બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બજારમાં મંદીની હેટ્રીકઃ બેંકિંગના સપોર્ટથી બજારમાં મોટો ઘટાડો ટળ્યો
બેંક નિફ્ટીએ પ્રથમવાર 40 હજારનું સ્તર પાર કર્યું, આઈટી ઈન્ડેક્સમાં 2.5 ટકાનો ઘટાડો
છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોની સરખામણીમાં માર્કેટ બ્રેડ્થમાં સુધારો જોવા મળ્યો
ભારતીય શેરબજારે સતત ત્રીજા દિવસે ઘટીને હેટ્રીક નોંધાવી હતી. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે બુધવારે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યાંની પણ ઈમર્જિંગ માર્કેટ્સ પર કોઈ અસર જોવા મળી નહોતી. એશિયન બજારો સાથે ભારતીય બજાર પણ નરમાઈ સાથે ટ્રેડ થયું હતું. એશિયામાં એકમાત્ર ચીનના બજારે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.
બેંકિંગ ક્ષેત્રના સારા દેખાવને કારણે સ્થાનિક બજારને સપોર્ટ સાંપડ્યો હતો અને તે દિવસના તળિયાના સ્તરેથી પરત ફરીને બંધ આવ્યું હતું. નિફ્ટી 18048ની તેની બોટમ સામે કામકાજના અંતે 18178ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 60486ની નીચી સપાટીએ ટ્રેડ થઈ 60924 પર બંધ જોવા મળ્યો હતો. તેણે 336 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો. માર્કેટ બંધ થવાના આખરી ચરણમાં બેંકિંગ શેર્સમાં ભારે લેવાલી પાછળ નિફ્ટી બેંક 1.3 ટકા સુધારા સાથે 40030ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 40200.45ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેંક શેર્સમાં કોટક મહિન્દ્રા બેંકનો શેર 6.37 ટકા ઉછળી રૂ. 2143.75ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. જ્યારે આરબીએલ બેંકનો શેર 4.23 ટકા ઉછળી રૂ. 196.95 પર બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક પીએનબીનો શેર 3.6 ટકા સુધરી રૂ. 44.65 પર અને ફેડરલ બેંકનો શેર 2.71 ટકા સુધારે રૂ. 96.55 પર બંધ રહ્યો હતો. માત્ર ઈન્ડસઈન્ડ બેંક અને બંધન બેંકના શેર્સમાં નરમાઈ જોવા મળતી હતી.
બજારમાં આઈટી અને મેટલમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.53 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. અગ્રણી આઈટી કંપનીઓમાં કોફોર્જમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે માઈન્ડટ્રીમાં 6.37 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 4.13 ટકા, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસમાં 3 ટકા, ઈન્ફોસિસમાં 2.7 ટકા, ટીસીએસમાં 2.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.77 ટકા ઘટી બંધ રહ્યો હતો. ઊંચો ઘટાડો દર્શાવનાર મેટલ કાઉન્ટર્સમાં મોઈલ 5.14 ટકા, હિંદુસ્તાન ઝીંક 5 ટકા, વેલસ્પન કોર્પ 4.5 ટકા, હિંદાલ્કો 3.74 ટકા, એપીએલ એપોલો 3.45 ટકા અને એનએમડીસી 2.15 ટકાનો સમાવેશ થાય છે.
મંગળવાર અને બુધવારની સરખામણીમાં ગુરુવારે માર્કેટ બ્રેડ્થ ઘણી સારી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3426 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1610 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1676 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. આમ લગભગ એક શેરમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો. 266 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 271 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં.
