Market Summary 22/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે બ્રોડ માર્કેટમાં લેવાલી
નિફ્ટી 19400 પર બંધ આપવામાં નિષ્ફળ
મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો નવી ટોચે
વૈશ્વિક બજારોમાં અન્ડરટોન મજબૂત
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 11.74ના સ્તરે
પીએસઈ, મેટલ, એફએમસીજી, એનર્જીમાં મજબૂતી
પીએસયૂ બેંક્સ, ફાર્મા, આઈટીમાં નરમાઈ
ભેલ, એનબીસીસી, એન્જીનીયર્સ ઈન્ડિયા નવી ટોચે

મંગળવારે ભારતીય બજાર ખૂબ સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવવા સાથે પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યું હતું. જોકે, બેન્ચમાર્ક નિફ્ટી 19400ની સપાટી પર બંધ આપવામાં અસમર્થ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 4 પોઈન્ટ્સ સુધારે 65220.03ની સપાટીએ જ્યારે નિફ્ટી 3 પોઈન્ટ્સ સુધરી 19,396.45ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે મજબૂતી જોવા મળી હતી. જેને કારણે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3785 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2212 પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે 1445 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 252 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 38 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 6 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ગગડી 11.74ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના બીજા સત્રની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. જોકે, શરૂઆતી દોરમાં બે બાજુની ઝડપી વધ-ઘટ પછી બજાર દિવસ દરમિયાન સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. નિફ્ટી 19393.60ના અગાઉના બંધ સામે 19417.10ની સપાટીએ ખૂલી ઉપરમાં 19,443.50ની સપાટીએ ટ્રેડ થઈ નજીવા સુધારે 19400ની નીચે બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર સાત પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19389ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમા જોવા મળતાં પાંચ પોઈન્ટ્સના પ્રિમીયમમાં ઘટાડો દર્શાવે છે. આમ, માર્કેટમાં નવી લોંગ પોઝીશનના ઉમેરાના કોઈ સંકેતો નથી. જે સાવચેત રહેવા સૂચવે છે. ટેકનિકલી માર્કેટને 19300નો મહત્વનો સપોર્ટ છે. જ્યારે 19500નો અવરોધ છે. જે બાજુ બ્રેકઆઉટ જોવા મળશે તે બાજુ બજાર ગતિ દર્શાવી શકે છે. વૈશ્વિક બજારોમાં સ્થિરતા પરત ફરી રહી છે તે જોતાં સ્થાનિક બજાર પણ સુધારાતરફી બ્રેકઆઉટ દર્શાવી શકે છે. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ જળવાયેલી ખરીદીને પોઝીટીવ સંકેત ગણાવી શકાય. દૈનિક ધોરણે અનેક કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં છે. જ્યારે તેની સરખામણીમાં વાર્ષિક તળિયું દર્શાવતાં કાઉન્ટર્સની સંખ્યા અલ્પ જોવા મળે છે. આમ, મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટ બજારમાં તેજી સૂચવે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એચડીએફસી લાઈફ, આઈટીસી, એનટીપીસી, હિરો મોટોકોર્પ, એમએન્ડએમ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ, લાર્સન, વિપ્રો, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, એક્સિસ બેંક, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, સિપ્લા, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ, ટીસીએસ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ડિવિઝ લેબ્સમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવ જોઈએ તો પીએસઈ, મેટલ, એફએમસીજી, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પીએસયૂ બેંક્સ, ફાર્મા, આઈટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેને સપોર્ટ આપનારા ઘટકોમાં ભેલ, ભારત ઈલે., ગેઈલ, એનએમડીસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, એનટીપીસી, પાવર ફાઈનાન્સ, નાલ્કો, કોન્કોર, કોલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ બીજા દિવસે મજબૂતી સાથે 0.9 ટકા સુધારો સૂચવતો હતો. જેને અદાણી એન્ટરપ્રાઈઝિસ, એનએમડીસી, એપીએલ એપોલો, વેલસ્પન કોર્પ, નાલ્કો, તાતાસ્ટીલ, હિંદુસ્તાન ઝીંક તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ નોંધપાત્ર સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં યુનાઈટેડ સ્પિરિટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, આઈટીસી, ડાબર ઈન્ડિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ, મેરિકો, ઈમામી, પીએન્ડજી, એચયૂએલ મજબૂતી દર્શાવતાં હતાં. જોકે, પીએસયૂ બેંક્સમાં બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. જેમાં જેકે બેંક, યુનિયન બેંક, પંજાબ એન્ડ સિઁધ બેક, આઈઓબી, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, એસબીઆઈમાં ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી આઈટી પણ નરમાઈ દર્શાવતો હતો. જેમાં કોફોર્જ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ મુખ્ય હતો. જ્યારે નિફ્ટી ફાર્મા પણ નેગેટિવ બંધ સૂચવતો હતો. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ભેલ રૂ. 4000 કરોડના ઓર્ડર પાછળ 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત તાતા કોમ્યુનિકેશન્સ, જીએમઆર એરપોર્ટ્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ભારત ઈલે., એલએન્ડટી ફાઈનાન્સ, એસ્કોર્ટ્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ, ઈન્ડિયન હોટેલ્સ, ગેઈલમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજીબાજુ, કોલગેટ, સન ટીવી, ગ્લેનમાર્ક, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, બીપીસીએલ, મેટ્રોપોલીસ, આલ્કેમ લેબ, એપોલો ટાયર્સ, ઓરેકલ ફાઈ. અને સિપ્લામાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક ટોચ દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં ભેલ, એનબીસીસી, એન્જીનીયર્સ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો.

