બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં ખરીદીના અભાવે મંદીની હેટ્રીક નોંધાઈ
વૈશ્વિક બજારોમાં પણ નરમાઈનો માહોલ
ઈન્ડિયા વિક્સ 3 ટકા સુધરી 14.79ની સપાટીએ
આઈટી, એનર્જી, મેટલ સેક્ટર પર દબાણ
નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે
ભારતી એરટેલ, જીઈ શીપીંગ નવી ઊંચાઈએ
બંધન બેંક, મોતીલાલ ઓસ્વાલ નવા તળિયે
બ્રોડ માર્કેટમાં સતત નેગેટિવ માર્કેટ બ્રેડ્થ
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત નેગેટિવ જોવા મળી હતી. જે સાથે સ્થાનિ બજારમાં સતત ત્રીજા સત્રમાં મંદી સાથે હેટ્રીક બની હતી. બીએસઈ સેન્સેક્સ 519 પોઈન્ટ્સ અથવા 0.84 ટકા ગગડી 61145ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 148 પોઈન્ટ્સ ગગડી 18160 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ઊંચી વેચવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સ નેગેટિવ બ્રેડ્થ દર્શાવતાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 અગાઉના બંધ સામે ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સુસ્તી જળવાયેલી રહેતાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.8 ટકા મજબૂતી સાથે 14.79ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ ખાતે બજારો લગભગ ફ્લેટ બંધ જોવા મળ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોની શરૂઆત નેગેટિવ જોવા મળી હતી. હોંગ કોંગ બજાર 2 ટકા ઘટાડો દર્શાવતું હતું. જે ઉપરાંત કોરિયા, ચીન, તાઈવાન અને સિંગાપુર પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર જાપાન સાધારણ પોઝીટીવ બંધ સૂચવતું હતું. આમ ભારતીય બજારે કામકાજની શરૂઆત પણ નેગેટિવ દર્શાવી હતી. નિફ્ટી અગાઉના 18308ના બંધ સામે 18246ની સપાટી પર ખૂલી ઈન્ટ્રા-ડે 18262ની ટોચ અને 18133નું તળિયું દર્શાવી દિવસના લો નજીક જ બંધ રહ્યો હતો. માર્કેટમાં ક્યાંય કોઈ પેનિક વેચવાલી જોવા મળી નહોતી. જોકે માર્કેટ દિવસ દરમિયાન બાઉન્સ દર્શાવી શક્યું નહોતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કમાં વધુ ખરાબીની શક્યતાં છે. નીચામાં 18000 અને 17900નો સપોર્ટ છે. જેની નીચે 17800 સુધીનો ઘટાડો સંભવ છે. કેશ નિફ્ટી સામે ફ્યુચર્સના પ્રિમીયમમાં ઘટાડો નોંધાયો હતો અને તે 34 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18194 પર બંધ રહ્યો હતો. સોમવારે એકમાત્ર પીએસયૂ બેંક શેર્સમાં તેજી જળવાય રહી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.41 ટકા ઉછળી 3903.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં યૂકો બેંક 18 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્ર 15 ટા, પંજાબ એન્ડ સિંધ બેંક 12 ટકા, આઈઓબી 10 ટા, સેન્ટ્રલ બેંક 10 ટકા અને જેકે બેંક 5 ટકા સુધારો દર્શાવતાં હતાં. જોકે ઈન્ડિયન બેંક, એસબીઆઈ અને બેંક ઓફ બરોડા નરમ બંધ આવ્યાં હતાં. પીએસયૂ બેંકના સપોર્ટને કારણે બેંક નિફ્ટીએ નિફ્ટીની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. તે 0.21 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો.
બજાર પર દબાણ ઊભું કરવામાં આઈટી, એનર્જી અને મેટલનું મુખ્ય યોગદાન હતું. નિફ્ટી આઈટી ઈન્ડેસ 1.6 ટકા તૂટ્યો હતો. જેમાં એલએન્ડટી ઈન્ફોટેક 2.7 ટકા સાથે ઘટાડામાં ટોચ પર હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક્નોલોજી પણ ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.3 ટકા ગગડ્યો હતો. જેમાં ઓએનજીસી 4.5 ટકા સાથે મુખ્ય હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જિ, રિલાયન્સ, એનટીપીસી અને ગેઈલ પણ તૂટ્યાં હતાં. નિફ્ટી મેટલ 0.8 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, વેંદાતનો સમાવેશ થતો હતો. જોકે એનએમડીસી 4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી સહિતના સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એસ્કોર્ટ્સ કુબોટા 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈઈએસ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, પીએનબી, જીએનએફસી, એચપીસીએલ, ટોરેન્ટ પાવર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસ ટાવર્સ, તાતા કેમિકલ્સ, ડેલ્ટા કોર્પમાં 2 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો. બીજી બાજુ ટીવીએસ મોટર, જ્યુબિલિઅન્ટ ફૂડ, બિરલાસોફ્ટ, ક્યુમિન્સ, પર્સિસ્ટન્ટ, ઈન્ડિયામાર્ટ, પેટ્રોનેટ એલએનજી, હિંદાલ્કો, એચડીએફસીમાં 2 ટકાથી વધુ નરમાઈ જોવા મળતી હતી.
સોવરિન ફંડ્સમાં યુએસ અને ભારતીય માર્કેટ્સ રોકાણ માટે ટોચની પસંદ
ઈન્વેસ્કોએ હાથ ધરેલા સર્વે મુજબ યુએસ પ્રથમ ક્રમે, જ્યારે ભારત બીજા ક્રમે તથા ચીન છઠ્ઠા ક્રમનું આકર્ષક બજાર
એશિયા ડેડેકેટેડ ફંડ્સ ચીનમાંથી તેમનું રોકાણ હળવું કરી ભારતમાં ખસેડી રહ્યાં છે
સોવરિન વેલ્થ ફંડ્સ તથા પબ્લિ પેન્શન્સ ફંડ માટે કેલેન્ડર 2022માં યુનાઈટેડ સ્ટેટ્સ બાદ ભારત બીજા ક્રમે આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ માર્કેટ બની રહ્યું છે હોવાનું એક સર્વેમાં જણાવાયું છે. અગ્રણી એસેટ મેનેજર ઈન્વેસ્કોએ હાથ ધરેલા અભ્યાસ મુજબ હાલમાં 33 ટ્રિલીયન ડોલર્સની એસેટ મેનેજ કરી રહેલાં સોવરિન મેનેજર્સે પ્રાઈવેટ માર્કેટ્સને ફાળવણીમાં પણ ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. જોકે હવે ફિક્સ્ડ ઈન્કમ ફરીથી રોકાણ માટે આકર્ષક બનતાં આની ગતિ ધીમી પડે તેવી શક્યતાં છે એમ ઈન્વેસ્કો ગ્લોબલ સોવરિન એસેટ મેનેજમેન્ટનો અભ્યાસ જણાવે છે.
કંપનીના ઈન્સ્ટીટ્યુશન્સ હેડ જણાવે છે કે વૈશ્વિક નાણાકિય કટોકટી બાદ બજારોમાં સેક્યૂલર બુલ રનની પાછળ સોવરિન ઈન્વેસ્ટર્સે છેલ્લાં 10 કરતાં વધુ વર્ષોમાં નોંધપાત્ર રોકાણ કર્યું હતું. સોવરિન રોકાણકારોએ છેલ્લાં દાયકામાં સરેરાશ વાર્ષિક 6.5 ટકાનું રિટર્ન મેળવ્યું હતું. જ્યારે સોવરિન વેલ્થ ફંડ્સ માટે 2021માં જ 10 ટકાનું રિટર્ન જોવા મળ્યું હતું. જોકે ઊંચા ઈન્ફ્લેશન અને ટાઈટર મોનેટરી પોલિસીને કારણે કેલેન્ડર 2022 એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવા જઈ રહ્યું છે. બદલાયેલી સ્થિતિને કારણે લાંબા ગાળા માટે અપેક્ષિત રિટર્ન પર અસર પડી શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ હજુ પણ રોકાણકારો માટે ટોચનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. જોકે કેટલાક સોવરિન ઈન્વેસ્ટર્સ તેમના પોર્ટફોલિયોનું પુનઃસંતુલન કરવાની ઈચ્છા ધરાવે છે. તેમને ડર છે કે તેઓ યુએસ માર્કેટ્સ પર વધુ પડતાં નિર્ભર થઈ ગયા છે. જેણે તેમને ચાલુ વર્ષે ઈક્વિટી માર્કેટ્સમાં જોવા મળેલા કરેક્શન પાછળ થોડા લાચાર બનાવ્યાં છે એમ ઈન્વેસ્કો જણાવે છે. 2014માં યૂકે સૌથી વધુ પસંદગીનું રોકાણ ડેસ્ટિનેશન હતું.
અભ્યાસ જણાવે છે કે તાજેતરમાં જોવા મળેલી તબદિલીને કારણે ઈમર્જિંગ માર્કેટ્સને લાભ થઈ શકે છે. ભારતે સૌથી લોકપ્રિય ઈમર્જિંગ માર્કેટ્સ તરીકે ચીનને પાછળ રાખી દીધું છે. 2014માં પસંદગીની બાબતમાં નવમા ક્રમ પરથી ભારત હાલમાં બીજા ક્રમે આવી ચૂક્યું છે. આ માટેનું એક કારણ એશિયા માટે ડેડીકેટેડ ફઁડ્સ તેમના ચીનના એક્સપોઝરમાં ઘટાડો કરી રહ્યાંનું છે. સાથે ભારતમાં પોઝીટીવ આર્થિક સુધારાઓ અને મજબૂત ડેમોગ્રાફિક પ્રોફાઈલને કારણે તેઓ આકર્ષિત છે. હાલમાં રોકાણકારોની પસંદગીની બાબતમાં ચીન છઠ્ઠા ક્રમે જોવા મળે છે. છેલ્લાં દાયકામાં સોવરિન વેલ્થ ફંડ્સની રચનામાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. જેમાં આફ્રિકા ખાતે એક ડઝન જેટલા નવા ફંડ્સ અસ્તિત્વમાં આવ્યાં હતાં. જેમાંથી 11 ફંડ્સ સ્થાનિક અર્થતંત્રોને વિકસાવવાનો વ્યૂહાત્મક મેન્ડેટ ધરાવે છે.
પેટીએમ ગ્રાહકો હવેથી થર્ડ-પાર્ટી UPI એપથી પેમેન્ટ્સ કરી શકશે
પેટીએમ પેમેન્ટ્સ બેંકે(પીપીબીએલ) જાહેર કર્યાં મુજબ ગ્રાહકો પેટીએમ એપનો ઉપયોગ કરીને હવેથી તમામ યુપીઆઈ પેમેન્ટ એપ્સ પરથી મોબાઈલ નંબર્સને યૂપીઆઈ પેમેન્ટ્સ કરી શકશે. પેટીએમ સાથે રજિસ્ટ્રેશન નહિ ધરાવતાં હોય તેવા ગ્રાહકો પણ આમ કરી શકશે. આ સાથે પેટીએમ એપ વપરાશકાર સર્વિસ પ્રોવાઈડર કોણ છે તેની નિસ્બત વિના તેના રજિસ્ટર્ડ યૂપીઆઈ આઈડી વડે કોઈપણ મોબાઈલ નંબર પર તત્કાળ નાણા મોકલી શકશે અથવા તો મેળવી શકશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)એ તમામ પેમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર્સને તેના યુનિવર્સલ ડેટાબેઝની પહોંચ પૂરી પાડી છે અને યુપીઆઈ પેમેન્ટ્સને ઈન્ટરઓપરેબલ બનાવ્યું છે એમ પેટીએમ જણાવે છે. આને કારણે તમામ યૂપીઆઈ-બેઝ્ડ પેમેન્ટ એપ્સને ઈન્ટરઓપરેબિલિટીનો લાભ મળ્યો છે. જે સુપરફાસ્ટ અને સીમલેસ પેમેન્ટ્સ અનુભવની ખાતરી પૂરી પાડે છે એમ કંપની જણાવે છે. યૂપીઆઈ ઈકોસિસ્ટમ માટે આ એક મહત્વનું પગલું ગણાવાય રહ્યું છે. કેમકે તે વધુ વપરાશકારોને કોઈપણ યૂપીઆઈ એપને નાણા મોકલવા માટે સક્ષમ બનાવે છે. જે યૂપીઆઈના વપરાશ માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા મુજબ તેઓ યૂપીઆઈ પેમેન્ટ્સમાં અગ્રણી છે. આ નિર્ણયને કારણે દેશમાં ફાઈનાન્સિયલ ઈન્ક્લ્ઝૂનને વેગ મળશે.
અન્ય UPI એપ્સ પર નાણા કેવી રીતે મોકલી શકાશે
• પેટીએમ એપ પર ‘UPI મની ટ્રાન્સફર’ સેક્શનમાં ‘ટુ UPI એપ્સ’ને ટેપ કરો.
• ‘એન્ટર મોબાઈલ નં. ઓફ એની UPI એપ’ પર ટેપ કરી રિસિપિઅન્ટનો મોબાઈલ નંબર એન્ટર કરો.
• રકમ લખીને ‘પે નાઉ’ પર ટેપ કરો. જેથી તરત નાણા ટ્રાન્સફર થશે.
ન્યૂ યોર્ક વાયદા પાછળ કોટનના ભાવમાં ગાબડું
ન્યૂ યોર્ક કોટન વાયદામાં નરમાઈ પાછળ સ્થાનિક બજારમાં પણ કોમોડિટીના ભાવમાં ઘટાડો નોઁધાયો હતો. ગયા શુક્રવારની સરખામણીમાં સોમવારે ખાંડીએ રૂ. 2000નો ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ રૂ. 66800-67000 પર જોવા મળી રહ્યાં હતાં. ન્યૂ યોર્ક વાયદો સાંજે આ લખાય છે ત્યારે 4 ટકા ઘટાડે 80.74 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ પર ટ્રેડ દર્શાવતો હતો. ગયા વર્ષે 155 સેન્ટ્સની ટોચ દર્શાવ્યા બાદ કોટનના ભાવ ગગડતાં રહ્યાં છે. સ્થાનિક બજારમાં પણ રૂ. 1 લાખની સપાટી વટાવ્યા બાદ કોટનમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ડોલર સામે રૂપિયામાં નરમાઈ જેવા પરિબળોને કારણે સ્થાનિક બજારમાં કોટનના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં નીચો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેને કારણે છેલ્લાં કેટલાંક મહિનાઓથી વૈશ્વિક બજારમાં ભારતીય કોટન નિકાસ માટે સ્પર્ધાત્મક નથી જોવા મળતું. ઊલટાનું ગયા વર્ષે દેશમાં 21 લાખ ગાંસડીની આયાત થઈ હતી. કોટનના ઊંચા ભાવોને કારણે મિલોનો વપરાશ ઘટીને 285 લાખ ગાંસડી પર રહ્યો હતો. જ્યારે કેરી ફોરવર્ડ 40 લાખ ગાંસડી આસપાસ રહ્યો હતો. નવી સિઝનમાં 350 લાખ ગાંસડી કોટન ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે.
લાર્સને 3000થી વધુ એન્જિનીયરિંગ ટ્રેઈનીઝ હાયર કર્યાં
એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ જણાવ્યું છે કે તેણે નાણા વર્ષ 2022-23માં 3000થી વધુ એન્જીનીયરિંગ ટ્રેઈનીસની નિમણૂં કરી છે. જે ગયા નાણા વર્ષે 1067 ટ્રેઈનીસના હાયરિંગ સામે ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. મહિના એન્જિનીયરીંગ ટ્રેઈનીસની સંખ્યા ચારગણાથી વધુ વધી 1009 ટ્રેઈનીસ પર રહી છે. ગયા નાણા વર્ષે તે 248 ટ્રેઈનીસ પર હતી. નવા ટ્રેઈનીસની નિમણૂંકમાં 30 ટકા હિસ્સો મહિલાઓનો છે. આશ્ચર્યની બાબત એ છે કે કંપનીએ કરેલા ફ્રેશ એન્જિનીયર્સના હાયરિંગમાં 75 ટકાથી વધુ હિસ્સો મિકેનીકલ, સિવિલ અને ઈલેક્ટ્રીકલ સ્ટ્રીમ્સનો છે. જ્યાં સામાન્યરીતે મહિલા ઉમેદવારોની સંખ્યાં પાંખી જોવા મળતી હોય છે.
ઓક્ટોબરમાં MF AUMમાં SIPનો હિસ્સો 17 ટકાની વિક્રમી સપાટીએ
ગયા વર્ષે સમાનગાળામાં 14.8 ટકા હિસ્સામાં 2 ટકા વૃદ્ધિ નોંધાઈ
રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સતત વધી રહેલા સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટને કારણે ઓક્ટોબરમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના કુલ એસેટ એન્ડર મેનેજમેન્ટમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી)નો હિસ્સો 17 ટકાની વિક્રમી સપાટીએ રહ્યો હતો. મ્યુચ્યુલ ફંડ ક્ષેત્રે કુલ એકાઉન્ટ્સની સંખ્યા કરતાં સિપ્સ એકાઉન્ટ્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિને કારણે આમ જોવા મળ્યું હોવાનું વર્તુળો જણાવે છે.
