યુએસ-યૂરોપમાં મંદી પાછળ સુધારાનો ટ્રેન્ડ અટક્યો
એશિયન શેરબજારોમાં સાર્વત્રિક મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 14.49ના સ્તરે
એફએમસીજી, ફાર્મા, મેટલ, ઓટો પોઝીટીવ
બેંકિંગ, રિઅલ્ટી, આઈટીમાં નરમાઈ
એનસીસી વાર્ષિક ટોચ પર
શીલા ફોમ, તાન્લા, મોતીલાલ, નિપ્પોન નવા તળિયે
યુએસ ફેડ તરફથી 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ સાથે હોકિશ વલણ જાળવી રખાતાં વિકસિત શેરબજારોમાં વેચવાલી પાછળ ભારતીય બજારમાં પણ બે સત્રથી જોવા મળતો સુધારાનો ટ્રેન્ડ અટક્યો હતો. બપોરબાદ માર્કેટમાં ઓચિંતી વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. જેમાં બીએસઈ સેન્સેક્સ 289 પોઈન્ટ્સના ઘટાડે 57839ની સપાટીએ જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ્સ ગગડી 17077ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી-50માં સમાવિષ્ટ 50-કાઉન્ટર્સમાંથી 30 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 20 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસી ખાતે કુલ 3634 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2137 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1739 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 192 કાઉન્ટર્સે તેમના વાર્ષિક તળિયાં બનાવ્યાં હતાં. જ્યારે 79 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઘટાડા સાથે 14.49ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે રાતે યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિ પાછળ ત્યાંના સ્થાનિક બજારમાં વેચવાલી જોવા મળી હતી. જોકે તેમ છતાં એશિયન બજારો 2 ટકાથી વધુ સુધીનો સુધારો દર્શાવતાં હતાં. જોકે ભારતીય બજાર પોઝીટીવ બંધ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17152ના બંધ સામે 17097ની સપાટી પર ખૂલ્યાં બાદ સુધરતો જોવા મળ્યો હતો અને બપોર બાદ 17205ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે બજાર બંધ થવાના દોઢેક કલાક અગાઉ ઓચિંતી વેચવાલી નીકળી હતી અને બેન્ચમાર્ક રેડ ઝોનમાં પછડાયો હતો. તે ઈન્ટ્રા-ડે 17045ની સપાટી પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર માત્ર પાંચ પોઈન્ટ્સનું પ્રિમીયમ દર્શાવતો હતો. જે અગાઉના સત્ર દરમિયાન જોવા મળેલા 32 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે તીવ્ર ઘટાડો સૂચવે છે. આનો સંકેત એ થાય છે કે ટ્રેડર્સે લેણના પોટલાં છોડ્યાં છે અને તેથી બજારમાં તીવ્ર બાઉન્સની શક્યતાં ઓછી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 17200નું સ્તર નજીકનો અવરોધ બની રહ્યો છે. જે પાર થશે તો જ વધુ સુધારાની શક્યતાં છે. જ્યારે નીચે 17850નો સપોર્ટ છે. જે તૂટશે તો માર્કેટ ઝડપી ઘટાડો દર્શાવી શકે છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડવામાં હિંદાલ્કો, મારુતિ સુઝુકી, નેસ્લે, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, આઈટીસી, તાતા મોટર્સ, સિપ્લા, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ મુખ્ય હતાં. જ્યારે બીજી બાજુ એસબીઆઈ, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એફએમસીજી, ફાર્મા, મેટલ, ઓટો પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે બેંકિંગ, રિઅલ્ટી, આઈટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી બેંક એક ટકા પટકાયો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં બંધન બેંકને બાદ કરતાં તમામ નરમાઈ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક શેર્સમાં ખાસ વેચવાલી જોવા મળી હતી. બેંક ઓફ બરોડા 3 ટકા ગગડ્યો હતો. જે ઉપરાંત પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને એચડીએફસી બેંકમાં પણ નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી પોણા ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, ઈન્ફોસિસમાં ખાસ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી મજબૂત દર્શાવતો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં નેસ્લે, કોલગેટ, આઈટીસી અને હિંદુસ્તાન લીવર પોઝીટીવ ટ્રેડ જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટોચનો સુધારો દર્શાવવામાં કોરોમંડલ ઈન્ટરનેશનલ, બલરામપુર ચીની, મણ્ણાપુરમ ફાઈ., બાયોકોન, તાતા કેમિકલ, ઓરોબિંદો ફાર્મા, હિંદાલ્કો, નવીન ફ્લોરિન, મારુતિ સુઝુકીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વેદાંતમાં 5 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ, બર્ગર પેઈન્ટ્સ, બેંક ઓફ બરોડા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ફેશન, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા અને આરબીએલ બેંક પણ નરમાઈ દર્શાવતાં હતાં. એકમાત્ર એનસીસીએ તેની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે શીલા ફોમ, જ્યુબિલિઅન્ટ ઈન્ગ્રેવા, તાન્લા પ્લેટફોર્મ્સ, મોતીલાલ ઓસ્વાલ, નિપ્પોન, ધની સર્વિસિઝ, ગુજરાત આલ્કલીઝ, એમ્ફેસિસ, દિલીપ બિલ્ડકોન, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, બોમ્બે બર્માહ, કેપલીન લેબ્સમાં વાર્ષિક તળિયાં જોવા મળ્યાં હતાં.
NSEએ ‘ડુ નોટ એક્સરસાઈઝ’ ફેસિલિટી પરત ખેંચતાં ઓપ્શન ટ્રેડર્સ સામે ખતરો
ટ્રેડર્સ એક્સપાયરીના દિવસે ઓપન પોઝીશનને ક્લોઝ નહિ કરી શકવાથી બ્રોકર્સને મોટા નુકસાનની ચિંતા
નેશનલ સ્ટોક એક્સચેન્જે સ્ટોક ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરતાં ટ્રેડર્સ માટે 30 માર્ચથી ‘ડુ નોટ એક્સરસાઈઝ’ની સુવિધા પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બ્રોકર્સના મતે એક્સચેન્જના આ નિર્ણયને કારણે એક્સપાયરીના દિવસે એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડર્સ માટે અસાધારણ નુકસાનની શક્યતાં રહેલી છે.
સોમવારે એક સર્ક્યુલરમાં એનએસઈ ક્લિઅરીંગ લિમિટેડે જણાવ્યું હતું કે હાલમાં સ્ટોક ઓપ્શન્સ સેગમેન્માં પ્રાપ્ય ‘ડુ નોટ એક્સરસાઈઝ’નો ઓપ્શન 30 માર્ચથી બંધ કરવામાં વશે. આ સુવિધા બ્રોકર્સને ક્લાયન્ટ્સ વતી ઓપ્શન એક્સરસાઈઝિંગને અટકાવવાની સુવિધા આપતી હતી. બ્રોકર્સ તરફથી ડેરિવેટીવ્સ એક્સપાયરીના દિવસે ટ્રેડિંગ અકસ્માતોને લઈ ફરિયાદ કરતાં એનએસઈએ ઓક્ટોબર 2021માં ડીએનઈ સુવિધાને બંધ કર્યાં બાદ એપ્રિલ 2022માં ફરી લોંચ કરી હતી. એક્સપાયરી દિવસે ઘણીવાર ટ્રેડર્સ તરફથી સોદો કવર નહિ થવા બદલ સેટલમેન્ટ ઓબ્લિગેશન્સના ભાગરૂપે ફિઝિકલ ડિલીવરી લેવાનું બનતું હોય છે. જેનું પાલન કરવામાં ટ્રેડર્સ નિષ્ફળ રહેતાં હોય છે. સેબીએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ફિઝિકલ સેટલમેન્ટ્સને ઓક્ટોબર 2019માં દાખલ કર્યું હતું. જો કોઈ ટ્રેડર્સ એક્સપાયરીના દિવસે સ્ટોક ઓપ્શનમાં કોઈ પોઝીશન ધરાવતોહોય તો તેણે ક્યાં તો ડિલીવરી આપવાની અથવા તો ડિલિવરી લેવાની બનતી હોય છે. જોકે માત્ર ‘ઈન ધ મની’ કોન્ટ્રેક્ટના કિસ્સામાં જ આમ થતું હોય છે.
શેરબજારો અદાણી પાવરના શેરને ASM હેઠળ મૂકશે
દેશના બે સ્ટોક એક્સચેન્જિસ એનએસઈ અને બીએસઈએ ગુરુવારથી અદાણી પાવરના શેરને શોર્ટ-ટર્મ એડિશ્નલ સર્વેલન્સ મેઝર(એએસએમ) ફ્રેમવર્ક હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો. શેરબજારોએ 23 માર્ચથી અમલમાં આવે તે રીતે અદાણી પાવરને શોર્ટ-ટર્મ એએસએમ ફ્રેમવર્ક સ્ટેજ-1 લાગુ પાડ્યું હતું. એક્સચેન્જિસે અદાણી જૂથના અન્ય બે શેર્સ અદાણી ગ્રીન એનર્જી અને એનડીટીવીને લોંગ-ટર્મ એએસએમ ફ્રેમવર્કમાંથી સોમવારે સ્ટેજ-વનમાં તબલિદ કર્યાં હતાં. આશ્ચર્યની બાબત એ છે કે બંને એક્સચેન્જિસે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી વિલ્મેરને 8 માર્ચથી શોર્ટ-ટર્મ એએસએમ હેઠળ મૂક્યાં હતાં. જોકે 17 માર્ચથી તેમને શોર્ટ-ટર્મ એએસએમ ફ્રેમવર્કમાંથી દૂર કર્યાં હતાં. કોઈપણ શેરને એએસએમ હેઠળ મૂકવા માટેના માપદંડોમાં હાઈ-લો વેરિએશન, ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન, પ્રાઈસ બેન્ડ્સમાં અનેકવાર બંધ રહેવું, ક્લોઝ-ટુ-ક્લોઝ પ્રાઈસ વેરિએશન અને પ્રાઈસ-અર્નિંગ રેશિયોનો સમાવેશ થાય છે. એનએસઈ અને બીએસઈએ જણાવ્યું હતુંકે અદાણી પાવર શોર્ટ-ટર્મ એએસએમમાં સમાવેશ થવાના માપદંડનું પાલન કરે છે. શોર્ટ-ટર્મ એએસએમ હેઠળ વર્તમાન માર્જિન અથવા તો 50 ટકા માર્જિન, બેમાંથી જે વધુ હોય તે લાગુ પડશે. જેમાં મહત્તમ માર્જિન પર 100 ટકાની મર્યાદા રહેશે. માર્કેટ નિરીક્ષકોના મતે આ ફ્રેમવર્કમાં મૂકવાનો અર્થ એ થાય છે કે ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે 100 ટકા અપફ્રેન્ટ માર્જિનની જરૂરિયાત રહેશે.
ફેબ્રુઆરીમાં દેશમાં ક્રૂડની આયાતમાં 8 ટકા ઉછાળો નોંધાયો
દેશમાં ક્રૂડની માગ વધીને બે દાયકાની ટોચે પહોંચી
ફેબ્રુઆરીમાં ભારતમાં ક્રૂડ આયાત વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી એમ સરકારી ડેટા જણાવે છે. જે સાથે વિશ્વમાં ત્રીજા સૌથી મોટા વપરાશકાર દેશની ક્રૂડ આયાત 2-દાયકાની ટોચે પહોંચ હતી. ક્રૂડની માગમાં ઊંચી વૃદ્ધિ અને ભારતીય અર્થતંત્રમાં મજબૂતી રિફાઈનરી માટે પોઝીટીવ બાબત છે. બીજી બાજુ ભારતને સસ્તાં રશિયન ક્રૂડનો પણ લાભ મળી રહ્યો છે એમ એનાલિસ્ટ જણાવે છે. તેમના મતે ભારતીય રિફાઈનર્સ તરફથી આયાતમાં હજુ પણ વૃદ્ધિ જોવા મળશે. જેનું કારણ ગરમીની શરૂઆત તથા ભારતીયોમાં ફરી વધી રહેલું ટ્રાવેલનું પ્રમાણ છે. ફેબ્રુઆરીમાં કુલ માગ 24 વર્ષોની ટોચ પર પહોંચી હતી એમ પેટ્રોલિયમ પ્લાનીંગ એન્ડ એનાલિસીસ સેલ(પીપીએસી)નો ડેટા જણાવે છે. ક્રૂડની માગ વધી રહી હોવાથી આયાતમાં પણ આગામી સમયગાળામાં વૃદ્ધિ જોવા મળશે એમ એક અન્ય એનાલિસ્ટ જણાવે છે. માસિક ધોરણે જોકે આયાત 6 ટકા ઘટી 2.257 કરોડ ટન પર રહી હતી એમ પીપીએસીનો ડેટા જણાવે છે. માસિક ધોરણે ક્રૂડ આયાતમાં ઘટાડાનું કારણ સિઝનલ હોય શકે છે. ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં ક્રૂડ માગ નીચી જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં રશિયાએ ભારતીય ક્રૂડ માર્કેટ પર તેની પકડ વધુ મજબૂત બનાવી હતી. જેની પાછળ મહિના દરમિયાન આફ્રિકન ક્રૂડ આયાત 22 વર્ષોના તળિયા પર જોવા મળી હતી. બીજી બાજુ દેશમાં ટોચના રિફાઈનર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશના એપ્રિલની શરૂઆતથી કુવૈત ખાતેથી ઓઈલની ખરીદીમાં 20 ટકા ઘટાડો કરશે. જેને સરભર કરવા માટે આઈઓસીએ ઈરાક ખાતેથી દૈનિક 20 હજાર બેરલની આયાતમાં વૃદ્ધિ કરી છે. ફેબ્રુઆરીમાં દેશમાંથી પ્રોડક્ટ નિકાસમાં માસિક ધોરણે 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 50.6 લાખ ટન પર રહી હતી. જેમાં ડિઝલનો હિસ્સો 21.5 લાખ ટન પર હતો. સરકારે દેશમાંથી ડિઝલ અને પેટ્રોલની નિકાસ પર નિયંત્રણ માટેના ઉપાયો હાથ ધર્યાં હોવા છતાં નિકાસમાં વૃદ્ધિ થઈ છે. સરકારે જોકે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં તાજેતરમાં ઘટાડો કર્યો હતો.
UPI પાછળ ઈ-કોમર્સ બિઝનેસ 2026માં 150 અબજ ડોલરે પહોંચશે
કેશનો ઉપયોગ ઘટવા સાથે યૂપીઆઈ મારફતે વિક્રમી ટ્રાન્ઝેક્શન્સ જોવા મળી રહ્યાં છે
યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(યૂપીઆઈ) બેઝ્ડ ટ્રાન્ઝેક્શન્સમાં નવા વિક્રમો રચાઈ રહ્યાં છે ત્યારે ભારતીય ઈ-કોમર્સ માર્કેટ 2022માં 83 અબજ ડોલરના સ્તરેથી વધુ 2026માં 150 અબજ ડોલરની સપાટીએ પહોંચવાનો અંદાજ એ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2023માં યુપીઆઈ હેઠલ વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્શન્સ વોલ્યુમમાં 74.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ડિજીટલ વોલેટ્સનું પ્રમાણ 2019માં 5 ટકા પરથી વધુ 2022માં 35 ટકા પર પહોંચ્યં હતું એમ ‘2023 ગ્લોબલ પેમેન્ટ્સ રિપોર્ટ’ જણાવે છે. 2019માં પીઓએસ ટ્રાન્ઝેક્શનના 71 ટકા પરથી કેશનો ઉપયોગ 2022માં ઘટી માત્ર 27 ટકા રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ભારત તેના નવી પેઢીના રિઅલ-ટાઈમ પેમેન્ટ્સ(આરટીપી) ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક લીડર તરીકે ઊભરી રહ્યો છે. યૂપીઆઈએ ઈ-કોમર્સ એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ(એટૂએ) પેમેન્ટ્સને 12 અબજ ડોલર સુધી પહોંચવામાં સહાયતા કરી છે. જે 2021ની સરખામણીમાં 2022માં 53 ટકા વૃદ્ધિ દર્શાવે છે. હજુ પણ કેશનો ઉપયોગ થઈ રહ્યો છે, જોકે 2026 સુધીમાં મૂલ્યના સંદર્ભમાં કેશ ટ્રાન્ઝેક્શનમાં 34 ટકા ઘટાડાની અપેક્ષા છે. જ્યારે ડિજીટલ વોલેટ્સનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન વેલ્યૂના સંદર્ભમાં 88 ટકા વધે તેવી શક્યતાં છે. ઓનલાઈન સ્પેસમાં ઈકોમર્સ માર્કેટ સાઈઝ 2026 સુધીમાં 82 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં પણ છે. જે ડિજિટલ પેમેન્ટ્સને નોંધપાત્ર વેગ આપશે. આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે ચાલુ મહિનાની શરૂમાં જણાવ્યું હતું કે છેલ્લાં 12-મહિનામાં યુપીઆઈ મારફતે પેમેન્ટ્સમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં દૈનિક ધોરણે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 36 કરોડને પાર કરી ગઈ છે. જે ફેબ્રુઆરી 2022માં 24 કરોડ પર હતી. જો મૂલ્યના સંદર્ભમાં વાત કરીએ તો ટ્રાન્ઝેક્શન્સનું મૂલ્ય રૂ. 6.27 લાખ કરોડ જેટલું થતું હતું.
મારુતિ સુઝુકી એપ્રિલ મહિનાથી વાહનોના ભાવ વધારશે
કંપની ફુગાવાની અસરને ખાળવા માટે ભાવવધારો લાવશે
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે તે આગામી એપ્રિલથી તેના વિવિધ મોડેલ્સના ભાવમાં વધારો કરશે. કંપનીએ ઈન્ફ્લેશનની અસરને ખાળવા અને રેગ્યુલેટરી જરૂરિયાતોનું કારણ આપી તે આમ કરશે તેમ જણાવ્યું છે. જોકે, તે આગામી મહિનાથી વાહનોના ભાવમાં કેટલો વધારો કરશે તેનું પ્રમાણ જણાવ્યું નહોતું.
સમગ્રતયા ઈન્ફ્લેશન અને કારણે કંપની પર ખર્ચનું દબાણ જોવા મળી રહ્યું છે એમ ઓટો કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. કંપનીએ ખર્ચ ઘટાડવા માટે મહત્તમ પ્રયાસો કર્યાં છે. જેને કારણે આંશિકપણે ખર્ચ વૃદ્ધિ પર અંકુશ કરી શકી છે. જોકે ભાવ વૃદ્ધિ મારફતે કેટલીક અસર ગ્રાહકો પર પસાર કરવું અનિવાર્ય બન્યું છે એમ તેણે ઉમેર્યું હતું. કંપનીએ એપ્રિલ 2023થી ભાવ વૃદ્ધિનું આયોજન કર્યું છે. જે તમામ મોડેલ્સમાં ભિન્ન પ્રમાણમાં લાગુ પડશે એમ તેણે જણાવ્યું છે. અગાઉ અન્ય કેટલાંક કાર ઉત્પાદકો પણ ભાવ વૃદ્ધિ જાહેર કરી ચૂક્યાં છે. જેમાં હોન્ડા કાર્સ, તાતા મોટર્સ અને હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે. જેઓ એપ્રિલ મહિનાથી તેમની પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ કરશે. હાલમાં ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ તેમની પ્રોડક્ટ્સ બીએસ6 એમિશન નિયમોનું પાલન કરે તેના પર કામ કરી રહ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહનોમાં રિઅલ-ટાઈમ ડ્રાઈવીંગ એમિશન લેવલ્સનું મોનીટર કરે તેવું સેલ્ફ-ડાયગ્નોસ્ટીક ડિવાઈસ હોવું જરૂરી બનશે. આ ડિવાઈસ એમિશન નિયમોનું પાલન થાય તે માટે સતત મુખ્ય પાર્ટ્સનું મોનીટરીંગ કરતું રહેશે. આવા પાર્ટ્સમાં કેટાલિસ્ટીક કન્વર્ટર અને ઓક્સિજન સેન્સર્સનો સમાવેશ થાય છે.
