Market Summary 21/12/2022

કોવિડના નામે શેરબજારમાં આખરે મંદીવાળાઓ ફાવ્યાં
વૈશ્વિક બજારોમાં જોકે સુધારો નોંધાયો
નિફ્ટીએ 18200નું સ્તર ગુમાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 13 ટકા ઉછળી 15.56ની સપાટીએ
ફાર્મા અને આઈટી સિવાય સાર્વત્રિક વેચવાલી
નિફ્ટી ફાર્મા 2.4 ટકા ઉછળ્યો
મેટલ, બેંકિંગ, ઓટોમાં નોંધપાત્ર દબાણ જોવાયું
અબોટ, એપોલો ટાયર્સે નવી ટોચ દર્શાવી
નાયકા, સનટેક રિઅલ્ટીએ વાર્ષિક તળિયું દર્શાવ્યું

ચીનમાં કોવિડની વકરતી સ્થિતિ પાછળ ભારતમાં પણ ચિંતા ઊભી થતાં શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 635 પોઈન્ટ્સના ઘટાડે 61067ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 186 પોઈન્ટ્સ ગગડી 18199ના મહિનાના તળિયા પર બંધ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે બજારમાં નરમાઈ જોવા મળી હતી. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 36 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 14 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી નીકળી હતી અને તેને કારણે છેલ્લાં ઘણા સપ્તાહોની સૌથી ખરાબ માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3664 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2761 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 787 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ એક સત્રમાં 13 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જેની પાછળ ઈન્ડિયા વિક્સ 15.56ની સપાટીએ બંધ રહ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે બુધવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ સાથે કામગીરીની શરૂઆત કરી હતી. જોકે ત્યારબાદ માર્કેટ સતત નવા તળિયા દર્શાવતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18385ના બંધ સામે 18435ની સપાટીએ ખૂલી ઉપરમાં 18473 પર ટ્રેડ થયા બાદ ઘસાતો રહી ઈન્ટ્રા-ડે 18163ની સપાટી પર પટકાયો હતો. છેલ્લાં એક કલાકમાં તે 30 પોઈન્ટ્સમાં અથડાતો રહ્યો હતો અને લગભગ મહિનાના તળિયા પર બંધ જોવા મળ્યો હતો. માર્કેટ માટે હવે 18133નું નવેમ્બર એક્સપાયરી સપ્તાહ દરમિયાન જોવા મળેલું બોટમ મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં નિફ્ટી 18050 સુધી ઘટાડો દર્શાવી શકે છે. બુધવારે કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સનું પ્રિમીયમ અગાઉના દિવસે 40 પોઈન્ટ્સ પરથી વધી 79 પોઈન્ટ્સ પર જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે ટ્રેડર્સે નીચા સ્તરે તેમનું શોર્ટ કવર કર્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે ડિસેમ્બર એક્સપાયરી અગાઉ બજારમાં વધુ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યાં છે. તેમના મતે ભારતીય બજાર હવે હરિફો સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. છેલ્લાં બે સપ્તાહની મૂવમેન્ટ વચગાળાની ટોચ બની ગઈ હોય તેમ સૂચવે છે. બેન્ચમાર્ક 18000ની નીચે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સને તેઓ એક્ઝિટ માટેનું સૂચન કરે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સ 18500ના સ્ટોપલોસ સાથે પોઝીશનને જાળવી શકે છે. બુધવારે મંદ બજારમાં નિફ્ટીને સપોર્ટ આપનાર કાઉન્ટર્સમાં ફાર્મા સેક્ટર મુખ્ય હતું. ડિવિઝ લેબ્સ 5 ટકા ઉછળી ટોચ પર જોવા મળ્યો હતો. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ, સિપ્લા, સન ફાર્મા, એચસીએલ ટેક, નેસ્લે અને ડો. રેડ્ડીઝ લેબ્સ મુખ્ય હતાં. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝ 6.3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી, બ્રિટાનિયા અને તાતા મોટર્સ 2 ટકાથી વધુ ધોવાણ દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી પીએસયૂ બેંક્સ 2.85 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર 9 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત જેકે બેંક 7 ટકા, પંજાબ એન્ડ સિઁધ બેંક 5 ટકા, પીએનબી 4.3 ટકા અને ઈન્ડિયન બેંક 4 ટકા ઘટાડો સૂચવતાં હતાં. મેટલ ઈન્ડેક્સ 2.32 ટકા ઘટાડે સૌથી સપ્તાહના તળિયા પર બંધ રહ્યો હતો. જેમાં મોઈલ 4 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. ઉપરાંત વેદાંત, એનએમસીડી, હિંદુસ્તાન ઝીંક, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી 1.9 ટકા તૂટ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 4.5 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત એચપીસીએલ, ગેઈલ, તાતા પાવર, બીપીસીએલ, આઈઓસી, ઓએનજીસી અને રિલાયન્સ પણ એક ટકાથી ઊંચો ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી બેંક 1.71 ટકા ગગડ્યો હતો. જેમાં પીએસયૂ બેંક્સ ઉપરાંત પ્રાઈવેટ બેંક્સનું પણ મહત્વનું યોગદાન હતું. પ્રાઈવેટ બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 4 ટકા ગગડ્યો હતો. જ્યારે ફેડરલ બેંક 3 ટકા, ઈન્ડ્સ ઈન્ડ બેંક 2 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક પણ 2 ટકા ઘટાડો દર્શાવતો હતો. એકમાત્ર ફાર્મા શેર્સમાં દેખીતી ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ડિવિઝ લેબ્સ ઉપરાંત લ્યુપિન 3.5 ટકા સાથે ઊંચો સુધારો દર્શાવતો હતો. અન્ય કાઉન્ટર્સમાં બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ્સમાં પણ નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી હતી. આઈટી ઈન્ડેક્સ અડધા ટકા સારા સાથે બંધ રહ્યો હતો. જેમાં એલટીઆઈ માઈન્ડટ્રી ટોચ પર હતો. આ ઉપરાંત એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને કોફોર્જ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. ડિફેન્સિવ સેક્ટરમાં જોકે નિફ્ટી એફએમસીજી એક ટકા ડાઉન જોવા મળ્યો હતો. જેમાં બ્રિટાનિયા 2 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. જે ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસી, વરુણ બેવરેજિસ, કોલગેટ એક ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગ્લેનમાર્ક ફાર્મા 8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત મેટ્રોપોલીસ હેલ્થ, ડો. લાલ પેથલેબ્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, હનીવેલ ઓટોમેશન, ઈપ્કા લેબ્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ઘટવામાં અદાણી એન્ટરપ્રાઈઝ ટોચ પર હતો. તે ઉપરાંત સિટી યુનિયન બેં, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ડેલ્ટા કોર્પ, ઈન્ડિયન હોટેલ્સ, પીવીઆર, જીએમઆર એરપોર્ટ્સ, આરબીએલ બેંક, આઈડીએફસી, અંબુજા સિમેન્ટ્સ મુખ્ય હતાં. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કેટલાંક કાઉન્ટર્સમાં અબોટ ઈન્ડિયા, ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, જીઈ શીપીંગ, એક્સિસ બેંક અને જિંદાલ સ્ટેનલેસ સ્ટીલનો સમાવેશ થતો હતો. જ્યારે નાયકાએ તેનું ઓલ-ટાઈમ લો દર્શાવ્યું હતું. આ ઉપરાંત ગ્રીનપેનલ ઈન્ડ, પોલીપ્લેક્સ કોર્પ, સ્ટર્લિંગ વિલ્સન, સનટેક રિઅલ્ટી, શીલા ફોમ અને ગ્લેન્ડ ફાર્મા પણ વાર્ષિક તળિયા પર પહોંચ્યાં હતાં

કોવિડની આશંકા પાછળ ડાયગ્નોસ્ટીક્સ, API, ફાર્મા શેર્સમાં ભારે લેવાલી
મહામારીના પ્રથમ રાઉન્ડ બાદ અસાધારણ વૃદ્ધિ દર્શાવનારા કાઉન્ટર્સ ફરી રોકાણકારોના રડાર પર
થાયરોકેરનો શેર 15 ટકા ઉછળ્યો, વિજયા ડાયગ્નોસ્ટીક્સ 13 ટકા ઉછળ્યો

ચીન સહિત વિશ્વના અન્ય કેટલાંક દેશોમાં પણ કોવિડ કેસિસની સંખ્યામાં વૃદ્ધિ પાછળ શેરબજારમાં લિસ્ટેડ ડાયગ્નોસ્ટીક્સ, ફાર્મા અને એપીઆઈ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. બુધવારે બ્રોડ માર્કેટમાં વેચવાલી વચ્ચે ડાયગ્નોસ્ટીક્સ શેર્સમાં 15 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. અગાઉ કોવિડના પ્રથમ રાઉન્ડની શરૂઆત બાદ પણ આ કંપનીઓમાં ભારે ખરીદી નીકળી હતી અને તેઓ મલ્ટી-બેગર્સ બન્યાં હતાં.
બુધવારે શેરબજારના બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે પેથોલોજીના બિઝનેસ સાથે જોડાયેલાં લેબોરેટરી કંપનીઓના શેર્સ ઉછળ્યાં હતાં. જેમાં થાયરોકેર 15 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. કંપનીનો શેર એક દિવસમાં રૂ. 90થી વધુનો સુધારો દર્શાવતો હતો. કોવિડના બીજા રાઉન્ડની સમાપ્તિ બાદ આ સેગમેન્ટમાંથી રોકાણકારોનો રસ ધીમે-ધીમે ઓસર્યો હતો અને શેર્સ છેલ્લાં કેટલાંક સમયથી તેમના વાર્ષિક તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે કોવિડને લઈને નવેસરથી ચિંતા ઊભી થતાં રોકાણકારો ઓચિંતા આવા કાઉન્ટર્સ તરફ વળ્યાં હોવાનું જોવા મળે છે. ડાયગ્નોસ્ટીક્સ ઉપરાંત હોસ્પિટલ કંપનીઓ તથા એપીઆઈ-ફાર્મા ઉત્પાદક કંપનીઓમાં પણ ખરીદી નીકળી હતી. જેમાં એપોલો હોસ્પિટલ, ગ્લેનમાર્ક ફાર્મા, ડિવિઝ લેબ્સ જેવા કાઉન્ટર્સ મુખ્ય હતાં. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોવિડને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરતાં બજારમાં કોવિડનો ગભરાટ જોવા મળ્યો હતો. ચીનમાં જોવા મળેલા ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ્સ ભારતમાં પણ પ્રવેશ્યો હોવાના અહેવાલ હતાં. જેની પાછળ ટ્રેડર્સે તેમના લેણ છોડ્યાં હતાં. બીજી બાજુ તેમણે સેફ સાઈડ રહેવાનું પસંદ કરતાં ફાર્મા અને હોસ્પિટલ્સ કંપનીઓમાં ખરીદી નોંધાવી હતી. કોવિડને કારણે હોસ્પિટલ કંપનીઓની ઓક્યૂપન્સીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી અને તેમની કામગીરી પણ ઐતિહાસિક સ્તરે જળવાય હતી. જ્યારે કોવિડ પરીક્ષણોને કારણે ડાયગ્નોસ્ટીક્સ કંપનીઓએ અસાધારણ વોલ્યુમ દર્શાવ્યાં હતાં. ચીન ખાતેથી એપીઆઈ સપ્લાય અટકાવાની સંભાવનાએ ભારતીય એપીઆઈ ઉત્પાદકોને લાભ થવા પાછળ બલ્ક ડ્રગ્ઝ કંપનીઓના શેર્સમાં ઓચિંતી ખરીદી નીકળી હતી.

