નવી ટોચે પ્રોફિટ બુકિંગનું દબાણ અનુભવી રહેલું શેરબજાર
સેન્સેક્સ 63602ની ઓલ-ટાઈમ હાઈ બનાવી ગગડ્યો
નિફ્ટી અગાઉની 18888ની ટોચ સામે 18887 થઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.21 ટકા વધી 11.54ના સ્તરે
મેટલ, મિડિયામાં સ્થિરતા સિવાય અન્યત્ર નરમાઈ
કેઈઆઈ ઈન્ડ., એપીએલ એપોલો, સુપ્રીમ ઈન્ડ. નવી ટોચે
વૈશ્વિક બજારોમાં સતત નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં પણ સુધારાની ચાલ અટકી હતી અને બેન્ચમાર્ક્સ તેમની ટોચ પરથી પરત ફર્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ ગુરુવારે ઈન્ટ્રા-ડે 63602ની ઓલ-ટાઈમ હાઈ બનાવી 284 પોઈન્ટ્સ નરમાઈ સાથે 63239નું બંધ દર્શાવ્યું હતું. જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ્સના બંધ સાથે 18,771.25ની સપાટીએ બંધ રહ્યો હતો. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેને કારણે બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3655 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2208 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1318 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 166 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.21 ટકા વધી 11.54ના સ્તરે બંધ રહ્યાં હતાં.
ગુરુવારે ભારતીય બજારની શરૂઆત સાધારણ નેગેટિવ જોવા મળી હતી. જોકે ત્યારપછી એકાદ કલાક માટે બજાર પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થવા સાથે સેન્સેક્સમાં નવી ટોચ જોવા મળી હતી. જ્યારે નિફ્ટી તેની 1 ડિસેમ્બર 2022ની 18888ની ટોચથી એક પોઈન્ટ નીચે 18887 સુધી ટ્રેડ દર્શાવી પરત ફર્યો હતો અને 18800ની સપાટી નીચે ઉતરી ગયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 64 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18835ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 45 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 19 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ બજારમાં લોંગ પોઝીશનમાં વૃદ્ધિ થઈ છે. જે બજાર માટે પોઝીટીવ સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18600ની સપાટી પર ટક્યો છે ત્યાં સુધી ટ્રેન્ડ સુધારાતરફી જ ગણાશે. આમ લોંગ પોઝીશન જાળવી રાખવી જોઈએ. વૈશ્વિક બજારોમાં બાઉન્સ વખતે ભારતીય બજાર અગાઉની ટોચને પાર કરવામાં સફળ રહી શકે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, લાર્સન, એચડીએફસી, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એમએન્ડએમ, બીપીસીએલ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, તાતા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, તાતા મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, યૂપીએલ, બ્રિટાનિયા, એનટીપીસી, નેસ્લે, ગ્રાસિમ, ઈન્ફોસિસ, રિલાયન્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ અને મિડિયા સૂચકાંકો સાધારણ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જે સિવાય અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાઈસિસ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જેમાં નિફ્ટી પીએસયૂ બેંક 1.7 ટકા સાથે ગગડવામાં અગ્રણી હતો. આ ઉપરાંત નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી પણ અડધા ટકાથી વધુ નરમાઈ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સમાં પીએનબી 4 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક, કેનેરા બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.74 ટકા ડાઉન બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, વિપ્રો, ટીસીએસ ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં મેક્સ ફાઈનાન્સિયલ 3.25 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પોલીકેબ, બલકામપુર ચીની, યુનાઈટેડ બ્રૂઅરિઝ, બિરલાસોફ્ટ, આઈજીએલ, ડિવિઝ લેબ્સ, લાર્સનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઈન્ડિયા સિમેન્ટ્સ 6 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એબી કેપિટલ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, વોડાફોન આઈડિયા, ઈન્ડિયન હોટેલ્સ, પીએનબી, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, ડિક્સોન ટેક્નોલોજી, આરબીએલ બેંક, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, સિમેન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં ક્રિષ્ણા ઈન્સ્ટીટ્યુટ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એપીએલ એપોલો, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, જેબીએમ ઓટો, ક્રેડિટએક્સેસ ગ્રામીણ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, લાર્સન અને ભારત ઈલેક્ટ્રિકનો સમાવેશ થતો હતો.
ગોલ્ડ, ડોલર અને ક્રૂડ સહિતની કોમોડિટીઝમાં મંદી
કોમેક્સ ગોલ્ડ 10 ડોલર ગગડી 1935 ડોલરે પટકાયું
ચાંદી 23 ડોલરની નીચે ઉતરી ગઈ
ડોલર ઈન્ડેક્સ 102ની સપાટી નીચે પરત ફર્યો
વૈશ્વિક સ્તરે કોમોડિટીઝ અને કરન્સિઝના ભાવોમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. ફેડ ચેરમેન પોવેલે તેમની દ્વિવાર્ષિક જુબાનીમાં હોકિશ ટોન જાળવી રાખતાં વૈશ્વિક ગોલ્ડ 1940 ડોલરના મહત્વના સપોર્ટ નીચે ઉતરી ગયું હતું. જ્યારે બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ 102ની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. બેંક ઓફ ઈંગ્લેન્ડ તરફથી રેટ વૃદ્ધિ પાછળ સ્ટર્લિંગ પાઉન્ડમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ક્રૂડ, નેચરલ ગેસ સહિત કોમોડિટીઝમાં નરમાઈ જોવા મળી રહી હતી.
