ફેડની રેટ વૃદ્ધિ ચાલુ રહેવાની શક્યતાએ બજારો વધુ ગગડ્યાં
ભારતીય બજાર જોકે ઈન્ટ્રા-ડે લો પરથી બાઉન્સ થયું
એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ગગડી 18.81ના સ્તરે
એફએમસીજી ઈન્ડેક્સમાં આગેકૂચ સાથે નવી ટોચ
બેકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, રિઅલ્ટી પર દબાણ
મારુતિ સુઝુકી, આઈટીસીએ ઘણા વર્ષોની ટોચ દર્શાવી
ઈન્ફોસિસ, આઈઓસી, બાયોકોને વાર્ષિક બોટમ બનાવી
બ્રોડ માર્કેટમાં ન્યૂટ્રલ માહોલ પાછળ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ
યુએસ ફેડે બુધવારે તેની રેટ સમીક્ષામાં 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરવા સાથે નવેમ્બરમાં મળનારી બેઠકમાં પણ સતત ચોથી વાર 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની શક્યતાં ઊભી રાખતાં યુએસ સહિતના શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. ભારતીય બજારે પણ ગેપ ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં બાદ વધુ ગગડ્યાં બાદ લગભગ અડધો ઘટાડો ભૂંસીને બંધ દર્શાવ્યું હતું. જેમાં બીએસઈ સેન્સેક્સ 337 પોઈન્ટ્સ ગગડી 59120ની સપાટીએ જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ્સ ઘટી 17630ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. 50 નિફ્ટી કાઉન્ટર્સમાંથી 28 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ થોડી સારી હતી અને બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 2.7 ટકા ગગડી 18.81ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફેડની રેટ વૃદ્ધિ બાદ નાસ્ડેક ઊંધા માથે પટકાયો હતો અને 2 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેની અસરે એશિયન બજારો 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. હોંગ કોંગ માર્કેટે તો વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે કોરિયા, તાઈવાન, જાપાન અને ચીનના બજારો પણ નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. જેની વચ્ચે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપન થયું હતું. નિફ્ટી અગાઉના 17718ના બંધ સામે 17610ની સપાટીએ ખૂલી નીચે 17532ની સપાટીએ ટ્રેડ થઈ ઉપરમાં 17723ની સપાટીએ ટ્રેડ થયા બાદ અડધો ટકો ડાઉન બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ કેશ સામે ફ્લેટ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે બજારમાંથી લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17500નું સ્તર જાળવવામાં સફળ રહ્યો હતો. જ્યાં સુધી તે આ સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે ત્યાં સુધી પોઝીટીવ ટ્રેડ જાળવવો જોઈએ. જો 17500નું સ્તર તૂટશે તો નિફ્ટી વધુ ઘટાડો સૂચવી શકે છે. ફેડ રેટ વૃદ્ધિ બાદ આરબીઆઈ માટે સ્થાનિક સ્તરે રેટ વૃદ્ધિ કરવા માટે દબાણ ઊભું થયું છે. જોકે ભારતીય બજારમાં ફુગાવાની સ્થિતિ હજુ કંટ્રોલમાં છે અને તેથી આરબીઆઈ 50 બેસીસ પોઈન્ટ્સથી નીચે રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાં છે. રેટ વૃદ્ધિ પાછળ ડોલર ઈન્ડેક્સ 22 વર્ષોની નવી ટોચ પર પહોંચ્યો હતો. જેની પાછળ રૂપિયો પણ તેના ઐતિહાસિક તળિયા પર જોવા મળ્યો હતો. જે સ્થાનિક સ્તરે ફુગાવા પર દબાણ વધારી શકે છે.
