બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
યુરોપ-યુએસ પાછળ સ્થાનિક બજારમાં પાછી ફરતી વેચવાલી
ફેડ ચેરમેને 50 બેસીસ પોઈન્ટ વૃદ્ધિનું રટણ કરતાં બજારો ગબડ્યાં
નિફ્ટીએ જોકે 17150ના સ્તરને જાળવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 2.8 ટકા વૃદ્ધિ
બેંકિંગ, મેટલ અને ફાર્મામાં વેચવાલી નીકળી
નિફ્ટીના 50માંથી માત્ર 8 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં
બ્રોડ માર્કેટમાં પણ જોવા મળેલી વેચવાલી
સપ્તાહના આખરી દિવસે બે બાજુની વધ-ઘટ બાદ ભારતીય બજારે એક ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો હતો. બેન્ચમાર્ક્સની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 714.5 પોઈન્ટ્સના ઘટાડે 57197ના સ્તરે જ્યારે નિફ્ટી 221 પોઈન્ટ્સના ઘટાડે 17172ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.8 ટકા વૃદ્ધિ સાથે 18.35ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 42 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 8 પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી અને માર્કેટ-બ્રેડ્થ નરમ હતી.
યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે આગામી મહિને બેઠકમાં 50 બેસીસ પોઈન્ટસ રેટ વૃદ્ધિ માટે તેઓ તૈયાર હોવાનું જણાવતાં બજારોને આંચકો લાગ્યો હતો. યુએસ ખાતે નાસ્ડેક 2 ટકાથી વધુ ગગડ્યો હતો જોકે એશિયન બજારોમાં કોઈ મોટી વેચવાલી જોવા નહોતી મળી. ભારતીય બજાર આમ છતાં ગેપ-ડાઉન ખૂલ્યું હતું. જોકે બપોર દરમિયાન તેણે અડધો ઘટાડો ભૂંસ્યો હતો. જે ટકી શક્યો નહોતો અને આખરી કલાકમાં વેચવાલી પાછળ બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ ગગડી બંધ જોવા મળ્યાં હતાં.
માર્કેટને છેલ્લાં બે સત્રોથી સપોર્ટ કરનાર હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લગભગ એક ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જોકે તેનાથી પણ વધુ ફટકો હિંદાલ્કો, એચયૂએલ, સિપ્લા, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, ડો. રેડ્ડીઝ લેબો, ગ્રાસિમ અને એક્સિસ બેંક તરફથી પડ્યો હતો. આ તમામ કાઉન્ટર્સ લગભગ 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ અદાણી પોર્ટ્સ 2.8 ટકા સાથે નિફ્ટીમાં ટોચનો સુધારો દર્શાવતો હતો. જ્યારે એમએન્ડએમ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી અને આઈટીસી પોઝીટીવ ઝોનમાં બંધ જોવા મળ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો બેંક નિફ્ટી 2.1 ટકા ઘટાડે 36044.75ના સ્તરે બંધ રહ્યો હતો. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 4.4 ટકા અને બેંક ઓફ બરોડા 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.56 ટકા અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.57 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે મેટલ ઈન્ડેક્સ 2 ટકા જેટલો ગગડ્યો હતા. જેમાં એલ્યુમિનિયમ શેર્સ તૂટવામાં મોખરે હતાં. હિંદાલ્કો ઉપરાંત નાલ્કો 3.48 ટકા, કોલ ઈન્ડિયા 2.3 ટકા, વેદાંત 2.2 ટકા, ટાટા સ્ટીલ 2 ટકા, એનએમડીસી 1.8 ટકા અને સેઈલ 1.7 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ 1.82 ટકા જેટલો ગગડ્યો હતો. ઈન્ડેક્સમાં એકમાત્ર બાયોકોનને બાદ કરતાં અન્ય તમામ કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. લ્યુપિન 3.61 ટકા, ટોરેન્ટ ફાર્મા 3.27 ટકા, સિપ્લા 3.16 ટકા, ડો. રેડ્ડીઝ લેબો 3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ વણસ્યું હતું. બીએસઈ ખાતે કુલ 3531 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1451 પોઝીટીવ બંધ રહ્યા હતાં. જ્યારે 1956 ઘટાડો દર્શાવતાં હતાં. 178 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર જોવા મળ્યાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.94 ટકાનો જ્યારે એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.32 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં યુનાઈટેડ બ્રુઅરીઝ 4.18 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે કોલગેટ, એસબીઆઈ કાર્ડ્સ, એસ્ટ્રાલ, એમએન્ડએમ, ઝી એન્ટરટેઈનમેન્ટ, મેરિકો પણ પોઝીટીવ જોવા મળ્યા હતાં.