જેરોમ પોવેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈન્ફ્લેશન ઊંચા સ્તરે જળવાશે ત્યાં સુધી રેટ વૃદ્ધિમાં વિરામ શક્ય નથી. જેની પાછળ વૈશ્વિક ગોલ્ડમાં વેચવાલી જોવા મળી હતી અને તેણે મહત્વની સપોર્ટ રેંજ તોડી હતી. ભારતીય કોમેક્સ ખાતે પણ ગોલ્ડ વાયદો રૂ. 200થી વધુ નરમાઈ સાથે રૂ. 58400 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 500ના ઘટાડે રૂ. 68800 આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. વૈશ્વિક ક્રૂડમાં નરમાઈ પાછળ એમસીએક્સ ક્રૂડ વાયદો 2 ટકા પટકાઈ રૂ. 5837 પર જોવા મળતો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકાથી વધુ નરમાઈ સાથે 75.5 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસમાં એક ટકા ઘટાડો જોવા મળતો હતો. આ ઉપરાંત સીબોટ ખાતે ઘઉં, મકાઈ, સોયાબિન, સુગર, કોટન, કોકો સહિતની પ્રોડક્ટ્સમાં નરમાઈ જોવા મળતી હતી. એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક માગ પર દબાણની શક્યતાં પાછળ વેચવાલી જોવા મળી રહી છે. ચીન તરફથી ડેટા નબળો આવી રહ્યો છે અને તેણે માગને લઈ નિરાશા ઊભી કરી છે. વધુમાં બેંક ઓફ ઈંગ્લેન્ડે સરપ્રાઈઝ રેટ વૃદ્ધિ કરતાં માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
BOEએ 50 બેસીસ રેટ વૃદ્ધિ સાથે બજારોને આંચકો આપ્યો
બેંક ઓફ ઈંગ્લેન્ડે 2021 આખરથી અત્યાર સુધીમાં રેટને 0.1 ટકા પરથી 5 ટકા કર્યો
બેંક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવારે એક સરપ્રાઈઝ આપતાં ઈન્ટરેસ્ટ રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી તેને 5 ટકા કર્યો હતો. જે 2008માં જોવા મળતાં 4.5 ટકાની ટોચને પાર કરી ગયો હતો. બ્રિટિશ બેંકે છેલ્લાં પોણા બે વર્ષોમાં રેટને 10 બેસીસ પોઈન્ટ્સ પરથી વધારી 5 ટકા કર્યો છે. બેંકના મતે બ્રિટનમાં ઈન્ફ્લેશનને ઘટવામાં અપેક્ષા કરતાં લાંબો સમય લાગી શકે છે અને તેથી જ રેટ વૃદ્ધિ જરૂરી છે.
બીઓઈની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)એ 7-2ના મત ગુણોત્તરથી રેટને વધારી 5 ટકા કર્યો હતો. ફેબ્રુઆરી 2023 પછી તેની આ સૌથી મોટી રેટ વૃદ્ધિ છે. મે મહિનામાં પોલિસીમેકર્સની મિટિંગ વખતે ઊંચા ઈન્ફ્લેશન અને વેતન વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમપીસીએ નોંધ્યું હતું કે તાજેતરમાં રજૂ થયેલો ડેટા ઈન્ફ્લેશનમાં મજબૂતી સૂચવી રહ્યો છે. તેમજ તે નજીકના સમયમાં ઘટે તેવી શક્યતાં નથી જણાતી. અર્થશાસ્ત્રઓના સર્વે મુજબ બીઓઈ 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરી તેને 4.75 ટકા પર લઈ જાય તેવી શક્યતાં હતી. એક નાનો વર્ગ જોકે 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યો હતો. જેની પાછળ બુધવારે રજૂ થયેલો ઊંચો ઈન્ફ્લેશન ડેટા પણ જવાબદાર હતો. બીઓઈની એમપીસી બેઠકના બે સભ્યો સિલ્વાના ટેનેરિયો અને સ્વાતિ ધીંગરાએ જોકે રેટ વૃદ્ધિનો વિરોધ કર્યો હતો. તેમના મતે અગાઉ કરેલી રેટ વૃદ્ધિની અસરો હજુ અનુભવવાની બાકી છે અને તેથી સેન્ટ્રલ બેંકે રાહ જોવી જોઈએ. તેઓ માને છે કે આગામી સમયગાળામાં ઈન્ફ્લેશનમાં તીવ્ર ઘટાડો સંભવ છે તેમજ વેતન વૃદ્ધિમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
ગયા સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલબેંકે પણ બેઝ રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી તેને 3.5 ટકા કર્યો હતો. જ્યારે સ્વિડન અને નોર્વેની સેન્ટ્રલ બેંક્સે પણ ગુરુવારે બીઓઈની બેઠક પહેલાં રેટ વૃદ્ધિની જાહેરાત કરી હતી.
પાંચ શેર્સમાં મેનિપ્યુલેશન માટે સેબીનો રૂ. 126 કરોડની જપ્તીનો આદેશ
મૌરિયા ઉદ્યોગ, 7NR રિટેલ, દાર્જિલીંગ રોપવે કંપની, જીબીએલ ઈન્ડસ્ટ્રીઝ અને વિશાલ ફેબ્રિક્સમાં ગેરરિતી બદલ 135 કંપનીઓ સામે કાર્યવાહી
ગેરરિતી આચરી જંગી નફો મેળવવામાં કેટલીક કંપનીઓના પ્રમોટર્સ ઉપરાંત માસ્ટર માઈન્ડ હનિફ શેખની સંડોવણી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ પાંચ સ્મોલ-કેપ સ્ક્રિપ્સમાં કહેવાતી ગેરરિતી બદલ 135 કંપનીઓ પાસેથી રૂ. 126 કરોડ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ પાંચ સ્ક્રિપ્સમાં મૌરિયા ઉદ્યોગ, 7NR રિટેલ, દાર્જિલીંગ રોપવે કંપની, જીબીએલ ઈન્ડસ્ટ્રીઝ અને વિશાલ ફેબ્રિક્સનો સમાવેશ થાય છે.
રેગ્યુલેટરે તેના વચગાળાના આદેશમાં આ 135 કંપનીઓને વધુ આદેશ આપવામાં આવે નહિ ત્યાં સુધી સિક્યૂરિટીઝ માર્કેટથી દૂર રહેવા માટે જણાવ્યું છે. સેબીએ ઉપરોક્ત પાંચ કંપનીઓના શેર્સમાં ગેરરિતી બદલ તપાસ હાથ ધરી હતી. જેના તારણો પરથી 135 કંપનીઓએ ગેરરિતી મારફતે ખોટી રીતે મેળવેલી રકમ જપ્તિ માટે આદેશ આપ્યો છે. સેબીએ 226 કંપનો સામે કારણદર્શક નોટીસ જાહેર કરી છે. જેમાં ઘણા ખોટા એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. જે પ્રાથમિકરીતે નિયમોનો ભંગ સૂચવે છે અને તેમની પાસેથી રૂ. 144 કરોડની સંભવિત વસૂલાત જરૂરી બની જાય છે.
મોડસ ઓપરેન્ડી
આ સમગ્ર સ્કિમની મોડેસ ઓપરેન્ડી સમજીએ તો ઉપરોક્ત તમામ કંપનીઓ પૂર્વઆયોજિતપણે રિટેલ ઈન્વેસ્ટર્સને બલ્ક એસએમએસ મારફતે ઉપરોક્ત પાંચ સ્ક્રિપ્સ ખરીદવા માટે જણાવતી હતી. આ સ્કિમમાં ત્રણ પ્રકારની કંપનીઓનો સમાવેશ થતો હતો. જેમાં એક પીવી(પ્રાઈસ વોલ્યુમ) ઈન્ફ્લુઅન્સર્સ, બીજો એસએમએસ સેન્ડર અને ત્રીજો ઓફ લોડર્સ હતો. આ ઉપરાંત આ સ્ક્રિપ્સના ઓપરેશન માટે ખોટી સ્કિમને ચલાવવા માટે મોટી સંખ્યામાં બેનામી એકાઉન્ટ્સનો ઉપયોગ કરાયો હતો. સ્કિમના પ્રથમ તબક્કામાં પીવી ઈન્ફ્લઅર્સ તરફથી આ પાંચ સ્ક્રિપ્સમાં મેનિપ્યૂલેટિવ ટ્રેડ્સ મારફતે ભાવ અને વોલ્યુમમાં તીવ્ર વૃદ્ધિ કરવામાં આવી હતી. જ્યારપછી બલ્ક એસએમએસ મારફતે પાંચ સ્ક્રિપ્સ ખરીદવા માટે રિટેલ ઈન્વેસ્ટર્સને ભલામણ કરવામાં આવી હતી. એમએસએસ સેન્ડર હનિફ શેખ આ માટે માસ્ટર માઈન્ડ હતો. જેણે આ સ્ક્રિપ્સ ખરીદવા માટે પબ્લિક ઈન્વેસ્ટર્સને લલચાવ્યાં હતાં. સ્કિમના છેલ્લાં તબક્કામાં ઓફ લોડર્સે અગાઉ ખરીદેલા શેર્સને ખૂબ ઊંચા ભાવે બજારમાં ઠાલવ્યાં હતાં અને તગડો નફો રળ્યો હતો. જેને તેમણે બહુ સ્તરિય માળખા મારફતે ટ્રાન્સફર કર્યો હતો. આ નફાનો લાભ મેળવનારાઓમાં કેટલીક કંપનીઓના પ્રમોટર્સ અને સ્કિમનો માસ્ટર માઈન્ડ હનિફ શેખનો સમાવેશ થતો હતો. સેબીએ આ બાબતે તપાસ કરવા માટે સંખ્યાબંધ ઉપાયો હાથ ધર્યાં હતાં. જેમાં ડિજીટલ ફૂટપ્રિન્ટ્સ, સીડીઆર(કોલ ડિટેલ રેકોર્ડ્સ), અગણિત બેંક ટ્રાન્ઝેક્શન્સ વગેરેનો સમાવેશ થાય છે. આમ કરીને ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલી કંપનીઓની ભાળ મેળવવામાં આવી હતી.
કરોડોના ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલા શેરબ્રોકરની ધરપકડ
જતિન સુરેશભાઈ મહેતાએ ત્રણ-મહિનામાં રૂ. 4672 કરોડના સોદા કર્યાં હતાં
મુંબઈ પોલીસે ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ સંડોવાયેલા 45-વર્ષીય શેરબ્રોકરની ધરપકડ કરી છે. શેરબ્રોકરે ત્રણ-મહિનાના સમયગાળામાં રૂ. 4672 કરોડના સોદાઓ હાથ ધર્યાં હતાં એમ પોલીસે જણાવ્યું હતું. સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ સિવાય કરવામાં આવતાં ઈક્વિટી ટ્રેડિંગને ડબ્બા ટ્રેડિંગ કહેવામાં આવે છે.
આરોપી જતિન સુરેશભાઈ મહેતાની સરકાર સાથે રૂ. 1.95 કરોડથી વધુની ટેક્સની છેતરપિંડીના કિસ્સામાં સબર્બન કાંદીવલી ખાતેથી ધરપકડ કરાઈ હતી. તેમણે સિક્યૂરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, કેપિટલ ગેઈન્સ ટેક્સ, સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યૂટી, સેબી ટર્નઓવર ફી અને સ્ટોક એક્સચેન્જ રેવન્યૂ જેવી વિવિધ આવકોનું નુકસાન કરાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. શેરબ્રોકરે માર્ચ 2023થી જૂન 2023 સુધીમાં ડબ્બા ટ્રેડિંગ મારફતે રૂ. 4,672 કરોડનું ટર્નઓવર કર્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પાસે માન્ય લાયસન્સ નહિ ધરાવતાં એવા શેરબ્રોકર તરફથી ડબ્બા ટ્રેડિંગ થઈ રહ્યું હોવાની વિગતો હતી. જેને આધારે આ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ‘મૂડી’ તરીકે જાણીતી એપ્લિકેશનની મદદથી આ ડબ્બા ટ્રેડિંગ હાથ ધરતાં હતાં. માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જના અધિકારીઓ સાથે કાંદિવલીમાં મહાદેવનગર ખાતે શેર બ્રોકરની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસે રૂ. 50 હજાર રોકડાં, પાંચ મોબાઈલ ફોન્સ, લેપટોપ, ટેબ, પેપર શ્રેડર અને પેન ડ્રાઈવ જપ્ત કર્યાં હતાં. તપાસમાં જણાયું હતું કે બ્રોકરે સરકારને ટેક્સ અને ફી પેટે રૂ. 1.95 કરોડનું નુકસાન કરાવ્યું હતું. જેને આધારે ફરિયાદી સામે આઈપીસીની 406, 420 અને 120(બી) તથા 201ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ખોળની નિકાસ 59 ટકા વધી 9.3 લાખ ટન રહી
ઓઈલમિલ(ખોળ)ની નિકાસમાં એપ્રિલ-મે(2023-24)માં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં 5.86 લાખ ટનની નિકાસ સામે ચાલુ વર્ષે નિકાસ 9.3 લાખ ટન પર જોવા મળી હતી. જે વાર્ષિક 58.6 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. પ્રાપ્ય ડેટા મુજબ મે 2023માં દેશમાંથી 4.36 લાખ ટનની ખોળ નિકાસ નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 2.54 લાખ ટન પર હતી. આમ વાર્ષિક ધોરણે 71.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. તેલખોળની નિકાસમાં ઊંચી વૃદ્ધિ પાછળ સોયામિલ નિકાસ મુખ્ય પરિબળ છે. સોયાબિન ખોળની નિકાસ નાણા વર્ષના પ્રથમ બે મહિનામાં છ ગણી ઉછળી 2.91 લાખ ટન પર નોંધાઈ છે. જે ગયા વર્ષે સમાનગાળમાં 43,601 ટન પર હતી. ભારતીય સોયાખોળ નોન-જીએમઓ હોવાના કારણે યુરોપિયન દેશો તરફથી ઊંચી માગ ધરાવે છે. રાયડા ખોળની નિકાસ પણ ગયા વર્ષે 3.98 લાખ ટન સામે ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં 4.8 લાખ ટન પર નોંધાઈ હતી.