એશિયન પેઈન્ટ્સનો નફો 29 ટકા ઘટી રૂ. 605 કરોડ રહ્યો
અગ્રણી પેઈન્ટ કંપની એશિયન પેઈન્ટ્સે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તેના કોન્સોલિડેટેડ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 29 ટકાના ઘટાડા સાથે રૂ. 605.2 કરોડના સ્તરે જોવા મળ્યો હતો. જોકે ત્રિમાસિક ધોરણે કંપનીના નફામાં 5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ઊંચી રો-મટિરિયલ કોસ્ટને કારણે કંપનીના નફામાં એનાલિસ્ટ્સની અપેક્ષા સામે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ વાર્ષિક ધોરમે 32.6 ટકા ઉછળી રૂ. 7096 કરોડ પર જોવા મળી હતી. કંપનીના એમડી અને સીઈઓએ જણાવ્યા મુજબ સ્થાનિક ડેકોરેટિવ બિઝનેસની માગ ઊંચી રહી હતી અને તેમણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 34 ટકા વોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો હતો. ઈન્ડસ્ટ્રીઅલ કોટિંગ્સ બિઝનેસ ક્ષેત્રે મજબૂત માગ પાછળ દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી હતી. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીનો દેખાવ મિશ્ર રહ્યો હતો. દક્ષિણ એશિયાના બજારોમાં વૃદ્ધિ દર સારો જળવાયો હતો. જ્યારે મધ્ય પૂર્વ એશિયા અને આફ્રિકામાં બિઝનેસમાં મંદી જોવા મળી હતી. કંપનીનો શેર ગુરુવારે કામકાજના અંતે 5.29 ટકાના ઘટાડા સાથે રૂ. 3002ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 2920 સુધી ઘટાડો દર્શાવ્યો હતો.
જૂન ક્વાર્ટરમાં બેંકોના માઈક્રો લોન પોર્ટફોલિયોમાં 7 ટકાનો ઘટાડો
દેશના ધિરાણકર્તાઓની કામગીરીની રીતે જૂન ક્વાર્ટર નબળુ જોવા મળ્યું હતું. લેન્ડર્સના માઈક્રો લોન પોર્ટફોલિયોમાં એપ્રિલ-જૂન દરમિયાન 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્ચ 2021 ક્વાર્ટરમાં રૂ. 2.53 લાખ કરોડની સામે જૂન ક્વાર્ટરમાં બેંકોનો માઈક્રો લોન પોર્ટફોલિયો રૂ. 2.36 લાખ કરોડ રહ્યો હતો. કોવિડના બીજા વેવને કારણે બેંક્સની કામગીરી પર અસર પડી હતી. બેંક્સ, એનબીએફસી સહિતના લેન્ડર્સે જૂન ક્વાર્ટરમાં તેમના ગ્રોસ લોન પોર્ટફોલિયો(જીએલપી)માં ઘટાડો નોંધાવ્યો હતો. ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યૂરોએ પ્રથમ ક્વાર્ટરમાં જણાવ્યું હતું કે માઈક્રો ફાઈનાન્સ સેક્ટર માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં રિકવરી દર્શાવવામાં ઝડપી રહ્યું હતું. જોકે વાસ્તવમાં આમ જોવા મળ્યું નથી.
ચાઈનીઝ ડેવલપર એવરગ્રાન્ડને 3 મહિના માટે એક્સટેન્શન મળ્યું
બોન્ડ પેટે નાણા ચૂકવણીમાં નાદાર બનેલા ચીનના ડેવલપર એવરગ્રાન્ડ ગ્રૂપને કેટલાક સમય માટે રાહત મળી છે. જૂથને તેના 26 કરોડ ડોલરના બોન્ડ ચૂકવણાં માટે ત્રણ મહિનાથી વધુ સમય માટેનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. બુધવારે જૂથને તેની પ્રોપર્ટી સર્વિસ કંપનીમાં 2.6 અબજ ડોલરના હિસ્સા વેચાણમાં મળેલી નિષ્ફળતા બાદ ભાગ્યે જ મળતી રાહત સાંપડી હતી. એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ કંપનીએ એકસ્ટ્રા કોલેટરલ પૂરું પાડવા માટે સહમતિ દર્શાવ્યાં બાદ તેને આ રાહત મળી હતી. જોકે રોઈટર્સની રિક્વેસ્ટનો એવરગ્રાન્ડે કોઈ જવાબ આપ્યો નહોતો. બુધવારે જૂથ એવરગ્રાન્ડ પ્રોપર્ટી સર્વિસિસનો 50.1 ટકા હિસ્સો વેચી શકી નહોતી. અગાઉ તે હોંગ કોંગ હેડક્વાર્ટર્સના 1.7 અબજ ડોલરમાં વેચાણમાં નિષ્ફળ રહી હતી.
