બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડે હોકિશ રટણ જાળવતાં માર્કેટમાં મંદીની હેટ્રીક
નિફ્ટી 19800ની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 10.81ના સ્તરે
બેંકિંગ, ઓટો, ફાર્મા, મેટલ સહિતમાં નરમાઈ
એકમાત્ર મિડિયામાં પોઝીટીવ ટ્રેન્ડ
કેસીબી પંપ્સ, ચોલા ફીન અને ટ્રાન્સપોર્ટ કોર્પ નવી ટોચે
ટીસીએનએસ, વેદાંતા, ડેલ્ટા કોર્પમાં નવું તળિયું
યુએસ ફેડ રિઝર્વે હોકિશ ટોન જાળવી રાખતાં શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી ફરી વળી હતી. ખાસ કરીને ઈમર્જિંગ માર્કેટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક્સ ઈન્ટ્રા-ડે એક ટકા સુધી ઘટાડો દર્શાવ્યાં પછી 0.8 ટકા નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 571 પોઈન્ટ્સ ગગડી 66230ની સપાટીએ જ્યારે નિફ્ટી 159 પોઈન્ટ્સના ઘટાડે 19742ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રેડ્થ ખૂબ ખરાબ જોવા મળી હતી. જેનું કારણ મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી હતું. બીએસઈ ખાતે 3793 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2337 કાઉન્ટર્સ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1317 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 177 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ગગડી 10.81ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે બારતીય બજારે ગેપ-ડાઉન શરૂઆત દર્શાવ્યા પછી સતત રેડ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 19901ના અગાઉના બંધ સામે 19840ની સપાટીએ ખૂલી ઉપરમાં 19849ની સપાટી દર્શાવી નીચામાં 19710ની સપાટીએ ટ્રેડ થયો હતો અને 19800ની સપાટી નીચે જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 27 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 19769ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 71 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં નોંધપાત્ર વાઈન્ડઅપ થયું છે. જે બજાર માટે સાવચેતી જાળવવા સૂચવે છે. બેન્ચમાર્ક તેના 19700ના સપોર્ટથી પરત ફર્યો છે. જોકે, આ સપાટી જાળવી રાખે છે કે કેમ તે જોવાનું રહેશે. 19800ના સ્ટોપલોસ સાથે ટ્રેડ કરનારાઓની પોઝીશન કપાઈ ગઈ છે. આમ, બજારમાં લોંગ હળવું થયું છે. જોકે, માર્કેટમાં જે રીતે વેચવાલી જોવા મળી છે તે સૂચવે છે કે બેન્ચમાર્કમાં 19700 નીચે 19400 સુધીનો ઝડપી ઘટાડો સંભવ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ નવી લોંગ પોઝીશન નહિ લેવા જણાવે છે. જ્યારે જોખમ લઈ શકનારા ટ્રેડર્સ 20200ના સ્ટોપલોસે શોર્ટ પોઝીશન લઈ શકે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, બીપીસીએલ, ઈન્ફોસિસ, બ્રિટાનિયા, યુપીએલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, લાર્સન, એપોલો હોસ્પિટલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, સિપ્લા, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ઓટો, તાતા મોટર્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એકમાત્ર નિફ્ટી મિડિયા સિવાય તમામ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. જેમાં બેંકિંગ, ઓટો, ફાર્મા, મેટલ, એફએમસીજી, રિઅલ્ટીમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 1.7 ટકા ગગડ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા 3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, પીએનબી, કોટક મહિન્દ્રા, એયૂ સ્મોલ ફાઈ. બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, ફેડરલ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.7 ટકા પટકાયો હતો. જેમાં એમએન્ડએમ 3 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત ભારત ફોર્જ, મધરસન, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, સોના બીએલડબલ્યુ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર જેવા કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એચપીસીએલ 2.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરઈસી, એમસીએક્સ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, બિરલા સોફ્ટ, એલએન્ડટી ટેક્નોલોજી, ઝી એન્ટર., ડો. રેડ્ડીઝ લેબ્સ, ક્યુમિન્સમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, બલરામપુર ચીની, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ગ્લેનમાર્ક, એમએન્ડએમ, હિંદ કોપર, બેંક ઓફ બરોડા, મેટ્રોપોલીસ, એનએમડીસી, સિપ્લા, ઈન્ડિયન હોટેલ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કેસીબી પંપ્સ, ચોલા ફીન અને ટ્રાન્સપોર્ટ કોર્પ, ફિનિક્સ મિલ્સ, પોલીકેબ અને ઈન્ડિયન બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે ટીસીએનએસ, વેદાંતા, ડેલ્ટા કોર્પ નવું તળિયું નોંધાવ્યું હતું.