ગુરુવારે માર્કેટને મુખ્ય સપોર્ટ એફએમસીજી તરફથી સાંપડ્યો હતો. આ ઉપરાંત ઓટો, ફાર્મા અને મેટલે પણ સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે 1.3 ટકા ઉછળી 45228ની ટોચ બનાવી 45080નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. એફએમસીજી કાઉન્ટર્સમાં વરુણ બેવરેજીસે 4 ટકા સાથે સૌથી ઊંચો સુધારો નોંધાવ્યો હતો. આ ઉપરાંત હિંદુસ્તાન યુનિલીવર 3 ટકા જેટલો સુધર્યો હતો. મેરિકો, ડાબર ઈન્ડિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ, બ્રિટાનિયા, આઈટીસી, પીએન્ડજી, ઈમામીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આઈટીસીએ તેની છેલ્લાં પાંચ વર્ષોની ટોચ દર્શાવી હતી. નિફ્ટી મેટલ 0.4 ટકા સુધર્યો હતો. જેમાં એનએમડીસી, વેદાંત, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તીન ઝીંક અને સેઈલ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 0.3 ટકા સુધારો સૂચવી રહ્યો હતો. જેમાં ટોરેન્ટ ફાર્મા 2.5 ટકા સાથે સૌથી મજબૂત જણાતો હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા અને લ્યુપિન પણ મજબૂત જોવા મળતાં હતાં. નિફ્ટી ઓટો પોણો ટકો સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ભારત ફોર્જ 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ 2 ટકા, મારુતિ સુઝુકી 1.7 ટકા, અશોક લેલેન્ડ 1.5 ટકા, ટાટા મોટર્સ એક ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બજાજ ઓટો અને ટીવીએસ મોટર સાધારણ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી બેંકે ગયા શુક્રવાર બાદ બીજી વાર વેચવાલીનું દબાણ અનુભવ્યું હતું. બેંક નિફ્ટી 1.4 ટકા ઘટાડે 40631ની સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં અગ્રણી ખાનગી બેંકિંગ શેર્સ પાછળ ભારે વેચવાલી જોવા મળી હતી. ટોચનો સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં એક્સિસ બેંક 2.2 ટકા, એચડીએફસી બેંક 2.1 ટકા, બેંક ઓફ બરોડા 2 ટકા, કોટક મહિન્દ્રા 1.3 ટકા, આઈસીઆઈસીઆઈ 1.3 ટકા અને ઈન્ડસઈન્ડ બેંક એક ટકા આસપાસ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર પીએનબી એક ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઘણા કાઉન્ટર્સમાં સારી લેવાલી જોવા મળી હતી. જેમાં મેટ્રોપોલીસ હેલ્થ 5.5 ટકા ઉછાળા સાથે બાઉન્સ દર્શાવતો હતો. આ ઉપરાંત તાતા કેમિકલ્સ 5 ટકા ઉછળ્યો હતો. પેજ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ટાઈટન કંપની, સન ટીવી નેટવર્ક, ગુજરાત ગેસ, ઈન્ડિયન હોટેલ્સ, ડો. લાલ પેથલેબ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝમાં 2 ટકાથી ઊંચો સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ ઈન્ડિયા સિમેન્ટ્સ 4 ટકાથી વધુ ગગડ્યો હતો. તે સિવાય સિટી યુનિયન બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગોદરેજ કન્ઝ્યૂમર, મૂથૂત ફાઈનાન્સ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વરુણ બેવરેજીસ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, વેલસ્પન કોર્પ, લક્ષ્મી મશીન, કેઆરબીએલ, કોચીન શીપયાર્ડનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3589 કુલ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1814 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં જ્યારે 1628 નેગેટિવ જોવા મળતાં હતાં. 166 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ નોઁધાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 147 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ ભાવ પર સ્થિર જોવા મળ્યાં હતાં.
બેંકિંગ સિસ્ટમમાં 40 મહિના બાદ લિક્વિડીટીની ખાધ જોવા મળી
હાલમાં જોવા મળી રહેલી દૈનિક રૂ. 20 હજાર કરોડની લિક્વિડીટી ખાધ
લૂઝ ફાઈનાન્સિયલ સ્થિતિ તરફથી સખત લિક્વિડિટી તરફ જઈ રહેલું મની માર્કેટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દૈનિક કામગીરીના ભાગરૂપ એવી બેંકિંગ સિસ્ટમ લિક્વિડીટી 40 મહિના બાદ પ્રથમવાર ખાધમાં પરિણમી છે. જે અર્થતંત્રમાં લૂઝ ફાઈનાન્સિયલ સ્થિતિ તરફથી દૂર થવાના નીતિગત ફેરફારનો સંકેત આપે છે. આરબીઆઈના મની માર્કેટ ઓપરેશન્સ પરના ડેઈલી ડેટા મુજબ સેન્ટ્રલ બેંકે 20 સપ્ટેમ્બરે રૂ. 21,873.43 કરોડની ચોખ્ખી લિક્વિડીટી બજારમાં ઠાલવી હતી. જે મે 2019 પછીની સૌથી ઊંચી રકમ હતી. આનો અર્થ એ થાય છે કે અત્યાર સુધી આરબીઆઈ પાસે વધારાની લિક્વિડીટી પાર્ક કરી રહેલી કમર્સિયલ બેંક્સ હવેથી આરબીઆઈ પાસેથી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી વિન્ડો મારફતે ફંડ્સ લઈ રહી છે. જે માટે તે 5.65 ટકાનો રેટ ચૂકવી રહી છે.
