Market Summary 20 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


તેજીવાળાઓ બીજા દિવસે પણ અડગ રહેતાં રોકાણકારોને રાહત
એશિયન બજારોમાં પણ સાર્વત્રિક સુધારો, યુરોપ જોકે નરમ
નિફ્ટીના 50માંથી 45 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.79ની સપાટીએ
ફાર્મા શેર્સે તેજીની આગેવાની સંભાળી
ઓટો અને મેટલમાં પણ ખરીદી જોવાઈ
બ્રોડ માર્કેટમાં પાછા ફરેલા ખરીદારો
સિપ્લા, ટીવીએસ મોટર સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયા
માસ્ટેકે વાર્ષિક તળિયું દર્શાવ્યું


સપ્તાહના બીજા સત્ર દરમિયાન તેજીવાળાઓ મક્કમ રહેતાં ભારતીય શેરબજારે આગેકૂચ જાળવી રાખી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 17800ના અવરોધને પાર કરી ગયો હતો. બ્રોડ બેઝ ખરીદી વચ્ચે બીએસઈ સેન્સેક્સ 578.5 પોઈન્ટ્સ ઉછળી 59720ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 194 પોઈન્ટ્સ ઉછળી 17816ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદીને કારણે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 45 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 5 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બીએસઈ ખાતે લગભગ બે શેર્સમાં ખરીદી સામે એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.79ની સપાટીએ બંધ રહ્યો હતો.
યુએસ બજારમાં સોમવારે સુધારો જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારો મંગળવારે પોઝીટીવ ટેરિટરીમાં ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યાં બાદ વધુ સુધરતું રહ્યું હતું. જોકે બપોર બાદ તે ઈન્ટ્રા-ડે ટોચ બનાવી ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. જોકે તેણે એક ટકાથી વધુ સુધારા સાથે બંધ આપ્યું હતું. મહત્વની બાબત નિફ્ટીનું 17816ના સ્તરે બંધ રહેવું હતું. ટેકનિકલ એનાલિસ્ટના મતે નિફ્ટીએ આજે ફરી બ્રેકઆઉટ દર્શાવ્યું છે. તેના માટે 18 હજારનો એક અવરોધ છે. જે પાર થાય તો વધુ સુધારો જોવા મળી શકે છે. ઈન્ટ્રા-ડે 17919.30ની ટોચથી નિફ્ટી 100 પોઈન્ટ્સ નીચે બંધ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર્સ જોકે 17804ની સપાટીએ સ્પોટ નિફ્ટી સામે ડિસ્કાઉન્ટમાં ક્લોઝ દર્શાવતો હતો. જે સૂચવે છે કે લોંગ પોઝીશન કવર થઈ છે. આજથી ફેડ એફઓએમસીની બે દિવસીય બેઠક શરૂ થશે. ફેડ બુધવારે રેટ વૃદ્ધિની જાહેરાત કરશે. બજારની અપેક્ષા મુજબ 75 બેસીસ પોઈન્ટ્સ વધારો નિશ્ચિત છે. જ્યારે એક નાનો વર્ગ માને છે કે ફેડ 100 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ પણ દર્શાવી શકે છે. જેને કારણે જ ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે. જેની પાછળ યુએસ શોર્ટ ટર્મ યિલ્ડ્સ પણ ઊંચકાઈ ગયા છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ ફુગાવાની ચિંતાને જોતાં બજારમાં ઊંચા સુધારાની શક્યતાં નથી જોઈ રહ્યાં. તેમના મતે નિફ્ટી માટે 17300નો મહત્વનો સપોર્ટ છે. જેની નીચે 16500 સુધીનો ઘટાડો પણ સંભવ છે. માર્કેટમાં તેઓ ઊંચી વોલેટિલિટીની અપેક્ષા રાખી રહ્યાં છે.
મંગળવારે બજારમાં તેજીનું સુકાન ફાર્મા સેકટરે સંભાળ્યું હતું. નોંધપાત્ર સમયથી આઉટપર્ફોર્મર રહેલા ફાર્મા સેક્ટરમાં ઓપનીંગથી લઈને આખર સુધી ખરીદી જળવાય હતી અને ફાર્મા ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળી દિવસની ટોચ પર જ બંધ રહ્યો હતો. જેમાં 5.4 ટકા ઉછાળા સાથે સિપ્લાનું સૌથી મોટું યોગદાન હતું. આ ઉપરાંત લ્યુપિન, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, બાયોકોન, ડો.રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા અને આલ્કેમ લેબમાં પણ 2 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. ઓટો સેક્ટરે પણ માર્કેટને સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.66 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ 6.24 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. જે ઉપરાંત ટીવીએસ મોટર, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, અમર રાજા બેટરીઝ, બજાજ ઓટો, એમએન્ડએમ, અશોક લેલેન્ડ પણ એક ટકાથી લઈ પાંચ ટકા સુધીની વૃદ્ધિ સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.6 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ 2.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે સેઈલ, વેલસ્પન કોર્પ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ બીજા દિવસે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં મીડ-કેપ આઈટી શેર્સ કોફોર્જ, એણ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ઈન્ફોટેકમાં એક ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં એકમાત્ર ઈન્ફોસિસ નેગેટિવ બંધ સૂચવતો હતો. ટીસીએસ તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી નોંધપાત્ર ઘટાડે બંધ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ પોણો ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે તે દિવસના તળિયા નજીક બંધ રહ્યો હતો. એફએમસીજી કાઉન્ટર્સમાં વરુણ બેવરેજીસ 4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે મેરિકો ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા, ઈમામી 3 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 2.6 ટકા, બ્રિટાનિયા 1.7 ટકા અને ડાબર ઈન્ડિયા 1.6 ટકાનો સુધારો દર્શાવતા હતા. આઈટીસી અને હિંદુસ્તાન યુનિલીવર તેમની ઈન્ટ્રા-ડે હાઈ પરથી ગગડીને સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.5 ટકા સુધારો નોંધાવી બંધ રહ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 2.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઓએનજીસી, ટાટા પાવર, ગેઈલ, બીપીસીએલ, એનટીપીસીમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 4.3 ટકા જેટલો સુધર્યો હતો. જ્યારે ઓબેરોય રિઅલ્ટી 2.5 ટકા, ફિનિક્સ મિલ્સ 2 ટકા, ડીએલએફ 1.8 ટકા અને સનટેક રિઅલ્ટી 1.2 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મિડિયા પણ એક ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં ટીવી18બ્રોડકાસ્ટ 4.4 ટકા, નેટવર્ક18 4 ટકા, ટીવી ટુડેનેટવર્ક 3.8 ટકા અને ડીશ ટીવી 3 ટકા મજબૂતી દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો એપોલો હોસ્પિટલ 6 ટકા ઉછળી સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત સીજી કન્ઝ્યૂમર 6 ટકા, ટીવીએસ મોટર 5.35 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 5 ટકા, રેઈન ઈન્ડસ્ટ્રીઝ 4.5 ટકા, ભારત ફોર્જ 4.5 ટકા, સન ફાર્મા 4.3 ટકા, અબોટ ઈન્ડિયા 4.3 ટકા, જીએસપીસી 4 ટકા, બલરામપુર ચીની 4 ટકા અને લૌરસ લેબ્સ 4 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ કેન ફિન હોમ્સ 4 ટકાથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, મેક્સ ફાઈનાન્સિયલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ડેલ્ટા કોર્પ, જીએમઆર ઈન્ફ્રા, હિંદુસ્તાન એરોનોટિક્સ, એમઆરએફ, નેસ્લે અને આઈઓસી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. કેટલાંક કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમાં સિપ્લા, ટીવીએસ મોટર, એઆઈએ એન્જિનીયરીંગ, વરુણ બેવરેજીસ, આઈશર મોટર્સ, ગુજરાત ફ્લોરો અને અંબુજા સિમેન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ માસ્ટેક અને મેટ્રોપોલીસ હેલ્થે તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.