ચીનની નીચી માગ પાછળ સ્ટીલના ભાવમાં ઘટાડાની શક્યતાં
ચીન ખાતે બાંધકામ ઉદ્યોગ તરફથી નીચી માગ જળવાવાથી વૈશ્વિક સ્ટીલના ભાવમાં નરમાઈ જોવા મળે તેવી શક્યતાં ગોલ્ડમાન સાચ તરફથી જોવાઈ રહી છે. તેના મતે ચીન ખાતે વધુ પડતાં સ્ટીલ સપ્લાયનું જોખમ વધી રહ્યું છે. કેમકે ત્યાં પ્રોપર્ટીના વેચાણમાં રિકવરીના અભાવે સ્ટીલની માગમાં 5 ટકા ઘટાડાની શક્યતાં છે. જેને કારણે વૈશ્વિક સ્ટીલના ભાવ પર દબાણ પડી શકે છે. જોકે ફિચ સોલ્યુશન્સની યુનિટ એવી રિસર્ચ કંપની બીએમઆઈના મતે એશિયામાં ભારત સ્ટીલની ઊંચી માગ સાથે એક બ્રાઈટ સ્પોટ બની રહેશે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના રિપોર્ટ મુજબ એપ્રિલમાં ચીન ખાતે સ્ટીલ ઉત્પાદનમાં 1.5 ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે જાન્યુઆરી-જૂન દરમિયાન તેમાં 4.1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. મેઈનલેન્ડ ચાઈના ખાતે બાંધકામ સેક્ટરમાં નરમાઈ જોવા મળી રહી છે.
વેદાંતા કોપર પ્લાન્ટનું રૂ. 4500 કરોડમાં વેચાણ કરે તેવી શક્યતાં
માઈનીંગ અગ્રણી વેદાંતા તરફથી તમિલનાડુ સ્થિત કોપર પ્લાન્ટનું રૂ. 4500 કરોડમાં વેચાણ કરવામાં આવે તેવી શક્યતાં છે. ગયા વર્ષે કંપનીએ પ્લાન્ટ માટે એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) મંગાવ્યાં હતાં. જોકે, પ્લાન્ટ છેલ્લાં પાંચ વર્ષોથી બંધ હોવાના કારણે કંપની કોઈ સારો પ્રતિભાવ મેળવવામાં નિષ્ફળ રહી હતી. જોકે, બેંકર્સ તરફથી સંભવિત બીડર્સનો સંપર્ક કરવાનું શરુ કરાતાં પ્રક્રિયાનો ફરીથી આરંભ થયો છે એમ મિડિયા અહેવાલ સૂચવે છે.
પ્લાન્ટને તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આદેશ પાછળ બંધ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં વેદાંતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. જેનો ચૂકાદો ઓગસ્ટમાં આવે તેવી શક્યતાં છે. કંપનીએ 12 જૂને સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરીને કામગીરી શરૂ કરવા માટે 12 જૂને ઈઓઆઈ મંગાવ્યાં હતાં. રિપોર્ટ ઉમેરે છે કે વેદાંતની પેરન્ટ કંપની વેદાંત રિસોર્સિઝ તેના ડેટની ચૂકવણી માટે ફંડ્સ ઊભું કરવા પ્રયાસ કરી રહી છે. યુનિટના વેચાણ મારફતે ઊભી કરવામાં આવેલી રકમ ચાલુ વર્ષ માટે કંપનીના 1.7 અબજ ડોલરના મૂડી ખર્ચને મેળવવામાં સહાયરૂપ બનશે. વેદાંતા રિસોર્સિસે ચાલુ નાણાકિય વર્ષે હજુ પણ 2.2 અબજ ડોલરની ચૂકવણી કરવાની છે. કંપની બ્રાન્ડ મોનેટાઈઝેશન, રિફાઈનાન્સિંગ અને જનરલ રિઝર્વ્સના ટ્રાન્સફર મારફતે નાણા ઊભા કરવાનો પ્રયાસ કરી રહી છે.
ફેડ ચેરમેનની ટિપ્પણી પાછળ બિટકોઈને 30000 ડોલરની સપાટી પાર કરી
જેરોમ પોવેલે યુએસ કોંગ્રેસ સમક્ષ ક્રિપ્ટો માટે પોઝીટીવ નિવેદન કરતાં ક્રિપ્ટો કરન્સીમાં 24 કલાકમાં 3000 ડોલરનો ઉછાળો
યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલ તરફથી ક્રિપ્ટો કરન્સીને લઈને પોઝીટીવ નિવેદન પાછળ બિટકોઈનમાં 24 કલાકમાં 3000 ડોલરથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 30 હજાર ડોલરની સપાટી પાર કરી બે-મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે બિટકોઈનનો ભાવ 1300 ડોલરથી વધુ સુધારા સાથે 30400 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે અગાઉના સત્રના બંધની સરખામણીમાં 5 ટકા જેટલી વૃદ્ધિ સૂચવતો હતો.
પોવેલે યુએસ કોંગ્રેસ સમક્ષ જણાવ્યું હતું કે ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી પાસે ટકી રહેવાની ક્ષમતા છે. પેમેન્ટ સ્ટેબલકોઈન્સ એક નાણાનો એક પ્રકાર છે તે આપણે જોઈ રહ્યાં છીએ અને તમામ આધુનિક અર્થતંત્રોમાં નાણાનો આખરી વિશ્વસનીય સ્રોત સેન્ટ્રલ બેંક છે. આ સ્થિતિમાં મજબૂત ફેડરલ ભૂમિકાની જરૂરિયાત રહેશે. તેઓ મોનેટરી પોલિસીને લઈને દ્વિ-વાર્ષિક સુનાવણીને સંબોધી રહ્યાં હતાં. જોકે, પોવેલે ઉમેર્યું હતું કે યુએસ સ્ટેબલકોઈન્સને લઈને દેખરેખ માટે સેન્ટ્રલ બેંકે મહત્વની ભૂમિકા ભજવવાની રહેશે. કોઈનમાર્કેટકેપના ડેટા મુજબ પોવેલની ટિપ્પણી પછી બિટકોઈનમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. છેલ્લાં સાત સત્રોમાં તે 21 ટકાથી વધુ ઉછળી ચૂક્યો છે. માર્કેટ-કેપની રીતે બીજા ક્રમે આવતાં ડિજીટલ ટોકન ઈથેરિયમમાં 24-કલાકમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 1927 અબજ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં એક સપ્તાહમાં તે 17 ટકા જેટલો ઉછળ્યો છે. સમગ્ર ક્રિપ્ટોકરન્સિઝનું માર્કેટ-કેપ 5 ટકા જેટલું ઉછળી 1.19 ટ્રિલિયન ડોલર પર જોવા મળ્યું હતું. જેમાં બિટકોઈન સહિત નાના કોઈન્સમાં પણ તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં કાર્ડાનો, ડોગેકોઈન્સ, સોલાના અને લિટેકોઈનનો સમાવેશ થાય છે.
ફિચ રેટિંગ્સે દેશનો GDP ગ્રોથ રેટ વધારી 6.3 ટકા કર્યો
અગાઉ એજન્સીએ ચાલુ નાણા વર્ષ માટે 6 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો
ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકિય વર્ષ 2023-24 માટે ભારતીય અર્થતંત્ર માટેનો વૃદ્ધિ દર વધારીને 6.3 ટકા કર્યો છે. અગાઉ એજન્સીએ ચાલુ નાણા વર્ષ માટે 6 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. વૃદ્ધિ દરમાં પોઝીટીવ સુધારા પાછળનું કારણ પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત દેખાવ અને નજીકના સમયગાળામાં જોવા મળી રહેલું મોમેન્ટમ છે. 2022-23માં જીડીપી વિસ્તરણ 7.2 ટકાના દરે જોવા મળ્યું હતું. જ્યારે નાણા વર્ષ 2021-22માં અર્થતંત્રમાં 9.1 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો હતો.
એજન્સીએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે ભારતીય અર્થતંત્ર બ્રોડ-બેઝ મજબૂતી દર્શાવી રહ્યું છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે જીડીપીમાં 6.1 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ઓટો સેલ્સ, પીએમઆઈ સર્વે અને ક્રેડિટ ગ્રોથમાં તાજેતરના મહિનાઓમાં મજબૂતી જોવા મળી છે. જેને જોતાં માર્ચ 2024 સુધીના સમયગાળા માટે વૃદ્ધિ દરનો અંદાજ અગાઉના 6 ટકા સામે 0.3 ટકા વધારી 6.3 ટકા કર્યો છે. અગાઉ માર્ચ મહિનાની શરૂમાં ફિચે 2023-24 માટેનો અંદાજ 6.2 ટકા પરતી ઘટાડી 6 ટકા કર્યો હતો. જેની પાછળ ઊંચું ઈન્ફ્લેશન અને ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ તેમજ વૈશ્વિક માગમાં નરમાઈ જેવા પરિબળો જવાબદાર હતાં. તેણે 2024-25 અને 2025-26 માટે 6.5 ટકાના ગ્રોથનો અંદાજ રાખ્યો હતો. રેટીંગ એજન્સીએ નોંધ્યા મુજબ જાન્યુઆરી-માર્ચ દરમિયાન વૃદ્ધિ દર અપેક્ષાથી ઊંચો રહેવા પાછળ મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે રિકવરી જવાબદાર હતી. સાથે બાંધકામ અને કૃષિ ઉત્પાદનમાં જોવા મળેલી મજબૂતીએ પણ ભાગ ભજવ્યો હતો. ખર્ચાના સંદર્ભમાં જોઈએ જીડીપી ગ્રોથ પાછળનું મુખ્ય ચાલક બળ સ્થાનિક માગ અને નેટ ટ્રેડમાં મજબૂતી હતું.
નવું બિલ વિમાન લીઝિંગ કંપનીને પ્લેન પરત મેળવવાની વધુ સત્તા આપશે
કેપ ટાઉન કન્વેન્શન બિલ રેઝોલ્યુશન પ્રોફેશ્નલ માટે નાદારીની પ્રક્રિયા શરૂ થયાના બે મહિનામાં વિમાનો પરત આપવાનું ફરજિયાત બનાવશે
જે વિમાનો માટે એરલાઈન્સ ભાડું આપવામાં નિષ્ફળ ગઈ હોય તેમને ફરીથી પરત મેળવવાનું એરલાઈન લિઝીંગ માટે સરળ બનાવતાં પગલામાં કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્રમાં કેપ ટાઈન કન્વેન્શન બિલ રજૂ કરવાનું આયોજન કરી રહી છે એમ અહેવાલો જણાવે છે. અન્ય કોઈ સ્થાનિક નિયમ સાથે ઘર્ષણના કિસ્સામાં અને તેમાં પણ ખાસ કરીને ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડ(આઈબીસી), 2016ની વાત કરીએ તો નવું બિલ કેપ ટાઉન કન્વેન્શનને પ્રાથમિક્તા આપશે.
કેપ ટાઉન કન્વેન્શન એ વિમાન, હેલિકોપ્ટર્સ અને એજિન્સ જેવી મોંઘી આઈટમ્સ માટે ભાડુ ચૂકવવામાં નાદારીના કિસ્સામાં લિઝર્સને તેના ઊંચું મૂલ્ય ધરાવતાં ઈક્વિપમેન્ટ પરત મેળવવાની ખાતરી પૂરી પાડે છે. તે લિઝર્સનું જોખમ ઓછું કરવાનો તથા તેમના વિશ્વાસમાં વૃદ્ધિનો હેતુ ધરાવે છે. ગો ફર્સ્ટના કિસ્સામાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)ના આદેશને કારણે આ બિલને રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એનસીએલટીએ ગો ફર્સ્ટના કિસ્સામાં લિઝર્સની તેમના વિમાનો પરત મેળવવા પર મોરેટોરિયમ લાગુ પાડ્યું છે. જેને કારણે લિઝર્સે લાંબી કાયદાકીય લડાઈ લડવી પડશે. કેમકે એનસીએલટીના ચુકાદા પછી નાદાર ઉડ્ડયન કંપની પણ કાયદાકીય સુરક્ષા મેળવી રહી છે. આને કારણે લિઝર્સનો વિશ્વાસ ડગમગ્યો છે, જેમને ટોચની બેંક્સ અને ફાઈનાન્સિંગ કંપનીઝનું સમર્થન પ્રાપ્ય છે. તેમજ અન્ય ભારતીય એરલાઈન્સ કંપનીઓ માટે રિસ્ક પ્રિમીયમમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જે તેમની બિઝનેસ કોસ્ટમાં વૃદ્ધિ કરે છે. ચિંતાતુર લિઝર્સે ભાડુ ચૂકવવામાં નાદાર બનેલી અને હાલમાં મંત્રણા કરી રહેલી સ્પાઈસજેટ સાથેના તેમના છ વિમાનોની નોંધણી રદ કરવા માટે પણ ફાઈલ કર્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ટીસીએસઃ આઈટી સર્વિસિઝ કંપનીએ યુકેની નેસ્ટ પાસેથી 84 કરોડ સ્ટર્લિંગ પાઉન્ડનો ઓર્ડર મેળવ્યો છે. જે હેઠળ કંપનીએ પેન્શન સ્કિમ હેઠળ સભ્યોના અનુભવને વધારે સારો બનાવવાનો રહેશે. જો ઓર્ડરને તેના સંપૂર્ણ સમયકાળ 18-વર્ષો સુધી લંબાવવામાં આવે તો કોન્ટ્રેક્ટ વેલ્યૂ વધી 1.5 અબજ પાઉન્ડ પર પહોંચી શકે છે. હાલનો કોન્ટ્રેક્ટ 10-વર્ષ માટેનો છે.
એનએમડીસીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને પીએસયૂ માઈનીંગ કંપની એનએમડીસીમાં તેના હિસ્સામાં ઘટાડો કર્યો છે. કંપનીએ 14 માર્ચ 2023થી 20 જૂન 2023 સુધીમાં એનએમસીડીમાં બે ટકાથી વધુ હિસ્સો વેચ્યો છે. જ્યારપછી કંપનીમાં તેની પાસે 9.62 ટકા હિસ્સો રહ્યો છે. કંપનીએ રૂ. 107.59 પ્રતિ શેરના સરેરાશ ભાવે ઓપન માર્કેટમાં શેર્સ વેચ્યાં હતાં.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ મિડિયા કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે સિક્યૂરિટીઝ લોના ભંગ બદલ સેટલમેન્ટ પેટે રૂ. 7 લાખ ચૂકવ્યાં છે. રેગ્યુલેટરે ઈન્સાઈડર ટ્રેડિંગ અને ટેકઓવર નિયમોના ભંગની ખાતરી માટે 1 જાન્યુઆરી 2019થી 26 ડિસેમ્બર 2019 સુધીના સમયગાળામાં ઝીના શેર્સમાં ટ્રેડિંગનો અભ્યાસ કર્યો હતો. જેમાં તેને કંપની તરફથી વિલંબિત ડિસ્ક્લોઝર્સ જોવા મળ્યાં હતાં.
ડેલ્હીવરીઃ કંપનીમાં ટોચના પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર કાર્લાઇલ તરફથી ગુરુવારે 2.53 ટકા હિસ્સાનું વેચાણ કરવામાં આવ્યું હતું. શેર્સની સંખ્યાની રીતે કંપને 1.8 કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું. જે મારફતે તેણે રૂ. 720 કરોડ મેળવ્યાં હતાં. કંપનીએ રૂ. 385.5ના બેઝ ભાવે આ શેર્સનું વેચાણ કર્યું હતું.