કેનેડિયન પેન્શન ફંડનું ન્યૂ-એજ કંપનીઓમાં 2 અબજ ડોલરથી વધુનું રોકાણ
કેનેડાનો ટોચનો રોકાણકાર કોટક મહિન્દ્રા બેંકમાં 2.68 ટકા હિસ્સો ધરાવે છે
આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા બ્લ્યૂચિપ્સમાં પણ રોકાણ
કેનેડિયન કંપની ફ્લિપકાર્ટ, બાઈજુસ જેવી અનલિસ્ટડ સ્ટાર્ટ-અપ્સમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે
ભારત અને કેનેડા વચ્ચે રાજકીય સંબંધોમાં તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે કેનેડાના સૌથી મોટા રોકાણકાર કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ(CPPIB) તરફથી ભારતીય કંપનીઓમાં 2 અબજ ડોલરથી વધુનું રોકાણ જોવા મળી રહ્યું છે. કંપની કેનેડા પેન્શન પ્લાનના નાણાનું ભારતીય બજારમાં રોકાણ કરે છે અને તેના રોકાણકારો માટે વળતર ઊભું કરે છે. સીપીસીઆઈબી છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય બજારમાં તેનું રોકાણ વધારતું જોવા મળ્યું છે. તે પ્રાઈવેટ બેંકિંગ અને આઈટી સર્વિસિઝ સેક્ટર્સમાં નોંધપાત્ર હાજરી સાથે ન્યૂ-એજ ટેક્નોલોજી કંપનીઓમાં પણ રોકાણ ધરાવે છે. જેમાં એકો, ઝોમેટો, ડેલ્હીવેરી અને નાયકા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. નવ જેટલી ન્યૂ-એજ કંપનીઓમાં CPPIBનું રોકાણ 2 અબજ ડોલર જેટલું જોવા મળે છે.
આ ઉપરાંત તે પ્રાઈવેટ સેક્ટરની ટોચની બેંક કોટક મહિન્દ્રા બેંકમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. કેનેડાનો ટોચનો રોકાણકાર જૂન મહિનાની આખરમાં કોટક મહિન્દ્રા બેંકમાં 2.68 ટકા હિસ્સો ધરાવતો હતો. જેનું મૂલ્ય રૂ. 5000 કરોડ આસપાસ થવા જાય છે. પેન્શન ફંડ બીજા ક્રમની પ્રાઈવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ હિસ્સો ધરાવે છે. જ્યારે આ ઉપરાંત તે ઈન્ફોસિસ અને વિપ્રો જેવી આઈટી સર્વિસિઝ કંપનીઓમાં નોંધપાત્ર રિટર્ન નોંધાવે છે. ગુરુવારે કોટક મહિન્દ્રા બેંકનો શેર 1.9 ટકા ઘટાડે રૂ. 1755.70ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, શેરના ભાવમાં ઘટાડો ભારત-કેનેડા વચ્ચે તણાવને કારણે નહોતો જોવાયો પરંતુ ફેડ તરફથી હોકિશ વલણની જાહેરાત પાછળ નોંધાયો હતો. આઈસીઆઈસીઆઈ બેંકનો શેર પણ 2.82 ટકા ગગડી રૂ. 959.30ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ફોસિસનો ભાવ 0.77 ટકા મજબૂતી સાથે રૂ. 1501.75ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. તેમજ વિપ્રોનો શેર 0.27 ટકા નરમાઈ સાથે રૂ. 428.95ની સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં દૈનિક ધોરણે નવા ડેવલપમેન્ટ જોવા મળી રહ્યાં છે. ભારતે તેના નાગરિકોને કેનેડાના પ્રવાસ દરમિયાન ખૂબ જ સાવચેતી જાળવવાનું સૂચન કર્યું છે. ઉપરાંત, ગુરુવારે ભારત સરકારે કેનેડાના નાગરિકોને વિસા આપવા પર રોક લગાવી હતી. જે બંને દેશો વચ્ચેના તણાવને વકરાવી શકે છે. બુધવારે કેનેડા ખાતે ભારતમાંથી ફરાર આરોપી એવા સુખા દૂનેકેની હત્યા થઈ હતી. આ બંને અહેવાલો ભારત-કેનેડા વચ્ચે સંબંધોની ખાઈને પહોળી કરી શકે છે એમ બજાર વર્તુળો માને છે. તેમના મતે બંને દેશો વચ્ચેના સંબંધો ઝડપથી નવા તળિયા પર જઈ રહ્યાં છે. જે રોકાણકાર સમુદાય માટે ચિંતાનો વિષય છે.
