નરમ સેન્ટિમેન્ટ વચ્ચે શેરબજારમાં આગળ વધતો ઘટાડો
ચાલુ સપ્તાહે સતત ચોથા સત્રમાં મંદી
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ
ઈન્ડિયા વિક્સ 3.3 ટકા ગગડી 15.07ની સપાટીએ
મેટલ, એફએમસીજી, બેંકિંગ ગ્રીન ઝોનમાં
ઓટો, આઈટી, ફાર્મામાં નરમાઈ
આઈટીસી, ફિનોલેક્સ કેબલ્સ નવી ટોચે
અદાણી જૂથ શેર્સ, મેક્રોડેટ ડેવલપર્સ નવા તળિયે
વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટમાં ભારે બદલાવ જોવા મળ્યો છે. ફેડ તરફથી સતત રેટ વૃદ્ધિની શક્યતાં પાછળ ડોલર મજબૂત બનતાં ઈક્વિટીઝમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જે સ્થિતિમાં ભારતીય બજાર પણ દબાણ અનુભવી રહ્યાં છે અને ઘટાડો જળવાયો છે. ગુરુવારે સપ્તાહના ચોથા દિવસે નરમાઈને પગલે બીએસઈ સેન્સેક્સ 139 પોઈન્ટ્સ ગગડી 59606ની સપાટીએ જ્યારે નિફ્ટી 43 પોઈન્ટ્સ ઘટાડે 17511ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી જળવાતાં બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 28 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે કુલ 3599 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1947 નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1511 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 268 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 72 કાઉન્ટર્સ વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર જોવા મળી રહ્યાં હતાં.
ગુરુવારે ફેબ્રુઆરી ડેરિવેટિવ્સ સિરિઝની એક્સપાયરી હોવાના કારણે માર્કેટમાં ઊંચી વધ-ઘટની શક્યતાં હતી. જોકે આનાથી વિપરીત માર્કેટ સાંકડી રેંજમાં અથડાતું રહ્યું હતું. જેને કારણે ટ્રેડર્સ કંટાળ્યાં હતાં. માર્કેટમાં કામકાજ પણ પાંખા હતાં. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17554ના બંધ સામે 17575ની સપાટી પર પોઝીટીવ ઓપનીંગ બાદ 17455નું તળિયું બનાવી 17620ની ટોચ પર ટ્રેડ થયા બાદ ચોપી જોવા મળ્યો હતો. બંધ ભાવે તેણે 17500નો સપોર્ટ જાળવી રાખ્યો હતો. ફેબ્રુઆરી સિરિઝ ફ્યુચર લગભગ ફ્લેટ બંધ દર્શાવતો હતો. આમ માર્કેટમાં લોંગ પોઝીશનમાં રોલઓવર નીચું જોવા મળ્યું હોવાની શક્યતાં છે. નિફ્ટીન સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક, આઈટીસી, એસબીઆઈ અને અદાણી પોર્ટ્સનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ ઘટાડો દર્શાવવામાં એશિયન પેઈન્ટ્સ, લાર્સન, ડિવિઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, ટાઈટન કંપની, ભારતી એરટેલ અને બજાજ ફિનસર્વ મુખ્ય હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, એફએમસીજી, બેંકિંગ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. તેઓ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતા હતાં. જ્યારે ઓટો, આઈટી અને ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. બેંક નિફ્ટી દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે 0.01 ટકા સુધારો સૂચવતો હતો. બેંક શેર્સમાં ફેડરલ બેંક, એક્સિસ બેંક, પીએનબી, એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને બંધન બેંક મુખ્ય સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી 0.3 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં ડાબર ઈન્ડિયા, આઈટીસી, પીએન્ડજી, ગોદરેજ કન્ઝ્યૂમર અને યુનાઈટેડ બ્રૂઅરિઝ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે જ્યુબિલિઅન્ટ ફૂડ, ઈમામી, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, મેરિકો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કંપનીઓની વાત કરીએ તો ઈન્ડસ ટાવર્સ 4.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયન હોટેલ્સ, ગેઈલ, ફેડરલ બેંક, પોલીકેબ, કોફોર્જ, ડિક્સોન ટેક્નોલોજી, ઈન્ટરગ્લોબ એવિએશન અને હિંદાલ્કોમાં પણ સુધારો નોઁધાયો હતો. બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, વોડાફોન, ઝી એન્ટરટેઈનમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, આઈઆરસીટીસી, જીએમઆર પ્રોજેક્ટ્સ અને આઈઈએક્સમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈક્વિટાસ બેંક, ફિનોલેક્સ કેબલ્સ, આઈટીસી, સાયન્ટ અને બ્લ્યૂ સ્ટારનો સમાવેશ થતો હતો. જ્યારે વાર્ષિક તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં અદાણી જૂથ શેર્સ ઉપરાંત મેક્રોટેક ડેવલપર્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, જીઆર ઈન્ફ્રા, ગ્રેફાઈટ ઈન્ડિયા અને મોતીલાલ ઓસ્વાલ સામેલ હતાં.
અદાણી જૂથમાં LICને રૂ. 50 હજાર કરોડનો નોશનલ લોસ
2022ની આખરમાં એલઆઈસીના અદાણી જૂથ શેર્સ હોલ્ડિંગનું મૂલ્ય રૂ. 82790 કરોડ પરથી ગગડી રૂ. 33,242 કરોડ પર જોવાયું
દેશમાં સૌથી મોટા સંસ્થાકિય રોકાણકાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ચાલુ કેલેન્ડરમાં અદાણી જૂથના શેર્સમાં રૂ. 49,728 કરોડનું નુકસાન નોંધાવ્યં છે. 23 ફેબ્રુઆરીએ એલઆઈસી પાસે રહેલા અદાણી જૂશ શેર્સનું મૂલ્ય રૂ. 33,242 કરોડ પર જોવા મળતું હતું. જે 31 ડિસેમ્બર, 2022ના રોજ રૂ. 82,970 કરોડ પર નોંધાયું હતું. એલઆઈસી પાસે અદાણી જૂથની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના શેર્સ રહેલાં છે. એલઆઈસી 2022ની આખરમાં કુલ રૂ. 10.91 લાખ કરોડ શેર્સનું એસેટ અન્ડર મેનેજેમેન્ટ ધરાવતી હતી.
અદાણી જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં છેલ્લાં એક મહિનામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. 24-જાન્યુઆરીએ યુએસ શોર્ટ સેલર્સ હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ 50 ટકાથી વધુ ગગડી ચૂક્યું છે. મંગળવારે તે 100 અબજ ડોલરની નીચે ઉતરી ગયું હતું. ગુરુવારે પણ અદાણી જૂથના શેર્સમાં વેચવાલી યથાવત રહી હતી. અદાણી જૂથ શેર્સમાં અદાણી ટોટલનો ગેસ ગુરુવાર સુધીમાં ચાલુ કેલેન્ડરમાં 78.50 ટકા જેટલો ગગડ્યો હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી(73.50 ટકા), અદાણી ટ્રાન્સમિશન(71.10 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝિસ(64.10 ટકા), અદાણી પાવર(48.40 ટકા) અને એનડીટીવી(42 ટકા) ઘટાડો દર્શાવી રહ્યાં છે. અદાણી વિલ્મેર, અંબુજા સિમેન્ટસ, અદાણી પોર્ટસ, એસીસીના શેર્સ પણ 28-40 ટકાની રેંજમાં ઘટાડો સૂચવી રહ્યાં છે.
અગાઉ 30 જાન્યુઆરીએ એલઆઈસીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે અદાણી જૂથમાં તેના હોલ્ડિંગની માર્કેટ વેલ્યૂ રૂ. 56,142 કરોડ જેટલી છે. જ્યારે તેની કુલ ખરીદ કિંમત રૂ. 30,127 કરોડની છે. 30 જાન્યુઆરીએ અદાણી જૂથમાં કુલ રોકાણ મૂલ્ય રૂ. 36,474.78 કરોડ થવા જતું હતું. અદાણી જૂથના માર્કેટ-કેપમાં કુલ રૂ. 12 લાખ કરોડનો તીવ્ર ઘટાડો બોલાઈ ગયો છે.
ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં ધીમી ગતિએ વેચવાલી ચાલુ
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ 1830 ડોલર નીચે ઉતરી ગયા
એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 300થી વધુ ગગડી રૂ. 56 હજારની નીચે ઉતર્યું
ડોલર ઈન્ડેક્સ 104.6ની પાંચ સપ્તાહની ટોચે જોવાયો
વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં નરમાઈ જોવા મળી રહી છે. ગુરુવારે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ 10 ડોલરથી વધુ ઘટાડે 1823 ડોલર પર ટ્રેડ થયાં હતાં. જેન પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 300થી વધુના ઘટાડે રૂ. 56 હજારની નીચે ઉતરી ગયો હતો. જે લગભગ છેલ્લાં દોઢ મહિનાની નીચી સપાટી હતી. ચાલુ સપ્તાહ ગોલ્ડમાં ત્રીજું મંદીનું સપ્તાહ છે. ડોલર ઈન્ડેક્સ સાધારણ મજબૂતી સાથે 104.60ની છ સપ્તાહની ટોચ પર ટ્રેડ થયો હતો. જેની પાછળ યુએસ બોન્ડ્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં યુએસ 10-વર્ષના બોન્ડ્સ 0.6 ટકા સુધારે 3.95ની સપાટીએ જોવા મળી રહ્યાં હતાં.
બુધવારે યુએસ ખાતે રજૂ થયેલી ફેડની ફેબ્રુઆરી મિટિંગની મિનિટ્સમાં હોકિશ વલણ જળવાય રહેતાં ડોલરમાં મજબૂતી અને ગોલ્ડમાં નરમાઈ જોવા મળી હતી. ફેબ્રુઆરી મિટિંગની મિનિટ્સ મુજબ ફેડના સભ્યોએ ફુગાવાને અંકુશમાં જાળવવા માટે આક્રમક ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિ જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી. હાલમાં યુએસ ઈન્ફ્લેશન રેટ ફેડના 2 ટકાના ટાર્ગેટથી નોંધપાત્ર ઊંચું જોવા મળે છે. બે સપ્તાહ અગાઉ રજૂ થયેલો જાન્યુઆરી સીપીઆઈ ડેટા 6.4 ટકા પર જોવા મળ્યો હતો.
માર્કેટ વર્તુળોના મતે ફેડ ચાલુ કેલેન્ડરમાં હજુ ત્રણ વાર રેટ વૃદ્ધિ કરી શકે છે. જેમાં આગામી બેઠકમાં તે 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં વધતી જાય છે. જેને કારણે બજારમાં એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ફેડ 2023માં એકાદ રાઉન્ડ રેટ વૃદ્ધિ બાદ વિરામમાં જશે. જોકે આ આશા ઠગારી નીવડી છે. કેમકે યુએસ ખાતે છેલ્લાં બે સપ્તાહ દરમિયાન રજૂ થયેલો આર્થિક ડેટા મજબૂત જોવા મળ્યો છે અને તે ઈન્ફ્લેશનને લઈ ચિંતા પ્રેરી રહ્યો છે. આ જ કારણથી છેલ્લાં બે સપ્તાહ દરમિયાન યુએસ બોન્ડ્સમાં નવેસરથી મજબૂતી જોવા મળી છે અને યિલ્ડ્સ છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. માર્કેટ નિષ્ણાતોના મતે નજીકના સમયગાળામાં ગોલ્ડના ભાવ સાઈડવે રહેવાની શક્યતાં છે. તેમના મતે વૈશ્વિક બજારમા ગોલ્ડ 1819 ડોલરથી 1945 ડોલરની રેંજમાં અથડાયેલું રહી શકે છે. કોમેક્સ સ્પોટ ગોલ્ડમાં 1819-1805 ડોલરની રેંજમાં મહત્વનો સપોર્ટ છે. જ્યારે 1845-1859 ડોલરની રેંજમાં અવરોધ છે. એમસીએક્સ ગોલ્ડમાં રૂ. 55700ની સપાટીએ સપોર્ટ રહેલો છે. જ્યારે 56540નો અવરોધ જોવા મળે છે. હાજર બજારમાં ગોલ્ડના ભાવ રૂ. 60000ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી રૂ. 57 હજાર આસપાસ જોવા મળી રહ્યાં છે.
સાયબરસિક્યૂરિટીને મજબૂત બનાવવા સેબીએ વધારાના ઉપાયો સૂચવ્યાં
માર્કેટ મધ્યસ્થીઓને ચીફ ઈન્ફર્મેશન સિક્યૂરિટી ઓફિસરની ભૂમિકા અને જવાબદારી નિર્ધારિત કરવા જણાવ્યું
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જિસ, ડિપોઝીટરિઝ અને મ્યુચ્યુલ ફંડ્સને તેમની સાઈબર-સિક્યૂરીટી પોલિસીને વ્યાપક બનાવવા માટે વધારાના સુરક્ષાના ઉપાયો સૂચવ્યાં છે. બુધવારે જાહેર કરવામાં આવેલી એક એડવાઈઝરીમાં રેગ્યુલેટરે મધ્યસ્થીઓને તેમના ચીફ ઈન્ફર્મેશન સિક્યૂરિટી ઓફિસર(સીઆઈએસઓ)ની ભૂમિકા અને જવાબદારીઓ નિર્ધારિત કરવા સાથે સ્પેસિફાઈડ સિક્યૂરિટીઝ પોલિસી નક્કી કરવા માટે જણાવ્યું હતું. આ કંપનીઓને વિગતવાર ઈન્સિડેન્ટ રિસ્પોન્સ પ્લાન, એન્ફોર્સ ડેટા પ્રોટેક્શન અને રિકવરી પ્રોસેસ તૈયાર કરવા પણ જણાવ્યું છે.
વધુમાં આ કંપનીઓને ક્લાઉડ સર્વિસિઝમાંથી કોઈપણ ડેટા લીકને અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે જણાવ્યું છે. ઉપરાંત સિક્યૂરિટી ઓડિટ અને વલ્નબરેલિટી ટેસ્ટીંગ કરાવવા માટે જણાવ્યું છે. સાથે ફિશીંગ અથવા બદઈરાદાભર્યા ઈમેલ્સ સામે જાગરૂક્તા પ્રોગ્રામ ચલાવવા પણ કહ્યું છે. સેબીએ કંપનીઓને સેન્સિટિવ અને પર્સનલી આઈડેન્ટિફાયેબલ ઈન્ફર્મેશન(પીઆઈઆઈ) ડેટા એન્ક્રિપ્ટ કરવા પણ સૂચવ્યું છે. માર્કેટ વોચડોગે સિસ્ટમ્સના ઈન્ડિપેન્ડન્ટ, થર્ડ પાર્ટીઝ તરફથી જોખમોના ઓડિટ સાથે મલ્ટી-ફેક્ટર ઓથોન્ટિકેશન સહિત અન્ય ડઝનેક ઉપાયો સૂચવ્યાં છે. સેબીએ નોંધ્યું છે કે થ્રેટ એકટર્સમાં ઊચ્ચ સ્તરના કોઓર્ડિનેશન અને સોફેસ્ટીકેશનને જોતાં રિસ્ક મેનેજમેન્ટ માટે પરંપરાગત અભિગમ અને ગવર્નન્સ પૂરતાં નથી. અગાઉ જેનાથી ચાલુ જતું હતું તે પૂરતાં અને સુરક્ષિત નથી એમ તેણે ઉમેર્યું હતું. આ પગલાંઓ સેબીને ફાઈનાન્સિયલ કમ્પ્યુટર સિક્યૂરિટી ઈન્સિડેન્ટ રિસ્પોન્સ ટીમ(સીએસઆઈઆરટી-ફિન)ના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યાં હતાં. રેગ્યુલેટેડ કંપનીઓએ તેમના સાયબરસિક્યૂરિટી ઓડિટ સાથે આ એડવાઈઝરીના કોમ્પ્લાયન્સને લઈને વિગતો પૂરી પાડવાની રહેશે.
NSEને સોશિયલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવા સેબીની મંજૂરી
દેશમાં સૌથી મોટો સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એક અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઇ) શરૂ કરવાની મંજૂરી આપી છે. અગાઉ સેબીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)ને પણ સોશ્યલ સ્ટોક એક્સચેન્જ માટે મંજૂરી આપી હતી.
સોશિયલ સ્ટોક એક્સચેન્જ એ સામાજિક ઉદ્યોગસાહસિકોને તેમની કોઈ આગવી પહેલ માટે ફંડ ઊભા કરવા માટેનો વિકલ્પ પ્રદાન કરશે, જે સામાજિક ઉદ્યોગસાહસિકોને વિઝિબિલિટી આપશે. તે ફંડ ઊભું કરવા સાથે ફંડના વપરાશમાં પારદર્શકતા લાવશે. મુખ્યત્વે સામાજિક આશય તરીકે સ્થાપિત કોઈ પણ સામાજિક ઉદ્યોગસાહસ, સેવાભાવી સંસ્થા (એનપીઓ) કે સેવાભાવી સામાજિક ઉદ્યોગસાહસો (એફપીઇ) સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટર્ડ કે લિસ્ટેડ થઈ શકે છે. લાયકાત ધરાવતી એનપીઓ માટે બોર્ડ પર આવવાનું પ્રથમ પગલું સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટ્રેશન સાથે શરૂ થાય છે. રજિસ્ટ્રેશન પછી એનપીઓ પબ્લિક ઇશ્યૂ કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ઝેડસીઝેડપી) જેવા માધ્યમો પ્રસ્તુત કરીને ફંડ ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અત્યારે નિયમનો ઝેડસીઝેડપી ઇશ્યૂઅન્સ માટે રૂ. 1 કરોડ સુધીની લઘુતમ સાઇઝ નિર્ધારિત કરે છે અને સબસ્ક્રિપ્શન માટે અરજી કરવાની લઘુતમ સાઇઝ રૂ. 2 લાખ છે. એફપીઇ માટે સીક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગની પ્રક્રિયા એક્સચેન્જની પ્રક્રિયા અંતર્ગત સીક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગ માટે લાગુ પ્રક્રિયા જેવી હશે. એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે સોશિયલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવા એનએસઇને મંજૂરી આપવા માટે સેબીનો આભાર માન્યો હતો.
તાતા મોટર્સ EV બિઝનેસમાં હિસ્સો વેચી 1 અબજ ડોલર ઊભા કરશે
કંપની ફંડનો મોટો હિસ્સો ડેટ ચૂકવણી માટે કરશે
સ્વદેશી ઓટોમોબાઈલ કંપની તાતા મોટર્સે ઈલેક્ટ્રીક વેહીકલ(ઈવી) બિઝનેસમાં આઁશિક હિસ્સા વેચાણમાંથી એક અબજ ડોલરનું ફંડ ઊભું કરવા માટે સોવરિન વેલ્થ ફંડ્સ અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ સાથે વાતચીત શરૂ કરી હોવાનું વર્તુળો જણાવે છે. કંપની નોંધપાત્ર લઘુમતી હિસ્સો વેચવાનું વિચારી રહી હોવાનું તેમનું કહેવું છે. તાતા મોટર્સ તેના ઈવી બિઝનેસનું 10.5 અબજ ડોલરનું વેલ્યૂએશન ઈચ્છી રહી છે.
કંપની જે ફંડ્સ સાથે વાત ચલાવી રહી છે તેમાં યુએઈ-બેઝ્ડ અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(એડીએઆઈ) અને મુબાદલા ઈન્વેસ્ટમેન્ટ કંપની, સાઉદી અરેબિયા સ્થિત પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સિંગાપુરની ટેમાસેક હોલ્ડિંગ્સ અને કેકેઆર અને જનરલ એટલાન્ટિકનો સમાવેશ થાય છે. જોકે તાતા મોટર્સ સહિત ઉપરોક્ત કંપનીઓએ સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. કેકેઆરે જણાવ્યું હતું તે તેઓ માર્કેટની અટકળોને લઈને ટિપ્પણી કરતાં નથી. તાતા મોટર્સ ઈવી બિઝનેસના હિસ્સામાંથી મળનારી રકમમાંથી મોટા હિસ્સાનો ઉપયોગ ડેટ ચૂકવણીમાં કરશે અને નાના હિસ્સાને ઈવી બિઝનેસમાં પ્રાઈમરી ઈક્વિટી તરીકે ઈનફ્યૂઝ કરશે એમ વર્તુળો જણાવે છે. ચાલુ સપ્તાહે ઉબેર ટેક્નોલોજિસે તાતા મોટર્સ પાસેથી 25 હજાર ઈવી ખરીદવાની યોજના અંગે જાણ કરી હતી. તાતા મોટર્સ ભારતમાં સૌથી મોટી ઈવી ઉત્પાદક છે. ભારતના કાર માર્કેટમાં ઈવીનો હિસ્સો માત્ર 1 ટકા જેટલો છે. જેને 2030 સુધીમાં 30 ટકા પર લઈ જવાનો ઈરાદો ભારત સરકાર ધરાવે છે.
ઝી એન્ટરટેઈનમેન્ટને NCLTમાં દાખલ કરાતાં શેરમાં 14 ટકાનો કડાકો
એનસીએલટીએ ઈન્ડસઈન્ડ બેંકની પિટિશન સ્વીકારતાં સોની સાથે મર્જર ઘોંચમાં પડી શકે
મિડિયા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસનો શેર ગુરુવારે શરૂઆતી ટ્રેડમાં 14 ટકા જેટલો ગગડ્યો હતો. ઈન્ડસઈન્સ બેંક તરફથી કંપનીની સામે કરવામાં આવેલી કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) તરફથી સ્વીકારવામાં આવતાં કંપનીના શેરમાં કડાડો જોવા મળ્યો હતો. દિવસની આખરમાં ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 3.7 ટકા ઘટાડે રૂ. 198.65ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
ઈન્ડસઈન્ડ બેંકે આઈબીસી કોડ હેઠળ કરેલી અરજીની તરફેણમાં ચૂકાદાની વાત બહાર આવતાં જ ઝી લિ.નો શેર ગગડીને નવા વાર્ષિક તળિયા પર પહોંચ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 176.55નું બોટમ બનાવ્યું હતું. તેણે 20 જૂન, 2022ના રોજ બનાવેલા લોને તોડ્યું હતું. શેર 4 એપ્રિલ, 2022ના રોજ રૂ. 308.65ની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. ઈન્ડસઈન્ડ બેંકની અરજીને સ્વીકારવામાં આવતાં ઝી લિ.ના કલવેર મેક્સ એન્ટરટેઈનમેન્ટ(સોની) સાથેના મર્જર પર અસર થઈ શકે છે એમ વર્તુળોનું કહેવું છે. ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ થયા બાદ જ્યાં સુધી ઝીના પ્રમોટર્સ લેન્ડર સાથે તેમને ચૂકવવાના થતાં નાણાને લઈને સેટલમેન્ટ નહિ કરે ત્યાં સુધી મર્જર્સ કે એમાલ્ગમેશન્સ થઈ શકે નહિ.
વર્ટેક્સે 1000 મેગાવોટ હાઈડ્રોજન સપ્લાય માટે સમજૂતી કરી
ઊર્જા સંક્રમણમાં લીડર વર્ટેક્સ હાઈડ્રોજને એસ્સારની એસ્લમેરે પોર્ટમાં સાઈટ-હાયનેટ નોર્થ વેસ્ટ ક્લસ્ટરના હાર્દમાં યૂકેના પ્રથમ લાર્જ-સ્કેલ લો-કાર્બન હાઈડ્રોજન ઉત્પાદન કેન્દ્ર વિકસાવ્યું છે. વર્ટેક્સે યૂકે સ્થિત અગ્રણી ઉદ્યોગના ડિકાર્બોનાઈઝેશન માટે 1000 મેગાવોટ હાઈડ્રોજન પુરવઠો પૂરો પાડવા સમજૂતી કરી છે. આ ઊર્જાનું પ્રમાણ લિવરપૂર જેવા મોટા શહેરની ઊર્જા માગને સમકક્ષ છે. જે વર્ટેક્સની હાઈડ્રોજન ઉત્પાદનની સંપૂર્ણ પ્રારંભિક ક્ષમતા છે.
કોટનમાં માગ સ્થિર જળવાતાં ભાવને સપોર્ટ
ચાલુ સપ્તાહે કોટનમાં માગ સ્થિર જોવા મળી છે. સ્પીનર્સની વર્તમાન ભાવે પૂછપરછ વધી રહી છે. જેની પાછળ ભાવને સપોર્ટ સાંપડ્યો છે. સોમવારથી ગુરુવાર સુધીમાં કોટનમાં ખાંડીએ રૂ. 500નો સુધારો નોંધાયો છે. સ્થાનિક બજારમાં ખેડૂતો તરફથી મર્યાદિત આવકોને કારણે પણ ભાવ પર દબાણ જોવા મળી રહ્યું નથી. સામાન્યરીતે ફેબ્રુઆરી આખર સુધીમાં 65 ટકા આવકો બજારમાં આવી જતી હોય છે. જોકે ચાલુ વર્ષે 50 ટકા આવકો જ બજારમાં પ્રવેશી છે અને તેથી નોંધપાત્ર માલ બજારમાં આવવાનો બાકી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જીઓ-બીપીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટીશ પેટ્રોલિયમ વચ્ચેનું સંયુક્ત સાહસ જીઓ-બીપી ટૂંક સમયમાં જ કોમ્પ્રેસ્ડ બાયોગેસ(સીબીજી) અને બાયો-સીએનજી(બી-સીએનજી)નું રિટેલિંગ શરૂ કરશે. આ બંનેનો ઉપયોગ સીએનજી-પાવર્ડ વેહીકલ્સમાં થતો હોય છે. શરૂઆતમાં કંપની પશ્ચિમ ભારતમાં તેના આઉટલેટ્સમાં તેનું વેચાણ કરશે. જેને પાછળથી દેશના અન્ય ભાગોમાં લઈ જવામાં આવશે.
સ્પાઈસ જેટઃ લો-કોસ્ટ એરલાઈનને એક રાહતમાં કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સે તેની કંપની પાસેથી લેવાની થતી લીઝ રેન્ટલની રકમને ઈક્વિટીમાં રુપાંતરણ કરવા માટે તૈયારી દર્શાવી છે. આ ડિલના ભાગરૂપે કંપની તેના 10 કરોડના ડેટને એરલાઈનમાં ઈક્વિટીમાં કન્વર્ટ કરશે. કાર્લાઈલ સ્પાઈસ જેટમાં 5 ટકા હિસ્સો મેળવશે. આ ઉપરાંત કાર્લાઈલ નવી બનેલી લોજિસ્ટીક્સ પાંખ સ્પાઈસએક્સપ્રેસમાંના તેના કન્વર્ટિબલ ડિબેન્ચર્સને પણ ઈક્વિટીમાં કન્વર્ટ કરશે.