બુધવારે ડાયગ્નોસ્ટીક્સ-ફાર્મા શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ મંગળવારનો બંધ ભાવ(રૂ.) બુધવારનો બંધ ભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
થાયરોકેર 608.60 699.00 14.85
IOL સીપી 350.00 398.50 13.86
બાલ ફાર્મા 86.70 98.65 13.78
વિજય ડાય. 425.60 479.05 12.56
પેનેશ્યા બાયો 138.20 152.00 9.99
ગ્લેનમાર્ક 409.25 442.00 8.00
મોરપેન લેબ 30.90 33.20 7.44
મેટ્રોપોલીસ 1281.05 1372.20 7.12
ડો. લાલ પેથલેબ્સ 2287.10 2435.00 6.47
ડિવિઝ લેબ્સ 3351.55 3515.00 4.88
SMS ફાર્મા 81.85 85.50 4.46

ક્રેડિટ-ડિપોઝીટ્સ વચ્ચેના ગેપનું કારણ બેઝ ઈફેક્ટઃ RBI ગવર્નર
2024ની લોકસભાની ચૂંટણીને મોનેટરી પોલિસી સાથે કોઈ લેવા-દેવાં નથી
19મી સદીના ‘બીગ ડેડી’ના દિવસો પૂરા થયાં છે, અમે સ્થાનિક પરિબળોને આધીન નીતિ ઘડીએ છીએ

ક્રેડિટ અને ડિપોઝીટ વચ્ચે જોવા મળી રહેલો વિશાળ ગાળો તેમની સંબંધિત બેઝ ઈફેક્ટને કારણે છે અને બંને ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સ પ્રતિબિંબિત કરે છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું. એક ઈવેન્ટમાં બોલતાં તેમણે ઉમેર્યું હતું કે ક્રેડિટ ગ્રોથ ઊંચો દેખાવાનું કારણ ગયા વર્ષનો નીચો બેઝ છે. જ્યારે ડિપોઝીટ ગ્રોથ નીચો દેખાવા પાછળ અગાઉના વર્ષોની બેઝ ઈફેક્ટ જવાબદાર છે. કોવિડના સમયગાળામાં ડિપોઝીટ્સમાં 10-11 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી હતી એમ તેમણે જણાવ્યું હતું.
આરબીઆઈના તાજેતરના રિપોર્ટ મુજબ 2 ડિસેમ્બરે પૂરા થતાં પખવાડિયા દરમિયાન બેંક્સ ક્રેડિટમાં વાર્ષિક 17.5 ટકા દરે વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ડિપોઝીટ ગ્રોથ 9.9 ટકાના નીચા દરે જોવા મળ્યો હતો. એક વર્ષ અગાઉ ક્રેડિટ ગ્રોથ 7.3 ટકાના સ્તરે હતો. જ્યારે ડિપોઝીટ્સ ગ્રોથ 9.4 ટકા પર હતો. દાસે જણાવ્યું હતું કે જો નવેમ્બર 2021થી 2 ડિસેમ્બર 2022 સુધીના આંકડા જોઈએ તો આ સમયગાળામાં રૂ. 19 લાખ કરોડનો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે ડિપોઝીટ્સમાં રૂ. 17.4 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. આમ ડિપોઝીટ અને ક્રેડિટ ગ્રોથમાં કોઈ મોટો ગેપ છે તેવું નથી. બંનેની બેઝ ઈફેક્ટને કારણે ગાળો ઊંચો હોવાનું આપણે જણાય રહ્યું છે. ક્રેડિટની માગ ઊંચી જણાવાનું કારણ છેલ્લાં બે વર્ષ દરમિયાન ભેગી થયેલી માગ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આમ આ પરબળોને ધ્યાનમાં રાખતાં વર્તમાન ક્રેડિટ ગ્રોથ ઉન્માદથી ખૂબ-ખૂબ દૂર છે એમ તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ નવી લોન્સ પર વેઈટેડ એવરેજ લેન્ડિંગ રેટમાં 117 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે વેઈટેડ એવરેજ ડિપોઝીટ રેટ્સ 150 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવે છે. આમ ડિપોઝીટ્સ રેટ્સમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને આગામી સમયગાળામાં તે માર્કેટ્સના દેખાવ પર આધારિત રહેશે. લેન્ડિંગ રેટ્સ અને ડિપોઝીટ્સ રેટ્સનો આધાર માર્કેટ્સ પર તથા આરબીઆઈના પોલિસી રેટ્સ પર રહેલો છે. ડિપોઝીટ્સ રેટ વધી રહ્યાં છે અને તે હજુ પણ થોડાં વધી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાનમાં ચૂંટણીની આરબીઆઈ નીતિ પરની અસરને લઈને એક સવાલના જવાબમાં આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસીના નિર્ધારણમાં ચૂંટણી એ કોઈ મુદ્દો નથી. તેમણે સેન્ટ્રલ બેંકની ઈન્ફ્લેશનને અંકુશમાં રાખવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવતાં ઉમેર્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીને મોનેટરી પોલિસી સાથે કોઈ નિસ્બત નથી. આગામી મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં અમે શું કરીશું તે અંગે કશું કહેવું મારા માટે શક્ય નથી પરંતુ એક બાબત હું તમને જણાવી શકું કે 2024માં આવી રહેલી ચૂંટણીઓને મોનેટરી પોલિસી સાથે કોઈ લેવા-દેવા નથી. મોનેટરી પોલિસીનું કારણ મોંઘવારી પર અંકુશનું છે. સહુ કોઈ ઈન્ફલેશનને અંકુશમાં રાખવા ઈચ્છે છે અને સરકાર પણ તેને નીચે જાળવી રાખવા માટે સરખાં પગલા હાથ ધરી રહી છે. તેમણે અર્જુનની આંખની ઉપમા આપીને જણાવ્યું હતું કે હાલમાં તે માત્ર ફુગાવો અને વૃદ્ધિ પર ધ્યાન આપી રહી છે. અર્જુન આવી રહેલી ચૂંટણીઓ તરફ કોઈ ધ્યાન ધરાવતો નથી એમ તેમણે ઉમેર્યું હતું. વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્ર યુએસ તરફથી નિભાવવામાં આવી રહેલી મહત્વની ભૂમિકાને યથાર્થ ઠેરવતાં દાસે જણાવ્યું હતું કે આરબીઆઈની પોલિસી સ્થાનિક ઈન્ફ્લેશન-ગ્રોથ ડાયનેમિક્સને આધારે ઘડવામાં આવતી હોય છે. વિશ્વમાં સૌથી મોટું અર્થતંત્ર હોવાના કારણએ યુએસ ફેડ જે પણ કરે છે તેની અસર રહે છે. તે સહુને અસર કરે છે. વૈશ્વિક ટ્રેડનો મોટો હિસ્સો ડોલર-ડિનોમિનેટેડ છે. આમ યુએસ ફેડ સહુ માટે મહત્વની છે એમ તેમણે જણાવ્યું હતું. જોકે 19મી સદીના ‘બીગ ડેડી’ના દિવસો પૂરા થયાં છે અને આરબીઆઈની નીતિ મુખ્યત્વે સ્થાનિક પરિબળોને આધીન હોય છે.

સેબીએ એગ્રી કોમોડિટીઝના ટ્રેડિંગ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવ્યો
માર્કેટ રેગ્યુલેટરે નોન-બાસમતી ચોખા, ઘઉં, ચણા, રાયડો, સોયાબિન, ક્રૂડ પામોલીન અને મગ પર ડિસેમ્બર 2021માં પ્રતિબંધ મૂક્યો હતો

ઊંચા ઈન્ફ્લેશનને જોતાં સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ સાત એગ્રી કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગને એક વર્ષ માટે લંબાવ્યો છે. આ કોમોડિટીઝમાં નોન-બાસમતી ચોખા, ઘઉં, ચણા, રાયડો અને તેના ડેરિવેટિવ્સ, સોયાબિન અને તેના ડેરિવેટિવ્સ, ક્રૂડ પામોલીન અને મગનો સમાવેશ થાય છે. અગાઉ ડિસેમ્બર 2021માં માર્કેટ રેગ્યુલેટરે આ કોમોડિટીઝના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને હવે 20 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવ્યો છે.
