બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મંદીનો અતિરેકઃ ચાર સત્રોમાં સેન્સેક્સ 2500 પોઈન્ટ્સ પટકાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.13 ટકા ઉછળી 18.88 પર બંધ
વૈશ્વિક ઈન્ફ્લેશન સાથે હવે નબળા કોર્પોરેટ અર્નિંગ્સ પણ જોડાયાં
બ્રોડ માર્કેટમાંથી પણ રોકાણકારો એક્ઝિટના મૂડમાં
વૈશ્વિક સ્તરે યુએસ, યુરોપ, એશિયામાં સાર્વત્રિક નરમાઈ
એફઆઈઆઈએ ત્રણ સત્રોમાં રૂ. 10 હજાર કરોડનું વેચાણ દર્શાવ્યું
શેરબજાર ઈન્વેસ્ટર્સમાં વેચવાલીનો દોર લંબાતાં સતત ચોથા દિવસે ભારતીય બજારો નરમ બંધ જોવા મળ્યા હતાં. બીએસઈ સેન્સેક્સ 427 પોઈન્ટ્સ ગગડી 59037ના સ્તરે જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ્સ તૂટી 17617ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં 6.13 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 18.88ના સ્તરે બંધ રહ્યો હતો. સપ્તાહના આખરી દિવસે નિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડતાં એનાલિસ્ટ્સ વધુ ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. જોકે શોર્ટ ટર્મમાં માર્કેટ ઓવરસોલ્ડ છે અને તેથી નવા સપ્તાહે એક બાઉન્સ અપેક્ષિત છે. શુક્રવારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 35 ઘટાડા સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું.
સતત ચોથા દિવસે મંદીના કારણે રિટેલ રોકાણકારોમાં એક પ્રકારની ઉદાસી જોવા મળી રહી હતી. ખાસ કરીને શોર્ટ ટર્મ ટ્રેડર્સની મૂંઝવણ વધી હતી. ટી+5 હેઠળ ઘણા રોકાણકારોએ ચેક આપવાનું બન્યું હતું અથવા તો નુકસાનીમાં પોઝીશન છોડવાની થઈ હતી. સેન્સેક્સે ચાર સત્રોમાં 2500 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટીએ 700થી વધુ પોઈન્ટસ ગુમાવી દીધાં છે. જેને કારણે કેલેન્ડરની શરૂઆતથી ગયા શુક્રવાર સુધી 5.2 ટકાનો સુધારો દર્શાવી રહેલું બજાર હવે માત્ર 1.5 ટકાનો સુધારો સૂચવે છે. છેલ્લાં સપ્તાહમાં તેણે 3.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
માર્કેટ નિરીક્ષકોના મતે એક પછી એક નેગેટિવ કારણો ઊભરતાં બજારમાં ઘટાડો ઉત્તરોત્તર આગળ વધ્યો હતો. યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિ નક્કી જ છે. જોકે બોન્ડ યિલ્ડ્સમાં ઝડપી ઉછાળો બજારોને અકળાવી રહ્યો છે. સાથે જીઓ-પોલિટીકલ ક્રાઈસિસ અને ક્રૂડમાં વૃદ્ધિએ પણ બજારની ચિંતામાં ઉમેરો કર્યો છે. સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાઓ ત્રણેક સત્રોથી મોટી વેચવાલી દર્શાવી રહી છે. ત્રણેક ટ્રેડિંગ સત્રોમાં તેમણે લગભગ રૂ. 10000 કરોડનું વેચાણ દર્શાવ્યું છે. આમ બજારોને રાહત સાંપડી રહી નથી. શુક્રવારે આઈટી, ફાર્મા, પીએસઈ, બેંકિંગમાં એકથી બે ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સ 0.36 ટકા પોઝીટીવ દર્શાવી શક્યો હતો. જ્યારે કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ઈન્ડેક્સે ત્રીજા દિવસે 0.92 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, શ્રી સિમેન્ટ્સ, ડિવિઝ લેબોરેટરીઝ અને ટાટા સ્ટીલ 3-5 ટકા ઘટાડા સાથે સૌથી ઊંચો ઘસારો સૂચવતાં હતાં.