લાર્જ-કેપ્સ ઉપરાંત કેનેડિયન પેન્શન ઈન્વેસ્ટર નવ જેટલાં ન્યૂ-એજ સ્ટાર્ટઅપ્સમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે. જેમાં તેના હોલ્ડિંગ્સનું કુલ મૂલ્ય રૂ. 16000 કરોડ આસપાસ થવા જાય છે. જેમાં એરુડિટ્સમાં 4.3 ટકા હિસ્સાનું મૂલ્ય રૂ. 7633 કરોડ જેટલું થવા જાય છે. જ્યારે ફ્લિપકાર્ટમાં તેના 2.2 ટકા હિસ્સાનું મૂલ્ય રૂ. 6664 કરોડ જેટલું બેસે છે. આ બંને કંપનીઓ હજુ શેરબજાર પર લિસ્ટેડ નથી અને તેથી તેમના દૈનિક ધોરણે બજારભાવ શક્ય નથી. આ ઉપરાંત એડટેક કંપની બાઈજુસમાં પણ કેનેડિયન પેન્શન ફંડ 3.4 ટકા હિસ્સો ધરાવે છે. જેનું મૂલ્ય લગભગ રૂ. 1456 કરોડ જેટલું જોવા મળે છે. ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોમાં કંપની 2.37 ટકા હિસ્સો ધરાવે છે. જેનું મૂલ્ય રૂ. 2040 કરોડ જેટલું થાય છે. ઝોમેટોનો શેર ગુરુવારે 2 ટકા આસપાસ નરમાઈ સૂચવતો હતો. ફિનટેક જાયન્ટ પેટીએમમાં 1.76 ટકા હિસ્સા સાથે તે રૂ. 950 કરોડનું રોકાણ ધરાવે છે. જ્યારે ન્યૂ-એજ લોજીસ્ટીક્સ કંપની ડેલ્હીવેરીમં તે 3.4 ટકા હિસ્સા સાથે રૂ. 878 કરોડનું હોલ્ડિંગ ધરાવે છે.
CPPIBનું ન્યૂ-એજ કંપનીઓમાં રોકાણ
કંપની હિસ્સો કુલ રોકાણ(રૂ. કરોડમાં)
એકો 3.6 292
બાઈજુસ 3.4 1456
ડેલ્હીવેરી 6.1 878
ડેઈલીહંટ/વર્સે 6.2 207
એરુડીટ્સ 4.3 7633
ફ્લિપકાર્ટ 2.2 6664
ઝોમેટો 2.37 2040
નાયકા 1.47 610
પેટીએમ 1.76 950
DGCAએ ફ્લાઈટ સેફ્ટીમાં છીંડા પાછળ એર ઈન્ડિયાના ચીફને સસ્પેન્ડ કર્યાં
ઉડ્ડયન રેગ્યુલેટરે બે મોટા સેફ્ટી નિયમોના ભંગ બદલ રાજીવ ગુપ્તા સાથે પગલાં લીધાં
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ ગુરુવારે તાતા જૂથની એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટીના ચીફ રાજીવ ગુપ્તાન એક મહિના માટે સસ્પેન્ડ કર્યાં હતાં. રેગ્યુલેટર તરફથી જુલાઈમાં હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ દરમિયાન સેફ્ટી સંબંધી છીંડા માલૂમ પડતાં આમ કરવામાં આવ્યું હતું.
રેગ્યુલેટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડીજીસીએ તરફથી 25-26 જુલાઈના રોજ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન એરલાઈન તરફથી હાથ ધરવામાં આવેલાં એક્સિડન્ટ પ્રિવેન્શન વર્સમાં ઉણપો જોવા મળી હતી. તેમજ એપ્રૂવ્ડ ફ્લાઈટ સેફ્ટી મેન્યૂલ અને સંબંધિત સિવિલ એવિએશન જરૂરિયાત મુજબ પૂરતાં ટેકનિકલ મેનપાવરનો અભાવ જોવા મળ્યો હતો એમ ડીજીસીએએ નિવેદમાં જણાવ્યું છે. વધુમાં એરલાઈન તરફથી કરવામાં આવતાં દાવા મુજબ તેણે હાથ ધરેલું ઈન્ટરનલ ઓડીટ અથવા સ્થળ તપાસ રેગ્યુલેટરની જરૂરિયાતો પ્રમાણે નહોતનું જોવા મળ્યું. સર્વેલન્સ પછી રેગ્યુલેટરે એરલાઈન કંપની પાસેથી એક્શન ટેકન રિપોર્ટની માગણી કરી હતી. એકવાર એર ઈન્ડિયાએ રિપોર્ટ રજૂ કર્યાં પછી રેગ્યુલેટરે સંબંધિત હોદ્દેદારને શો કોઝ નોટિસ પાઠવી હતી. એરલાઈન તરફથી મળેલા પ્રતિભાવની સમીક્ષાને આધારે કંપનીને ઈન્સ્પેક્શનમાં સંડોવાયેલા ચોક્કસ ઓડિટરને ફરીથી ઓડિટ્સ, સર્વેલર્સ કે સ્થળ તપાસ નહિ સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. કેમકે તેમની કામગીરીમાં છીંડાઓ જોવા મળ્યાં હતાં. વધુમાં એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં એમ ડીજીસીએએ નોંધ્યું હતું. છેલ્લાં બે મહિના દરમિયાન એર ઈન્ડિયા ખાતે સેફ્ટી નિયમોના મોટું ઉલ્લંઘન જોવા મળ્યું છે.
RBIની HDFC AMCને DCB, કરુર વૈશ્ય સહિતની બેંક્સમાં હિસ્સો ખરીદવા મંજૂરી
જોકે, બેંકિંગ કંપનીઓએ પેઈડ-અપ શેર કેપિટલના 9.5 ટકા હિસ્સાથી વધુ ખરીદી નહિની ખાતરી આપવાની રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીને ડીસીબી બેંક, કરુર વૈશ્ય બેંક, ફેડરલ બેંક અને ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં હિસ્સો ખરીદવા માટેની છૂટ આપી છે. જોકે, ઉપરોક્ત બેંક્સે એસેટ મેનેજમેન્ટ કંપની તરફથી તેનો 9.5 ટકાથી વધુ હિસ્સો ખરીદાય નહિ તેની ખાતરી આપ્યાં પછી જ તે આમ કરી શકશે.
સ્મોલ ફાઈનાન્સ બેંકે ગુરુવારે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે સેબીના નિયમો મુજબ બેંકે 20 સપ્ટેમ્બરે આરબીઆઈ તરફથી એચડીએફસી એએમસીને 9.5 ટકા સુધીનો શેર હિસ્સો ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. એક અલગ નિવેદનમાં ડીસીબી બેંકે બુધવારે સાંજે જણાવ્યું હતું કે આરબીઆઈએ એચડીએફસી એએમસીને બેંકમાં એક વર્ષની અંદર ઉપર જણાવ્યા મુજબનું શેરહોલ્ડીંગ ખરીદવાની સલાહ આપી છે. જો એએમસી તેને ફાળવવામાં આવેલા સમયગાળામાં હિસ્સો ખરીદવામાં નિષ્ફળ રહેશે તો તેને આપવામાં આવેલી મંજૂરી રદ થશે. વધુમાં એએમસીએ એ વાતની ખાતરી આપવાની રહેશે તે બેંકમાં તેનું કુલ હોલ્ડીંગ બેંકના પેઈડ અપ કેપિટલના 9.5 ટકાથી વધવું જોઈશે નહિ. ફેડરલ બેંક અને કરુર વૈશ્ય બેંકે પણ તેમનામાં એચડીએફસી એએમસીની હિસ્સા ખરીદી 9.5 ટકાથી વધી જાય નહિ તેની ખાતરી આપવાની રહેશે. આ ઉપરાંત જો આરબીઆઈની મંજૂરી પહેલા બેંક્સમાં એએમસીનો હિસ્સો 5 ટકાથી નીચે ઉતરી જશે તો તેણે તેને વધારી બેંક્સના પેઈડ-અપ કેપિટલના 5 ટકાથી વધુ કરવાનો રહેશે એમ ફેડરલ બેંક અને કરુર વૈશ્ય બેંકે સ્ટોક એક્સચેન્જને ફાઈલીંગ્સમાં જણાવ્યું હતું.
બોઈંગ ઈન્ડિયા બેંગલૂરૂ ખાતે 43 એકરમાં કોમ્પ્લેક્સ ખોલશે
રૂ. 1600 કરોડના રોકાણ સાથે યુએસ બહાર સૌથી મોટી સાઈટ બની રહેશે
બોઈંગ ઈન્ડિયા બેંગલૂરૂ ખાતે કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક દેવનહલ્લી સ્થિત એરોસ્પેસ પાર્કમાં 43 એકર કોમ્પ્લેક્સ ખોલશે. રૂ. 1600 કરોડના ખર્ચથી તૈયાર થનારું આ કોમ્પ્લેક્સ યુનાઈટેડ સ્ટેટ્સની બહાર બોઈંગની સૌથી મોટી સાઈટ બની રહેશે. બોઈંગ ઈન્ડિયાએ ભારત ખાતેથી વાર્ષિક રૂ. 10000 કરોડના સોર્સિંગનો ટાર્ગેટ બાંઘ્યો છે. હાલમાં તે દેશમાંથી રૂ. 8 હજાર કરોડનું સોર્સિંગ કરી રહી છે.
ચાલુ વર્ષની શરૂમાં બોઈંગે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયલોટ્સને તાલીમ આપવાના પ્રોગ્રામ્સમાં 10 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયા તરફથી 200થી વધુ જેટ્સના ઓર્ડર્સને સાઈન કર્યાં પછી તેણે આ જાહેરાત કરી હતી. એરઈન્ડિયાએ બોઈંગને 20 787 ડ્રિમલાઈનર્સ, 10 777X અને 190 જેટલા 737 મેક્સ નેરોબોડી વિમાન માટેનો ઓર્ડર્સ આપ્યો હતો. બેંગલૂરુના ઉત્તર તરફના વિકાસને જોતાં દેવનહલ્લી શહેરનું કેન્દ્ર બની રહ્યું છે. ખાસ કરીને કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક હોવાના કારણે તેને લાભ મળી રહ્યો છે. ઉપરાંત તેને નવી તૈયાર થઈ રહેલી બ્લ્યૂ મેટ્રો લાઈનનો પણ લાભ થઈ રહ્યો છે. આ તમામ ડેવલપમેન્ટ્સને કારણે જોબ્સની તકોમાં વૃદ્ધિ જોવા મળશે. દિલ્હી મુખ્યાલય ધરાવતી બોઈંગ ઈન્ડિયા મુંબઈ, હિંદાન, રજાલી અને ન્યૂ દિલ્હી ખાતે ફિલ્ડ સર્વિસની કામગીરી ધરાવે છે. તેમજ તે બેંગલૂરૂ અને ચેન્નાઈ ખાતે બોઈંગ ઈન્ડિયા એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટરની કામગીરીમાં ઝડપી વૃદ્ધિ દર્શાવી રહી છે.
બેંકિંગ લિક્વિડિટી ખાધ ત્રણ-વર્ષથી વધુ સમયની ટોચે
બેંકર્સના મતે RBI તરફથી I-CRRના બીજા તબક્કાનું રૂ. 25K કરોડનું વિતરણ પર્પાપ્ત નથી
ડોલર ઈનફ્લોની શક્યતાંના અભાવે તબક્કાવાર વૃદ્ધિ સાથે લિક્વિડીટી ખાધ વધી રૂ. 3 લાખ ડોલર થવાની સંભાવના
બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટી ખાધ ત્રણ વર્ષથી પણ વધુ સમયની ટોચ પર પહોંચી ગઈ છે. ગયા સોમવારે બેંકિંગ પ્રણાલીમાં રૂ. 1.47 લાખ કરોડની ખાધ જોવા મળી હતી. જે 29 જાન્યુઆરી, 2020 પછીની સૌથી ઊંચી હતી. જે વખતે બેંકિંગ સિસ્ટમ લિક્વિડીટી રૂ. 3 લાખ કરોડથી ઊંચી નોંધાઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બજારમાં રૂ. 1.47 લાખ કરોડ અને મંગળવારે રૂ. 1.46 લાખ કરોડ ઠાલવ્યાં હતાં. જેથી કામકાજ સરળ બન્યાં હતાં. માર્કેટ વર્તુળોના મતે આરબીઆઈ તરફથી ઈન્ક્રિમેન્ટલ-સીઆરઆરના ભાગરૂપે બીજા તબક્કાના રૂ. 25000 કરોડને છૂટાં કરવાથી લિક્વિડીટીમાં કોઈ ખાસ રાહત નહિ મળે. કેમકે બજારની જરૂરિયાત સામે આ રકમ ખૂબ નાની છે. આગામી સમયગાળામાં ટેક્સ આઉટફ્લો અને તહેવારોની સિઝનને કારણે લિક્વિડિટીમાં વધુ સખતાઈ જોવા મળે તેવી શક્યતાં છે અને તે રૂ. 2 લાખ કરોડે પહોંચે તેવી સંભાવના વર્તુળો જોઈ રહ્યાં છે. આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના પ્રાઈમરી ડિલરશીપના ઈવીપીના જણાવ્યા મુજબ તહેવારોની સિઝનને જોતાં સિસ્ટમમાંથી વધુ લિકેજ અને આઉટફ્લો વધશે. જે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટીમાં વૃદ્ધિ કરશે. ઉપરાંત કેટલાંક અન્ય પરિબળો પણ ભૂમિકા ભજવશે. જેમકે, આગામી સમયગાળામાં સિસ્ટિમાં નોંધપાત્ર ડોલર ઈનફ્લોની શક્યતાં નથી અને બીજી બાજુ આરબીઆઈ રૂપિયાને સતત સપોર્ટ કરી રહી છે. ફોરેક્સ બાજુએ કોઈ ખાસ ઈનફ્લોની શક્યતાં નથી અને આરબીઆઈ સિસ્ટમમાં લાંબા સમયગાળા માટેની લિક્વિડીટીના મૂડમાં નથી જોવા મળી રહી. જેને જોતાં તબક્કાવાર લિક્વિડીટીની ખાધ વધીને રૂ. 3 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
નવી સિઝનમાં સુગરના ઉત્પાદનમાં 1.21 ટકા ઘટાડાની શક્યતાં
ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશ(ISO)ના મતે ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવી સિઝનમાં વૈશ્વિક સ્તરે સુગરનું ઉત્પાદન 1.21 ટકાનો ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. જેને જોતાં બજારમાં 21.18 લાખ ટન સુગરની ખાધ જોવા મળી શકે છે. ઓર્ગેનાઈઝેશને 2023-24માં 17.484 કરોડ ટન ખાંડ ઉત્પાદનનો અંદાજ બાંધ્યો છે. જે પૂરી થવા જઈ રહેલી ચાલુ સિઝનમાં 17.702 કરોડ ટન પર હતું. જ્યારે નવા વર્ષે વપરાશ ચાલુ વર્ષના 17.653 કરોડ ટન પરથી વધી 17.969 કરોડ ટન પર રહેવાનો અંદાજ છે. ચાલુ સિઝનમાં સુગરના ઉત્પાદન સામે સપ્લાયમાં 4.93 લાખ ટનની સરપ્લસ જોવા મળી હતી. બ્રાઝિલ ખાતે શેરડીનો વિક્રમી પાક જોવા મળે તેવી શક્યતાં છે. જોકે, ઊંચા ક્રૂડ ભાવને જોતાં નોંધપાત્ર હિસ્સો ઈથેનોલ ઉત્પાદનમાં વપરાય તેમ માનવામાં આવે છે. ભારતમાં શેરડીના પાક માટે આગામી બે મહિના ખૂબ મહત્વના માનવામાં આવે છે. ખરિફમાં શેરડીનું વાવેતર ગઈ સિઝન કરતાં નોંધપાત્ર ઊંચું જોવા મળે છે. જોકે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેટલાંક વિસ્તારોમાં પાકની સ્થિતિ જોઈએ તેટલી સારી જોવા નથી મળી રહી.
ઓગસ્ટમાં દેશમાં ક્રૂડની આયાત 10-મહિનાના તળિયે નોઁધાઈ
રશિયાના ઉત્પાદન કાપ તથા રિફાઈનરી મેન્ટેનન્સ પાછળ આયાતમાં ઘટાડો જોવા મળ્યો
ભારતમાં ઓગસ્ટ દરમિયાન ક્રૂડ આયાત માસિક ધોરણે 4 ટકા ઘટાડા સાથે 1.873 કરોડ ટન પર જોવા મળી હતી. જે દેશમાં છેલ્લાં 10-મહિનાની સૌથી ઓછી ક્રૂડ આયાત હતી. ભારત વિશ્વમાં ક્રૂડનો ત્રીજો સૌથી મોટો આયાતકાર છે. આયાતમાં ઘટાડા પાછળ રશિયા ખાતે ઉત્પાદન કાપ તથા સ્થાનિક રિફાઈનરીઝ તરફથી મેન્ટેનન્સનું હતું.
જોકે, ગયા મહિને વાર્ષિક ધોરણે ક્રૂડ આયાત 6 ટકા ઉછળી 1.764 કરોડ ટન પર નોંધાઈ હતી. પેટ્રોલિયમ પ્લાનીંગ એન્ડ એનાલિસિસ(PPAC)ના મતે દેશમાં ક્રૂડની આયાતમાં ઓગસ્ટમાં સતત ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ રશિયા તરફથી ઉત્પાદનમાં કાપ હતો. રશિયા ખાતેથી ભારતમાં તેનું ઉરલ્સ ક્રૂડ શીપમેન્ટ ચાલુ વર્ષે જાન્યુઆરી પછીનું સૌથી નીચું જોવા મળ્યું હતું. જ્યારે ભારતમાં ક્રૂડની આયાત નવેમ્બર 2022 પછીની સૌથી જળવાઈ હતી. ભારતે ઓક્ટોબર 2022માં 1.812 કરોડ ટન ક્રૂડની આયાત કરી હતી. ઓગસ્ટમાં ક્રૂડની નિકાસ નાણા વર્ષ 2023-24માં તેમજ કેલેન્ડર 2023માં સૌથી નીચી જોવા મળી હતી.
ટ્રેડ વર્તુળોના મતે ઉરલ્સ ગ્રેડમાં સંકડાતાં ડિસ્કાઉન્ટ્સને કારણે ઓગસ્ટમાં આયાત ઘટી હતી. ભારતીય રિફાઈનર્સે ઓગસ્ટમાં મેન્ટેનન્સ પ્લાન કર્યું હોવાના કારણે પણ ઉપાડ નીચો રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં વરસાદી સિઝનને કારણે પણ માગ નીચી જોવા મળી હતી. જોકે, મૂલ્યની રીતે ભારતની માસિક ક્રૂડ આયાત જુલાઈમાં 10.3 અબજ ડોલર પરથી વધી ઓગસ્ટમાં 10.9 અબજ ડોલર પર નોંધાઈ હતી. કેમકે સાઉદી અરેબિયા અને રશિયા ખાતેથી ઉત્પાદન કાપની જાહેરાત પછી ક્રૂડના ભાવમાં ઓગસ્ટમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. જુલાઈમાં સરેરાશ 80.05 ડોલર પ્રતિ બેરલના સરેરાશ ભાવ સામે ઓગસ્ટમાં બ્રેન્ટ ક્રૂડ 86.22 ડોલરની સરેરાશ દર્શાવતું હતું. ઓગસ્ટ 2022માં તેનો સરેરાશ ભાવ 99.99 અબજ ડોલર પર જોવા મળ્યો હતો.
RBI રૂપિયાને સપોર્ટ માટે 30 અબજ ડોલરનું રિઝર્વ્સ ખર્ચી શકે છે
ગુરુવારે ડોલર સામે રૂપિયો 5 પૈસા મજબૂતી સાથે 83.06ની સપાટીએ બંધ રહ્યો હતો
30 અબજ ડોલરનું હૂંડિયામણ ખર્ચ કર્યાં પછી દેશ પાસે 10-મહિનાની આયાત જેટલું ફંડ બચશે
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ડોલર સામે રૂપિયા પર જોવા મળી રહેલા દબાણને જોતાં જર્મન બ્રોકરેજ કંપનીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે રૂપિયાને સપોર્ટ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડયા(આરબીઆઈ) 30 અબજ ડોલર સુધીનું ફોરેક્સ રિઝર્વ્સ ખર્ચી શકે છે. હાલમાં દેશનું વિદેશી હૂંડિયામણ 594 અબજ ડોલર આસપાસ જોવા મળે છે. જે તેની 642 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએથી 48 અબજ ડોલર જેટલું નીચું છે.
રૂપિયાને સપોર્ટ આપવા માટે 30 અબજ ડોલરનું હૂંડિયામણ ખર્ચ કર્યાં પછી પણ ભારત પાસે તેની 10-મહિનાની આયાતને ફંડ કરી શકાય તેટલું રિઝર્વ્સ બાકી રહેશે એમ ડોઈશે બેંક જણાવે છે. યુએસ ડોલર સામે રૂપિયો હાલમાં તેની સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ગયા મંગળવારે તેણે ડોલર સામે તેનું તળિયું દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછીના બે સત્રોમાં તેણે સુધારો નોંધાવ્યો છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ઈક્વિટી માર્કેટ્સમાં નવેસરથી વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં એફપીઆઈ રૂ. 15 હજાર કરોડથી વધુનું વેચાણ દર્શાવી ચૂક્યાં છે. રૂપિયાના મૂલ્યમાં ઊંચી વોલેટિલિટીને જોતાં આરબીઆઈએ બજારમાં દરમિયાનગીરી કરવી પડી રહી છે. કેલેન્ડર 2022માં ડોલર સામે રૂપિયો લગભગ 10 ટકા જેટલો ગગડ્યો હતો. જોકે, અન્ય ઈમર્જિંગ માર્કેટ્સ કરન્સિઝ સામે તેનો દેખાવ ઘણો સારો જોવા મળ્યો હતો. કેલેન્ડર 2023માં શરૂઆતી છ મહિનામાં રૂપિયો પ્રમાણમાં સ્થિર જળવાયો હતો. જોકે, ઓગસ્ટ મહિનાથી તે નરમાઈ દર્શાવી રહ્યો છે. જેની પાછળ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં જોવા મળતી મજબૂતી છે. યુએસ ફેડનું હોકિશ વલણ સતત ચાલુ રહેવાથી ડોલર ઈન્ડેક્સ 105ની સપાટી પર મજબૂત જોવા મળી રહ્યો છે. જેની પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણ પર દબાણ ઊભું થયું છે. ગુરુવારે, જોકે, ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધરી 83.06ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે તે 20 પૈસા જેટલો સુધર્યો હતો.
બ્રોકરેજના મતે સપ્ટેમ્બર માટે હેડલાઈન ઈન્ફ્લેશન તીવ્ર ઘટાડો દર્શાવવા સાથે 5 ટકા પર જોવા મળે તેવી શક્યતાં છે. જેને કારણે રૂપિયાને રાહત મળી શકે છે. ઓગસ્ટમાં તે 6.8 ટકા પર જોવા મળ્યું હતું. શાકભાજીના ભાવોમાં ઘટાડા પાછળ રિટેલ ઈન્ફ્લેશન ઝડપી ઘટાડો દર્શાવે તેમ મનાય છે. જોકે, બીજી બાજુ વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં નોઁધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અને બ્રેન્ટ ક્રૂડ વાયદો 95 ડોલરની 10-મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ચાલુ વર્ષે વિધાનસભાઓની તથા આગામી વર્ષે સામાન્યસભાની ચૂંટણીઓને જોતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વૃદ્ધિની શક્યતાં નહિ હોવાનું બ્રોકરેજ માને છે. તેના મતે સરકારે ડોમેસ્ટીક કૂકીંગ ગેસના ભાવમાં તાજેતરમાં કરેલા રૂ. 200ના ઘટાડાને કારણે પણ સીપીઆઈમાં 0.25 ટકા ઘટાડો જોવા મળી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એસજેવીએનઃ સરકારી જળવિદ્યુત ઉત્પાદક કંપનીની ઓફર-ફોર-સેલની ગુરુવારે શરૂઆત થઈ હતી. જેની પાછળ કંપનીનો શેર 9 ટકા જેટલો ગગડ્યો હતો. બે દિવસ ચાલનારા ઓએફએસમાં સરકાર 19.33 કરોડ શેર્સનું વેચાણ કરશે. જે કંપનીનો 4.92 ટકા હિસ્સો સૂચવે છે. સરકાર પ્રતિ શેર રૂ. 69ના ભાવે શેર્સ વેચશે. જે બજારભાવથી ડિસ્કાઉન્ટ સૂચવે છે.
તાતા પાવરઃ કંપનીની સબસિડિયરી તાતા પાવર રિન્યૂએબલ એનર્જીએ નેપાળના માર્કેટમાં પ્રવેશ કર્યો છે. તેણે સ્થાનિક કંપની ડુગર પાવર સાથે જોડાણમાં નેપાળના ઝડપથી વિકસી રહેલા રિન્યૂએબલ એનર્જી માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ડુગર જૂથની સબસિડિયરી ડુગર પાવર પ્રાઈવેટ લિમિટેડ નેપાળમાં પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ છે. જેની સાથે કંપની સોલાર ટેક્નોલોજિસ સ્થાપિત કરશે.
શ્નેઈડર ઈલેક્ટ્રીકઃ કંપનીએ ભારતમાં 2026 સુધીમાં રૂ. 3200 કરોડના મૂડી ખર્ચની જાહેરાત કરી છે. આ રોકાણ દેશના નવ રાજ્યોમાં કરવામાં આવશે. કંપની આ રોકાણ મારફતે 12 લાખ ચોરસ ફીટ સ્પેસમાં ઉમેરો કરશે. આ રોકાણ ગુજરાત, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કરાશે.
વિપ્રોઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરના પદેથી જતીન પ્રવિણચંદ્ર દલાલે રાજીનામું આપ્યું હોવાનું કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું. તેમનું સ્થાન અપર્ણા ઐયરે સંભાળી લીધું હોવાનું પણ તેણે જણાવ્યું હતું. તેઓ સીઈઓ થિએરી ડેલાપોર્ટને રિપોર્ટ કરશે અને વિપ્રોના એક્ઝિક્યૂટીવ બોર્ડમાં જોડાશે.
ગો ફર્સ્ટઃ સ્વૈચ્છિક નાદારી જાહેર કરનાર એરલાઈન કંપનીના લેન્ડર્સે કંપનીની ખરીદી માટે EOI રજૂ કરવા માટેની સમયમર્યાદાને લંબાવી 28 સપ્ટેમ્બરની કરી છે. સંભવિત રેઝોલ્યુશન એપ્લિકેન્ટ્સના નામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. બીજીવાર લેન્ડર્સે ઈઓઆઈ માટે ડેડલાઈનને લંબાવી છે. શરુઆતમાં તે માટે 9 ઓગસ્ટની ડેડલાઈન નિર્ધારિત થઈ હતી. જેને લંબાવી 8 સપ્ટેમ્બર કરાઈ હતી.
અશોક બિલ્ડકોનઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી બોર્ડ પાસેથી રૂ. 646 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ યવતમાલ, નાસિક, ઉરબાન, લાતુર અને ઓસ્માનાબાદ સર્કલ્સ માટે આ ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર ઈલેક્ટ્રીસિટી ડીસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાક્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે મેળવવામાં આવ્યો છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.