ગેઈલઃ પીએસયૂ ગેસ ડિસ્ટ્રીબ્યૂટરે પંજાબથી જમ્મુ વચ્ચેની ગેસ પાઈપલાઈન બાંધવા માટેનું લાયસન્સ મેળવ્યું છે. ઓઈલ રેગ્યુલેટર પીએનજીઆરબી પાસેથી આ લાયસન્સ મેળવવાની સ્પર્ધામાં રહેલી અન્ય પીએસયૂ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને પાછળ રાખીને ગેઈલ લાયસન્સ મેળવવામાં સફળ રહી હતી.
ટીવીએસ મોટરઃ ટોચની ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ ઉત્પાદકે ભાવનગર ખાતે ટીવીએસ સ્પોર્ટનું સામૂહિક ડિલિવરી હાથ ધર્યું હતું. કંપનીએ રાજ્યમાં વિસ્તરણના ભાગરૂપે તેના નવા સેલ્ફ-સ્ટાર્ટ વેરિઅન્ટના લોંચ સાથે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો છે. ટીવીએસ સ્પોર્ટ ઇએસ ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વિકલ્પ સાથે એન્ટ્રી-લેવલ મોટરસાઇકલ સેગમેન્ટમાં વેલ્યુ-ફોર-મની મોડેલ છે.
ભારત એગ્રીઃ ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શિવ સાંઈ પેરેડાઈઝ માટે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ મેળવ્યું છે. કુલ 58 માળના પ્રોજેક્ટમાંથી કંપની પાંચ વર્ષોમાં રૂ. 700-800 કરોડની આવક મેળવવા ધારે છે. કંપની TDR ચૂકવીને વધુ FSI ખરીદવાની યોજના ધરાવે છે.
ફોર્ટીસ હેલ્થકેરઃ કંપનીએ ગુરુવારે ચેન્નાઈ સ્થિત વડાપલાણી સ્થિત તેના હોસ્પિટલ બિઝનેસના વેચાણ માટે ડેફિનેટીવ એગ્રીમેન્ટ્સ કર્યાં હતાં. તેણે રૂ. 152 કરોડના મૂલ્યમાં શ્રી કૌવેરા મેડિકલ કેરને આ બિઝનેસનું વેચાણ કર્યું હતું. કંપનીએ ઓક્ટોબર 2020માં આ સુવિધાને શરૂ કરી હતી.
નેસલેઃ એમએનસી એફએમસીજી કંપનીએ બે નવી પ્રોડક્ટ્સ કોકો ક્રન્ચ મિલેટ- જુવાર અને મંચ લોંચ કરી તેના બ્રેકફાસ્ટ સેરિઅલ્સ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. નેસ્લેએ સ્થાનિક ખાદ્યાન્ન જુવાર સહિતને બેઝ બનાવી નવી પ્રોડક્ટ્સ તૈયાર કરી છે.
ટોર્ક મોટર્સઃ દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદકે રાજકોટમાં બે અને અમદાવાદમાં એક નવા એક્સપિરિયન્સ ઝોન લોંચ કરી વિસ્તરણ કર્યું છે. આ 3S ફેસીલીટીમાં બ્રાન્ડની ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ KRATOS-R રજૂ કરાઈ છે. નવી સુવિધા સેલ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસ ઓફર કરશે.
હાયરઃ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ કંપનીએ પૂણે સ્થિત ઉત્પાદન એકમ માટે ભારતીય ધોરણોનું પાલન કરવા માટે ISI તરફથી પ્રમાણપત્ર મેળવ્યું છે. જે હાયરના ડિપ ફ્રિઝરને માન્યતા આપે છે. કંપની સતત ચૌદ વર્ષથી વિશ્વની પ્રથમ ક્રમની બ્રાન્ડ બની રહી છે.
વસંત મસાલાઃ સ્પાઈસ ઉત્પાદકે પ્રોડક્ટ બાસ્કેટનું વિસ્તરણ કરતાં વસંત અવધી ગરમ મસાલા લોંચ કર્યું છે. જે 100થી વધુ રેસિપીઓમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે. તેને અવધી શૈલીથી તૈયાર કરાયો છે.
બાઈજુસઃ દેશમાં સૌથી મોટી એડટેક કંપની બાઈજુસના સ્ટેચ્યૂટરી ઓડિટર્સ તરીકે ડેલોઈટ હસ્કિન્સ એન્ડ સેલ્સે રાજીનામું આપ્યું હોવાનું કંપનીએ ફાઈનાન્સિયલ રિઝલ્ટ્સના ફાઈલીંગમાં જણાવ્યું છે. બાઈજુસે 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2025 સુધીના પાંચ-વર્ષો માટે ઓડિટર્સ તરીકે ડેલોઈટની નિમણૂંક કરી હતી.
કલ્પતરુ પ્રોજેક્ટ્સઃ કંપનીના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરી રૂ. 300 કરોડ સુધીની રકમ ઊભી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.