અવિરત નરમાઈને કારણે રિટેલર્સની પોઝીશન છૂટતાં બ્રોડ માર્કેટ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3466 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2466 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 926માં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ છેલ્લાં વર્ષમાં પ્રથમવાર અપર સર્કિટ્સમાં બંધ દર્શાવનાર કાઉન્ટર્સની સરખામણીમાં લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવનાર કાઉન્ટર્સનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું હતું. એટલેકે 290 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 351 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ખાતે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સમાં 2.4 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 2.3 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં બલરામપુર ચીની, પોલીકેબ, ઝી ટેલિ, એલટીટીએસ, દિપક નાઈટ્રેટ અને કેનેરા બેંક 6 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
ચાર સત્રોની મંદીમાં મીડ-કેપ્સમાં 23 ટકા સુધીનું મૂડીધોવાણ
એનએસઈ-500 જૂથના 430 કાઉન્ટર્સે નેગેટિવ રિટર્ન દર્શાવ્યું
લગભગ 200 કાઉન્ટર્સે ભાવમાં 5 ટકાથી વધુ ઘટાડો નોંધાવ્યો
શેરબજારમાં નિરંતર ચાર દિવસો સુધી જોવા મળેલી નરમાઈ પાછળ મીડ-કેપ સેગમેન્ટમાં મોટું મૂડીધોવાણ જોવા મળ્યું છે. બજારમાં મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના શેર્સે બેન્ચમાર્ક્સની સરખામણીમાં મોટો ઘટાડો નોંધાવ્યો છે. જેણે રિટેલ રોકાણકારોને ફરી એકવાર મૂંઝવણમાં મૂક્યાં છે. અગાઉ નવેમ્બરમાં આ રીતે માર્કેટમાં એકધારી વેચવાલી જોવા મળી હતી.
એનએસઈ-500 જૂથના શેર્સનો ચાર ટ્રેડિંગ સત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે જૂથમાં સમાવિષ્ટ ટોચના 500 કાઉન્ટર્સમાંથી 430 ચોખ્ખો ઘટાડો દર્શાવી રહ્યાં છે. એટલેકે લગભગ 83 ટકા જેટલા કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં છે. જેમાં 28 કાઉન્ટર્સ 10 ટકાથી વધુનું ધોવાણ સૂચવે છે. ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં સૌથી વધુ 23.16 ટકા સુધીનું મૂડી ધોવાણ જોવા મળે છે. બીજી બાજુ 70 કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં છે. જેઓ 13.94 ટકા સુધીની ભાવ વૃદ્ધિ સૂચવે છે. જેમાં સારા પરિણામો પાછળ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવનારા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. જ્યારે ઘટાડો દર્શાવવામાં પણ અપેક્ષાથી નબળા પરિણામો રજૂ કરનાર કંપનીઓ ઉપરાંત ડાયગ્નોસ્ટીક કંપનીઓ તથા આઈટી કંપનીઓ મુખ્ય હતી. ઉપરાંત બ્રોડબેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી કંપનીઓના શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સ્ટરલાઈટ ટેક્નોલોજી અગ્રણી છે. કંપનીનો શેર ચાર જ સત્રોમાં રૂ. 271.55ના સ્તરેથી ગગડી રૂ. 208.65ના સ્તરે પટકાયો હતો. તેણે 23 ટકાથી ઊંચો ઘટાડો નોંધાવ્યો હતો. આ જ ક્ષેત્રની કંપની એચએફસીએલનો શેર પણ પરિણામો બાદ 12 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. તે રૂ. 96ની સપાટીએથી ગગડી રૂ. 84 આસપાસ ટ્રેડ થયો હતો.
ઊંચો ઘટાડો દર્શાવનારા કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં ટીટીએમએલનો સમાવેશ થાય છે. ટાટા જૂથની બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડરનો શેર 18.50 ટકા ગગડી શુક્રવારે રૂ. 192.70ની સપાટી પર જોવા મળ્યો હતો.. છેલ્લાં સાતેક ટ્રેડિંગ સત્રોમાં તેણે 5 ટકાની નીચલી સર્કિટ્સમાં બંધ દર્શાવ્યું છે. રૂ. 290.15ની સર્વોચ્ચ ટોચ પરથી તે રૂ. 100 જેટલો ગગડી શુક્રવારે રૂ. 192.70ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીએ સરકારને સ્પેક્ટ્રમ અને એજીઆર પેટે ચૂકવવાના થતાં નાણા પરના વ્યાજ પેટે ઈક્વિટી આપવાનો નિર્ણય લેતાં શેરના ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ હતી. અગાઉ કંપનીનો શેર રૂ. 50ના સ્તરેથી સુધરતો જોવા મળ્યો હતો અને જોતજોતામાં રૂ. 50 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. ઝોમેટો તથા અન્ય સ્ટાર્ટઅપ્સમા હિસ્સો ધરાવતી નોકરીનો શેર ચાર સત્રોમાં 16 ટકા જેટલો ગગડી ચૂક્યો છે અને ફરી રૂ. 5 હજારની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ડાયગ્નોસ્ટીક્સ કંપનીઓ ડો. લાલ પેથલેબ્સના શેરમાં લાંબા સમયગાળા બાદ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તે નવ મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાર દિવસોમાં શેર રૂ. 3502.60ની સપાટી પરથી ગગડી રૂ. 3012.90ના સ્તરે બંધ રહ્યો હતો. લાર્સન જૂથની એલટીટીએસે નબળા પરિણામો રજૂ કરતાં કંપનીનો શેર 13.75 ટકા જેટલો ગગડ્યો છે. આ ઉપરાંત હિકલ, માસ્ટેક, મેટ્રોપોલીસ, ઈક્લર્ક્સ, તાતા સ્ટીલ એલએલપી જેવા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ એનએસઈ-500 જૂથમાં તાતા એલેક્સિએ 14 ટકા સુધારા સાથે ચાર સત્રોમાં સૌથી સારો સુધારો નોંધાવ્યો છે. આ ઉપરાંત એસઆઈએસ, એન્જલવન, પાવર ઈન્ડિયા, ચોલામંડલમ ફાઈ., જસ્ટડાયલ જેવા કાઉન્ટર્સે પણ સુધાર દર્શાવ્યો છે.
ચાર સત્રોમાં ટોચનો ઘટાડો દર્શાવતાં કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ 17 જાન્યુ.નો બંધ(રૂ.) 22 જાન્યુ.નો બંધ(રૂ.) ઘટાડો(ટકામાઁ)
સ્ટરલાઈટ ટેક 271.55 208.65 -23.16%
TTML 236.45 192.70 -18.50%
નૌકરી 5652.35 4770.00 -15.61%
લાલ પેથલેબ્સ 3502.60 3012.90 -13.98%
LTTS 5575.15 4808.70 -13.75%
HFCL 96.35 84.45 -12.35%
હિકલ 460.60 406.55 -11.73%
માસ્ટેક 3220.00 2849.00 -11.52%
મેટ્રોપોલીસ 2997.65 2657.00 -11.36%
ઈક્લર્ક્સ 2904.85 2575.00 -11.36%
તાતા સ્ટીલ LLP 825.35 732.85 -11.21%
તાતા કોમ 1551.60 1378.00 -11.19%
શીપીંગ કોર્પો. 142.15 126.55 -10.97%
બિરલાસોફ્ટ 549.55 489.40 -10.95%
અદાણી વિલ્મેર આઈપીઓ મારફતે રૂ. 3600 કરોડ ઊભા કરશે
અદાણી જૂથની એફએમસીજી કંપની અદાણી વિલ્મેર આઈપીઓ મારફતે રૂ. 3600 કરોડ એકત્ર કરશે. કંપની રૂ. 218-230ની પ્રાઈસ બેંડમાં શેર ઓફર કરશે. આઈપીઓ 27 જાન્યુઆરીએ ખૂલશે. કંપની અદાણી જૂથ અને સિંગાપુર સ્થિત વિલ્મેર ઈન્ટરનેશનલ વચ્ચેનું 50-50 ટકા ભાગીદારી સાથેનું સંયુક્ત સાહસ છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ સાથે દેશના બ્રાન્ડેડ એડિબલ માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. સાથે તે દેશમાં અગ્રણી ખાદ્યતેલ રિફાઈનર પણ છે. કંપની અગાઉ રૂ. 4500 કરોડના આઈપીઓનું આયોજન કર્યું હતું. જેમાં તાજેતરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
સોનું-ચાંદી, ક્રૂડ સહિત બેઝ મેટલ્સમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં બુલિયન, ક્રૂડ સહિત બેઝ મેટલ્સના ભાવમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1834 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જેની પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો રૂ. 93ના ઘટાડે રૂ. 48287ના સ્તરે ટ્રેડ થતો હતો. એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ રૂ. 485ના ઘટાડે રૂ. 64894ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 87 ડોલરની નીચે ઉતરી ગયો હતો. જેની પાછળ એમસીએક્સ ક્રૂડ 2 ટકાથી વધુના ઘટાડે રૂ 6260 પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે એલ્યુમિનિયમ અને કોપર જેવા બેઝ મેટલ્સ ફ્યુચર્સ એક ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યાં હતાં. એકમાત્ર નેચરલ ગેસમાં 1.3 ટકાનો સુધારો જોવા મળતો હતો.
