હરિફોની અવગણના કરી ભારતીય શેરબજારની આગેકૂચ જારી
સેન્સેક્સે ડિસે. 2022ની 63583ની ટોચ પાર કરી 63588ની ઓલ-ટાઈમ હાઈ બનાવી
નિફ્ટી ઓલ-ટાઈમ હાઈથી 12 પોઈન્ટ્સનું છેટું રાખી પરત ફર્યો
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સાથે 11.29ના સ્તરે
એનર્જી, ફાઈનાન્સિયલ્સમાં ખરીદી
મેટલ, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ
શ્રીરામ ફાઈનાન્સ, ઝેનસાર ટેક, લ્યુપિન, લિંડે ઈન્ડિયા નવી ટોચે
વૈશ્વિક બજારોમાં સપ્તાહના સતત ત્રીજા દિવસે નરમાઈ વચ્ચે ભારતીય બજારે આગેકૂચ જાળવી રાખી હતી. બીએસઈ સેન્સેક્સે તો લગભગ સાત મહિના અગાઉની તેની સર્વોચ્ચ ટોચને પાર કરી નવું ઓલ-ટાઈમ હાઈ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક 63588.31ની ટોચ બનાવી 195 પોઈન્ટ્સ સુધારા સાથે 63,523.15ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, નિફ્ટી તેની 18887.60ની અગાઉની ટોચથી 12 પોઈન્ટ્સ છેટે 18875.90 પર ટ્રેડ થઈ 40 પોઈન્ટ્સ સુધારા સાથે 18856.85ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટમાં ખાસ ખરીદી-વેચાણના અભાવે બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3641 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1760 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1756 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 244 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 125 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
બુધવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ રહી હતી. બેન્ચમાર્ક 18817ના અગાઉના બંધ સામે 18849 પર ખૂલી 18876ની ટોચ બનાવી ઈન્ટ્રા-ડે નીચે પટકાયો હતો અને 18795ની સપાટીએ પર ટ્રેડ દર્શાવવા સાથે રેડિશ જોવા મળ્યો હતો. જ્યાંથી પરત ફર્યો હતો. જોકે નવી ટોચ નહોતો બનાવી શક્યો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 44 પોઈન્ટ્સ પ્રિમીયમે 19000ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ અગાઉના સત્રમાં 60 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે ઉંચા મથાળે માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશનનો સંકેત છે. જેનો અર્થ એવો છે કે બેન્ચમાર્ક નવી ટોચ તરફ આગળ વધી શકે છે પરંતુ જાણકારોનું પ્રોફિટ બુકિંગ ચાલુ છે. જે નવી ખરીદી માટે સાવચેતીનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જુલાઈ સુધીમાં જ નિફ્ટીમાં 19000ની સપાટી જોઈ રહ્યાં છે. જે શક્ય છે. જો વૈશ્વિક બજારો સપોર્ટ આપશે તો નિફ્ટી ચાલુ સપ્તાહે જ આમ કરી શકે છે. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, એચડીએફસી બેંક, એચડીએફસી, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ટીસીએસ, હીરો મોટોકોર્પ, વિપ્રો, કોલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમ, ડિવિઝ લેબ્સ, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, એપોલો હોસ્પિટલ, બજાજ ફાઈનાન્સ નરમાઈ દર્શાવતાં હતાં. સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો એનર્જી, ફાઈનાન્સિયલ્સમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફિન સર્વિસિઝ 0.7 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં પિરામલ એન્ટરપ્રાઈઝ 13 ટકા જ્યારે શ્રીરામ ફાઈનાન્સ 11 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત મૂથૂત ફાઈ., આરઈસી, પાવર ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એચડીએફસીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.85 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, અદાણી ગ્રીન એનર્જી, એચપીસીએલમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1 ટકા ડાઉન હતો. એફએમસીજી અને રિઅલ્ટી ઈન્ડેક્સ પણ નેગેટિવ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો પિરામલ એન્ટરપ્રાઈઝિસ 13.3 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત શ્રીરામ ફાઈનાન્સ, લ્યુપિન, મેક્સ ફાઈનાન્સિયલ, વોડાફોન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, મધરસન સુમી, ઈન્ડિયા સિમેન્ટ્સ, એલઆઈસી હાઉસિંગ ફાઈ., પાવર ગ્રીડ, આઈજીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પોલીકેબ, એચડીએફસી એએમસી, આઈડીએફસી, એયૂ સ્મોલ ફાઈનાન્સ, ક્યુમિન્સ, બંધન બેંક, અશોક લેલેન્ડ, બીઈએલ, હિંદાલ્કો અને આઈઈએક્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં શ્રીરામ ફાઈનાન્સ, ઝેનસાર ટેક, લ્યુપિન, લિંડે ઈન્ડિયા, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઈન્ગરસોલ રેંડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ, મૂથૂત ફાઈ., બિરલા કોર્પ, મેટ્રો બ્રાન્ડ્સ, પુનાવાલા ફિનકોર્પનો સમાવેશ થતો હતો.
NSE 2021ની ટ્રેડિંગ ખામી કેસના સેટલમેન્ટ પેટે રૂ. 72.6 કરોડ ચૂકવશે
દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ તથા તેની પાંખ એનએસઈ ક્લિઅરિંગ(એનસીએલ)એ ફેબ્રુઆરી 2021માં એક્સચેન્જના પ્લેટફોર્મ પર ટેકનીકલ ખામીને કારણે ઊભી થયેલી રૂકાવટ પેટે રૂ. 72.6 કરોડની ચૂકવણી માટે સહમતિ દર્શાવી છે. ટેકનીકલ ખામીને કારણે એક્સચેન્જ ખાતે લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી ટ્રેડિંગ કામગીરી ખોરવાઈ હતી અને ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સે નોંધપાત્ર નુકસાનીનો સામનો કરવાનું બન્યું હતું.
એગ્રીમેન્ટના ભાગરૂપે એનએસઈ અને એનસીએલ તેમના અને તેમના કર્મચારીઓ પેટે અનુક્રમે રૂ. 49.77 કરોડ અને રૂ. 22.88 કરોડની રકમ ચૂકવશે. 24 ફેબ્રુઆરી 2021ના રોજ એનએસઈએ સવારે 11-40થી 3-45 સુધી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ તરફથી સર્વિસમાં ખામીને કારણે ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું. માર્કેટમાં આ પ્રકારના અસાધારણ શટડાઉનને કારણે એક પ્રકારનું પેનિક ઊભું થયું હતું. જેણે ટ્રેડર્સને માટે મોટી ચિંતા ઊભી કરી હતી. એક્સચેન્જે 3-45 વાગે 15-મિનિટ માટે પ્રિ-ઓપન સત્ર શરૂ કરી કામગીરી ફરી શરૂ કરી હતી. તે દિવસે તમામ એક્સચેન્જિસે 5 વાગ્યા સુધી કામકાજ લંબાવ્યું હતું. માર્કેટ રેગ્યુલેટરે આ ઘટનાની તપાસ આદરી હતી અને એક્સચેન્જ અને તેના કર્મચારીઓને કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.
સેટલમેન્ટના ભાગરૂપે એનએસઈ, એનસીએલ અને ત્રણ અધિકારીઓએ સેબીને ઓગસ્ટ 2021થી સપ્ટેમ્બર 2021 વચ્ચે અરજીઓ કરી હતી. એનએસઈએ સેબીના તેના પ્રતિભાવમાં ટેકનિકલ ખામીનું કારણ દર્શાવ્યું હતું.
સાઈબરસિક્યૂરિટી સ્કિલની ઊંચી તંગીનો સામનો કરી રહેલું ભારત
વિશ્વમાં એક્ટિવ નેટ વપરાશમાં બીજો ક્રમ ધરાવતાં દેશમાં માત્ર 6 ટકા સાઈબરસિક્યૂરિટી જોબ્સ
મે મહિનામાં ડિમાન્ડ-સપ્લાય ગેપ 30 ટકાના ઊંચા સ્તરે જોવાયો
વિશ્વમાં બીજા ક્રમે એક્ટિવ ઈન્ટરનેટ યુઝર બેઝ ધરાવતું ભારત વધતાં સાઈબર પડકારોનો સામનો કરી રહ્યું છે તેમ છતાં સાઈબરસિક્યૂરિટી ડોમેઈનમાં વિશાળ સ્કિલ ગેપ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સાઈબરસિક્યૂરિટી જોબ્સમાં ભારતનો હિસ્સો માત્ર 6 ટકાનો હોવાનું એક રિપોર્ટ જણાવે છે.
મે 2023માં સાઈબરસિક્યૂરિટી ઈન્ડસ્ટ્રી પાસે 40000 જેટલી જોબ્સની ઓપન તકો રહેલી હતી. જે દેશમાં સ્કીલ્ડ સાયબરસિક્યૂરિટી પ્રોફેશ્નલ્સની વધતી માગ સૂચવે છે. જોકે, ડિમાન્ડ-સપ્લાય ગેપ 30 ટકા જેટલો ઊંચો જોવા મળી રહ્યો છે. જે ઉદ્યોગ ક્ષેત્રે સ્કીલને લઈને મોટો પડકાર ઊભો થયો હોવાનું દર્શાવે છે. ટીમલીઝે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ ભારતીય સંસ્થાઓએ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં સાપ્તાહિક ધોરણે 2000 સાઈબર હુમલાઓનો અનુભવ કર્યો હતો. જે અગાઉના વર્ષની સરખામણીમાં 18 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સાઈબર હુમલાઓનો મુખ્ય ટાર્ગેટ હેલ્થકેર ઉદ્યોગ હતો. કુલ હુમલાના 8 ટકા હુમલાઓ તેના તરફ હતાં. વૈશ્વિક સ્તરે સાપ્તાહિક સાઈબર-એટેક્સ 7 ટકા વધી 1200 હુમલા પર જોવા મળ્યાં હતાં. રિપોર્ટ મુજબ ભારતમાં સાઈબરસિક્યૂરિટી વર્કફોર્સ 2023માં 3 લાખ આસપાસ જોવા મળે છે. જે 2022માં 2.1 લાખ અને 2021માં 1 લાખ આસપાસ હતો. જ્યારે વૈશ્વિક સ્તરે 47 લાખ સાઈબરસિક્યૂરિટી પ્રોફેશ્નલ્સ જોવા મળે છે. સાઈબલસિક્યૂરિટી રેવન્યૂની વાત કરીએ તો ઊંચી અસમાનતા જોવા મળે છે. વૈશ્વિક સ્તરે 222 અબજ ડોલરની રેવન્યૂ સામે ભારતમાં તે માત્ર 2.5 અબજ ડોલર પર જોવા મળે છે. 2027 સુધીમાં ભારતીય સાઈબરસિક્યૂરિટીનો બજાર હિસ્સો વધી 3.5 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. જે વાર્ષિક સરેરાશ 8.05 ટકાની વૃદ્ધિ દર્શાવશે.
કેન્દ્રિય પુલમાં અત્યાર સુધી 5.58 કરોડ ટન ચોખા, 2.62 કરોડ ટનની ખરીદી
ચોખાની ખરીદીમાં રૂ. 1.7 લાખ કરોડ જ્યારે ઘઉંની ખરીદીમાં રૂ. 56 હજાર કરોડનો ખર્ચ
કેન્દ્ર સરકારે 2022-23 માર્કેટિંગ સિઝનમાં અત્યાર સુધીમાં 5.58 કરોડ ટન ચોખાની ખરીદી કરી છે. તેણે 1.22 કરોડ ખેડૂતો પાસેથી આ ખરીદી કરી છે એમ કેન્દ્રિય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જણાવ્યું છે. લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે સરકારે રૂ. 1.7 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. સરકારની ઘઉંની ખરીદી 2.62 કરોડ ટન પર રહી છે. જે ગયા વર્ષની 1.88 કરોડ ટનની ખરીદીથી નોઁધપાત્ર ઊંચી છે. ઘઉં અને ચોખાની ખરીદી પછી સરકારી ગોદામોમાં અનાજનો પર્યાપ્ત જથ્થો જમા હોવાનું મંત્રાલયનું કહેવું છે.
ચાલુ ખરિફ સિઝન(ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં 19 જૂન સુધીમાં 8.3 કરોડ ટન ડાંગરની ખરીદી થઈ હતી. જેનું મિલીંગ કર્યાં પછી 4.01 કરોડ ટન ચોખા પ્રાપ્ત થયાં હતાં. જ્યારે 1.5 કરોડ ટન ચોખા હજુ મેળવવામાં બાકી છે એમ વિભાગનું કહેવું છે. કૃષિ વિભાગના ત્રીજા અંદાજ મુજબ 2022-23 પાક વર્ષમાં ચોખાનું ઉત્પાદન વિક્રમી 13.554 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષના 12.947 કરોડના ઉતપાદન કરતાં ઊંચું છે. ઘઉંની વાત કરીએ તો 21.29 લાખ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ(એમએસપી) ઓપરેશન્સનો લાભ મળ્યો હતો. જે માટે સરકારે રૂ. 55,680 કરોડ ખર્ચ્યાં હતાં. ઘઉંની ખરીદીમાં પંજાબ, મધ્ય પ્રદેશ અને હરિયાણા ટોચના રાજ્યો રહ્યાં હતાં. જેમાં પંજાબ ખાતેથી 1.212 કરોડ ટન, મધ્ય પ્રદેશ ખાતેથી 70.9 કરોડ ટન અને હરિયાણા ખાતેથી 63.1 કરોડ ટનની ખરીદી થઈ હતી.
ગો ફર્સ્ટે 25 જૂન સુધી ફ્લાઈટ કેન્સલેશન લંબાવ્યું
કેશની તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટે તેના ફ્લાઈટ કેન્સલેશનને 25 જૂન સુધી લંબાવ્યું છે. કંપનીએ 2 મેના રોજ સ્વૈચ્છિક નાદારી માટે અરજી કર્યાં પછી લગભગ ચોથીવાર આમ કર્યું છે. કેટલીક ઓપરેશ્નલ બાબતોને કારણે તેણે આમ કર્યું છે. કંપનીએ એક ટ્વિટ મારફતે આ માહિતી આપી હતી. કંપની 3 મેના રોજથી ઉડાન ભરી રહી નથી. તેણે એન્જીન પ્રોવાઈડર પ્રાટએન્ડવ્હીટની તરફથી એન્જિનને લઈને અપૂરતી સેવાને કારણે કામગીરી બંધ કરવી પડી હોવાનું જણાવ્યું હતું. કંપની 17થી વધુ વર્ષોથી કાર્યરત હતી. ચાલુ મહિને શરૂમાં કંપનીએ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ સમક્ષ રિવાઈવલ પ્લાન રજૂ કર્યો હતો. જે હેઠળ તેણે 26 વિમાનોની ઉડાન ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંગળવારે જાણવા મળ્યાં મુજબ ગો ફર્સ્ટની કમિટિ ઓફ ક્રેડિટર્સ બુધવારે એરલાઈનની કામગીરી ફરી શરૂ કરવાની યોજનાની સમીક્ષા કરશે અને ફંડિંગ જરૂરિયાતને ધ્યાનમાં લેશે. અગાઉ, ડીજીસીએ તરફથી એરલાઈનને ઉડાન ફરી શરૂ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. જેને લેન્ડર્સ તરફથી માન્યતા આપવી જરૂરી હતી. વર્તુળોના જણાવ્યા મુજબ કંપનીના લેન્ડર્સ રિઝમ્પ્શન પ્લાનને માન્યતા આપવા માટે પોઝીટીવ જણાય છે. તેમજ તેઓ રૂ. 200-400 કરોડના ઈન્ટરિમ ફંડિંગ માટે પણ તૈયાર છે. ગો ફર્સ્ટના લેન્ડર્સમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ બેંક અને ડોઈશે બેંકનો સમાવેશ થાય છે. ગો ફર્સ્ટ પાસે કેન્દ્ર સરકારની ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ(ECLGS) હેઠળ રૂ. 200 કરોડની વણવપરાયેલી લિમિટ્સ પણ ઉપલબ્ધ છે. ગયા સપ્તાહે લેન્ડર્સે રેઝોલ્યુશન પ્રોફેશ્નલ તરીકે કેપીએમજી તરફથી શૈલેન્દ્ર અજમેરાની નિમણૂંક માટે મંજૂરી આપી હતી.
વિશ્વમાં ટોચની 20 એરલાઈન્સમાં ભારતની માત્ર વિસ્ટારા
સ્કાયટ્રેક્સના વર્લ્ડ એરલાઈન એવોર્ડ્સ મુજબ વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન કેબિન ક્રૂડ 2023ની યાદીમાં ભારતની વિસ્ટારાનો સમાવેશ થાય છે. વિશ્વમાં ટોચની 100 એરલાઈન્સ કંપનીઓમાં ભારતની માત્ર બે કંપનીઓ વિસ્ટારા અને ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જેમાં વિસ્ટારાએ 2022માં 20મા સ્થાનેથી ચાર સ્થાનોની ફલાંગ લગાવી ચાલુ વર્ષે 16મું સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ડિગો અગાઉના વર્ષના 45મા સ્થાનેથી બે સ્થાન સુધરી 43મા સ્થાને જોવા મળી છે. ‘વર્લ્ડ્સ બેસ્ટ એરલાઈન કેબિન ક્રૂ 2023’ની યાદીમાં વિસ્તારાનો ક્રમ 20માંથી 19મો જોવા મળે છે. કંપનીએ એશિયામાં ટોચની 10 એરલાઈન્સમાંથી 8મું સ્થાન મેળવ્યું છે.
સેબીના નિયમને બાયપાસ કરી બ્રોકર્સનું ઓપ્શન ટ્રેડર્સને ફંડીંગ
સેબી તરફથી સીધી કે NBFC મારફતે ક્લાયન્ટની પોઝીશને ફંડીંગની મનાઈ છતાં ચાલતી પ્રેકટીસ
કેટલાંક સ્થાનિક બ્રોકર્સ તેમની નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની(એનબીએફસી) મારફતે મોટા ઓપ્શન્સ ટ્રેડર્સને ફંડીંગ કરી રહ્યાં હોવાનું બ્રોકિંગ ઉદ્યોગના જાણકાર વર્તુળોનું કહેવું છે. તેઓ માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમનો સરેઆમ ભંગ કરીને આમ કરી રહ્યાં છે. સેબીનો નિયમ બ્રોકર્સને પ્રત્યક્ષ રીતે કે એનબીએફસી મારફતે ક્લાયન્ટ્સની પોઝીશન માટે ફંડીંગ પર પ્રતિબંધ મૂકે છે.
બ્રોકર્સ ખાસ કરીને નીચું જોખમ ધરાવતાં ઓપ્શન્સ ટ્રેડિંગ માટે આ સુવિધા ઓફર કરી રહ્યાં છે. તેઓ ઊંચો અનુભવ ધરાવતાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સને તથા કોર્પોરેટ ટ્રેઝરીઝને આ સગવડ પૂરી પાડે છે. બ્રોકર્સ વાર્ષિક 4-5 ટકા જેટલાં નીચા વ્યાજ દરે ઓપ્શન્સ ટ્રેડર્સને ફંડીંગ પૂરું પાડે છે. કેમકે તેમાં જોખમ નીચું છે તેમજ હાઈ વોલ્યુમ ટ્રેડર્સ તરફથી ખૂબ જ રસ જોવા મળી રહ્યો છે એમ નામ નહિ જણાવવાની શરતે બેમાંથી એક વર્તુળ જણાવે છે. માર્કેટ તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે અને મે મહિના દરમિયાન કેશ સેગમેન્ટમાં દૈનિક સરેરાશ રૂ. 60 હજાર કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. નિફ્ટી તેની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હોવા છતાં જૂનમાં વોલ્યુમ ઓક્ટોબર 2021માં જોવા મળેલા રૂ. 81000ના દૈનિક વોલ્યુમ કરતાં 25 ટકા જેટલું નીચું જોવા મળે છે. બીજી બાજુ, ઓપ્શન્સ સેગમેન્ટમાં વોલ્યુમમાં અવિરત વૃદ્ધિ નોંધાઈ રહી છે. 2022-23માં એનએસઈ ખાતે રૂ. 120 લાખ કરોડનું ઓપ્શન્સ ટર્નઓવર જોવા મળ્યું હતું. જે અગાઉના વર્ષની સરખામણીમાં બમણું હતું.
મોડસ ઓપરેન્ડી
આ માટેની મોડસ ઓપરેન્ડી સમજીએ તો રૂ. 10 કરોડ ધરાવતો ક્લાયન્ટ એનબીએફસી ધરાવતાં બ્રોકર પાસે જાય છે. ક્લાયન્ટ એક બેંક એકાઉન્ટ ઓપન કરાવે છે. જેના પાવર ઓફ એટર્ની બ્રોકર પાસે હોય છે. આ એકાઉન્ટમાં બ્રોકરની એનબીએફસી અનસિક્યોર્ડ લોન તરીકે રૂ. 20 કરોડ કે તેથી વધુ જમા કરાવે છે. રૂ. 30 કરોડમાંથી રૂ. 10 કરોડ બ્રોકર પાસે માર્જિન મની ડિપોઝીટ તરીકે રહે છે. વર્તુળોના જણાવ્યા મુજબ બ્રોકર અને ક્લાયન્ટ વચ્ચે એક વણલિખિત એગ્રીમેન્ટ મુજબ જો મર્યાદા કરતાં નુકસાન વધી જાય તો કાં તો બ્રોકર માર્જિન મનીમાંથી તે રકમ કાપી લે છે અથવા ક્લાયન્ટ અન્ય સ્રોતો તરફથી ફંડ્સ લાવીને માર્જિન શોર્ટફોલની ભરપાઈ કરે છે. કેમકે ઓપ્શન સ્ટ્રેટેજી ઓછું જોખમ ધરાવતી હોવાથી માર્જિન ડિપોઝીટ કરતાં નુકસાન વધી જાય તેવી શક્યતાં ઘણી ઓછી રહે છે. જે બ્રોકર અને ક્લાયન્ટ, બંને માટે ડિલને લાભદાયી બનાવે છે. ટેકનિકલી, બ્રોકર્સ આ પ્રકારની ગોઠવણનો ઉપયોગ કેશ માર્કેટમાં ઈન્ટ્રા-ડે ટ્રેડ્સ માટે પણ કરી શકે છે પરંતુ તેઓ તેમ નથી કરતાં કેમકે તેવા કિસ્સામાં સેબી માટે ટ્રાન્ઝેક્શન્સને પકડવાં સરળ હોય છે. અગાઉ બ્રોકર્સ ઈન્ટ્રા-ડે માટે પણ આ પ્રકારની સુવિધા પૂરી પાડતાં હતાં, જોકે ઈન્સ્પેક્શન દરમિયાન ક્લાયન્ટ્સના લેજરમાંથી આની જાણ થવી આસાન હતી અને તેથી જ હવે તેઓ આમ કરી રહ્યાં નથી. જ્યારે એફએન્ડઓ ટ્રેડ માટે બ્રોકરની એનબીએફસી અને ક્લાયન્ટ વચ્ચેની સાંઠગાંઠને પકડવી સેબી માટે કઠિન બની રહેતી હોય છે. જો સેબી ફંડીંગના સ્રોતની ઊંડાણમાં જાય તો જ તેમ કરી શકે છે એમ જાણકાર જણાવે છે.
ઝી પ્રમોટર્સ સામેના આક્ષેપોને ગંભીરતાથી લીધાં છેઃ સોની પિક્ચર્સ
મિડિયા જાયન્ટ્સના જણાવ્યા મુજબ ભારતીય કંપની સાથે ડીલ પર અસર પડી શકે છે
સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટે બુધવારે જણાવ્યું હતું કે ભારતીય માર્કેટ રેગ્યુલેટરે ઝી એન્ટરટેઈનમેન્ટના પ્રમોટર્સ વિરુધ્ધ કરેલા આક્ષેપોને તે ગંભીરતાથી લઈ રહી છે અને સ્થિતિ પર ચાંપતી નજર નાખી રહી છે.
ગયા સપ્તાહે સેબીએ ઝીના સીઈઓ પુનિત ગોએન્કા અને ફાઉન્ડર સુભાષ ચંદ્રને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટરની પોઝીશન પરથી રાજીનામુ આપવા માટે આપેલા આદેશની પ્રતિક્રિયારૂપે જાપાનની સોનીએ આમ જણાવ્યું હતું. સેબીએ ઝી એન્ટરટેઈનમેન્ટ ખાતેથી ફંડ્સની ઉચાપતનો આક્ષેપ કર્યો હતો. ગોએન્કા તથા તેમના પિતા ચંદ્રાએ સેબીના આક્ષેપોને નકારી કાઢ્યાં હતાં અને સિક્યૂરિટીઝ એન્ડ એપલેટ ટ્રિબ્યૂનલ(સેટ)માં જઈને સેબીના આદેશ પર સ્ટેની માગણી કરી હતી. યુએસના કલવેર સિટી ખાતેથી રજૂ કરેલા નિવેદનમાં સોનીએ જણાવ્યું હતું કે સુભાષ ચંદ્ર અને પુનિત ગોએન્કા સામેના ઈન્ટરિમ આદેશને કારણે ઝીના સોની પિક્ચર્સ સાથેના આયોજિત મર્જરને લઈને તાજેતરમાં કેટલાંક ખામીભરેલાં અહેવાલો જોવા મળી રહ્યાં છે. અમે સેબીના ઓર્ડરની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને ડેવલપમેન્ટ્સ પર ચાંપતી નજર રાખીશું. જેની ડિલ પર અસર પણ સંભવ છે એમ સોનીએ ઉમેર્યું હતું. સેબીએ સેટ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે ઝીમાંથી ફંડ્સની ઉચાપતમાં તેણે ઓવરલેપીંગ કંપનીઓની સંડોવણી જણાય છે. તેમના તરફથી દેખીતી ગેરરિતીઓ જોવા મળી છે. પોતાના પગલાને યોગ્ય ગણાવતાં સેબીએ જણાવ્યું છે કે તેણે મેનેજમેન્ટ અને રોકાણકારોની સુરક્ષા માટે આમ કર્યું છે. જેથી વધુ કોઈ ગેરરિતી આચરવામાં ના આવે.
ગોલ્ડ-સિલ્વર સહિત કોમોડિટીઝમાં નરમ અન્ડરટોન
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓ સહિત બેઝ મેટલ્સ, ક્રૂડમાં નરમાઈ જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો 2 ડોલરની નરમાઈ સાથે 1945 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બુધવારે દિવસ દરમિયાન તે 1942 ડોલરથી 1950 ડોલરની રેંજમાં અથડાયો હતો. જ્યારે સિલ્વર વાયદો અડધા ટકા ઘટાડા સાથે 23.137 ડોલર પર જોવા મળતો હતો. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં નરમાઈ જળવાય હતી અને તે 1950 ડોલરના મહત્વના સપોર્ટ નીચે ઉતરી ગયું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર રૂ. 40ની નરમાઈએ રૂ. 58770 પર જ્યારે સિલ્વર ફ્યુચર રૂ. 262ના ઘટાડે રૂ. 70,125 પર ટ્રેડ દર્શાવતો હતો. આ ઉપરાંત કોપર, એલ્યુમિનિયમ, ઝીંક અને મેન્થાઓઈલ પણ નરમ જોવા મળી રહ્યાં હતાં.
પવન હંસનું ડિસઈન્વેસ્ટમેન્ટ વધુ એકવાર નિષ્ફળ
સરકારી માલિકીની હેલિકોપ્ટર સર્વસિંગ કંપની પવન હંસનું વેચાણ સતત ચોથીવાર નિષ્ફળ ગયું છે. સૌપ્રથમ ઓક્ટોબર 2016માં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ પવન હંસના વેચાણ માટે મંજૂરી આપી હતી. સરકારે હેલિકોપ્ટર સર્વિસ પ્રોવાઈડર કંપનીમાં બહુમતી 51 ટકા હિસ્સા વેચાણના પ્રસ્તાવને રદ કરવાનો નિર્ણય કર્યો હોવાનું સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. તેમના મતે નજીકમાં કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટની શક્યતાં નથી. ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને બંધ કરવાની ફાઈલ ચાલુ સપ્તાહે ગ્રૂપ સમક્ષ રજૂ કરાશે. 41 હેલિકોપ્ટર્સ ધરાવતી કંપનીમાં 49 ટકા હિસ્સો ઓએનજીસી ધરાવે છે. અલમાસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી ફંડની આગેવાની હેઠળના સ્ટાર9મોબિલિટીએ રૂ. 211 કરોડના ક્વોટેશન મારફતે બીડ મેળવ્યું હતું. જોકે તાજેકરમાં એનસીએલટીની કોલકોત્તા બેન્ચે અલમાસની વિરુધ્ધમાં ચૂકાદો આપતાં સરકારે વેચાણ પ્રક્રિયા અટકાવી પડી હતી.
ટ્વિટરના કર્મચારીઓની બોનસ ચૂકવણીના ઈન્કાર બદલ એલોન મસ્કની કંપની સામે ફરિયાદ
સોશ્યલ મિડિયા કંપનીએ 2022 માટે તેમના ટાર્ગેટ એમાઉન્ટ્સની 50 ટકા રકમ બોનસ તરીકે ચૂકવવાનો વાયદો કર્યો હતો
ટ્વિટરના કર્મચારીઓએ તેમને 2022 માટેનું બોનસ નહિ ચૂકવવા બદલ એલોન મસ્કની માલિકીની કંપની સામે કોર્ટમાં ફરિયાદ કરી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ સોશ્યલ મિડિયા કંપનીએ 2022 માટે તેમના ટાર્ગેટ એમાઉન્ટ્સની 50 ટકા રકમ બોનસ તરીકે ચૂકવવાનો વાયદો કર્યો હતો. ઓક્ટોબર 2022માં એલોન મસ્ક તરફથી કંપનીના ટેકઓવર પછી જે કર્મચારીઓએ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા સુધી કામ કર્યું છે તેમને પણ બોનસનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
ગયા મહિના સુધી ટ્વિટરના કોમ્પન્સેશનના સિનિયર ડિરેક્ટર તરીકે નિમણૂંક ધરાવતાં માર્ક શોબિંગરે ક્લાસ-એક્શન લોસ્યૂટ ફાઈલ કર્યું છે. તેમણે ટ્વિટર તરફથી બોનસ નહિ મેળવનારા વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ વતી ફરિયાદ કરી છે. ટ્વિટર સામાન્યરીતે વાર્ષિક ધોરણે બોનસની ચૂકવણી કરે છે. જોકે, એલન મસ્ક તરફથી ઓક્ટોબર 2022માં કંપનીને ટેકઓવર કરાયાં પછી હમણા સુધી કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને બોનસ ચૂકવવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. શોબિંગરે રિપોર્ટમાં જણાવ્યું છે કે 2023ના પ્રથમ ક્વાર્ટર સુધી કંપનીએ જેમને જોબ્સ પર જાળવ્યાં હતાં તેવા કર્મચારીઓને પણ બોનસ ચૂકવણીનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે મસ્ક તરફથી ઓક્ટોબર 2022માં એક્વિઝીશન પૂરું થયા પહેલા અને પછી, ટ્વિટરના મેનેજમેન્ટે પ્લેનટીફ સહિત કર્મચારીઓને બોનસ પ્લાન હેઠળ 2022 માટેનું બોનસ ચૂકવવામાં આવશે તેવી ખાતરી સતત આપી હતી. જોકે, મસ્કના ટેકઓવર પછી સોશ્યલ મિડિયા કંપની નાણાકિય સમસ્યાઓનો સામનો કરી રહી છે. તાજેતરમાં કંપનીએ કોલોરાડો ખાતે ભાડુ નહિ ચૂકવતાં ઓફિસ ગુમાવવાની બની હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
ભારત ઈલેક્ટ્રોનિક્સઃ પીએસયૂ સાહસે નાણાકિય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં કુલ રૂ. 5900 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. જાહેર ક્ષેત્રની ડિફેન્સ કંપનીએ જણાવ્યા મુજબ કુલ ઓર્ડરમાં મોટો ઓર્ડર શોર્ટ-રેંજ સર્ફેસ-ટુ-એર મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ આકાશ વેપન સિસ્ટમ માટેનો છે. જેમાં અન્ય પીએસયૂ સાહસ બીડીએલ તરફથી મળેલા રૂ. 3914 કરોડના મૂલ્યના ઓર્ડરનો સમાવેશ થાય છે.
રિલાયન્સ કન્ઝ્યૂમરઃ રિલાયન્સ રિટેલની સબસિડીયરીએ તેની મેડ-ફોર-ઈન્ડિયા કન્ઝ્યૂમર પેકેજ્ડ ગુડ્ઝ બ્રાન્ડ ‘ઈન્ડિપેન્ડન્સ’ના ઉત્તર ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી છે. જે હેઠળ કંપની ખાદ્ય તેલો, અનાજ, કઠોળ, પેકેજ્ડ ફૂડ્સ અને દૈનિક જરૂરિયાતની અન્ય ચીજ-વસ્તુઓનું વેચાણ કરશે. ગુજરાતમાં સફળ લોંચ પછી આ પ્રોડક્ટ્સ પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર, યૂપી, ઉત્તરાખંડ અને બિહારમાં પ્રાપ્ય બનશે.
પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝઃ ટોચના કન્સ્ટ્રક્શન અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉત્પાદકે તેના બે સંયુક્ત સાહસો પિડિલાઈટ લિટોકોલ અને ટેનાક્સ પિડિલાઈટ હેઠળ ગુજરાતના આમોદ ખાતે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ઉત્પાદન સુવિધા લોંચ કરી છે. આ માટે લિટોકોલ એસપીએ ઈટાલી અને ટેનાક્સ એસપીએ ઈટાલી તરફથી પિડિલાઈટને કટીંગ એજ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે. જે દેશના સ્ટોન અને સિરામિક સોલ્યુશન્સ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ ઘટના છે.
શ્રી સિમેન્ટઃ સિમેન્ટ ઉત્પાદક કંપનીના રાજસ્થાન સ્થિત પાંચ લોકેશન્સ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કોલકોત્તા મુખ્યાલય ધરાવતી કંપની તેમજ આઈટી વિભાગે જોકે આને લઈ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. અહેવાલ પાછળ કંપનીનો શેર બુધવારે 3 ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો.
સ્પાઈસજેટઃ ઉડ્ડયન કંપનીએ નોર્ડિક એવિએશન કેપિટલ સાથે સેટલમેન્ટ એગ્રીમેન્ટ કર્યો હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. એરલાઈનને ક્યૂ400 વિમાનની લિઝીંગમાં નોર્ડિક એવિએશન અગ્રણી લિઝર છે. એગ્રીમેન્ટ હેઠળ એરલાઈન અને એવિએશન કંપનીએ ક્યૂ400ના લિઝીંગને લઈને જૂન તમામ જવાબદારીઓ સેટલ કરી છે.
યસ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક માઈક્રોફાઈનાન્સ કંપની ખરીદવા માટે વિચારી રહી હોવાનું બેંકના એમડી અને સીઈઓએ જણાવ્યું છે. આ માટે તેણે કેટલીક માઈક્રોફિન કંપનીઓનું ડ્યૂ ડિલિજન્સ પણ શરૂ કરી દીધી હોવાનું તેમણે ઉમેર્યું હતું. એમએફઆઈ ખરીદીને કંપની ઊંચું યિલ્ડ ધરાવતી એસેટ બુક ઊભી કરવા ઈચ્છે છે.
ભારતી એરટેલઃ ભારતી એરટેલ અને મેટર મોટર વર્ક્સે એરટેલના આઈઓટી સોલ્યુશનને મેટર AERAમાં દાખલ કરવા માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની જાહેરાત કરી છે.
રેઈલ વિકાસ નિગમઃ કંપનીએ એક સ્પષ્ટતામાં એક્સચેન્જિસને જણાવ્યું છે કે આરવીએનએલ અને ટ્રાન્સમેશહોલ્ડિંગ સાથે સંયુક્ત સાહસ તૂટી જવા સંબંધી મિડિયા અહેવાલો હકીકતોથી વેગળાં છે.
એચડીએફસી લાઈફઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એચડીએફસીને એચડીએફસી લાઈફ અને એચડીએફસી અર્ગોમાં વધારાના હિસ્સાની ખરીદી માટે મંજૂરી આપી છે.