TCSના પરિણામ બાદ IT કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી
શુક્રવાર સુધીમાં આઈટી કંપનીઓના શેર્સમાં 17 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. ખાસ કરીને ટોચની આઈટી કંપની ટીસીએસે 11 એપ્રિલના રોજ તેના પરિણામો રજૂ કર્યાં ત્યારબાદ આઈટી કંપનીઓમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને તેમણે ગણતરીના સત્રોમાં 17 ટકાથી વધુનો ઘટાડો દર્શાવ્યો હતો. છેલ્લાં મહિનાઓમાં તેમણે સૌથી ઝડપે ઘટાડો નોંધાવ્યો છે.
આઈટી કંપનીઓએ તેમના ગાઈડન્સમાં સુધારો કર્યો હોવા છતાં શેર્સમાં વેચવાલી નોંધાઈ છે. ખાસ કરીને મીડ-કેપ આઈટી કંપનીઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો જૂથની એટીઆઈ ટોચ પર છે. કંપનીનો શેર ટીસીએસના પરિણામો અગાઉ રૂ. 6153.20ની સપાટીએથી ગગડી રૂ. 5000ની નીચે ઉતરી ગયો હતો. જોકે શુક્રવારે તેણે સાધારણ બાઉન્સ દર્શાવ્યો હતો અને ગ્રીન ઝોનમાં બંધ જોવા મળ્યો હતો. શુક્રવારે માઈન્ડટ્રીનો શેર પણ નોંધપાત્ર ઘટાડા બાદ 3.6 ટકા જેટલો બાઉન્સ દર્શાવી રહ્યો હત. જોકે ટોચના ભાવથી તે 20 ટકાથી વધુ ઘટાડો નોંધાવી ચૂક્યો છે. સ્મોલ-કેપ આઈટી કંપની મેજેસ્કોનો શેર 15.32 ટકા ઘટાડો સૂચવી રહ્યો છે. જ્યારે ઈન્ટિલેક્ટ 15 ટકાના ઘટાડે રૂ. 958ની સપાટી પરથી ગગડી રૂ. 819ના સ્તરે ટ્રેડ થતો જોવા મળે છે. આ ઉપરાંત પર્સિસ્ટન્ટ(14 ટકા), ઈન્ફોસિસ(13 ટકા), માઈન્ડટેક(11 ટકા) અને ઝેનસાર ટેક(11 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષોમાં પ્રથમવાર મીડ-કેપ આઈટી શેર્સમાં ઊંચી વેચવાલી જોવા મળી છે. જે સૂચવે છે કે શોર્ટ ટર્મમાં તેઓ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે મીડ-કેપ આઈટી શેર્સે એપ્રિલ 2020 બાદ તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું અને તેઓ ઓવરબોટ બન્યાં હતાં. નવેસરથી તેજી માટે તેમના માટે એક પોઝ જરૂરી હતો. હાલમાં તેઓ એક વિરામમાં જોવા મળી રહ્યાં છે. જોકે વર્તમાન ઘટાડા બાદ તેઓ વધુ 5-7 ટકા ઘટી શકે છે. જ્યારે મધ્યમથી લાંબાગાળે તેઓ નવી ટોચ દર્શાવી શકે છે. કેમકે તેમની પાસે પાઈપલાઈન ખૂબ મોટી છે. ખાસ કરીને જે કંપનીઓ ડિજિટલાઈઝેશન સ્પેસમાં કામ કરી રહી છે. તેઓ દર ક્વાર્ટરે નવા ગ્રાહકો ઉમેરી રહી છે અને તેમના માર્જિન પર પરંપરાગત સોફ્ટવેર કંપનીઓ જેટલું દબાણ પણ જોવા નથી મળ્યું. અલબત્ત, તેઓ ઊંચા એટ્રીશન રેટનો સામનો કરી રહી છે. તાજેતરના પરિણામોમાં ટોચની આઈટી કંપનીઓએ 27 ટકા સુધીનો એટ્રિશન રેટ જાહેર કર્યો હતો. જે ત્રિમાસિક ધોરણે જોકે ઘટાડો દર્શાવતો હતો.
સ્ક્રિપ્સ 8 એપ્રિલ 2022(રૂ.) બજારભાવ(રૂ.) ફેરફાર(ટકામાં)
LTI 6153.20 5098.00 -17.15
મેજેસ્કો 133.20 112.80 -15.32
ઈન્ટિલેક્ટ 957.50 818.95 -14.47
પર્સિસ્ટન્ટ 4710.90 4043.65 -14.16
ઈન્ફોસિસ 1814.60 1587.00 -12.54
માઈન્ડટેક 177.00 156.95 -11.33
ઝેનસારટેક 385.15 342.50 -11.07
રામ્કો સિસ્ટમ્સ 363.15 325.80 -10.29
માઈન્ડટ્રી 4303.20 3865.00 -10.18
ટેક મહિન્દ્રા 1448.75 1303.05 -10.06
ફર્ટિલાઈઝર સબસિડી રૂ. 1.65 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચશે
ફર્ટિલાઈઝર સબસિડી ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન રૂ. 1.65 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચે તેવી શક્યતાં છે. જે સરકારે નિર્ધારિત કરેલા રૂ. 1.05 લાખ કરોડના બજેટ અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચી છે. વૈશ્વિક સ્તરે ફર્ટિલાઝર્સ માટેના રો-મટિરિયલ ખર્ચમાં અસાધારણ વૃદ્ધિને કારણે આમ થશે એમ રેટિંગ એજન્સી ક્રિસિલ જણાવે છે. જો માગ અપેક્ષાથી ઊંચી રહેશે અને ઈનપુટ ખર્ચમાં ઘટાડો નહિ થાય તો બીજા અર્ધવાર્ષિક ગાળામાં સબસિડી બિલની કિંમત રૂ. 1.8-1.9 લાખ કરોડ સુધી પણ ઊપર જઈ શકે છે એમ રિપોર્ટ નોંધે છે. છેલ્લાં બે વર્ષો રમિયાન સરકારે બજેટમાં અંદાજિત સબસિડી કરતાં રૂ. 1.2 લાખ કરોડની વધુ ચૂકવણી કરવી પડી હતી. ખાતર સબસિડીમાં 85 ટકા હિસ્સો યુરિયા માટે વપરાવાની શક્યતાં છે. જેનું કારણ ગેસના ભાવોમાં 75 ટકાનો તીવ્ર ઉછાળો છે.
નોન-બાસમતી રાઈસની નિકાસમાં 27 ટકાનો ઉછાળો
નાણાકિય વર્ષ 2021-22 દરમિયાન દેશમાંથી નોન-બાસમતી ચોખાની નિકાસમાં 27 ટકા ઉછાળો નોંધાયો હતો અને તે 6.115 અબજ ડોલર પર જોવા મળી હતી. 2021-22 દરમિયાન તે 4.799 અબજ ડોલર પર રહી હતી. 2013-14થી અત્યાર સુધીમાં નોન-બાસમતી ચોખાની નિકાસમાં 109 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ કમર્યિસલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેસ્ટિક્સના જણાવ્યા મુજબ ભારતે 2021-22 દરમિયાન 150 દેશોને ચોખાની નિકાસ કરી હતી. જેમાંથી 76 દેશોમાં શીપમેન્ટનું મૂલ્ય 10 લાખ ડોલરથી ઊંચું જોવા મળ્યું હતું. જે પાછલા વર્ષોમાં ચોખાની નિકાસમાં જોવા મળતું ડાયવર્સિફિકેશન દર્શાવે છે. તમામ એગ્રી કોમોડિટીઝમાં નોન-બાસમતી રાઈસ ફોરેક્સની કમાણી કરવામાં ટોચ પર છે. દેશમાંથી નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં પશ્ચિમ આફ્રિકન દેશ બેનીન સૌથી મોટો આયાતકાર દેશ છે. જ્યારબાદ નેપાળ, બાંગ્લાદેશ, ચીન, ટોગો જેવા દેશોનો સમાવેશ થાય છે.
કેમ્પસ એક્ટિવવેર માર્કેટમાંથી રૂ. 1400 કરોડ ઊભા કરશે
એથ્લેઝર ફૂટવેર કંપની કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ મારફતે મૂડી બજારમાંથી રૂ. 1400 કરોડ એકત્ર કરશે. કંપની રૂ. 278-292ની પ્રાઈસ બેન્ડમાં રૂ. 5ની ફેસ વેલ્યૂનો શેર ઓફર કરશે. તે 26 એપ્રિલે બજારમાં પ્રવેશશે. સમગ્ર આઈપીઓ ઓફર ફોર સેલ રહેશે. જેમાં પ્રમોટર્સ અને અન્ય રોકાણકારો 4.79 કરોડ શેર્સનું વેચાણ કરશે. રિટેલ માટે લઘુત્તમ બીડ સંખ્યા 51 ઈક્વિટી શેર્સની રહેશે. એંકર ઈન્વેસ્ટર્સ માટે 25 એપ્રિલે બીડીંગ ખૂલશે.
સરકાર LIC IPOનું કદ 40 ટકા જેટલું ઘટાડે તેવી શક્યતા
અગાઉ રૂ. 60 હજાર કરોડથી વધુનું ફંડ મેળવવાના સ્થાને હવે રૂ. 30 હજાર કરોડ જ મેળવશે
રશિયા-યૂક્રેન વોરને કારણે વેલ્યૂએશનમાં ઘટાડાને પગલે નિર્ણય
કેન્દ્ર સરકાર તેના મહત્વાકાંક્ષી મેગા આઈપીઓ એલઆઈસીના કદમાં 40 ટકાથી વધુનો ઘટાડો કરે તેવા અહેવાલ છે. જાણકારોના જણાવ્યા અનુસાર સરકાર તેના મૂળ રૂ. 60 હજાર કરોડના આઈપીઓની યોજનાને બદલે હવે રૂ. 30 હજાર કરોડ જ ઊભા કરવા માટે બજારમાં પ્રવેશ કરે તેવી શક્યતાં છે. આનો અર્થ એ કે સરકાર 5 ટકાથી ઓછા હિસ્સાનું વેચાણ કરશે. તેમજ અગાઉ અપેક્ષિત વેલ્યૂએશનની સરખામણીમાં નીચા ભાવે આઈપીઓ કરશે.
સરકારી વર્તુળોના મતે ચાલુ સપ્તાહની આખર સુધીમાં જ એલઆઈસી આઈપીઓના ટાઈમીંગ અંગે સરકાર નિર્ણય લઈ લે તેવી શક્યતાં છે. વીમા જાયન્ટે 13 ફેબ્રુઆરીના રોજ આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સનું ફાઈલીંગ કર્યું હતું. સરકાર પાસે સેબીમાં નવેસરથી કાગળિયા ફાઈલ કર્યાં વિના આઈપીઓ લાવવા માટે 12 મે સુધીનો સમય છે. જો તે ઉપલબ્ધ તકને ચૂકી જશે તો તેણે સેબી પાસે નવેસરથી પેપર્સ ફાઈલ કરવા સાથે ફરીવાર તમામ કાર્યવાહી કરવાની રહેશે. તેણે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ ઉપરાંત એમ્બેડેડ વેલ્યૂને લઈને માર્કેટ રેગ્યુલેટરને અપડેટ કરવાનો રહેશે. દેશના સૌથી મોટા લાઈફ ઈન્શ્યોરરનો આઈપીઓ મૂળે માર્ચ 2022માં આયોજિત હતો. જોકે રશિયા-યૂક્રેન વોર પાછળ શેરબજારોમાં કડાકા પાછળ સરકારે તેને મોકૂફ રાખ્યો હતો. એલઆઈસીના ઈસ્યુમાં 35 ટકા હિસ્સો રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવશે. જ્યારે 10 ટકા પોલિસીધારકો માટે અને પાંચ ટકા એલઆઈસી કર્મચારીઓ માટે રિઝર્વ્ડ રહેશે. આઈપીઓમાંથી મળનારી રકમનો મોટો હિસ્સો બજેટમાં અંદાજવામાં આવેલી ડિસઈન્વેસ્ટમેન્ટની રકમમાં જશે. સરકારે 2022-23 માટે રૂ. 65 હજાર કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટનો અંદાજ બાંધ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં રૂ. 13531 કરોડ જેટલો વધુ છે.
મર્ચન્ટ બેંકર્સના મતે સરકાર તરફથી આઈપીઓનું કદ ઘટાડવા પાછળનું મુખ્ય કારણ જીઓ-પોલિટીકલ કટોકટી બાદ રોકાણકારો તરફથી એલઆઈસીના વેલ્યૂએશનમાં જોવા મળતો ઘટાડો છે. વૈશ્વિક રોકાણકારો સરકાર દ્વારા નિર્ધારિત એમ્બેડેડ વેલ્યૂને માન્ય રાખી રહ્યાં નથી. તેઓ વધુ ડિસ્કાઉન્ટની માગ કરી રહ્યાં છે. જેને જોતાં સરકારે આઈપીઓનું કદ ઘટાડવાનું નક્કી કર્યું છે. જોકે કદ ઘટાડ્યાં બાદ પણ દેશના શેરબજારમાં તે સૌથી મોટો આઈપીઓ બની રહેશે. અગાઉ 2021ની આખરમાં પેટીએમ રૂ. 18200 કરોડના સૌથી મોટા આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચસીએલ ટેક્નોલોજિસઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3593 કરોડનો ચોખ્ખો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 226 ટકાનો ઉછાળો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1102 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 22597 કરોડ પર રહી હતી. ત્રિમાસિક ધોરણે નેટ પ્રોફિટમાં 4.4 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
તાતા કોમ્યુનિકેશન્સઃ તાતા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 365 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની વાર્ષિક ધોરણે 5 ટકા વધી રૂ. 4263 કરોડ પર જોવા મળી હતી.
રેલીસ ઈન્ડિયાઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 14.19 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8.12 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 471.3 કરોડ પરથી વધી રૂ. 507.5 કરોડ પર જોવા મળી હતી.
ક્રિસિલઃ રેટીંગ એજન્સી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 122 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 45.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 20.1 ટકા વધી રૂ. 595 કરોડ પર જોવા મળી હતી.
ગ્લેન્ડ ફાર્માઃ અગ્રણી ફાર્મા કંપનીમાંથી રોકાણકાર નિકોમેક મશીનરી પ્રાઈવેટ લિમેટેડે 53,79,343 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડઃ ઈન્શ્યોરન્સ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 313 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 9.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે રૂ. 344 કરોડના અંદાજને કંપની ચૂકી હતી. કંપનીનું કુલ રિટન પ્રિમિયમ્સ રૂ. 5000 કરોડ પર રહ્યું હતું.
સાયન્ટઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 154.2 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે રૂ. 128 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો જોવા મળ્યો છે.
એલએન્ડટી ટેકઃ ટેક્નોલોજી કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 266 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 262 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
ટીવીએસ મોટરઃ ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપની યૂકેની નોર્ટોન મોટરસાઈકલમાં 10 કરોડ પાઉન્ડનું વધુ રોકાણ કરશે.
હિંદુસ્તાન ઝીંકઃ મેટલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2928 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 18 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ઊંચા વોલ્યુમ તથા મેટલના ઊંચા ભાવ પાછળ કંપનીની કામગીરીમાં સુધારો જોવા મળ્યો છે. એક વર્ષ અગાઉ તેણે રૂ. 2481 કરોડનો નફો દર્શાવ્યો હતો.
અદાણી પોર્ટ્સઃ અદાણી જૂથની ઈન્ફ્રા કંપનીની પેટા કંપની અદાણી હાર્બર સર્વિસિઝે ભારતની સૌથી મોટી મરીન સર્વિસિસ ઓસિયન સ્પાર્કલની રૂ. 1530 કરોડમાં ખરીદી કરી છે. અદાણી જૂથે કંપનીમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ મરીન સર્વિસ સેગમેન્ટમાં તેના પ્રવેશને વધારવા માટે આ ખરીદી કરી છે.
Market Summary 22 April 2022
April 22, 2022