બેંકિંગ સંકટની ચિંતા હાલપૂરતી ટળતાં બજારને રાહત
બેન્ચમાર્ક નિફ્ટી ફરી 17 હજાર પર બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 15.08ના સ્તરે બંધ
બેંકિંગ, એનર્જી અને ઓટોમાં જોવા મળેલો બાઉન્સ
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા ઉછળ્યો
એફએમસીજી, આઈટી, ફાર્મામાં નરમાઈ
સિમેન્સ, કેપીઆઈટી ટેક નવી ટોચે
આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, એમ્ફેસિસ, દેવયાની ઈન્ટરનેશનલ નવા તળિયે
વૈશ્વિક સ્તરે બેંકિંગ સંકટને લઈને બે સપ્તાહથી જોવા મળી રહેલી ચિંતા હળવી બનતાં શેરબજારોને રાહત સાંપડી હતી. જેની પાછળ ભારતીય બેન્ચમાર્ક્સે બાઉન્સ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 446 પોઈન્ટ્સ સુધારે 58074.68ની સપાટીએ જ્યારે નિફ્ટી 119.10ની સપાટીએ 17,107.50ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 27 ગ્રીન ઝોનમાં બંધ જોવા મળતાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ વધુ સારી હતી. બીએસઈ ખાતે કુલ 3647 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1994 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1515 નેગેટિવ જોવા મળતાં હતાં. જોકે 226 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 74 કાઉન્ટર્સે નવી ટોચ દર્શાવી હતી. બીજી બાજુ 194 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 165 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ગગડી 15.08ના સ્તરે બંધ રહ્યો હતો.
છેલ્લાં બે સપ્તાહમાં મંગળવાર એ રીતે અસાધારણ હતો કે માર્કેટ સમગ્ર સત્ર દરમિયાન ગ્રીન ઝોનમાં જ ટ્રેડ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 16988ના બંધ સામે 17060ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ બાદ બે બાજુની સાંકડી વધ-ઘટ દર્શાવતો રહ્યો હતો. જોકે સત્રના આખરી ભાગમાં નવેસરથી ખરીદી પાછળ તે 17127ની ટોચ પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 61 પોઈન્ટ્સ પ્રિમીયમે 17169ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 49 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં વૃદ્ધિ દર્શાવે છે. આમ નીચા મથાળે ટ્રેડર્સે લોંગ પોઝીશનમાં ઉમેરો કર્યો હોવાના સંકેતો છે. જે માર્કેટને આગામી સત્રોમાં પોઝીટીવ જાળવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17255નો મહત્વનો અવરોધ છે. જે પાર થશે તો શોર્ટ કવરિંગ પાછળ ઝડપી સુધારો સંભવ છે. તે સ્થિતિમાં બેન્ચમાર્ક 17400-17500ની રેંજ પણ દર્શાવી શકે છે. જોકે આ માટે વૈશ્વિક બજારો તરફથી સપોર્ટ મળવો જરૂરી છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર મુખ્ય કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, એસબીઆઈ લાઈફ, ટાઈટન કંપની, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટ મુખ્ય હતાં. બીજી બાજુ, એચયૂએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, ડિવિઝ લેબ્સ, ઈન્ફોસિસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટમાં સુધારાની આગેવાની બેંકિંગે લીધી હતી. બેંક નિફ્ટી 1.35 ટકા વૃદ્ધિ સાથે નોંધપાત્ર સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ બરોડા 2.71 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પીએનબી અને એચડીએફસી બેંક પણ મજબૂતી દર્શાવતાં હતાં. એકમાત્ર ફેડરલ બેંકનો શેર નરમાઈ દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એચડીએફસી એએમસી 5 ટકા વૃદ્ધિ સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સીજી કન્ઝ્યૂમર, ઈન્ડિયામાર્ટ ઈન્ટર., એચડીએફસી લાઈફ, પિરામલ એન્ટરપ્રાઈઝ, એબીબી ઈન્ડિયા, શ્રીરામ ફાઈ.,આઈડીએફસીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ગેઈલ 4 ટકાથી વધુ ઘટાડા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. ઉપરાંત જીએમઆર એરપોર્ટ્સ, એલએન્ડટી ટેનોલોજી, મેટ્રોપોલીસ, ટોરેન્ટ પાવર, બિરલા સોફ્ટ નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતા. સિમેન્સ, કેપીઆઈટી ટેકે સર્વોચ્ચ પાટી દર્શાવી હતી. જ્યારે ટ્રાઈડન્ટ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, એસઆઈએસ, તાન્લા પ્લેટફોર્મ્સ, એમ્ફેસિસ, જી આર ઈન્ફ્રા, દેવયાની ઈન્ટરનેશનલ, સન ફાર્મા એડવાન્સ, દિલીપ બિલ્ડકોને તેમના તળિયાં દર્શાવ્યાં હતાં.