PSU બેંક્સને ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન પર ભાર મૂકવાનો નિર્દેશ
કેન્દ્ર સરકારે તેની માલિકી બેંકિંગ કંપનીઓને ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન માટે આક્રમક બનવા જણાવ્યું છે. ઉપરાંત પેન્શન અને ઈન્શ્યોરન્સ કવરેજનો વ્યાપ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. અન્ય એક નિર્દેશમાં તહેવારોની સિઝનમાં કો-લેન્ડિંગ વ્યવસ્થા મારફતે બોરોઅર્સને ક્રેડિટ પૂરી પાડવા માટે ફાઈનાન્સિયલ ટેક્નોલોજિનો ઉપયોગ કરવા જણાવાયું છે. જાહેર ક્ષેત્રની બેંકોએ આર્થિક રિકવરીને ટેકો પૂરો પાડવા માટે ક્રેડિટ ઈચ્છતાં લોકો સુધી પહોંચવાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે ત્યારે સરકાર દેશમાં જિલ્લા-વાર લોન મેળાનું આયોજન કરવાનું વિચારી રહી છે. અગાઉ ઓક્ટોબર 2019માં પણ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે નવેમ્બરમાં તેને લોંચ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સરકારે બેંક્સને એનબીએફસી અને માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓ સાથે કો-લેન્ડિગ એગ્રીમેન્ટ્સ સ્થાપવા માટે વ્યાપક માર્ગદર્શિકા સૂચવી છે.
ભારતીય શેરબજારે મોંઘા વેલ્યૂએશનને કારણે આકર્ષણ ગુમાવ્યુઃ UBS
વિદેશી બ્રોકરેજ હાઉસે તાઈવાન અને ઓસ્ટ્રેલિયા સહિત ભારતને અન્ડરવેઈટનું રેટિંગ આપ્યું
કંપનીએ 16 મહિના બાદ ચીન માટેના અન્ડરવેઈટ વલણને બદલી ઓવરવેઈટ બનાવ્યું
યૂબીએસના મતે ભારતીય બજારમાં તેજીમાં રિટેલ ઈન્વેસ્ટર્સની મહત્વની ભૂમિકા. જોકે તેમનું વલણ બદલાશે ત્યારે બજાર પર દબાણ જોવાશે
વિદેશી બ્રોકરેજ યૂબીએસે ભારતીય શેરબજારે મોંઘા વેલ્યુએશન્સને કારણે આકર્ષણ ગુમાવ્યું હોવાનું જણાવ્યું છે. તેના મતે આસિયાન(એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ)ના બજારોની સરખામણીમાં ભારતીય બજારના વેલ્યૂએશન્સ ઊંચા જોવા મળે છે. બ્રોકરેજે તાઈવાન અને ઓસ્ટ્રેલિયન માર્કેટ સાથે ભારતીય બજારને પણ અન્ડરવેઈટનું રેટિંગ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા માટે તેણે અગાઉ ન્યૂટ્રલનું રેટિંગ આપ્યું હતું.
