Categories: Market TipsNEWS

Market Summary 22 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં સાત મહિનાનો સૌથી મોટો કડાકોઃ સેન્સેક્સ 1170 પોઈન્ટ્સ તૂટ્યો

કૃષિ બિલ્સ પરત ખેંચાતા આર્થિક સુધારામાં પીછેહઠ, પેટીએમની લિસ્ટીંગ નિષ્ફળતા અને યુરોપમાં કોવિડ કેસિસ પાછળ ફરી નિયંત્રણોની શરૂઆત પાછળ સેન્ટીમેન્ટ ખરડાયું

વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 16 મહિનાની 96.24ની ટોચ પર પહોંચતાં રોકાણકારો ફરી ‘રિસ્ક-ઓફ’ મોડમાં

સ્થાનિક શેરબજાર રોકાણકારોએ એક મહિનામાં માર્કેટ-વેલ્થમાં રૂ. 14 લાખ કરોડનો ઘટાડો નોંધાવ્યો

સોમવારે બ્રોડ બેઝ વેચવાલી પાછળ બીએસઈ ખાતે ત્રણ શેર્સમાં ઘટાડા સામે એક શેર્સમાં સુધારો જોવા મળ્યો

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત મંદીવાળાઓના જબરદસ્ત પ્રહાર સાથે થઈ હતી. જેમાં શેરબજારે છેલ્લાં સામ મહિનાનો સૌથી મોટા એક દિવસીય ઘટાડો નોંધાવતાં સેન્સેક્સ 1170 પોઈન્ટ્સ ગગડી 58465.89 જ્યારે નિફ્ટી 348.25 પોઈન્ટ્સના ઘટાડે 17416.55ના સ્તરો પર બંધ રહ્યાં હતાં. અગાઉ 12 એપ્રિલે 3.53 ટકાના ચાલુ કેલેન્ડરના સૌથી મોટા ઘટાડા બાદ બજાર સોમવારે 2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 42 તેમના અગાઉના બંધ સામે ઘટીને બંધ આવ્યાં હતાં. જ્યારે સેન્સેક્સના 30માંથી 27 પ્રતિનિધિઓએ રેડ ઝોનમાં બંધ દર્શાવ્યું હતું. તાજેતરના ઘટાડા બાદ રોકાણકારોની વેલ્થમાં એક મહિનામાં રૂ. 14 લાખ કરોડનું ગાબડું પડ્યું છે અને તે રૂ. 275 લાખ કરોડ પરથી રૂ. 261 લાખ કરોડ પર આવી ગઈ છે.