સિસ્ટમમાંથી લિક્વિડીટી દૂર થવાનો સીધો અર્થ એવો થાય છે કે બેંકોએ ડિપોઝીટ્સ મોબિલાઈઝ કરવા માટે ડિપોઝીટ્સ રેટ્સમાં વૃદ્ધિ કરવાની રહેશે. છેલ્લાં એક મહિનામાં અનેક બેંક્સે ફિક્સ ડિપોઝીટ્સ પર 6.1-6.2 ટકાનો રેટ ઓફર કરી સ્પેશ્યલ ડિપોઝીટ્સ સ્કિમ્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે. છેલ્લાં કેટલાંક મહિનામાં બલ્ક ડિપોઝીટ્સ પરના રેટ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ડિપોઝીટ્સ માટે પીએસયૂ, પ્રાઈવેટ અને સ્મોલ ફાઈનાન્સ બેંક્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. તહેવારોની સિઝનને કારણે ગ્રાહકો તરફથી ડિસ્ક્રિશ્નલરી સ્પેન્ડિંગમાં વૃદ્ધિ પાછળ પણ સિસ્ટમ લિક્વિડીટી પર વધુ દબાણ જોવા મળે તેવી શક્યતાં છે.
લિક્વિડીટી ટાઈટ બનવાના કારણે ઈન્ટરબેંક કોલ મની રેટ ત્રણ વર્ષની 5.85 ટકાની ટોચ પર પહોંચ્યાં છે. મની માર્કેટ રેટ્સ અથવા ઈન્ટરબેંક કોલ મની રેટ એ બેંકિંગ કંપનીઓ વચ્ચે આંતરિક લેવડ-દેવડનો દર ગણાય છે. આરબીઆઈની મોનેટરી પોલિસીના ઓપરેટિંગ ટાર્ગેટ એવો વેઈટેડ એવરેજ કોલ રેટ પણ ઉછળી 5.50 ટકા પર પહોંચ્યો છે. માત્ર બે મહિના અગાઉ તે 4.8 ટકા પર જોવા મળતો હતો. જે રેપો રેટની સરખામણીમાં નોંધપાત્ર નીચો હતો. જ્યારે હાલમાં તે 5.4 ટકાના રેપો રેટની 10 બેસીસ પોઈન્ટ્સ ઉપર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી ઈસ્યુ કરવામાં આવતાં 364-દિવસની મુદતના ટ્રેઝરી બિલ્સ પર કટ-ઓફ યિલ્ડ ચાલુ ક્વાર્ટરમાં 51 બેસીસ પોઈન્ટ્સ જેટલાં ઉછળ્યાં છે. અર્થતંત્રમાં બોરોઈંગ ખર્ચમાં સાર્વત્રિક સખતાઈને કારણે મની માર્કેટ રેટ્સ ઉછળી રહ્યાં છે. બેંકિંગ કંપનીઓ પાસેથી લિક્વિડીટી સૂકાઈ ગયાના એક અન્ય પુરાવામાં આરબીઆઈ તરફથી રૂ. 50 હજાર કરોડના ઓવરનાઈટ વેરિએબલ રેપો રેટ ઓક્શનની થયેલી જાહેરાત હતું. જે ગુરુવારે યોજાવાનું હતું. મની માર્કેટ પાર્ટિસિપન્ટ્સના જણાવ્યા મુજબ હાલમાં બેંકિંગ સિસ્ટમમાં રૂ. 20 હજાર કરોડની લિક્વિડીટી ડેફિસિટ જોવા મળી રહી છે.