યૂબીએસના સ્ટ્રેટેજિસ્ટ્સે એક રિપોર્ટમાં નોઁધ્યું છે કે અમારા માપદંડો મુજબ તાઈવાન, ઓસ્ટ્રેલિયા અને તાઈવાનના શેરબજારો અનાકર્ષક જણાય રહ્યાં છે. ખાસ કરીને વેલ્યૂએશન્સ અને અર્નિંગ્સ જેવા પરિબળાને આધારે તેઓ મોંઘા જણાય છે. જ્યારે આસિયાન બજારો પોઝીટીવ જણાય રહ્યાં છે. યૂબીએસ હાલમાં ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, સિંગાપુર, મલેશિયા અને ચીનના બજારો માટે ઓવરવેઈટ છે. ચીનના બજારને તેણે અન્ડરવેઈટમાં અપગ્રેડ કર્યું છે. ઉપરોક્ત તમામ બજારોએ ભારતીય બજારની સરખામણીમાં છેલ્લાં એક વર્ષમાં ઊંચું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ ચાલુ કેલેન્ડરમાં ગુરુવારના ભાવ મુજબ લગભગ 30 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જેની સામે એમએસસીઆઈ એપીએસી(જાપાન સિવાય) ઈન્ડેક્સ તદ્દન ફ્લેટ જોવા મળ્યો છે. તીવ્ર આઉટપર્ફોર્મન્સને કારણે ભારતીય બજારનું પ્રિમીયમ એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સની સરખામણીમાં 90 ટકાના વિક્રમી પર જોવા મળી રહ્યું છે. જે છેલ્લા 10 વર્ષો દરમિયાન સરેરાશ 43 ટકાના સ્તરે જોવા મળ્યું છે. યૂબીએસ નોંધે છે કે તાઈવાનની જેમ જ અમારા સ્કોરબોર્ડ ફ્રેમવર્કમાં ભારત ખૂબ નબળું જણાય છે. આસિયાનની સાપેક્ષમાં ભારતના વેલ્યૂએશનને યોગ્ય ઠેરવવાં ખૂબ કઠિન છે. આ બંને વિસ્તારો આર્થિક વૃદ્ધિ માટેના સમાન પરિમાણો તથા મેક્રો તકલીફો ધરાવે છે. બ્રોકરેજે એમ પણ નોંધ્યું છે કે ભારત અને તાઈવાનમાં રિટેલ ઈન્વેસ્ટર્સે મહત્વની ભૂમિકા ભજવી છે. જે ક્યારે બદલાશે તે અંગે કોઈ આગાહી કરવી કઠિન છે. જોકે જ્યારે પણ રિટેલ તરફથી માગ ઓછી થશે ત્યારે બજાર માટે એક વધારાની સમસ્યા ઊભી કરશે.
બ્રોકરેજના મતે ભારતમાં કોર્પોરેટ અર્નિંગ્સ ક્ષેત્રે જોવા મળેલું મોમેન્ટમ હવે ધીનું પડી રહ્યું છે. જ્યારે ચાલુ વર્ષે આર્થિક રિબાઉન્ડની પાતળી શક્યતા રહેલી છે. ઉપરાંત નીચા રિઅલ યિલ્ડ અને ઓવરવેલ્યૂડ કરન્સી પણ યુએસ ફેડ રિઝર્વ્સના ટેપરિંગને ધ્યાનમાં રાખતાં ભારત માટે ઊંચું જોખમ દર્શાવે છે. યૂબીએસના મતે આસિયાન દેશો તેમના અન્ડરપર્ફોર્મન્સને કારણે વિદેશી રોકાણકારો તરફથી રોકાણનો ઊંચો ફ્લો મેળવી શકે છે. ઓગસ્ટ મહિનાથી ભારતીય બજારને મળેલા લાભ પાછળ ચીન ખાતે જોવા મળી રહેલી રેગ્યુલેટરી બાબતો પણ હતી. જોકે ચીન ખાતે હવે સ્થિતિ ફરી સામાન્ય બનતી જણાય છે એમ બ્રોકરેજ ઉમેરે છે. યૂબીએસ એપ્રિલ 2020થી ચીનના બજારને લઈને અન્ડરવેઈટનું રેટિંગ ધરાવતી હતી. હવે તેણે 16 મહિના બાદ આ કોલને રિવર્સ કર્યો છે. યૂબીએસના મતે હાલમાં ચીન ખાતે વેલ્યૂએશન્સ અન્યોની સાપેક્ષમાં સારા જણાય રહ્યાં છે અને 2022માં તે સારો દેખાવ દર્શાવી શકે છે. રેગ્યુલેશન્સને લઈને જોવા મળતી ચિંતાઓ પણ વધુ પડતી હોવાનું તે જણાવે છે.
Market Summary 21 October 2021
October 21, 2021