ભારતીય બજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં છેલ્લાં બે સપ્તાહથી જોવા મળી રહેલાં અન્ડરપર્ફોર્મન્સનો દોર જાળવ્યો હતો. એશિયન અને યુરોપિય બજારોમાં મહ્દઅંશે પોઝીટીવ ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવવા સાથે દિવસ દરમિયાન સતત ઘસાતું રહ્યું હતું. ગયા સપ્તાહે 17764.80ના સ્તરે બંધ રહેલો નિફ્ટી ઈન્ટ્રા-ડે 485 પોઈન્ટ્સ ગગડી 17280ના તળિયાં પર જોવા મળ્યો હતો. ત્યાંથી 136 પોઈન્ટ્સ બાઉન્સ થઈને બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક 19 ઓક્ટોબરે તેણે દર્શાવેલી 18606ની સર્વોચ્ચ સપાટીથી લગભગ 7 ટકા જેટલો ઘટી ચૂક્યો છે. જે એપ્રિલ 2020થી માર્કેટમાં જોવા મળેલી તેજી બાદ બીજીવાર જોવા મળેલું સૌથી મોટું કરેક્શન છે. અગાઉ જાન્યુઆરી 2020માં તેણે 8 ટકાનું કરેક્શન દર્શાવ્યું હતું. જ્યાંથી તે ઝડપથી પરત ફર્યો હતો. જોકે તે વખતે બજેટ એક મહત્વનું પોઝીટીવ ટ્રિગર બની રહ્યું હતું. જે આ વખતે પોઝીટીવ ટ્રિગરનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેથી બજાર શોર્ટ ટર્મમાં બાઉન્સ થયા બાદ ઘટાડો જાળવી રાખે તેવી શક્યતા છે.
સોમવારે બજારમાં તીવ્ર ઘટાડાના કારણોમાં સરકાર દ્વારા એક વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલા ત્રણ મહત્વના કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત માનવામાં આવે છે. સરકારના આ પગલાની રોકાણકારોએ ગંભીર નોંધ લીધી છે. તેઓ આને આર્થિક સુધારાની દિશામાંથી પીછેહઠ તરીકે પણ જોઈ રહ્યાં છે. ગયા સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં સૌથી મોટા આઈપીઓ પેટીએમના નિરાશ લિસ્ટીંગને પણ માર્કેટના સેન્ટિમેન્ટ માટે જવાબદાર ગણાવાઈ રહ્યું છે. જ્યારે યુરોપ ખાતે ઓસ્ટ્રિયામાં સંપૂર્ણ લોકડાઉન સાથે જર્મનીમાં વેક્સિન નહિ લેનારાઓ પર પ્રતિબંધો જેવી ઘટનાએ પણ રોકાણકારોની ચિંતા વધારી છે. ફેડ તરફથી અપેક્ષા કરતાં ઝડપી રેટ વૃદ્ધિની શક્યતાં પાછળ વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 96.24ની 16 મહિનાઓની ટોચ પર પહોંચ્યો છે. જે રોકાણકારો ફરી માર્ચ 2020 બાદ ફરી ‘રિસ્ક-ઓફ’ મોડમાં જઈ રહ્યાં હોવાનું સૂચવે છે એમ પણ એનાલિસ્ટ્સનું કહેવું છે.


પેટીએમનો શેર વધુ 13 ટકા તૂટ્યો, પ્રમોટરની વેલ્થમાં બે સત્રોમાં 80 કરોડ ડોલરથી વધુનું ધોવાણ

બે દિવસોમાં ઓફર પ્રાઈસથી કંપનીના માર્કેટ-કેપમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો
ગયા સપ્તાહાંતે લિસ્ટ થયેલા દેશના સૌથી મોટા આઈપીઓ પેટીએમના શેરમાં બીજા ટ્રેડિંગ દિવસે વધુ 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અગાઉના રૂ. 1569.80ના બંધ સામે ડિજિટલ પેમેન્ટ સુવિધા પૂરી પાડતી કંપનીનો શેર રૂ. 290ના ઘટાડે રૂ. 1271નું તળિયું દર્શાવી રૂ. 1359.69ના ભાવે બંધ રહ્યો હતો. જે ભાવે તે ઓફરભાવ સામે રૂ. 790 અથવા 37 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. આમ શરૂઆતી બે સત્રોમાં જ કંપનીનો શેર રૂ. 1.5 લાખ કરોડના એમ-કેપ પર ઓફર સામે રૂ. 62 બજાર કરોડના નુકસાન સાથે રૂ. 88 હજાર કરોડના માર્કેટ-કેપ પર જોવા મળ્યો હતો. કંપનીના ફાઉન્ડર પ્રમોટર વિજય શર્માની વેલ્થ બે સત્રોમાં જ 80 કરોડ ડોલરથી વધુનું ધોવાણ દર્શાવતી હતી. આઈપીઓના ઓપનીંગ વખતે શર્મા પાસે રહેલા કંપનીના 6 કરોડ શેર્સનું મૂલ્ય 2.3 અબજ ડોલર થતું હતું. જે સોમવારે 1.5 અબજ ડોલર નીચે ઉતરી ગયું હતું. તેઓ કંપનીમાં 2.1 કરોડ ઓપ્શન્સ પણ ધરાવે છે.