લિક્વિડિટી ટાઈટનીંગની અસર
• એક વખતે આરબીઆઈ પાસે સરપ્લસ ફંડ પાર્ક કરતી બેંક્સ હવે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી વિન્ડો મારફતે 5.65 ટકા રેટ ચૂકવી આરબીઆઈ પાસેથી ફંડ્સ લઈ રહી છે.
• ઓવરનાઈટ કોલ રેટ્સ ત્રણ વર્ષોની ટોચ પર પહોંચ્યાં.
• બેંકોએ લિક્વિડીટીની તંગી દૂર કરવા માટે ડિપોઝીટ્સ રેટ્સમાં ફરી વૃદ્ધિ કરવી પડશે.
• આરબીઆઈએ ગુરુવારે રૂ. 50 હજાર કરોડનું ઓવરનાઈટ રેટ રેપો ઓક્શન યોજ્યું હતું.
• ટ્રેઝરી-બિલ્સમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં 51 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ હતી. જેની પાછળ બોરોઈંગ કોસ્ટ ઊંચી ગઈ હતી.
ફેડ રેટ વૃદ્ધિ છતાં ક્રૂડ ઉછળ્યું, સોનું ટકેલું
યુએસ ફેડ તરફથી સતત ત્રીજી વાર 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ બાદ પણ ક્રૂડમાં મજબૂતી જોવા મળી હતી. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 3 ટકાથી વધુ ઉછાળે 93 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં બે સપ્તાહ દરમિયાન તે 88 ડોલરના સ્તરે મજબૂત સપોર્ટ મેળવી પરત ફરી રહ્યો છે. જ્યારે ઉપરમાં 95 ડોલરનો અવરોધ અનુભવી રહ્યો છે. વૈશ્વિક ગોલ્ડના ભાવમાં પણ અડધા ટકાનો સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 0.7 ટકા સુધારે 1687 ડોલર પર ટ્રેડ થતો હતો. જ્યારે સ્પોટ ગોલ્ડનો ભાવ 1773 ડોલર પર જોવા મળી રહ્યો હતો.
કોટન માર્કેટમાં અન્ડરટોન નરમ
નવી સિઝનમાં ઊંચા પાકના અંદાજો વચ્ચે મિલો તરફથી ખરીદીના અભાવે કોટનમાં અન્ડરટોન નરમ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર ડિલીવરીના રૂ. 66 હજાર આસપાસના સોદા થઈ રહ્યાં છે. જ્યારે હાજર માલોના રૂ. 75 હજાર આસપાસ બોલાય રહ્યાં છે. વર્તુળોના મતે ઉત્તર બાજુએ વરસાદી માહોલને લઈ ચિંતા પાછળ ભાવને સપોર્ટ મળ્યો છે. છેલ્લાં એક મહિનામાં કોટનના ભાવ તેની ટોચ પરથી રૂ. 25 હજાર જેટલા ગગડ્યાં છે. જેનું મુખ્ય કારણ માગના અભાવ વચ્ચે સ્થાનિક સ્તરે નવા પાકનું સારુ ચિત્ર છે. વૈશ્વિક બજારમાં પણ યુએસ ખાતે પાકની સ્થિતિ સુધરતાં સુસ્તી જોવા મળી રહી છે.
ખરિફ ઉત્પાદન 60 લાખ ટન નીચું રહેવાનો અંદાજ
ચોખાના ઉત્પાદનમાં 67.7 લાખ ટન ઘટાડાની શક્યતાં પાછળ કુલ ઉત્પાદન ઘટશે
જોકે જાડાં ધાન્યો, કપાસ અને શેરડીનું ઉત્પાદન વધશે
આગામી ખરિફ માર્કેટિંગ સિઝનમાં કુલ ઉત્પાદન 60 લાખ ટન જેટલું નીચું જોવા મળે તેવો અંદાજ કેન્દ્રિય કૃષિ મંત્રાલયે રજૂ કર્યો છે. મુખ્યત્વે ચોખાના ઉત્પાદનમાં 67.7 લાખ ટન ઉત્પાદન પાછળ ખરિફ ઉત્પાદન ઘટાડો દર્શાવશે. ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ ચાલુ ચોમાસામાં 17 ટકા વરસાદ ખાધ હોવાનું જણાવાયું છે. જેની પાછળ મુખ્ય ખરિફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
બુધવારે ખરિફ પાક અંગેના પ્રથમ એડવાન્સ્ડ અંદાજ મુજબ ખાદ્યાન્નનું ઉત્પાદન 14.992 કરોડ ટન પર જોવા મળશે. જે ગઈ સિઝનની સરખામણીમાં 61.2 લાખ ટનનો ઘટાડો દર્શાવતું હશે. જેમાં જાડાં ધાન્યોનું ઉત્પાદન 3.656 કરોડ ટન રહેશે. જે ગઈ સિઝનમાં જોવા મળતાં 3.591 કરોડ ટનની સરખામણીમાં થોડું ઊંચું હશે. જ્યારે કઠોળનું ઉત્પાદન 83.7 લાખ ટન પર ગઈ સિઝનની સમકક્ષ જ જોવા મળશે. જાડાં ધાન્યોમાં ઉત્પાદનમાં વૃદ્ધિ મુખ્યત્વે મકાઈના ઉત્પાદનમાં જોવાઈ રહેલા વધારા પાછળ હશે. મકાઈનું ઉત્પાદન ગઈ સિઝનમાં 2.263 કરોડ ટન સામે નવી સિઝનમાં 2.31 ટન રહે તેવી શક્યતાં છે. જોકે જુવાર અને રાગીના વાવેતર વિસ્તારમાં ઘટાડાને કારણે જાડાં ધાન્યના કુલ ઉત્પાદનમાં માત્ર 1.8 ટકાની સાધારણ વૃદ્ધિ જોવા મળશે. કઠોળમાં વાવેતરમાં 4.1 ટકા ઘટાડા છતાં ઉત્પાદન ગઈ સિઝનની બરાબર જળવાશે.
ખરિફ તેલિબિયાંની વાત કરીએ તો કુલ ઉત્પાદન 2.357 કરોડ ટન પર રહેવાનો અંદાજ છે. જે ગઈ સિઝનમાં 2.388 કરોડ ટન પર જોવા મળતું હતું. તેલિબિયાંમાં ઉત્પાદન મુખ્યત્વે મગફળીના ઉત્પાદનમાં ઘટાડા પાછળ હશે. કેમકે કોમોડિટીનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. જોકે મગફળીનું ઉત્પાદન ગઈ સિઝનના 83.75 લાખ ટન સામે નવી સિઝનમાં 1.3 ટકાનો સાધારણ ઘટાડો જ સૂચવશે. કેમકે આ વખતે ઉત્પાદક્તા સારી રહેવાની શક્યતાં છે. સોયાબિનનું ઉત્પાદન ગઈ સિઝનમાં 1.3 કરોડ ટન સામે ચાલુ સિઝનમાં 1.289 ટન રહેવાનો અંદાજ જોવાઈ રહ્યો છે. ખરિફમાં મહત્વના રોકડિયા પાક કપાસનું ઉત્પાદન 3.42 કરોડ ગાંસડી રહેવાનો અંદાજ છે. જે પૂરી થવા થઈ રહેલી સિઝનમાં 3.12 કરોડ ગાંસડી પર જોવાઈરહ્યો છે. શણ અને મેસ્ટાના ઉત્પાદનમાં પણ સાધારણ ઘટાડાની શક્યતાં જોવાઈ રહી છે. જોકે શેરડીનું ઉત્પાન ગઈ સિઝનમાં 43.181 કરોડ ટન સામે નવી સિઝનમાં 46.50 કરોડ ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ખરિફ ઉત્પાદનનો અંદાજ(કરોડ ટન)
પાક 2022 2021 ફેરફાર(ટકામાં)
ચોખા 10.499 11.176 -6.1
જાડાં ધાન્યો 3.656 3.591 1.8
કઠોળ 0.83 0.837 0
તેલિબિયાં 2.357 2.388 -1.3
કપાસ* 34.19 31.20 9.57
શેરડી 46.50 43.18 7.69
(* કોટનનું ઉત્પાદન કરોડ ગાંસડીમાં)
કોર્પોરેટ હેડલાઈન્સ
એસપી એપરલ્સઃ ટેક્સટાઈલ કંપનીના બોર્ડે 6 લાખ શેર્સ સુધીના બાયબેકને મંજૂરી આપી છે. જે કંપનીના પેઈડ-અપ કેપિટલનો 2.34 ટકા હિસ્સો થવા જાય છે. કંપની રૂ. 585 પ્રતિ શેરના ભાવે કુલ રૂ. 35.10 કરોડ સુધીના મૂલ્યનું શેર બાયબેક કરશે.