જેએસડબલ્યુ સ્ટીલનો નેટ પ્રોફિટ 63 ટકા ઉછળી રૂ. 4357 કરોડ
દેશમાં બીજા ક્રમની સ્ટીલ ઉત્પાદક કંપની જેએસડબલ્યુ સ્ટીલે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 4357 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2681 કરોડની સરખામણીમાં 62.5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 74 ટકા ઉછળી રૂ. 38071 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 21859 કરોડ પર રહ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 7170 કરોડનો નફો દર્શાવ્યો હતો. આમ ત્રિમાસિક ધોરણે નફામાં ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 32503 કરોડ પર રહી હતી.
FIIsએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ટોચની કંપનીઓમાં હોલ્ડિંગ્સ ઘટાડ્યું
ટોપ-200 લિસ્ટેડ કંપનીઓના જૂથમાં ત્રણમાંથી બે કંપનીઓમાં વિદેશી રોકાણકારોનું વેચાણ
ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ સેકન્ડરી માર્કેટમાં 10.8 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ દેશમાં ટોચની 200 લિસ્ટેડ કંપનીઓમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. એફઆઈઆઈએ જૂથમાં સમાવિષ્ટ ત્રણમાંથી બેમાં તેના હિસ્સાનું વેચાણ કર્યું છે એમ અત્યાર સુધી રજૂ કરવામાં આવેલો ડેટા સૂચવે છે.
ટોચની લિસ્ટેડ કંપનીઓમાંથી લગભગ 144 કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરના અંતે તેમના ઈક્વિટી હોલ્ડિંગ્સનો ડેટા જાહેર કર્યો છે. જેમાંથી 86 કંપનીઓએ ત્રિમાસિક ધોરણે એફઆઈઆઈ હોલ્ડિંગ્સમાં ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે 56 કંપનીઓએ તેમના હોલ્ડિંગ્સમાં વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે બે કંપનીઓમાં એફઆઈઆઈ હોલ્ડિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વિદેશી હોલ્ડિંગ્સમાં ઘટાડો દર્શાવનાર ટોચની કંપનીઓમાં ઈપ્કા લેબોરેટરીઝ, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સમાવેશ થાય છે. આમાં ઈપ્કા લેબોરેટીઝરીઝમાં તો એફઆઈઆઈ હોલ્ડીંગ 6.08 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. જ્યારબાદ કંપનીમાં એફઆઈઆઈ હોલ્ડિંગ ઘટીને 12.9 ટકાજોવા મળી રહ્યું છે. ઈન્ડસઈન્ડ બેંકમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 3.46 ટકા ગગડી 53.4 ટકા પર જોવા મળે છે. જ્યારે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં હોલ્ડિંગ 2.67 ટકા ઘટી 28.5 ટકા પર જોવા મળે છે. હીરો મોટોકોર્પમાં પણ એફઆઈઆઈ હોલ્ડીંગ 2.67 ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 2.3 ટકા ઘટી 56.8 ટકા પર જોવા મળે છે. આનાથી ઊલટું કેટલાંક કાઉન્ટર્સમાં એફઆઈઆઈ હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે છે. જેમાં લોધા ડેવલપર્સમાં તેમનો હિસ્સો 6.54 ટકા વધી 15.3 ટકા પર પહોંચ્યો છે. જ્યારે સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝમાં 5.78 ટકા હિસ્સા વૃદ્ધિ સાથે 16.7 ટકા હોલ્ડિંગ્સ જોવા મળે છે. પીએસયૂ બેંકમાં પણ વિદેશી રોકાણકારોએ ખરીદી કરી છે. જેમાં કેનેરા બેંકમાં તેમનો હિસ્સો 3.05 ટકા ઉછળી 8.8 ટકા પર પહોંચ્યો છે. મેક્સ હેલ્થકેર અને એચપીસીએલમાં એફઆઈઆઈ હિસ્સામાં અનુક્રમે 2.44 ટકા અને 1.89 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈ ભારતીય બજારમાં ચોખ્ખા વેચવાલ બની રહ્યાં હતાં. ત્રણેક મહિના દરમિયાન તેમણે 5.1 અબજ ડોલર એટલેકે લગભગ રૂ. 37 હજાર કરોડ આસપાસું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જો પ્રાઈમરી માર્કેટમાં તેમના ઈનફ્લોને ગણનામાં ના લઈએ તો સેકન્ડરી માર્કેટમાં તેમણે 10.8 અબજ ડોલર એટલેકે રૂ. 82 હજાર કરોડની વેચવાલી દર્શાવી હતી.
Market Summary 21 Jan 2022
January 21, 2022