શેરબજારોમાં દૈનિક કેશ સેગમેન્ટ વોલ્યુમમાં 20 ટકાનો ઘટાડો
નાણા વર્ષ 2022-23માં છેલ્લાં 11-વર્ષનો સૌથી મોટો વોલ્યુમ ઘટાડો નોંધાયો
ડેરિવેટિવ્સ વોલ્યુમ જોકે દરેક મહિને નવી ટોચ દર્શાવતું રહ્યું
ચાલુ નાણા વર્ષ 2022-23માં શેરબજારો ખાતે દૈનિક કેશ વોલ્યુમ્સમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે છેલ્લા 11-વર્ષોમાં સૌથી તીવ્ર ઘટાડો સૂચવે છે. શેરબજારમાં ઊંચી વોલેટિલિટીને કારણે રોકાણકારો બજારથી દૂર રહેવાના કારણે આમ બન્યું છે.
બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) ખાતે ઈક્વિટી કેશ સેગમેન્ટમાં સંયુક્ત સરેરાશ દૈનિક વોલ્યુમ રૂ. 57,700 કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 20.4 ટકા ઘટાડો દર્શાવે છે. વાર્ષિક ધોરણે આટલો મોટો ઘટાડો નાણા વર્ષ 2011-12 પછી પ્રથમવાર જોવા મળ્યો છે. જ્યારે નાણા વર્ષ 2015-16 પછી કેશ સેગમેન્ટ વોલ્યુમમાં આ પ્રથમ ઘટાડો છે. તે વર્ષે કેશ સેગમેન્ટ વોલ્યુમમાં 5.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નાણા વર્ષ 2022-23માં વૈશ્વિક સેન્ટ્રલ બેંકર્સ તરફથી ઈન્ફ્લેશનને અંકુશમાં લેવાના ભાગરૂપે ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સ જાળવવામાં આવતાં રિટેલ ઈન્વેસ્ટરના પાર્ટિસિપેશનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીઓપોલિટિકલ તણાવો તથા તાજેતરમાં યુએસ અને યુરોપમાં બેંકિંગ કટોકટી જેવા કારણો પણ જવાબદાર જોવા મળે છે. સ્થાનિક સ્તરે અદાણી ઘટનાએ પણ અસર કરી હોવાનું વર્તુળો જણાવે છે. ઉપરાંત, વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી પણ સમગ્ર વર્ષ દરમિયાન વેચવાલી જોવા મળી હતી. ચાલુ વર્ષે અન નીનોની શક્યતાં પાછળ અર્નિંગ્સમાં ઘટાડાની અપેક્ષાએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પ્રતિકૂળ અસર ઉપજાવી છે. એક અગ્રણી ઈન્સ્ટીટ્યુશ્નલ રિસર્ચ હેડના જણાવ્યા મુજબ વૈશ્વિક બજારોમાં વેચવાલી પાછળ રિટેલ રોકાણકારોની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક શેરબજારોએ કેલેન્ડરની શરૂઆતથી વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જેની પણ અસર સેન્ટીમેન્ટ પર અસર પડી છે. હાલમાં માહોલ થોડું બગડ્યું છે. જોકે ભવિષ્યને લઈને એનાલિસ્ટ્સ આશાવાદી જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જોવા મળેલી ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિ બેંક્સ માટે હજુ સંપૂર્ણપણે કોસ્ટ ઓફ ફંડીગમાં ગણતરીમાં નથી લેવાઈ. ઉપરાંત કંપનીઓ માટે પ્રોડક્શન કોસ્ટ અને મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ અને સર્વિસ કંપનીઓના ડેટમાં પણ તે પૂર્ણ રીતે ડિસ્કાઉન્ટ નથી થઈ. જોકે, એનાલિસ્ટ્સનું માનવું છે કે એકવાર ઈન્ટરેસ્ટમાં સ્થિરતા જોવા મળશે એટલે માર્કેટમાં મજબૂત બાઉન્સ જોવા મળી શકે છે. જે નાણા વર્ષ 2023-24ના બીજા અર્ધવાર્ષિક ગાળા માટે પોઝીટીવ પરિબળ બની શકે છે. એક અન્ય એનાલિસ્ટ્સના મતે બજારમાં રોકાણકારોના પાર્ટિસિપેશનનો આધાર માર્કેટના દેખાવ સાથે નજીકથી જોડાયેલા હોય છે. મહામારી પછી શેરબજારોમાં જોવા મળેલી તેજી પાછળ 2020-21 દરમિયાન સરેરાશ દૈનિક ટર્નઓવરમાં 70 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે બેન્ચમાર્ક સૂચકાંકોમાં તે વખતે જોવા મળેલી 80 ટકા વૃદ્ઘિ સાથે બંધ બેસતો હતો. મહામારી અગાઉના સમયની સરખામણીમાં માર્કેટમાં 22 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આ જ પ્રકારનો ટ્રેન્ડ 2017-18માં જોવા મળ્યો હતો. જે વખતે ટર્નઓવરમાં 39 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે માર્કેટે 20 ટકા રિટર્ન દર્શાવ્યું હતું.
દરમિયાન ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં માર્કેટ દર મહિને નવી ટોચ બનાવી રહ્યું છે. 2022-23માં અત્યાર સુધી ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક વોલ્યુમ રૂ. 150.67 લાખ કરોડ પર જોવા મળ્યું છે. જે 2021-22માં જોવા મળેલા રૂ. 68.35 લાખ કરોડની સરખામણીમાં 120 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ગોપીનાથનને 15 સપ્ટે. પછી પણ જાળવી રાખવા તાતા જૂથની વિચારણા
વર્તુળોના મતે કંપનીને વિવિધ ટેક્નોલોજી ક્ષેત્રમાં ડાયવર્સિફિકેશનને જોતાં ભરોસાપાત્ર વ્યક્તિની જરૂર છે
તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કંપની છોડીને જઈ રહેલાં ટીસીએસના એમડી અને સીઈઓ રાજેશ ગોપીનાથન સાથે 15 સપ્ટેમ્બર પછી પણ ગ્રૂપ સાથે એડવાઈઝર તરીકે જોડાઈ રહેવા માટે ચર્ચા-વિચારણા કરી હોવાનું જૂથ વર્તુળો જણાવે છે. તાતા જૂથના વર્તુળોએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે બંને વચ્ચે આ મુદ્દે પ્રાથમિક મંત્રણા યોજાઈ છે. કેમકે જૂથને તેના વિવિધ ટેક્નોલોજી ડોમેન્સમાં વિવિધ્યીકરણને જોતાં એક ભરોસાપાત્ર અને અનુભવી માણસની જરૂરિયાત છે. તાતા જૂથની ટેક્નોલોજી કંપનીના એક વર્તુળના જણાવ્યા મુજબ ચંદ્રશેખરને ગોપીનાથ સાથે 15 સપ્ટેમ્બરે નોટિસ સમયગાળો પૂરો થયા બાદ એડવાઈઝર તરીકે જૂથ સાથે જોડાયેલા રહેવા માટે ચર્ચા કરી છે. ગોપીનાથે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તાતા જૂથ સાથે એડવાઈઝરી ભૂમિકામાં જોડાવાની નજીકના સમયગાળામાં કોઈ યોજના નથી. જૂથ સાથે 25 વર્ષોથી સંકળાયેલા ચંદ્રશેખરને ટીસીએસમાં ગોપીનાથનના યોગદાનને બિરદાવ્યું હતું. ગોપીનાથનના સમયગાળા દરમિયાન ટીસીએસે તેની આવકમાં 10 અબજ ડોલરની ઈન્ક્રિમેન્ટલ વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે માર્કેટ-કેપિટલાઈઝેશનમાં 70 અબજ ડોલરથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. ચાલુ નાણા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 10,846 કરોડનો વિક્રમી નફો દર્શાવ્યો હતો.
રિલાયન્સની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હોટેલ્સ, રિસોર્ટ્સ બનાવવાની યોજના
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નવી કંપની રિલાયન્સ એસઓયૂ ગુજરાતમાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હોટેલ્સ અને રિસોર્ટ્સ બનાવવાની યોજના પર વિચારી રહ્યું છે એમ એક અહેવાલ જણાવે છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે પ્રાપ્ય વિગતો મુજબ રિલાયન્સની નવી કંપની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશશે. તે હોટેલ્સ, રિઝોર્ટ્સ અને સર્વિસ એપાર્ટમેન્ટ્સ બનાવશે. જે ટૂંકાગાળા માટે રહેવાની સુવિધા પૂરી પાડશે. કંપની હાઉસબોટ્સમાં પણ લોજિંગ સુવિધા બનાવવા માટે વિચારી રહી હોવાનું રિપોર્ટ નોંધે છે.
કેવડિયા ખાતે નર્મદા નદીને કિનારે સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક અવિસ્મરણીય સ્ટ્રક્ચર છે. તેના પરથી આસપાસનો નજારો તથા વિશાળ સરદાર સરોવર ડેમ નિહાળી શકાય છે. ચાર વર્ષો અગાઉ સ્ટેચ્યૂના બાંધકામથી લઈ અત્યાર સુધીમાં કુલ 1 કરોડ લોકો તેની મુલાકાત લઈ ચૂક્યાં છે. એક નોંધપાત્ર બાબતમાં તાતા જૂથની ઈન્ડિયન હોટેલ્સ કંપની ગુજરાત સરારના સરદાર સરોવર નર્મદા નિગમ સાથે ભાગીદારીમાં અગાઉથી જ ભાગીદારી ધરાવે છે. કંપની તેની બે પ્રોપર્ટીઝ વિવાન્તા અને જીંજરને લોંચ કરવાનું આયોજન ધરાવે છે એમ રિપોર્ટ ઉમેરે છે.
2023માં ભારતમાં સરેરાશ 10.2 ટકા વેતન વૃદ્ધિની અપેક્ષાઃ EY
જોકે 2022ની સરખામણીમાં ચાલુ વર્ષે પગાર વધારો નીચો જોવા મળશે
ઈ-કોમર્સ, પ્રોફેશ્નલ સર્વિસિઝ અને આઈટીમાં સૌથી ઊંચી વૃદ્ધિ જળવાશે
ભારતમાં કેલેન્ડર 2023માં સરેરાશ વેતન વૃદ્ધિ 10.2 ટકા જોવા મળે તેવી અપેક્ષા છે. જે ગયા કેલેન્ડર 2022માં જોવા મળેલી 10.4 ટકા વૃદ્ધિની સરખામણીમાં સાધારણ ઘટાડો સૂચવે છે એમ અર્ન્સ્ટ એન્ડ યંગે(ઈવાય) એક રિપોર્ટમાં જણાવ્યું છે. બ્લ્યૂ-કોલર જોબ્સને બાદ કરતાં અન્ય જોબ લેવલ્સમાં વેતન વૃદ્ધિ નીચી જોવા મળે તેવી અપેક્ષા છે.
2023માં સૌથી ઊંચી વેતન વૃદ્ધિ દર્શાવે તેવા ટોચના ત્રણ સેક્ટર્સમાં ઈ-કોમર્સ, પ્રોફેશ્નલ સર્વિસિઝ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે એમ ઈવાયે ‘ફ્યુચર ઓફ પે 2023’ શીર્ષક હેઠળના રિપોર્ટમાં જણાવ્યું છે. ઈ-કોમર્સ સેક્ટર 12.5 ટકાની સૌથી ઊંચી વેતન વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે. જ્યારબાદ પ્રોફેશ્નલ સર્વિસિઝ ક્ષેત્રે 11.9 ટા અને આઈટી સેક્ટરમાં 10.8 ટકા વેતન વૃદ્ધિ જોવા મળે તેમ રિપોર્ટ નોંધે છે. 2022માં આ ત્રણેય સેક્ટર્સમાં સરેરાશ 14.2 ટકા, 13 ટકા અને 11.6 ટકા વેતન વૃદ્ધિ જોવા મળી હતી એમ તે જણાવે છે. રિપોર્ટમાં નોંધ્યાં મુજબ ભારતમાં એટ્રીશન રેટમાં ઘટાડો નોંધાયો છે અને કંપનીઓને રાહત મળી છે. 21.2 ટકાના સ્તરે તે હવે 2021ની સરખામણીમાં નીચો જોવા મળે છે. વોલ્યુન્ટરી એટ્રીશન રેટ 16.8 ટકા પર હતો. જ્યારે ઈન્વોલ્યુન્ટરી રેટ 3.6 ટકા પર હતો. ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ, ઈ-કોમર્સ અને ટેક્નોલોજી સેક્ટર્સે અનુક્રમે 28.3 ટકા, 27.7 ટકા અને 22.1 ટકાનો સૌથી ઊંચો એટ્રીશન રેટ દર્શાવ્યો હતો. જ્યારે મેટલ્સ અને માઈનીંગ, હોસ્પિટાલિટી સેક્ટર અને એરોસ્પેસ સેક્ટરે અનુક્રમે 8.2 ટકા, 9.1 ટકા અને 10.9 ટકાનો સૌથી નીચો એટ્રીશન રેટ દર્શાવ્યો હતો. રિપોર્ટ મુજબ એઆઈ અને ક્લાઉડ કોમ્પ્યુટીંગ ઊંચી માગ દર્શાવી રહ્યાં છે. તેઓ બેઝિક સોફ્ટવેર એન્જીનીયરીંગમાં મળતાં વળતર કરતાં 15-20 ટકા પ્રિમીયમ ધરાવે છે.
સેમસંગની ભારતને સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવા માટેની વિચારણા
સાઉથ કોરિયન જાયન્ટ સેમસંગ ભારતને સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવા માટે વિચારી રહી છે. આ માટે તે રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર્સમાં રોકાણ કરવાનું આયોજન ધરાવે છે. કંપની તેની પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મક્તામાં વૃદ્ધિ માટે વધુ સારી મેન્યૂફેક્ચરિંગ સુવિધા માટે પણ વિચારી રહી છે એમ સેમસંગના વૈશ્વિક હેડને ટાંકીને એક રિપોર્ટ જણાવે છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે મોબાઈલ એક્સપિરિયન્સ બિઝનેસ હેડ ટીએમ રોહને ટાંકી રિપોર્ટમાં નોંધ્યું છે કે કંપની ભારતમાં આરએન્ડડી ધરાવે છે. આમ નવા ઈન્નોવેશન્સ માટે કંપની ક્રિટિકલ એરિયામાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. અમે નોઈડા ફેક્ટરીઝ ખાતે સ્માર્ટ ફેક્ટરીઝ મારફતે ઓપ્ટીમાઈઝેશન લાવવા માટે રોકાણ જાળવીશું. તે પ્રોડક્શન ક્ષેત્રે સ્પર્ધાત્મક્તામાં વૃદ્ધિ કરશે. કંપની નોઈડા સ્થિત તેના બીજા સૌથી મોટા મોબાઈલ ફોન પ્લાન્ટમાં સ્માર્ટ મેન્યૂફેક્ચરિંગ ક્ષમતા સ્થાપવા માટે મહત્વની યોજના ઘડી રહી છે. કંપની ભારતને સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે અને અન્ય દેશોમાં હેન્ડસેટ નિકાસ કરવા પણ વિચારે છે. આને હાંસલ કરવા માટે સેમસંગ સ્થાનિક પાર્ટનર્સ સાથે મળી કામ કરી રહી છે.
ગોલ્ડમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
છેલ્લાં એક સપ્તાહમાં અસાધારણ ભાવ વૃદ્ધિ દર્શાવ્યાં બાદ ગોલ્ડના ભાવમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 12 ડોલર નરમાઈ સાથે 1971 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે સાંજે તેણે 2015 ડોલરની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે મંગળવારે તે 1766-1989 ડોલરની રેંજમાં ટ્રેડ થયો હતો. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડમાં રૂ. 300નો ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 59200ની આસપાસ જોવા મળતું હતું. ગોલ્ડમાં નરમાઈ છતાં સિલ્વર પોઝીટીવ ટ્રેડ દર્શાવતી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 100નો સુધારો સૂચવતો હતો.
સરકારને સુધારેલા અંદાજ કરતાં પણ વધુ ડિવિડન્ડ મળશે
કેન્દ્ર સરકાર 2022-23માં તેણે સુધારેલા અંદાજ કરતાં પણ જાહેર સાહસો તરફથી રૂ. 10 હજાર કરોડ જેટલું વધુ ડિવિડન્ડ મેળવ્યું છે. જોકે, ડિસઈન્વેસ્ટમેન્ટના સંદર્ભમાં વાત કરીએ તો તે અંદાજ કરતાં રૂ. 18 હજાર કરોડ ઓછાં મેળવશે એમ તાજો ડેટા સૂચવે છે. 2022-23 માટેના બજેટમાં ડિવિડન્ડ મારફતે રૂ. 40 હજાર કરોડની આવકનો અંદાજ હતો. જે પાછળથી સુધારી રૂ. 43000 કરોડ કરવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધીમાં સીપીએસઈ તરફથી સરકારને રૂ. 52299 કરોડનું ડિવિડન્ડ ચૂકવી દેવાયું છે. જે રૂ. 10 હજાર કરોડની વૃદ્ધિ સૂચવે છે.
ફેબ્રુઆરીમાં પીઈ-વીસી ઈન્વેસ્ટમેન્ટ 44 ટકા ઘટાડો
ચાલુ કેલેન્ડરમાં ફેબ્રુઆરી દરમિયાન પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સ તરફથી રોકાણમાં વાર્ષિક ધોરણે 44 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે 3.7 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં લોંગ-ટર્મ ઈન્વેસ્ટર્સે દર્શાવેલા રોકાણની સરખામણીમાં ફેબ્રુઆરીમાં તે 13 ટકા જેટલું નીચું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે મંદીની શક્યતાં, વધતો મૂડી ખર્ચ અને વેલ્યૂએશનમાં મિસમેચને જોતાં પીઈ તરફથી નવા મૂડી રોકાણમાં ખચકાટ જોવા મળ્યો હોવાનું વર્તુળોનું કહેવું છે. ફેબ્રુઆરી 2022માં પીઈ અને વીસીએ 6.6 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઓસીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીએ અન્ય પીએસયૂ સાહસ એનટીપીસીની સબસિડિયરી સાથે રિન્યૂએબલ એનર્જી પાવર પ્લાન્ટ્સની સ્થાપના માટે સંયુક્ત સાહસની સ્થાપના કરી છે. બંને જાયન્ટ કંપનીઓ દેશભરમાં આરઈ ક્ષેત્રે કામ કરશે.
ઓએનજીસીઃ કેન્દ્ર સરકારે દેશમાં ક્રૂડ પેટ્રોલિયમના ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સને રૂ. 4400 પ્રતિ ટન પરથી ઘટાડી રૂ. 3500 કર્યો છે. સરકારે 1 જુલાઈ 2022થી વિન્ડફોલ લાગુ પાડ્યો હતો. જે વખતે ક્રૂડના ભાવ 113 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જોકે હાલમાં તે 74 ડોલર આસપાસ ચાલી રહ્યાં છે.
ડીએલએફઃ રિઅલ્ટી કંપનીએ જણાવ્યું છે કે તે ગુરુગ્રામ ખાતે આગામી ચાર વર્ષોમાં રૂ. 3500 કરોડનું કુલ મૂડીરોકાણ કરશે. કંપની પાસે એનસીઆર રિજિયનમાં સૌથી મોટી લેંડ બેંક આવેલી છે.
જીએમઆર એરપોર્ટ્સઃ જીએમઆર એરપોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડે કંપનીના જીએમઆર ઈન્ફ્રામાં મર્જરને મંજૂરી આપી હતી.
આરબીએલ બેંકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ પ્રાઈવેટ બેંક પર રૂ. 2.27 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે. બેંક તરફથી આરબીઆઈના ઈન્ટરનલ ઓમ્બુડ્સમેન સ્કીમના નિયમોનું પાલન નહિ કરવા બદલ આ દંડ લાગુ પાડવામાં આવ્યો છે.
સ્પાઈસ જેટઃ ઉડ્ડયન કંપની ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ બાયર રૂટ મારફતે રૂ. 2500 કરોડ સુધીની રકમ ઊભી કરશે. જેનો ઉપયોગ બેલેન્સ શીટ રિસ્ટ્રક્ચરિંગ અને નવા વિમાનોની ખરીદી માટે કરાશે.