ગયા વર્ષે સેબીએ આ સાત કોમોડિટીઝના કોમેક્સ પરના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે નવા કોન્ટ્રેક્ટ લોંચ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ કોઈ નવી પોઝીશન લેવા પર મનાઈ ફરમાવી હતી. માત્ર ઊભી પોઝીશન સ્ક્વેર ઓફ કરવાની છૂટ આપી હતી. નવેમ્બરમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ 5.9 ટકા પર 11-મહિનાના તળિયા પર જોવા મળ્યું હતું તો પણ તે આરબીઆઈના કમ્ફર્ટ ઝોનથી સાધારણ નીચે હતું. જેને જોતાં સેબીએ વધુ એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવી દીધો છે. ડેટા સૂચવે છે કે ગયા વર્ષે પ્રતિબંધ અગાઉ ઉપરોક્ત કોમોડિટીઝ એનસીડેક્સ ખાતે એપ્રિલ 2021થી જુલાઈ 2021ના સમયગાળામાં 54 ટકા ડિપોઝીટ્સ ધરાવતી હતી. જેમાં ચણા કુલ ડિપોઝીટ્સના 40 ટકા સાથે ટોચ પર હતાં. ડિલિવરીની વાત કરીએ તો પણ સસ્પેન્ડ કરવામાં આવેલી કોમોડિટીઝ કુલ ડિલિવરીઝના 55 ટકા હિસ્સો ધરાવતી હતી. જેમાં 29 ટકા ડિલિવરી સાથે ચણા ટોચ પર હતાં. સેબીએ મહત્વની કોમોડિટીઝના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકતાં એનસીડેક્સ ખાતે સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણા વર્ષ 2021-22માં એનસીડેક્સનું સરેરાશ દૈનિક વોલ્યુમ રૂ. 2310 કરોડ પરથી ગગડી રૂ. 960 કરોડ પર જોવા મળ્યું છે. જે 58 ટકા ઘટાડો સૂચવે છે એમ એક્સચેન્જ ડેટા સૂચવે છે.
તાજેતરમાં એનસીડેક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ તરફથી હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેરિવેટિવ્સ ટ્રેડિંગના કારણે ભાવમાં વૃદ્ધિ કે પછી ડેરિવેટિવ્સ ટ્રેડિંગ પર પ્રતિબંધ પછી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોય તેવા કોઈ પુરાવા સાંપડી રહ્યાં નથી. કે નથી તો કોમોડિટીઝના ભાવમાં વોલેટિલિટી ઓછી થયાના કોઈ સંકેતો મળ્યાં. આ અભ્યાસ રાયડા અને ચણા પર હાથ ધરવામાં આવ્યો હતો.
અહેવાલો મુજબ કેટલાંક ખેડૂકો ફાર્મર-પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ(એફપીઓ) મારફતે ફ્યુચર્સ ડેરિવેટિવ્સ ટ્રેડિંગનો ભાગ બન્યાં હતાં. એનસીડેક્સ ખાતે જ 2016થી લગભગ 440 એફપીઓ ટ્રેડિંગમાં ભાગ લેતાં હતાં. જેઓ લગભગ દસ લાખ ખેડૂતોનું પ્રતિનિધિત્વ ધરાવતાં હતાં. જુલાઈ 2022 સુધીમાં તેમણે એક લાખ ટનથી વધુ(રૂ. 488 કરોડના મૂલ્યની નજીક)નું રિસ્ક હેજ કરવા માટે એક્સચેન્જ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.

ડોલર સામે રૂપિયામાં 10 પૈસા નરમાઈ
યુએસ ડોલર સામે બુધવારે રૂપિયો 10 પૈસા નરમાઈ સાથે 82.80ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલી પાછળ ફોરેક્સ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. અગાઉ 82.70ની સપાટીએ બંધ જોવા મળેલો રૂપિયો 82.76ના સ્તરે નરમ ઓપનીંગ બાદ વધી ગગડી 82.83ની સપાટી પર ટ્રેડ થયો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 82.66ની ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે 82.80ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે ઈમર્જિંગ માર્કેટ્સ ચલણો નબળાઈ દર્શાવી રહ્યાં છે. ફોરેક્સ ડિલર્સના મતે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ડોલરમાં ખરીદી જળવાય હતી અને તેને કારણે પણ રૂપિયા પર દબાણ ઊભું થયું હતું. બીજી બાજુ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી ડિસેમ્બરમાં ખરીદી ધીમી પડતાં ડોલર ઈન્ફ્લો નવેમ્બરની સરખામણીમાં ધીમો જોવા મળી રહ્યો છે.

ઓક્ટોબરમાં NRI ડિપોઝીટ્સમાં જોવા મળેલી વૃદ્ધિ
ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન સતત ઘટાડા બાદ નોન-રેસિડન્ટ ઈન્ડિયન(એનઆરઆઈ) ડિપોઝીટ્સમાં ઓક્ટોબરમાં પ્રથમવાર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 134.54 અબજ ડોલર પર રહી હતી. સપ્ટેમ્બરમાં તે 133.67 અબજ ડોલર પર જોવા મળી હતી. આરબીઆઈના ડેટા મુજબ 2022-23ના પ્રથમ છ મહિના દરમિયાન એનઆરઆઈ ડિપોઝીટ્સમાં ઘટાડો નોઁધાયો હતો અને સપ્ટેમ્બર આખરમાં તે 133.67 અબજ ડોલર પર જોવા મળી હતી. જે માર્ચ 2022 આખરમાં 139 અબજ ડોલર પર હતી. વાર્ષિક સરખામણી કરીએ તો તે 141.3 અબજ ડોલરના સ્તરેથી ઘટાડો સૂચવતી હતી. એપ્રિલ-ઓક્ટોબર 2021માં એનઆરઆઈ ડિપોઝીટ્સમાં 3.28 અબજ ડોલરના ફ્લો સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 4.93 અબજ ડોલરનો ફ્લો જોવા મળ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

સિટી યુનિયન બેંકઃ પ્રાઈવેટ બેંકે 13 બોરોઅર એકાઉન્ટ્સમાં રૂ. 259 કરોડની રકમની એનપીએના ડાયવર્જન્સની જાહેરાત કરી હતી. જેની પાછળ બેંકના શેરમાં 7 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બેંકે માર્ચ 2022ની આખરમાં રૂ. 1933 કરોડની ગ્રોસ એનપીએ નોંધી હતી. જોકે આરબીઆઈના એસેસમેન્ટ મુજબ તે રૂ. 2192 કરોડ હતી.
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપનીની રેઝોલ્યુશન પ્રક્રિયામાં સૌથી ઊંચું બીડ કરનાર કોસ્મિયા ફાઈનાન્સિયલ-પિરામલ કેપિટલ જૂથે ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ થવાના એક દિવસ અગાઉ તેમનું બીડ પરત ખેંચી લીધું છે. તેમણે ઊંચી બેઝ પ્રાઈસ તથા લેન્ડર્સે નિર્ધારિત કરેલી પ્રક્રિયાને કારણે આમ કર્યું છે. બંને કંપનીઓએ સંયુક્તપણે આર-કેપ માટે રૂ. 5231 કરોડનું બિડીંગ કર્યું હતું. જેને અગાઉ બેઝ પ્રાઈસ રાખવાનું લેન્ડર્સ કમિટીએ નક્કી કર્યું હતું. જોકે પાછળથી તેણે બેઝ પ્રાઈસ વધારી રૂ. 6500 કરોડ કરી હતી.