પાર-બોઈલ્ડ ચોખાની નિકાસ પર મંજૂરીના પ્રસ્તાવનો ઈન્કાર
2022-23માં દેશમાંથી બાસમતી ચોખાની નિકાસ 4.8 અબજ ડોલર પર રહી હતી
જ્યારે વોલ્યુમ સંદર્ભમાં તે 45 લાખ ટન પર જોવા મળી હતી

કેન્દ્રિય ફૂડ સચિવ સંજીવ ચોપરાએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાંથી પાર-બોઈલ્ડ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. સરકારે ગઈ 20 જુલાઈના રોજ દેશમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ચોખાના સપ્લાયની પૂરતી ખાતરી માટે તેણે આ પગલું ભર્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં પાર-બોઈલ્ડ ચોખાની નિકાસ પર પ્રતિબંધનો કોઈ પ્રસ્તાવ નથી. વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ નાણા વર્ષ 2022-23માં ભારતમાંથી 4.8 અબજ ડોલરની બાસમતી ચોખાની નિકાસ જોવા મળી હતી. વોલ્યુમ સંદર્ભમાં તે 45.6 લાખ ટન પર હતી. આ જ રીતે ગયા વર્ષે નોન-બાસમતી ચોખાની નિકાસ 6.36 અબજ ડોલર પર જોવા મળી હતી. જે વોલ્યુમ સંદર્ભમાં 177.9 લાખ ટન પર હતી. દેશમાંથી ચોખાની કુલ નિકાસમાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો 25 ટકા જેટલો થવા જતો હતો. આ ચોખાની નિકાસ પર પ્રતિબંધ દેશના ગ્રાહકો માટે ભાવમાં ઘટાડાનું કારણ બનશે એમ ખાદ્યાન્ન મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું. દેશમાં અનાજના ભાવમાં વૃદ્ધિને પહલે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એપ્રિલ-જૂનના સમયગાળામાં દેશમાંથી 15.54 લાખ ટન નોન-બાસમતી વ્હાઈટ ચોખાની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 11.55 લાખ ટન પર જોવા મળતી હતી. ભારતનું ચોખાનું ઉત્પાદન 2022-23માં વધી 13.554 કરોડ ટન પર રહ્યાંનો અંદાજ છે. જે અગાઉના વર્ષે 12.947 કરોડ ટન પર હતું. સરકારે અગાઉ મે 2022માં દેશમાંથી ઘઉઁની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ઘઉંનું ઉત્પાદન અગાઉના વર્ષે 10.774 કરોડ ટન પરથી વધી ચાલુ સિઝનમાં 11.274 કરોડ ટન પર નોંધાયું છે.

ચાલુ નાણા વર્ષે બેંકિંગ સિસ્ટમ લિક્વિડિટી પ્રથમવાર ખાધમાં સરી પડી
હાલમાં બેંકિંગ સિસ્ટમ લિક્વિડીટીમાં રૂ. 23,644.43 કરોડની ડેફિસિટનો અંદાજ

બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટી 22 ઓગસ્ટે ડેફિસિટ એટલેકે ખાધમાં જોવા મળી હતી. ચાલુ નાણાકિય વર્ષ 2023-24માં આવુ પ્રથમવાર બન્યું હતું. મંગળવારે બેંકિંગ પ્રણાલીમાં રૂ. 23,644.43 કરોડની ખાધ હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે.
ડિલર્સના મતે આરબીઆઈ તરફથી બે સપ્તાહ અગાઉની બેઠકમાં જાહેર કરવામાં આવેલા ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(I-CRR)ના કારણે હંગામી ધોરણે લિક્વિડીટી પરત ખેંચાવાને કારણે આમ બન્યું છે. ઉપરાંત જીએસટી આઉટફ્લોને કારણે પણ બજારમાંથી કેટલીક લિક્વિડીટી દૂર થઈ છે. બ્લૂમબર્ગ ડેટા મુજબ અગાઉ 26 માર્ચ, 2023ના રોજ બેંકિંગ સિસ્ટમ લિક્વિડીટીમાં ખાધ જોવા મળી હતી. જ્યારપછી લગભગ છ મહિને ફરીથી ખાધ નોંધાઈ છે
દિલ્હી સ્થિત ફંડ હાઉસના જણાવ્યા મુજબ આઈ-સીઆરઆર અને જીએસટી પેઆઉટને કારણે સિસ્ટમમાંથી લિક્વિડીટીમાં મોટો આઉટફ્લો નોંધાયો છે. ઉપરાંત બજારમાં મોટાપાયે ડોલરનું વેચાણ જોવા મળ્યું છે. જેને કારણે પણ વર્તમાન લિક્વિડિટીની સ્થિતિ પર દબાણ જોવા મળ્યું છે. 10 ઓગસ્ટે સેન્ટ્રલ બેંકે 12 ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે એક પખવાડિયા માટે 10 ટકા આઈ-સીઆરઆર જાળવવા માટે બેંક્સને આદેશ કર્યો હતો. જેને કારણે 13 ઓગસ્ટના રોજ બજારમાંથી રૂ. 1.42 લાખ કરોડની લિક્વિડીટી સંકડાઈ હતી. જે આરબીઆઈના અંદાજ મુજબ હતી. કોટક બેંકના રિપોર્ટ મુજબ 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધીમાં જીએસટીને કારણે રૂ. 1.5 લાખ કરોડનો આઉટફ્લો અપેક્ષિત છે. જ્યારે સ્ટેટ લોન્સ, ટ્રેઝરી બિલ્સ અને સરકારી ખર્ચ પેટે રૂ. 63,430 કરોડનો આઉટફ્લો શક્ય છે.

LICએ JFSમાં 6.66 ટકા હિસ્સો ખરીદ્યો
દેશમાં સૌથી મોટા સંસ્થાકિય રોકાણકાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં 6.660 ટકા હિસ્સા ખરીદ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી કંપનીનો શેર લિસ્ટીંગના બીજા દિવસે પણ 5 ટકાની સેલર સર્કિટમાં રૂ. 239.20ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્શ્યોરરે જણાવ્યા મુજબ જેએફએસમાં તેણે ખરીદેલા હિસ્સાનો ખર્ચ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિમર્જર અગાઉના 4.68 ટકા જેટલી હતી. દરમિયાનમાં જેએફએસને હવે ટોચના બેન્ચમાર્ક્સમાંથી 28 ઓગસ્ટે દૂર કરવામાં આવશે એમ જાણવા મળે છે. અગાઉ કંપનીને 23 ઓગસ્ટે બેન્ચમાર્ક્સમાંથી દૂર કરવામાં આવનાર હતી.

MCXના ટર્નઓવરે રૂ. 1.81 લાખ કરોડની ટોચ દર્શાવી
દેશમાં ટોચના કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ ખાતે ગયા બુધવારે રૂ. 1.81 લાખ કરોડનું વિક્રમી વોલ્યુમ દર્શાવ્યું હતું. એક્સચેન્જ ખાતે વધતાં પ્રોપરાયટરી ટ્રેડ્સ અને વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી વધતાં પાર્ટિસિપેશન પાછળ સુધારો નોંધાયો હતો. કોમેક્સ ખાતે કુલ ટ્રેડિંગમાં પ્રોપરાયટરી ટ્રેડનો હિસ્સો 57 ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. જે રૂ. 1.04 લાખ કરોડ થતો હતો. જ્યારે એફપીઆઈ તરફથી રૂ. 2,391 કરોડનું ટ્રેડિંગ નોંધાયું હતું. રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી રૂ. 73,167 કરોડનું ટ્રેડિંગ જોવા મળ્યું હતું. કુલ વોલ્યુમમાં ક્રૂડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ વોલ્યુમ રૂ. 1.49 લાખ કરોડ પર વિક્રમી સ્તરે નોંધાયું હતું.

વૈશ્વિક ડાયરેક્ટ સેલીંગ રેંકિંગ્સમાં ભારત 11મા સ્થાને પહોંચ્યું
ડાયરેક્ટ સેલીંગ રેંકિંગ્સમાં યુએસ 40.52 અબજ ડોલર સાથે ટોચનું માર્કેટ છે

વિશ્વમાં ડાયરેક્ટ સેલર્સના ટોચના માર્કેટ્સમાં ભારત 11મા સ્થાને પહોંચ્યું છે. કેલેન્ડર 2022માં 3.23 અબજ ડોલરના રિટેલ સેલ્સ સાથે તેણે આ ક્રમ મેળવ્યો છે એમ વૈશ્વિક ઈન્ડસ્ટ્રી બોડી ડબલ્યુએફડીએસએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. 2021માં રિટેલ વેચાણ સામે ભારતમાં ડાયરેક્ટ સેલીંગમાં 5.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી એમ વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલીંગ એસોસિએશને નોંધ્યું હતું.
કોન્સ્ટન્ટ ડોલર બેસીસ પર જોઈએ તો ભારતીય બજારે છેલ્લાં ત્રણ વર્ષોમાં 13.3 ટકાના સરેરાશ વૃદ્ધિ દર સાથે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. ગ્લોબલ ડાયરેક્ટ સેલીંગ ઉદ્યોગે 2022માં 1.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો અને તે 172.89 અબજ ડોલર પર રહ્યો હતો. વૈશ્વિક ધોરણે ટોચના ડાયરેક્ટ સેલીંગ માર્કેટમાં યુએસનો સમાવેશ થતો હતો. તે 40.52 અબજ ડોલરના વેચાણ સાથે ટોચનો ક્રમ ધરાવે છે. જોકે, 2021ની સરખામણીમાં તે 5 ટકા ઘટાડો સૂચવતું હતું. ત્યારપછીના ક્રમે કોરિયા, જર્મની, જાપાન અને મલેશિયા આવે છે. ઈન્ડિયન ડાયરેસ્ટ સેલીંગ એસોસિએશન(આઈડીએસએ)ના ચેરમેન રજત બેનર્જીના મતે ભારતનું ડાયરેક્ટ સેલીંગ માર્કેટ સ્થિર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે અને તે આગામી દાયકામાં વૈશ્વિક સ્તરે ટોચના પાંચ માર્કેટ્સમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે. કન્ઝ્યૂમર પ્રોટેક્શન(ડાયરેક્ટ સેલીંગ) રૂલ્સ 2021ના જાહેર થવાથી અને ત્યારપછી તેમાં સુધારા પછી ભારતમાં ડાયરેક્ટ સેલીંગ ઈન્ડસ્ટ્રી સ્થિરતા દર્શાવી શકે છે. જે રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવી શકે છે. તેમજ મોટી વૈશ્વિક ડાયરેક્ટ સેલીંગ કંપનીઓમાં રસ પેદા કરી શકે છે. આજે દેશમાં ટોચના 10 ડાયરેક્ટ સેલર્સમાંથી માત્ર ત્રણ જ ભારતમાં છે.

ડોલર સામે રૂપિયો 19 પૈસા સુધરી 83ની અંદર પરત ફર્યો

છેલ્લાં કેટલાંક સત્રોથી યુએસ ડોલર સામે સતત નરમાઈ દર્શાવી રહેલા રૂપિયાને સપોર્ટ સાંપડ્યો છે અને તેણે મંગળવારે નોંધપાત્ર બાઉન્સ નોંધાવ્યું હતું. સ્થાનિક ચલણ મંગળવારે 19 પૈસા સુધરી 82.94ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ તે 83ની સપાટી અંદર પરત ફર્યો હતો. વૈશ્વિક સ્તરે યુએસ ડોલરમાં નરમાઈ પાછળ સ્થાનિક ચલણમાં મજબૂતી જોવા મળી હતી. ફોરેક્સ ટ્રેડર્સના મતે ડોલરમાં અન્ડરટોન નરમ હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 103.18ની સપાટીએ ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. યુએસ બોન્ડ યિલ્ડ્સ પણ તેની પાછળ નરમી સૂચવતાં હતાં. બજારની નજર ચાલુ સપ્તાહે મળનારી જેકસન હોલ મિટિંગમાં ફેડ ચેરમેન પોવેલના નિવેદન પર છે. મોટાભાગનો વર્ગ માને છે કે પોવેલ ડોવિશ ટોનમાં વાત કરશે અને તેથી જ ડોલરમાં ઊંચા સ્તરેથી થોડું કરેક્શન જોવા મળી રહ્યું છે. સોમવારે રૂપિયાએ 83.13ની ઓલ-ટાઈમ લો લેવલે બંધ આપ્યું હતું. જેની સામે મંગળવારે તે 83.07ની સપાટીએ મજબૂત ખૂલી વધુ સુધરી 82.93ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો.

વોડાફોન આઈડિયા સપ્ટે. સુધીમાં રૂ. 2400 કરોડનું ડેટ ક્લિઅર કરશે
દેવામાં ડૂબેલી ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન આઈડિયા સપ્ટેમ્બર સુધીમાં સરકારને રૂ. 2400 કરોડનું ડેટ ક્લિઅર કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. કંપનીએ તાજેતરમાં જ લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જિસ પેટે બાકી નીકળતાં રૂ. 450 કરોડ ચૂકવ્યાં હતાં એમ વર્તુળોએ જણાવ્યું હતું. આ રકમ 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં ચૂકવવાની થતી હતી.
વર્તુળોના મતે વોડાફોન આઈડિયા જૂન 2023 ક્વાર્ટર માટેના ડ્યૂઝ તથા સ્પેક્ટ્રમ ઈન્સ્ટોલમેન્ટને વ્યાજ સહિત સપ્ટેમ્બર સુધીમાં ચૂકવશે. વોડાફોન આઈડિયાએ જુલાઈ સુધીમાં રલાયસન્સ ફી પેટે રૂ. 770 કરોડ ચૂકવવાના થતાં હતાં. જ્યારે ગયા વર્ષે તેણે ઓક્શન્સમાં કરેલી સ્પેક્ટ્રમ ખરીદીના પ્રથમ ઈન્સ્ટોલમેન્ટરૂપે રૂ. 1680 કરોડનો હપ્તો ચૂકવવાનો થતો હતો. કંપનીએ સ્પેક્ટ્રમ પેમેન્ટની ચૂકવણી માટે 30 દિવસોની માગણી કરી છે જ્યારે લાયસન્સ ફીની ચૂકવણી સપ્ટેમ્બર સુધીમાં કરવા તૈયાર છે. વર્તુળોના જણાવ્યા મુજબ સ્પેક્ટ્રમ ઈન્સ્ટોલમેન્ટ પેમેન્ટમાં વિલંબ પર 15 ટકાનો વ્યાજ દર લાગુ પડશે. કંપનીએ સ્પેક્ટ્રમ ઈન્સ્ટોલ્મેન્ટ પેટે રૂ. 1700 કરોડ ચૂકવવાના થશે. જ્યારે વ્યાજ સાથે લાયસન્સ ફી પેટે રૂ. 710 કરોડ ચૂકવવાનો થશે. આમ સપ્ટેમ્બર સુધીમાં તે રૂ. 2400 કરોડથી વધુનું ચૂકવણું કરશે એમ વર્તુળો જણાવે છે.

અદાણી જૂથે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં હિસ્સો વધાર્યો
પ્રમોટર જૂથે અદાણી એન્ટરપ્રાઈઝિસમાં હિસ્સો 67.65 પરથી વધારી 69.87 ટકા કર્યો

ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથની ફ્લેગશિપ કંપી અદાણી એન્ટરપ્રાઈઝમાં પ્રમોટર્સે તેમનો હિસ્સો વધાર્યો હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. જે સાથે અદાણી એન્ટરપ્રાઈઝમાં પ્રમોટરનો હિસ્સો 67.65 ટકા પરથી વધી 69.87 ટકા પર પહોંચ્યો છે. જે સૂચવે છે કે કોંગ્લોમેરટ હજુ પણ યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચની અસરોમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું છે.
એક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યા મુજબ પ્રમોટર જૂથે કંપનીમાં તેમના હિસ્સાને 67.65 ટકા પરથી વધારી 69.87 ટકા કર્યો છે. પ્રમોટર જૂથ કંપની કેમ્પાસ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિ.એ કંપનીમાં 2.22 ટકા હિસ્સાની ખરીદી કરી છે. તેણે 7 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન આ ખરીદી કરી હતી. યુએસ સ્થિત બૂટીક ઈન્વેસ્ટમેન્ટ કંપની જીક્યૂજી પાર્ટનર્સ જ્યારે અદાણી જૂથની કંપનીઓમાં હિસ્સો ખરીદી રહી છે તેવા સમયે પ્રમોટર જૂથ કંપનીએ પણ તેનો હિસ્સો વધાર્યો છે. જૂક્યૂજીએ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં ગયા મહિને તેનો હિસ્સો વધારી 5.03 ટકા કર્યો હતો. તેણે બલ્ક ડીલ મારફતે આ ખરીદી કરી હતી. જીક્યૂજી હવે અદાણી જૂથની 10 કંપનીઓમાંથી 5માં હિસ્સો ધરાવે છે. 16 ઓગસ્ટે તેણે અદાણી પાવરમાં 7.73 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પ્રમોટર જૂત કંપનીઓ વર્લ્ડવાઈડ ઈમર્જિંગ માર્કેટ હોલ્ડિંગ અને આફ્રો એશિયા ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સે અદાણી પાવરમાં બ્લોક ડિલ્સ મારફતે 16 ઓગસ્ટે 8.09 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. આમાંથી જીક્યુજીએ 7.73 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ હિસ્સા વેચાણ પછી અદાણી પાવરમાં પ્રમોટરનું હોલ્ડિંગ 74.97 ટકા પરથી ઘટી 66.88 ટકા પર જોવા મળ્યું હતું. આ રોકાણ ડેલોઈટ તરફથી એપીસેઝના ઓડિટર તરીકે રાજીનામા પછી જોવા મળ્યું હતું.

રોઆર્ક કેપિટલ સબવેને 9.6 અબજ ડોલરમાં ખરીદવાની નજીક
આર્બીઝ અને બફેલો વાઈલ્ડ વિંગ્સની માલિક કંપની સેન્ડવિચ કંપનીને ટૂંકમાં ખરીદશે

આર્બીઝ અને બફેલો વાઈલ્ડ વિંગ્સ જેવી રેસ્ટોરન્ટ્સ બ્રાન્ડની માલિક રોઆર્ક કેપિટલ સબવેને 9.6 અબજ ડોલરમાં ખરીદવાની નજીક પહોંચી ચૂકી હોવાનું વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે. આ સોદો ચાલુ સપ્તાહે જ ફાઈનલ થાય તેવી શક્યતાં છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. જોકે, સબવે તરફથી જ્યાં સુધી ટ્રાન્ઝેક્શન પૂર્ણ ના થાય ત્યાં સુધી કશું જાહેરમાં કહેવા માટે ઈન્કાર કરવામાં આવ્યો હતો.
ચાલુ મહિનાની શરૂમાં એક અન્ય મિડિયા અહેવાલ મુજબ ટીડીઆર કેપિટલ અને સિકામોર પાર્ટનર્સ ભેગામળી સબવેની ખરીદી માટે વિચારી રહ્યાં છે. અગાઉ ફેબ્રુઆરીમાં સબવેએ જણાવ્યું હતું કે તે પોતાનો બિઝનેસ વેચવા માટેની શક્યતા ચકાસી રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ સબવે 9 અબજ ડોલરથી ઊંચા ડિલની અપેક્ષા રાખી રહી હતી. જોકે ટીડીઆર અને સિકામોર મળીને તેની ભાવ અપેક્ષાને પૂરી કરી શકશે કે કેમ તેને લઈને અનિશ્ચિત હતી. રોઆર્ક કેપિટલની આગેવાનીમાં અન્ય જૂથ જોકે સ્પર્ધામાં હતું એમ વર્તુળો ઉમેરે છે. પ્રાઈવેટ ઈક્વિટી કંપની રોઆર્ક સામાન્યરીતે ફ્રેન્ચાઈઝી કન્ઝ્યૂમર અને બિઝનેસ સર્વિસિઝ સેક્ટર્સમાં રોકાણ કરે છે. તેણે આર્બીઝસ બાસ્કિન-રોબિન્સ, બફેલો વાઈલ્ડ વિંગ્સ અને ડંકીન્સ સહિત અન્ય બ્રાન્ડ્સની માલિક કંપની ઈન્સ્પાયર બ્રાન્ડ્સમાં રોકાણ કર્યું છે.
સબવે 100 દેશોમાં 37000 આસપાસ રેસ્ટોરન્ટ્સ ધરાવે છે. તેની સ્થાપના 17-વર્ષીય ફ્રેડ ડેલૂકા અને ફેમિલી ફ્રેન્ડ પિટર બકે 1965માં કરી હતી. કંપની તેની શરૂઆતથી જ સ્થાપક પરિવારોની માલિકી ધરાવે છે. તેનું પ્રથમ આઉટલેટ કનેક્ટિકટ ખાતે ખોલવામાં આવ્યું હતું. 2023ના પ્રથમ છ મહિનામાં સબવેએ નોર્થ અમેરિકામાં સેમ-સ્ટોર સેલ્સમાં 9.3 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.

સપ્તાહમાં વધુ 1.77 લાખ હેકટર વૃદ્ધિ સાથે ખરિફ વાવેતર 96 ટકા વિસ્તારમાં પૂર્ણ
ગઈ સિઝનમાં સમાનગાળામાં 80.04 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 2.15 લાખ હેકટર વૃદ્ધિ સાથે 92.19 લાખ હેકટરમાં વાવેતર
એરંડાનું વાવેતર 98 હજાર હેકટર વૃદ્ધિ સાથે 5.42 લાખ હેકટરે પહોંચ્યું
ઘાસચારાના વાવેતરમાં વધુ 34 હજાર હેકટરનો ઉમેરો નોંધાયો

રાજ્યમાં ખરિફ વાવેતર 82.19 લાખ હેકટર સામે 95.60 ટકા વિસ્તારમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રણ વર્ષોના 85.97 લાખ હેકટરના સરેરાશ વાવેતરને જોતાં ઓગસ્ટ આખર સુધીમાં તેમાં વધુ 2-3 લાખ હેકટર વાવેતર વૃદ્ધિ સંભવ છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 80.04 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 2.15 લાખ હેકટરની વાવેતર વૃદ્ધિ જોવા મળી રહી છે.
ગયા એક સપ્તાહમાં ચારેક પાકોમાં વાવેતર વૃદ્ધિ પાછળ કુલ વિસ્તારમાં 1.77 લાખ હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં એરંડા, ડાંગર, શાકભાજી પાકો અને ઘાસચારા પાકોનો સમાવેશ થતો હતો. અખાદ્ય તેલિબિયાં એવા એરંડાની વાત કરી તો સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં 98 હજાર હેકટરમાં વૃદ્ધિ જોવા મળી હતી અને તે 5.42 લાખ હેકટરે પહોંચ્યું હતું. અગાઉના સપ્તાહે તે 4.44 લાખ હેકટરમાં જોવા મળતું હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં 6.68 લાખ હેકટરમાં એરંડાનું વાવેતર નોંધાયું છે. જેને જોતાં હજુ પણ વધુ સવા લાખ હેકટર વિસ્તારમાં વૃદ્ધિ સંભવ છે. એરંડાનું વાવેતર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જોવા મળે તેવી શક્યતાં છે. ડાંગરની રોપણીનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું હોય તેમ જણાય છે. ગયા સપ્તાહમાં ડાંગરના વાવેતર વિસ્તારમાં 11 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 8.66 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે છેલ્લાં ત્રણ વર્ષોના 8.42 લાખ હેકટર વાવેતર વિસ્તાર સામે 3 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામા ડાંગરનું વાવેતર 8.50 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં ડાંગરનું વાવેતર ત્રણ વર્ષોમાં સૌથી ઊંચું જોવા મળી રહ્યું છે. જુલાઈમાં વ્યાપક વરસાદ પાછળ ડાંગરના વાવેતરને લાભ જોવા મળ્યો હતો. જોકે, ઓગસ્ટમાં વરસાદના અભાવે ખેડૂતોમાં થોડી ચિંતા પણ ઊભી થઈ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી જોવા મળતાં ઝાપટાં ડાંગરના પાક માટે અપૂરતાં છે.
મુખ્ય ખરિફ પાક કપાસના વાવેતરમાં ગયા સપ્તાહમાં એક હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 26.78 લાખ હેકટરમાં જોવા મળ્યું હતું. જ્યારે કઠોળ પાકોના વાવેતરમાં 7 હજાર હેકટર વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 3.57 લાખ હેકટરે પહોંચ્યું હતું. અલબત્ત, ગઈ સિઝનમાં સમાનગાળામાં 3.97 લાખ હેકટરની સરખામણીમાં તે 40 હજાર હેકટરનો ઘટાડો સૂચવે છે. ઘાસચારા પાકોની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે 34 હજાર હેકટરની વૃદ્ધિ સાથે વાવેતર 9.75 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે ગઈ સિઝનમાં 9.38 લાખ હેકટરમાં જોવા મળતું હતું. શાકભાજી પાકોનું વાવેતર પણ ગઈ સિઝનના 2.26 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 2.33 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહે તેમાં 12 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

અંબુજા સિમેન્ટ્સઃ અદાણી જૂથની સિમેન્ટ કંપની તરફથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ માટેની ઓપન ઓફર 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. અંબુજા સિમેન્ટ્સ રૂ. 10ની ફેસ વેલ્યૂનો સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 114.22ના ભાવે ખરીદશે. કંપની સાંઘીની 26 ટકા ઈક્વિટી ખરીદશે. જે માટે કુલ રૂ. 767.16 કરોડનો ખર્ચ કરશે એમ ડ્રાફ્ટ લેટર જણાવે છે. ઓપન ઓફર સોમવારે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના રૂ. 108.65ના બંધ સામે 5.12 ટકાનું પ્રિમીયમ સૂચવે છે.
વેદાંતઃ કોમોડિટીઝ ઉત્પાદક કંપની રાજસ્થાન બ્લોકમાંથી ઉત્પાદિત ગેસ માટે લઘુત્તમ 9.5 ડોલર પ્રતિ એમએમબીટીયુની માગણી કરી રહી છે. ટેન્ડરમાં વેદાંતાએ વપરાશકારોને બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ કરતાં 14.5 ટકા પ્રિમીયમ પર વેરિએબલ ‘પી’ ક્વોટ કરવા જણાવ્યું છે. કંપની પ્રતિ દિવસ 0.6 મિલિટન સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટર્સ માટે યુઝર્સ પાસેથી બીડ મંગાવી રહી છે.
ગો ફર્સ્ટઃ એક રિપોર્ટ મુજબ એરલાઈન કંપનીના 600માંથી 500 પાયલોટ્સ અન્ય હવાઈ ઉડ્ડયન કંપની સાથે જોડાઈ ગયાં છે. આ ઉપરાંત કેબિન ક્રૂ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જીનીયર્સ પણ કંપનીને છોડી ચૂક્યાં છે. કંપનીએ મે મહિનાથી કર્મચારીઓને વેતન ચૂકવ્યું નથી. કંપની 1200થી વધુ કર્મચારીઓ ગુમાવી ચૂકી છે.
યુનિયન બેંકઃ પીએસયૂ બેંકના બોર્ડે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ મારફતે રૂ. 5000 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી દીધી છે. જે માટે તેમણે રૂ. 91.10 પ્રતિ શેરનો ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કર્યો છે. જોકે કંપનીનું બોર્ડ ઈસ્યુ પ્રાઈસ નિર્ધારિત કરવા માટે 24 ઓગસ્ટે ફરીવાર મળશે.
ઈન્ડેલ મનીઃ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે રૂ. 21 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ વાર્ષિક 61 ટકા વધી રૂ. 1294.44 કરોડ પર રહ્યું હતું. કંપનીના કુલ લોન ડિસ્ટ્રીબ્યુશનમાં ગોલ્ડ લોનનો હિસ્સો 92 ટકા જોવા મળ્યો હતો. જે માર્ચ ક્વાર્ટરમાં 74 ટકા સામે નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. કંપની 100થી વધુ નવી શાખાઓનો ટાર્ગેટ રાખે છે.
એસ ચાંદ એન્ડ કંપનીઃ જૂન ક્વાર્ટર માટે કંપનીએ રૂ. 111.1 કરોડની ઓપરેટિંગ ઈન્કમ નોંધાવી છે. જ્યારે વિક્રમી 69 ટકા સાથે રૂ. 76.5 કરોડનું ગ્રોસ માર્જિન દર્શાવ્યું છે. કંપનીનો એબિટા રૂ. 13.6 કરોડના વિક્રમી સ્તરે રહ્યો હતો. જ્યારે રૂ. 54.6 કરોડનું કેશ બેલેન્સ રહ્યું હતું. જૂન ક્વાર્ટરની આખરમાં કંપની ડેટ મુક્ત બની હતી.
માર્કસન્સ ફાર્માઃ ફાર્મા કંપનીને તેની કફ-એન્ડ-કોલ્ડ ટેબ્લેટ માટે યુએસએફડીએની મંજૂરી મળી છે. જે યુએસ ખાતે કંપનીના ઓટીસી પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. કંપનીનો શેર મંગળવારે આ અહેવાલ પાછળ ઈન્ટ્રા-ડે ચાર ટકા મજબૂતી દર્શાવતો હતો.
ભેલઃ પીએસયૂ એન્જિનીયરીંગ કંપનીએ અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની સબસિડીયરી મહાન એનર્જેન પાસેથી રૂ. 4000 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડરમાં બોઈલર, ટર્બાઈન અને જનરેટર સપ્લાયનો સમાવેશ થાય છે. તેમજ મધ્ય પ્રદેશના બંધનપુરા ખાતે 1600 મેગાવોટના સુપરક્રિટિકલ ટેક્નોલોજી આધારિત પાવર પ્રોજેક્ટના સુપરવિઝનનો સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage