બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં સાવચેતીભર્યા માહોલ વચ્ચે સપ્તાહની ફ્લેટ શરૂઆત
સેન્સેક્સે નેગેટિવ જ્યારે નિફ્ટીએ પોઝીટીવ બંધ આપ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.2 ટકા ઉછળી 21.81ના સ્તરે બંધ
મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો
એનર્જી, મિડિયા, પીએસઈ, પીએસયૂ બેંક્સમાં પણ મજબૂતી
એફએમજીસી, રિઅલ્ટીમાં નરમાઈ
હિંદુસ્તાન ઝીંક, રેલ વિકાસ, કોચીન શીપયાર્ડ, હૂડકો, વેદાંતા નવી ટોચે
સીસીએલ પ્રોડક્ટ્સ, અનુપમ રસાયણ નવા તળિયે
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત ફ્લેટ જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક વેચવાલી વચ્ચે ભારતીય બજાર નેગેટીવ ઓપનીંગ પછી રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 53 પોઈન્ટ્સ ઘટાડે 73953ની સપાટીએ જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 22529ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4087 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2316 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1619 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 296 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
સોમવારની રજા પછી મંગળવારે ભારતીય બજાર લગભગ 100 પોઈન્ટ્સ ગેપ-ડાઉન ઓપનીંગ પછી ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું. નિફ્ટી 22591ની ટોચ બનાવી 22500નું લેવલ જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 61 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22590ની સપાટીએ બંધ રહ્યો હતો. જે પ્રિમિયમમાં વૃદ્ધિ દર્શાવે છે. આમ, માર્કેટમાં વધુ સુધારાની શક્યતાં છે.
બેન્ચમાર્ક નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લા, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, બ્રિટાનિયા, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, નેસ્લે, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં હિંદુસ્તાન ઝીંક 20 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. આ ઉપરાંત, વેદાંત, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સેઈલ, એપીએલ એપોલો, અદાણી એન્ટરપ્રાઈઝ, એનએમડીસીમાં પણ ભારે તેજી જોવા મળી હતી. એનર્જી, મિડિયા, પીએસઈ, પીએસયૂ બેંક્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેમાં નિફ્ટી પીએસયૂ બેંક 1.5 ટકા મજબૂતી દર્શાવતો હતો. એફએમજીસી, રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, વેદાંત, આદિત્ય બિરલા ફેશન, ભારત ઈલેક્ટ્રીક, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, ઝી એન્ટરટેઈનમેન્ટ, કોલ ઈન્ડિયા, એચપીસીએલ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, મેટ્રોપોલીસ, ઈન્ફો એજ, સેઈલ, પોલીકેબમાં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સિટી યુનિયન બેંક, એસ્ટ્રાલ, એમસીએક્સ ઈન્ડિયા, કમિન્સ, બિરલા સોફ્ટ, સીજી કન્ઝ્યૂમર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગેઈલ, એપોલો ટાયર્સ, મેક્સ ફાઈ., આલ્કેમ લેબ, કેન ફિન હોમ્સ, નેસ્લે, શ્રી સિમેન્ટ્સ, ઈન્ડુસ ટાવર્સમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન ઝીંક, રેલ વિકાસ, કોચીન શીપયાર્ડ, હૂડકો, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ગાર્ડન રિચ, વેદાંત, અદાણી પાવર, આદિત્ય બિરલા ફેશન, ઈન્ડિન બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સીસીએલ પ્રોડક્ટ્સ અને અનુપમ રસાયણે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
બીએસઈ લિસ્ટેડ કંપનીનું માર્કેટ-કેપ 5 અબજ ડોલર પાર કરી ગયું
ભારતીય ચલણમાં માર્કેટ-કેપ રૂ. 415 લાખ કરોડ પર જોવા મળ્યું
વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં માર્કેટ-કેપમાં 633 અબજ ડોલરનો ઉછાળો નોંધાયો
ભારતીય શેરબજારનું માર્કેટ-કેપ મંગળવારે પ્રથમવાર 5 અબજ ડોલરની સપાટી પાર કરી ગયું હતું. જે ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 633 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવે છે. સ્થાનિક ચલણમાં જોઈએ તો માર્કેટ-કેપ રૂ. 414.46 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જોકે, બેન્ચમાર્ક સેન્સેક્સ તેની સર્વોચ્ચ ટોચથી 1.66 ટકા નીચો ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે બીએસઈ મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં.
સ્થાનિક બજારે નવેમ્બર 2023માં સૌપ્રથમ 4 ટ્રિલિયન ડોલરની સપાટી પાર કરી હતી. આમ, સાત મહિનામાં તેણે માર્કેટ-કેપમાં બીજા એક ટ્રિલીયન ડોલરનો ઉમેરો કર્યો હતો. મે-2007માં બીએસઈનું માર્કેટ-કેપ પ્રથમવાર 1 ટ્રિલીયન ડોલરને પાર કરી ગયું હતું. જે જુલાઈ-2017માં બે ટ્રિલીયન ડોલર પર પહોંચ્યું હતું. જ્યારપછી મે 2021માં 3 ટ્રિલીયન ડોલર પર જોવા મળ્યું હતું.
હાલમાં વિશ્વમાં માત્ર ચાર શેરબજાર 5 ટ્રિલિયન ડોલરથી ઊંચું માર્કેટ-કેપ ધરાવે છે. જેમાં યુએસ 55.65 ટ્રિલિયન ડોલર, ચીન 9.4 ટ્રિલીયન ડોલર, જાપાન 6.42 ટ્રિલિયન ડોલર અને હોંગ કોંગ 5.47 ટ્રિલિયન ડોલર પર જોવા મળે છે. બ્લૂમબર્ગના મુજબ 2024માં ભારતીય શેરબજારના માર્કેટ-કેપમાં 12 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારપછી યુએસ શેરબજારમાં 10 ટકા અને હોંગ કોંગ શેરબજારમાં 16 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ચીન અને જાપાનના બજારોના માર્કેટ-કેપ મોટેભાગે સ્થિર જળવાયા છે. જેમાં ચીનું માર્કેટ-કેપ 1.4 ટકા ગગડ્યું છે. જ્યારે જાપાનનું માત્ર 3 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
વિશ્વમાં ટોચના માર્કેટ-કેપ ધરાવતાં બજારો
યુએસએ 55.65 ટ્રિલિયન ડોલર
ચીન 9.4 ટ્રિલિયન ડોલર
જાપાન 6.42 ટ્રિલિયન ડોલર
હોંગ કોંગ 5.47 ટ્રિલિયન ડોલર
ભારતીય શેરબજારમાં 104 કંપનીઓના પીઈ 50થી ઊંચા
ટોચની બ્રોકરેજના મતે આ કંપનીઓના વેલ્યૂએશન્સ ટકી શકે તેમ નથી
100 ગણા પીઈ ધરાવતી કંપનીએ તેના વર્તમાન ભાવને જસ્ટીફાઈ કરવા માટે 100મા વર્ષે 83000 ગણી અર્નિંગ્સની જરૂર રહે
ભારતીય શેરબજારમાં વેલ્યૂએશન ઊંચા છે અને તેને લઈ અવારનવાર ચિંતા વ્યક્ત થતી હોય છે. તાજેતરમાં એક બ્રોકરેજે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે સ્થાનિક બજારમાં 104 કંપનીઓ એવી છે જેમના પીઈ રેશિયો 50 ગણાથી ઊંચા છે. જ્યારે નવ કંપનીઓના પીઈ 100થી ઊંચા છે.
બ્રોકરેજના મતે આનો અર્થ એવો થાય છે કે 100 ગણાથી વધુ પીઈ ધરાવતી કંપનીએ તેના વેલ્યૂએશનને જસ્ટીફાઈ કરવા માટે 100મા વર્ષે 83000 ગણા અર્નિંગ્સની જરૂરિયાત રહે. ઊંચા પીઈ ધરાવતી આવી મોટાભાગની કંપનીઓ પરંપરાગત સેક્ટર્સમાંથી આવે છે અને તેઓ નોંધપાત્ર અડચણોનું જોખમ ધરાવે છે.
બ્રોકરેજના મતે ભારતીય શેરબજારમાં કેટલીક વ્યાપક જટિલતાઓને કારણે વેલ્યૂએશન્સ આ રીતે ઊંચા જોવા મળી રહ્યાં છે. તેના મતે વેલ્યૂએશન મેથોડોલોજિસ અને ફંડામેન્ટલ્સ વચ્ચે સ્પષ્ટપણે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જેને કારણે અન્ડરલાઈંગ માપદંડોની સરખામણીમાં અસાધારણ વેલ્યૂએશન્સ શક્ય બન્યાં છે. કેટલીક જૂની અને પીઠ કંપનીઓના વેલ્યૂએશન્સ પણ ખૂબ ઊંચા જોવા મળી રહ્યાં છે. જે આશ્ચર્ય છે. તેના મતે ઊંચા વેલ્યૂએશન્સ લાંબો સમય ટકી શકે નહિ અને તેથી આવા કાઉન્ટર્સથી રોકાણકારોએ દૂર રહેવું જોઈએ.
ભેલનો નેટ પ્રોફિટ 25 ટકા ગગડી રૂ. 484 કરોડ પર રહ્યો
જાહેર સાહસ ભેલે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 484 કરોડનો નેટ પ્રોફિટ રજૂ કર્યો છે. જે વાર્ષિક ધોરણે 25 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 645 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની કામકાજી આવક રૂ. 8260 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલી રૂ. 8227 કરોડની આવકમાં સાધારણ વૃદ્ધિ સૂચવતી હતી.
કંપનીના બોર્ડે પ્રતિ શેર 25 પૈસાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. મંગળવારે ભેલનો શેર 2.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 318.8ની સપાટીએ બંધ રહ્યો હતો.
Market Summary 21/05/2024
May 21, 2024