બેન્ચમાર્ક્સમાં ટોપથી 7 ટકા ઘટાડા સામે નિફ્ટી-500 જૂથના શેર્સમાં 57 ટકા ઘટાડો
જૂથમાં સમાવિષ્ટ 500માંથી 498 કાઉન્ટર્સનું નેગેટિવ રિટર્ન, માત્ર બે શેર્સમાં ફ્લેટ ટ્રેડ
203 કાઉન્ટર્સ તેમના ટોચના ભાવથી 20 ટકા કરતાં વધુ તૂટ્યાં

ભારતીય બજાર એક મહિના અગાઉ તેની સર્વોચ્ચ ટોચ બનાવ્યાં બાદ લગભગ 7 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યું છે. જોકે સમગ્ર માર્કેટ પર નજર નાખીએ તો ચિત્ર વધુ ગંભીર જોવા મળે છે. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં લગભગ 57 ટકા જેટલું મૂડી ધોવાણ થઈ ચૂક્યું છે. બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સ તેમની ટોચથી અડધાં કરતાં પણ વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
એનએસઈ-500 જૂથના શેર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે જૂથમાં સમાવિષ્ટ 500માંથી 498 કાઉન્ટર્સ તેની 52-સપ્તાહની ટોચ સામે નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. આમાંથી 203 કાઉન્ટર્સ 20 ટકાથી લઈ 57.1 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. જ્યારે 200 કાઉન્ટર્સ 10-20 ટકા જેટલું કરેક્શન દર્શાવી રહ્યાં છે. જ્યારે બાકીના 97 કાઉન્ટર્સ 10 ટકા સુધીનો ઘસારો નોંધાવે છે. માત્ર બે કાઉન્ટર્સ એવા છે જેઓ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એટલેકે તેમની વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં ટ્રાઈડન્ટ ઈન્ડસ્ટ્રીઝ અને ટીટીએમએલનો સમાવેશ થાય છે.
સોમવારે ભારતીય બેન્ચમાર્કસ નિફ્ટીએ 17280નું તળિયું દર્શાવ્યું હતું. જે 19 ઓક્ટોબરે નિફ્ટીએ બનાવેલા 18606ના સર્વોચ્ચ સ્તરેથી 1300 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. ટકાવારીના સંદર્ભમાં નિફ્ટીમાં ઘટાડો 7 ટકા બેસતો હતો. જોકે તેની સરખામણીમાં એનએસઈ-500 જૂથના શેર્સમાં ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર તેની વાર્ષિક ટોચ પરથી 57.1 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. કંપનીનો શેર રૂ. 44.6ની ટોચ સામે સોમવારે રૂ. 19.15ના સ્તરે બંધ રહ્યો હતો. આવા કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં ઘાની સર્વિસિઝ(-56.4 ટકા), ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ(-55.6 ટકા), સ્ટાર(-51.9 ટકા), પીએનબી હાઉસિંગ(-50.7 ટકા), એજિસ કેમ(-49.1 ટકા), વકરાંગી(-49 ટકા), સિક્વન્ટ સાઈન્સિઝ(-48.7 ટકા) અને વોખાર્ડ ફાર્મા(-47.8 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાના પ્રાઈવેટ સેક્ટર બેંક શેર્સ પણ નોઁધપાત્ર ઘટાડો સૂચવી રહ્યાં છે. છેલ્લા પોણા બે વર્ષોમાં લાર્જ-કેપ્સની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવનાર મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સ છેલ્લાં મહિનાથી નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 33243ના તેના ટોચના સ્તર સામે સોમવારે 10 ટકાથી વધુના ઘટાડા સાથે 30331.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 11876.50ના તેના સર્વોચ્ચ સ્તર સામે 10734.05 પર લગભગ 10 ટકા ઘટાડે જોવા મળી રહ્યો હતો. છેલ્લાં ચાર દિવસોમાં લાર્જ-કેપ્સ પાછળ બ્રોડ માર્કેટમાં પણ મોટી વેચવાલી જોવા મળી છે. જેને કારણે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં બજારમાં ઊંચી કામગીરી દર્શાવનાર રિટેલ વર્ગ ફરી એકવાર સાઈડલાઈન બની ગયો છે અને માર્કેટના કામકાજ પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. છેલ્લાં ઘણા મહિનાઓથી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલીને રિટેલ રોકાણકારોએ પચાવી હતી અને બજાર નવી ટોચ દર્શાવતું રહ્યું હતું. જે ક્રમ હવે થંભી ગયો હોવાનું વર્તુળો જણાવે છે.

નિફ્ટી-500 શેર્સનો છેલ્લાં બે મહિનાનો દેખાવ
સ્ક્રિપ્સ વાર્ષિક ટોચ(રૂ.) બજારભાવ(રૂ.) ભાવમાં ઘટાડ(ટકામાં)
ઉજ્જીવન સ્મોલ ફાઈ. બેંક 44.6 19.15 -57.1
ધાની સર્વિસિઝ 395.95 172.5 -56.4
ઉજ્જીવન સ્મોલ ફાઈ. 310.95 138.1 -55.6
સ્ટાર 994.93 478.95 -51.9
PNB હાઉસિંગ 925 456 -50.7
એજિસ કેમ 382.46 194.85 -49.1
વકરાંગી 69.7 35.55 -49.0
સિક્વન્ટ સાઈયન્સિઝ 336.2 172.45 -48.7
વોખાર્ડ ફાર્મા 804.9 420 -47.8
વૈભવ ગ્લોબલ 1050 552 -47.4
સ્પંદના સ્ફૂર્તિ 830 439.9 -47.0
ફ્યુચર રિટેલ 88.85 48 -46.0
સોલાર 1844.79 1009.25 -45.3


RBIએ પીએમસી બેંક- USFB એમાલ્ગમેશન માટે રૂપરેખા જાહેર કરી
યોજના હેઠળ પીએમસીના ડિપોઝિટર્સને 10 વર્ષોમાં સંપૂર્ણ રકમ પરત મળશે

બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 22 નવેમ્બરે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ(પીએમસી) બેંક અને યુનિટિ સ્મોલ ફાઈનાન્સ બેંક(યુએકએફબી)ના એમાલ્ગમેશન માટેની રૂપરેખા જાહેર કરી છે. જે હેઠળ યુએસએફબી પીએમસી બેંકની તમામ એસેટ્સ અને લાયેબિલિટીઝને ટેકઓવર કરશે. જેમાં ડિપોઝીટ્સનો સમાવેશ પણ થશે. જેને કારણે ડિપોઝીટર્સને ઊંચી કક્ષાની સુરક્ષિતતા પ્રાપ્ય બનશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રે સ્મોલ ફાઈનાન્સ બેંક માટે ઓન-ટેપ લાયસન્સિંગ માટેની માર્ગદર્શિકાઓ હેઠળ રૂ. 200 કરોડની રેગ્યુલેટરી જરૂરિયાત સામે યુએસએફબી રૂ. 1100 કરોડની મૂડી સાથે સ્થાપવામાં આવી છે. જેમાં એમાલ્ગમેશન વખતે વધુ કેપિટલ ઈનફ્યુઝનની જોગવાઈનો સમાવેશ થાય છે. ડ્રાફ્ટ સ્કીમ હેઠળ યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકના પ્રમોટર્સને 1 નવેમ્બર 2021ના રોજ વધુ મૂડી રોકાણ માટે રૂ. 1900 કરોડના ઈક્વિટી વોરંટ્સ ઈસ્યુ કરવામાં આવ્યાં હતાં. આરબીઆઈએ 10 ડિસેમ્બર સુધીમાં ડ્રાફ્ટ સ્કીમ પર સૂચનો મંગાવ્યાં છે. જ્યારબાદ તે આખરી નિર્ણય લેશે. મહારાષ્ટ્ર સ્થિત પીએમસી બેંકના ડિપોઝીટર્સને તેમની ડિપોઝીટ્સની રકમ ત્રણથી દસ વર્ષોમાં પરત કરવામાં આવશે એમ પણ સ્કીમમાં જણાવાયું છે. જે મુજબ ખરીદાર બેંક ડીઆઈસીજીસીએ આપેલી ગેરંટી મુજબ ડિપોઝીટર્સને રૂ. 5 લાખ સુધીની ડિપોઝીટ્સની રકમ પરત કરશે. જેની ઉપર બેંક તેણે અત્યાર સુધી બે વર્ષોના અંતે ચૂકવેલી રકમ પર રૂ. 50 હજાર સુધીની રકમ ચૂકવશે.

એરટેલની ટેરિફ વૃદ્ધિ પાછળ ટેલિકોમ શેર્સમાં 6 ટકાનો ઉછાળો

સોમવારે ભારતીય બજારમાં તીવ્ર વેચવાલી વચ્ચે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા મુખ્ય હતાં. ભારતી એરટેલે તેની વિવિધ સેવાઓના દરોમાં વૃદ્ધિ કરતાં કંપનીનો શેર 6 ટકા જેટલો ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. એનએસઈ ખાતે શેરે રૂ. 755.95ની સર્વોચ્ચ સપાટી દર્શાવી કામકાજના અંતે 3.88 ટકા સુધારા સાથે રૂ. 742.10ના સ્તરે બંધ આપ્યું હતું. જે સાથે તેણે રૂ. 4 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. બંધ ભાવે કંપનીનું એમ-કેપ રૂ. 4.15 કરોડ પર જોવા મળતું હતું. કંપનીએ 26 નવેમ્બરથી અમલમાં આવે તે રીતે તેની સેવાઓના દરોમાં વૃદ્ધિ કરી છે. કંપનીએ તેના પ્રિપેઈડ ટેરિફમાં 20-25 ટકા જ્યારે ટોપ-અપ પ્લાન્સમાં 20-21 ટકા વૃદ્ધિ કરી છે. કંપનીએ જણાવ્યા મુજબ તે હંમેશા માનતી આવી છે કે એવરેજ રેવન્યૂ પર યુઝર(આરપૂ) રૂ. 200થી 300 હોવો જોઈએ. જેથી કરીને મૂડી રોકાણ પર વાજબી રિટર્ન પ્રાપ્ય બની રહે. તેમજ પજી સર્વિસના લોંચિંગમાં પણ જરૂરી અવકાશ મળી રહે. ભારતીએ ટેરિફ વૃદ્ધિ કરી હોવાના અહેવાલ પાછળ વોડાફોન આઈડિયાના શેરમાં પણ લેવાલી જોવા મળી હતી અને તે 6 ટકા સુધારા સાથે રૂ. 10.55ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 10.90ની ટોચ દર્શાવી હતી.
ટાટા સન્સે જૂથની ટેલિકોમ કંપનીના ડેટ અંગે ખાતરી આપી
ટાટા જૂથની હોલ્ડીંગ કંપની ટાટા સન્સે ટાટા ટેલિસર્વિસિસ(ટીટીએસએલ)ના ધિરાણકારોને ટેલિકોમ્યુનિકેશન્સ કંપનીની ડેટ જવાબદારીને લઈને બાંહેધરી આપી છે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં ટેલિકોમ કંપનીઓ માટે એજીઆર ચૂકવણી મુદ્દે આપેલા ચાર વર્ષોના મોરેટોરિયમ અગાઉ જ ટીટીએસએલની અનલિસ્ટેડ સબસિડિયરી માટે ગેરંટી પૂરી પાડવામાં આવી હતી. કંપનીએ એજીઆર પેટે રૂ. 14 હજાર કરોડ ચૂકવવના રહેશે. જૂન 2019 સુધીમાં ટીટીએસએલમાં ટાટા સન્સે રૂ. 46600નું કુલ રોકાણ કર્યું હતું. જે મારફતે કંપનીને તેની મોબાઈલ સર્વિસિસ શરૂ કરવા માટે લીધેલાં ડેટની પુનઃચૂકવણીમાં રાહત મળી હતી. આ ઉપરાંત એજીઆરનું વધારાનું ભારણ પણ ટાટા સન્સ દ્વારા ચૂકવવામાં આવશે. કેમકે ટીટીએમએલ પાસે કેશ અથવા તો તેની સમકક્ષ એસેટ્સ એજીઆર ડ્યુસ કરતાં ઓછી છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

7 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

7 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

7 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

7 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

7 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

7 months ago

This website uses cookies.