વિપ્રોઃ આઈટી કંપનીએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં 300 કર્મચારીઓને છૂટાં કર્યાં છે. આ કર્મચારીઓ કંપનીના રોલ પર હોવા સાથે હરિફ કંપનીઓ માટે કામ કરી રહ્યાં હોવાનું કંપનીના એક્ઝીક્યૂટીવ ચેરમેન રિશાદ પ્રેમજીએ જણાવ્યું હતું.
એક્સેન્ચરઃ ટોચની આઈટી કંપનીએ પ્રથમ ક્વાર્ટર માટે રેવન્યૂ અપેક્ષાથી રહેવાની આગાહી કરી છે. તેણે જણાવ્યું છે કે ઊંચા ઈન્ફ્લેશન અને મજબૂત ડોલરને કારણે આઈટી સ્પેન્ડિંગ પર નેગેટિવ અસર પડશે. ફેડ તરફથી તીવ્ર રેટ વૃદ્ધિને કારણે ડોલર ઈન્ડેક્સ 16 ટકા ઉછળ્યો છે. ટોચની ટેક જાયન્ટ્સે તેમના વિદેશી ઓપરેશન્સમાં કાપ મૂક્યો હોવાનું કંપની જણાવે છે.
એસબીઆઈઃ ટોચની બેંકે ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 4000 કરોડ ઊભા કર્યાં છે. તેણે 7.57 ટકાના કટ-ઓફ રેટે આ રકમ મેળવી છે. રૂ. 2 હજાર કરોડના બેઝ ઈસ્યુ સામે બેંકે રૂ. 9647 કરોડના બીડ્સ સાથે ખૂબ જ સારો પ્રતિસાદ મેળવ્યો હતો.
અશોક બિલ્ડકોનઃ ઈન્ફ્રા કંપનીએ સાઉથ વેસ્ટર્ન રેલ્વે પાસેથી રૂ. 258.12 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મેળવ્યો છે.
આઈડીબીઆઈ બેંકઃ સરકાર અને એલઆઈસીની માલિકીની બેંકે એજિસ ફેડરલ લાઈફ ઈન્શ્યોરન્સમાંનો તેનો સમગ્ર હિસ્સો એજીસ ઈન્શ્યોરન્સ ઈન્ટરનેશનલ એનવીને વેચાણ કર્યો છે.
સ્પાઈસ જેટઃ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ પ્રાઈવેટ પેસેન્જર કેરિયર પર 29 ઓક્ટોબર સુધી માત્ર 50 ટકા ક્ષમતાએ કામ કરવાના નિયંત્રણને જાળવી રાખ્યો છે. ઘણી સાવચેતીને કારણે તેણે તેના નિર્ણયને એક મહિના માટે લંબાવ્યો છે.
ડોડલા ડેરીઃ ભારત બાયો ટેક ઈન્ટરનેશનલે ડેરી કંપનીમાં ઓપન માર્કેટ ઓપરેશન મારફતે 20,26,434 ઈક્વિટી શેર્સ અથવા 3.4 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
આરઈસીઃ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ એવી રૂરલ ઈલેક્ટ્રિસિટી કંપનીને કેન્દ્ર સરકાર તરફથી ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે.
સ્પંદના સ્ફૂર્તિઃ માઈક્રો ફાઈનાન્સ કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર રૂ. 25 કરોડના મૂલ્યના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરવાનું નક્કી કર્યું છે. જેમાં રૂ. 25 કરોડનો ગ્રીન-શૂ ઓપ્શન રહેશે.
Market Summary 22 September 2022
September 22, 2022
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2022/09/Market-Summary-22-Sept-2022.jpg)