ગયા વર્ષે(નવેમ્બર 2021થી ઓક્ટોબર 2022) એસઆઈપી એયૂએમ 22 ટકા વધી રૂ. 6.6 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે અગાઉના વર્ષે રૂ. 5.5 લાખ કરોડ પર જોવા મળતું હતું. જ્યારે સમાનગાળા દરમિયાન ફંડ ઉદ્યોગ ક્ષેત્રે કુલ એયૂએમ માત્ર 6 ટકા ઉછળી રૂ. 39.5 લાખ કરોડ પર પહોંચ્યું હતું. આમ સિપની સરખામણીમાં ફઁડ ઉદ્યોગનો વૃદ્ધિ દર નીચો જોવા મળ્યો હતો. ઓક્ટોબરમાં સિપ એકાઉન્ટ્સનો કુલ હિસ્સો એયૂએમ એમએફ ઉદ્યોગના કુલ એયૂએમના 16.8 ટકા પર રહ્યો હતો. જે એક વર્ષ અગાઉ 14.8 ટકાના સ્તરે હતો. આમ વર્ષ દરમિયાન 2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. 2021-22માં એમએફ ઉદ્યોગે વિક્રમી સંખ્યામાં નવા રોકાણકારોનો ઉમેરો કર્યો હતો અને 2022-23માં તેણે મહિને સરેરાશ 4 લાખ રોકાણકારોનો ઉમેરો જાળવ્યો છે. ઓક્ટોબરમાં એસઆઈપી ઈનફ્લો પ્રથમવાર રૂ. 13000 કરોડની સપાટીએ સ્પર્શ્યો હતો. કોવિડ બાદના સમયમાં એસઆઈપી ઈનફ્લોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. મહામારી અગાઉ આ ઈનફ્લો રૂ. 8000 આસપાસ રહેતો હતો. સપ્ટેમ્બરમાં નેટ એસઆઈપી ઈનફ્લો રૂ. 6400 કરોડ પર હતો. જે ઓક્ટોબરમાં વધી રૂ. 7500 કરોડ રહ્યો હતો. નેટ એસઆઈપી ઈન્ફ્લો એટલે કુલ એસઆઈપી ઈનફ્લોમાંથી એસઆઈપી એકાઉન્ટ્સમાં જોવા મળતાં રિડમ્પ્શનને બાદ કરતાં મળતી રકમ. ઉદ્યોગ વર્તુળોના મતે એસઆઈપીમાં ઊંચી વૃદ્ધિને જોતાં આગામી બે વર્ષોમાં તે કુલ એમએફ એયૂએમના 25 ટકાના સ્તર સુધી પહોંચી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઓએનજીસીઃ દેશમાં સૌથી મોટી ઓઈલ અને ગેસ ઉત્પાદક વર્ષોથી ઉત્પાદનમાં ઘટાડાના ટ્રેન્ડમાંથી બહાર આવ્યો છે. કંપનીએ નવી ડિસ્કવરીઝમાં અબજો ડોલરનું રોકાણ કરતાં ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાઈ છે. 2021-22માં કંપનીએ 2.17 કરોડ ટન ક્રૂડ ઉત્પાદન દર્શાવ્યું હતું.
મોઈલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 27.35 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 60.24 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 312 કરોડ સામે ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડે રૂ. 236 કરોડ પર રહી હતી.
એનઆઈએસીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 33.45 કરોડનો નેટ પ્રોફિટ મેળવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 127 કરોડ પર હતો. કંપનીનું નેટ પ્રિમીયમ ગયા વર્ષે રૂ. 7479 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 7308 કરોડ પર જોવા મળ્યું છે.
સારડા એનર્જીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 180 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 255 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 1019 કરોડ સામે ચાલુ વર્ષે 966 કરોડ પર રહી હતી.
ઈન્ફો એજઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 103 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 179 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 547 કરોડ સામે ચાલુ વર્ષે 10 ટકા ઉછળી રૂ. 604 કરોડ પર રહી હતી.
ગૂફિક બાયોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 20.2 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.3 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 194 કરોડ સામે ચાલુ વર્ષે 10 ટકાના ઘટાડે રૂ. 175 કરોડ પર રહી હતી.
શિલ્પા મેડીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 18.7 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 20 કરોડનો નફો રળ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 263 કરોડ સામે ચાલુ વર્ષે 11 ટકાના ઘટાડે રૂ. 295.3 કરોડ પર રહી હતી.
થાયરોકેરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 15.43 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 77.73 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 176 કરોડ સામે ચાલુ વર્ષે 25 ટકાના ઘટાડે રૂ. 135 કરોડ પર રહી હતી.
Market Summary 21 November 2022
November 21, 2022