બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓના વળતાં હુમલામાં સેન્સેક્સ 697 પોઈન્ટ્સ ઉછળ્યો
નિફ્ટી દિવસના તળિયેથી 328 પોઈન્ટ્સ ઉછળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.23 ટકા ઘટી 24.07ના સ્તરે
એફએમસીજી કાઉન્ટર્સમાં સાર્વત્રિક વેચવાલી
માર્કેટ-બ્રેડ્થ જોકે નરમ જોવા મળી
એશિયન બજારોમાં હોંગ કોંગમાં 3 ટકાનો ઉછાળો
મંગળવારે તેજીવાળાઓ મક્કમ રહેતાં શરૂઆતી નરમાઈ દર્શાવ્યા બાદ બજાર સુધારાતરફી બની રહ્યું હતું અને જોત-જોતામાં તેણે સોમવારના ઘટાડાને રિકવર કરી લીધો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 198 પોઈન્ટ્સ ઉછળી 17300ના સ્તરને કૂદાવી 17316 પર જ્યારે સેન્સેક્સ 697 પોઈન્ટ્સ ઉછળી 57989 પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે લો સપાટીએથી 328 પોઈન્ટ્સનો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.23 ટકાના ઘટાડે 24.07 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 8માં નરમાઈ જોવા મળી હતી.
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજાર કામકાજની ફ્લેટ શરૂઆત દર્શાવ્યાં બાદ નરમાઈમાં સરી પડ્યું હતું અને મધ્યાહન સુધી નરમ ટ્રેડ દર્શાવતું હતું. જોકે ટ્રેડિંગના છેલ્લા બે કલાક દરમિયાન બજારમાં ઊંચી ખરીદી જોવા મળી હતી અને બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. કામકાજને અંતે તેઓ ઈન્ટ્રા-ડે ટોચ નજીક બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જે સૂચવે છે કે માર્કેટનો અન્ડરટોન મજબૂત છે અને આગામી સત્રોમાં તે વધુ સુધારો દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17000નો મહત્વનો સપોર્ટ છે. જેની ઉપર તે સુધારાતરફી બની રહેશે. મંગળવારે 17300ની સપાટી પર બંધ આપતાં તેના માટે હવે રૂ. 17700નો નવો ટાર્ગેટ છે. જે પાર થશે તો 18200 સુધીનો સુધારો પણ આગામી મહિને જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારોની પણ નાણાકિય વર્ષાંત પૂર્વે ખરીદી જોવા મળી રહી છે અને તેણે બજારને મોટી રાહત પૂરી પાડી છે. સ્થાનિક સંસ્થાઓ તો છેલ્લાં છ મહિનાઓથી સતત ખરીદાર રહી છે. આમ બજારને હાલમાં બેવડો સપોર્ટ મળી રહ્યો છે. માર્કેટ નિરીક્ષકોના મતે ચોથા ક્વાર્ટરના પરિણામો એપ્રિલના બીજા સપ્તાહથી શરૂ થશે અને તે અગાઉ માર્કેટ ફરી એકવાર 18300ના જાન્યુઆરીમાં બનેલા ટોચને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે.
મંગળવારે સતત બીજા દિવસે ક્રૂડના ભાવમાં મજબૂતી છતાં શેરબજારે મજબૂતી દર્શાવવામાં સફળ રહ્યું હતું. એશિયન બજારોમાં હોંગ કોંગ અને જાપાન ખાતે નોંધપાત્ર સુધારાએ પણ સપોર્ટ કર્યો હતો. જાપાનનું બજાર 1.5 ટકા જ્યારે હોંગ કોંગ 3.15 ટકાનો સુધારો દર્શાવતું હતું. કોરિયા, ચીન અને સિંગાપુર પણ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. ડાઉ ફ્યુચર્સ 200 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવી રહ્યો હતો. આમ બુધવારે પણ પોઝીટીવ ઓપનીંગની શક્યતાં હતી. લાર્જ-કેપ્સમાં લેવાલી વચ્ચે મીડ-કેપ્સમાં ખરીદીનો અભાવ હતો. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. કુલ 3513 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1540 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1858 નેગેટિવ જોવા મળતાં હતાં. 127 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.17 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.28 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં એફએમસીજીમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું અને હિંદુસ્તાન લીવર જેવો અગ્રણી શેર તેના વાર્ષિક તળિયા નજીક બંધ જોવા મળ્યો હતો. તે 2.8 ટકા ઘટાડે રૂ. 2000ની સપાટી નીચે ઉતરી ગયો હતો. નેસ્લે અને બ્રિટાનિયા જેવા એફએમસીજી કાઉન્ટર્સ પણ 2.5 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સિપ્લા 1.7 ટકા ઘટાડો દર્શાવતો હતો. બજારને આઈટી અને ઓટો તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. આઈટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો હતો. હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ 2.6 ટકાનો મહત્વનો સુધારો દર્શાવવા સાથે રૂ. 2500ની સપાટી કૂદાવી હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા 4 ટકા, બીપીસીએલ 3 ટકા અને ટાટા મોટર્સ 3 ટકા સાથે ટોપ પર્ફોર્મર્સ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ ખાતે રેઈન ઈન્ડ(6 ટકા), બિરલા સોફ્ટ(5 ટકા), જીએનએફસી(5 ટકા), એલએન્ડટી ફાઈ.(3.8 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં.
TCSની બાય-બેક ઓફર 5.5 ગણી છલકાઈ ગઈ
કંપનીની રૂ. 18 હજાર કરોડની બાય-બેક ઓફરને જબરદસ્ત પ્રતિસાદ
તાતા જૂથની ટોચની કંપની તથા શેરબજારમાં બીજા ક્રમનું માર્કેટ-કેપ ધરાવતી ટીસીએસની બાય-બેક ઓફરને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ઓફર બંધ થવાના એક દિવસ અગાઉ સુધી તે 5.5 ગણી છલકાઈ ગઈ હતી. કંપની રૂ. 18 હજાર કરોડના શેર્સ બાયબેક કરશે.
મંગળવારે રોકાણકારોએ બાયબેક ઓફરમાં 22 કરોડ શેર્સ ટેન્ડર કર્યાં હતાં. જે કંપનીની પુનઃખરીદી માટેની ઓફરની સરખામણીમાં 5.5 ગણી વધુ સંખ્યા હતી. કંપની 4 કરોડ શેર્સ અથવા તો 1.08 ટકા ઇક્વિટી હિસ્સાની ખરીદી કરવાની છે. તે વર્તમાન બજારભાવથી 21 ટકા પ્રિમીયમે એટલેકે રૂ. 4500 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરશે. મંગળવારે કંપનીનો શેર 2.05 ટકા સુધારે રૂ. 3700.95ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીની બાયબેક ઓફર 9 માર્ચે શરૂ થઈ હતી અને 23 માર્ચે પૂરી થશે. એક બ્રોકરેજ કંપનીના એનાલિસિસ મુજબ કંપની રિટેલ રોકાણકારો પાસેથી 14.2 ટકા શેર્સનો સ્વીકાર કરી શકે છે. બીજી રીતે કહીએ તો દરેક સાત શેર્સ સામે એક શેર ખરીદવામાં આવશે. નોન-રિટેલ સેગમેન્ટમાં 108 શેર્સ સામે માત્ર એક શેર પરત ખરીદવામાં આવે તેવી શક્યતા છે. આમ વર્તમાન બાય-બેક ઓફરમાં સ્વીકાર રેશિયો ઘણો નીચો છે. 2020માં ટીસીએસની રૂ. 16 હજાર કરોડની બાયબેક ઓફર વખતે રિટેલ માટે 100 ટકા સ્વીકાર રેશિયો હતો. જ્યારે નોન-રિટેલ માટે 10 ટકા રેશિયો જોવા મળ્યો હતો.
નોર્વેના સોવરિન ફંડે અન્ય FIIsથી વિરુધ્ધ રોકાણ વધાર્યું
ગયા કેલેન્ડર વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં ચોખ્ખી વેચવાલી દર્શાવી રહ્યાં હતાં ત્યારે વિશ્વમાં સૌથી મોટા સોવરિન વેલ્થ ફંડ એવા નોર્વેની સરકારના ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલે ભારતીય બજારમાં ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. તેના કુલ ઈક્વિટી પોર્ટફોલિયોમાં ઈન્ડિયા હોલ્ડિંગ્સનો હિસ્સો વાર્ષિક ધોરણે 30 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 1.6 ટકા પર પહોંચ્યો હતો. 1.4 ટ્રિલિયન ડોલરનું સોવરિન વેલ્થ ફંડ વિશ્વમાં લિસ્ટેડ કંપનીઓમાં 1.3 ટકા હિસ્સો ધરાવે છે અને તે વિશ્વમાં સૌથી મોટું ફંડ છે. ફંડના કુલ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સમાં ઈમર્જિંગ માર્કેટ્સ 10.5 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં ચીન 3.8 ટકા સાથે ટોચ પર છે. જ્યારબાદ બીજા ક્રમે 2.3 ટકા સાથે તાઈવાન અને ત્રીજા ક્રમે ભારત આવે છે.
ફિચ રેટિંગે દેશના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 8.5 ટકા કર્યો
રશિયા-યૂક્રેન યુધ્ધ પાછળ વૈશ્વિક એનર્જિ ભાવોમાં તીવ્ર વૃદ્ધિનું કારણ આપી રેટિંગ એજન્સી ફિચે આગામી નાણાકિય વર્ષ 2022-23 માટે ભારતીય જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 10.3 ટકા પરથી ઘટાડી 8.5 ટકા કર્યો છે. તેણે જણાવ્યું છે કે કોવિડ કિસ્સાઓ ઘટી જવાથી જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ મોમેન્ટમ ઝડપી વૃદ્ધિ દર્શાવશે. જોકે તેમ છતાં સમગ્ર વર્ષ માટેના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને 1.8 ટકા ઘટાડી 8.5 ટકા કર્યો છે. કેમકે ઊંચા ફુગાવા પાછળ ગ્રોથ પર અસર પડશે. કંપનીએ ચાલુ નાણાકિય વર્ષ 2021-22 માટેના વૃદ્ધિના અંદાજને 0.6 ટકા સુધારી 8.7 ટકા કર્યો છે.
બ્રેન્ટ વાયદો 119 ડોલર કૂદાવી પરત ફર્યો
વૈશ્વિક ક્રૂડના ભાવ મંગળવારે તેની દસેક દિવસની ટોચ બનાવી ઘસારા હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો એશિયન ટાઈમ પ્રમાણે 119.46 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે બપોર બાદ તે 0.3 ટકા સુધારા સાથે 116.11 ડોલર પર લગભગ ફ્લેટ જોવા મળતો હતો. સોમવારે તેણે 6 ટકાથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવ 100-120 ડોલરની રેંજમાં અથડાતાં જોવા મળી શકે છે. જો રશિયા-યુક્રેન યુધ્ધ વિરામ જાહેર થશે તો ક્રૂડના ભાવ ઝડપથી ગગડી શકે છે. વૈશ્વિક ગોલ્ડના ભાવ 2 ડોલર નરમાઈ સાથે 1928 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં.
LICનો IPO બે-ત્રણ સપ્તાહમાં લાવવાની સરકારની અપેક્ષા
માર્કેટની સ્થિતિમાં સુધારાને જોતાં કંપનીએ સેબીમાં ફાઈલ ડીઆરએચપીને અપડેટ પણ કર્યું
સરકાર આગામી બેથી ત્રણ સપ્તાહોમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)નો આઈપીઓ લોંચ કરવાની અપેક્ષા રાખી રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ યુએસ ફેડની રેટ વૃદ્ધિ તેમજ રશિયા-યૂક્રેન યુધ્ધ જેવી ઘટનાને પચાવીને બજારમાં જોવા મળેલા સુધારાને જોતાં દેશમાં સૌથી મોટા લિસ્ટીંગ માટે સ્થિતિમાં સુધારો થયો હોવાનું માનવામાં આવે છે.
એલઆઈસી અને કેન્દ્ર સરકાર આ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ અપડેટેડ ડીઆરએચપી પણ ફાઈલ કરી દીધું છે. સેબી તરફથી રિસ્ક્સના ડિક્સ્લોઝર અંગે તથા ઈન્શ્યોરરનું વેલ્યૂએશન ડીઆરએચપીના ફાઈલીંગ વખતે અને લિસ્ટીંગ વખતે સમાન રહેશે કે કેમ તે અંગે ઊભા કરવામાં આવેલા સવાલોના ભાગરૂપે આ અપડેશન કરવામાં આવ્યું છે. એલઆઈસીએ યૂએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની જરૂરિયાતોને પૂરી કરવા માટે 2021-22ના ત્રીજા ક્વાર્ટરના પરિણામોને પણ અપેડેટ કર્યાં હતાં. તેણે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 234.91 કરોડનો નફો નોંધાવ્યો હતો. અપડેટેડ ડીઆરએચપી ફાઈલ કર્યાં બાદ રેગ્યુલેટર સાથે મંત્રણા ચાલુ રહેશે. સરકાર રેગ્યુલેટર તરફથી ટૂંકમાં જ આ અપડેટેડ ડીઆરએચપીને મંજૂરી આપવામાં આવે તથા આઈપીઓને 2-3 સપ્તાહોમાં લોંચ કરવામાં આવે તેવી અપેક્ષા રાખે છે. જોકે માર્કેટમાં વોલેટિલિટી નીચી હશે તો જ સરકાર આઈપીઓ લાવવા માટે તૈયારી દર્શાવશે એમ અધિકારી ઉમેરે છે. સરકાર હાલમાં બજાર પર ચાંપતી નજર નાખી રહી છે. તે ફેડ દ્વારા કરવામાં આવેલી રેટ વૃદ્ધિની અસરનો પણ અભ્યાસ કરી રહી છે. સાથે રશિયા-યૂક્રેન જંગ પર પણ નજર રાખી રહી છે. સરકાર સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે. જે આવ્યા બાદ તે એન્કર ઈન્વેસ્ટર્સ સાથે મંત્રણા શરૂ કરી દેશે. સરકાર શેરબજારમાં વોલેટિલિટીના માપદંડ એવા ઈન્ડિયા વીક્સ પર સતત દેખરેખ રાખી રહી છે. જે સોમવારે 24.62ના સ્તરે બંધ રહ્યો હતો. સામાન્યરીતે તેની રેંજ 14-15ની હોય છે.