US ફેડે સતત નવમી બેઠક બાદ રેટ વધાર્યો
બુધવારે ફેડ રિઝર્વે વધુ 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરી
યુએસ ફેડરલ રિઝર્વે ચાલુ કેલેન્ડરની બીજી રેટ સમીક્ષામાં અપેક્ષિત 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી હતી. સાથે વધુ જરૂર જણાશે તો રેટ વૃદ્ધિ જાળવી રાખવામાં આવશે એ પ્રકારનું હોકિશ વલણ જાળવ્યું હતું. જોકે સાથે તેણે તાજેતરની બેંકિંગ કટોકટીને જોતાં રેટ વૃદ્ધિમાં વિરામની વાત પણ કરી હતી. ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કમિટી આગામી સમયગાળા પર ચાંપતી નજર નાખી રહી છે અને મોનેટરી પોલિસી પર તેની અસરને ચકાસી રહી છે. રેટ માટે નવી રેંજ હવે 4.75 ટકાથી 5 ટકા પર જોવા મળે છે. ગયા વર્ષે માર્ચમાં રેટ વૃદ્ધિની શરૂઆત વખતે ફેડ તરફથી 4 ટકા પર ટોચ બને તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જોકે હાલમાં રેટ તેનાથી આગળ નીકળી ગયાં છે.
કમિટીએ જણાવ્યું હતું કે તે લાંબાગાળે ફુગાવો 2 ટકાના સ્તરે જળવાય રહે તે રીતે મહત્તમ રોજગારીનું સર્જન ઈચ્છે છે. કમિટીએ ફેડરલ ફંડ્સ રેટ માટેની ટાર્ગેટ રેંજ વધારી 4.75થી 5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. કમિટીની ધારણા મુજબ પોલિસી રેટમાં અધિક મજબૂતીને કારણે લાંબાગાળે ફુગાવાને 2 ટકાના મર્યાદિત સ્તરે લાવવામાં સહાયતા મળશે. ભવિષ્યમાં રેટ વૃદ્ધિ માટે કમિટી મોનેટરી પોલિસીના સમગ્રતયા ટાઈટનીંગને ગણનામાં લેશે. સાથે મોનેટરી પોલિસીની આર્થિક કામગીરી પર પાછોતરી અસરને તથા ફુગાવાને પણ ધ્યાનમાં લેશે એમ ફેડે નિવેદનમાં જણાવ્યું હતું.
ફેડ રેટ વૃદ્ધિને અવગણી ગોલ્ડમાં તેજી
યુએસ ફેડ તરફથી રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ ઉપરાંત હોકિશ વલણ જાળવી રાખવા છતાં ગોલ્ડમાં બુધવાર રાતથી ખરીદી પરત ફરી હતી. જે ગુરુવારે પણ જળવાય હતી. જેની પાછળ કોમેક્સ ગોલ્ડ 1.6 ટકા અથવા 31 ડોલરની મજબૂતી સાથે 1981 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 1986 ડોલરની ટોચ બનાવી હતી. કોમેક્સ ખાતે ચાંદી પણ 1.3 ટકા સુધારે 23 ડોલરની સપાટી પાર કરી ગઈ હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 510ના સુધારે રૂ. 59270 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 430ની મજબૂતી સાથે રૂ. 69740 પર જોવા મળતો હતો. ક્રૂડમાં નરમાઈ જળવાય હતી.