સોનાટા સોફ્ટવેરઃ કંપનીનું નોર્થ અમેરિકા સ્થિત યુનિટ 6.5 કરોડ ડોલરનું અપફ્રન્ટ પેમેન્ટ ચૂકવી ક્વાન્ટ સિસ્ટમ્સને ખરીદસે. કંપની આ ખરીદી માટે આગામી બે વર્ષોમાં કુલ 9.5 કરોડ ડોલર સુધીની રકમ ચૂકવશે.
બાયોકોનઃ ફાર્મા કંપનીએ તેના પેમેન્ટ ઓબ્લિગેશનનું સંપૂર્ણપણે પાલન કર્યું છે અને રૂ. 2250 કરોડના કમર્સિયલ પેપર્સને સંપૂર્ણપણે રિડિમ કરાવ્યાં છે. કંપનીએ તાજેતરમાં જ કેટલાંક ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ ઊભું કર્યું હતું. જેમાં કોટક સ્પેશ્યલ સિચ્યૂએશન્સે કંપનીમાં રૂ. 1070 કરોડનું રોકાણ કર્યું હતું.
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ જાયન્ટે નીલાંચલ ઈસ્પાત નિગમમાં રૂ. 4.68 લાખ શેર્સની ખરીદી કરી છે. કંપનીએ 21 ફેબ્રુઆરીએ રૂ. 54 પ્રતિ શેરના પ્રિમીયમ સાથે રૂ. 300 કરોડમાં આ ઈક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે નીલાંચલ ઈસ્પાતમાં તાતા સ્ટીલનો હિસ્સો પાંચ ટકાથી વધી ગયો છે.
મહિન્દ્રા સીઆઈઈઃ મહિન્દ્રા જૂથ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 658 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 80 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1670 કરોડની આવક સામે ચાલુ વર્ષે રૂ. 2247 કરોડની આવક નોંધાવી છે.
પેનેન્સૂલા લેન્ડઃ રિઅલ્ટી કંપની પ્રેફરન્શિયલ ઈસ્યુ મારફતે રૂ. 41.7 કરોડ ઊભા કરશે. કંપની પ્રમોટર જૂથ કંપનીને શેર્સ અને વોરંટ્સ ઈસ્યૂ કરશે. અશોક પિરામલ ગ્રૂપ કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સ સાથે એગ્રીમેન્ટ કરી ઈન્સોલ્વન્સી પ્રક્રિયાને ટાળી છે.
ડેલ્હીવેરીઃ લોજિસ્ટીક્સ કંપનીમાં ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત ઈન્ટરનેટ ફંડ થ્રીએ 1.7 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. કંપનીએ ડેલ્હીવેરીના કુલ 1,23,63,060 શેર્સ વેચ્યાં હતાં. તેણે ઓપન માર્કેટ ઓપરેશન્સમાં સરેરાશ રૂ. 335.06 પ્રતિ શેરના ભાવે આ વેચાણ કર્યું હતું.
એચડી ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સૌથી નીચા બિડર તરીકે ઊભરી છે. કંપનીના રૂ. 466 કરોડના બીડ માટે તેને એલ-1 બીડર તરીકે જાહેર કરવામાં આવી છે.
વોખાર્ડઃ ફાર્માસ્યુટીકલ કંપનીએ યુએસ ખાતે તેના ઉત્પાદન એકમને બંધ કર્યું છે. કંપનીએ ઈલિનોઈસના મોર્ટન ગ્રોવ સ્થિત ફેસિલિટીને તાળાં માર્યાં છે. કંપનીએ યૂએસ ખાતે બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આમ કર્યું છે. કંપની પ્લાન્ટને બંધ કરી પ્રોડક્ટ્સના થર્ડ-પાર્ટી ટ્રાન્સફરમાં 1.2 કરોડ ડોલર બચાવવાનું અનુમાન ધરાવે છે.