અદાણી જૂથે ACC અને અંબુજા સિમેન્ટ્સના 13 અબજ ડોલર્સના શેર્સ પ્લેજ કર્યાં
હોલ્સિમ પાસેથી બંને કંપનીઓ ખરીદવાની ઔપચારિક્તા પૂર્ણ થયાના બીજા જ દિવસે કરેલું પ્લેજ

વિશ્વમાં બીજા ક્રમના સંપત્તિવાન ગૌતમ અદાણીના જૂથે તેમણે તાજેતરમાં ખરીદેલી બે સિમેન્ટ કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના 13 અબજ ડોલરના મૂલ્યના શેર્સ પ્લેજ કર્યાં છે. ગયા સપ્તાહે સ્વીસ જૂથ હોલ્સિમ પાસેથી સિમેન્ટ કંપનીઓમાં હિસ્સા ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કર્યાંના બીજા જ દિવસે તેમણે શેર્સ પ્લેજ કર્યાં હતાં. જે જૂથની તાતી મૂડી જરૂરિયાત સૂચવે છે.
ભારતીય સ્ટોક એક્સચેન્જિસને કરેલા બે અલગ ફાઈલીંગમાં ડોઈશે બેંક એજીની હોંગ કોંગ શાખાએ જણાવ્યા મુજબ એસીસીમાં 57 ટકા અને અંબુજા સિમેન્ટ્સમાં 63 ટકા હિસ્સો કેટલાંક લેન્ડર્સ અને અન્ય ફાઈનાન્સ પાર્ટીઝની તરફેણમાં પ્લેજ કરવામાં આવ્યો છે. બિઝનેસ ટાયકૂને તાજેતરમાં ગ્રીન એનર્જીથી લઈ મિડિયા સેક્ટરમાં મહત્વાકાંક્ષી ડિલ કર્યાં છે. જેણે અદાણી જૂથના ઊંચા ડેટને લઈને ચિંતા ઊભી કરી છે. જોકે છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સ દરમિયાન અદાણી જૂથે તેની લિસ્ટેડ કંપનીઓમાંના કેટલાંક પ્લેજ્ડ હિસ્સાને છૂટો કરાવ્યો છે, તેમ છતાં કેટલાંક યુનિટ્સ ઊંચો લેવરેજ રેશિયો ધરાવે છે. હોલ્સિમ પાસેથી બે ટોચની ભારતીય સિમેન્ટ કંપનીઓમાંનો હિસ્સો ખરીદી અદાણીએ સિમેન્ટ ક્ષેત્રે સીધો પ્રવેશ મેળવ્યો હતો. ગયા સપ્તાહે હિસ્સો ખરીદવાની તમામ ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂથે 2027 સુધીમાં કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને બમણી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. હાલમાં જૂથ આદિત્ય બિરલા જૂથ બાદ દેશમાં બીજા ક્રમનું સિમેન્ટ ઉત્પાદક બની રહેશે. આ ખરીદી અદાણી જૂથને બે લિસ્ટેડ કંપનીઓ પાસે પડેલી 11000 કરોડ(1.4 અબજ ડોલર)ની કેશ પ્રાપ્ય બનાવશે એમ એક નાણા સંસ્થાનો અહેવાલ જણાવે છે. નવા માલિક તરફથી રૂ. 20000 કરોડના ફંડ ઈન્ફ્યૂઝન સાથે સંયુક્ત કંપની પાસે નવા વિસ્તરણ માટે પૂરતું ફંડ પ્રાપ્ય હશે એમ અહેવાલ નોંધે છે. જે મારફતે તેઓ ઓર્ગેનિક રીતે અથવા ઈનઓર્ગેનિક રીતે વિસ્તરણ કરી શકે છે. અદાણી જૂથની અદાણી ગ્રીન એશિયામાં 2021 ટકા ડેટ-ઈક્વિટી રેશિયો સાથે બીજા ક્રમની ઊંચી દેવાદાર કંપની છે.


ખરિફ વાવેતર 84.92 લાખ હેકટરમાં સંપન્ન
ગુજરાતમાં ખરિફ વાવેતર 84.92 લાખ હેકટર સાથે 98.4 ટકા વિસ્તારમાં પૂર્ણ થયું છે. ગયા સપ્તાહે વાવેતરમાં વધુ 75 હજાર હેકટરનો ઉમેરો નોંધાયો હતો. જેમાં મુખ્યત્વે એરંડા અને ઘાસચારા પાકોનો સમાવેશ થતો હતો. એરંડાનું વાવેતર 31 હજાર હેકટર વધી 6.84 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જે છેલ્લા ત્રણ વર્ષોની 6.77 લાખ હેકટરની સરેરાશને પાર કરી ગયું હતું. જ્યારે ગઈ સિઝનમાં સમાનગાળામાં 5.99 લાખ હેકટરની સરખામણીમાં તે 85 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ઘાસચારાનું વાવેતર વધુ 23 હજાર હેકટરના ઉમેરા સાથે 10.83 લાખ હેકટર પર પહોંચ્યું હતું. ગઈ સિઝનમાં સમાનગાળામાં 10.72 લાખ હેકટરની સરખામણીમાં તે 11 લાક હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. કઠોળ પાકોનું વાવેતર 2 હજાર હેકટર વધી 4.18 લાખ હેકટરે પહોંચ્યું હતું.

ઈથેનોલ ખરીદ ભાવમાં વૃદ્ધિની શક્યતાં પાછળ સુગર શેર્સમાં તેજી
કેન્દ્ર સરકાર આગામી સિઝન 2022-23(ડિસેમ્બર-નવેમ્બર) માટે તમામ કેટેગરીઝમાં ઈથેનોલના ખરીદ ભાવમાં પ્રતિ લિટર રૂ. 2ની વૃદ્ધિ કરે તેવી શક્યતાં પાછળ મંગળવારે સુગર શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં બલરામપુર ચીની 4 ટકાથી વધુ ઉછળ્યો હતો. ધામપુર સુગર 6 ટકા ઉછળ્યો હતો. રાણા સુગર્સ 5 ટકા ઉછળ્યો હતો. શક્તિ સુગર્સ 3 ટકા ઉછળ્યો હતો. ઈથેનોલ ઉત્પાદક કંપનીઓ તો આગામી વર્ષે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તેમની પાસેથી તીવ્ર ઊંચા ભાવે ઈથેનોલની ખરીદી કરે તેવી શક્યતાં જોઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ આંતરિક ચર્ચા-વિચારણાને આધારે અમે પ્રતિ લિટર રૂ. 2ની વૃદ્ધિને સમજી શકીએ છીએ. આ અંગે મિનિસ્ટરને વિગતો મોકલી આપવામાં આવી છે અને આખરી નિર્ણય કેબિનેટે લેવાનો રહેશે.


FPI બેનિફિશ્યલ ઓવનર્સ માટે કડક નિયમો વિચારી રહેલી સેબી
હાલમાં BO માટેના ડિસ્ક્લોઝર્સ માટેની થ્રેસહોલ્ડ લિમિટ્સને ઘટાડવામાં આવે તેવી શક્યતાં

માર્કેટ રેગ્યુલેટર સેબી દેશમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર(એફપીઆઈ)ના ‘બેનિફિશ્યલ ઓવનર્સ’(બીઓ)ની ઓળખ માટે સખત રૂપરેખા તૈયાર કરી રહી છે. આ ચર્ચાથી માહિતગાર વર્તુળો જણાવે છે કે હાલમાં માર્કેટ રેગ્યુલેટર બીઓ માટે અધિક માહિતી પૂરી પાડવા માટે થ્રેસહોલ્ડને ઘટાડવાની શક્યતા અને અસરને ચકાસી રહી છે. થ્રેસહોલ્ડને ઘટાડવાથી બીઓ પર વધુ સારી પકડ મેળવી શકાશે એમ સેબીનું માનવું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં બહાર આવેલી ઘણા ફંડ્સની કેવાયસીની સમસ્યા પણ આનાથી ઘટતી જોવાશે.
એફપીઆઈ એ એક પ્રકારના પુલ્ડ વેહીકલ્સ છે. જેઓ સ્થાનિક સિક્યૂરિટીઝમાં નાણાનું રોકાણ કરે છે અને સેબી સાથે રજિસ્ટર્ડ હોય છે. તેઓ સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સની જેમ જ હોય છે. વર્તમાન રૂપરેખા હેઠળ ફંડમાં નોંધપાત્ર યોગદાન ધરાવતાં હોય તેવી તમામ કંપનીઓની બેનિફિશ્યલ ઓવનરશીપને ખૂલ્લી કરવી જરૂરી છે. જો ફંડમાં રોકાણકાર કોઈ કંપની હોય તો તેના માટે ફંડના કુલ ભંડોળના 25 ટકાને એક થ્રેસહોલ્ડ તરીકે રાખવામાં આવી છે. એટલેકે જો તેનું યોગદાન ફંડના 25 ટકા કે તેનાથી વધુ હોય તો તેના વિશે ડિસ્ક્લોઝર જરૂરી છે. ફંડ અથવા તો પાર્ટનરશીપ ફર્મના કિસ્સામાં આ થ્રેસહોલ્ડ 15 ટકા નક્કી કરવામાં આવી છે. જો એફપીઆઈ ઊંચું જોખમ ધરાવતાં પ્રદેશમાંથી આવતી હોય તો તે ફંડના તમામ રોકાણકારો માટેની થ્રેસહોલ્ડ 10 ટકાના નીચા સ્તરે નિર્ધારિત કરવામાં આવી છે.



કોર્પોરેટ હેડલાઈન્સ

ડિશ ટીવીઃ કંપનીના ફાઉન્ડર પ્રમોટર જવાહર લાલ ગોએલે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. જ્યારબાદ કંપનીના બોર્ડ પર નિયંત્રણ મેળવવા યસ બેંક માટે માર્ગ મોકળો થયો છે. કંપનીની એજીએમ 26 સપ્ટેમ્બરે યોજાનાર છે.
અદાણી ગ્રૂપઃ જૂથે જણાવ્યું છે કે અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની ઉત્પાદન ક્ષમતા આગામી પાંચ વર્ષોમાં બમણી થશે. હાલમાં બંને કંપનીઓની પ્રોડક્શન કેપેસિટી 7 કરોડ ટનની છે. જે પાંચ વર્ષોમાં વધી 14 કરોડ ટન પર પહોંચશે. હાલમાં એબી બિરલા જૂથની અલ્ટ્રાટેક 12 કરોડ ટન ક્ષમતા સાથે સૌથી મોટી કંપની છે.
ઓલાઃ મોબિલિટી યુનિકોર્ન કંપનીએ 200 સોફ્ટવેર એન્જીનીયર્સને છૂટાં કર્યાં છે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપનીએ તેના 2000 એન્જીનીયર્સમાંથી 10 ટકાને પિન્ક સ્લીપ આપી છે. કંપનીએ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આમ કરાયું હોવાનું જણાવ્યું છે.
પબ્લિક સેક્ટર બેંક્સઃ નાણા વિભાગે જાહેર ક્ષેત્રની બેંક્સને કરન્ટ એકાઉન્ટ પર ભાર આપીને તેમના ડિપોઝીટ્સ બેઝને વધારવા માટે જણાવ્યું છે. ડિપોઝીટ રેટ્સ વધી રહ્યાં છે ત્યારે પ્રાઈવેટ સેક્ટર તરફથી ડિપોઝીટ્સ આકર્ષવાના પ્રયાસોને જોતાં નાણા વિભાગે જાહેર ક્ષેત્રની બેંકોને આ નિર્દેશ આપ્યો છે.
ફ્યુચર સપ્લાય ચેઈનઃ કંપનીના બોર્ડે વેરહાઉસ એસેટ્સના વેચાણની યોજનાને મુલત્વી રાખી છે. કંપનીએ જણાવ્યું છે કે વેચાણ માટે જરૂરી મંજૂરી મેળવવામાં વિલંબ થવાથી વેચાણનો હેતુ પૂરો થવાની તક જતી રહેવાથી આમ કર્યું છે.
સિએટઃ ટાયર કંપનીના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર રૂ. 150 કરોડના મૂલ્યના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ફાળવણી કરી છે.
કોલ ઈન્ડિયાઃ દેશમાં સૌથી મોટી કોલ ઉત્પાદક કંપની ઈ-ઓક્શન મારફતે 8-9 કરોડ ટન કોલસાનું વેચાણ કરે તેવી અપેક્ષા છે. ઊંચી કોલ માગ તથા મજબૂત આંતરરાષ્ટ્રીય ભાવને જોતાં કંપની નોટિફાઈડ પ્રાઈસ કરતાં 300 ટકા પ્રિમીયમે આ વેચાણ કરશે. પીએસયૂ કોલ કંપની પ્રતિ ટન રૂ. 4400-4500ની કમાણી કરી રહી છે.
બટરફ્લાય ગાંધીમથીઃ ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝે તેની પેટાકંપની બટરફ્લાય ગાંધીમથીમાંનો 6 ટકા હિસ્સો ઓફર ફોર સેલ મારફતે વેચાણ માટેની મંજૂરી આપી છે.
કેન ફિન હોમ્સઃ કંપનીના એમડી અને સીઈઓ ગિરિશ કૌસ્ગીએ અંગત કારણોસર તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપશે. આ જાહેરાત પાછળ શેર્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
ઈરકોનઃ રેલ્વેની સબસિડિયરીએ મહાનદી કોલફિલ્ડ્સ પાસેથી રૂ. 256 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
બોમ્બે ડાઈંગઃ કંપનીનું બોર્ડ 22 સપ્ટેમ્બરે રાઈટ્સ ઈસ્યૂ મારફતે ફંડ ઊભું કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
એડવાન્સ્ડ એન્ઝાઈમ્સઃ નાલંદા ઈન્ડિયા ઈક્વિટી ફંડે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે કેમિકલ કંપનીમાં 29,11,630 ઈક્વિટી શેર્સની ખરીદી કરી હતી.
આઈએફસીઆઈઃ પીએસયૂ ફાઈનાન્સ કંપનીનું બોર્ડ 27 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારને પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા માટે મળશે.
અદાણી એન્ટરપ્રાઈઝિસઃ કંપનીએ એનસીડી મારફતે રૂ. 100 કરોડ ઊભા કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage