકડાઉન માટે 19300ની નીચે બંધ અનિવાર્ય છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19550ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી રાખવા સૂચવે છે. જો આ લેવલ પાર થાય તો બજારમાં ઝડપી શોર્ટ કવરિંગની શક્યતાં છે. નિફ્ટીને બુધવારે સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં હિંદાલ્કો, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, લાર્સન, ડિવિઝ લેબ્સ, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, કોટક મહિન્દ્રા બેંક, સિપ્લા, પાવર ગ્રીડ કોર્પોરેશન અને નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, ભારતી એરટેલ, તાતા મોટર્સ, ટેક મહિન્દ્રા, આઈટીસી, બીપીસીએલ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ દેખાવ જોઈએ તો બેંકિંગમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે એફએમસીજી, ફાર્મામાં નરમાઈ જળવાય હતી. બાકીના સેક્ટર્સ ફ્લેટ જોવા મળ્યાં હતાં. પીએસયૂ બેંક નિફ્ટીએ નવી ટોચ બનાવી હતી. જ્યારે બેંક નિફ્ટીમાં એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. પીએસયૂ બેંક નિફ્ટી 1.72 ટકા ઉછળી 4650ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જેના મુખ્ય ઘટકોમાં યૂકો બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, આઈઓબી, યુનિયન બેંક, કેનેરા બેંક, જેકે બેંક, બેંક ઓફ બરોડા મજબૂત સુધારો દર્શાવતાં હતાં. પ્રાઈવેટ બેંકિંગ કાઉન્ટર્સમાં ફેડરલ બેંક, આરબીએલ બેંક, એક્સિસ બેંક, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 2 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, હેમિસ્ફિઅરમાં પણ સુધારો જોવા મળતો હતો. અદાણી જૂથ શેર્સમાં ભારે વેચવાલી પાછળ નિફ્ટી એનર્જી નેગેટિવ જોવા મળતો હતો. નિફ્ટી એફએમસીજી પણ અડધા ટકા ઘટ્યો હતો. જેમાં વરુણ બેવરેજિસ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકો, ઈમામી, ડાબર ઈન્ડિયા, આઈટીસી નોંધપાત્ર નરમાઈ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સન ટીવી નેટવર્સ 5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત ફેડરલ બેંક, આરબીએલ બેંક, સીજી કન્ઝ્યૂમર, હિંદુસ્તાન એરોનોટિક્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ઈન્ડિયન હોટેલ્સ, ભારત ફોર્જ, પોલીકેબ, જીએમઆર એરપોર્ટ્સ, હિંદાલ્કો, બંધન બેંક, આરતી ઈન્ડસ્ટ્રીઝ, કેનેરા બેંક, દાલમિયા ભારત નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ 6.2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અદાણ પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, યુનાઈટેડ સ્પિરિસ્ટ્સ, ટોરેન્ટ ફાર્મા, સિન્જિન ઈન્ટરનેશનલ, ઈન્ડિયામાર્ટ અને ભેલમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ગોદરેજ ઈન્ડ., જેબી કેમિકલ્સ, વેરોક એન્જી., પેટીએમ, સન ટીવી, સુઝલોન એનર્જી, ઈન્ગરસોલ રેંડ, હિતાચી એનર્જી, કેપીઆઈટી ટેકનો સમાવેશ થતો હતો.
કોલ મની રેટ 6.96 ટકા પર પાંચ-મહિનાની ટોચે જોવા મળ્યાં
લિક્વિડીટી ટાઈટ બનતાં 31 માર્ચ, 2023 પછી સૌથી ઊંચા રેટ
બુધવારે ઈન્ટ્રા-ડે ધોરણે કોલ મની રેટ 6.96 ટકાની પાંચ-મહિનાની ટોચ પર પહોંચ્યાં હતાં. બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ખાધમાં સરી પડ્યાં પછી બેંક્સ તરફથી ઊંચી માગને કારણે આમ બન્યું હતું એમ વર્તુળોનું કહેવું હતું. બેંક્સ તરફથી મની માર્કેટમાં શોર્ટ-ટર્મ ફંડ્સ માટે લેવામાં આવતાં અથવા ધિરવામાં આવતાં નાણાને કોલ મની રેટ કહેવામાં આવે છે.