શ્નેઈડર ઈલેક્ટ્રીકઃ કંપની બેંગલૂરૂ ખાતે નવી સ્માર્ટ ફેક્ટરીમાં તથા તેની વર્તમાન છ ફેક્ટરીના કોન્સોલિડેશનમાં રૂ. 425 કરોડનું રોકાણ કરશે. કંપની આગામી 12-18 મહિનાઓમાં તમામ ફેક્ટરીઝને એક કેમ્પસમાં લાવશે. હાલમાં તે બેંગલૂરૂ ખાતે 10 સુવિધાઓ ધરાવે છે.
શ્યામ મેટાલિક્સઃ ઈન્ટિગ્રેટેડ મેટલ ઉત્પાદક કંપનીએ એનસીએલટી પાસેથી રૂ. 450 કરોડના ખર્ચે મિત્તલ કોર્પની ખરીદી કરી છે. જે મારફતે તે સ્ટેનલેસ સ્ટીલ, વાયર રોડ અને બાર બિઝનેસમાં પ્રવેશી છે. આ ખરીદીને કારણે કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક 1.5 લાખ ટનનો ઉમેરો થશે.
સિક્યોરક્લાઉડ ટેક્નોલોજિસઃ સેબીએ અગાઉની 8K માઈલ્સ સોફ્ટવેર સર્વિસિઝ અને તેના ત્રણ ડિરેક્ટર્સને એકથી ત્રણ વર્ષ માટે બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રેગ્યૂલેટરે કંપનીના ફાઈનાન્સિયલ્સની ખોટી રજૂઆત માટે આમ કર્યું છે. માર્કેટ પ્રતિબંધ ઉપરાંત રૂ. 10 કરોડની પેનલ્ટી પણ લાગુ પાડવામાં આવી છે.
યસ બેંકઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે યસ બેંકના વિજય ગ્રૂપ રિઅલ્ટી સામેના રૂ. 420 કરોડના દાવાને ફગાવી દીધો છે. બેંકે કંપની સામે એનસીએલટીનો સંપર્ક કર્યો હતો. જોકે એનસીએલટીએ બેંકના દાવાને ખોટો ઠેરવ્યો હતો. બેંકના શેરમાં બુધવારે 4 ટકાથી વધુનો ઘટાડો નોઁધાયો હતો.
ડાબરઃ એફએમસીજી કંપનીના પ્રમોટર બર્મન પરિવારે કંપનીના એક ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. બ્લોક ડીલ મારફતે થયેલા સોદાનો મુખ્ય હેતુ ફંડ ઊભું કરવાનો હતો. બર્મન પરિવારના અંગત વેન્ચર્સને ફાઈનાન્સ માટે આ હિસ્સો તેમણે વેચ્યો હતો.
ગેઈલઃ પીએસયૂ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ 7.34 ટકા કૂપન રેટ ધરાવતાં 15750 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 1575 કરોડ ઊભા કર્યાં છે.
સુદર્શન કેમિકલઃ સ્પેશ્યાલિટી કેમિકલ ઉત્પાદક કંપનીમાં રોકાણકાર નોર્ગેસ બેંકે ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલના એકાઉન્ટમાંથી 7.03 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
ભારતી એરટેલઃ બીજા ક્રમનો ટેલિકોમ ઓપરેટર ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ લેમ્નીસ્કમાં 8 ટકા હિસ્સાની ખરીદી માટે એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
વિસાકા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીનો પશ્ચિમ બંગાળમાં રૂ. 130 કરોડના ખર્ચે બંધાઈ રહેલો પ્લાન્ટ આગામી ઓગસ્ટ 2023 સુધીમા કાર્યાન્વિત થશે એમ કંપનીએ જણાવ્યું છે.
સલાસાર ટેકઃ કંપનીએ જણાવ્યું છે કે તેણે પશ્ચિમાંચલ વિદ્યુત વિતરણ નિગમ તરફથી રૂ. 750 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage