બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મંદીવાળાઓના વળતા પ્રહારથી માર્કેટમાં ચાર મહિનાનો સૌથી મોટો ઘટાડો
ઈન્ફોસિસે રેવન્યૂ ગાઈડન્સ ઘટાડતાં વેચવાલી ફરી વળી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 11.48ની સપાટીએ
નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 4 ટકા ગગડ્યો
ઈન્ફોસિસમાં 8 ટકાનું ગાબડું
તાન્લા પ્લેટફોર્મ્સ, ઈન્ડિયામાર્ટ, રાઈટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ નવી ટોચે
અતુલ નવું લો બનાવી પરત ફર્યો
શેરબજારમાં કેટલાંક સત્રોથી સતત ટોચ બનવાના ક્રમ પર શુક્રવારે બ્રેક લાગી હતી અને બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્ચ મહિના પછીનો સૌથી મોટો હતો. બીએસઈ સેન્સેક્સ 887.64 પોઈન્ટ્સ પટકાઈ 66684.26ની સપાટીએ જ્યારે નિફ્ટી 234.15 પોઈન્ટ્સ ગગડી 19,745.00 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 38 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 12 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ એટલી ખરાબ નહોતી. બીએસઈ ખાતે કુલ 3514 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1772 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1615 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 196 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.6 ટકા ગગડી 11.48ની સપાટીએ બંધ રહ્યો હતો.
સપ્તાહના શરૂઆતી ચાર સત્રોમાં નવી ટોચ દર્શાવતો રહેલો સેન્સેક્સ શુક્રવારે આખરી સત્રમાં કડડભૂસ થયો હતો. બેન્ચમાર્ક નિફ્ટી તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં પછી ક્યારેય પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયો નહોતો અને બંધ થવા સુધી ઘટતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 19700નું બોટમ બનાવ્યું હતું અને તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 62 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19806.55ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 18 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ્સની સરખામણીમાં 80 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં નીચા મથાળે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જોકે, બજારમાં ઊંચા વોલ્યુમ પાછળ વેચવાલી જોતાં એક વાત નક્કી છે કે માર્કેટ ટોપઆઉટ થઈ રહ્યું છે. આગામી સપ્તાહે નિફ્ટી ફરી નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, તે કેટલે સુધી ઉપર જઈ શકે છે તે જોવાનું રહેશે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવાનું સૂચન કરે છે. જો આ સપાટી તૂટશે તો બેન્ચમાર્ક 19300 સુધીનો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં લાર્સન, ઓએનજીસી, એનટીપીસી, એસબીઆઈ, બીપીસીએલ, કોટક મહિન્દ્રા, તાતા મોટર્સ, ડિવિઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, એપોલો હોસ્પિટલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ફોસિસ 8.1 ટકા સાથે ઊંધે માથે પટકાયો હતો. આ ઉપરાંત, ટેક મહિન્દ્રા, એચયૂએલ, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, તાતા કન્ઝ્યૂમર, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમ અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી શેર્સમાં ભારે વેચવાલી પાછળ નિફ્ટી આઈટી 4 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા, કોફોર્જ, એચસીએલ ટેક, વિપ્રો, ટીસીએસ મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી પણ એક ટકા ગગડ્યો હતો. જેમાં એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, પીએન્ડજી, વરુણ બેવરેજિસ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ગોદરેજ કન્ઝ્યૂમર મુખ્ય હતાં. નિફ્ટી મેટલ, નિફ્ટી એનર્જી, નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી ફાર્મા પણ નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડિયામાર્ટ 9 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, અતુલ, એમ્ફેસિસ, વોડાફોન આઈડિયા, લાર્સન, પીવીઆર આઈનોક્સ, અશોક લેલેન્ડ, બંધન બેંક, શ્રીરામ ફાઈનાન્સ, સન ટીવી નેટવર્ક, ઓએનજીસી, મણ્ણાપુરમ ફાઈનાન્સ, પિરામલ એન્ટરપ્રાઈઝ, એસ્ટ્રોલમાં નોઁધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, દાલમિયા ભારત, ટેક મહિન્દ્રા, કોફોર્જ, એચયૂએલ, એચસીએલ ટેક, મેટ્રોપોલીસ, વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. કેટલાંક વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં તાન્લા પ્લેટફોર્મ્સ, ઈન્ડિયામાર્ટ, રાઈટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ઝેનસાર ટેક, સુઝલોન એનર્જી, એન્જિનીયર્સ ઈન્ડિયા, લાર્સન, કેઈસી ઈન્ટરનેશનલ, શ્રીરામ ફાઈનાન્સ, મેડપ્લસ હેલ્થ, મઝગાંવ ડોક, નાટ્કો ફાર્મા અને ઓએનજીસીનો સમાવેશ થતો હતો.
કોર્પોરેટ રાઉન્ડ અપ
અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. 1690 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
દેશમાં ટોચની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટે જૂન ક્વાર્ટર માટે રૂ. 1690 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1582 કરોડની સરખામણીમાં 7 ટકા ઊંચો છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17,737.1 કરોડની આવક નોંધાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 15,163 કરોડની આવક દર્શાવી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 1.2 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીની આવકમાં ત્રિમાસિક ધોરણે જોકે ઘટાડો નોંધાયો હતો અને માર્ચ ક્વાર્ટરમાં રૂ. 18,662 કરોડની સરખામણીમાં તે 4.95 ટકા ઘટાડો સૂચવતી હતી. કંપનીના એબિટા માર્જિન 320 બેસીસ પોઈન્ટ્સ ઘટાડા સાથે 17.2 ટકા પર જોવા મળ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં 20.4 ટકા પર રહ્યાં હતાં. કંપની માટે મુખ્ય આવકનું સ્રોત એવા ગ્રે સિમેન્ટના મળતરમાં ઘટાડો નોંધાયો હતો.
જૂન ક્વાર્ટરમાં દર 60 મિનિટે 30 કારનું વેચાણ
ભારતમાં સેકંડ હેન્ડ કાર્સના વેચાણમાં પ્રવૃત્ત ટેક્નોલોજી કંપની CARS24ના ત્રિમાસિક રિપોર્ટ મુજબ દેશમાં જૂન ક્વાર્ટરમાં દર 60 મિનિટે 30 કાર્સનું વેચાણ નોંધાયું હતું. જે 2022ના સમાનગાળાની સરખામણીમાં 87 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિપોર્ટ મુજબ જૂન ક્વાર્ટરમાં લોકોએ રૂ. 1800 કરોડના મૂલ્યની કાર્સનું વેચાણ કર્યું હતું. રિપોર્ટ મુજબ સેકંડ હેન્ડ કાર માર્કેટમાં હેચબેક કાર્સ 62 ટકા વેચાણ સાથે પ્રભુત્વ ધરાવે છે. જ્યારે સેડાને પુનરાગમન કર્યું છે. જૂન ક્વાર્ટરમાં સેકંડ હેન્ડ કારની શોધ માટે લગભગ 2 લાખ ટેસ્ટ ડ્રાઈવ બુક કરવામાં આવ્યાં હતાં. CARS24 પર યુઝ્ડ કાર્સનું ટોચનું વેચાણ ધરાવતાં મોડેલ્સમાં સ્વિફ્ટ, વેગનઆર અને બલેનો ટોચ પર હતાં. કંપનીએ તેના કાર ફાઈનાન્સિંગમાં 100 ટકા વૃદ્ધિ દર્શાવવા સાથે રૂ. 2000 કરોડનું વિતરણ કર્યું હતું.
અશોક લેલેન્ડનો નેટ પ્રોફિટ 747 ટકા ઉછળ્યો
કમર્સિયલ વેહીકલ્સ ઉત્પાદક અશોક લેલેન્ડે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 747 ટકા વૃદ્ધિ સાથે રૂ. 576 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 68.05 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 7222.85 કરોડ પર રહી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 13.4 ટકા વધી રૂ. 8189.29 કરોડ પર નોંધાઈ હતી. કંપનીની અન્ય આવક ગયા વર્ષના રૂ. 26 કરોડ પરથી ઉછળી રૂ. 51 કરોડ જોવા મળી હતી. જ્યારે કંપનીની કુલ આવક રૂ. 7248.49 કરોડથી વધી રૂ. 8240.47 કરોડ રહી હતી. કંપનીના એક્ઝિક્યૂટીવ ચેરમેનના જણાવ્યા મુજબ કંપનીના સારા દેખાવ પાછળ ખર્ચ પર અંકુશ સાથે ઊંચી વેચાણ વૃદ્ધિ જવાબદાર હતી. કંપનીએ જૂન ક્વાર્ટરમાં તેના બજાર હિસ્સામાં વધારો અનુભવ્યો હતો.
રિલાયન્સ જીઓનો નફો 12 ટકા વધી રૂ. 4863 કરોડ જોવાયો
કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 23,394 કરોડ સામે 2.76 ટકા વધી રૂ. 24,042 કરોડ રહી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલિકોમ ડિવિઝન જીઓ ઈન્ફોકોમે જૂન ક્વાર્ટર માટે રૂ. 4863 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 12.17 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે ત્રિમાસિક ધોરણે તે 3.11 ટકા ઊંચો હતો. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 24,042 કરોડની આવક નોંધાવી હતી. જે વાર્ષિક ધોરણે 9.91 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 2.76 ટકા ઊંચી હતી. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 23,394 કરોડની આવક દર્શાવી હતી એમ શુક્રવારે પરિણામોની જાહેરાત વખતે જણાવ્યું હતું.
કંપનીનો એબિટા રૂ. 12,278 કરોડ પર રહ્યો હતો. જે ત્રિમાસિક ધોરણે 0.55 ટકાની સાધારણ વૃદ્ધિ દર્શાવતો હતો. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 12,210 કરોડનો એબિટા નોંધાવ્યો હતો. કંપનીના એબિટા માર્જિન જૂન ક્વાર્ટરમાં 52.3 ટકા પર જોવા મળ્યાં હતાં. કંપનીનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો 0.21 ગણો રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 0.16 ગણો હતો. ઓપરેટિંગ માર્જિન 26.2 ટકા પર જોવા મળ્યાં હતાં. જ્યારે નેટ પ્રોફિટ માર્જિન 30 બેસીસ પોઈન્ટ્સ ઉછળી 17.2 ટકા પર રહ્યાં હતાં.
LICએ જૂન ક્વાર્ટરમાં 25 કંપનીઓમાં ઈક્વિટી હિસ્સો વધાર્યો
જીવન વીમા કંપનીએ તાતા કેમિકલ્સમાં હિસ્સાને 4.13 ટકા પરથી વધારી 7.14 ટકા કર્યો
દેશના શેરબજારમાં સૌથી મોટા સંસ્થાકિય રોકાણકાર એવા લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)એ ઓછીમાં ઓછી 25 કંપનીઓમાં જૂન ક્વાર્ટરમાં રોકાણ વધાર્યું છે. આ કંપનીઓ કેમિકલ્સ, બેંક્સ, મેટલ્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી સહિતના સેક્ટર્સમાં સક્રિય છે. એ વાત ઉલ્લેખનીય છે કે જૂન ક્વાર્ટરમાં બીએસઈ સેન્સેક્સમાં 14 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે મીડ-કેપ અને સ્મોલ-કેપ અનુક્રમે 20 ટકા અને 21 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
પ્રાપ્ય ડેટા મુજબ એલઆઈસીએ તાતા જૂથની કંપની તાતા કેમિકલ્સમાં ત્રિમાસિક ધોરણે હિસ્સામાં સૌથી વધુ વૃદ્ધિ કરી છે. માર્ચ 2023 ક્વાર્ટરની આખરમાં કંપનીમાં તેનો હિસ્સો 4.13 ટકાથી વધી જૂન ક્વાર્ટરની આખરમાં 7.14 ટકા પર રહ્યો હતો. તે જ રીતે ઈન્ડિયન એનર્જી એક્સચેન્જમાં એલઆઈસીનો હિસ્સો જૂન ક્વાર્ટરની આખરમાં 4.04 ટકા પર જોવા મળ્યો હતો. જે માર્ચ ક્વાર્ટરની આખરમાં 2.4 ટકા પર હતો.
આ ઉપરાંત એલઆઈસીએ ગુજરાત ગેસ, અતુલ લિ., ટેક મહિન્દ્રા, સિપ્લા અને એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિઝમાં પણ તેનો હિસ્સો વધાર્યો છે. જેમકે ગુજરાત ગેસમાં કંપનીનો હિસ્સો ત્રિમાસિક ધોરણે 1.67 ટકાથી વધુ 3.22 ટકા પર જોવા મળ્યો હતો. કેમિકલ કંપની અતુલમાં કંપનીનો હિસ્સો 2.32 ટકા પરથી વધી 3.76 ટકા પર રહ્યો હતો. ટેક મહિન્દ્રામાં હિસ્સો 8.07 ટકાથી વધુ 9.47 ટકા અને સિપ્લામાં 2.15 ટકા પરથી હિસ્સો વધી 3.47 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિઝમાં હિસ્સો 4.53 ટકાથી વધી 5.7 ટકા પર નોંધાયો હતો. દેશમાં સૌથી મોટા જીવન વીમા ખેલાડીએ એસઆરએફ અને ડીસીબી બેંકમાં પણ અનુક્રમે 1.13 ટકા અને 1.09 ટકા હિસ્સો દર્શાવ્યો હતો. 31 માર્ચ, 2023ની આખરમાં આ બંને કંપનીઓમાં એલઆઈસી મોટા શેરધારકોમાં નામ નહોતી ધરાવતી. આમ એલઆઈસીએ કેમિકલ્સ અને આઈટી સેક્ટર્સમાં તેનું રોકાણ વધારેલું જોવા મળી રહ્યું છે. આઈટી કંપનીઓમાં જીવન વીમા કંપનીએ ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કોફોર્જ અને એમ્ફેસિસમાં પણ અધિક હિસ્સો ખરીદ્યો હતો. બીજી બાજુ તેણે પીએસયૂ કંપની નેશનલ એલ્યુમિનિયમમાં પણ હિસ્સો વધાર્યો હતો. જ્યારે એક અન્ય મેટલ કંપની હિંદુસ્તાન ઝીંકમાં પણ તેનો હિસ્સો વધ્યો હતો. કેટલીક અન્ય કંપનીઓ જેમાં એલઆઈસીનો હિસ્સો વધ્યો હતો, તેમાં તાતા પાવર, ગેઈલ, આઈઆરસીટીસી, લ્યુપિન, મેરિકો, એચપીસીએલ, યૂપીએલ, બર્ગર પેઈન્ટ્સ, દિપક નાઈટ્રેટ, ભારત ડાયનેમિક્સ, બેંક ઓફ મહારાષ્ટ્ર અને તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
ગો ફર્સ્ટને કામગીરી ફરી શરૂ કરવા DGCAની મંજૂરી
રેગ્યુલેટરની શરત મુજબ વચગાળા માટે જરૂરી ફંડીંગની પ્રાપ્તિ પછી જ કામગીરી શરૂ કરી શકાશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ ઋણ બોજથી લદાયેલી ગો ફર્સ્ટને કેટલીક શરતો સાથે ઉડાન કામગીરી ફરી શરૂ કરવા માટે શુક્રવારે મંજૂરી આપી હતી. રેગ્યુલેટરે મૂકેલી શરત મુજબ વચગાળા માટે જરૂરી ફંડીંગની પ્રાપ્તિ પછી જ કામગીરી શરૂ કરી શકાશે.
એવિએશન રેગ્યુલેટરના જાહેરનામા મુજબ ગો ફર્સ્ટ તેની પાસે ફંડીંગની પ્રાપ્તિ મુજબ તથા ડીજીસીએ તરપથી ફ્લાઈટ શેડ્યૂલ્ડની મંજૂરી પછી શેડ્યૂલ્ડ ફ્લાઈટ ઓપરેશન્સ શરૂ કરી શકે છે વધુમાં ગો ફર્સ્ટને તમામ લાગુ પડતી રેગ્યુલેટરી જરૂરિયાતનો પાલનની ખાતરી માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમજ કામગીરીમાં સક્રિય વિમાનોની યોગ્યતાની ખાતરી આપવા પણ જણાવ્યું છે. તેમને કામગીરીમાં પરત લેતાં અગાઉ તેમની સંતોષકારક તપાસ માટે પણ ડીજીસીએએ કહ્યું છે. અગાઉ 19 જુલાઈએ ગો ફર્સ્ટે એવિએશન રેગ્યુલેટર તરફથી માગવામાં આવેલી વધારાની માહિતી પૂરી પાડી હતી. તેણે એરલાઈન્સની દિલ્હી અને મુંબઈ સુવિધાઓના સ્પેશ્યલ ઓડિટ પછી આ માગણી કરી હતી.
રાધાકૃષ્ણ દામાણીએ રૂ. 750 કરોડમાં હેલ્થ એન્ડ ગ્લો ખરીદી
બિલિયોનર ઈન્વેસ્ટરે રાજન રાહેજા અને હેમેન્દ્ર કોઠારી ફેમિલી ઓફિસિસ પાસેથી બ્યૂટી કંપની ખરીદી
બિલિયોનર રોકાણકાર અને ડી-માર્ટ ચલાવતી એવન્યૂ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીએ બેંગલૂરુ સ્થિત બ્યૂટી અને પર્સનલ કેપ રિટેલર હેલ્થ એન્ડ ગ્લોની રૂ. 700-750 કરોડમાં ખરીદી કરી હોવાનું જાણવા મળે છે. તેમણે રાજન રાહેજા અને હેમેન્દ્ર કોઠારીની ફેમિલી ઓફિસિસ પાસેથી આ ખરીદી કરી છે એમ રિપોર્ટનું કહેવું છે. રાજન રાહેજા એક ઉદ્યોગપતિ છે અને સિમેન્ટ, ટાઈલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટોમોટીવ્સ અને ઈન્શ્યોરન્સ સહિતના સેક્ટર્સમાં બિઝનેસ ધરાવે છે. તેમના કેબલ ટીવી વેન્ચર હાથવેએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને બહુમતી હિસ્સાનું વેચાણ કર્યું હતું. જ્યારે વેટરન ઈન્વેસ્ટમેન્ટ બેંકર હેમેન્દ્ર કોઠારી ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સુકાની છે. તેઓ 15 અબજ ડોલરની એસેટ્સ મેનેજ કરી છે. બ્લેકરોકની સ્થાપનાના 10 વર્ષ પછી તેમણે વોલ સ્ટ્રીટ એસેટ મેનેજર્સનો હિસ્સો પરત ખરીદ્યો હતો. 1995માં તેમણે મેરીલ લીંચ સાથે ભાગીદારી કરી હતી. જોકે, 2005થી 2009 દરમિયાન તબક્કાવાર તેમાંના 57 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું.
ચેન્નાઈ મુખ્યાલય ધરાવતી હેલ્થ એન્ડ ગ્લોની 1997માં સ્થાપના કરવામાં આવી હતી. જે હાલમાં બેંગલૂરુ, મંગલૂરુ, પૂણે, મુંબઈ, કોચીન, કોલકોત્તા, ભોપાલ, ભૂવનેશ્વર અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 175 સ્ટોર્સ ચલાવે છે. 2022-23માં કંપનીએ રૂ. 370 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે તેનું એબિટા માર્જિન 15 ટકા જોવા મળતું હતું. અગાઉ કંપનીનું મેનેજમેન્ટ જણાવી ચૂક્યું છે કે તેઓ કંપનીને દેશવ્યાપી બ્રાન્ડ બનાવવા ઈચ્છે છે. જોકે, આમ કરવું એક પડકાર બની રહ્યું છે. તેઓ પર્સનાલાઈઝેશન અ ઓમ્નીચેનલ નેટવર્ક ઊભું કરવા પર ભાર આપી રહ્યાં છે.
એર ઈન્ડિયાની વાઈડ-બોડી ફ્લિટ માર્ચ, 2024 સુધી 30 ટકા વધશે
તાતા જૂથની એરલાઈન કંપની એર ઈન્ડિયાની વાઈડ-બોડી ફ્લિટ(વિમાનોની સંખ્યા) માર્ચ 2024 સુધીમાં 30 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવશે એમ કંપનીના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું. કંપની ચાલુ નાણા વર્ષ દરમિયાન તેના ચાલક દળમાં છ નવા A350 વિમાન, પાંચ લીઝ્ડ B777-200LR વિમાનો અને નવ B777-300ER વિમાનો ઉમેરશે એમ તેમણે ઉમેર્યું હતું. હાલમાં એર ઈન્ડિયા પાસે કુલ 125 વિમાનો છે. જેમાં 51 વાઈડ-બોડી વિમાનો છે. જ્યારે 74 નેરો-બોડી વિમાનો છે. એરલાઈને 2022માં 42 ભાડાના વિમાનો માટે કરાર કર્યાં હતાં. જેની ડિલિવરી જૂન 2024 સુધીમાં મળવાની અપેક્ષા છે એમ કેમ્પબેલે કહ્યું હતું.
લાર્સને રૂ. 7K કરોડનો મુંબઈ-અમદાવાદ રેઈલ પ્રોજેક્ટ મેળવ્યો
કંપની મહારાષ્ટ્રના શિલ્ફાટા અને અમદાવાદ વચ્ચેની મેઈન લાઈનનું 92 ટકા કામ કરશે
કન્સ્ટ્રક્શન અગ્રણી લાર્સન એન્ડ ટુબ્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે તેના હેવી સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી રૂ. 7000 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. તેણે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના ભાગરૂપ MAHSR – C3ના 135.45 કિમીના હિસ્સાને બાંધવા માટે આ પ્રોજેક્ટ મેળવ્યો છે.
કંપનીએ જણાવ્યું છે કે આ ઓર્ડરમાં વાયાડક્ટ્સ, સ્ટેશન્સ, નદી પરના મુખ્ય પુલો, ડિપોટ્સ, ટનલ્સ, અર્થ સ્ટ્રક્ચર્સ અને અન્ય સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે. આ પેકેજ સાથે એલએન્ડટી મહારાષ્ટ્રના શિલ્ફાટા અને અમદાવાદ વચ્ચેની મેઈન લાઈનનું 92 ટકા કામ કરશે. પ્રતિષ્ઠિત MAHSR પ્રોજેક્ટમાં એલએન્ડટીએ મેળવેલું આ બીજું સૌથી મોટું પેકેજ છે એમ કંપનીના ડિરેક્ટર એસ વી દેસાઈએ જણાવ્યું હતું. સ્ટેટ-ઓફ-ધ-આર્ટ કન્સ્ટ્રક્શન પધ્ધતિઓ અને વ્યાપક ડિજિટલ ટેક્નોલોજિસ અપનાવી અમે આ પ્રોજેક્ટને સમાપ્ત કરીશું. હાલમાં કંપની MAHSR પ્રોજેક્ટના અન્ય પેકેજિસમાં કામ કરી રહી છે તેનો અનુભવ પણ ઉપયોગમાં લેશે. એલએન્ડટીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ તેના વ્યૂહાત્મ ગોલ્સની દિશામાં છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં 155.76 કિલોમીટર્સ, દાદરા અને નગર હવેલીમાં 4.3 કિલોમીટર અને ગુજરાતમાં 348.04 કિલોમીટર અંતરને આવરી લે છે. આ રુટ પર ટ્રેન 12 સ્ટેશન્સ ધરાવતી હશે.
ગરીબોની બાજરીનો હવે મિશલીન-સ્ટાર્ડ હોટેલ્સના મેનુમાં પ્રવેશ
યુએન તરફથી 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવાના નિર્ણયે સહુનું ધ્યાન બાજરી તરફ ખેંચ્યું
મનુષ્ય સમાજને લગભગ 8 હજાર વર્ષોથી પોષતી બાજરીએ હમણા સુધી કોઈ વિશેષ ધ્યાન નહોતુ ખેંચ્યું. જોકે, તાજેતરમાં પૌષ્ટીક તત્વોથી ભરપૂર અનાજની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી રહી છે. જૂનમાં વ્હાઈટ હાઉસ ખાતે ડિનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભોજનની શરૂઆતમાં સલાડ તરીકે ગ્રીલ્ડ કોર્ન સાથે બાજરી પીરસવામાં આવી હતી.
વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવેલી પબ્લિક રિલેશન્સ કવાયતે ચાલુ વર્ષે બાજરી તરફ સહુનું ધ્યાન દોર્યું છે. યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનીઝેશને કેલેન્ડર 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કર્યું છે. જેને કારણે એક બાજરીની હાજરી દરેક ઠેકાણે જોવા મળી રહી છે. જેમાં ભારત સ્થિત હોટેલ્સ, રેસ્ટોરન્સ્ટસથી લઈ દેશની સંસદની કેન્ટીનનો સમાવેશ પણ થાય છે. વડાપ્રધાન મોદી ઘરઆંગણે તથા વિદેશમાં બાજરીને પ્રમોટ કરી રહ્યાં છે. ભારતીય ભોજનને મળી રહેલી વૈશ્વિક માન્યતાએ પણ બાજરીને ટોચની રેસ્ટોરન્ટ્સમાં સ્થાન અપાવ્યું છે. દુબઈ સ્થિત રેસ્ટોરન્ટ્સ ‘અવતાર’માં રસોઈયા રાહુલ રાણાએ બાજરીને તેમના મેનુમાં દર્શાવી છે. રેસ્ટોરન્ટ્સને ગયા વર્ષે મિશેલીન સ્ટાર મળ્યો છે. તેઓ જણાવે છે કે શાકાહારી રેસ્ટોરન્ટ્સમાં બાજરી મહત્વનું ઈન્ગ્રેડિઅન્ટ્સ(કાચી સામગ્રી) બની રહી છે અને તેઓ તેને કેટલીક વધુ ડિશોમાં પણ ઉમેરવા માટે વિચારી રહ્યાં છે. બાજરીની વિશેષતા વિશે વાત કરતાં રાણા ઉમેરે છે કે રસોડામાં રાંધતી વખતે સૌથી સુંદર કાચી સામગ્રીમાંની તે એક છે. તે ગ્લૂટેન-મુક્ત હોવા સાથે રેસ્ટોરન્ટ્સને તે વિવિધ પ્રકારના ભોજન ઓફર કરવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે એમ તેમનું કહેવું છે. એક સમયે ગરીબોનું અનાજ ગણાતી બાજરી 1960 પછી વિશ્વમાં કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન પછી ઘટતી જોવા મળી હતી. કેમકે ત્યારપછી સ્ટેપલ ફૂડ તરીકે ઘઉંની સ્વીકૃતિ વધતી જોવા મળી હતી. જોકે બાજરી હવે ધીરે-ધીરે ધ્યાન ખેંચી રહી છે. મોટી બ્રૂઅરીજ જેવીકે ભારત સ્થિત ગ્રેટ સ્ટેટ એલે વર્ક્સ અને કેનેડા સ્થિત ગ્લૂટેનબર્ગ બાજરી બિયરને બનાવવા માટે આધુનિક ટેકનીક્સનો ઉપયોગ કરી રહ્યાં છે. કન્ઝ્યૂમર ગુડ્ઝ કંપનીઓ પણ બાજરી આધારિત નાસ્તાઓની વધતી માગને જોતાં ઈનોવેશન હાથ ધરી રહી છે. એક ટોચની એફએમસીજી કંપનીના એમડીના જણાવ્યા મુજબ બાજરી હાલમાં સ્વીટ સ્પોટમાં જોવા મળે છે. તે સસ્ટેનેબિલિટી, હેલ્થ અને આપણી સંસ્કૃતિ તરફ પરત ફરવાના ત્રિવેણી સંગમ પર જોવા મળી રહી છે. જે બાળકો અને વૃદ્ધો માટે બાજરી આધારિત પ્રોડક્ટ્સની માગ વધવાનું મુખ્ય કારણ છે. આ જાડું ધાન્ય ભારતીય રસોડામાં પરત ફરી રહ્યું છે. કેમકે ગ્રાહકો સ્વસ્થ આહાર વિકલ્પો ઈચ્છી રહ્યાં છે. બાજરી કૃષિ પાકની રીતે પણ મજબૂત છે. તે 50 સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન સહન કરી શકે છે. જ્યારે તેને ઉગાડવામાં ખૂબ ઓછા પાણીની જરૂરિયાત રહે છે. જેમકે એક કિગ્રા ચોખા માટે 4000 લિટર્સ પાણીની જરૂર પડે છે. જ્યારે એક કિગ્રા બાજરી માટે માત્ર 400 લિટર્સ પાણી પર્યાપ્ત છે.
ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં ભાવમાં વધુ મજબૂતીની શક્યતાં
દેશ વૈશ્વિક સ્તરે ચોખાના ટ્રેડમાં 40 ટકા સાથે સૌથી મોટો ભાગીદાર છે
વિશ્વમાં ટોચના નિકાસકાર ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં આગામી સમયગાળામાં કોમોડિટીઝના ભાવમાં વધુ મજબૂતીની શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સાંજે દેશમાંથી સૌથી વધુ નિકાસ થતી ચોખાની કેટેગરી એવા નોન-બાસમતી રાઈસની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જે પાછળનું કારણ સ્થાનિક બજારમાં કોમોડિટીના ભાવને નિયંત્રણમાં જાળવી રાખવાનું છે.
વિશ્વબજારમાં ચોખાની કુલ નિકાસમાં ભારત 40 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જોકે, ગુરુવારે દેશમાંથી નિકાસ પર પ્રતિબંધ પછી વૈશ્વિક પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે. જેની પાછળ ભાવમાં વધુ વૃદ્ધિ સંભવ છે. ચાલુ ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે ચોખાના ભાવ છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યાં છે. દેશમાં ચોખાના વાવેતરમાં લાંબા સમયગાળા પછી ઘટાડો જોવા મળી રહ્યો છે. જેણે સરકાર માટે સામાન્ય ચૂંટણીના વર્ષ અગાઉ ચિંતા ઊભી કરી છે. સિંગાપુર સ્થિત એક આંતરરાષ્ટ્રીય ટ્રેડરના જણાવ્યા મુજબ નિકાસ બજારમાં ચોખાના ભાવ વધુ ઊંચે જશે. તેઓ લઘુત્તમ 50 ડોલર પ્રતિ ટન ભાવ વૃદ્ધિની શક્યતાં જોઈ રહ્યાં છે. જે 100 ડોલર સુધીની વૃદ્ધિ પણ દર્શાવી શકે તેવી શક્યતાં ટ્રેડર વ્યક્ત કરે છે. હાલમાં ભારત સરકારના નિર્ણયને કારણે બજાર કેટલી મજબૂતી દર્શાવે છે તેના પર વેચાણકાર તેમજ ખરીદારની નજર છે. જેને કારણે શુક્રવારે બજારમાં કામકાજ પણ પાઁખા જોવા મળતાં હતાં. સિંગાપુર અને બેંગકોક સ્થિત બે અન્ય ટ્રેડર્સ પણ ચોખાના ભાવમાં વૃદ્ધિની સમાન શક્યતાં ધરાવે છે. નામ નહિ આપવાની શરતે તેમનું કહેવું છે કે શુક્રવારે કોઈપણ ટ્રેડ થયો હોય તેવું અમારા ધ્યાનમાં નથી પરંતુ ભારત સરકારના નિર્ણયને કારણે કોઈને પણ કાર્ગો જોઈતો હોય તો ઊંચા ભાવ આપવા પડે તેમ છે. ચાલુ સપ્તાહમાં વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં 10 ટકાથી વધુની મજબૂતી જોવા મળી છે. જે રશિયા-યૂક્રેન યુધ્ધ પછી છેલ્લાં 16-મહિનાઓમાં જોવા મળેલો સૌથી મોટો ઉછાળો છે. રશિયાએ એક વર્ષ જૂના બ્લેક સી એગ્રીકલ્ચર એક્સપોર્ટ સમજૂતીને સમાપ્ત કરતાં ખાદ્ય પદાર્થોના ભાવ પર અસર પડી છે. ખાસ કરીને જેનું રશિયા અને યુક્રેનમાં મોટાપાયે ઉત્પાદન થાય છે. વિશ્વમાં 3 અબજ લોકો માટે ચોખા એ ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ છે. ચોખાનું 90 ટકા ઉત્પાદન એશિયામાં થાય છે. જેમાં ભારત, થાઈલેન્ડ, વિયેટનામ જેવા દેશો મુખ્ય ઉત્પાદકો છે. ભારત પછી થાઈલેન્ડ વિશ્વમાં ચોખાનો સૌથી મોટો સપ્લાયર છે. જોકે, છેલ્લાં ઘણા મહિનાઓથી તે નિકાસ બજારમાં ઓછી હાજરી દર્શાવી રહ્યો છે. થાઈ રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ચોખાના ભાવ 700-800 ડોલર પ્રતિ ટન સુધી જાય તેવી શક્યતાં એક વર્ગ જોઈ રહ્યો છે. ગુરુવારે મોડી રાતે વિયેટનામના બ્રોકન રાઈસ 515-525 ડોલર પ્રતિ ટનમાં ઓફર થઈ રહ્યાં હતાં. જ્યારે ભારતના બ્રોકન પારબોઈલ્ડ રાઈસ ચાલુ સપ્તાહે 421-428 પ્રતિ ટનની રેંજમાં જોવા મળ્યાં હતાં. થાઈલેન્ડના 5 ટકા બ્રોકન રાઈસ ઉછળીને 545 ડોલર પર પહોંચ્યાં હતાં. જે ફેબ્રુઆરી 2021 પછીની ટોચ હતી.
ગૌતમ અદાણીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
બંનેએ વિન્ડ પાવર પ્રોજેક્ટસ સહિત ગ્રીન પ્રોજેક્ટ્સને લઈને ચર્ચા કરી
કોંગ્લોમેરટ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાતે મુલાકાત કરી હતી અને એવા ઘણા ગ્રીન પ્રોજેક્ટસ પર ચર્ચા કરી હતી જે શ્રીલંકાના ભવિષ્યને વધારે સુંદર બનાવી શકે છે.
માધ્યમોના અહેવાલ મુજબ બંને વચ્ચેની ચર્ચા નાણાકિય સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકા માટે વ્યાપક વિકાસ પર કેન્દ્રિત હતી. જેમાં કોલંબો પોર્ટ વેસ્ત કંટેનર ટર્મિનલના વિતરણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શ્રીલંકાની વેપાર ક્ષમતાઓને વધારવા, આર્થિક વિકાસ માટે નવા માર્ગો ખોલવા અને મજબૂત ક્ષેત્રીય સંબંધોને વધારવા માટે મહત્વપૂર્ણ છે. અદાણી જૂથ શ્રીલંકામાં 44.2 કરોડ ડોલરનો વિંડ પાવર પ્રોજેક્ટ સ્થાપવાનું છે. આ માટે જૂથની અદાણી ગ્રીન એનર્જીને ગયા ફેબ્રુઆરીમાં મંજૂરી મળી હતી. શ્રીલંકાના ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે અદાણી ગ્રીનને શ્રીલંકાના ઉત્તર સ્થિત મન્નાર અને પૂનેરિત ક્ષેત્રોમાં 2 વિંડ પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી હતી. બંને જણાએ અદાણી જૂથના 500 મેગાવોટના વિંડ પ્રોજેક્ટ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. ટાપુ દેશ એવા શ્રીલંકા પાસે રહેલા વિપુલ વિંડ સ્રોતોનો ઉપયોગ કરી ત્યાંના સ્થાનિક એનર્જી સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેમ છે. જેનાથી પર્યાવરણને લાંબાગાળે નોંધપાત્ર લાભ થઈ શકે છે. વિંડ પાવર પ્રોજેક્ટને કારણે શ્રીલંકામાં અદાણી જૂથનું રોકાણ 1 અબજ ડોલરથી વધી જશે. જૂથ અગાઉ એક સ્ટ્રેટેજ પોર્ટ ટર્મિનલ પર 70 કરોડ ડોલરના રોકાણ માટેની પ્રતિબધ્ધતા દર્શાવી ચૂક્યું છે. દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કંટેનર ટર્મિનલ પર અદાણી જૂથે 2021માં કામગીરી શરુ કરી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સઃ આઈટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 228.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 278 કરોડની અપેક્ષા કરતાં નીચો હતો. કંપનીની આવક એનાલિસ્ટ્સની રૂ. 2325 કરોડની અપેક્ષા સામે રૂ. 2321.2 કરોડ પર જોવા મળી હતી. ક્વાર્ટરની આખરમાં કંપનીનું ઓર્ડર બુકીંગ 38.03 કરોડ ડોલર પર રહ્યું હતું.
યુનિયન બેંકઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 3,236.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1,558.5 કરોડ પર હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 8,839.7 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં જોવા મળતી રૂ. 7,581.7 કરોડની આવકની સરખામણીમાં 16.6 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
સાઉથ ઈન્ડિયન બેંકઃ પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 202.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 115 કરોડની સરખામણીમાં 76 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 807.7 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં જોવા મળતી રૂ. 603.4 કરોડની આવકની સરખામણીમાં 34 ટકા ઊંચી હતી.
તાન્લા પ્લેટફોર્મ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 135 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 100.4 કરોડના નફાની સરખામણીમાં 34.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 800 કરોડની સરખામણીમાં 13.9 ટકા વધી રૂ. 911 કરોડ પર જોવા મળી હતી.
યુનાઈટેડ સ્પિરિટ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 385 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 293 કરોડની અપેક્ષા કરતાં ઊંચો હતો. કંપનીની રેવન્યૂ પણ એનાલિસ્ટ્સની રૂ. 2119 કરોડની અપેક્ષા સામે રૂ. 2171.9 કરોડ પર જોવા મળી હતી.
હિમાદ્રી સ્પેશ્યાલિટીઃ હિમાદ્રિ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 88 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 125.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે કંપનીનો એબિટા 54 ટકા વધી રૂ. 131 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની આવક 9.1 ટકા ઘટી રૂ. 951 કરોડ રહી હતી. કંપનીનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો 0.47 ટકા પર જળવાયો હતો. જે મજબૂત નાણાકિય સ્થિતિ સૂચવે છે.
ઈન્ફિનિયમ ફાર્માકેમઃ ઈન્ફિનિયમ ફાર્માકેમનું બોર્ડ 2 ઓગસ્ટે બોનસ ઇશ્યૂને લઈ વિચારણા માટે મળશે. ઈન્ટરમિડિએટ્સ, એપીઆઈ અને આયોડિન ડેરિવેટીવ્સ ઉત્પાદક કંપની એજીએમની ડેટ પણ નિર્ધારિત કરશે. કંપનીએ 2022-23માં રૂ. 9.49 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જે અગાઉના વર્ષના રૂ. 6.1 કરોડના પ્રોફિટની સરખામણીમાં 55.4 ટકા ઊંચો હતો. આવક 15 ટકા વધી રૂ. 114 કરોડ રહી હતી.
ઈન્ડિયા માર્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 83.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 46.69 કરોડના નફાની સરખામણીમાં 78 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીની રેવન્યૂ પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 224.5 કરોડની આવકની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 282.1 કરોડ પર જોવા મળી હતી.
યુડીઝ સોલ્યુશન્સઃ બ્લોકચેઈન, એઆઈ અને ગેમીંગ ફોકસ્ડ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ ટેકનોલોજી કંપની આઈપીઓ અગાઉ તેના ઓફરિંગ્સને મજબૂત બનાવવા ભારત ઉપરાંત યુએસ, યુરોપ અને કેનેડામાં રૂ. 12.31 કરોડના ખર્ચે એનિમેશન, વીએફએક્સ અને 3ડી મોડલીંગ ક્ષેત્રની કંપનીઓના એક્વિઝીશન્સ કરવા જઈ રહી છે.
વાયપેઃ નિયોબેંક એવી Ypayએ દેશમાં અત્યાર સુધી 47 હજાર સ્ટુડન્ટ્સને ફાઈનાન્સિયલ લિટરસી પૂરી પાડી છે. આગામી દિવસોમાં તે વડોદરા રિજનમાં 8,000 વિદ્યાર્થીઓને નાણાકીય સાક્ષરતા પૂરી પાડશે. જેમાં અર્નિંગ્સ, સેવિંગ્ઝ, સ્પેન્ડિંગ જેવી બાબતો મુખ્ય છે.
દાલમિયા ભારતઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 144 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 205 કરોડના નફાની સરખામણીમાં 30 ટકા ઘટાડો દર્શાવતો હતો. કંપનીની રેવન્યૂ પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3302 કરોડની આવકની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3624 કરોડ પર જોવા મળી હતી.
હિંદુસ્તાન એરોનોટીક્સઃ પીએસયૂ સેક્ટરની વિમાન ઉત્પાદકે આર્જેન્ટીના સાથે આર્જેન્ટીનાના સૈન્યના ઉપયોગ માટે લાઈટ અને મિડિયમ યુનિલિટી હેલિકોપ્ટર્સ માટે પ્રોડક્ટિવ ઓપરેશન અને એક્વિઝીશન માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર સાઈન કર્યું છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર ડેટ સિક્યૂરિટીઝની ફાળવણી કરી રૂ. 20000 કરોડનું ફંડ્સ ઊભું કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.