ક્લિઅરિંગ કોર્પ ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ઓવરનાઈટ કોલ મની રેટ 6.85 ટકા પર ખૂલીને ઈન્ટ્રા-ડે 6.96 ટકા પર પહોંચ્યાં હતાં. જે 31 માર્ચ, 2023 પછીના સૌથી ઊંચા હતાં. માર્ચમાં નાણાકિય વર્ષની આખરના કારણે કોલ મની રેટ 8.10ની સપાટીને સ્પર્શ્યાં હતાં. આ લખાય છે ત્યારે વેઈટેડ એવરેજ ઓવરનાઈટ કોલ મની રેટ 6.8109 ટકા પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ન્યૂ દિલ્હી સ્થિત ફંડ હાઉસના જણાવ્યા મુજબ હાલમાં TREPS રેટ 6.75 ટકા આસપાસ જોવા મળી રહ્યાં છે. જ્યારે વેઈટેડ એવરેજ કોલ મની માર્કેટ રેટ 6.81 ટકા છે. જે TREPSથી માત્ર 5-6 બેસીસ પોઈન્ટ્સ ઊપર છે. આઈ-સીઆરઆર અને ટેક્સ આઉટફ્લોને કારણે સિસ્ટમ લિક્વિડીટી ખાધમાં સરી પડવાથી આમ બન્યું હોવાનું તેઓ જણાવે છે. 22 ઓગસ્ટે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી નાણાકિય વર્ષમાં પ્રથમવાર ખાધમાં સરી પડી હતી. મંગળવારે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટી ખાધ રૂ. 23,644.43 કરોડની હતી. જે બુધવારે ઘટી રૂ. 15,552.43 કરોડ પર જોવા મળી હતી. 12 ઓગસ્ટથી આરબીઆઈએ શેડ્યુલ્ડ કોમર્સિયલ બેંક્સ માટે 10 ટકા આઈ-સીઆરઆર જાળવવો ફરજિયાત બનાવતાં લિક્વિડીટી નોંધપાત્ર પ્રમાણમાં શોષાઈ છે.
સિપ્લા પ્રમોટર્સનો હિસ્સો ખરીદવા માટે ટોરેન્ટ ફાર્મા પણ મેદાનમાં
એક રિપોર્ટ મુજબ સિપ્લામાં હિસ્સો મેળવવામાં સફળ જશે તો ટોરેન્ટ ફાર્મા આવકની બાબતમાં બીજા ક્રમની ફાર્મા કંપની બનશે
ટોરેન્ટ જૂથ ઓલ-કેશ ઓફર કરવા માટે આતુર હોવાનું જણાવતા વર્તુળો
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્મા પણ સિપ્લાના પ્રમોટર હમીદ પરિવારના કંપનીમાંના હિસ્સાને ખરીદવાની સ્પર્ધામાં જોડાઈ હોવાનું બુધવારે એક મિડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. આ સાથે ટોરેન્ટ ફાર્મા જાયન્ટ પીઈ ફંડ્સ જેવાકે બ્લેકસ્ટોન અને બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયા-ઈક્યૂટી સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. અગાઉ, આ બંને પીઈ તરફથી સિપ્લામાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદવા માટે પ્રયાસો કરાઈ રહ્યાં હોવાના અહેવાલો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. જોકે, સિપ્લાનો પ્રમોટર પરિવાર આ પ્રકારના અહેવાલોને સત્તાવાર રદિયો આપી ચૂક્યો છે. હાલમાં, સિપ્લામાં હમીદ પરિવાર 33.47 ટકા ઈક્વિટી હિસ્સો ધરાવે છે.
જો આ ટોરેન્ટ ફાર્મા તેના પ્રયાસોમાં સફળ રહે છે તો ભારતમાં આવકની રીતે તે બીજા ક્રમની ફાર્મા કંપની બની જશે એમ રિપોર્ટ ઉમેરે છે. સ્થાનિક ફોર્મ્યુલેશન બિઝનેસમાં તે વર્તમાન લીડર સન ફાર્માને પાછળ રાખશે. નાણા વર્ષ 2022-23માં સિપ્લાની આવક ટોરેન્ટ ફાર્માની સરખામણીમાં બમણાથી પણ વધુ જોવા મળતી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટોરેન્ટ ફાર્મા સિપ્લામાં હિસ્સો ખરીદવાના ડિલને સફળ બનાવવા માટે એકથી વધુ લેન્ડર્સ સાથે મંત્રણા યોજી રહી છે તેમજ તે તમામ કેશ ઓફર કરવા માટે આતુર છે. વર્તુળોના જણાવ્યા મુજબ છેલ્લાં એક મહિનામાં કંપની તરફથી આક્રમક કામગીરી જોવા મળી રહી છે.
અહેવાલો મુજબ સિપ્લામાં પ્રમોટર્સના હિસ્સાનું મૂલ્ય 3.97 અબજ ડોલરનું અંકાઈ શકે છે. જોકે, ટેકઓવર નિયમો અ ઓપન ઓફરની શરતોને ધ્યાનમાં રાખતાં નવા સંભવિત ખરીદારે કંપનીના 59.47 ટકા હિસ્સા માટે 7.06 અબજ ડોલરનું રોકાણ કરવાનું જોવા મળી શકે છે. ગયા મહિને સિપ્લા પ્રમોટર તરફથી હિસ્સા વેચાણના અહેવાલો બહાર આવ્યાં પછી કંપનીનો શેર એક મહિનામાં 16 ટકા જેટલો ઉછળ્યો છે. જુલાઈ 2023ના MAT મુજબ ભારતીય ફાર્માસ્યુટીકલ માર્કેટમાં 3.6 ટકા હિસ્સા સાથે ટોરેન્ટ ફાર્મા છઠ્ઠા ક્રમે આવે છે. જ્યારે સિપ્લા 5.1 ટકા હિસ્સા સાથે ચોથા ક્રમે જોવા મળે છે એમ માર્કેટ રિસર્ચ કંપની AWACS જણાવે છે. સિપ્લાનું માર્કેટ-કેપ હાલમાં રૂ. 99131 કરોડ આસપાસ જોવા મળે છે. કંપનીએ 30 જૂને પૂરાં થયેલા પ્રથમ ક્વાર્ટરમાં ભારત, યુએસ અને સાઉથ આફ્રિકન બજારોમાં તંદુરસ્ત વૃદ્ધિ દર્શાવી છે. તેણે 45 ટકા વૃદ્ધિ સાથે રૂ. 995 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. 2023-24 માટે સિપ્લાએ એબિટા માર્જિન ગાઈડન્સને 22 ટકાથી વધારી 23 ટકા કર્યાં હતાં. જ્યારે મેનેજમેન્ટે આવકના 4-5 ટકા કેપેક્સનું ગાઈડન્સ આપ્યું હતું.
S&P તરફથી રેટિંગ્સ ડાઉનગ્રેડ કરાતાં યુએસ બેંક શેર્સમાં ઘટાડો જોવાયો
રેટિંગ રેજન્સીએ એસોસિએટેડ બેંક-કોર્પ, યુએમબી ફાઈ. કોર્પ અને કોમેરિકા બેંક સહિતની બેંક્સના રેટિંગ ઘટાડ્યાં
રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે યુએસ સ્થિત કેટલીક પ્રાદેશિક બેંક્સના રેટિંગ્સ ઘટાડતાં યુએસ બેંકિંગ શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. S&Pએ સોમવારે કેટલીક યુએસ બેંક્સનો રેટિંગ ડાઉનગ્રેડ કર્યાં હતાં. જેમાં એસોસિએટેડ બેંક-કોર્પ અને વેલી નેશનલ બેંકોર્પનો સમાવેશ થતો હતો. આ બંને બેંક્સના રેટિંગ ડાઉનગ્રેડ કરવા પાછળ ફંડિંગ રિસ્ક્સ અને બ્રોકર્ડ ડિપોઝીટ્સ પર ઊંચી નિર્ભરતાનું કારણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એજન્સીએ યુએમબી ફાઈનાન્સિયલ કોર્પ અને કોમેરિકા બેંકના રેટિંગ્સ પણ ઘટાડ્યાં હતાં. જે માટે ડિપોઝીટના જંગી ઉપાડ અને ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સનું કારણ આપ્યું હતું. રેટિંગ એજન્સીએ નફાકારક્તામાં અવરોધ પાછળ કિકોર્પના રેટિંગ્સને પણ ઘટાડ્યું હતું.
જેની પાછળ વિશ્વમાં સૌથી મોટી બેંક જેપીમોર્ગન ચેઝ અને બેંક ઓફ અમેરિકાના શેર્સમાં 2-2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કિકોર્પ, કોમેરિકા ને એસોસિએટેડ બેંક-કોર્પના શેર્સ ત્રણ ટકાથી વધુનો ઘટાડો સૂચવતાં હતાં. ગયા માર્ચમાં ત્રણ જેટલી પ્રાદેશિક બેંક્સના પતન પછી યુએસ બેંકિંગ સેક્ટરને લઈ નવેસરથી ચિંતા જોવા મળી રહી છે. ફેડ રિઝર્વ તરફથી રેટમાં અવિરત વૃદ્ધિને કારણે યુએસ બેંક્સનો ટ્રેઝરી લોસ વધી રહ્યો છે. જેને કારણે તેઓ લિક્વિડિટીની સમસ્યા અનુભવી રહી છે. S&P ગ્લોબલે પણ કમર્સિયલ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે ઊંચું એક્સપોઝર ધરાવતી કેટલીક પ્રાદેશિક બેંક્સના ક્રેડિટ રેટિંગ્સમાં ઘટાડાના મૂડીઝના પગલાનું અનુસરણ કર્યું છે. એસએન્ડપીના આ પગલાને કારણે આ લેન્ડર્સનો બોરોઈંગ ખર્ચ ઓર વધશે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. એપ્ટસ કેપિટલ એડવાઈઝર્સના પોર્ટફોલિયો મેનેજરના જણાવ્યા મુજબ બેંક્સ માટે તેમની બેલેન્સ શીટને લઈ કેટલીક સ્ટ્રક્ચરલ બાબતો જોખમી બની રહી છે. કેમકે, ફેડ તરફથી ઈન્ફ્લેશન કેન્દ્રમાં જળવાતાં રેટ વૃદ્ધિ અટકી રહી નથી.
રેટિંગ એજન્સીના નિર્ણયને કારણે મોટી બેંક્સના શેર્સ પર પણ અસર પડી હતી. હજુ સુધી યુએસ બેંકિંગ કટોકટીમાં ટોચની બેંક્સના કોઈપણ પ્રકારના ઉલ્લેખ જોવા મળ્યો નથી. તેમ છતાં જેપીમોર્ગન ચેઝ, બેંક ઓફ અમેરિકા, સિટી ગ્રૂપ, વેલ્સ ફાર્ગો, ગોલ્ડમેન સાચ અને મોર્ગન સ્ટેનલી જેવા શેર્સમાં 1-2 ટકાની રેંજમાં ઘટાડો નોંધાયો હતો. કીકોર્પ, કોમેરિકા, એસોસિએસેટ બેંક-કોર્પના શેર્સ 3 ટકાથી વધુ જ્યારે વેલી નેશનલ અને યુએમબી ફાઈનાન્સિયલના શેર્સ 2-4 ટકા ઘટાડો સૂચવતાં હતાં.
કોવિડના તળિયેથી હરિફોની સરખામણીમાં ભારતીય શેરબજારનું તીવ્ર આઉટપર્ફોર્મન્સ
માર્ચ 2020માં જોવા મળેલા તળિયાથી નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સે 226 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું
ટોચના બેન્ચમાર્ક્સમાં નિફ્ટીએ 137 ટકા વળતર આપ્યું જ્યારે ચીનના શાંઘાઈ કંપોઝીટનું માત્ર 21 ટકા રિટર્ન
કેલેન્ડર 2022માં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી જંગી વેચવાલી વચ્ચે સ્થાનિક બજાર અડગ જળવાયું
ભારતીય શેરબજારે મહામારી વખતે જોવા મળેલા તળિયાથી અત્યાર સુધીમાં તેના હરિફ બજારોની સરખામણીમાં જબરદસ્ત દેખાવ દર્શાવ્યો છે. ચીન જેવા હરિફ બજારોની સરખામણીમાં ભારતીય ઈક્વિટી માર્કેટે લગભગ છ ગણુ ઊંચું વળતર આપ્યું છે એમ એક અભ્યાસ સૂચવે છે. બેન્ચમાર્ક નિફ્ટીએ માર્ચ 2020માં દર્શાવેલા તળિયાથી અત્યાર સુધીમાં 137 ટકાનું રિટર્ન આપ્યું છે. જેની સરખામણીમાં ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ માત્ર 21 ટકા વળતર સૂચવે છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ 11 ટકાનો ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક સ્તરે બ્રાઝિલના બેન્ચમાર્કને બાદ કરતાં એકપણ ઈન્ડેક્સ ત્રિઅંકી રિટર્ન દર્શાવી શક્યો નથી.
આશ્ચર્યની બાબત એ છે કે ભારતીય બજારમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટે લાર્જ-કેપ્સની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવ્યો છે અને તેઓ 200 ટકાથી પણ ઊંચું રિટર્ન સૂચવી રહ્યાં છે. જેમકે નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સે કોવિડ વખતના તળિયેથી લગભગ સાડા ત્રણ વર્ષના સમયગાળામાં 226 ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાવી છે. 24 માર્ચ 2022ના રોજ 10750ના તળિયા સામે બુધવારે તેણે 38832ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. આ જ રીતે નિફ્ટી સ્મોલ-કેપ 100 ઈન્ડેક્સે પણ 24 માર્ચ 2020ના રોજ 3203ના તળિયેથી 212 ટકા રિટર્ન નોંધાવ્યું છે. બુધવારે ઈન્ડેક્સ લગભગ એક ટકા સુધારા સાથે 11981.25ની ટોચ પર ટ્રેડ થયો હતો. ચાલુ કેલેન્ડરમાં નિફ્ટી સ્મોલ-કેપ 100 ઈન્ડેક્સ અને નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ, બંને 23-23 ટકાનું રિટર્ન દર્શાવી ચૂક્યાં છે. જ્યારે છેલ્લાં બે વર્ષમાં નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 44 ટકા રિટર્ન સૂચવે છે. સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં બે વર્ષમાં 24 ટકાનું રિટર્ન જોવા મળે છે. બંને સૂચકાંકોમાં સમાવિષ્ટ અનેક કાઉન્ટર્સ તેમના કોવિડ તળિયાની સરખામણીમાં 1000 ટકાથી વધુનો સુધારો દર્શાવી ચૂક્યાં છે.
વૈશ્વિક સ્તરે કોવિડ પછી ભારત સિવાય ઊંચું રિટર્ન આપનાર ઈમર્જિંગ માર્કેટ તરીકે એકમાત્ર બ્રાઝિલ જોવા મળે છે. ત્યાંના બેન્ચમાર્ક બોવેસ્પાએ 108 ટકાનું રિટર્ન આપ્યું છે. જેની પાછળ રશિયા-યૂક્રેન વોર પછી કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલી વૃદ્ધિ છે. અન્યથા બીજા એકપણ ઈમર્જિંગ બજારે ઊંચું રિટર્ન દર્શાવ્યું નથી. જ્યારે યુરોપ અને યુએસ બેન્ચમાર્ક્સે નોંધપાત્ર રિટર્ન આપ્યાં છે. જેમકે, ડાઉ જોન્સે 104 ટકાનું જ્યારે જર્મનીના ડેક્સે 97 ટકા અને ફ્રાન્સના કેકે 87 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં તાઈવાનના ઈન્ડેક્સે પણ 97 ટકા સાથે બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે રિટર્ન દર્શાવ્યું છે. જોકે, કોરિયા અને સિંગાપુરના બજારો અનુક્રમે 74 ટકા અને 68 ટકા રિટર્ન્સ સાથે નોઁધપાત્ર પાછળ જોવા મળે છે. જ્યારે ચીનનો બેન્ચમાર્ક માત્ર 21 ટકા જ રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ તો 11 ટકાનો ઘટાડો સૂચવે છે.
કોવિડ વખતના તળિયેથી શેરબજારોનો દેખાવ
બેન્ચમાર્ક્સ વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી મીડ-કેપ 100 226
નિફ્ટી સ્મોલ-કેપ 100 212
નિફ્ટી 50 137
બીએસઈ સેન્સેક્સ 133
બોવેસ્પા(બ્રાઝિલ) 108
ડાઉ જોન્સ 104
ડેક્સ(જર્મની) 97
તાઈવાન વેઈટેડ 92
કેક 40(ફ્રાન્સ) 87
ફૂટ્સી 100(યૂકે) 85
કોસ્પી(કોરિયા) 74
સ્ટ્રેઈટ ટાઈમ્સ(સિંગાપુર) 68
નાસ્ડેક કંપોઝીટ 53
શાંઘાઈ કંપોઝીટ(ચીન) 21
હેંગ સેંગ -11
જેફરિઝ ભારતમાં વિસ્તરણ માટે 10 ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ નિમશે
ન્યૂ યોર્ક સ્થિત કંપની ભારતીય ટીમને 25 સભ્યો પર લઈ જશે
યુએસમાં ન્યૂ યોર્ક સ્થિત જેફરિઝ ફાઈનાન્સિયલ ગ્રૂપ ઈન્ક ભારતમાં 10 ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સની નિમણૂંક કરવા જઈ રહી છે. વિશ્વમાં સૌથી ઊંચી વસ્તી ધરાવતાં ભારતમાં પોતાની કામગીરીના વિસ્તાર માટે યુએસ એડવાઈઝરી કંપની આમ કરી રહી છે એમ જાણકારોનું કહેવું છે. કંપની એસોસિએટથી મેનેજિંગ ડિરેક્ટર સુધીના હોદ્દા માટે બેંકર્સની શોધ ચલાવી રહી છે. જે સાથે તે ભારતમાં તેની ટીમની સંખ્યા 25 પર લઈ જશે.
નવી પોઝીશન્સ મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડસ્ટ્રીઅલ્સ પર ફોકસ કરશે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. જેફરિઝના પ્રતિનિધિએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જેફરિઝ તરફથી એશિયા પેસિફિકમાં તેની હાજરીમાં વૃદ્ધિ કરવામાં આવી રહી છે. કંપની યુએસ અને યુરોપ જેવા બજારોમાં એડવાઈઝરી ફર્મ તરીકેની તેની મજબૂત હાજરીનો લાભ ઉઠાવવા માગી રહી છે. તેણે સ્વીસ સરકાર પ્રેરિત યુબીએસ ગ્રૂપ એજી તરફથી ક્રેડિટ સ્વીસના ટેકઓવર પછી ક્રેડિટ સ્વીસના ટેલેન્ટ પુલને ઉઠાવ્યો હતો. જેફરિઝે ગયા વર્ષે તેના હોંગ કોંગ સ્થિત એશિયા મુખ્યાલયને નવી ઓફિસમાં ખસેડ્યું હતું. મુંબઈ ઉપરાંત જેફરિઝ બૈજિંગ, મેલબોર્ન, સિંગાપુર, સિડની અને ટોકિયો ખાતે ઓફિસ ધરાવે છે.
રિલાયન્સ રિટેલમાં QIA રૂ. 8278 કરોડમાં 1 ટકા હિસ્સો ખરીદશે
કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(ક્યૂઆઈએ) તરફથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ રૂ. 8278 કરોડમાં 0.99 ટકા હિસ્સો ખરીદવામાં આવશે એમ બુધવારે એક યાદીમાં જણાવાયું હતું. આ ઈન્વેસ્ટમેન્ટ આરઆરવીએલનું રૂ. 8.278 લાખ કરોડનું વેલ્યૂએશન દર્શાવે છે એમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે. આરઆરવીએલની ડિરેક્ટર ઈશા અંબાણીના જણાવ્યા મુજબ ક્યૂઆઈએ તરફથી ઈન્વેસ્ટમેન્ટ ભારતીય અર્થતંત્ર અને રિલાયન્સ રિટે બિઝનેસ મોડેલ, સ્ટ્રેટેજી અને એક્ઝિક્યૂશન કેપેબિલિટીઝના પોઝીટીવ આઉટલૂક માટે મજબૂત ખાતરી દર્શાવે છે. કંપનીને ક્યૂઆઈએના વૈશ્વિક અનુભવ અને વેલ્યૂ ક્રિએશનના મજબૂત ટ્રેક રેકર્ડનો લાભ મળશે. આરઆરવીએલે અગાઉ 2020માં ફંડ રેઈઝ રાઉન્ડમાં વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી કુલ રૂ. 47,625 કરોડ ઊભાં કર્યાં હતાં. જેમાં વિવિધ સોવરિન વેલ્થ ફંડ્સનો સમાવેશ થતો હતો. જેમકે સાઉદી અરેબિયા, સિંગાપુર અને યુનાઈટેડ આરબ એમિરાટ્સનો સમાવેશ થતો હતો. ઉપરાંત જનરલ એટલાન્ટિક, કેકેઆર એન્ડ કંપની અને સિલ્વર લેક પાર્ટનર્સ જેવા પીઈ રોકાણકારોને પણ સમાવેશ થતો હતો. અગાઉ રૂ. 4.21 લાખ કરોડના મૂલ્યાંકન પર તેણે ફંડ મેળવ્યું હતું.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ રૂ. 3048 કરોડ ઊભા કરશે
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(ઈન્વિટ) મારફતે રૂ. 3048 કરોડ ઊભા કરવાનું વિચારી રહી છે એમ સેબીમાં ફાઈલ કરેલું ડીઆરએચપી સૂચવે છે. રિલાયન્સ રિટેલે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સેબી સમક્ષ ટ્રસ્ટ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. ડ્રાફ્ટ ડોક્યૂમેન્ટ મુજબ રિલાયન્સ રિટેલ ઈન્વિટમાં લઘુત્તમ 25 ટકા હિસ્સો જાળવવા ઈચ્છે છે. જ્યારે બાકીનો હિસ્સો નવા રોકાણકારોને આપવામાં આવશે. એપ્રિલમાં એક અહેવાલ મુજબ રિલાયન્સ તેના રિટેલ બિઝનેસની વેરહાઉસિંગ અને લોજિસ્ટીક્સ એસેટ્સને ઈન્વિટ મારફતે મોનેટાઈઝ કરવા ઈચ્છે છે. જે માટે જૂથે ઈન્ટેલિજન્ટ સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ નામે ટ્રસ્ટ સ્થાપ્યું છે.
ભારત સાત વર્ષમાં પ્રથમવાર ખાંડ નિકાસ પર પ્રતિબંધ મૂકશે
આગામી ઓક્ટોબરથી શરૂ થનારી સિઝનની શરૂઆતથી ભારત સરકાર સુગર નિકાસ માટે પ્રતિબંધ મૂકે તેવી અપેક્ષા છે. જે દેશ તરફથી સાત વર્ષોમાં પ્રથમવાર નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વરસાદના અભાવને કારણે શેરડીની ઉત્પાદક્તા ઘટવાને કારણે આમ થવાની શક્યતાં ત્રણ સરકારી વર્તુળો જણાવે છે.
વિશ્વ બજારમાં ભારતની ગેરહાજરીને કારણે ન્યૂ યોર્ક અને લંડન ખાતે બેન્ચમાર્ક ભાવ બહુવિધ ઊંચાઈ પર ચાલી રહ્યાં હતાં તેમાં ઓર વૃદ્ધિ થવાની શક્યતાં છે. જે વૈશ્વિક બજારમાં ઈન્ફ્લેશનને વધારી શકે છે. સરકારી વર્તુળોના મતે અમારુ પ્રાથમિક ધ્યાન સ્થાનિક સુગર જરૂરિયાતને પૂરી કરવાની છે. તેમજ સરપ્લસ શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદનનું છે. જોકે, તેઓ નામ નહિ આપવાની શરતે આમ જણાવી રહ્યાં છે. આગામી સિઝન માટે નિકાસ માટે પૂરતો ક્વોટા નહિ હોવાનું તેઓ જણાવે છે. 30 સપ્ટેમ્બરે પૂરી થનારી સિઝનમાં ભારતમાંથી 61 લાખ ટન સુગર નિકાસ થઈ ચૂકી છે. ગયા વર્ષે જોકે દેશમાંથી 1.11 કરોડ ટન સુગરની વિક્રમી નિકાસ જોવા મળી હતી. અગાઉ, 2016માં ભારતે વિદેશી વેચાણ માટે સુગર એક્સપોર્ટ્સ પર 20 ટકા ડ્યુટી લાગુ પાડી હતી. ચાલુ સિઝનમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદની અનિયમિતતાને કારણે શેરડીના ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે. આ બંને રાજ્યોમાં સરેરાશથી 50 ટકા નીચો વરસાદ જોવા મળી રહ્યો હોવાનું હવામાન વિભાગ સૂચવે છે. ચાલુ સપ્તાહે સ્થાનિક સુગરના ભાવ બે વર્ષની ટોચ પર પહોંચ્યાં હતાં. જેની કારણે ઓગસ્ટમાં સરકારે 2 લાખ ટનનો અધિક ક્વોટા વેચવા માટેની છૂટ આપવી પડી હતી. સરકારે 2023-24 સિઝન માટે સુગર ઉત્પાદન 3.3 ટકા ઘટાડી 3.17 કરોડ ટન પર રહેવાની શક્યતાં જોવાઈ રહી છે.
ચાંદીના ભાવ ફરીથી 24 ડોલર પાર કરી ગયા
વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી છતાં કિંમતી ધાતુમાં મજબૂતી જોવા મળી છે. જેમાં ચાંદી મુખ્ય છે. કોમેક્સ ખાતે બુધવારે ચાંદી વાયદો 2.5 ટકાના ઉછાળે 24 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જેની પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ચાંદીના ભાવ રૂ. 73 હજારની સપાટી કૂદાવી ગયા હતાં. બુધવારે સપ્ટેમ્બર સિલ્વર વાયદો રૂ. 1000થી વધુની મજબૂતી દર્શાવતો હતો. મંગળવારે તેણે રૂ. 72 હજારની સપાટી પાર કરી હતી. વૈશ્વિક ગોલ્ડ પણ 9 ડોલર મજબૂતી સાથે 1935 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો જોકે રૂ. 37ના સાધારણ સુધારે રૂ. 58611 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નરમાઈ જોવા મળતી હતી અને તે 82 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યાં હતાં.
ભારત 2030 સુધીમાં 64 ટકા ઊર્જા રિન્યૂએબલ્સમાંથી મેળવતું હશે
ભારતે આગામી વર્ષોમાં તેના ઊર્જા સ્રોતોમાં રિન્યૂએબલ્સમાંથી મોટો હિસ્સો મેળવવાનો ટાર્ગેટ બાંધ્યો છે. દેશ 2030 સુધીમાં તેના કોલ-આધારિત ઊર્જા સ્રોતોમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને રિન્યૂએબલ્સનો હિસ્સો વધારી 64 ટકા સુધી લઈ જશે. દેશ આગામી સાત વર્ષોમાં રિન્યૂએબલ્સમાંથી 500 ગીગાવોટ એનર્જી ઉત્પાદનનો ટાર્ગેટ ધરાવે છે. હાલમાં દેશમાં ક્ષમતાની રીતે જોઈએ તો કોલ બેઝ્ડ પાવર ઉત્પાદન 50 ટકાથી વધુ ક્ષમતા ધરાવે છે. જ્યારે ઉત્પાદનની રીતે ફોસિલ-ફ્યુઅલ બેઝ એનર્જીનો હિસ્સો 70-74 ટકા જેટલો છે.
ગેઈલઃ પીએસયૂ કંપની આગામી ત્રણ વર્ષોમાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરશે. કંપની આ રોકાણ મારફતે તેની પેટ્રોકેમિકલ ક્ષમતાનું વિસ્તરણ કરવા ઉપરાંત વૈશ્વિક સ્તરે એલએનજી સપ્લાય મેળવવા પ્રયાસ કરશે. કંપનીએ 2022-23માં રૂ. 10 હજાર કરોડનો મૂડી ખર્ચ દર્શાવ્યો હતો. ગેઈલ દેશમાં એલએનજીની સૌથી મોટી માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન કંપની છે.
જેબી કેમિકલ્સઃ ફાર્મા કંપનીએ ડોક્સેપિન હાઈડ્રોક્લોરાઈડ કેપ્સ્યૂલ્સના માર્કેટિંગ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે. કંપની 10 એમજી, 25 એમજી, 50 એમજી, 75 એમજી અને 100 એમજીની સ્ટ્રેન્થમાં તેને વેચશે. કંપનીની પ્રોડક્ટ ફાઈઝરની સાઈનેક્વાન કેપ્સ્યૂલ્સનું જેનેરિક વર્ઝન છે. જેનો ઉપયોગ ડિપ્રેશનની સારવારમાં થાય છે.
હિંદાલ્કોઃ એલ્યુમિનિયમ ઉત્પાદકે રૂ. 2000 કરોડના રોકાણ સાથે કોપર અને ઈ-વેસ્ટ રિસાઈકલીંગ યુનિટ સ્થાપવાની જાહેરાત કરી છે. કંપની દેશમાં પ્રથમવાર આ પ્રકારની રિસાઈકલીંગ સુવિધા સ્થાપશે એમ કંપનીના ચીફે જણાવ્યું હતું. હાલમાં દેશમાં ઈ-વેસ્ટ ટેક્નોલોજીના અભાવે એડવાન્સ્ડ મેટલ એક્સ્ટ્રેક્શન અને રિફાઈનીંગ થઈ શકતું નથી.
ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડઃસ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ ઉત્પાદક ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપનીના રૂ. 120 કરોડના આઈપીઓમાં રૂ. 35 કરોડ ફ્રેશ ઈક્વિટી મારફતે જ્યારે રૂ. 85 કરોડ ઓફર-ફોર-સેલ મારફતે મેળવાશે. ઓએફએસમાં પ્રમોટર્સ ઉપરાંત ઈન્વેસ્ટર્સ શેર્સનું વેચાણ કરશે.
ડીપી વર્લ્ડઃ લોજીસ્ટીક પ્રોવાઈડર ડીપી વર્લ્ડે નવા શેવા અને મુંદ્રા ટર્મિનલ્સ પર નવા લોન્ચ થયેલા ઈન્ડિયા મિડલ ઇસ્ટ સર્વિસને આવકારી હતી. જે વેન હાઈ લાઇન્સ અને યુનિફીડર જેબલ અલી માટે વીકલી સર્વિસનું સંચાલન કરશે. તે ભારત અને મિડલ-ઈસ્ટ વચ્ચેની કનેક્ટિવિટી વધારશે.
સ્પાઈસજેટઃ ઉડ્ડયન કંપનીએ સિંગલ-જનની બેચે કલાનિધિ મારનની તરફેણમાં આપેલા ચૂકાદાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. સિંગલ જજે મિડિયા બેરોન મારનને રૂ. 579 કરોડના રિફંડ ઉપરાંત ઈન્ટરેસ્ટ ચૂકવવા માટે આદેશ કર્યો હતો. સ્પાઈસજેટની અપીલ પર 15 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગોદાવરી ઈલેક્ટ્રિકઃ ઈવી 2 અને 3 વ્હીલર્સની ઉત્પાદકે દેશનું પ્રથમ ફેમિલી ઈ-સ્કૂટર ઈબ્લુ ફિયો લોન્ચ કર્યું છે. ઈવી સેગમેન્ટમાં કંપનીની આ પ્રથમ પ્રોડક્ટ છે. ઈબ્લુ ફિયો માટે 15મી ઓગસ્ટથી પ્રી-બુકિંગ શરૂ થયાં છે અને ડિલિવરી 23મી ઓગસ્ટથી શરૂ થશે.
તાતા ઓટોકોમ્પઃ તાતા જૂથની કંપનીએ દેશમાં ટ્રાન્સપોર્ટેશન કોમ્પોનેન્ટ્સ બનાવવા માટે સ્કોડા ગ્રૂપ સાથે કરાર પર સાઈન કરી છે. તાતા ઓટોકોમ્પ બહુવિધ કોમ્પોનેન્ટ્સ, સિસ્ટમ્સ અને એગ્રીગેટ્સના ઉત્પાદનમાં સક્રિય છે. આ સ્ટ્રેટેજિક જોડાણ તેને રેલ્વેઝ, મેટ્રો અને બસ સેગમેન્ટ્સ માટે સંયુક્તપણે કોમ્પોનેન્ટ્સ ઉત્પાદનમાં સહાયરૂપ બનશે.
કિટો મોટર્સઃ ઈલેક્ટ્રીક વેહીકલ ક્ષેત્રે કિટો મોટર્સ અને સાયરા ઇલેક્ટ્રિકે દેશની ટોચની ઈવી 3-વ્હીલર કંપની બનાવવા સાયરા કિટો ઇવી પ્રાઈવેટ લિમિટેડની રચના કરી છે. જે ઈ ઓટોની L5 રેન્જ માટે કિટોની કુશળતા સાથે L3 ઈ રિક્ષામાં સાયરાની કુશળતાનો સંગમ બનશે.
એમ્ફેસિસઃ આઈટી સર્વિસિઝ કંપનીમાં એલઆઈસીએ વધુ ખરીદી કરી છે. જે સાથે કંપનીમાં તેનો હિસ્સો વધી 5 ટકાનું લેવલ પાર કરી ગયો છે. બુધવાર સુધીમાં તે 5.05 ટકા પર જોવા મળતો હતો. વીમા કંપની 30 જૂનના રોજ 4.99 ટકા હિસ્સો ધરાવતી હતી. ટેક મહિન્દ્રા પછી આઈટી સેક્ટરમાં તેણે એક વધુ કંપનીમાં હિસ્સો વધાર્યો છે.
મહારાષ્ટ્ર ટુરીઝમઃ મહારાષ્ટ્ર સરકારના સાહસે પ્રવાસીઓને આકર્ષવા મટે અમદાવાદમાં રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના ઐતિહાસિક વારસા, બીચ, ધાર્મિક સ્મારકો, હિલ સ્ટેશન્સ, વન્યજીવન, સાહસિક રમતો, વિદેશી રાંધણકળાનું નિદર્શન યોજ્યું હતું.
હિન્દવેરઃ બાથવેર બ્રાન્ડે નવી ઉત્પાદન શ્રેણી લોંચ કરી છે. જેમાં કંપનીએ બે નવી નળની શ્રેણી ફેબિયો અને એગ્નીસ લોંચ કરી છે. જે આધુનિક ટેક્નોલોજી અને રેડિયેટ શૈલી ધરાવે છે. તે થર્મોસ્ટેટ ડાયવર્ટર્સ અને મલ્ટી-ફંક્શન શાવર્સ ધરાવે છે.
એનબીસીસીઃ પીએસયૂ બાંધકામ સાહસે દિલ્હી મેટ્રો સાથે વિદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે સાથે મળી કામ કરવા માટે સમજૂતી કરાર સાઈન કર્યાં છે. એનબીસીસી સરકારી માલિકીની સૌથી મોટી બાંધકામ કંપની છે અને તે અનેક ચાવીરૂપ પ્રોજેક્ટ્સ હાથ ધરી ચૂકી છે.
ઝાયડસ લાઈફઃ ટોચની ફાર્મા કંપની માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સમાં 6.5 ટકા હિસ્સા ખરીદીના કાર્યને આગામી 20-30 દિવસોમાં પૂર્ણ કરશે.
બ્રાઈટકોમ ગ્રૂપઃ સેબીએ બ્રાઈટકોમ ગ્રૂપના ટોચના પદાધિકારીઓને લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો છે.