એક્સેન્ચર નોકરીઓમાં 19 હજારનો ઘટાડો કરશે
અગ્રણી આઈટી સર્વિસ કંપની એક્સેન્ચરે નોકરીઓમાં 19000નો કાપ મૂકવાની જાહેરાત કરી છે. સાથે તેણે વાર્ષિક આવક તથા પ્રોફિટના અંદાજોમા પણ ઘટાડો કર્યો છે. તેણે વૈશ્વિક અર્થતંત્રના વણસી રહેલા ચિત્રનું તથા કોર્પોરેટ્સ તરફથી આઈટી સર્વિસિઝમાં ઘટાડાનું કારણ આપી આમ કહ્યું છે. હવે કંપની લોકલ કરન્સીમાં વાર્ષિક રેવન્યૂમાં માત્ર 8-10 ટકાની રેંજમાં વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે. જે અગાઉ 8-11 ટકાની રેંજમાં અંદાજ્યો હતો. તાજેતરમાં જ આઈટી સર્વિસિઝ અને કન્સલ્ટીંગ કંપનીએ બેંગલૂરુ સ્થિત ઈન્ડસ્ટ્રીઅલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ કંપની ફ્લૂટૂરાની ખરીદી કરી હતી. જોકે તેણે ડીલ સાઈઝની વિગતો નહોતી આપી.
દેશમાં FPI-FDIમાં વધુ ઘટાડાની શક્યતાં
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ અને ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ્સમાં વધુ ઘટાડાની શક્યતાં વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક અગ્રણી સેન્ટ્રલ બેંકર્સ તરફથી જોવા મળી રહેલા આક્રમક ટાઈટનીંગ વચ્ચે દેશમાં બાહ્ય ઈનફ્લો પર ગંભીર અસર જોવા મળી છે. ચાલુ નાણાકિય વર્ષમાં જાન્યુઆરી 2023 સુધીમાં એફડીઆઈ 13 ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ઈક્વિટીમાં 6.1 અબજ ડોલર એટલેકે લગભગ રૂ. 50 હજાર કરોડનું વેચાણ નોંધાયું હતું. અગ્રણી બેંકના અર્થશાસ્ત્રીના મતે વૈશ્વિક સ્તરે લિક્વિડીટી ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. જેની અસર ઈમર્જિંગ માર્કેટ્સના ઈનફ્લો પર પડશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઓસીઃ ઓઈલ માર્કેટિંગ કંપની પારાદિપ ખાતે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં રૂ. 61077 કરોડનું રોકાણ કરશે. જે કંપનીનું સિંગલ લોકેશન પર સૌથી મોટું રોકાણ હશે. પેટ્રોકેમ યુનિટમાં વિશ્વ કક્ષાના ક્રેકર યુનિટનો સમાવેશ થતો હશે. સાથે તે પીપી, એચડીપીઈ, એલએલડીપીઈ અને પીવીસીનું ઉત્પાદન પણ કરશે.
એચએએલઃ પીએસયૂ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સમાં સરકારે વધુ 3.5 ટકા હિસ્સાના વેચાણનો નિર્ણય લીધો છે. સરકાર રૂ. 2450ના ફ્લોર પ્રાઈસ પર આ વેચાણ કરશે. જે મારફતે તે રૂ. 1400 કરોડ ઊભા કરે તેવો અંદાજ છે. એફએનઓમાં 10 ટકા હિસ્સો રિટેલ માટે જ્યારે પાંચ ટકા હિસ્સો કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
એમએન્ડએમઃ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની લાસ્ટ માઈલ મોબિલિટી કંપનીમાં રૂ. 600 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઈલેક્ટ્રીક થ્રી-વ્હીલર્સ અને નાના કમર્સિયલ વ્હીકલ્સની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ માટે કરવામાં આવશે.